નાનકડી જીભ – જ્યોતીન્દ્ર દવે
[‘અરધી સદીની વાચનયાત્રા’ પુસ્તકમાંથી સાભાર.]
[dc]મ[/dc]નુષ્યની સર્વ ઈન્દ્રિયોમાં જીભનું મહત્વ વિશેષ છે. કાન, હાથ, પગ, આદિ બબ્બે ઈન્દ્રિયો છે ને તે કાર્ય એક જ કરે છે. એક સાંભળવાનું કામ કરવા માટે બે કાન, એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરાં, ચાલવાના એક કાર્ય માટે બે પગ, જોવાના કામ માટે બે આંખ. પણ બોલવાનું ને સ્વાદ ચાખવાનું એમ બે કામ માટે એકલી જીભની જ નિમણૂક કરવામાં આવી છે.
ઘણીખરી ઈન્દ્રિયો પર આપણો કાબૂ નથી. આપણી ઈચ્છાવિરુદ્ધ પણ પરસંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી. કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળવી આપણને કુદરતી રીતે જ ન રુચતી હોય, તો પણ આપણા પોતાના કાન એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના નહિ રહે. ન જોવા જેવું આંખ અનેક વાર જુએ છે ને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા મગજને પહોંચાડે છે, પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે. એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે, અન્યથા નહિ. બોલવાનું ને ખાવાનું, દુનિયાનાં બે મોટામાં મોટાં કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. જેમ કેટલીક કુલવધૂઓ આખા ગૃહનો ભાર ચલાવે છે છતાં ગૃહ બહારનાંને તેનાં દર્શન પણ થઈ શકતાં નથી, તેમ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં જીભ ઘણુંખરું અદશ્ય રહે છે.
સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ તે છતાં બને ત્યાં સુધી એને ઓઝલ પડદામાં રાખીએ છીએ. રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદવૃત્તિને પોષે છે ને સુંદર ઘરેણાંલૂગડાં પહેરી આપણી અભિમાનવૃત્તિને પોષે છે. તેવી જ રીતે જીભ આપણી સ્વાદવૃત્તિને સંતોષે છે ને સરસ શબ્દો વડે આપણાં વખાણ કરી અભિમાનવૃત્તિને ઉત્તેજે છે. સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે ને ઘા રુઝાવે યે છે. કોઈનું અપમાન કરી તેને ઘાયલ કરનારી જીભ, પાછળથી જરૂર પડ્યે તેનાં વખાણ કરી પોતે પાડેલા ઘાને રુઝાવી શકે છે. પુરુષનાં પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે, તેમ પેટ આદિના રોગોના ભોગ જીભને બનવું પડે છે. પેટમાં અપચો થતાં જીભ પર ચાંદી પડે છે. પેટની વાત જીભ તરત જ બહાર કહી દે છે. અબળા વર્ગ તરફથી ઘણી વાર ગૃહનાં છિદ્રો બહારનાંને જાણવાનાં મળે છે, તે જ પ્રમાણે દેહના રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે.
પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને જણાવતી નથી. એ મનુષ્યનાં ગામ, જાતિ આદિની પણ માહિતી વગર પૂછ્યે આપી દે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એ ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવ્યા હશે. જેની જીભ સહેલાઈથી, નહિ જેવા કારણે, ભયંકર શાપ આપી શકે તે બ્રહ્મર્ષિ; જેની જીભ વેદમંત્રોના પાઠો કરી કસરત કરે ને સોમરસનું આસ્વાદન કરે તે બ્રાહ્મણ; જેની જીભ વીરરસની વાતો કરે ને કસૂંબાપાણીમાં રાચી રહે તે ક્ષત્રિય; પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય; ને જેની જીભ ઘણુંખરું મૌન સેવે – ને ઈતર વર્ણના હુકમા સાંભળી ‘હા, માબાપ !’ કહે તે શૂદ્ર.
