નોખું-અનોખું – સંકલિત

[1] શિક્ષક અને વાલી – સંત ‘પુનિત’

બાળકોના એક આદર્શ શિક્ષક તરીકે મોટી નામના મેળવનાર ગિજુભાઈ બધેકા બાળકોના માત્ર શિક્ષક નહોતા, બાળકોના એક સાચા વાલી પણ હતા. પોતાના બાળક પ્રત્યે કોઈ માતાપિતા કે વાલી જેવો પ્રેમ દાખવે એવો જ પ્રેમ ગિજુભાઈ બધેકા બાળકો પ્રત્યે દાખવતા. એક દિવસની વાત છે. ગિજુભાઈ વર્ગમાં બાળકોને ભણાવી રહ્યા હતા. દરેક વિદ્યાર્થીના હાથમાં પાઠ્યપુસ્તક હતું અને દરેક વિદ્યાર્થીની નજર એ પાઠ્યપુસ્તક વાંચવામાં જ હતી. ગિજુભાઈએ જોયું કે બાળકો પાઠ્યપુસ્તક વાંચવામાં તલ્લીન છે ! એ જોઈ મનમાં ખૂબ આનંદ થયો. પણ એ ક્ષણજીવી જ નીવડ્યો.

તેમણે ફરીવાર નજર કરી તો છેક છેલ્લી હારમાં બેઠેલો એક વિદ્યાર્થી તેની પાસે બેઠેલા એક બીજા વિદ્યાર્થીના પાઠ્યપુસ્તકમાં નજર ફેરવી રહ્યો હતો. આ જોઈને ગિજુભાઈએ પેલા વિદ્યાર્થીને ઊભો કર્યો, પૂછ્યું :
‘તારી પાસે પાઠ્યપુસ્તક નથી ? તેં હજી તે ખરીદ્યું નથી ? બીજાના પુસ્તકમાં શા માટે જુએ છે ?’
આવા ઉપરાઉપરી પ્રશ્નોથી પેલો બિચારો એવો ગભરાઈ ગયો કે તે ધ્રૂજતા અવાજે માત્ર એટલું જ બોલી શક્યો :
‘અમે પુસ્તક ખરીદી શકીએ એમ નથી.’
ગિજુભાઈએ પછી તેને બેસી જવા કહ્યું. શાળાનો સમય પૂરો થયો. ગિજુભાઈ ઘેર આવ્યા, પણ તેમના મનને સતત એક પ્રશ્ન ડંખી રહ્યો હતો કે મેં તેને ઊભો કર્યો, કારણ કે, તેની પાસે પાઠ્યપુસ્તક નહોતું. પણ શા માટે નહોતું ? તેનાં માતાપિતા ખરીદી શકે તેવી સ્થિતિ ધરાવતાં નથી એટલે જ ને !…. અને પછી ગિજુભાઈને આ પ્રશ્ન પણ થયો કે હું શું તેનો માત્ર શિક્ષક જ છું ? વાલી નથી ?

બીજે દિવસે ગિજુભાઈએ પેલા વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો અને તેના હાથમાં થોડા પૈસા મૂકીને બોલ્યા :
‘હવે તું પાઠ્યપુસ્તક ખરીદી લેજે.’
વિદ્યાર્થી જરા ગળગળો થયો અને બોલ્યો : ‘તમે મારા શિક્ષક છો, કંઈ મારા વાલી નથી કે આમ મને પાઠ્યપુસ્તક ખરીદવા પૈસા આપી રહ્યા છો !’
ગિજુભાઈ બોલ્યા : ‘બેટા, આજ સુધી હું પણ એ જ ભ્રમમાં હતો કે હું તારો શિક્ષક જ છું; પણ આજે મારો એ ભ્રમ હવે દૂર થયો છે અને હું સમજી શક્યો છું કે હું તારો શિક્ષક જ નહિ, વાલી પણ છું. બધા શિક્ષકોએ વહેલુંમોડું પણ આ સમજવું જ પડશે.’ (‘જનકલ્યાણ’ માંથી સાભાર.)
.

