સંસ્કૃત લઘુકાવ્ય : સંસ્કૃતસત્ર-12 (ભાગ-1) – મૃગેશ શાહ

પ્રતિવર્ષ મહુવા ખાતે કૈલાસ ગુરુકૂળના રમણીય પરિસરમાં, મોરારિબાપુની ઉપસ્થિતિમાં યોજાતા સંસ્કૃતસત્રનું આ બારમું વર્ષ હતું. તા. 18 થી 20-સપ્ટેમ્બર, દરમિયાન યોજાએલા આ સત્રમાં ઉપસ્થિત રહીને જે માણવાનું મળ્યું તે અહીં શબ્દરૂપે આપ સૌની સાથે વહેંચવાનો અનેરો આનંદ છે. વર્તમાન સત્રનો વિષય હતો ‘સંસ્કૃત લઘુકાવ્ય’. અહીં લઘુકાવ્ય એટલે અનેક પ્રકારના સુપ્રસિદ્ધ સ્તોત્ર, શતક અને મધુર સંવાદને લગતાં કાવ્યો. સંસ્કૃત સાહિત્યમાં જેઓએ આજીવન કામ કર્યું છે એવા વિવિધ મહાનુભાવો તેમજ વિદ્વાનોએ અહીં સુંદર વક્તવ્યો આપ્યાં હતાં. આ વૈદિક વારસાનું આચમન કરતાં એમ થતું હતું કે સંસ્કૃત સાહિત્યમાં કેટલાં બધાં રત્નો ભર્યાં પડ્યાં છે !

આ સત્રની પ્રથમ બેઠકનો આરંભ પહેલા દિવસે સવારે બરાબર નવ વાગ્યે થયો હતો. શ્રી કપિલદેવ શાસ્ત્રી તેમજ કૈલાસ ગુરુકુળના બાળકોએ ‘ગણેશ સુક્ત’નું ગાન કર્યું હતું. ત્યારબાદ સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યની વિધિ સંપન્ન થઈ હતી. સત્રનું સંચાલન કરતાં શ્રી હરિશ્ચદ્રભાઈ જોષીએ અગાઉના સંસ્કૃતસત્ર વિશેની માહિતી તેમજ આ સત્રની સમગ્ર રૂપરેખા વિશે આછો પરિચય આપ્યો હતો. એ પછી પ્રથમ સંગોષ્ઠિનો આરંભ થયો હતો. આ સંગોષ્ઠિનું સંચાલન શ્રી વિજય પંડ્યાએ કર્યું હતું. એમાં કુલ ત્રણ વક્તવ્યો હતાં. જેમાં ભર્તૃહરિના ‘નીતિશતક’ વિશે પ્રજ્ઞાચક્ષુ શ્રી ભાસ્કરભાઈ મહેતાએ વાત કરી હતી. કવિ બિલ્હણની ‘ચૌરપંચાશિકા’ વિશે શ્રી અજિત ઠાકોરે વક્તવ્ય આપ્યું હતું અને મયૂરકવિના ‘સૂર્યશતક’ વિશે શ્રી મનસુખભાઈ સાવલિયાએ મનનીય પ્રવચન કર્યું હતું. ચાલો, આપણે આ ત્રણેય સુંદર વક્તવ્યોનું રસપાન કરીએ.

[1] નીતિશતક (ભર્તુહરી) – ભાસ્કર મહેતા

કૃષ્ણં વંદે જગદગુરુમ
આદરણીય મોરારિબાપુ, ગૌતમભાઈ, વિજયભાઈ અને સૌ સાથીઓ.

ભર્તૃહરિ વિશે આપ બધા બહુ જાણો છો. મને લાગે છે કે આપણે ત્યાં એમને અનુમાન-પ્રમાણનો વધારે આશરો લઈને અન્યાય કરતા હોઈએ એવું નથી લાગતું ? એક બાજુ આજકાલ સુત્ર આવે કે ‘Choice is yours’ અને એ સાતવાર સંન્યાસ અને સાતવાર સંસારની વાત કરે એને આપણે બધા જુદી રીતે જોઈએ છે. એ સાચું છે કે ખોટું એ તો પહેલા જોઈ લઈએ ! ભર્તૃહરિમાં એક વાત છે. એમ કહેવાય છે કે એ રાજા હતો. ભર્તૃહરિ એક એવો માનવ હતો કે જેણે બીજા માનવ માટે ચિંતા કરી છે. એના કાવ્યસર્જનમાં એણે એક પણ વિષય એવો અસ્પૃશ્ય નથી રહેવા દીધો કે જેને આપણે જીવનમાં આજે પણ અસ્તિત્વમાં ન ધરાવતો અનુભવી શકીએ.

મારું આ પ્રકારનું આ પ્રથમ વ્યાખ્યાન છે. વિકલાંગ ક્ષેત્રે ઈન્ટરનેશનલ અનેક કોન્ફરન્સો ગુંજાવી છે પરંતુ આ જે તક મળી એ માટે સૌ આયોજકોનો અને બાપુનો આભાર. હું તો ઈડરના વાણિયાઓ વચ્ચે રહું છું એથી અહીં કંઈક આપવા કરતાં મેળવવા વધારે આવ્યો છું ! લઘુકાવ્ય એટલે જે લાઘવયુક્ત છે તે. Very short in size but very very important in evalution. મને એમ લાગે છે કે આ લાઘવ એ સંસ્કૃત સાહિત્ય જ જગતને આપી શકે. અન્ય કોઈ સાહિત્ય ન આપી શકે. મને કોણ જાણે એમ લાગ્યા કરે છે કે આ કાવ્ય આસ્વાદ માટે છે ? આ કાવ્ય ગાવા માટે છે ? આ કાવ્ય જીવનમાં ઉતારીને બીજાને દર્શાવવા માટે છે કે તું ઉતાર તો તારો પણ બેડો પાર થઈ જશે. વાત અહીં આપણે વિવેચનની કરતાં હોઈએ એવું મને સતત લાગે છે. એ જ્યારે વર્ગમાં ભણાવાય પરંતુ ગવાય નહીં તો એનો અર્થ શું ? પઠન જુદી વાત છે પરંતુ ગાન એવી ચીજ છે જે મનુષ્યના મન, બુદ્ધિ અને હૃદય પર સીધી અસર કરે છે. આ ભર્તૃહરિના નીતિશતકનું વૈવિધ્ય તો જુઓ ! એની શરૂઆત પરબ્રહ્મથી થાય છે. ભર્તૃહરિ કહે છે એ તત્વને સાંભળો ના, એને અનુભવો. આપણે બધા રોજ અંગ્રેજી બોલીએ છીએ પરંતુ આપણી પાસે એવો સમય છે કે આપણે આપણા પોતાનાં જ કાવ્યો અને પોતાની જ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે પરિશ્રમ કરી સંસ્કૃત અધ્યયનક્ષેત્રે આપણે કંઈક ઝંપલાવીએ ?

આપણે કાવ્યાનંદને બ્રહ્માનંદ સરખો ગણીએ છીએ. અહીં આપણને ભર્તૃહરિ પૂરો ખ્યાલ આપે છે કે કાવ્ય અનુભૂતિથી જ થાય. ભર્તૃહરિ સુભાષિતોનો રચાયિતા પણ હતો. એ કહે છે કે વિદ્વાનોનું કાર્ય સુભાષિતને સમાજ સુધી લઈ જવાનું હતું. એ લોકો લઈ જઈ શક્યા કે નહિ એ વાત આપણા પર છોડે છે પરંતુ એમ કહે છે કે તમે જ્યાં સુધી ઈર્ષ્યામાં ફસાયેલા રહેશો ત્યાં સુધી સમાજ પણ બદીઓમાં ફસાયેલો રહેશે અને સુભાષિત પણ કદી બહાર નહીં આવે. એ મન, બુદ્ધિ અને અહંકારમાં સ્થિર થવું જોઈએ. એક બીજી વાત એ છે કે આ રાજકારણીઓ બધા જ ગુરુ થઈ ગયા છે. એ જાહેરમાં મારી તમારી વાત કરશે પરંતુ જ્યારે અંદર મળવા જશો ત્યારે તેઓ તમને એમ કહેશે કે એ બધું તો એવું જ હોય ! કવિઓ તો કહ્યા જ કરે ! હું એમ માનું છું કે કવિતા ઝૂંપડીઓમાં રહેતા સામાન્યજન સુધી જ્યાં સુધી પહોંચતી નથી ત્યાં સુધી એ આસ્વાદ્ય બનતી પણ નથી.

મને સોફિસ્ટીકેટેડ સોસાયટીમાં મારી ડિસએબિલિટીને કારણે જે અનુભવો થયા હતાં ત્યારે મને ભર્તૃહરિ બહુ યાદ આવ્યા હતાં. મને ઘણીવાર એમ લાગે છે કે આ બુદ્ધિજીવી વર્ગને આપણે બુદ્ધિજીવી કહીએ છીએ પરંતુ એ પોતાના મતને કે પૂર્વગ્રહને ત્યજવા તૈયાર જ નથી. મારે ઈડર કોલેજમાં અધ્યાપક બનવાનું થયું ત્યારે સૌએ આ વાત નહોતી સ્વીકારી. મને ભર્તૃહરિ ખોટો નથી લાગતો. ભર્તૃહરિ એમ કહે છે કે તમે સાવ મૂર્ખને ડાહ્યો કરી શકો પરંતુ જે અડધો ડાહ્યો હોય એ ન તો ડાહપણ રાખે કે ન તો પેલા પક્ષનોય થાય. મન, હૃદય અને આચરણથી બુદ્ધજન બનવાનું છે. આપણે નક્કી કરી લઈએ કે આપણે એમાં કેટલે આગળ વધ્યા ? કેટલીક વાર આપણે હઠાગ્રહી બનીએ છીએ. ભર્તૃહરિએ આ બાબતે નીતિશતકમાં મુક્તમને નિંદા કરી છે. આજે આપણે એક વાત રોજ બદલીએ છીએ ‘દિશા બદલો અને દશા બદલો.’ પણ કોના માટે ? ક્યા લોકો સાથે આપણે આ વાત કરવાની છે ? સત્તાપક્ષ હોય, વિરોધ પક્ષ હોય, બુદ્ધિજીવી હોય…. સૌ કોઈ આજે હઠાગ્રહી બન્યા છે. આપણે પાછા એમને ડાહ્યા કરવાની વાત કરીએ છીએ પરંતુ એ જ્યાં સુધી કાવ્યાસ્વાદની ગોષ્ઠીમાં નહિ જાય ત્યાં સુધી એ બની શકે નહિ.

ભર્તૃહરિએ ઉદાહરણો પ્રકૃતિના આપ્યા છે. ભર્તૃહરિ પ્રકૃતિનો કવિ છે. એણે કોઈ વ્યક્તિના ઉદાહરણો નથી આપ્યા. એ કહે છે કે મૂર્ખ માણસને સમજાવી જ ન શકાય. અશક્ય જ છે. તમારે જે કરવું હોય તે કરો ! આ સંસદને જોઈએ ત્યારે આપણને ભર્તૃહરિ સાચો લાગે છે ! ભર્તૃહરિ કહે છે કે આપણા બધા પ્રયત્નો કેવા ? અત્તરનું ટીપું મડદા પર નાખીએ તો સુગંધી બને ખરું ? એ કહે છે ના, ના… તમે આ બધા પ્રયત્નો મૂકી દો. બૌદ્ધ ધર્મે પણ ઉપેક્ષાની વાત નથી કરી ? ભર્તૃહરિ એમના અંતિમ પદ્યોમાં છેલ્લે કહે છે કે એ બધા હઠાગ્રહીઓનું પ્રારબ્ધ જ એવું છે ! પ્રયત્ન કરનારના નસીબમાં પણ પ્રયત્નની સફળતા નહિ હોય ને એટલે આ પરિસ્થિતિ થઈ એમ ભર્તૃહરિ કહે છે. ભર્તૃહરિ કહે છે કે આપણે બહુ વધારે પણ નથી બોલવાનું, બહુ ઓછું પણ નથી બોલવાનું. ક્યાંક જરૂર ન લાગે તો બોલવું પણ નહિ. ભર્તૃહરિની આ સલાહ એટલિસ્ટ દિલ્હી અને ગાંધીનગરમાં બેઠેલા લોકો પણ સમજી જાશે ને તો વિદ્વાનો એમની ટીકા ક્યારેય નહિ કરે. ભર્તૃહરિએ કહ્યું કે આ મૌન કોના માટે કાર્યકર છે ? પંડિતો માટે. જે તે ક્ષેત્રમાં માહિતી ધરાવનાર, અનુભવી છે તે પંડિત છે. પંડિત ફિઝિક્સમાં પણ હોય. પંડિત સાયન્સ અને એન્જિનિયરિંગમાં પણ હોય. આ વાત ક્યારેક વિચારવા જેવી છે.

