- ReadGujarati.com - http://www.readgujarati.com -

બેટા, તું મમ્મીને કેટલી ગમે છે ? – ડૉ. રાજેશ કામદાર

[ સુપ્રસિદ્ધ પુસ્તક ‘દીકરી વહાલનો દરિયો’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]દી[/dc]કરી વ્યોમની વાદળી રે, દેવલોકની દેવી;
જોઈ-ન-જોઈ વહી જતી રે, વનપંખણી જેવી. – કવિ બોટાદકર

કવિ બોટાદકરની આ બે પંક્તિઓમાં દીકરીના સમગ્ર જીવનનો અર્થ સમાઈ જાય છે. આકાશની વાદળીઓ ફાવે ત્યાં જરૂરિયાત પ્રમાણે પહોંચીને દેવીની જેમ પોતાની મીઠાશ પાથરી જાય છે; અને હજી તો આપણે એની મહેકનો આનંદ માણતાં હોઈએ એની પહેલાં મસ્ત પંખીની જેમ બીજે પહોંચી જાય છે.

આજના અણુયુગમાં દીકરી સાપનો ભારો નથી રહી. દીકરી ખૂબ જ સંવેદનશીલ અને લાગણીશીલ હોય છે. આપણા પૂર્વગ્રહો એટલા તો પ્રબળ હોય છે કે આપણે નાની અને ક્ષુલ્લક વસ્તુઓમાં પણ બાંધછોડ નથી કરી શકતા. એક દીકરી પોતાના જીવનનાં 21-22 વર્ષો માબાપને ત્યાં સુખરૂપે વિતાવી લગ્ન કરીને એક અજાણ્યા ઘરમાં પોતાનું જીવન વિતાવવા ચાલી જાય છે. કદાચ જીવનનો આ એક મોટામાં મોટો જુગાર હોઈ શકે. આ પરિસ્થિતિમાં જ્યારે પત્નીએ પોતાના ઘરની અને વ્યવસાયની બેવડી ફરજ બજાવવાની હોય ત્યારે તો જાણે એ પોતાના જીવનને એક નાના તાર જેવા તાંતણા પર પર સમતોલન કરતી હોય છે. પુત્રીને માતાના રૂપમાં, ભગિનીના રૂપમાં, પત્નીના રૂપમાં, સાસુના રૂપમાં કે કોઈ પણ સ્વરૂપમાં જોતાં એક હકીકત જે સૌથી ઉપર તરી આવતી હોય તો એ કે તે પોતાની જાતને ચંદનની જેમ ઘસીને બીજાને સુખ, શાંતિ પહોંચાડે છે.

મોટા ભાગે એવી આશા સેવાતી હોય છે કે પહેલું સંતાન તો પુત્રી જ હોય. શા માટે એની મને ખબર નથી. ઋષિતા વખતે અમારી ઈચ્છા એક સામાન્ય બાળક સિવાય બીજી નહોતી. સોનોગ્રાફી કરતી વખતે પણ જાતિ જાણવાનો કોઈ આગ્રહ સેવ્યો નહોતો. ઈશ્વરે ઋષિતામાં એ પુત્રીની ઈચ્છા પૂરી કરી. ઋષિને અવારનવાર જુહુના સમુદ્રકિનારે અમે ફરવા લઈ જતાં. ત્યારે ભોળી ઋષિ બાળસહજ નિખાલસતાથી પૂછતી, ‘મમ્મી, સમુદ્રના ખારા પાણીમાં મીઠું કેટલું ?’ સ્તિમિતા બંને હાથ પહોળા કરીને કહેતી કે, ‘આટલું બધું !’ અચાનક એક દિવસ સ્તિમિતાએ ઋષિને પૂછ્યું, ‘બેટા, તું મમ્મીને કેટલી ગમે છે ?’ ચબરાક અને ચપળ ઋષિએ પલકારામાં કહી દીધું, ‘સમુદ્રમાં મીઠું છે એટલી.’