[2] વિચિત્ર પણ અગત્યની સેવા – હરજીવન પટેલ

નિઃસ્વાર્થભાવે બીજાને મદદ કરવી તેનું નામ સેવા. સેવાના અનેક પ્રકાર છે પણ હું અમેરિકામાં નોર્થ કેરોલીના સ્ટેટના રાલે (સ્ટેટ કેપિટલ) ગયો ત્યારે મેં એક વિચિત્ર પ્રકારની પણ ખૂબ અગત્યની સેવાનો પ્રકાર જોયો. મૂળ પાટણ જિલ્લાના મણુંદ ગામના પણ જન્મથી જ વડોદરામાં વસતા ભગીરથભાઈ પટેલ એક સાંજે ઈન્ડિયન ગ્રોસરી સ્ટોરમાંથી બહાર નીકળ્યા ત્યારે ત્યાં એક ભારતીય યુવાનને કંઈક ઈંતેજારીથી ઊભેલો જોયો. ભગીરથભાઈએ પૂછ્યું :
‘May I help you ?’
‘બ્રધર, હું કેમ્પબેલ યુનિવર્સિટીમાં ભણું છું. આવતી કાલે શું ખાવું તે મારે માટે સમસ્યા હતી. ગ્રોસરી લાવવી ખૂબ જરૂરી હતું એટલે રાલે ડરહમ આવતા એક બ્લેક સ્ટુડન્ટની રાઈડ મળતાં હું અહીં આવ્યો પણ હજુ પેલો વિદ્યાર્થી પરત આવ્યો નથી. કદાચ આદત મુજબ દારૂ પીવા બેસી ગયો હોય તો ન પણ આવે, તેની ચિંતામાં છું.’ પેલા યુવાને કહ્યું.
‘ચાલો, હું તમને મૂકી જાઉં. તમે મને ડિરેકશન બતાવજો.’ ભગીરથભાઈએ કહ્યું.
‘પણ બ્રધર, અહીંથી એક કલાકનો રસ્તો છે. 60-70 કિ.મી.નું અંતર છે. સાંજ પણ પડવા આવી છે.’ યુવાને કહ્યું.
‘કોઈ વાંધો નહીં. તમારો પ્રોબ્લેમ મોટો નથી.’ ભગીરથભાઈએ કહ્યું અને તેમની કારમાં તેઓ મૂકવા ગયા.

રસ્તામાં વાત વાતમાં તેમણે જાણ્યું કે કેમ્પબેલ યુનિવર્સિટી વેરાન જગ્યાએ 125 વર્ષથી આવેલી છે. ત્યાં નજીકમાં ઈન્ડિયન ગ્રોસરી સ્ટોર નથી. ભારતીય વિદ્યાર્થીઓ કરકસરથી રહેવા નજીકમાં ફલેટ ભાડે રાખી, એક રૂમમાં 3-4 વિદ્યાર્થીઓ રહે છે. જાતે રસોઈ કરે છે. કાર તો હોય જ ક્યાંથી ? બસ કે ટ્રેનની પણ સુવિધા નથી એટલે સ્થાનિક વિદ્યાર્થીઓની મદદથી રાલે જઈ ગ્રોસરી લઈ આવે છે. ભગીરથભાઈએ ત્યાં જઈ ભારતીય વિદ્યાર્થીઓની મુલાકાત લીધી. તેમને જોઈતી ગ્રોસરીનું લીસ્ટ બનાવ્યું અને આવતા રવિવારે તેઓ ગ્રોસરી આપી જશે તેમ કહ્યું. તેમનાં નામ અને ફોન નંબર પણ લીધાં. બીજા રવિવારે તેઓ ગ્રોસરી આપવા ગયા ત્યારે સાક્ષાત ભગવાન આવ્યા હોય તેમ વિદ્યાર્થીઓ રાજી રાજી થઈ ગયા. તેમણે કહ્યું કે, ‘તમારા બે કલાક ટ્રાવેલીંગમાં બગડે અને ઘરનું પેટ્રોલ બાળવાનું એટલે તમે થોડાક વધારે પૈસા લો.’ પણ ભગીરથભાઈએ તે લેવાની સાફ ના પાડી, પછી કહ્યું કે તમે બધા મને ઈ-મેઈલથી તમારું લીસ્ટ મોકલી આપો તો મારો એક ધક્કો, સમય અને પેટ્રોલનો ખર્ચ બચે. તેવી વ્યવસ્થા કરી. કોઈ વિદ્યાર્થી પાસે પૈસા ન હોય તો પણ ભગીરથભાઈ પોતાના પૈસે ઉધાર રાખે પણ કોઈ વિદ્યાર્થીને ભૂખ્યા ન રહેવા દે.

