મતભેદોનો તત્કાળ નિવેડો લાવો – અવંતિકા ગુણવંત

[ ‘કુર્યાત સદા મંગલમ’ પુસ્તકમાંથી સાભાર. આપ અવંતિકાબેનનો (અમદાવાદ) આ નંબર પર +91 79 26612505 પર સંપર્ક કરી શકો છો.]

[dc]અ[/dc]ર્ણવ શિક્ષિત સંસ્કારી સોહામણો અને સારું કમાતો નવયુવાન છે. ઈશાની અને એના મમ્મી પપ્પાને એ પસંદ પડ્યો હતો. પરંતુ એનું સંયુક્ત કુટુંબ હતું. ઈશાની જો અર્ણવને પરણે તો એને સંયુક્ત કુટુંબમાં રહેવું પડે તેથી એનાં મમ્મી-પપ્પા અચકાતાં હતાં. તેઓ કહે : ‘સંયુક્ત કુટુંબમાં વહુ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખવામાં આવે છે. નાનાં નાનાં બિનજરૂરી કામો જે બીજું કોઈ કરી શકે તે આદર અને લાગણીના નામ પર વહુએ દરરોજ કરવાં પડે છે. ના ગમે તેવાં કામ પણ ફરજ ખાતર કરવાં પડે છે.

‘આપણી ઈશાની તો રાજકુંવરીની જેમ ઉછરી છે, એ એવા પરંપરાગત રૂઢિવાળા ઘરમાં સુખેથી ના રહી શકે.’ પરંતુ ઈશાનીએ કહ્યું : ‘મને અર્ણવ પસંદ છે એટલે હું બધું વેઠી લઈશ. તમે મારી ચિંતા ના કરો. હું સંયુક્ત કુટુંબમાં રહીશ.’ માબાપને થયું ઈશાની પોતાના મનથી વસ્તારી કુટુંબ પસંદ કરે છે એટલે એ ત્યાંની શિસ્ત અને પ્રથાને અનુકૂળ થઈને રહી શકશે. આમ ઈશાનીના અર્ણવ સાથે લગ્ન થયાં. સામાન્ય રીતે સંયુક્ત કુટુંબમાં બધી વસ્તુઓ સહિયારી જ મનાય છે, એટલે એક સભ્યની ચીજવસ્તુ બીજો સભ્ય બેધડક વાપરે છે. સંયુક્ત કુટુંબમાં રહેનારમાં ઉદારતા અને સહિષ્ણુતા હોય તો જ બધાને પ્રિય થઈ પડે એવું ઈશાનીએ સાંભળ્યું હતું. આજ સુધી ઈશાનીએ જે માગ્યું એ માબાપે એને આપ્યું છે, ઈશાનીને કદી મન મારવું નથી પડ્યું કે વસ્તુ વહેંચીને વાપરવી નથી પડી. પિયરના ઘરમાં જે હતું એ બધા પર એનો અબાધિત હક હતો, કોઈ એમાં ભાગ પડાવનાર ન હતું. પરંતુ અહીં તો ઈશાનીના જેઠ-જેઠાણી, એમનાં સંતાનો, દિયર, નણંદ, સાસુ-સસરા અને વડસસરા છે. નણંદ કોલેજમાં જાય છે, ઈશાનીના મોંઘા કલાત્મક ડ્રેસ જોઈને એનું મન લલચાય છે, એક વાર એણે ઈશાની પાસે ડ્રેસ પહેરવા માગ્યો ને વગર ખચકાટે ઈશાનીએ આપ્યો. પછી તો નણંદને માગવાની ટેવ જ પડી ગઈ. આવી જ રીતે દિયર અવારનવાર પૈસા માગે છે ને ઈશાની આપે છે. એ એક વારે પૂછતી નથી કે તમને ખીસાખર્ચ નથી મળતો ? શું કામ વધારે પૈસા જોઈએ છે ? ફટ દઈને એ પૈસા આપે છે ને દિયર રાજી રાજી થાય છે.

