ઋત્વિજા શરીફાને શિરીષના પત્રો – શિરીષ પંચાલ

[ ‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાં ચાલતી પત્રશ્રેણીમાંથી પ્રસ્તુત પત્ર સાભાર લેવામાં આવ્યો છે. આ પત્ર માનવજીવનના વિવિધ પાસા, વ્યક્તિત્વનાં જુદા જુદા આયામો અને માનવ સ્વભાવની વિશિષ્ટાઓ દર્શાવે છે. સાથે સાથે વર્ષો અગાઉ જીવાતું જીવન પરસ્પર કેટલું સભર હતું એ પણ સૂચવે છે. – તંત્રી.]

[dc]કો[/dc]ઈ કવિ જ્યારે આપણને એમ કહે કે ગમે તેનું મૃત્યુ મને તો અપૂર્ણ કરે છે ત્યારે તરત તો આપણને સમજ પડતી નથી, જેને આપણે ઓળખતાં ય ન હોઈએ એમના જીવનમૃત્યુથી આપણને ક્યો ફેર પડી જવાનો છે ? દોસ્તોએવ્સ્કી જેવા પોતાની નવલકથામાં પ્રત્યેક હત્યા આખરે તો આત્મહત્યા છે એવું ભારપૂર્વક જણાવે. વાત સાદી આટલી કે માત્ર માનવીનું જ નહીં, ગમે તેનું મૃત્યુ આ સૃષ્ટિને કોઈ ને કોઈ રીતે તો અસર કરી જાય છે.

ક્યારેક થાય કે આપણે આપણા મૃત્યુને જોઈ શકતા હોત તો કેવું સારું ! હા, એક સગવડ છે – જીવતાંજાવત આપણે આપણો મરણોત્તર વિધિ કરી શકીએ છીએ, ગામડાના લોકો એને ‘જીવતે જગતિયું’ કહે છે. હમણાં છેલ્લા કેટલાક વખતથી ઘણાં મૃત્યુ જોવાનું બન્યું છે. આપણી વય પણ વધતી જાય છે, એટલે આપણાથી મોટા ક્રમ પ્રમાણે વિદાય લેવા માંડે છે, એક ખાલીપો સર્જાઈ જાય છે, વિદાય લેનારાઓએ આપણું કેટલું બધું લાલનપાલન કર્યું હતું, આપણે આપણાથી નાનાઓનું એવું લાલનપાલન કરી શકીશું ખરા ? પણ સૌથી વધારે કપરું તો હોય છે આપણાથી નાની વયનાંઓનું મૃત્યુ. વચ્ચે મુંબઈ ફોન પર મંદા સાથે વાત કરવા ગયો અને એ હજુ કશું બોલે એ પહેલાં મારા હોઠ પર શબ્દો આવી ગયા – નીતિનને ફોન આપને જરા…. પણ તરત જ ખ્યાલ આવ્યો કે એ તો હવે કાળદેવતા સાથે ગોષ્ઠી કરી રહ્યો છે. થોડા દિવસ પર એક સ્વજનને ત્યાં ગયો હતો, કોઈ પૂજાવિધિ ચાલતો હતો, હું ઊભો થઈને બોલવા ગયો, આ વિધિ પૂરી થઈ જાય ત્યાં સુધીમાં હું સનતને મળી આવું. તરત બેસી પડ્યો. હવે ક્યાં છે એ ? વાસ્તવને સ્વીકારવાનું મન તૈયાર કેમ નથી થતું ?

