તેષાં દિક્ષુ – ભોળાભાઈ પટેલ

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.]

[dc]તે[/dc]ષાં દિક્ષુ પ્રથિત વિદિશા….. આ શબ્દો પવનપાવડી બની જાય છે મારે માટે જાણે. એ પહેરી મન ઊડવા માંડે છે. તે દિશામાં માત્ર વિદિશા નથી. દસે દિશા છે…. સાત સમુંદર, તેરો નદી, પહાડ પર્વત, નગર જનપદ, ઝાડ જંગલ….. પછી આવે મારું નાનું ગામ, જે ગામમાંથી હું નિર્વાસન પામ્યો છું – મારું એ ગામ.

મને હંમેશાં એવું થતું રહ્યું છે કે મારા એ ગામના પાદરમાં થઈને એક નદી વહેતી હોત તો કેવું સારું ? શૈશવ-કૈશોર્ય નદીને કાંઠે વીત્યું હોત. ઋતુએ ઋતુએ નદીને અવલનવલ રૂપમાં જોઈ હોત. નદી નથી તો નથી. પણ એવું થાય કે ભલે, પણ મારું ગામ કોઈ ડુંગરાની તળેટીમાં હોત તો કેવું ! ઘરની બહાર નીકળીએ કે ડુંગરો સાદ પાડતો હોય. ડુંગર ઉપર દેરડી હોય. એ દેરડી સુધી કેડી જતી હોય. એક શ્વાસે ચઢી જઈએ. બહુ મોટો પહાડ નહીં. એવો ડુંગર હોય કે લાગે ગામ એની હૂંફમાં સૂઈ રહ્યું છે. સોડમાં સંતાઈ રહ્યું છે.

નદીય નથી, ડુંગરેય નથી પણ ગામની બહાર નીકળતાં કોઈ ગાઢ જંગલ શરૂ થઈ જતું હોત તો કેવું સારું ! અડાબીડ જંગલ. નાનીમોટી કેડીઓ અંદર દૂર દૂર લઈ જતી હોય. તેમાં જંગલી પ્રાણીઓ હોય. ક્યાંક વચ્ચે સરોવર હોય. એટલે મન કલ્પનાઓ કરે. અને તેય કરી કરીને કેટલી કરે ? સીમમાં ઉનાળાના દિવસોમાં જ્યારે ખેતરો ખાલી પડ્યાં હોય ત્યારે પોમલાં ઊતરતાં. જિપ્સી લોકો હશે. અમે પોમલાં કહેતાં. તેમનાં કૂતરાં અને પોઠિયા હોય. માસ બે માસ રહે. પોમલીઓ કાંસકીઓ, સોયો વેચે, પોમલા જાતજાતનાં કામ કરે. ચોમાસું આવવા થાય કે તેમનો વાસ ઊઠી જાય. એવી રીતે પાડા પર ઘંટીના પથ્થરો લાદી સરાણિયા આવતા, રહેતા અને જતા. એક વાર તો બહુ મોટી વણઝારાની પોઠ આવેલી. દોડીને અમે ભાગોળે ગયેલા. પોઠ ચાલી ગયેલી. દિવસો સુધી અમે વણઝારાની વાતો કરેલી. ઘણી વાર કચ્છી ભરવાડો આવતા, ઊંટ પર આખું ઘર હોય. આમ ભટકવાનું મળે તો ! રવીન્દ્રનાથની કવિતા ‘આમિ હતે યદિ આરબ બેદૂઈન…’ તો પછી મોટપણમાં વાંચેલી, પણ એવી વૃત્તિ નાનપણમાં બહુ બધી વાર થયેલી અને વણઝારાની વાતો તો દૂરની દૂર લઈ જતી.

