ઈટ્સ ઑલ એબાઉટ Enગlish Vingliશ – મૃગેશ શાહ

[dc]જે[/dc]ના વિશે કંઈક લખવાનું મન થાય એવી વિચારપ્રેરક ફિલ્મ આપણે ત્યાં બહુ ઓછી આવે છે પરંતુ જ્યારે આવે છે ત્યારે તે મન પર ખૂબ ઊંડી છાપ છોડી જાય છે. એક નવા વિચારને આપણી સામે લઈ આવતા આવા ચલચિત્રો ‘લાઈવ લિટરેચર’ સમાન છે. સાહિત્યને જો આપણે બે પૂઠાં વચ્ચે સીમિત કરી દઈએ, તો તો આપણે ઘણું બધું ચૂકી જઈએ ! વિચારની અભિવ્યક્તિ તો કોઈ પણ માધ્યમથી થઈ શકે છે. ઉત્તમ ફિલ્મી ગીતોને જો પ્રાર્થના કે ભજનની કક્ષાનો આદર પ્રાપ્ત થતો હોય તો ઉત્તમ ફિલ્મ વિશે થોડું મનોમંથન કેમ ન હોઈ શકે ? આપણને અંતર્મુખ કરીને આપણી વર્તણુંક વિશે વિચાર કરવા પ્રેરતી ફિલ્મ ‘English Vinglish’ વિશે આજે થોડી વાત કરવી છે.

આ ફિલ્મના મુખ્ય મુદ્દાઓનો જો વિચાર કરીએ તો એ અંગે કંઈક આ પ્રમાણે કહી શકાય : (1) પોતાની ઓળખ જાળવી રાખીને અન્ય સંસ્કૃતિને કેવી રીતે અપનાવવી. (2) કોઈ પણ જાતની અપેક્ષા વગર પોતાની ફરજ ચોક્કસ પૂરી કરવી પરંતુ એ માટે થઈને પરિવારના વેઠિયા મજૂર તો ન જ બનવું. (3) ‘વસુધૈવ કુટુમ્બમ’ એટલે કે આ પૃથ્વી જ આપણું કુટુંબ છે એ રીતે સૌની સાથે હળીમળી જવું અને (4) સાચી પરીક્ષા હંમેશા જગતની સામે હોય છે, કલાસરૂમમાં નહીં !

ફિલ્મના દિગ્દર્શિકા ગૌરી શિંદેના સ્વાનુભવની આ કથા છે. તેઓ કહે છે કે ખાસ કરીને ટીનએજમાં આપણે માતાપિતાને અવગણીએ છીએ કારણ કે એ સમયે મિત્રો આપણા માટે સર્વસ્વ હોય છે. તેમાંય માતાનો તો ભોગ જ લેવાય છે ! તે આપણને જૂનવાણી લાગે છે કારણ કે તેને હાઈ-ફાઈ લાઈફ સ્ટાઈલનો કક્કોય ખબર પડતી નથી. અમૂક અંગ્રેજી શબ્દનો બરાબર ઉચ્ચાર ન કરી શકતી માતા, ભણેલા-ગણેલા સંતાનો આગળ હાસ્યાસ્પદ સાબિત થાય છે. ગૌરી શિંદે કહે છે કે આવું વર્તન મેં પણ મારી માતા સાથે કર્યું હતું અને તેના પ્રાયશ્ચિતરૂપે આમ ન બને એ માટે આ ફિલ્મથી તેને સૌ સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મનું મુખ્ય પાત્ર શશી (શ્રીદેવી) એક ગૃહિણી છે. બિઝનેસ સંભાળતા પતિ અને ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતાં બાળકો આગળ ઘરમાં તેની સ્થિતિ ઑફિસના પ્યૂન જેવી થઈ ગઈ છે ! ઈંગ્લિશ ભાષાના જ્ઞાન વિના પોતે જાણે કોઈ ઘોર અંધકારમાં ડૂબી ગઈ હોય એમ તેને સતત મહેસૂસ થયા કરે છે. સમય સમય પર પરિવારજનો તેના આ ઘા પર મીઠું ભભરાવ્યા કરે છે. મજાની વાત એ છે કે આ શશીને બેનની દીકરીના લગ્નમાં કુટુંબના સાથ-સહકાર વગર એકલાં અમેરિકા જવાનું થાય છે. શશી આ બધું કેવી રીતે મૅનેજ કરી શકશે તેની સૌને નવાઈ છે. એક સામાન્ય ગૃહિણી અમેરિકા જઈને પોતાની નબળાઈઓ પર વિજય મેળવીને કેવી રીતે પોતાના પરિવારમાં ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરે છે તેની આ કથા છે. જે કામ તે અહીં ભારતમાં રહીને કરી શકતી નથી તે પરદેશમાં કેટલી સહેલાઈથી કરી શકે છે એમ કહીને આ ફિલ્મ સર્જકે અમેરિકાની સંસ્કૃતિના અનેક ઉજ્જ્વળ પાસા લોકો સમક્ષ મૂકીને પશ્ચિમી સંસ્કૃતિને હંમેશા વખોડવા તત્પર રહેતાં કહેવાતા ભારતીય સંસ્કૃતિના ધૂરંધરોની બોલતી બંધ કરી દીધી છે.