આ જોઈને જેઠના સંતાનો પણ ‘કાકી તમારું સ્પ્રે આપોને, કાકી તમારું વૉચ આપોને, કાકી તમારું આ આપોને, તે આપોને…’ એમ સસ્તી મોંઘી વસ્તુઓ માગ્યા જ કરે છે ને ઈશાની હસતા મોંએ આપે છે. કદી ના નથી કહેતી, સાચવીને વાપરજો એવી સૂચના પણ નથી આપતી. ક્યારેક અર્ણવ હસીને કહે છે :
‘તું બહુ ખોટી ટેવો ના પાડીશ, નહિ તો આ તો ગમે તેવી મોંઘી ચીજ માગશે ને તે બગડી જશે તો પછી તારો જીવ બળશે.’
ઈશાની જવાબ આપે છે : ‘એમાં જીવ શું બાળવાનો ? ચીજ તો મારાથીય બગડે. ચીજ વાપરવા માટે છે. હું વાપરું કે એ વાપરે.’ અર્ણવ તો ઈશાનીની સ્નેહાળ ઉદારતા જોઈને વિસ્મય પામી ગયો. એને તો હતું કે ઈશાની એના માબાપની એકની એક દીકરી છે, એ તો કેવીય સ્વકેન્દ્રી, અભિમાની, અતડી અને મિજાજી હશે. જ્યારે આની ઉદારતા તો ઘરના બધાં કરતાં ચડી જાય એવી છે. અર્ણવને ઈશાની માટે પ્રેમની સાથે સાથે આદર પણ થયો.

ઘરનાં બધાં ઈશાનીથી ખુશ છે પણ એની સાસુને કોને ખબર કેમ ઈશાનીની નમ્રતા, સૌમ્યતા કે વિનય વિવેક સ્પર્શતાં નથી. એમને મન એ દંભ અને બનાવટ છે. ક્યારેક એ પોતાની સત્તાનો પરચો બતાવવા ઈશાનીને કઠોર શબ્દમાં વગર વાંકે ઠપકો આપે છે, ત્યારે ઈશાનીને મનોમન બહુ લાગી આવે છે. પણ વાત વધી ન જાય, ખોટી રીતે ઘરમાં કંકાસ ના થાય માટે એ ચૂપ રહે છે, ગમ ખાય છે – પતિનેય વાત નથી કરતી. પણ અર્ણવના આંખો અને કાન ખુલ્લા છે. ઈશાની એને કોઈ ફરિયાદ નથી કરતી. પરંતુ એ પોતાની માનું અયોગ્ય વર્તન જાણી શક્યો હતો. એને માનું વર્તન જરાય પસંદ નહોતું આવ્યું. એક વાર સાસુ ઈશાનીને કર્કશ શબ્દોમાં કંઈક કહેતાં હતાં ત્યારે અર્ણવ અચાનક ત્યાં પહોંચી ગયો અને ધીમા પણ ભારપૂર્ણ અવાજે કહ્યું, ‘મમ્મી, ઈશાની તમારો વડીલ તરીકે આદર કરે છે તો તમે એને દીકરી જેવી કેમ નથી માનતાં ?’ ઈશાનીનાં સાસુ ચોંકી ઊઠ્યાં. એમને તો ખ્યાલ જ નહિ કે એમનો પોતાનો શાંત અને કહ્યાગરો દીકરો વહુનું ઉપરાણું લઈને એમને આવી રીતે બોલશે. અર્ણવે આજે તો સાફ સાફ કહેવાનું નક્કી કર્યું જ હતું. એ બોલ્યો : ‘મમ્મી, માફ કરજો પણ કડવો શબ્દ માણસને વાગે જ છે. તમે વડીલ તરીકે સ્નેહ અને મીઠાશથી જે કહેવું હોય એ કહો. આપણું આખું કુટુંબ વિભાજિત થયા વગર એક સાથે રહે તેવું તમે ઈચ્છતા હો તો આવો અન્યાય ન કરો. આનાથી અમારું દિલ દુભાય છે.’