જીભ આમ માણસનાં જાતિકુલ જ નથી જણાવી દેતી, પરંતુ એ ક્યા શહેર કે ગામનો છે તે પણ એ કહી દે છે. એક વખત ભરૂચમાં મેં બે મનુષ્યોને વાગ્યુદ્ધ ખેલતા જોયા હતા અને તે વેળા મને બહુ નવાઈ લાગી હતી. વાગ્યુદ્ધ ખેલતા હતા તેની નવાઈ નહોતી લાગી – બે માણસો મળે ને લડે નહિ તો નવાઈ લાગે – લડે તેમાં નવાઈ નથી એ હું સારી રીતે જાણું છું. ‘તું લાલચોલ ડોળા કાઢીને ગાલ પર ગાલ દે છે તે માલ પરથી નીચે ઊતરની ! બતાવી દઉં !’ એકે કહ્યું. ‘સાલા, તારું મોં ઉજલું છે, પણ કરમ તો કાલાં છે. ધોલામાં ધૂલ પડી તારા !’ બીજાએ ઉપરથી જવાબ દીધો. આ બંને યોદ્ધાઓએ એક મતે ‘ળ’કારનો બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગી. તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં ‘ળ’ને સ્થાને ‘લ’ વાપરતા સાંભળ્યા હતા. ‘ળ’કારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીની છે એમ તરત જણાઈ આવે છે. તે જ રીતે ‘હવાકાનું હેર હાક’ માગનારી સુરતી જીભ ને ‘સડકું ખોદીએં સીએં ને રાબું પીએ સીએં’ એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે.
બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એની જીભને લીધે જ છે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યોમાં બુદ્ધિ વધારે હોય છે, એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવી નથી. મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી, હાથની બાબતમાં ગોરીલા, નાકની બાબતમાં કૂતરો, પેટની બાબતમાં વરુ ને પગની બાબતમાં ગધેડો વગેર બળવાન હોય છે એ જાણીતું છે. તેમ જ બીજાં જાનવરોની માફક એને શીંગડાં ને પૂંછડી પણ હોતાં નથી. એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતાં, જીભ સિવાયની બીજી ઈન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે.
જગતમાં જે કાંઈ થાય છે – સારુંનરસું, આનંદકંકાસ, આત્મશ્લાઘા, ખુશામદ, વિવાહ ને વરસી, માંદગી ને તંદુરસ્તી તે સર્વ મોટે ભાગે જીભને લઈને જ થાય છે. સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં છે, પણ ખરી રીતે જોતાં જીભની સત્તા હેઠળ એ દબાઈ જાય છે. સમાજ, ધર્મ ને કાયદાની રૂએ પુરુષ સ્ત્રીનો સ્વામી છે, પણ વસ્તુતઃ એ સ્ત્રીનો ગુલામ હોય તેમ વર્તે છે. એ જ રીતે એ જીભના તાબામાં રહે છે. એની તંદુરસ્તી, એની નીતિ, એનો વિવેક, એનો ધર્મ એનું આખું જીવન એની જીભને આધારે જ વિકસે છે કે વણસે છે. મનુષ્ય એટલે જ જીભ. પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી શી રીતે કર્તવ્ય બજાવ્યા જવાય, એ જીભ આપણને શીખવે છે. આગળ બત્રીસ ભૈયા જેવા મજબૂત દાંત, પાછળ ગળાની ઊંડી ખાઈ, અનેક પ્રકારના ટાઢા-ઊના, તીખા-ખારા પદાર્થોનો સતત મારો, સૂર્યનો જરા ય પ્રકાશ ન આવે એવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું : આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં, જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરી જાય છે.
વૃદ્ધાવસ્થામાં બીજી ઈન્દ્રિયો શિથિલ થઈ જાય છે, ત્યારે પણ જીભ તો એવી ને એવી બળવાન રહે છે. ઘણી વાર તો બીજી ઈન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય એમ લાગે છે.



Very good Daveji, jeebh par to PHD thai gayi, maja avi gayi
૬૦ની સાલમા અભ્યાસક્રમનો આ લેખ ત્યારે પણ પસંદ પડેલો અને આજે પણ!!
વાહ સરસ લેખ
અતિ ઉત્ત્મ્. ખુબ જ સરસ.
very good hadka vagarni jeebh kevo kamal kari sake che te janva ni maja aavi
Jyotindra Dave sa mate ajepan shrest hasyalekhak kahevavay chhe te aa vachiae atle khyal ave.
શ્રી જ્યોતીન્દ્ર દવે જુના જમાના ના ઉત્તમ હાસ્ય લેખક રહ્યા છે. આ લેખ પણ સરસ છે. જીભ માલ પણ ખવડાવે અને માર પણ ખવડાવે. જીભ ને અંકુશ માં રાખો તો બધું બરાબર. નહીતર બધું ખેદાન મેદાન કરી નાખે. ફક્ત જીભ જ કેમ બધી ય ચેતનાઓ પર કાબુ રાખવો જરૂરી છે. શબ્દ, સ્પર્શ, રંગ, રૂપ ગંધ આમ આ પાંચેય ચેતનાઓ પર સંયમ હશે તો આનંદ. નહીતર દુખ જ દુખ.