‘English Vinglish’ શીર્ષક વિશે પણ વિચારવા જેવું છે. એમાં કેટલાક અક્ષરો હિન્દીમાં રાખવામાં આવ્યા છે. એ વાત તો સાચી છે કે ‘ગ’ અને ‘શ’ ને હિન્દી રખાયા હોવાનું કારણ તેના દિગ્દર્શક ‘ગૌરી શિંદે’નું નામ છે. પરંતુ એનાથી પણ આગળ વધીને આ પ્રકારનું શીર્ષક રાખવાનો હેતુ બંને સંસ્કૃતિના સંમિશ્રણનો છે. પોતાની સંસ્કૃતિ જાળવી રાખીને દેશ-કાળ અનુસાર અન્ય સંસ્કૃતિઓને પણ અપનાવવાનો તેમાં સંકેત છે. આપણે તો દશે દિશામાંથી શુભ મેળવવાનું છે તો પછી પરદેશમાંથી પણ કેમ નહીં ? આ ગ્લોબલાઈઝેશનનો યુગ છે. હવે તો વિશ્વની અનેક સંસ્કૃતિઓ વચ્ચે પરસ્પર આદાનપ્રદાન થવાનું જ. પરંતુ તેમ છતાં પોતાની અસ્મિતા ભૂલીને બીજાના રંગે રંગાઈ જવાની આ વાત નથી. ફિલ્મના સર્જકે જો ધાર્યું હોત તો અમેરિકામાં શશીને ટી-શર્ટ જિન્સમાં બતાવી શક્યા હોત. સવાલ વસ્ત્રનો નથી, વિચારનો છે. સૌ સાથે હળવા-મળવાનું, મિત્રતા, પરસ્પર સદભાવ બધું જ સાચું પરંતુ એક મર્યાદા રાખીને. શશીના પાત્રમાં શ્રીદેવીએ આ રોલ બખૂબી નિભાવ્યો છે. પોતાની ઓળખ ગુમાવ્યા વગર પણ માણસ નવા શિખરો સર કરી શકે છે, તે આ ગૃહિણીની કથા દ્વારા દર્શાવવામાં આવ્યું છે. વળી, આ નવું મેળવવાની ધગશ એ ઘેલછા ન હોવી જોઈએ એ બાબત પણ સ્પષ્ટતાપૂર્વક બતાવવામાં આવી છે. શશીને માટે અંગ્રેજી શીખવું એ એની જરૂરિયાત છે અને સાથે પોતાની નબળાઈ પર વિજય મેળવવાની દિશામાં ભરેલું એક મક્કમ પગલું છે. અંગ્રેજી શીખીને તેને કોઈને બતાવી આપવું નથી. ઘરના લોકો પર વિજય મેળવીને આગળ નીકળી જવાની દોડમાં તેને અંગ્રેજી શીખવું નથી. (એટલે જ તો એ પોતાના કલાસિસની કોઈને જાણ સુદ્ધાં કરવાં નથી ઈચ્છતી.) અહીં ઉદ્દેશ જુદો છે. જો એમ ન હોત તો ફિલ્મના અંતિમ દ્રશ્યમાં વિમાનની મુસાફરી વખતે તેણે હિન્દી અખબારનો આગ્રહ ન રાખ્યો હોત. જો આ એક ઘેલછા જ હોત તો, ‘તું હજી પણ મને પ્રેમ કરે છે ને ?’ એવા પતિના જવાબમાં તે પ્લેટમાં બે લાડુ ન મૂકી શકી હોત.