એક પિતા અને દીકરી વચ્ચે પ્રેમનો તાંતણો કંઈક અદ્દભુત રીતે વણાયો છે. મારે જો દવાખાનાથી આવતા મોડું થવાનું હોય તો ઋષિતાને ચોક્કસ જણાવવું પડે, નહીં તો અમારાં બહેનબા ચિંતિત અને બેચેન થઈ જાય. મારાં દાદીમા જે 98 વર્ષની વયસ્ક ઉંમરે પણ અમારી વચ્ચે છે, મારા પપ્પા જો ત્રણચાર દિવસમાં એમને મળવા ન જાય તો ખૂબ જ કાળજી કરતાં થઈ જાય. અમારાં બા પપ્પાના મોટા ભાઈ સાથે ખેતવાડીમાં નિવાસ કરે છે. આ છે દીકરીનું એક બીજું સ્વરૂપ. મારે ઋષિના બાળપણમાં જ્યારે પણ બહારગામ જવાનું થતું ત્યારે ઋષિ અચૂક માંદી પડતી. નાનપણથી ઋષિ નિસર્ગ કરતાં વધુ સમજુ અને ઠરેલ છે. ક્યારેય કોઈ વસ્તુની જીદ કરી હોય એ મને સાંભરતું નથી. જાણે એણે પહેલેથી જ મોટી બહેનનો પાઠ અદા કરવાની જવાબદારી ઉપાડી લીધી છે. ઋષિ સમજી જાય છે તો તેની પાછળ અમારી એવી ભાવના નથી કે ઋષિનો ખ્યાલ નહીં રાખીએ તો ચાલશે. હું હંમેશાં એ જોવા માગું છું કે બની શકે ત્યાં સુધી બન્ને ભાઈબહેનને એમ ન લાગવું જોઈએ કે કોઈ એક પ્રત્યે તરફદારી રાખવામાં આવે છે.

મારો પ્રામાણિક મત એ છે કે માનવસ્વભાવ શુભ અને મંગળ છે. બાળકો ખૂબ જ અનુકરણશીલ અને ઉત્તમ નિરીક્ષક હોય છે. એટલે બની શકે ત્યાં સુધી હું અને સ્તિમિતા વ્યવહારશુદ્ધિ રાખવાનો સખત પ્રયત્ન કરીએ છીએ. ભોળપણ એ માણસની નબળાઈ હોઈ શકે, પણ બાળકનું મોટામાં મોટું બળ છે. ઋષિતા ખૂબ જ ભોળી, નિર્દોષ અને નિખાલસ છે. બધાં જ બાળકો એવાં હોય છે. પિતા તરીકે ઋષિતાનો જન્મજાત સ્વભાવ બદલવાની કોશિશ તો શું વિચાર પણ નથી કરતો. શાળામાં, મકાનના પ્રાંગણમાં, બસમાં, ટ્રેનમાં ઘણી વખત ઋષિતાને પોતાના સ્વભાવ માટે સહન કરવું પડે છે. એનો સ્વભાવ એના વિકાસમાં આડખીલીરૂપ ન બનીને એને જીવન સુંદર રીતે માણવામાં મદદરૂપ થઈ શકે એવી જ શુભકામના. હું એ પણ જાણું છું કે જીવન એ કંઈ આપણી ઈચ્છા અને યોજના પ્રમાણે આગળ વધતું નથી. જીવનની હાડમારીઓ, વિષમતાઓ, લોકોના સ્વભાવો, ચડતીપડતીના પ્રસંગોનો સામનો કરવાની એને શિક્ષા આપવાની ઈચ્છા ધરાવું છું. સાથે સાથે દઢપણે માનું છું કે પડશે એવા દેવાશે. હું પોતે બહુ બધું આયોજન કરવામાં માનતો નથી. ભવિષ્યની ચિંતામાં, એની કલ્પનામાં, અત્યારની પળનો આનંદ ખોઈ બેસવાનો કોઈ જ ઈરાદો રાખતો નથી.