હમણાં ફરી એક સ્વજનનું મૃત્યુ થયું, ઈતિહાસના કોઈ પૃષ્ઠ પર એની મૃત્યુનોંધ આવવાની નથી. સાવ સામાન્ય માનવીઓને કોણ યાદ રાખવાનું ? પણ આ જગત આખુંય આવા સામાન્ય માનવીઓના પુણ્યકર્મથી જ ચાલી નથી રહ્યું ? અસામાન્ય માનવીઓની સામાન્યતા-તુચ્છતા અને સામાન્ય માનવીઓની અસામાન્યતા, ‘આ અસામાન્યતાનું પલ્લું વધારે નમી જતું હોય છે. હું અવારનવાર લાભુભાઈને (લા. પુરોહિત) કહું છું કે આવા સામાન્ય માનવીઓ વિશે લખો. અત્યારે આવી જ એક સામાન્ય વ્યક્તિની વાત કરવા બેઠો છું. કેટલીક વ્યક્તિઓ સભર સભર હોય છે. એને આપણને નખશિખ જીવંત પણ કહી શકીએ, એ હોય ત્યારે આખું વાતાવરણ ખીલી ઊઠે, અને ન હોય ત્યારે બધું ખાલીખમ્મ; હા- કેટલીક વ્યક્તિ એવી પણ હોય જેની ઉપસ્થિતિમાં બધા મૂગામંતર થઈ જાય, બોલવાના હોશકોશ ન રહે એવું ભારેખમ વાતાવરણ ઊભું થઈ જાય- તમે કશું બોલવા જાઓ અને જાણે વાચા છિનવાઈ જાય- એટલું જ નહીં, ભાષા સુદ્ધાં છિનવાઈ જાય ! પણ એવી હિંસ્ત્રતા અને હિંસકતાની વાત અત્યારે બાજુ પર રાખીએ. અત્યારે તો નાગચંપો, ચમેલી, પારિજાતકની ઋતુ છે – એવી સુવાસ ફોરતા માનવીઓ ક્યાં ગયા ?

હા, તો નામ એમનું વીરબાળા ચંદ્રકાંત શુક્લ, સ્વજનો એમને ભાભી કહે- મોટી કહે. દત્તાત્રેયના પરમભક્ત એટલે જીભ ઉપર ગુરુદેવ દત્ત રમ્યા જ કરે. આ બધાની આસ્થા, શ્રદ્ધા માટે સાચે જ માન થાય. મારા જેવો આસ્થાહીન પણ પ્રત્યુત્તરમાં ગુરુદેવ દત્ત બોલી પડે. વતન તો સુરત, બહોળું કુટુમ્બ, સગાંવહાલાં વિશેષ યજમાનોની સંખ્યા ખાસ્સી- અને મૂળ તો સુરતી સ્વભાવ. વર્ષો પહેલાં નિયમિત રીતે એટલે કે દર અઠવાડિયે નોકરી માટે બીલીમોરા જતો હતો ત્યારે ટ્રેનમાં ભરૂચ ન આવે ત્યાં સુધી તો ડબ્બામાં બહુ ઓછી વાતચીત સંભળાય પણ જેવું ભરૂચ જાય એટલે ડબ્બો આખો વાચાળ બની જાય… મૂકં કરોતિ વાચાલં… અને સાંભળવાની મજા આવે. એક વખત હું અને ચંદ્રિકા મુસાફરી કરી રહ્યાં હતાં ત્યારે સાવ જુદો અનુભવ થયો. એક સાથી મુસાફર અવિરત બોલ્યા જ કરે અને તે પણ પ્રાસમાં. ગદ્યવાક્યોમાં પણ આંતરપ્રાસ આવ્યા કરે, તેમાં પાછા એ વોરા હતા એટલે અવાજ પણ એવો જ મીઠો, તમે સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો; કેટલી બધી સહજતાથી એના મોઢામાંથી આ અલંકારે મઢેલી ઉક્તિઓ આવ્યા જ કરતી હતી. આજે અફસોસ થાય છે કે એનું નામ સરનામું લઈ લીધું હોત તો કેટલું સારું ! ઘણી વખત થાય કે આપણે ભણેલાઓ તો શું પરંપરાને જાળવતા હતા- બહુ બહુ તો ટી.એસ. એલિયટના નિબંધનો હવાલો આપીને છૂટી જઈએ. એ બધું સાચવવાનું, માત્ર સાચવવાનું જ નહીં એને સંવર્ધવાનું કામ તો આ વીરબાળાબહેન જેવા લોકોએ કર્યું, નર્મદે આ કરું, તે કરું, ફલાણું રહી જશે – એની ધૂનમાં ને ધૂનમાં નાગરી નાતમાં ગવાતા ગરબાય એકઠા કર્યા, તો ત્યારથી સૂરતની જે પરંપરાઓ ચાલી આવી હતી તેમાંથી શક્ય તેટલી અંકે કરવાનું કામ આ બધાએ ઉપાડ્યું. સૂરત બહારની પ્રજાને તો સુરતીઓના સ્વાદજગતનો જ ખ્યાલ છે પણ બીજું ઘણું બધું છે; એમાંનું કેટલુંક સાવ સહજ રીતે તળનાં સ્ત્રીપુરુષોમાં ઊતરી આવ્યું છે.