લઘુકાવ્યની જે તાકાત છે એ અદ્દભુત છે. લઘુકાવ્યમાં ભર્તૃહરિએ માનમર્યાદા રાખી છે. આજે તો દીકરાઓ બાપ દેખતા દારૂ પીએ અને મોર્ડન કહેવાય. એ દારૂ પીને ધાંધલ કરે. બાપને છોડાવવા આવવું પડે. ભર્તૃહરિ આ શતકમાં માનવ અને મહામાનવની વાત કરે છે. ભર્તૃહરિ બ્રહ્મા, ઈન્દ્ર વગેરે સગુણ દેવોની પણ નિંદા કરી હોય એવું લાગે છે. પરંતુ હકીકતે એવું નથી. ભર્તૃહરિ એમ કહે છે કે આ બધા સગુણને સીમાઓ નડે છે. નિર્ગુણને કદી નડતી નથી. એ નિર્ગુણનો ઉપાસક છે. એથી જ એ કહે છે કે નસીબદાર હોય એ સીધો જ સગુણ સિવાય પણ નિર્ગુણ સુધી જઈ શકે. આ વાત આપણે બહુ જ યાદ રાખવાની જરૂર છે. આપણે ચાલશે, ગમશે અને ફાવશેના જમાનામાં જીવીએ છીએ. જ્યાં જૂતાં દૂર કરવાનાં હોય ત્યાં કરવા જ પડે. જીવનમાં અધઃપતન ક્રમશઃ આવે છે. પરંતુ એ એટલી ઝડપે આવે છે કે આપણને ક્રમ દેખાતો નથી. ભર્તૃહરિ આપણને એ જ કહે છે કે ગંગાની પ્રાકૃતિક ઘટનાને તમે સમજો અને તમારા જીવનમાં સંયમના ચાવી-તાળાંથી વિચારો.

આપણે ત્યાં ગાંડા અને મૂર્ખા વચ્ચે બહુ આછી ભેદરેખા સમાજે સ્વીકારી છે. ભર્તૃહરિ આ વાત જરા જુદી રીતે કહે છે. આપણે એમ કહીએ છીએ કે આજકાલના છોકરાઓ બહુ ભણતાં નથી પરંતુ આપણે એવું પણ વિચારી લઈએ માણસને સુધારવાનો ઉપાય એના પોતાનામાં છે. આપણે ત્યાં ફરજિયાત એજ્યુકેશન લાવ્યા એ પાછળ શાસ્ત્રજ્ઞાન તરફ જ જવાની ગતિ હતી. આજકાલ બાળકો કહે છે કે કેમ વડીલોને ન કહેવાય ? પરંતુ તમારી વાણીમાં ઉચિત શબ્દોનો પ્રયોગ હોવો જોઈએ. કાણાંને કાણો ન કહેવાય. સુંદર વાણી માટે તમારું સ્નાતક કે અનુસ્નાતક હોવું જરૂરી નથી. એક વાર એક બેંકના કલાર્કે મને ગુસ્સામાં કહ્યું કે તમે મારા માટે અંધ છો ?… મને બહુ કઠ્યું. આ કેવી વાણી ! મેં કહ્યું કે દોસ્ત, ‘હું તો મારા માટેય અંધ નથી….’ કોઈ કર્મચારીની વાણી સુંદર કરવી એ શું મેનેજમેન્ટની ફરજ નથી ?

આજે હવે ચૂંટણી નજીક આવશે. ટિકિટો માટે પેટીઓ ઠાલવશે પરંતુ એમને કહો કે સમાજ માટે કે કોઈ ધાર્મિક કાર્ય માટે આપવાનું છે તો નહીં આપે. આ વાત એટલા માટે કરીએ છીએ કે એ બધું કોને સફર કરવું પડે ? જે ખોટી પસંદગી કરે તેને. હું પહેલેથી જરા ખુલ્લી વાત કરનાર છું. એક વાર અમારે ત્યાંથી ઘણા બી.એડના વિદ્યાર્થીઓ જતા રહ્યાં. પ્રિન્સિપાલે મને બોલાવીને કહ્યું કે તમને ખબર છે કે આપણે ત્યાં થર્ડકલાસ લાવેલા પ્રોફેસરો છે ? એટલે મેં ધીમે રહીને કહ્યું કે સાહેબ, એને લાવ્યું કોણ ? આપણે જ ને ? આપણે માણસને ટકોરો મારીને લાવીએ પરંતુ અત્યારે કાયદા એવા છે કે લાવવાનું સહેલું છે કાઢવાનું અઘરું છે. જ્યારે કાયદા નહોતા ત્યારે દુનિયામાં એક મહત્વનો કાયદો હતો, છે અને રહેશે અને એ છે માનવ પ્રેમનો. એટલે કે માનવતાનો કાયદો. આ વાત આપણને ભર્તૃહરિ કહે છે. આ વાત કવિ જ કરી શકે. એ સત્તાધારીઓને પણ ચેતવે છે. ભર્તૃહરિ જો આ શાસકોના મનમાં હોત તો એમણે કે.કા.શાસ્ત્રી જેવા વિદ્વાનને પકડવાની કુચેષ્ટા ન જ કરી હોત. ભર્તૃહરિ કહે છે કે તારે વિદ્વાનોને સ્વીકારવા જ પડશે. કરોડપતિઓને બાજુમાં રાખવાથી કામ નહીં ચાલે. બુદ્ધિજીવીઓને પણ સ્થાન આપવું પડશે. ભર્તૃહરિ બેલેન્સની વાત કરે છે. સમત્વની વાત કેવળ ગીતા નથી કરતી, ભર્તૃહરિ પણ આ જ વાત કરે છે.

આહાર, નિંદ્રા, ભય અને મૈથુનને કુદરતી વૃત્તિઓ કહીએ છીએ. પરંતુ ભર્તૃહરિએ એક વાત કરી છે જે મને બહુ ગમે છે. એણે ડર ન રાખવા વિશે વાત કરી છે. એણે કહ્યું કે ડરો નહિ, સરકાર તમારું શું લઈ લેશે ? તમારી શક્તિનું એ હરણ કરી શકે ? આ કાવ્ય એમ કહે છે. કાવ્ય ખાલી ગોખવા માટે નથી. એ કાવ્ય જીવનમાં ઉતારવું પડે. ભર્તૃહરિ આ કહે છે. સરકાર બીજું શું કરી શકે ? બહુ બહુ તો તમારી બદલી કરી દે. તમારી કુદરતી શક્તિને કોઈ છીનવી શકે નહિ. મારા વિકલાંગ મિત્રોને પણ આજે જાહેરમાં મારી સલાહ છે કે તમારામાં પણ શક્તિ છે. તમે નાસીપાસ ન થાઓ. એ પછી ભર્તૃહરિ કહે છે એ બહુ મહત્વની છે. એ વાત છે માણસના બોલવા વિશેની. સાડી અને સારા કપડાં પહેરવાની માણસ શોભે પરંતુ એ બધું કર્યા પછી પણ જો ભાષા બરાબર ન હોય તો ? ભર્તૃહરિ કહે છે ‘વાકભૂષણમ’ એટલે કે વાણી એ જ મુખ્ય ઘરેણું છે. મને એમ લાગે છે કે જે વૈજ્ઞાનિકતા, પ્રભાવક્તા વગેરે સંસ્કૃત અને સંસ્કૃત આધારિત ભાષાઓમાં છે એ જગતમાં અન્ય કોઈ સંસ્કૃતિ પાસે હોવાની મને શંકા છે. સૂટબૂટ પહેરીને તૈયાર થયા હોય પરંતુ કોઈ પૂછે કે કેટલા વાગ્યા અને આપણે ‘પાંચ’ને બદલે ‘પોંચ’ કહીએ એટલે પતી ગયું. એ ઠાઠ-માઠનો કોઈ અર્થ ન રહે. આપણે કાવ્યની ટીકા કરીએ છીએ પરંતુ આપણે શું તેને આપણા વર્તનમાં લાવીએ છીએ ? વાણીને શુદ્ધ કરવાનું એક મોટામાં મોટું સાધન વ્યાકરણ છે. આપણે વ્યાકરણ આવડતું હોવાનો દાવો કરીએ છીએ પરંતુ શું હકીકતે તેને અનુસરીએ છીએ ? અધ્યાપકે વિદ્યાર્થીના સ્તર સુધી જવાનું હોય છે પરંતુ ત્યાં રહેવાનું નથી, એને પોતાના સ્તર સુધી લઈ આવવાનો છે. જ્યાં ભાષાની ભૂલ સમાજમાં દેખાય ત્યાં આપણે ધ્યાન દોરવું જોઈએ. અત્યારે તો પેલા હૃસ્વઉ અને દીર્ઘઉવાળા પણ મંડી પડ્યા છે. અરે ભાઈ, સંસ્કૃતનું સ્વરસાહિત્ય એમનેમ બન્યું નથી !

આપણે એ સમજી લેવાની જરૂર છે કે જીવનમાં સત્તા આવે પરંતુ એ જો વિદ્યા સાથેની સત્તા આવે તો જ બરાબર ટકે છે. જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી કે બાજપેયીજી સફળ નેતાઓ કવિની દ્રષ્ટિએ બન્યા છે. કદાચ તમારી દ્રષ્ટિએ હોય કે નહિ એની મને ખબર નથી. અહીં ભર્તૃહરિ એક વ્યંજના કરે છે. એ કહે છે કે તમે સત્તા ભલે લો પણ એ સત્તા જ્યારે વિદ્વત્તા સાથેની હશે ને ત્યારે તમને બહુ લાભ થશે. માણસનામાં ક્ષમા દ્રષ્ટિ હોય તો કુવચનની શું જરૂર છે ? ભર્તૃહરિ એમ કહે છે કે કદાચ એ કુવચન કે ગાળ બોલાઈ જાય તો ચિંતા ન કરતાં. એ કુવચનથી ક્ષમા સુધીનો માર્ગ ભર્તૃહરિ આપણને સહુને બતાવે છે. એ એના જ જમાનામાં ઉપયોગી છે એમ નહિ. એ વાત આજે નહિ પરંતુ આવતીકાલે પણ ઉપયોગી રહેશે. ટેકનોલોજીવાળા બધું કહે છે. પરંતુ એ સમજવાની જરૂર છે કે No technology is greter than human technology. આ વાત આપણે કેમ સ્વીકારતા નથી ? ભર્તૃહરિ ગુસ્સા વિશે કહે છે કે ગુસ્સો તમને અને સામાને બંનેને નુકશાન કરે છે. રમતાં રમતાં તત્વજ્ઞાન કેવી રીતે પિરસાય એ તો કવિ જ જાણે છે. હું ને તમે શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. એણે ‘દેહીનાં’ એવો શબ્દ વાપર્યો છે. કદી મડદાં ગુસ્સો કરે ? ન જ કરે. જ્ઞાતિવાદ વિશે તે કહે છે કે જ્ઞાતિવાદની જડતા બરાબર નથી. એ કહે છે કે તમારી પાસે એક સારો મિત્ર હોવો જોઈએ. આજે તો આપણે એકલા અટૂલાં પડી જઈએ છીએ. ભર્તૃહરિએ સનમિત્રનાં લક્ષણો પણ ગણાવ્યાં છે.