અર્ણવે જ્યારે એની મમ્મીને કહેવાનું શરૂ કર્યું હતું ત્યારે ઈશાની ત્યાંથી ખસી ગઈ હતી. એને માણસના સ્વભાવ અને મનનું જ્ઞાન છે. એણે વિચાર્યું હતું કે અર્ણવ મારી પરના પ્રેમના લીધે ઉશ્કેરાઈને મમ્મીને કહે એ પળે પોતે ત્યાં હાજર હોય તો સાસુ પણ એને અપમાન સમજીને સામો ઉશ્કેરાટ કરે જ. દીકરાની સાચી વાત પણ એ સાંભળી ના શકે અને ઝઘડો થાય એમાં તો આખું ઘર ખળભળી ઊઠે, એ બરાબર નહિ. સાસુ છોભીલાં પડે એમાં મારો વિજય નથી. સાસુના હૈયામાં કુદરતી રીતે મારા માટે મમત્વ જાગે અને આંખમાં અમી આવે તો જ સાસુવહુનો સંબંધ હેતભર્યો બને, એ સંબંધની ગરિમા સચવાય. એ ખોટી જીભાજોડીમાં માનતી ન હતી. એકાંતમાં ઈશાનીએ અર્ણવને કહ્યું :
‘તમારે અમારા સાસુવહુના મામલામાં વચ્ચે નહોતું બોલવું જોઈતું. ધીરે ધીરે મમ્મી મને સમજી શકત.’
‘એવી રાહ ના જોવાય. તારો હાથ પકડીને હું તને આ ઘરમાં લાવ્યો છું અથવા તો મારો હાથ પકડીને કેટલી મહેચ્છાઓ અને વિશ્વાસ સાથે તું આ ઘરમાં આવી છે. તું આ ઘરનાને હેતથી સુખી કરવા મથી રહી છું ત્યારે તારી કદર કરવાના બદલે મમ્મી ઊંચા અવાજે સખતાઈથી વારંવાર કંઈ કહે તો વચ્ચે બોલવાની મારી જવાબદારી બને છે. તારા સુખદુઃખ અને માન-અપમાનની જવાબદારી મારી છે. તું ભાવનાશીલ છે, આદર્શવાદી છે તેથી વિવેકથી સાંભળી લે છે પણ ક્યાં સુધી આમ દબાતી રહીશ ? એક દિવસ તારી સહનાશીલતા ખૂટે, ધીરજ ના રહે ને વિસ્ફોટ થાય એ પહેલાં મમ્મીને ચેતવી દેવાની જરૂરત હતી અને એ મારે જ કરવું જોઈએ.’ સંયુક્ત કુટુંબની એકતા જાળવી રાખવી હોય તો દરેક સભ્યની દષ્ટિથી વિચાર કરવો જોઈએ, દરેકનું મન સચવાય, માન સચવાય તો જ મીઠાશ રહે. ઘરમાં કોઈનું શોષણ ના થવું જોઈએ. કોઈ ગૂંગળાવું ના જોઈએ. આજથી થોડા વરસો પહેલાં ચૂપ રહીને અન્યાય, દુઃખ સહન કરવાની સ્ત્રીની ફરજ મનાતી હતી. ખોટી રીતે ઠપકો મળે શોષણ થાય તોય ચૂપ રહેવામાં સ્ત્રીની શોભા ગણાતી. આપણા દેશમાં જ નહિ, પણ અન્ય દેશો જેવા કે રશિયા ઝેકોસ્લોવેકિયા જાપાન ઈરાન બધે જ મનાતું હતું કે ઘરની શાંતિનો બધો આધાર સ્ત્રી પર છે, માટે સ્ત્રીએ પોતે દુઃખ વેઠીને ઘરનાંને સુખી કરવા જોઈએ.

પરંતુ આધુનિક યુગ સમાનતાનો છે. ઘરમાં શાંતિ રાખવાની સ્ત્રી અને પુરુષ બેઉની સરખી જવાબદારી મનાય છે. ઘરમાં મતભેદ ઊભા થાય તો તરત નિરાકરણ લાવવું જોઈએ. સ્ત્રીએ ખોટી રીતે સહન કરવાની જરૂર નથી. ધનિક હોય કે ગરીબ, શિક્ષિત હોય કે અશિક્ષિત દરેક ઘરમાં વાદવિવાદ કે ચડભડ થાય છે. મતભેદ પણ સર્જાય છે. ક્યારેક નાની વાતમાં એકાદ સભ્ય જીદ પર ચડી જાય અને ગરમાગરમી થઈ જાય અને પછી કોઈ વાર એની મેળે બધું શાંત પડી જાય અને ભુલાઈ જાય. પરંતુ ક્યારેક બહારથી બધું શાંત પડી જતું દેખાય પણ હૃદયમાં કડવાશ રહી ગઈ હોય અને એ અંદર ને અંદર ઘૂંટાઈને ક્યારેક એ કલેશ, કકળાટના રૂપે બહાર નીકળે છે. એવું ના બને એ માટે ઘરના મોભીએ ઝઘડાના મૂળ સુધી પહોંચીને ગેરસમજ દૂર કરી વાતનો નિવેડો લાવવો જોઈએ. જેથી કરીને ફરીથી એ મુદ્દા પર ઝઘડો ના થાય. ઘરની વહુ નમ્રતા, ધીરજ, વિનય અને ઉદારતા દાખવે એ નબળાઈ ન ગણાવી જોઈએ. એનો ખોટી રીતે ગેરલાભ ન ઉઠાવાય એ જોવાની ફરજ એના વરની છે. દરેક સંબંધમાં સમાનતા, સૌજન્ય, સદભાવ અને સ્નેહ જોઈએ તો જ કુટુંબ અખંડિત રહે. આપણા સમાજની પુરાણી પ્રથા અનુસાર પરાયા ઘરની દીકરી પોતાની ચિરપરિચિત સૃષ્ટિને એક ક્ષણમાં છોડીને પોતાને લગભગ અજ્ઞાત અપરિચિત અનનુભૂત એવી નવી સૃષ્ટિમાં પ્રવેશે છે, ત્યારે એની કલ્પના કાયમ ફળે છે ?