આજે જ્યારે આપણે વાચનનો શોખ ધીરે ધીરે ગુમાવી રહ્યા છીએ ત્યારે જેવો વાંચ્યા જ કરે છે એમને અચરજ અને માનથી જોવાં પડે. એટલું સારું હતું કે વીરબાળાબહેનને વાચનનો શોખ હતો- પાછલી વયે જ્યારે એક અથવા બીજા કારણે એકલવાયા થઈ જઈએ છીએ ત્યારે વાચનનો શોખ સૌથી મોટો મિત્ર બની જાય છે. જ્યદેવને કારણે ઘરમાં પુસ્તકો-સામાયિકોની તો ખોટ હોય જ નહીં, એમાંથી વીણીવીણીને વાંચ્યા કરવું, સાથે સાથે ઘેર જે કોઈ આવે એના વંશવેલાનોય એટલો જ પરિચય કેળવેલો હોય; પ્રકૃતિએ સ્મૃતિ સારી આપી હતી એટલે દર વખતે રૂબરૂમાં કે ફોન પર સ્વજનોનાં ખબરઅંતર પુછતા રહે, અને એ માત્ર પૂછવા ખાતર નહીં, અંતરનો ઉમળકો એ સાદમાં વરતાયા વિના ન રહે. એક વખત ફોન કર્યો, તેમણે ઉપાડ્યો – ‘કોણ’ પૂછ્યું, એટલે મેં ઓળખાણ આપી, પણ બરાબર સંભળાયું નહીં- સમજાયું નહીં એટલે ફરી પૂછ્યું. આ વખતે મેં જુદી ઓળખ આપી- હું ચંદ્રિકાનો વર. એટલે તરત બોલ્યા- તો એમ કહોને કે ચંદ્રિકાને ત્યાંથી બોલું છું; અને પછી તો બાળકોના ભણતર- આરોગ્યથી માંડીને જાતજાતનું પૂછવા બેઠાં. મને એક વાતનો આનંદ એ થયો કે ચાલો થોડા લોકો એવાય છે જે મને ચંદ્રિકાને કારણે ઓળખે છે, ન્યાતજાતમાં કે સોસાયટીમાં બધા એને કારણે જ ઓળખે છે. અવારનવાર મને પૂછતા રહે- નવું કશું લખ્યું ? મારી વાર્તાઓ તો લગભગ બધી જ વાંચે. અને બરાબર સમજી વિચારીને વાંચે છે એની પ્રતીતિ ક્યારેક સાવ આકસ્મિક રીતે થઈ જાય. એક વખત તો તેમણે મને ભારે અચરજમાં મૂકી દીધો. સાવ સહજ રીતે પૂછી લીધું- આ ‘દામિનીના પત્રો’માં દામિનીની દીકરી નિયતિ એટલે આપણી ઋત્વિજા જ ને ! કોઈ આવો પ્રશ્ન પૂછશે એની તો મેં કલ્પના ક્યાંથી કરી હોય ? વળી ‘આપણી ઋત્વિજા’ શબ્દપ્રયોગ આંખોને ભીંજવી ન જાય ?