એકવાર એક પેરાલિસિસવાળા બહેન પાસે હું ગયો. એ મને કહે કે તમને દેખાતું નથી તો તમને ગભરામણ નથી થતી ? મેં કહ્યું કે બા મારે શેના માટે ગભરાવાનું ? હું કેવળ ઈશ્વરથી ગભરાઉં છું. લોકોને મને જોઈને ગભરામણ થાય છે પરંતુ મને લોકોને જોઈને ગભરામણ થતી નથી. આ વાત ચિત્તની પ્રસન્નતામાંથી આવે છે. એટલે જ આપણે ત્યાં કહેવાયું છે કે હસે એનું ઘર વસે. દર્દી જો હસતો દેખાય તો ડૉક્ટરનું કામ પચાસ ટકા ઓછું થઈ જાય છે. આપણે બધા પૈસાની પાછળ દોડીએ છીએ. જાગૃત સહૃદયી પાઠકો, સર્જકો અને વિવેચકોએ આજે જાગવાની જરૂર છે. આગળ વાત કરતાં ભર્તૃહરિ કહે છે કે તમારી પાસે લજ્જાનું ઘરેણું છે. આંખો ન હોય એને શરમ ના હોય એવું નથી હોં ! આ સમજવાની જરૂર છે. ભર્તૃહરિ તત્વજ્ઞાની છે. એ એના તત્વજ્ઞાનને કાવ્ય દ્વારા વહેવડાવે છે. એ લધુકાવ્ય છે કારણ કે એમાં લાઘવ છે. એને આપણે માણી શકીએ છીએ. જીવનમાં ઉતારી શકીએ છીએ. કવિતા ફક્ત આનંદ માટે નથી, કેવી રીતે વર્તવું એ પણ તે શીખવે છે. માનવ જ્યારથી જન્મ્યો ત્યારથી વર્તણુંકનું વિજ્ઞાન જન્મ્યું છે. સારી વર્તણૂંક એક-બે ઘરોમાં હોય એટલે સો ઘરોમાં નહિ આવી જાય. મારે ને તમારે આ સંસારને હવે વર્ગખંડ બનાવવાની જરૂર છે. જીવનમાં પ્રેમ આત્મીયતા લાવે છે. જ્યાં પ્રેમ હોય છે ત્યાં નોકર માલિકના સંબંધો પણ સારા રહે છે. કોર્ટમાં નથી જવું પડતું. વળી, ભર્તૃહરિ દુર્જન પ્રત્યે દુર્જનને સબક મળે એ રીતે વર્તવાનું પણ કહે છે.

લઘુકાવ્યો પ્રત્યે આપણે ઉપેક્ષા સેવી છે. કાં તો એને બેડરૂમમાં લટકાવી રાખ્યાં અથવા તો એ લાઈબ્રેરીમાં પડી ગયા છે. બસ, આપણે એને જીવનમાં નથી ઉતાર્યા. એકવાર હું એક જગ્યાએ જામીન બનવા ગયો. ન્યાયાધીશે કહ્યું કે તમે જામીન નહીં બની શકો કારણ કે અંધ છો. મેં કહ્યું કે અંધ છું છતાં કમિશનર બની ગયો તો જામીન નહીં બની શકું ? આ અંધત્વ મારું છે કે આપનું ?! અહીં એક લઘુસૂચન કરવાનું મન થાય છે કે ‘સંસ્કૃત સાહિત્યમાં વિકલાંગો’ એવું જો કોઈ જ્ઞાનસત્ર થાય તો સમાજને બહુ ઉપયોગી થાય. હું બાપુને એ માટે બે હાથ જોડીને વિનંતી કરું છું. ભર્તૃહરિએ એ પછી કેટલીક વાત નારી સમાજની વિરોધમાં કહી છે. એ કેમ કહી છે મને સમજાતું નથી. આપ જરા કોઈ વાર મને મળો તો સમજાવજો તો ખરા ! જે હું સમજ્યો છું એમાં તો મને એમ લાગે છે કે સ્ત્રીઓ સ્વાભાવિક રીતે પઝેસિવ હોય છે. સત્સંગ અને સારી દોસ્તીનો પણ મહિમા ભર્તૃહરિએ કર્યો છે. ભર્તૃહરિ ક્યાંક કર્મની, કર્મફળની, ભાગ્યની, પુનર્જન્મ વગેરેની વાતો કરે છે. એ કહે છે કે ઈન્દ્ર જેવો ઈન્દ્ર પણ હારે છે તો સામાન્ય માણસની ક્યાં વાત ? ટૂંકમાં, આ જીવન અને ભાવિ જીવનને સ્પર્શતી આ વૈશ્વિક સંવેદના છે. એ સંવેદના આ નીતિશતકના ગીતમાં સંગીત સાથે આવે છે. નાદબ્રહ્મની કૃપા આપણા સૌ પર થાય એવી પ્રાર્થના કરું છું. અહીં એક શાંતિ અને સહનશીલતાનો અનુભવ કરાવ્યો એ બદલ આભાર માનું છું. ધન્યવાદ.
.

[2] ચૌરપંચાશિકા (બિલ્હણ) – અજિત ઠાકોર

બિલ્હણની ચૌરપંચાશિકા રતિ-પ્રતિ યોગની ગીતિકા છે. એના મૂળ પરબ્રહ્મમાં પડ્યા છે. પરબ્રહ્મને સૃષ્ટિ રચવાની ઈચ્છા થઈ એટલે બે અંશ છૂટા પાડ્યા – તે નર અને નારી. આ બંને છૂટા પડેલા અંશોને જોડાવાની, એકાકાર થવાની તરસ છે. રતિ આ તરસનું નામ છે. આ રતિ-પ્રતિના ત્રણ દષ્ટાંતો આપણી પાસે છે. એક છે સીતા-રામ. મર્યાદા ધારણ કરીને નર-નારી એકરૂપ થયા. જેઓ હૃદયના નિયમોને વર્તીને એકાકાર થયા એ રાધે-શ્યામ. જેમણે આધ્યાત્મિકતાથી ચેતના અને શરીર, બંનેને એકરૂપ કરીને અર્ધનારીશ્વર થયા તે ભગવાન શંકર. એની વાત મારે કરવી છે.

બિલ્હણ સંપૂર્ણ મનુષ્યની ભૂમિકા પર રહીને રતિપ્રીતિની વાત ચૌરપંચાશિકામાં કરે છે. પહેલી વાત છે એના પ્રાગટ્યની. કવિમાં આ કાવ્ય કેવી રીતે પ્રગટ થાય છે એ મહત્વનું છે. વિદ્યાવિલાસી રાજાએ મેધાવી પુત્રીના વિદ્યાભ્યાસ માટે સર્વશાસ્ત્રોનો સાર પામી જનાર રસિક કવિને ઉપાધ્યાય બનાવ્યા. કવિને કહ્યું કે રાજપુત્રી કોઢવાળી છે. રાજપુત્રીને કહ્યું કવિ અંધ છે. બંને વચ્ચે અંતરપટ રાખ્યો અને વિદ્યાભ્યાસ શરૂ કરાવ્યો. પરંતુ કવિએ હમણાં જ ઊગેલા ચંદ્રનું વર્ણન કરતાં રાજપુત્રી ખરી વાત સમજી ગઈ. એ પછી થયો પ્રણયોત્સવનો આરંભ એટલે કે ગાંધર્વવિવાહ. રાજાને આ વાત ખબર પડી ગઈ. ક્રોધમાં ભરાયેલા રાજાએ કવિને શૂળીએ ચઢાવવાનો હુકમ કર્યો. વધસ્થાન પાસે લઈ જઈને જલ્લાદોએ કવિને નિવેદન કર્યું કે તું સ્નાન કરી લે અને તારા પરમ ઈષ્ટદેવનું ચિંતન કરી લે કારણ કે મરણકાળે જેવી મતિ થશે એવી તારી ગતિ થશે. જલ્લાદો પણ બહુ વિદ્વાન હતા ! જલ્લાદોએ પછી કવિને ઉપદેશ આપ્યો. કેવા પ્રાજ્ઞ પુરુષો જલ્લાદ તરીકે નિમાતા તે વાત અહીં છે. જલ્લાદો કહે છે કે આ સંસાર તરવા માટે દુષ્તર સમુદ્ર જેવો છે. જે સર્વના હૃદયરૂપી કમળના કોશમાં હંસરૂપે વિરાજમાન થાય છે તે સર્વવ્યાપ્ત એવા પરમનું તું વિમુક્તિના હેતુથી સ્મરણ કર.

કવિએ ધ્યાન ધર્યું તો એને આગળ-પાછળ બધે જ એની પ્રાણવલ્લભા દેખાઈ. મનમાં રહેલી રાજપુત્રીને બાદ કરતાં એ સિવાય કવિને બીજું કોઈ હિત ન દેખાયું. આવી એકનિષ્ઠ પ્રીતિ એના કેન્દ્રમાં છે. કવિને અદ્દભુત અનુભૂતિ થઈ. રાજપુત્રીને છોડીને એમને અન્ય કંઈ ન દેખાયું. એ પ્રાણેશ્વરીને તેઓ ત્રિભુવનમાં વ્યાપેલી જુએ છે. મહેલમાં તે છે, રસ્તે-રસ્તે તે છે, તે પાછળ છે અને આગળ પણ તે જ છે. દેહની અંદર પણ તે છે અને દેહની બહાર પણ એ જ છે. આ દુનિયામાં એના સિવાય જોવા જેવું બીજું કશું જ શેષ રહ્યું નથી. જેને બ્રહ્મની અનુભૂતિ થાય છે અને અહીં કવિને આ જે અનુભૂતિ થઈ છે એમાં હું તાત્વિક રીતે કોઈ ભેદ જોતો નથી. એટલા માટે હું આ કાવ્યને રતિ-પ્રીતિ યોગની રહસ્યવિદ્યા કહું છું.

કવિએ કાવ્યક્ષણ કેવી રીતે રચી એ જોઈએ. ભાલાની તીક્ષ્ણ અણીની માફક ટકાઈ રહેલી કરાલ મૃત્યુ ક્ષણ અદ્યથી સુચિત થઈ છે, એ વર્તમાન ક્ષણ છે, કવિ એને અપિથી બાધિત કરી, ‘મારી તે પ્રાણેશ્વરીને યાદ કરું છું’ દ્વારા રતિ પરિભોગની ઉલ્લસિત સ્મરણમાળાનો મૃત્યુનીએ કરાલ ભીષણ વર્તમાનક્ષણમાં અંતઃક્ષેપ એટલે કે ઈન્જેક્ટ કરે છે. એનાથી વર્તમાનક્ષણ ગર્ભવતી બને છે. આવી ક્ષણ એ ચૌરપંચાશિકાની કાવ્યક્ષણ છે. આ કર્યું કેવી રીતે ? રામાનુજે રસ્તો બતાવ્યો છે. જેને ચાહીએ છીએ એને કેવી રીતે પામીએ ? એ રસ્તો છે ધ્રુવાસ્મૃતિનો. તેલની ધાર પડતી હોય એવી રીતે પ્રિયજનનું સતત સ્મરણ થાય તો તમે જોડાઈ જાઓ. અહીં આ કાવ્યમાં ‘ધૃવાસ્મૃતિ’નો ઉપયોગ કરીને કવિ પોતાની જે પ્રાણેશ્વરી છે એની સાથે એકાકાર થઈ જાય છે. વેદાંતો એ જેને સાધન તરીકે અજમાવી છે એને એક પ્રણયીએ પણ સાધન તરીકે અજમાવી છે. કવિ ભૂતકાળને જીવતાં જીવતાં મૃત્યુની મુખોમુખ થયો છે પરંતુ એ જ માર્ગે ચાલતાં ચાલતાં એ યમને ઉલ્લંઘી જાય છે.