પણ એ દિવસોમાં કોઈ આબુ, અંબાજી જઈ આવ્યું હોય, ત્યાંની વાત કરે. ‘સવડ નહોતી પણ માતાજીનો હુકમ થયો ને જાત્રા થઈ ગઈ. અંબાજી તે કંઈ અંબાજી ! અને ગબ્બરનો ડુંગર તો……’ હું વિચારું આપણને માતાજીનો હુકમ ક્યારે થશે ? અમારા એક સગાને તો બદરીનાથનો હુકમ થયો. ચાર ચાર મહિના જાત્રાએ ગયેલા. પગે ચાલતા. ત્યાંથી આવી હિમાલયની ને ગંગાની વાતો કરે. એમની વાતમાં નદીઓ, ડુંગરા અને જંગલો બધુંય આવે. મન ત્યાં પહોંચી જતું. આપણનેય બદરીનાથનો હુકમ થાય.

અમારે ત્યાં એક ગૃહસ્થ બાવાજી આવ્યા. સાધુ થઈ ગયેલા, પછી ગૃહસ્થ. દેશમાં બહુ ભમેલા. જાતજાતની વાતો કરે. તેમાં એમણે ભોજ કાલિદાસની વાત કરી. ધારાનગરી અને ઉજેણી નગરીની વાત. એ મારો હાથ જોઈને મારા બાપુને કહે, આ છોકરાના ભાગ્યમાં સરસ્વતી નથી, લક્ષ્મી છે. બાપા રાજી થયેલા પણ મને હજીય યાદ છે હું ઉદાસ થઈ ગયેલો. નાની હથેળી મસળી મસળીને જોઉં ક્યાં છે સરસ્વતી, ક્યાં છે ? ફળિયાનાં કાશીફોઈ ઘણી બધી જૈનકથાઓ કહે. એ કથાઓમાં તો દેશદેશાવર ભમવાની વાત હોય જ. એમાં કાશીની વાત મનમાં અંકિત થઈ ગયેલી. તેવામાં વાંચી બત્રીસ પૂતળીની વાત. ઉજેણીનો પરદુઃખભંજન રાજા વિક્રમ અંધારપછેડો ઓઢી નગરચર્યા કરવા નીકળી પડે. ભયંકર રોમાંચક….. મન હાથ રહે નહીં. રામાયણમાં રામની સાથે છેક સરયૂ તટના અયોધ્યાથી લંકા સુધી પહોંચી જવાય અને પાંડવો તો વનમાં ને વનમાં, અર્જુનની સાથે ને સાથે રહીએ. જેમ જેમ ઈતિહાસ-ભૂગોળ ભણતા ગયા તેમ તેમ કલ્પનાની કાલગત અને સ્થલગત સીમાઓ વિસ્તરતી ગઈ. ભૂગોળમાં નદીઓ અને પહાડોનાં નામ ગોખવાં પડે. ગુજરાતની વડોદરા રાજ્યની નદીઓ, ભારતની નદીઓ, દુનિયાની લાંબામાં લાંબી નદી કઈ ? મિસિસિપિમિસૂરી ! મોટામાં મોટી નદી ? એમેઝોન. ઊંચામાં ઊંચો પહાડ ? હિમાલય. મોટામાં મોટું રણ ? મોટામાં મોટું સરોવર ? મોટામાં મોટું નગર ? મોટામાં મોટું જંગલ ? અંધારો મુલક આફ્રિકા અને એનાં જંગલ. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના હિમપ્રદેશ. આટલાંટિક અને પેસેફિક, પણ મને ગમતો આપણો અરબી સમુદ્ર. હિંદુસ્તાનનો નકશો દોરી ત્રાંસા અક્ષરે લખતા અરબી સમુદ્ર વગેરે. આંબા તળાવથી અરબી સમુદ્ર !