આમ છતાં, ગૃહિણીનું પણ એક જીવન હોય છે એ વાત તેણે ધારદાર રીતે કહી છે. એક સંવાદમાં શશી કહે છે, ‘હું પ્રેમની ભૂખી નથી. પ્રેમ તો પરિવારજનોનો છે જ. પરંતુ મને મારું આત્મસન્માન જોઈએ છે.’ લગભગ ઘણા પરિવારોની આ સમસ્યા છે. આપણી આસપાસ આપણે જોઈ શકીએ છીએ કે કોન્વેન્ટ સ્કૂલમાં ભણનારા બાળકો ક્યારેક પોતાની માતાને ‘બેસ ને અવે ! તને બહુ ખબર ના પડે એમાં પૂછપૂછ ના કર…’ એમ કહીને તોડી પાડતા હોય છે. રાત્રે અંગ્રેજી નોવેલ વાંચતાં સૂઈ જતા પતિને જોઈને અલ્પશિક્ષિત પત્નીને થતી વેદના કોણ અનુભવી શકતું હશે ? અત્યંત બારીકાઈથી ફિલ્મના કેટલાક દ્રશ્યો તૈયાર કરવામાં આવ્યા હોય એમ લાગે છે. પોતાના કુટુંબ માટે એ મશીન બનીને કામ કરે છે. પતિને માટે તે છે સ્વાદિષ્ટ લાડુ બનાવનાર સ્ત્રી ! એ તો એમ માને છે કે એનો જન્મ જ લાડુ બનાવવા માટે થયો છે. ઘર કી મૂર્ગી દાલ બરાબર ! પરંતુ ના….. ‘માસી, તમારો જન્મ કંઈ ફક્ત લાડુ બનાવવા માટે જ નથી થયો…’ એમ કહેનાર તેને ત્યાં કોઈક મળે છે ત્યારે અહેસાસ થાય છે કે જીવનમાં કંઈક બીજું પણ કરવા જેવું છે. જે કામ માટે તેની ભારતમાં મજાક ઉડાવવામાં આવતી હતી તે કામ માટે તેના અમેરિકન શિક્ષક તેને ‘Entrepreneur’ નામના સન્માનજનક સંબોધનથી સંબોધે છે. એ એક જ વાક્યમાં માત્ર શિક્ષકનો સ્વભાવ નહીં પરંતુ આખાય અમેરિકાની વ્યક્તિને મૂલવવાની દષ્ટિ દેખાય છે. ‘કોઈ માણસ નાનો નથી, કોઈ કામ નાનું નથી’ – એવો સંદેશ એમાંથી મળે છે. કદાચ એટલે જ ત્યાં માણસને ઉડવા માટે પોતાનું આકાશ મળે છે. એ આકાશ કોરું નથી, એમાં સંવેદના પણ ભરેલી છે. ત્યાં પણ કોઈક છે જે તમને મૂકવા માટે વિરુદ્ધ દિશાની ટ્રેન પકડે છે. તમારો એની સાથે ગમે એટલો વિરોધ હોય પરંતુ તમે ‘Empire state building’ માટે ખોટી દિશા પકડી રહ્યા છો એ કહેવાનું તે ચૂકતો નથી. પૂર્વની ભાવ-સંવેદના અને પશ્ચિમના ભૌતિક વિકાસનું જો મિશ્રણ કરવામાં આવે તો કેવું જીવન નિર્માણ થાય, એ આ ફિલ્મમાં અનેક જગ્યાએ જોવા મળે છે.