વીરબાળાબહેને જીવનમાં ભાગ્યે જ અણૂજો પાળ્યો, છેલ્લા થોડા મહિનાઓને બાદ કરો તો સતત કામ કામ કર્યા જ કરે. શાક સમારે, કપડાંની ગળી વાળે, રસોડાનું ધ્યાન રાખે, શાકમાં ચોક્કસ વધાર થવો જ જોઈએ, સીરો-સુખડી આમ જ શેકાવાં જોઈએ, તો ય પાછાં કહે કે મારા બનાવેલાં થેપલાં (એક દોઢ ઈંચ જેટલાં જાડાં) જયદેવને બહુ ભાવે પણ મારી મા જેવાં તો મને ન આવડે ! અમે બધાં તો ખાઈને જ વારી ગયા હતા, એટલે મનમાં ને મનમાં કલ્પના કરતા રહીએ, આ વિસ્તારમાં થતી મેથીની ભાજી એમને દીઠી ન ગમે; ભાજી કે ભાજો ? સૂરત વિસ્તારમાં નરી કૂણી ભાજી મળે, અહીં એની ઝૂડીઓ મળે પણ ત્યાં એની પણીઓ મળે, અને એને ઝીણી કાતરવાની, મીઠું નાખવાનું અને પછી લીંબુ નીચોવવાનું- આ બધો વૈભવ જેણે માણ્યો હોય તેને જ અંદાજ આવે- માંહી પડ્યા તે મહાસુખ માણે……

આજે આપણને માણસની ભૂખ નથી રહી, નર્યા એકલપેટા બની ગયા છીએ, જૂની પેઢી માણસભૂખી હતી, તેનું સરસ પ્રતિનિધિત્વ ‘મોટી’ જેવા કરાવે છે. જેને સતત વાતો કરવા જોઈએ, જેને સતત માણસોની વચ્ચે રહેવા જોઈએ તેને મહાનગરો કે વ્યસ્ત કરી દેતાં નગર ન ફાવે, એને તો શાંત સાવલી વધારે ફાવે. ત્યાં બેઠા બેઠા પારિજાતનાં ફૂલ પરોવવા મળે તો ય બસ છે, એ ફૂલ દ્વારા વિધ્નહર્તા સુધી પહોંચી શકાય અને સત્યભામા સુધીય પહોંચી શકાય. જયદેવ આટલો મોટો થયો પણ વીરબાળાબહેનને સતત એની ચિંતા રહે, બહારગામ જાય ત્યારે સમયસર ખાધું કે નહિ, રાતે સમયસર પાછું અવાશે કે નહિ એની સતત ચિંતા થયા કરે, એ રાતે ગમે તેટલા વાગે પાછો આવે, ત્યાં સુધી એ જાગતા પડી રહે. આપણને થાય કે શું કામ આટલી બધી ચિંતા, પણ એક માની આંખે જોઈએ તો બધું સમજાઈ જાય. મેં જયદેવને કહ્યું હતું કે તું જેટલી કાળજી લઈ શકે છે તેના પા ભાગની કાળજી હું મારી માની લઈ ન શકું, તું તો સાચે શ્રવણ છે. આ જીવંત વ્યક્તિતા કેટલાની નિયતિમાં લખાયેલી હોય છે ?

