ધનુમાસીએ મત આપ્યો – કલ્પના દેસાઈ

[ ‘હાસ્યાત સદા મંગલમ’ પુસ્તકમાંથી સાભાર. કલ્પનાબેનનો (ઉચ્છલ, સુરત) આપ આ નંબર પર +91 2628 231123 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]ચૂં[/dc]ટણીમાં તો ધનુમાસીને ખાસ ખબર ના પડે પણ એક દિવસ મત આપવા જવું પડશે, એટલું એમને ખબર ને મત આપવાની પણ એમને બહુ સમજ ન પડે પણ જ્યાં ને ત્યાં એ જ વાતો થતી હોય, ગીતો ગવાતાં હોય ને હોકારા-પડકારા થતા હોય એટલે ધનુમાસી ઉત્સાહમાં આવી જાય ને મતદાનના દિવસની ખૂબ આતુરતાપૂર્વક રાહ જુએ. ધનુમાસીના ઉત્સાહનું બીજું કારણ તે એમને મળતી હકની અડધી રજા. શેઠ-શેઠાણી સામેથી જ કહે, ‘માસી, મત આપી આવજો હોં ! તમારો એક જ મત પણ બહુ કીમતી છે.’ એટલે ધનુમાસીને પોતાનું મહત્વ એક દિવસ પૂરતું પણ વધારે લાગવાથી મતદાનને દિવસે નવી સાડી પહેરીને સજીધજીને આવે. એમને મન તો મતદાન એટલે પણ તહેવાર !

આ વર્ષે એમના મહોલ્લાના ત્રણ ઉમેદવારોએ દિવસો અગાઉથી ધનુમાસીની ખબર રાખવા માંડેલી. જેમનું નિશાન ઘોડો હતું તે ભાઈ એક દિવસ માસીને વહાલા થવા આવ્યા, ‘કેમ છો ધનુમાસી ? તમે તો મને સારી રીતે ઓળખો જ છો. આપણું નિશાન ઘોડો છે એટલે આપણને જ તમારે મત આપવાનો છે. હું જીતી જઈશ તો તમારે જ્યારે કશે ફરવા જવું હોય ત્યારે આપણને ફોન કરી દેવો, તમારે માટે આપણો ઘોડો એટલે કે રિક્ષા હાજર કરી દઈશું ને મત આપવા જાઓ ત્યારે હું આપીશ તે નવી સાડી પહેરીને જ જજો. બીજા કોઈ ગધેડાને કે ભસતા કૂતરાને તમારે મત નથી આપવાનો, યાદ રાખજો, આપણું નિશાન ઘોડો છે. ચાલો ત્યારે આવજો.’ ધનુમાસીએ મનમાં વિચાર્યું કે, આ ભાઈ બહુ ભલા છે ને બહુ સારા લાગે છે. તેમણે તો મનમાં ઘોડા દોડાવવા માંડ્યા કે, રિક્ષામાં બેસીને ક્યાં ક્યાં ફરવા જવું ! આમેય હવે ચાલતાં જવામાં રસ્તા પર બહુ જોખમ રહે છે, ને શાંતિથી રિક્ષામાં જવા મળશે તો જરા આજુબાજુમાં વટ પણ પડશે. એટલે એમણે મનમાં નક્કી કરી રાખ્યું કે મત તો ઘોડાને જ એટલે કે, ઘોડાના નિશાનવાળા ઉમેદવારને જ આપીશ.

બીજે દિવસે ગધેડાના નિશાનવાળા ઉમેદવાર લાત મારવાને બદલે ધનુમાસીને પગે લાગવા આવ્યા. ધનુમાસી તો ધન્ય થઈ ગયાં.

‘ભાઈ, જીવતો રે ને હો વરહનો થા.’
‘બસ માસી, તમારા આશીર્વાદ જોઈએ. હું આ વખતે આપણા વિસ્તારમાંથી ચૂંટણીમાં ઊભો છું. આપણું નિશાન ગધેડો છે. તમે તો જાણો છો કે ગધેડાને લોકો માનથી નથી જોતાં, પણ કામમાં તો ગધેડો જ આવે છે, ને ગધ્ધાવૈતરું એટલે શું તે તમારા સિવાય કોણ વધારે જાણે ? હું પણ જીતી જઈશ તો આપણા વિસ્તાર માટે ગધેડાની જેમ કામ કરીશ ને ગધ્ધાવૈતરું કરનારા લોકોનાં જીવનમાં જબરદસ્ત ફેરફાર લાવી દઈશ. તમને તમારા હક માટે લડવું નહીં પડે. એ કામ હું કરીશ ને તમારા હકનું બધું અપાવીને જ રહીશ. ઘોડા તો બધા દેખાવના સારા હોય. બહારથી બધો દેખાડો કરે ને વખત આવ્યે ક્યારે ઊભી પૂંછડીએ ભાગી જાય કંઈ કહેવાય નહીં. ને કૂતરા તો ભસતા જ રે, કામ કરે ત્યારે ખરા. ક્યારે કરડી બેસે કંઈ કહેવાય નહીં, એટલે નીચી મૂંડીએ ચૂપચાપ પોતાનું કામ કરીને, માલિકને વફાદાર રહેવામાં ગધેડા જ શ્રેષ્ઠ છે તે તમારા સિવાય કોણ સારી રીતે જાણે છે ? એટલે યાદ રાખજો, આપણું નિશાન ગધેડો છે ને તમારે તમારા પ્રશ્નો માટે મને જ યાદ રાખવાનો છે. એક સાડી કે થોડા રૂપિયા તમને કેટલા દા’ડા ચાલશે ?’ ગધેડાના પ્રતિનિધિના ગયા પછી ધનુમાસી વિચારમાં પડ્યાં, ‘આની વાત તો સો ટકા સાચી, પેલો ઘોડો કેટલા દા’ડા મને રિક્ષામાં ફેરવશે ? ને સાડીની મને ક્યાં નવાઈ છે ? એના કરતાં મારા આ જાતભાઈને જ મત આપીશ. મારી મુશ્કેલીઓનો રસ્તો તો કાઢશે.’ ધનુમાસીનો વિચાર ફેરવાઈ ગયો.