એકવાર ભગીરથભાઈએ ઈન્ડિયન ગ્રોસરી સ્ટોરના પાર્કીંગ પ્લોટમાં સરપ્રાઈઝ ભડથું-રોટલા, ચટની, ઘી-ગોળ, ખીચડી-કઢીની પાર્ટી રાખી. ભગીરથભાઈએ જાતે રસોઈ બનાવેલી. સાદુ ભારતીય ભોજન જમીને વિદ્યાર્થીઓ તો ખૂબ ખુશ ખુશ થઈ ગયેલા અને અંતરના આશીર્વાદ આપેલા. ભગીરથભાઈ તેમને લઈ આવેલા અને મૂકી પણ આવેલા. પછી તો ભગીરથભાઈને મકાનનો સામાન બદલવાનો હોય તોપણ હનુમાન સેના હાજર. એક જ દિવસમાં કામ ખતમ. ભોજનની સમસ્યા દુનિયામાં ભારે હોય છે અને તે દૂર થતાં ભગીરથભાઈ વિદ્યાર્થીઓના ‘વહાલા બ્રધર’ બની ગયેલા. ભગીરથભાઈના ચારે ભાઈઓ સેવા માટે હંમેશાં તત્પર. ઘરનું ગોપીચંદન બગાડીનેય બીજાને ચાંલ્લા કરે ! તે તેમના કુટુંબના સંસ્કાર. કરેલું કામ ફોગટ જતું નથી તેમ પ્રભુકૃપાથી ભગીરથભાઈની ભાગીદારીમાં નોર્થ કેરોલીનાના રાલે, ડરહમ એપેક્ષ – ત્રણ શહેરોમાં ‘એરાઉન્ડ ધી વર્લ્ડ માર્કેટ’ નામે વિશાળ આધુનિક સુંદર ઈન્ડિયન ગ્રોસરી સ્ટોર્સ છે. (‘અખંડ આનંદ’માંથી સાભાર)
.

[3] મારું નહિ, આપણા સૌનું – કૃષ્ણકાંત

આફ્રિકન જન-જાતિની રહેણી-કરણી અને રિવાજોનું અધ્યયન કરતો એક માનવ-વિજ્ઞાની મોટાભાગનો સમય કબીલાનાં બાળકોથી ઘેરાયેલો રહેતો હતો. એક વાર તેણે બાળકો સાથે એક નાનકડી રમત રમવાનું વિચાર્યું. તેણે વાડકીમાં કેટલીક ચોકલેટ્સ લઈ તેને એક ઝાડ નીચે મૂકી દીધી. ત્યારબાદ તેણે બાળકોને સમજાવ્યાં કે જેવું તેઓ ‘રન’ બોલે, ત્યારે બાળકોએ ઝાડ તરફ દોડવાનું શરૂ કરવું અને જે બાળક ત્યાં સૌથી પહેલાં પહોંચશે, બધી જ ચોકલેટ્સ તેની. બધાં બાળકો એક લાઈનમાં ઊભાં રહી ગયાં અને તેના સંકેતની રાહ જોવા લાગ્યાં. જેવું તેણે ‘રન’ કહ્યું, દરેક બાળકે એકબીજાના હાથ પકડી લીધા અને સૌ સાથે તે ઝાડ તરફ દોડવા લાગ્યાં. તે બધાં એક સાથે તે ઝાડ સુધી પહોંચ્યાં અને ત્યાં મૂકેલી ચોકલેટ્સ વહેંચી લીધી. આ જોઈ માનવ-વિજ્ઞાની તેમની પાસે ગયો અને તેમને પૂછ્યું કે બધાં સાથે જ કેમ દોડ્યાં ? જો કોઈ એક જણ સૌથી પહેલાં ત્યાં પહોંચી ગયો હોત તો બધી જ ચોકલેટ્સ મેળવી શક્યું હોત.