હવે મૂળ કવિતામાં હું આવીશ. આ કવિતામાં નાયિકાની અલગ અલગ રીતે થયેલી સ્મૃતિ છે. આમ તો કાવ્ય ઘણું લાંબુ છે પરંતુ હું થોડીક સ્મૃતિઓ અહીં કહીશ. પહેલી સ્મૃતિની વાત કરું. કવિને ચૌરીસૂરતના અપરાધબોધથી ભયાકુલ થયેલી પ્રિયતમા નજર સામે ખડી થઈ જાય છે. રતિક્રિડાના (Sex) શ્રમને ન સહી શકતી, ફિક્કા ગાલ પર વિખરાઈ પડેલી અલક લટવાળી ચોરીછૂપી રતિક્રિડા કરીને પાપના ડરથી ધ્રૂજી ઊઠેલી, કંઠમાં કોમળ બાહુલતા આરોપીને રહેલી પ્રિયતમા મને યાદ આવે છે એમ કવિ કહે છે. પ્રથમ વખત સૂરતકર્મ (Sex) કર્યું અને સમાજના ભયે જે થથરી ઊઠી છે એ ગળામાં હાથ નાખે છે, પરંતુ કોના ? એ બિલ્હણે સંદિગ્ધ રાખ્યું છે. પોતાના ગળામાં એમ જો લખે તો એની નિઃસહાયતા અને ડર વધારે તિક્ષ્ણ બને છે. જો પ્રિયતમના ગળામાં હાથ નાખે છે એમ કહે તો જે ડરથી પ્રિયતમથી છૂટી થઈ ગયેલી તે હવે નવા ડરથી પ્રિયતમ સાથે જોડાઈ જાય છે. પ્રેમીના કંઠમાં બાહુઓ આરોપેલી ગભરુ પ્રિયાનું વિલક્ષણ ચિત્ર અહીં દોરાયું છે.

હવે બીજું ચિત્ર જુઓ. કવિ કહે છે : એકદા રાત્રિના સમયે મને છીંક આવી ગઈ. પરંતુ તે ભામિનીપ્રિયા કોપે ભરાયેલી હતી તેથી તેણે ‘ઘણું જીવો’ એમ બોલવાનું ટાળ્યું. તેણે કશુંય બોલ્યા વગર જ કનકપત્ર કાનમાં પહેરી લીધું તે દશ્ય હજુ મારા મનમાં ઘુમરાયા કરે છે. અહીં પ્રણયકલહમાં કોપે ભરાયેલી માન લઈને બેઠેલી પ્રિયતમા પ્રિયતમના અમંગળનું સ્ત્રીસહજ કોઠાસૂઝથી પોતાના માનની કાંકરીયે ખેરવ્યા વગર કેવી રીતે વારણ કરી લે છે તે વિલક્ષણ ઘટના નિરૂપાઈ છે. નારીમાં જે ચાતુર્ય છે તે અહીં સરસ રીતે બતાવ્યું છે. વાત એવી છે કે કોઈ કારણસર પ્રેમીઓમાં કલહ થયો. એ વેળા પ્રેમિકાએ કોપે ભરાઈને બોલવું બંધ કર્યું. એ વેળા પ્રેમીને છીંક આવી. શુકનશાસ્ત્ર અનુસાર છીંક આવે તો તેનું થોડા સમયમાં જ મરણ થાય પરંતુ પાસે બેઠેલું કોઈ સ્વજન ‘ઘણું જીવો’ એમ મંગળ વચન ઉચ્ચારે તો અમંગળનું વારણ થઈ જાય. પરંતુ રાજપુત્રી તો માન લઈને બેઠી હતી એટલે બોલવું તો બોલવું કઈ રીતે ? પ્રિયતમ તરફના અતિશય પ્રેમને કારણે એને રસ્તો મળી ગયો. એણે ક્રોધે ભરાઈને કાનમાંથી સુવર્ણપત્ર જે કાઢીને ફેંકી દીધા હતા તે પાછા પહેરી લીધાં. એમ પોતાનું માન અક્ષત રાખીને અમંગળનું વારણ પણ કરી લીધું. શુકનશાસ્ત્ર પ્રમાણે સ્ત્રી સૌભાગ્યના ચિહ્નો ધારણ કરી લે તો પતિનું ભાવી મરણ ટળી શકે છે. અહીં માન લઈને બેઠેલી પ્રિયાના પોતાના પ્રેમી તરફના પ્રેમની વ્યંજના એના જટિલ અને અગમ્ય વ્યહારને લઈને આલેખાઈ છે.

હવે પછીનું એક દશ્ય છે. કવિએ પોતાની લલિતા પ્રેયસીને જોઈ. કવિ લખે છે કે ‘સ્તનભારે ઝૂકેલી, મુક્તહાસ્ય કરતી, મોતીની સેરે ગૂંથ્યા હાર પહેરેલી ઉજમાળા કંઠવાળી, કામકેલીની ક્રિડાસ્થલી રૂપ કુસુમાયુધની ઝળહળતી પુષ્પપતાકા સમી તેને અત્યારે યાદ કરું છું.’ કવિએ રતિક્રિડાને આનંદોલ્લાસથી માણતી પ્રેયસીની વિપરિત રતિની રચના કરીને સર્વાંગપૂર્ણ રૂપક અલંકાર રચ્યો છે જે સંયોગશ્રૃંગારનો અભિવ્યંજક બને છે. એ પછી કવિ સરસ ચિત્ર આપે છે. કવિ કહે છે કે ‘તેના કંકણોનો રણકાર મને યાદ આવે છે.’ શું શું યાદ આવે છે તે જુઓ. એકવાર કદાચિત ઉપવનમાં વિહાર કરતી પ્રિયાના મુખકમળની ગંધને લોભી ભમરાઓનું ટોળું પ્રિયાના ગાલને ચૂમવા માંડ્યું. તે વેળાએ લલિતાએ ભમરા ઉડાડવા કરપલ્લવ વિંઝ્યા. એ સમયે કંકણમાંથી મીઠો અને મધુર ખણ-ખણ એવો જે ખનકાર ઊઠ્યો એણે કવિના મનને સાવ જ મૂર્છિત કરી દીધું. અહીં મુખમાંથી કમળ જેવી સુગંધ આવવાનો થયેલો નિર્દેશ કામશાસ્ત્ર અનુસાર પદ્મિનિ નાયિકાનું સૂચન કરે છે. ઉપવન વિહારનો આ પ્રસંગપણ ચલચિત્રરીતિથી (cinematic) આલેખાયો છે. ગંધના લોભી ભમરાનું ગાલ ચૂમવું, નાયિકાનું હાથ વીંઝવું અને કંકણોનું રણકવું – આ ત્રણ વિગતો એક પરિસ્થિતિનું ઘટન કરે છે. અહીં પાંચેપાંચ ઈન્દ્રિયોને પરિતૃત્પ કરીને મદહોશ બનાવી દે એવા ગંધ જે પંકજગંધમાં છે, સ્પર્શ અને રસ જે ભમરાના ચૂંબનમાં છે, રૂપ જે નાયિકાના મુખ અને કરપલ્લવનું છે, શબ્દ જે કંકણોનો રણકાર છે – એમ પાંચેય વિષયોનો કળાત્મક સંકેત થયો છે. અહીં છૂપી રીતે કવિની આંખે નિહાળાતું નાયિકાનું રમતિયાળરૂપ શૃંગાર વ્યક્ત કરે છે.

હવે છેલ્લો પ્રસંગ. પ્રણયકુપિતાની માનભંગની ક્ષણ કવિએ બહુ સરસ રીતે આલેખી છે. કવિ કહે છે કે પ્રણયકોપે મુંહ ફેરવીને એણે મારી પાસેથી જવા ઈચ્છયું. મારી વાતનો જવાબ ન વાળ્યો. ચૂમવા મુખ ન ધર્યું. તોય હું તો ચૂમું. એ હૈયાફાટ રડવા લાગી. હું પગે પડ્યો ને કહ્યું, ‘હે પ્રિયતમા હું તારો દાસ છું. મારો સ્વીકાર કર.’ અત્યારેય એ પ્રસંગ સાંભરે છે. અહીં પ્રિયતમાનો રુક્ષ વ્યવહાર ઉપરોક્ત ક્રિયાકલાપો થકી અંકિત થયો છે. એની સામે બળાત્કારે ચૂંબન કરવા ઈચ્છતા પ્રેમીનું આક્રમક રૂપ અને તેના પ્રત્યાઘાતે નાયિકાનો માનનો બંધ ટૂટી જતાં ધસમસતાં અશ્રુપ્રવાહે હૈયાફાટ રુદન કરી પોતાની જાતને, પોતાના કોપને વહાવી દેવો એના જવાબમાં પ્રેમીનું દીનતાવશ શરણે આવવું ને પ્રેયસીને ક્ષમા કરવા અને પોતાને ફરી સ્વીકારી લેવા વિનવવું એમ આંગિક, વાચિક અને તાત્વિક અભિનયોમાં વિસ્તરેલો આ માનભંગનો નાટ્યાત્મક પ્રસંગ છે. એટલે જ એ તાદૃશ, સજીવ અને સંકુલ બન્યો છે. વિપ્રલંબ શૃંગારનું સહસા સંયોગ શૃંગારમાં થતું પ્રતિવર્તન રસનિરૂપણની દષ્ટિએ અત્યંત આહલાદક બન્યું છે. એક પદ્ય બહુ વિશિષ્ટ છે. રતિક્રિડાથી છૂટવા અનુનય કરતી રતિશાંતપ્રિયાનું એક દશ્ય આપ્યું છે. કવિ કહે છે કે ‘રતિક્રિડાના અતિશ્રમે આકળવિકળ થયેલી તે પ્રિયાના સેંકડો મીઠામીઠા પરંતુ આછા-આછા અધૂરા અને અસ્ફૂટ ધ્વનિવાળા કંપતા સ્વરે ઉચ્ચારાયેલા વેરવિખેર પરંતુ મનભાવન વચન અત્યારેય મને યાદ આવે છે.’ અહીં અતિઉત્સાહે ખેલેલી રતિક્રિડાથી અતિશય થાકી જઈને આકળવિકળ થઈ ગયેલી પ્રિયા રતિક્રિડામાંથી ઉપરામ પામવા જે મીઠા-આછા-અધૂરા જે મનભાવન વચનો ઉચ્ચારે છે એ કવિને યાદ આવે છે. પ્રિયતમના બાહુબંધમાંથી છૂટવાની આ ચેષ્ટા રતિના થાક સાથે સાથે રતિના પરિભોગને પરિતોષ પછી સમતા જતા રતિભાવના અણસાર આપે છે. પરાકોટિએ પહોંચી ગયેલા સંભોગ શૃંગારની આ અત્યંત વિલક્ષણ ભંગીમા છે.