લગ્નના દિવસે સુગંધિત પીઠી અને અભ્યંગ સ્નાન, આભૂષણ અને સુંદર કપડાં માનપાન અને વિનોદમસ્તી, મંત્રોચ્ચાર અને હોમહવન આ બધાના વાતાવરણને લીધે નૂતન જીવન વિશે જે પવિત્ર પ્રસન્ન અને સર્વમંગલની કલ્પના મનમાં રચાય છે એ કલ્પના સાકાર થાય એ માટે પતિ-પત્ની બેઉએ સાથે પુરુષાર્થ કરવાનો છે. લગ્નના પહેલા દિવસના શરણાઈના સૂરો સાથે પછીના દિવસોના સૂરોનો મેળ બેસાડવાનો છે. જીવનને સંગીતમય બનાવવાનું છે. અન્યોન્યમાં અને પ્રેમમાં શ્રદ્ધા હશે તો જ લગ્ન સફળ થાય છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સંસ્કૃત લઘુકાવ્ય : સંસ્કૃતસત્ર-12 (ભાગ-1) – મૃગેશ શાહ
નોખું-અનોખું – સંકલિત Next »   

17 પ્રતિભાવો : મતભેદોનો તત્કાળ નિવેડો લાવો – અવંતિકા ગુણવંત

 1. Ashish Makwana says:

  Very nice….Hope so we can implement in all family..

 2. ખુબ જ સુંદર

 3. subhash bhojani says:

  ખુબ સરસ બહુ મજા આવી. ધન્યવાદ

 4. MANISHA says:

  ખુબ સરસ

 5. Rupal says:

  Very nice.

 6. HITESH MEHJTA says:

  બહુ જ સરસ દરેક ની ફરજ દરેક સમજે તો જ ઘર સ્વર્ગ બની શકે

 7. Ranjan Pandya says:

  સત્રિ નુ શોષણ તો યુગોથી ચાલ્યું આવે છે…સુધારાની વાતો બધા કરે છે પણ સુધારો કયાંય દેખાતો નથી……

 8. Mahipatsih Rathod (Bhabhar) says:

  Khub saras varta. Jo avu darek manas vichare to duniya sukhi Thai jaay. Bhai…bhai…! Jay mataji.

 9. gita c kansara says:

  બોલવુ સહેલુ આચરન કર વુ સહેલ નથિ.
  ના બોલ્યામા નવગુન.લેખિકાબેન્ નો પ્રયાસ ઉત્તમ્.
  તેનુ અનુકર ન ક્યારે?……

 10. mavjimakwana says:

  મત અને ભેદ, ત્યારે ઉદ્દ્ભવે છે……. જ્યારે કોઇપણ નો મત……………… એક, નથેી હોતો! ખુબ સુન્દર રચના

 11. Chintan Dadhaniya says:

  aje varta tame kaheli te prmane loko vichar ta nathi tej moto matbhed che.

 12. BIPIN PATEL says:

  Good lesson for keep family united

 13. nita says:

  bahu saras agar pati ane patni bane agar aa vastvikta samji jay to koe divas pati patni vache jagda thay j nahi.aa vastu ni hu khud chasmadid gavah chu.

 14. rinal modi says:

  Khub sars…. aaj na samaj ma aa varta prtyax rahi ne jo karya kare to divorce nu parman je vadhelu joi sakiye 6iye te tadan nabudi ye pohchi jai…..

 15. shirish dave says:

  સુંદર વાર્તા, સાસુ, વહુ, પુત્રો, પુત્રીઓ અને હબ બધાએ વાંચવા જેવી.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.