ત્યારે બાળકોની પ્રતિક્રિયા હતી – ‘ઉબંટુ.’ તેમનામાંથી એક બાળક બોલ્યો, ‘જો બાકીનાં દુઃખી હોય તો અમારામાંથી કોઈ એક ખુશ કેવી રીતે થઈ શકે છે ?’ ‘ઉબંટુ’ આફ્રિકન જન જાતિઓની એક ફિલસૂફી છે. જેને આ રીતે સમજાવી શકાય છે કે, ‘હું જે કંઈ છું તે અમે બધા છીએ.’ ‘ઉબંટુ’ ખાસ કરીને એ તથ્યને રેખાંકિત કરે છે કે તમે માણસ તરીકે માત્ર પોતાની જાત સુધી જ સીમિત ન રહી શકો અને જ્યારે તમારી અંદર આ ખૂબી ‘ઉબુંટુ’ હોય છે, ત્યારે તમે તમારી ઉદારતા માટે ઓળખાવ છો. આપણે મોટાભાગે એક-બીજાથી અલગ રહીને માત્ર પોતાના વિશે વિચારીએ છીએ. હકીકત એ છે કે આપણે જે કરીએ છીએ, તેનાથી આખી દુનિયા પ્રભાવિત થાય છે. ખાસ તો, જ્યારે કોઈપણ સારું કામ થાય ત્યારે તેનો ફેલાવો સમસ્ત વિશ્વમાં થાય છે.

કમ્પ્યુટરો જ્યારથી આપણી રોજબરોજની જિંદગીના આટલા બધા મહત્વના ભાગ બની ગયા ત્યારે તેનો ફાયદો લઈને બિલગેટ્સ જેવાએ Microsoft નામની કંપની બનાવી. Microsoft એક એવી Operating System બનાવી જેના પર એકાધિકાર હોય. આવી પદ્ધતિ વિકસાવવાને લીધે જ તે દુનિયાનો સૌથી શ્રીમંત માણસ બન્યો. કેટલાક સોફ્ટવેર એન્જિનીયર્સને આ કઠતું હતું. તેમને થયું આવું તો ન ચાલે. એમણે એક ગ્રુપ (કમ્યુનિટી) બનાવી જેનું નામ પાડ્યું ‘ઉબુંટુ’. આ મિત્રોએ ખૂબ પ્રયત્ન કરી, પોતાનાં સમય-શક્તિ વાપરીને Microsoft ના આ એકાધિકારને તોડવાનું નક્કી કર્યું. તેમણે Linux નામનો પ્રોગ્રામ વિકસાવ્યો – જેને કોઈ પણ વાપરી શકે, જેના પર કોઈનો અધિકાર ન હોય. ઉબુંટુનો અર્થ થાય છે સહકાર અને એકબીજા સાથે વહેંચીને જીવવું. Microsoftના એકાધિકારને તોડવા માટે રચાયેલ Operating Systemનું નામ તેથી જ Ubuntu રાખવામાં આવ્યું. જેના નામમાં જ ‘વહેંચવું’ નિહિત છે. આજે વિશ્વના ખૂણે ખૂણે આ સિસ્ટમ વધુ ને વધુ લોકપ્રિય બની રહી છે, કારણ કે તેને સામાન્ય લોકો પણ સહેલાઈથી વાપરી શકે તેવી બનાવવની મહેનત તેની પાછળ થઈ રહી છે. તેમ જ તેણે Microsoft જેવી વિશાળકાય કંપની સામે એક મોટો પડકાર ઊભો કર્યો છે. આને માટે કામ કરનારા છે નાના-મોટા-સ્વતંત્ર અને ન્યાયપ્રેમી એવા સોફટવેર એન્જિનીયરો.