ત્રીજો ઉમેદવાર જેનું નિશાન કૂતરો હતું તે એક દિવસ લપાતો-છુપાતો ધનુમાસીના ઘરમાં દાખલ થઈ ગયો. ધનુમાસી એને હડ હડ કરે તે પહેલાં તો એ ધનુમાસીનાં ચરણોમાં આળોટી પડ્યો ને ધનુમાસીએ એને ઊભો કર્યો ત્યારે જ તે ઊભો થયો ! ધનુમાસી તો બિચારાં ભાવનાં ભૂખ્યાં એટલે પેલા કૂતરાના નિશાનવાળા ભાઈને પ્રેમથી પાસે બેસાડ્યો.
‘માસી, આપણું નિશાન કૂતરો છે. કૂતરાની માલિક પ્રત્યેની વફાદારી તમને મારે સમજાવવી ન પડે. કૂતરાને ભરોસે માલિક નિરાંતે સૂએ ને પોતાનું આખું ઘર એને ભરોસે મૂકી જાય. તમે જ છો જે આ વાતને બરાબર સમજી શકો છો. કોઈ ઘોડા કે ગધેડાને ભરોસે ઘર નથી મૂકી જતું, એટલે કહેવાનો મતલબ એ જ કે, ઘોડા કે ગધેડા કરતાં કૂતરા પર ભરોસો રાખવો વધારે સારો. તમારું શું કે’વું છે ?’ ધનુમાસીને પણ એ ભાઈની વાત સાચી લાગતાં એમણે તેમની વાતમાં ડોકું ધુણાવ્યું. જ્યાં આપણી કદર થતી હોય, આપણા પર ભરોસો થતો હોય તે જ સાચું, બીજું બધું ખોટું ! એટલે ધનુમાસીએ તો પેલા ભાઈનો ખભો થાબડ્યો, ‘તું ફિકર ના કરીશ. આપણે તને જ મત આપ્યો જા.’ ને પેલા ભાઈ તો પૂંછડી પટપટાવતા નીકળી ગયા.

મતદાનના આગલા દિવસ સુધી તો ધનુમાસીને પેલા ત્રણેય કામગરા, વફાદાર ઉમેદવારો મળતા રહ્યા ને યાદ કરાવતા રહ્યા કે, ‘મત તો આપણને જ હોં…. ધનુમાસી !’ ને ધનુમાસી તો બધે ડોકું ધુણાવતાં રહેલાં ! શું થાય ? કંઈ સમજ તો પડવી જોઈએ ને ? ઘડીક એક સારું લાગે ને ઘડીક બીજું. થોડી વારમાં બંને નકામાં લાગે ને ત્રીજું શ્રેષ્ઠ લાગે ! પણ આખરે ધનુમાસીએ ફેંસલો કરી જ લીધો કે, કોઈ પણ એકને ભગવાનનું નામ લઈને મત આપી જ દેવો. મતદાનને દિવસે સવારે તો ધનુમાસીને લેવા બારણે ત્રણ રિક્ષા ઊભેલી. ધનુમાસી તો મૂંઝાયાં. પણ મન મક્કમ કરી એમણે ત્રણેય રિક્ષાવાળાને ના પાડી ને ચાલતાં જ મતદાન મથક સુધી પહોંચ્યાં. દરવાજે જ ત્રણેય ઉમેદવારોના માણસો વારાફરતી ધનુમાસીની નજીક આવીને ગણગણી ગયા, ‘માસી, ઘોડો’, ‘માસી, ગધેડો’, ‘માસી, કૂતરો.’ ધનુમાસી ધ્રુજી ગયાં. હવે શું કરવું ? ત્રણેયની વાતો, ત્રણેયના ફાયદા ને ગેરફાયદા એમના મગજમાં ઘુમરાવવા માંડ્યાં.

‘ચાલો માસી….. આગળ વધો ને તમારો વોટ આપી દો.’ સાંભળીને ધનુમાસી તો વોટ આપવા ગયાં. કાગળ પર ત્રણેય નિશાન એમની આંખ સામે દેખાયા ને એમણે ત્રણેય નિશાન પર ચોકડી મારી દીધી !

[કુલ પાન : 127. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થન : સાહિત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત-395001. ફોન : +91 261 2597882.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “ધનુમાસીએ મત આપ્યો – કલ્પના દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.