આ પત્ર ટપાલમાં નાખવા જતો હતો ત્યાં ફરી મૃત્યુ દેવતાએ કોઈને સાદ કર્યો. ઉષાબેનનું- એટલે કે ઉષા સુરેશ જોષીનું- આજે સવારે નેવું વર્ષની વયે અવસાન થયું. આંખો આગળથી એક જવનિકા ખસી ગઈ, એ વરસો હતાં 1963-64નાં. ત્યારે સુરેશભાઈ દેશી બાંધણીવાળી અધ્યાપક કુટીરમાં રહેતા હતા. એક લાંબી ઓસરી, એક શયનખંડ, એક દીવાનખંડ અને નાનકડું રસોડું, બરાબર વચ્ચે નાનકડું ટેબલ (ડાયનિંગ ટેબલ શબ્દ ભારે પડે અને એનો એવો વૈભવ પણ નહીં), સાડાદસ અગિયાર વાગે થાળી પિરસાય અને મારે માટે ખાખરા, સ્ટેન્સની કૉફી (નૅસ કૉફીનો જમાનો આવ્યો ન હતો) વરસેક પછી સોળ વરસની ચંદ્રિકાને લઈને ગયો, એને બેસાડી આગલા ઓરડામાં અને હું બેઠો રસોડામાં, પણ પાંચ-સાત મિનિટમાં જ ચંદ્રિકા આવીને રસોડામાં ગોઠવાઈ ગઈ- પછી તો ઉષાબહેન ચંદ્રિકા પર વરસતાં જ રહ્યાં, છેક સુધી. અંગત અને બિનંગતની સીમાઓ ઓગાળી નાખીને બંને વચ્ચેની વિશ્રંભકથાઓ ચાલતી રહી. સુરેશ જોષીનો ઘનિષ્ઠ પરિચય થાય તે પહેલાં 1943માં તેમણે કુંજવિહારી મહેતા અને મિત્રો સાથે ‘ફાલ્ગુની’ પત્રિકા પ્રગટ કરી હતી, તેની ત્રણચાર પત્રિકાઓ જોવામાં આવી. પહેલેથી તેમનું માનસ ધર્મ અધ્યાત્મ તરફ વળેલું હતું. જેમ જેમ તેમનો પરિચય વધતો ગયો તેમ તેમ મને, અને બીજા કેટલાકને પણ ખ્યાલ આવતો ગયો કે ઉષાબહેનમાં વિદ્વત્તા ઓછી નથી, પ્રકૃતિ પ્રેમ પણ એવો જ ગાઢ, પુષ્પોની તથા અન્ય વનસ્પતિઓની પ્રત્યક્ષ ઓળખ વિશેષ; સંસ્કૃત વ્યાકરણ વધારે પાકું. આપણા સમાજની એક વિચિત્રતા છે. બહુ ખ્યાતનામ પુરુષ સાથે લગ્ન થાય એટલે સ્ત્રીની વ્યક્તિતાને વણછો લાગે. ગમે તેવી પ્રતિભા હોય તો પણ – આપણે એવી સ્ત્રીની ઉપેક્ષા જ કરીએ. વળી સ્ત્રી પોતે પણ માનતી થઈ જાય કે મારામાં વિત્ત ઓછું છે ?! પ્રશ્ન એ છે કે વિત્ત માપવાનું ધોરણ કયું ? જે નજરે ચઢે તેનો જ મહિમા કરતો આપણો સમાજ અને આપણો સમય જે નજરે નથી પડતું તેને ઓળખે છે ખરો ? ઓળખી શકે ખરો ?