માઈક્રોસોફટ અને એપલ જેવી કંપનીઓએ પોતાની બંધિયાર અને માલિકીવાળી સિસ્ટમને આધારે ભલે અબજો ડોલર ઘર ભેગા કર્યા હોય પરંતુ, સમાજે બતાવી દીધું છે કે જેટલો ઝડપી ફેલાવો ઓપન સિસ્ટમનો થાય છે તેટલો આવી બંધિયાર સિસ્ટમનો નથી થતો. (‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.)
.

[4] ચાનો કપ – અજ્ઞાત

દર્શનશાસ્ત્રના એક અધ્યાપક મહોદય વર્ગમાં આવ્યા. આ અધ્યાપકની ભણાવવાની રીત અનોખી હતી. જીવનનાં ગંભીર તથ્યો સમજાવવા તેઓ અવનવી રીત અપનાવતા. આથી વિદ્યાર્થીઓને ગંભીર વાતો પણ સરળતાથી સમજાઈ જતી.

આજે આવતાવેંત તેમણે ટેબલ પર એક મધ્યમ કદની ખાલી બરણી મૂકી. વિદ્યાર્થીઓ એક ધ્યાનથી ‘સર’ની ગતિવિધિ જોઈ રહ્યાં હતાં.
‘આ બરણી ખાલી છે ને મિત્રો ?’ તેમણે કહ્યું.
વિદ્યાર્થીઓ થોડું વિચારીને બોલ્યા : ‘હા ! સર. ’
અધ્યાપકે તેમના પાકિટમાંથી ટેનિસ રમવાની થોડી નાની દડીઓ કાઢી અને તે એક પછી એક બરણીમાં નાખવા લાગ્યા. એક પણ દડી ન સમાય એવી સ્થિતિ આવતાં તેમણે પૂછ્યું : ‘બરણીમાં હવે કંઈ સમાશે ?’
‘ના.’ વિદ્યાર્થીઓએ એક સાથે જવાબ આપ્યો. કંઈ પણ કહ્યા વિના અધ્યાપકે તેમના પાકીટમાંથી એક કોથળી કાઢી જેમાં દડીથી થોડા નાના અને સરખા કદના કાંકરા હતા. તેમણે બરણીમાં આ કાંકરા નાખવા શરૂ કર્યા. બરણીને હલાવતાં હલાવતાં કાંકરા નાખતા ગયા તો જેટલા લાવ્યા તે બધા કાંકરાનો બરણીમાં સમાવેશ થઈ ગયો !
‘હવે બરણીમાં જગ્યા છે ?’ અધ્યાપકે વિદ્યાર્થીને પૂછ્યું.
‘જરા પણ નહીં.’ વિદ્યાર્થીઓ એક સાથે દઢતાપૂર્વક બોલી ઊઠ્યા. અધ્યાપકે ફરી તેમનું પાકીટ ફંફોસ્યું અને રેતીથી ભરેલી એક કોથળી કાઢી. ફરી બરણી હલાવતાં હલાવતાં તેઓ રેતી નાખતા ગયા. વિદ્યાર્થીઓ પોતાની જ નાદાની પર હસવા લાગ્યાં. બરણીમાં જ્યાં જ્યાં જગ્યા હતી ત્યાં બધી જ રેતી સમાઈ ગઈ.