‘વસુદૈવ કુટુંમ્બકમ’ની ભાવના કોમી એકતાના મંચો કે યુનોના શાંતિ સંમેલનોમાં થાય કે ન થાય પરંતુ એ પળેપળ આમ આદમીના જીવનમાં તો થતી જ રહેતી હોય છે. આજે દેશ-વિદેશમાં અનેક લોકો પોતાની જૉબમાં અન્ય દેશના નાગરિકો સાથે ખભેખભા મિલાવીને કામ કરે છે. શિક્ષણ સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને મલ્ટીનેશનલ કંપનીઓમાં સાથે કામ કરનારા લોકો ‘માનવધર્મ’ની વ્યાખ્યાને સાચા અર્થમાં સાર્થક કરે છે. ત્યાં ‘રામ’ ને ‘સલમાન’ સાથે કોઈ પ્રોબ્લેમ નથી, ‘સલમાન’ ને ‘શશી’ સાથે કોઈ તકલીફ નથી. કોઈને કોઈની જાતિ કે ભાષા સાથે નિસ્બત નથી. સૌ પરસ્પર એકમેકના સાથી છે. શશી પોતાની હૈયાવરાળ પોતાની ભાષામાં મુક્ત મને કાઢી શકે છે, પછી ભલે ને પોતાના સાથીમિત્ર સમજે કે ન સમજે ! એ રીતે સાથીમિત્ર પણ સ્પેનિશમાં પોતાનો ભાવ વ્યક્ત કરી શકે છે. ભાવને ભાષા નડતી નથી ! શશીનો ટ્યૂશન ક્લાસ અને તેના જાપાનીઝ, મેક્સિકન, સ્પેનિશ, પાકિસ્તાની સૌ મિત્રો પરિવારની જેમ સાથે જોડાઈ જાય છે… એક એવો પરિવાર કે જેમાં દરેકને એકબીજા પ્રત્યે માન છે. માત્ર પોતાનાં જ નહિ, શિક્ષકના સુખદુઃખને પણ તે અનુભવે છે. અંગ્રેજી શીખવાના ટ્યૂશન કલાસમાં બેસીને શશી એમ કહે છે કે આખરે દરેકના માણસને પોતાનું દિલ હોય છે. એ દિલ તૂટે ત્યારે એને પણ દુઃખ થતું હોય છે…. ચકાચૌંધ ભૌતિકતા વચ્ચે વ્યક્ત થતી આવી ભાવ-સંવેદના બહુ મહત્વની છે.

અંગ્રેજી શીખવાની વાત કરતાં કરતાં આ ફિલ્મ જીવનનાં અનેક મૂલ્યો શીખવતી જાય છે. પરંતુ કંઈક શીખ્યા પછી એની પરીક્ષા તો હોય જ ને ? શશીનો અંગ્રેજી અભ્યાસ અનેક ચઢાવ-ઉતરાવ વચ્ચે પૂરો તો થાય છે પરંતુ હવે પરીક્ષા આવી પહોંચી તેનું શું ? જે કામ માટે તેને અમેરિકા આવવાનું થયું છે તે લગ્નપ્રસંગ પણ પરીક્ષાને દિવસે જ છે ! બ્યુટીપાર્લરના નામે શશી છટકબારી શોધે છે પરંતુ કૂદરતને એ મંજૂર નથી. આખરે શશી પરીક્ષા તો આપે છે પરંતુ કલાસરૂમમાં નહીં, આ જગતની સામે…. એ જ પરિવારની સામે જે તેને સાવ નગણ્ય ગણતો હતો. આ પરીક્ષામાં તેનો આખો કલાસરૂમ ત્યાં હાજર છે. શશીના પાત્રમાં શ્રીદેવીની એ અંતિમ ઈંગ્લિશ સ્પિચ એ આખાય મૂવીનો સાર છે. ફિલ્મનું ઊંડાણ ઘણું સ્પર્શે છે. એક સાથે અનેક મુદ્દાઓ આવરી લેતી આ પ્રકારની ફિલ્મો ખૂબ ઓછી જોવા મળે છે. થોડો સમય કાઢીને પણ આ અર્થસભર ફિલ્મ ખરેખર માણવા જેવી છે. ઈંગ્લીશ-વિંગ્લીશમાં એવું ઘણું છે જે આપણી ગુજરાતી-બુજરાતીને કામમાં આવી શકે !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

37 thoughts on “ઈટ્સ ઑલ એબાઉટ Enગlish Vingliશ – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.