ધીમે ધીમે ગામની સીમામાંથી બહાર નીકળવા મળ્યું. નદીઓ જોવા મળી. નગર જોવા મળ્યાં. ઉત્તર ભારતની યાત્રાએ તો જાણે બધી બંધ દિશાઓનાં દ્વાર એકાએક ખોલી દીધાં. તેષાં દિક્ષુ…… નદી જોઈ તો ગંગા, પહાડ જોયો તો હિમાલય, નગર જોયું તો દિલ્હી, ચિતોડ અને ઉદેપુર, નાથદ્વારા અને એકલિંગજી, હરદ્વાર અને હૃષીકેશ, ગોકુળ અને વૃંદાવન, દહેરાદૂન અને મસૂરી, આગ્રા અને જયપુર. તક મળતી ગઈ તેમ તેમ નાનાં મોટાં ભ્રમણો થતાં ગયાં. અનેક નદીઓ જોઈ. કાશ્મીરની જેલમ અને છેક દક્ષિણની કાવેરી. ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર. બ્રહ્મપુત્રને કિનારે તો સતત બાર દિવસ રહ્યો. અનેક પહાડો જોયા. ઉત્તર અને પૂર્વ હિમાલય, અરવલ્લી અને વિંધ્ય. અનેક અરણ્યો જોયાં. કેટલાંય નગરોમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોયા. કેટલાંય સમુદ્રતટોનાં મોજાંની મસ્તી જોઈ. રાંબોની ‘ડ્રંકનબોટ’ની જેમ તેમના પર ઊછળ્યો છું. ગાડીના ડબ્બામાં બારી પાસે બેસી કલાકોના કલાકો પસાર થતાં ગામ ખેતર નદનદી નગર જોયાં છે. બારી પાસે બેસવાનું બહુ ગમે. લાંબાં અંતરો કાપતી ગાડી દોડી જતી હોય. સવાર પડે, બપોર થાય, સાંજ આથમે. અને ગહન અંધારામાં ગાડી જતી હોય. સ્ટેશન આવે. ક્યારેક ઊભરાતું પ્લેટફોર્મ હોય, ક્યારેક નિર્જન. બસ, ટ્રક, વિમાન બધાંયની ગતિ આકર્ષતી રહી છે. અનેક દિવસો બહાર રહીએ પછી ઘર બોલાવતું હોય, પણ ઘેર આવ્યા પછી ભમવા જવાની વૃત્તિ પાછી થયા કરે. મન ચંચલ થઈ ઊઠે. રવિ ઠાકુરની પંક્તિઓ સળવળી ઊઠે. હુંય જાણે ‘બારાસાડા’ પંખીની જેમ બહાર જવા તડપું છું : ‘હેથા નય, અન્ય કોથા, અન્ય કોથા, અન્ય કોન ખાને’ (અહીં નહીં, બીજે ક્યાંક બીજે ક્યાંક, બીજે કોઈક ઠેકાણે.)

કેવડો મોટો દેશ છે આપણો આ ! આખો જનમારો ભમીએ તોય પાર ના આવે. એકલા હિમાલય માટે જાણે એક જન્મારો ઓછો પડે. પછી કેટલા પહાડ, નગર, સમુદ્રતટ ? કેટલો ભવ્ય અતીત ? થાય કે બધું જ બધું ભમીએ. પણ બધે ફરીને ઘણી વાર હું મારા પેલા ગામની ભાગોળે પહોંચું છું. જાણે આખા બ્રહ્માંડમાં ફરીને ત્યાં જઈ ઊભો રહું છું. નાના હતા અને નિશાળમાં ભણતા ત્યારે ચોપડી પર નામની સાથે આખું સરનામું લખતા. આખું એટલે ? એટલે નામ, પિતાનું નામ, દાદાનું નામ, પછી અટક, પછી શેરી, મહોલ્લો, ગામ, પછી તાલુકો, જિલ્લો, રાજ્ય. પછી લખીએ દેશ-હિન્દુસ્તાન, ખંડ-એશિયા. પછી પૃથ્વી અને છેલ્લે આવે બ્રહ્માંડ. હવે ઊલટેક્રમે બધું વટાવી ગામની ભાગોળે….. ત્યારે મન ‘તેષાં દિક્ષુ’ની પવનપાવડી પહેરી લે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “તેષાં દિક્ષુ – ભોળાભાઈ પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.