ટૂંકમાં આટલી આ કાવ્યની વાત છે. હવે આમાં જે રતિનો ભાવ છે એમાં કવિ જે છે એની કેટલી નિષ્ઠા છે એ બાબત મુખ્ય છે. પ્રેમીઓની નિષ્ઠા કેટલી છે એની પર આ બધો આધાર રહેલો છે. હવે કવિની પ્રેયસી તરફની જે નિષ્ઠા પ્રગટ થઈ છે એની વાત હું થોડી કરીશ. કવિ કહે છે કે ‘હું મારી પ્રેયસીને બીજા જન્મેય અને મૃત્યુકાળે પણ ચિંતવીશ. સૂરતક્રિડામાં ચકળવકળ નેત્રો બીડી દીધાં. કાયા શિથિલ કરી દીધી. પટકૂળ અને કેશકલાપ સરી પડ્યાં. શૃંગારરૂપી કમળવનની એ રાજહંસીનું હું મરતીવેળાએ પણ અને બીજા જન્મે પણ અનુચિંતન કરીશ.’ અહીં ચંચળ નેત્રોનું આપોઆપ બિડાઈ જવું, કાયાનું શિથિલ થઈ જવું તથા વસન અને કેશકલાપનું સરી પડવું – આ બધી ક્રિયાઓ રતિકાળની ચરમ અને પરમ અવસ્થા સૂચવે છે. આવી ચરમ-પરમ સૂરતસમાધિમાં લીન પ્રેયસીનું ધન્ય કરી દેનારું જે દર્શન છે એ દર્શન જન્માંતરેય પોતાને રહેશે એવી કવિની ભાવના પ્રણયસૂત્રને જન્માંતરપર્યંત વિસ્તરવાનો નિશ્ચય સૂચવે છે. આ સામાન્ય પ્રેમ નથી. આ જન્મની પેલે પાર જતો પ્રેમ છે. હવે બીજી વાત. ‘અમૃતછલકતા પૂર્ણ કૂચકુંભયુગલને (સ્તન) વહન કરતી તેને જો સંધ્યાકાળે જોઈ લઉં તો સ્વર્ગ, મોક્ષ અને રાજસુખ પણ છોડી દઉં.’ સ્તનયુગ્મ પર અમૃતછલકતા કુંભનું જે આરોપણ કર્યું છે એમાં ચૈતન્યની મૂર્છારૂપ મૃત્યુમાંથી પોતાને છોડાવશે એવી આસ્થા સૂચવેલી છે. એટલું જ નહિ, મૃત્યુકાળે પ્રિયતમાના દર્શન આગળ પાર્થિક, સ્વર્ગીય અને પારમાર્થિક સુખની તુચ્છતા દર્શાવી પ્રિયા તરફ પરમ નિષ્ઠા કવિ એ સૂચવી દીધી છે. આ વાત કવિ અને રાજકન્યાના પ્રણયને લૌકિકતામાંથી ઊંચકી આધ્યાત્મિકતાના પ્રદેશમાં પદાર્પણ કરાવે છે.

હવે આગળ જુઓ. કવિ કહે છે અંતકાળે દેવતાને છોડીને વલ્લભા તરફ મારી બુદ્ધિ દોડી જાય છે. અહીં કવિની પરવશતા પ્રશ્નની મુદ્રામાં હૃદયદ્રાવક રીતે વ્યક્ત થઈ છે. કવિ માટે પ્રિયા જ વરણીય, સેવ્ય અને ઉપાસ્ય છે. આ વાત પારલોકિકતાની આભા આપે છે. કવિ કહે છે કે ‘ક્ષણભરનો વિયોગ થાય ત્યારે તે ઝેરની વર્ષા કરી દે છે અને પછી જેવું મિલન થાય એટલે અમૃતનો અભિષેક કરી દે છે. જ્યારે એ અંબોડો વાળવા માટે પોતાનો કેશ કલાપ ઊંચો કરે છે ત્યારે તે કામદેવનું છત્ર હોય એવું દેખાય છે, એવી જ આ પ્રેયસી મારી જીવનધાત્રી છે.’ એ પછી કવિ પોતાની પ્રેયસીને જીવનઔષધિ રૂપે ઓળખાવે છે. ઔષધિ ચૈતન્ય લાવી દે છે. કવિ કહે છે કે અંગોમાં સ્પર્શ અને ચોતરફ ચુંબનો વરસાવી વશીભૂત કરતી મારી પ્રેયસી એ જીવનઔષધિ છે. એ પછી કવિને પોતાની પ્રેયસી સૂરતક્રિડાનું એકમાત્ર તીર્થ લાગે છે. બહુ સરસ વાત કરી છે. આમ તો રતિક્રિડા અને કામવાસના એ પાપ ઉત્પન્ન કરનાર છે પરંતુ આ એટલી બધી નિર્મળ છે કે આપણે એમ કહી શકીએ કે કેવા માણસો શું કામ કરે છે એના આધારે એ કૃત્ય ઓળખાય છે. કવિ કહે છે કે એની સાથે જ્યારે સૂરતક્રિડા કરું છું ત્યારે પાપ નષ્ટ થઈ જાય છે. તે મને મળી જાય તો પ્રાણ પણ છોડી દઉં. આમ અહીં પ્રેયસીને કામવાસના નષ્ટ કરનાર તીર્થરૂપે વર્ણવી છે.

હવે છેલ્લી વાત. જલ્લાદોએ કહ્યું હતું ને કે જેવી તારી મતિ હશે એવી તારી ગતિ થશે. કવિ અહીં માંગી લે છે. તે કહે છે કે અત્યારે હું સ્થિર ચિત્તે મારી જીવિત આશારૂપ તે યુવતિનું સમ્યક ચિંતન કરું છું. બીજા કોઈથી ન ભોગવાયેલા નવયૌવનના પ્રચૂર સારરૂપ તે જ આ જન્મમાં પણ મારી ગતિ થાઓ. અહીં આ સંસાર, આ જન્મ અને ક્ષણબંધુર સંબંધોને અતિક્રમી જઈ પોતાના સ્નેહ પદાર્થને જન્માંતરમાં લઈ જવાની ઝંખના પ્રગટી છે. આમ, રાજપુત્રી અને કવિનો પ્રેમપદાર્થ ઈહલોકની સીમાને ઉલ્લંઘી પારલૌકિક-અધ્યાત્મિક પ્રદેશમાં પહોંચી ગયેલો, મોક્ષનું બીજું નામ ઠામ બની ગયેલો પ્રતિત થાય છે. તેથી જ ચૌરીસૂરત પંચાશિકા રતિના સ્થૂળ લૌકિક પરિભોગ આગળ અટકી જતી નથી, એ આત્માના, ચૈતન્યના અગમ્ય પ્રદેશોમાં થયેલા ઉડ્ડયનોની પણ એંધાણી આપે છે. તેથી એ પાર્થિવ નહીં પણ આધ્યાત્મિક આભાથી એ મંડિત થયેલી ભાસે છે. તો આ અનુભૂતિની અને કવિની એક નિષ્ઠાની વાત છે. આમ તો આપણી માન્યતા એવી છે કે રતિનો પરિભોગ કંઈ બરાબર નથી. રતિ બે પ્રકારે વિસ્તરે છે એક સંયોગે અને એક વિપ્રલંબે. બંનેનું એ સ્વરૂપ એકબીજાને કારણે પ્રગટ થાય છે. બંને રીતે વિસ્તરતો રતિભાવ અહીં બતાવાયો છે. જેમ ભક્ત એવું કહે છે કે મારે મુક્તિ જોઈતી નથી, મારે ભક્તિ જોઈએ છે, તો પછી પ્રણયીને પણ એવું કહેવાનો અધિકાર છે કે મારે મુક્તિ જોઈતી નથી, મારે રતિ જોઈએ છે. રતિનો પૂંજ બનાવીને પ્રેમ નામક જે પરમાત્મા છે એ પરમાત્મામાં ભળી જવું એવો એમાં પુરુષાર્થ દેખાય છે. રતિથી મુક્તિ નહીં પરંતુ રતિ એ જ મુક્તિ એ આ બિલ્હણનું દર્શન છે. પછી તો રાજદૂતો કવિને લેવા આવ્યા. ભીનુંવસ્ત્ર આપણા અંગે વીંટળાઈ જાય એમ રાજકન્યા કવિને વીંટળાઈ ગઈ. પણ યમદૂત જેવા રાજરક્ષકો છૂટા પાડીને એને લઈ ગયા. વધસ્તંભે ગયા. છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી. કવિ એ સમયે કહે છે કે મારા માટે તો મરણ જ હવે દુઃખનું શમન છે. હું વિનવણી કરું છું કે હવે ઝડપથી મારો શિરચ્છેદ કરી નાંખો. આ જગ્યાએ કાવ્ય પૂરું થાય છે. આપણી ભારતીય પરંપરા તો આગળ ચાલે છે અને કાવ્યનો કેટલો બધો પ્રભાવ છે તે પણ બતાવે છે. કાર્ટૂનિસ્ટની જેમ સમાજ પણ કવિથી હાલી જાય છે. રાજા પણ હાલી ગયો. આખી પ્રજાએ રાજાને વિનવણી કરી કે આ રાજપુત્રી એના વિના જીવી શકે એમ નથી. એટલા માટે હવે તમે કંઈક વિચારો. રાજાએ પ્રજાની ભાવના વિચારીને એ વાત સ્વીકારી અને કવિને બોલાવીને પોતાના મહેલે લઈ ગયો અને કહ્યું કે મારી દીકરી છે એને તારે પરિપાલિત કરવાની છે. કવિતામાં આ તાકાત છે એવું ભારતીય પરંપરા માને છે અને એ પરંપરા પ્રમાણે આ આખી કવિતા બની છે. આમ તમે જોશો કે આ રીતે સરસ કવિતા થઈ છે.

અહીં નાયક કવિ છે. નાયિકા કાવ્યરસિકા સુંદરી છે. મરણની ક્ષણે કવિને આ બધી વાત સૂઝે છે. એ ધ્રુવાસ્મૃતિ રૂપે પ્રગટ થાય છે. રતિ મહત્વની નથી પરંતુ મરણ આવ્યું ચકાસવા માટે અને પછી જે સ્મરણ થયું અને એ સ્મરણથી જે અનુસંધાન થયું અને એમ થતાં પ્રિયતમામાં હૃદય અને મન રોપાઈ ગયું એ જે ક્ષણ છે તે વર્ણવાઈ છે. એટલે કવિમાં રસનિષ્પત્તિ થાય છે. નાયિકામાં પણ થાય છે અને આપણામાં પણ થાય છે. તો આવી આ કથા ચૌરીસૂરતપંચાશિકા છે. આભાર.
.

[3] સૂર્યશતક (મયૂરકવિ) – મનસુખ સાવલિયા

હે સૂર્યદેવ, અમારા સઘળા દુર્ભાવો અને દૂરિતોને દૂર કરી દો અને અમારા માટે જે કલ્યાણકારક હોય તે અમને લાવી આપો. પૂજ્ય બાપુ, અહીં ઉપસ્થિત સૌ મહાનુભાવો અને આપ સૌ અભિભાવક ભાઈઓ અને બહેનો…. સૂર્યશતક વિશે મયૂરકવિની હું કોઈ વાત કરું એ પહેલા મયૂરકવિએ ભગવાન સૂર્યની સ્તુતિ કરતાં પ્રાર્થનાના કેટલાક શ્લોકો રચ્યા છે એમાં સૂર્યના રથનું વર્ણન કર્યું છે. એ પદ્યનું હું એટલા માટે પઠન કરવાની ઈચ્છા રાખું છું કારણ કે એ રીતે મંગલાચરણ પણ થશે અને એથી મયુરની કાવ્યકલા, એની ઓજસ્વી ભાષા અને એની અપૂર્વ શૈલીનો થોડો પરિચય પણ થશે.