વડોદરામાં સ્થાયી થયાં એ ગાળામાં કોઈ શાળામાં એમને શિક્ષિકાની કે આચાર્યાની નોકરી મળતી હતી. પણ જે સમસ્યા મોટા ભાગની ભણેલીગણેલી સ્ત્રીઓને માટે ઊભી થાય છે એ એમને પણ નડી. જો અગિયારથી પાંચ નોકરી કરે તો ઘરગૃહસ્થીનું શું ? બહાર નીકળવાથી, ઘણી બધી રીતે બહાર નીકળવાથી પોતાની આગવી વ્યક્તિતતાનો ખ્યાલ બીજાઓને તો આવતાં આવે પણ પહેલો ખ્યાલ પોતાને આવી જતો હોય છે. પરંતુ લક્ષ્મણરેખા ઓળંગવાનું કે તેનું ઉલ્લંઘન કરવાનું એમના સાલસ સ્વભાવમાં ન હતું, અને એમ છેવટે ઘરની ચાર દીવાલોમાં જ જીવન વ્યતીત કરવાનું આવ્યું. પુરુષપ્રધાન સમાજ જીતી ગયો. લક્ષ્મણને બધા ઓળખે, ઊર્મિલાને કેટલા ઓળખે છે ? સાહિત્યમાં શું કે જીવનમાં શું – ‘ઉર્મિલાઓ ઉપેક્ષિતા જ રહી છે !’ ગર્ભશ્રીમંત કુટુંબમાં ઊછરેલાં ઉષાબહેનને જોઈને જ તરત તમે માપી લો કે અહીં એવી શ્રીમંતાઈ ક્યારેય આંખોમાં દેખાતી નથી. ક્યારેક કોઈ પણ પ્રકારની ગણતરી કરી નહીં કે શ્રીમંત કુટુંબમાંથી નીચલા મધ્યમ વર્ગમાં જવાથી કેટકેટલી મુસીબતોનો સામનો કરવો પડશે, એ બધી મુશ્કેલીઓ હસતાં હસતાં વેઠી. 1964-65ના ગાળામાં તો સુરેશ જોષીનું નામ ખાસ્સું હતું. પણ રેલવેના પ્રથમ વર્ગમાં કે બીજા વર્ગમાં વડોદરા-મુંબઈનો પ્રવાસ કરવાનું પરવડે નહીં- બેચાર વખતે તો બારણા પાસે માંડ માંડ છાપાં પાથરીને મુસાફરી કરી હતી; ગુજરાતના પ્રથમ પંક્તિના સાહિત્યકારને વેઠવી પડતી આવી હાડમારીઓ જોઈને હૈયામાં શારડીઓ ફરવા માંડે; પરંતુ આવી બધી મુશ્કેલીઓ વેઠવી બંનેને સહજ થઈ પડી હતી.

એકલા પડે ત્યારે તેઓ મને અને ચંદ્રિકાને લગ્નજીવનની પવિત્રતાનો મહિમા સમજાવે, ઉમાશંકર જોશી, સુન્દરમ, રાજેન્દ્ર શાહ જેવા સર્જકોનું મૂલ્ય શા માટે સવિશેષ છે એની વાતો ઉત્સાહપૂર્વક કરે; એક વિદ્યાર્થી અવસ્થાથી રામકૃષ્ણ પરમહંસનો, રમણ મહર્ષિનો પ્રભાવ તેમના ઉપર પડ્યો હતો; છેલ્લા દિવસોમાં મકરંદ દવે, અધ્યાત્મ માર્ગી નાથાલાલભાઈનાં પુસ્તકો વાંચતાં રહેલાં. ઘટી ગયેલી શ્રવણશક્તિ, પથારીવશ અવસ્થા છતાં એ બધું અને બીજું વાંચવાની તીવ્ર આતુરતા. એમના મૃત્યુના પાંચેક દિવસ પહેલાં જ અમે એમને મળવા ગયેલાં. તરત જ ઋત્વિજા પરિવાર, યુયુત્સુ પરિવાર, મૈનાકપરિવારનાં ખબરઅંતર પૂછ્યાં. અલૌકિકા અને પારમિતાને મળવાનું બહુ મન હતું પણ…. જીવનના મૂળભૂત મૂલ્યોમાં એમને ભારોભાર આસ્થા હતી, વ્યક્તિમાં સર્જક અને માનવનાં પલ્લાં સરખાં જ હોવાં જોઈએ એવો પાઠ ઘૂંટતા અને અમારા જેવાંને ઘૂંટાવતા. નિખાલસ બનીને કબૂલે પણ ખરાં કે જે મારું નથી તે કોઈ કાળે મારું બની શકવાનું નથી. હું સાનમાં સમજી જતો એટલે પછી બીજી કશી ચોખવટો કરવાની રહેતી નહીં.

એકબાજુ આવી કેટલી બધી પ્રતિભાઓને આપણે ઓળખી જ ન શક્યા અને બીજી બાજુ કથીરને કાંચન માનીને પોંખતા રહ્યાં !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “ઋત્વિજા શરીફાને શિરીષના પત્રો – શિરીષ પંચાલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.