‘હવે ?’ અધ્યાપકે પૂછ્યું, ‘હવે તો બરણી ભરાઈ ગઈ ને ?’
‘હા સર, પૂરેપૂરી ભરાઈ ગઈ. હવે આમાં કશું જ નહીં સમાય.’ આગળ બેઠેલો એક વિદ્યાર્થી બોલ્યો. સહુ ‘સર’ હવે શું કરે છે તે આતુરતાથી જોઈ રહ્યા. અધ્યાપકે પાકીટની બાજુમાં પડેલો પોતાનો થરમોસ લીધો. પછી તેમાંથી બે કપ ચા કાઢી અને આ બરણીમાં રેડી. બરણીમાં જ્યાં જ્યાં રેતી હતી તેમાં બે કપ ચા શોષાઈ ગઈ ! વિદ્યાર્થીઓને ભારે રમૂજ થઈ. તેઓ સર શું કહેવા માગે છે તે અંગે વિચારવ લાગ્યા. થોડીવાર શાંત રહી અધ્યાપકે સહુને વિચારવા દીધા. સહુના ચહેરા પરની ઉત્કંઠા જોઈ અધ્યાપકે શરૂ કર્યું.

‘જુઓ દોસ્તો, આપણા જીવનમાં સહુથી મહત્વપૂર્ણ છે આપણું સ્વાસ્થ્ય, આપણા શોખ તેમ જ આપણો પરિવાર, ખરું ને ! તો જીવનરૂપી આ બરણીમાં સહુથી પહેલાં જે દડીઓ નાખી તે આ મહત્વપૂર્ણ બાબતો છે. તેને સહુથી વધુ મહત્વ આપવું જોઈએ. આપણી નોકરી, ધંધો, ઘર, ગાડી, ફર્નિચર આવક-જાવક આ બધી જે બાબતો છે તેનું જીવનમાં બીજું સ્થાન છે. આથી દડી નાખ્યા પછી જે જગ્યા બચી તેમાં આપણે આ કાંકરા નાખ્યા. નાના નાના વિખવાદો, વ્યવહારો, બોલાચાલી કે ઝઘડાઓ તે આ રેતી સમાન છે. દરેકના જીવનમાં વત્તે ઓછે અંશે તે હોય ખરા. પરંતુ તેને ઝાઝું મહત્વ ન આપવું જોઈએ. આપણી જીવનરૂપી બરણીમાં પહેલેથી જ જો રેતી ભરી દઈએ તો દડીઓ કે કાંકરાની જગ્યા રહે નહીં, ખરું ને !’ અને જો પહેલેથી તેમાં કાંકરા ભરી દઈએ (જે મોટાભાગના લોકો કરતા હોય છે) તો પણ દડીની જગ્યા રહેશે નહીં. હા, રેતી જરૂરથી સમાઈ શકે. આપણા જીવનની શક્તિ અને સમય આપણે જો નાની નાની બાબતો પાછળ ખરચી નાખીશું તો પછી મહત્વપૂર્ણ બાબતો માટે આપણી પાસે ન સમય બચશે ન શક્તિ. તો દડી જેવી બાબતો- આપણું સ્વાસ્થ્ય, શોખ, પરિવાર વગેરેના ભોગે કશું જ હોવું જોઈએ નહિ, બરાબરને !’

અધ્યાપકે પોતાનું લાંબુ વક્તવ્ય પૂરું કર્યું. વિદ્યાર્થીઓ શાંતિથી સાંભળી રહ્યા હતા. અચાનક પાછળ બેઠેલી એક છોકરી ઊભી થઈને બોલી, ‘સર, બે કપ ચા વિશે તમે કશું કહ્યું જ નહિ !’ અધ્યાપક હસી પડ્યા અને બોલ્યા, ‘મને હતું જ કે આ સવાલ જરૂરથી આવશે. તો અહીં મારે એટલું જ કહેવું છે કે જીવન ચાહે ગમે તેટલું સુખી અને સંપૂર્ણ હોય. આપણા ખાસ દોસ્તો જોડે બેસીને જ્યાં સુધી બે કપ ચા પીવાનો સમય ન કાઢીએ ત્યાં સુધી બધું જ અધૂરું….!’ અને પછી હસતાં હસતાં તો વર્ગની બહાર નીકળી ગયા. (‘તથાગત’ સામાયિકમાંથી સાભાર.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “નોખું-અનોખું – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.