ઉગમણી દિશાએથી જ્યારે સૂર્ય પધારે છે જગતનું કલ્યાણ કરવા માટે ત્યારે ઉગમણી દિશાના પ્રસ્થાન માર્ગ પર, જેને આપણે રન-વે કહીએ છીએ – એના પર આ સૂર્યનો રથ ઉતરે છે અને તરત જ પાછો ઊંચે ચઢે છે ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની આગેવાનીમાં બધા જ દેવતાઓ એ રથની સ્તુતિ કરે છે. એ આ પદ્ય છે. કવિ કહે છે કે વિષ્ણુ એ રથના ચક્રના આરાની સ્તુતિ કરે છે. બ્રહ્મા એ અશ્વની સ્તુતિ કરે છે. ભગવાન શંકર એની ફરકતી ધજાની સ્તુતિ કરે છે. નક્ષત્રનાથ ચન્દ્રમા એની ધરીની સ્તુતિ કરે છે. વરુણદેવ એના સારથિ અરુણની સ્તુતિ કરે છે. ધનપતિ કુબેર સારથિ જ્યાં બેસે છે એ બેઠકની સ્તુતિ કરે છે. દેવતાઓનો આ બધો સંઘ પ્રસન્ન થઈને એના પ્રચંડ વેગની સ્તુતિ કરે છે. સૂર્યનારાયણનો આવો જ્યોતિર્મય રથ આપણા સૌનું અહર્નિશ કલ્યાણ કરે એવી પ્રાર્થના. વૈદિક ઋષિએ એક મંત્રમાં કહ્યું છે કે माता भूमि: पुत्रो अहं पृथ्विव्यां ભૂમિ આપણી માતા છે અને આપણે સૌ ભૂમિપુત્રો છીએ. આવી આ વિશાળ આપણી માતા પૃથ્વી સૂર્યની સન્મુખ રહીને ધરીની આસપાસ ઘુમે છે. એથી એના નગરો, મહાનગરો, પર્વતો, મહાસાગરો અને સર્વ સજીવ-નિર્જીવ સૃષ્ટિને સૂર્યની ઉષ્માનો લાભ મળ્યા કરે છે. દિવસ-રાત થયા કરે છે. એનાથી ગ્રીષ્મ, શિશિર, શરદ, વર્ષા, હેમંત રૂપી છ આરાઓવાળું ઋતુચક્ર પણ ઘુમતું રહે છે.

ધરતીમાતા સૂર્યની પરિક્રમા કરે ત્યારે બહુ સાવધાની રાખે છે. એ સૂર્યની બહુ નજીક નથી જતી અને બહુ દૂર પણ નથી જતી. જો નજીક જાય તો સૂર્યની આગથી બળી જાય અને બહુ દૂર જાય તો એની ઉષ્માના અભાવમાં ભયાનક ઠંડી અનુભવે. પૃથ્વી આ વાત જાણે છે એથી સૂર્યથી સલામત અંતરે રહે છે. પ્રતિદિન મધુર બની રહે એ રીતે પૃથ્વી સૂર્યનું સેવન કરે છે. જે વાત પૃથ્વી જાણે છે તે આપણે પૃથ્વીપુત્રો જાણતાં નથી. આપણે પર્યાવરણને એટલું બધું પ્રદૂષિત કરી મૂક્યું છે કે ઓઝોન વાયુના ઘાટા પટલમાં પણ આપણે ગાબડાં પાડી દીધા છે. સૂર્યની ગરમીને ગાળી નાખનાર પ્રાકૃતિક આવરણ તૂટ્યું છે. સૂર્ય નજીક આવી ગયો છે. એ હવે મધુર રહ્યો નથી. આપણે એને મધુર રહેવા દીધો નથી. એ ક્રોધે ભરાય એવો આપણે દુર્વ્યવહાર કર્યો છે. આપણા બાલિશ અળવીતરાંઓએ કુદરતની સમતુલાને ખોરવી નાખી છે. આપણે આ ધરતીમાતાના રઢિયાળા ગ્રહને કાળનો કોળિયો થતો અટકાવવો હોય અને આ વિશ્વના પટ ઉપર જો આપણે ટકવું હોય તો હવે અટકવું પડશે. સૂર્યપૂજાને જીવનમાં નિત્ય સ્થાન આપવું પડશે. સૂર્યશતક જેવાં એનાં સ્તુતિ ગીતોને સમજવા અને ગાવાં પડશે. અને એમાં વ્યક્ત થયેલા વિચારોને આચારમાં ઉતારવા પડશે. સૂર્ય સોનાના હાથવાળો છે. એને એક હજાર હાથ (કિરણો) છે અને બધા સોનાના છે. જો આપણને લેતાં આવડે તો એ અઢળક ધનધાન્યનો દાતા છે. જો આપણને રહેતા આવડે તો એ આરોગ્ય, આયુષ્ય અને આનંદનો વિધાતા છે. જો આપણને કહેતા આવડે તો એ પ્રાર્થનાઓનો સ્વીકાર કરનાર પરમ દેવતા છે. બીજા દેવો તો અદશ્ય છે પરંતુ સૂરજ સાક્ષાત જાગતા દેવતા છે. અન્ય દેવોનું દર્શન તો અનેક જન્મોના અંતે કોઈક સિદ્ધયોગીને કે જ્ઞાનવાનને જ થાય છે પરંતુ સૂર્યનું દર્શન તો પ્રત્યેક પ્રભાતમાં પામરથી માંડીને પંડિત સુધીનાને સૌને થાય છે. એની સુકોમળ કિરણાવલીના વરદ હાથ સૌના પર સમાન પ્રેમથી ફરે છે અને તન-મનને પ્રસન્ન કરે છે.

સૂર્યના અનેક નામ છે આદિત્ય, વરુણ, મિત્ર, પુષા. આવા નામોથી ઓળખાતા સૂર્યદેવની પૂજા છેક વૈદિક સમયથી થતી આવે છે. રામાયણ, મહાભારત અને પુરાણોમાં પણ એના સ્તોત્રગાન થયા છે. ભગવાન શ્રીરામનો રઘુવંશ પણ સૂર્યવંશ છે. ઈતિહાસ કહે છે કે કનોજનો રાજા પ્રભાકરવર્ધન આદિત્ય ભક્ત હતો. પ્રતિદિન સવાર-સાંજ સૂર્યના જાપ જપતો હતો એથી એના વંશમાં હર્ષવધન નામનો પ્રતાપી પુત્ર થયો. સૂર્યશતકનો રચાયિતા મહાકવિ મયૂરભટ્ટ અને કાદંબરિના કર્તા બાણભટ્ટ જેવા સભાપંડિતો એની પાસે હતા. આર્યપ્રજા તો સૂર્યને પૂજે, સ્વાભાવિક છે પરંતુ વિશ્વની અનેક જાતિઓએ સૂર્યને ભાવથી ભજ્યો છે અને પ્રેમથી પૂજ્યો છે. મોગલ સલ્તનતનો મહાન અકબર સૂર્ય ઉપાસક હતો. એક મહાન જૈનમુનિએ અકબર માટે સૂર્યના એક હજાર નામવાળું સ્તોત્ર રચી આપ્યું હતું. એ સૂર્યસહસ્ત્રનામાવલિના નિત્ય પાઠ, અકબર અભણ હતો તો પણ કરતો હતો. ઉદૂર્ના સુપ્રસિદ્ધ શાયર મિર્ઝા ગાલિબે પ્રભાતમાં પ્રગટતા સૂર્યની મનોહરમૂર્તિનું વર્ણન કરતાં કહ્યું છે : ‘પરોઢ થયું અને ઉગમણી દિશાના દરવાજા ખૂલ્યાં. પણ તે કેવી છટાથી ખૂલ્યાં ? એવી શાનથી ખૂલ્યાં જેમ કોઈ દેવ મંદિરના મંગલ દ્વાર ખૂલે.’ આખી આલમને પ્રકાશિત કરનાર સૂર્યદેવની મંગલમૂર્તિના દર્શન થયાં. સંસ્કૃત સાહિત્યમાં, પ્રાકૃતમાં અને લોકસાહિત્યમાં પણ સૂર્યનાં જેટલાં સ્તોત્રો થયાં છે એમાં મહાકવિ મયૂર ભટ્ટનું સૂર્યશતક શ્રેષ્ઠ માનવામાં આવે છે. શબ્દ સૌંદર્ય, અર્થ માધુર્ય, અલંકાર લાલિત્ય અને વિષય વૈવિધ્ય બધી જ રીતે સૂર્યશતક સૂર્યના જેવું જ ઓજસ્વી અને અનન્ય છે. ઈસ. 650 થી 750ની સમયાવધિમાં થયેલ મયૂરે એની રચના કરી છે. મયૂરને કોઢ થયો હતો. એ સમયમાં પ્રાપ્ત સારવાર કરવા છતાં એનો કોઢ મટ્યો નહીં એટલે એણે સૂર્યની ઉપાસના કરી. પ્રભાતમાં પ્રગટતા સૂર્યની સુકોમળ કિરણાવલીને પોતાના અંગ પર ઝીલી પરિણામે એનો કોઢ મટી ગયો. સૂર્યઉપાસનાથી આવો ચમત્કાર સર્જાયો એથી એણે સૂર્યની સ્તુતિ કરતાં સો શ્લોકો રચ્યાં એનું નામ સૂર્યશતક.

સૂર્યની ફોટોગ્રાફી કરવી અઘરી છે. એની કલર ફોટોગ્રાફી તો લગભગ અસંભવ છે. પરંતુ મયૂરકવિ જેવા નેત્રોને સૂર્યએ સિદ્ધાંજન આંજ્યું હતું એટલે એણે સૂર્યની જુદી જુદી શબ્દપ્રણાલિથી-શબ્દપરંપરાથી સ્તુતિ કરીને ચિત્રો દોર્યા છે. હું એને મયૂરકવિનું આલ્બમ કહું છું. એ જોવા જેવું છે. મયૂરે પોતાના મનરૂપી મૂવીકેમેરાથી સૂર્યની રંગીન ફોટોગ્રાફી કરી છે. અનુકૂળતા મળે તો આ સો એ સો શબ્દચિત્રો જોવા જેવાં છે અને વાંચવા જેવા છે. મયૂરને કોઢ થયો હતો એના અંગે અનેક કથાઓ રચાયેલી છે. એમાં એક બહુ જ રસિક કથા જાણીતી છે. એ સત્ય નથી પણ કોઈએ ઘડી કાઢી છે. આ કથા અનુસાર એમ કહેવાય છે કે મયૂર એ બાણભટ્ટના સસરા હતા. કેટલાક વિદ્વાનો વળી એમ પણ કહે છે કે બાણભટ્ટ મયૂરના સસરા હતા. ભાતભાતની વાતો ચાલે છે. પરંતુ મુખ્યત્વે એમ કહેવાય છે કે મયૂર એ બાણભટ્ટના સસરા હતા. કોઈ અગત્યના કામ પ્રસંગે એકવાર તેઓ એને મળવા ગયા. રાત્રીનો છેલ્લો પ્રહર ચાલતો હતો. મયૂર બાણના શયનગૃહના બંધ દરવાજે આવીને ઊભા રહ્યાં. અંદર પોતાની પુત્રી અને જમાઈ વચ્ચે પ્રણયકલહ ચાલતો હતો તે સાંભળ્યો. ખરેખર તો ન સાંભળવો જોઈએ પરંતુ માનવ સહજ કુતૂહલવૃત્તિ છે એટલે સાંભળ્યો. બાણભટ્ટ પોતાની પ્રિયાને આખી રાત મનાવતા રહ્યા હશે પરંતુ એ માની નહીં. છેવટે બાણભટ્ટે એક રસિક શ્લોક કહ્યો. કવિઓ તો સરસ્વતીના ઉપાસકો એની પાસે લક્ષ્મી ક્યાંથી હોય ? એટલે પોતાની પ્રિયાને મનાવવા માટે હીરામોતીના હાર કે સોનારૂપાના અલંકારો ક્યાંથી આપી શકે ? એની પાસે તો શબ્દના ને અર્થના અલંકારો હોય. આ તો એ જમાનાની વાત છે. આજના કેટલાક ખેપાની કવિઓ પાસે શબ્દના ને અર્થના અલંકારો કાં તો નથી હોતા કાં તો ઓછા હોય છે. હીરામોતીના અને સોનારૂપાના અલંકારો વિશેષ હોય છે. ‘ખેપાની’ હું એટલા માટે કહું છું કારણ કે તેઓ સામંતો, શ્રીમંતો અને મહંતોની ભાટાઈ કરીને ધનવાન થતા હોય છે.

શબ્દ અને અલંકારથી યુક્ત બાણભટ્ટે શ્લોક કહ્યો. સંસ્કૃત સરળ છે. ઘણીવાર હું મારા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે તમારા એક કાનમાં એ દાખલ થાય છે અને બીજા કાનમાં અનુવાદ થઈને નીકળે છે. શ્લોકના પ્રથમ ત્રણ ચરણો કહ્યા. દરવાજાની પાછળ ઊભા ઊભા મયુર ભટ્ટ સાંભળી રહ્યા છે. શ્લોકનો અર્થ એવો હતો કે આ રાત હવે લગભગ પૂરી થવા આવી છે. હે ચંદ્રમુખી, હવે આ ચંદ્ર પણ ઝાંખો થઈને આથમવાની તૈયારી કરી રહ્યો છે. આ શયનખંડનો દીવો પણ હવે જાણે ઊંઘવા માંગતો હોય એમ ઝોલે ચઢીને ડોલી રહ્યો છે. હું તારા પગમાં પડું છું તો પણ તું માન મૂકતી નથી અને ક્રોધ ત્યજતી નથી. આટલું કહીને બાણભટ્ટ ઘડીક વિચારે છે ચોથું ચરણ રચવા માટે. ત્યાં તો દરવાજાની બહાર ઉભેલા મયૂર ભટ્ટથી રહેવાયું નહિ. આવો રસિક પ્રસંગ ચાલતો હોય ત્યારે કવિઓ ઝાલ્યા રહેતા નથી. એણે તરત જ સર્વ પ્રકારની માનમર્યાદા મૂકીને ચોથું ચરણ સંભળાવ્યું. એનો અર્થ એવો હતો કે ‘હે નમણાનેણવાળી નમણી, તારું હૃદય કઠણ છાતીની પાસે રહેતું હોવાથી કઠણ બની ગયું લાગે છે. બાણની પત્નીએ જોયું કે પોતાના પિતાએ આ ન સાંભળવો જોઈએ એવો સંવાદ સાંભળ્યો છે. એક પિતા પોતાની પુત્રી માટે આવું મર્યાદાભંગ કરતું કથન કરે એ અક્ષમ્ય અપરાધ ગણાય. એને પિતા પર ક્રોધ ચઢ્યો અને શ્રાપ આપ્યો પરિણામે મયૂરને કોઢ થયો, જે પછી સૂર્ય ઉપાસનાથી મટી ગયો. આ તો એક દંતકથા છે. બાણભટ્ટ અને મયૂર સમકાલીન હતા એવું દર્શાવવા કોઈએ ઘડી કાઢી છે.

સૂર્યશતકમાંથી થોડાક શબ્દચિત્રો હું આપને દર્શાવવાનો પ્રયત્ન કરીશ. આમ તો બધા જ શબ્દચિત્રો સરસ છે પરંતુ એમાં પહેલું ચિત્ર આપ્યું છે કે સવારમાં, ઉગમણી દિશામાં આ સૂર્ય જ્યારે ઊગે છે ત્યારે એ મને અનોખો ચિત્રકાર લાગે છે. ઉગમણી દિશાના ચિત્રપટ ઉપર પોતાની કિરણાવલીની કોમળ પીંછીથી વિવિધ રંગો પૂરીને જે ચિત્રાવલી આલેખે છે એની સુંદરતા તો સવારમાં જેણે એ દ્રશ્ય જોયું હોય એ જ જાણી શકે. સવારના પહોરમાં, અનંતની આ આર્ટગેલેરીમાં આ દિવ્ય કલાકારનો આ ભવ્ય વન-મેન શૉ યોજાય છે. એ જોવા જેવો હોય છે. કેટકેટલા રંગોની છટા એમાં છે. આકાશમાં રહેલી રૂપેરી ચાંદનીનો આછો રંગ, સહેજ અંધકાર રહી ગયો છે એનો શ્યામ રંગ, ઉષાનો હિંગળોકિયો લાલ રંગ, થોડા થોડા વિકસી રહેલા કમળવનની પરાગરજનો પીંગળો રંગ – આ બધા જ રંગોનું મિશ્રણ કરીને સૂરજરૂપી અનોખો ચિત્રકાર પોતાની કિરણાવલીની પીંછીથી એ ચિત્રાવલી આલેખે છે એ દરરોજ સવારમાં જો સમય હોય અને સૂરજ દેખાતો હોય તો જોવી. હવે તો મોટા શહેરોમાં સૂર્ય દેખાવો મુશ્કેલ બની ગયો છે. સૂર્યની કિરણાવલીના પણ વર્ણન કર્યાં છે. સૂર્ય, એનો પ્રસ્થાન માર્ગ, એનો રથ, એની કિરણાવલી, એના અશ્વો, એનો સારથી, સૂર્યમંડલ, સૂર્યતેજ અને સૂર્યના જુદા જુદા ગુણોનું વર્ણન આ બધા શ્લોકોમાં છે.

એક શ્લોકમાં એણે સૂર્યને વણકરનું રૂપ આપ્યું છે. આ સૂર્ય રૂપી અનોખો વણકર તો જુઓ ! એ જ્યારે બીજા દ્વિપખંડમાં જાય ત્યારે આ દ્વિપખંડના લોકો પર અંધકારનું શ્યામ વસ્ત્ર ઓઢાડે છે. સવારમાં જ્યારે આવે ત્યારે આ શ્યામ વસ્ત્રને પાછું ઉપાડી લે છે એટલે બધા જ જીવો નિર્વસ્ત્ર થઈને ઉઘાડા થઈ જાય છે. આવા જીવોને ઉઘાડા થયેલા જોઈને સૂર્યરૂપી દયાળુ વણકર પોતાના સોનેરી-રૂપેરી કિરણોના તાણાવાણા વણીને પિતાંબર બનાવીને એને ઢાંકે છે. મહાકવિ મયુરભટ્ટ સિવાય આવી કલ્પના સૂઝે કોને ? સૂર્યને દિવ્ય વૈદ્ય પણ કહ્યો છે. એ શ્લોક તો બહુ સરસ છે. દરરોજ સવારમાં પોતાની સોનેરી કિરણાવલીને લઈને સૂરજ આવે છે. સૂરજ રોગ મટાડનારો એક મોટામાં મોટો ડોક્ટર છે. સવારમાં આ બ્રહ્માંડરૂપી હોસ્પિટલનો નિવાસી નિષ્ણાત ડોક્ટરના જેવો સૂરજ પોતાની કિરણાવલીરૂપી રૂપાળી પરિચારિકાઓને સાથે લઈને પહોંચી જાય છે અને આ કોઢિયા રોગીઓની સારવાર કરે છે. જે રક્તપિતિયા રોગીને જોવા કોઈ તૈયાર ન હોય, જેના પરુની દુર્ગંધ દૂર દૂર સુધી ફેલાતી હોય, જેની વાણી અસ્પષ્ટ હોય, જેના હાથના આંગળા અને નાક ગળી ગયા હોય એવા કોઢિઓ-રોગીઓની સારવાર કરવા સૂર્ય સૌથી પહેલા આવે છે. સૂર્યશતકના 100 શ્લોકોમાં સૂર્યના કિરણો માટે એણે 20 શબ્દોનો પ્રયોગ કર્યો છે. કવિ, સાહિત્યકાર, પ્રોફેસરો વગેરે જમાના પ્રમાણે ધનભંડોળ ભલે એકઠું કરે પરંતુ આ શબ્દોના સોદાગરોએ શબ્દભંડોળ પણ એકઠું કરવું જોઈએ. ટૂંકી મૂડીએ શબ્દનો વેપાર કરવો એ અઘરી બાબત છે.

એક શ્લોકમાં એણે સૂર્યને સંસ્કૃત નાટિકાનો રચાયિતા બતાવ્યો છે. નાટિકામાં ચાર અંકો હોય છે. આ ચાર અંકની નાટિકા જેનું નામ ‘વિશ્વભ્રમણ’ નાટિકા છે એનો સૂર્ય લેખક છે, ડાયરેક્ટર છે અને એકટર પણ એ જ છે. નાટિકામાં ચાર અંક હોય છે તો આમાં દિવસના ચાર પ્રહરરૂપી ચાર અંકો છે. નાટિકામાં રંગમંચ હોય તો અહીં ઉદયાચલનું શિખર એ એનો રંગમંચ છે. નાટિકામાં પડદો ઉંચકાય ને દશ્ય દેખાય, અહીં પણ રાત્રિરૂપી પડદો ઊંચકાય છે અને બધા દશ્યો દેખાય છે. નાટિકામાં સૂત્રધાર આવીને પ્રસ્તાવના કરે અને પુષ્પાંજલિથી નાટકનો આરંભ કરાવે, અહીં સૂર્યનો સારથિ અરૂણ સુત્રધાર તરીકે આવે છે અને વિવિધ નક્ષત્રોરૂપી પુષ્પો વેરીને આ વિશ્વભ્રમણ નાટિકાનો એ આરંભ કરે છે. સરસ કલ્પના છે. આ વિશ્વભ્રમણ નાટિકા સંસારના લોકોને ગમે છે. બીજા એક શ્લોકમાં એણે સૂર્યને વિષવૈદ્ય કહ્યો છે. જે ઝેર ઉતારવાની વિદ્યા જાણે એને વિષવૈદ્ય કહેવાય. ઈતિહાસ કહે છે કે એ મયૂર પોતે પણ વિષવૈદ્ય હતો. આ સૂર્ય જ્યારે બીજા ખંડમાં જાય ત્યારે આ ખંડના લોકોને જાણે કાળોતરો કરડ્યો હોય એવી દશા થઈ જાય છે. રાત્રિના અંધકારમાં સૌને કાળરૂપી કાળોતરો કરડ્યો હોય એમ બધા સૂનમૂન થઈ જાય છે. શરીર ભાન ગુમાવી દે છે. આંખો મીંચાઈ જાય છે. કાનમાં કાંઈ સંભળાતું નથી. નાકમાં ગંધ લેવાની શક્તિ નાશ પામે છે અને મનુષ્ય આમ હાથપગ પહોળા કરીને પડ્યા હોય છે, જાણે કાળોતરો ન કરડ્યો હોય ! સવારે જેવો આ વિષવૈદ્ય આવે કે તરત પોતાની જડીબુટ્ટીથી વિષ ઉતારે છે અને આખું જગત આળસ મરડીને ઊભું થાય છે. આ પણ એક મધુર કલ્પના છે.

એક બીજી કલ્પનામાં એણે સૂર્યને નિષ્ણાત ઝવેરી સાથે સરખાવ્યો છે. પુરાણોની એવી કલ્પના છે કે સૂર્ય એ મેરુપર્વતની આજુબાજુ ઘૂમે છે અને મેરુપર્વત આખો સોનાનો છે. સૂર્ય નિષ્ણાત ઝવેરી છે. આ સોનાનો પર્વત શુદ્ધ સોનાનો છે કે નહીં એની ખાતરી કરવા સૂર્ય એની આસપાસ ઘૂમે છે. સોનાની કસોટી ત્રણ રીતે થાય… આગમાં તપાવવાથી, ટાંકણાથી કાપવાથી અને એને ઘસવાથી. ત્રણેય રીતે સૂર્ય મેરુપર્વતની આસપાસ ઘૂમીને કસોટી કરે છે. એની પ્રચંડ આગમાં એને તપાવે છે, પોતાના રથના પૈડાંથી એને ઘસે છે અને અશ્વોની ઉપડતી ને પડતી ખરીઓરૂપી ટાંકણાથી એને કાપે છે. આ રીતે એક ઉત્તમ અને નિષ્ણાત ઝવેરીની તરીકે સૂર્ય કામ કરે છે અને મેરુપર્વતને સર્ટિફાય કરે છે ! શ્લેષ અલંકાર મયૂરનો બહુ માનીતો છે. શ્લેષ અલંકારની તો મયૂરના શ્લોકોમાં રંગીન આતશબાજી ફૂટે છે. વામનની કથાનો ઉલ્લેખ કરીને મયૂર કહે છે કે સૂર્યની કિરણાવલી સવારમાં તો વામન હોય છે પછી વિરાટ બનીને દશે દિશાઓ અને આકાશમાં છવાઈ જાય છે. વામને તો બલિરાજા પાસેથી ધરતી માગી લીધી હતી. સૂર્યના કિરણો બળવાન અંધકારરૂપી રાક્ષસ પાસેથી ધરતીને ખેંચી લે છે. પૃથ્વી પર પ્રકાશ લાવે છે. આ રીતે સૂર્યની કિરણાવલી ભગવાન વામનની લીલાનું એક અનુકરણ કરે છે. સૂર્યને કદી મોડું થતું નથી. નિયમિત આવે છે. કેટલા બધા કામ કરે છે. સૂર્ય સર્જન પણ કરે છે, પાલન પણ કરે છે અને સંહાર પણ કરે છે. સૂર્યનું એકનામ સવિતા છે, એનો અર્થ છે ઉત્પન્ન કરનાર. એનું એક નામ પુષા છે એનો અર્થ છે પાલન કરનાર. સૂર્યનું એક નામ મહાકાલ છે, એનો અર્થ છે સંહાર કરનાર. સૂર્ય આ રીતે ત્રણેય કામ કરે છે. કાળની ગણતરી સૂર્ય પર આધારિત છે એ તો આપણે જાણીએ જ છીએ. સૂર્ય ન હોય તો પંચાગ ન હોય. સૂર્ય આ ત્રણે કાર્યો એવી સરસ રીતે બજાવે છે કે બીજા ત્રણ મુખ્ય દેવોને તો કશી જવાબદારી જ નથી રહી. અહીં મયૂરે બહુ કટાક્ષનો શ્લોક આપ્યો છે. ભગવાન શંકર આમ તો સંહારના દેવ છે પરંતુ સૂર્ય આ જવાબદારી સંભાળે છે એટલે એ નિરાંતે પાર્વતીને લઈને કૈલાસના હિમશિખરો પાસે વિહાર કરે છે. એને કંઈ કરવાપણું નથી. ભગવાન વિષ્ણુ શેષનાગની પથારી કરીને એના સસરાને ત્યાં જ પડ્યા પાથર્યા રહે છે અને જે સર્જક બ્રહ્મા છે એ બ્રહ્મલોકમાં રહીને યોગનિદ્રામાં તલ્લીન છે. આ ત્રણે દેવોની જવાબદારી સૂર્યએ ઉપાડી લીધી છે.

માનો કે આ સૂર્યરૂપી ગોળો જે અત્યારે મધ્યાકાશમાં છે એ વીજળીના બલ્બની જેમ ઊડી જાય તો શું થાય ? થોડી ક્ષણોમાં આપણું જીવવાનું અને જોવાનું બંધ થઈ જાય. આપણા પ્રાણ પ્રયાણ કરી જાય અને આ પૃથ્વી જે સૂર્યના ગુરુત્વાકર્ષણથી રોકાયેલી રહી છે એ અનંત બ્રહ્માંડમાં દૂર દૂર ફેંકાઈ જાય. આપણને ખબર નથી પરંતુ આટલું મોટું પ્રદાન આ સૂર્યનું છે. ઘણા શ્લોકો છે પરંતુ એક-બે વાત કરીને હું મારા વક્તવ્યનું સમાપન કરીશ.

મયૂર કહે છે કે સૂર્ય ઉપાસના કરવાથી અનેક પ્રકારના રોગો મટે છે. પહેલી વાત તો એણે એ કરી કે સૂર્ય સંતાન આપનારો દેવ છે. હમણાં-હમણાં સામાયિકો, માસિકો અને છાપાઓમાં બહુ વાંચવા મળે છે કે સ્ત્રી અને પુરુષ બંનેમાં વંધ્યત્વ ઘણું વધ્યું છે. સૂર્ય એનો સૌથી મોટો ઔષધ આપનારો વૈદ્ય છે. સૂર્યના સુકોમળ કિરણો શરીર પર ઝીલવામાં આવે તો આ સર્વ પ્રકારના રોગો દૂર થઈ જાય છે. પ્રાચીન સમયમાં એવી માન્યતા હતી કે સૂરજ વાંઝણામેણું ટાળે છે. સૂર્યની પત્નીનું નામ સંજ્ઞાદેવી છે. સંજ્ઞાદેવી શબ્દમાંથી ‘સંજ્ઞાદે’ શબ્દ બન્યો. એમાંથી ‘સંન્નાદે’ અને એમાંથી ‘રન્નાદે’ અને એમાંથી ‘રાંદલ’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. લોકબોલીમાં રાંદલ શબ્દ બહુ જાણીતો છે. સંતાનપ્રાપ્તિની માંગણી કરતાં લોકકવિઓએ એમનાં ગીતો રચ્યાં છે. ‘લીપ્યું ગુપ્યું ને મારું આંગણું, પગલીનો પાડનાર દો ને રન્નાદે…’ આજે પણ રાંદલની આવી પૂજા થાય છે. સૂર્યની વંદના કરતાં ભાટકવિઓ એક દોહો અચૂક બોલે છે ‘ભલે ઉગ્યા ભાણ…’ એ ચારણોના દોહાઓ પર સૂર્યશતકની સીધી અસર છે. એ ભણ્યા નહીં હોય, કુદરતી રીતે ભીતરથી આવે છે.

છેલ્લા બે શ્લોકોમાં મયૂર જુદી વાત કરે છે. એ પ્રશ્ન પૂછે છે કે આ સૂર્ય માનવજાતિ માટે કોના જેવો છે ? એ શું ઉપકાર કરે છે ? શું એ દેવ છે ? બાંધવ છે ? પ્રિય મિત્ર છે ? આચાર્ય છે ? સ્વામી છે ? રક્ષક છે, દીપક છે કે સદગુરુ છે ? પછી પોતે જ જવાબ આપે છે. સૂર્ય ઈચ્છિત વસ્તુ આપનારો દેવ છે. હંમેશા હિત કરનાર પ્રિય મિત્ર છે, સાથ અને સ્નેહ આપનાર બાંધવ છે. સન્માર્ગે દોરનાર આચાર્ય છે. અનુશાસનમાં રાખનાર સ્વામી છે. રક્ષણ કરનાર રક્ષક છે. રસ્તો બતાવનાર નેત્ર છે. અજવાળું કરનાર દીપક છે અને સદબોધ આપનાર સદગુરુ છે. કેટલા બધા સૂર્યના ગુણો આવી જાય છે. જાપાનમાં તો કહેવત છે કે સવારમાં તમે સૂર્યના કિરણો ન પ્રવેશે એ માટે દરવાજો જો બંધ રાખશો તો ડોકટરના આવવા માટે ખોલવા પડશે. આપણે તો આપણા ઘરના દરવાજાને બારીઓ તો રાખીએ છીએ પણ એને ચાર-ચાર થરથી ઢાંકીએ છીએ ! જાળી, કાચની બારી, પડદાં અને કોણ જાણે કેટલુંય ! સૂર્યના કિરણોની તો ક્યાં વાત રહી, હવાને પણ પ્રવેશવા ન દઈએ ! ગુજરાતીના માર્મિક લેખક ગુણવંત શાહનું એક કથન નોંધવા જેવું છે. એ કહે છે કે ઓટલા તો ગયા, હવે સ્ત્રીઓના ખોળા ગયા. કોઈ બાળકને ખોળામાં બેસાડી મા રમાડતી હોય કે સ્તનપાન કરાવતી હોય એવી ઘટના દુર્લભ બની ગઈ છે. તેઓ કહે છે કે ઓટલે બેસીને જો તમે તડકામય બનશો તો તમારે ગીતા, કુરાન કે બાઈબલના પાઠ નહીં કરવા પડે. એ વાત સૂર્યશતકમાં પણ છે. ભાઈઓ અને બહેનો, આપણે બધા ભારતીયો દેવ-દેવીઓની પૂજા કરનારા છીએ. તેત્રીસ કરોડ દેવ કહેવાય છે, જો કે હવે એની સંખ્યા વધી છે ! ગામડામાં નવી દેવીઓ ઉમેરાઈ છે. હવે સૂર્યની ઊર્જાની પૂજા કરવાની જરૂર ઊભી થઈ છે. કારણ કે એના સિવાય બીજો કોઈ આરો કે ઓવારો નથી. આજે વિશ્વના પટ પર હજારો મોટરકાર, બાઈકો, સ્ટીમરો અનેક પ્રકારના વિમાન, વિશાળકાય કારખાનાઓ… પેટ્રોલ અને ડિઝલ રાક્ષસોની જેમ પીધા કરે છે. હવે ધરતીની ક્ષમતા ઘટી છે. ખનીજતેલ પૂરું પાડવાની એની તાકાત ઘટી છે. આપણા અણઘડ વર્તનથી આ ધરતીની કામધેનુ વસૂકી ગઈ છે. ત્યારે હવે આ સૂર્યની ઉર્જાની પૂજા કરવાનો આપણે સંકલ્પ કરીએ. કવિ મયૂરે સૂર્યની જે સ્તુતિ કરી છે એમાં સંસારના સર્વ સુખોનો સમાવેશ થઈ જાય છે. છેલ્લા શ્લોકમાં એમ કહ્યું છે કે આ સૂર્યની ઉપાસના કરવાથી કેટલી વસ્તુ મળે ? તો કહે કે આરોગ્ય, આયુષ્ય, ક્રાન્તિ, બળ, વિદ્યા, ઐશ્વર્ય, અર્થ અને એની કૃપાથી સંપતિ અને સંતતિ પણ મળે છે. પૂજ્ય બાપુ, મહાનુભાવો અને મિત્રો, સૂર્યની સામે ઊંચી ડોક રાખીને સૂર્યશતકના મધુર ટહુકાથી સંસ્કૃતના ઉપવનને ગજાવી મૂકનાર અને યશકલગીથી શોભી ઊઠનાર મહાકવિ મયૂરને આપણા સૌના પ્યારભર્યા નમસ્કાર. સંધ્યાસમયે જ્યારે સૂરજ ઢળતો હોય ત્યારે અને સવારે જ્યારે એ ઉગતો હોય ત્યારે આપણે આપણી આંખોથી એનું દર્શન કરીએ, મનથી એનું સ્મરણ કરીએ અને આપણી જીભથી એનું સંકિર્તન કરીએ. ધન્યવાદ, પૂજ્ય બાપુના ચરણોમાં વંદન અને આપ સૌનો આભાર.

[ફોટોગ્રાફ સૌજન્ય : સંગીતની દુનિયા પરિવાર, મહુવા]
[ક્રમશઃ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous તાજા હસગુલ્લાં – સંકલિત
મતભેદોનો તત્કાળ નિવેડો લાવો – અવંતિકા ગુણવંત Next »   

4 પ્રતિભાવો : સંસ્કૃત લઘુકાવ્ય : સંસ્કૃતસત્ર-12 (ભાગ-1) – મૃગેશ શાહ

 1. Ramesh Desai says:

  very nice!!!

 2. Ramesh Desai says:

  very nice!!!!

 3. nitin says:

  મુ શ્રિ ભાશ્કર્ મ્હેતા તથા ઠાકોર ના વક્તવ્યો સમજવા અઘરા રહ્યા.સાવલિયા નુ વકતવ્ય ખુબ સરસ રહ્યુ.

 4. alpesh shah says:

  મ્રુગેશભાઈ

  ભાગ ૨ ની રાહ જોવાય છે

  અલ્પેશ

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.