ઋષિના ભવિષ્ય માટે કોઈ જો મોટામાં મોટી કલ્પના હોય તો એ કે પોતાના જીવનની પ્રત્યેક ક્ષણનો એ ભરપૂર આનંદ લૂંટી શકે અને ક્ષણસ્વ બનીને આ પળમાં જીવી શકે. મારે એને ખાસ જણાવવું છે કે આપણે બીજાને નાના અને નીચા દેખાડીને ઊંચે નથી ઊઠવું, પણ પોતાનો સંપૂર્ણ વિકાસ સાધીને જીવનમાં પ્રગતિ કરવી છે. અમેરિકામાં બાળકોને નાનપણથી જ વિજેતા બનવાની તાલીમ અપાય છે. યેનકેનપ્રકારેણ જીતવાનું જ છે, આગળ વધવાનું છે, અને આખી દુનિયાને જીતવાની છે. પણ તેમના અશાંત મનને કોણ જીતશે ? એથી એમને ચિંતા નથી. એ બધી જવાબદારી એમણે દીપક ચોપરા જેવાઓને સોંપી દીધી છે. જ્યારે જાપાન જેવા ટચૂકડા દેશમાં તેર કરોડની વસતિ, અમેરિકાના કેલિફોર્નિયા રાજ્ય જેટલા નાના પ્રદેશમાં સુલેહ, સંપ, શાંતિ અને સંવાદિતાથી રહે છે. મ્યુઝિકલ ચેરની ગેમમાં પાંચ વર્ષની બાળકી પોતાની ખુરશી પર બેસવાને બદલે પોતાના મિત્રને બેસવા કહે છે. એને જ્યારે કહેવામાં આવ્યું કે તું હારી ગઈ ત્યારે એ આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહે શું જીવનમાં જીતવા માટે તોછડું થવું જરૂરી છે ? મારે ઋષિને કહેવું છે આપણે જીવનમાં હરીફાઈની ભાવના જરૂર રાખીએ, પણ એ હરીફાઈનું પરિણામ જ આપણું સર્વસ્વ નથી. જેટલું લક્ષ્ય જરૂરી છે એના કરતાં અનેકગણો મહત્વનો છે ત્યાં સુધી પહોંચવાનો માર્ગ. કદાચ આજના ભૌતિકયુગમાં લક્ષ્ય સુધી પહોંચવાનું ખૂબ જ જરૂરી થઈ ગયું છે. મારે એને હરીફાઈમાં પ્રથમ કેમ આવવું તેની શિક્ષા નથી આપવી, પણ અંત સુધી પ્રત્યેક અનુભવનો આનંદ ઉત્તમ રીતે કેમ લૂંટવો તેની તાલીમ આપવાની ઈચ્છા છે. મારા વિચારો કદાચ આજના જમાનાને અનુરૂપ ન હોય, પણ એને જીવનમાં ઉતારવા કે ન ઉતારવા એ ઋષિના નિર્ણય ઉપર છે.

ઘર બંધાયા પછી અને બાળક જન્મ્યા પછી, એને માટે કરેલી કલ્પના કરતાં જુદું જ નીકળે છે. ઘણા મિત્રો અને સ્નેહીઓ પૂછે કે આપ બંને દાંતનાં ડૉક્ટર છો એટલે મોટી ઋષિ તો દાંતની જ ડૉકટર થવાની. ક્યારેક આ વિધાનો કે નિષ્કર્ષ બહુ જ અચરજ પમાડે છે. હું કેવી રીતે નક્કી કરું કે ઋષિતા શું બને. મારી પ્રાથમિક ઈચ્છા છે ઋષિતા મહાન વિશ્વનાગરિક બને. એની સુવાસ સંપૂર્ણ વિશ્વમાં વ્યાપે અને પોતાના ગમતા ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરે. મારી મોટામાં મોટી ફરજ એ છે કે એને બધાં જ ક્ષેત્રની જાણકારી આપવામાં આવે અને ત્યાર બાદ એ નક્કી કરે કે એની શેમાં રુચિ છે. આજના યુગમાં ક્યો વ્યવસાય વધારે પૈસા અપાવશે એ પરથી પસંદગી થાય છે. ગમા-અણગમાનો કોઈ પ્રશ્ન નથી. 90 ટકા આવ્યા તો તારે તો વિજ્ઞાનમાં જઈને ડૉક્ટર થવું પડશે, પણ અરે ભાઈ ! એને તો સંગીતમાં રસ છે. શેમાં રસ છે એ મહત્વનું નથી, શેમાં વધારે પૈસા મળશે એ મહત્વનું છે. આ આજનો માપદંડ છે, અને ઋષિ માટે હું એ માપદંડ વાપરવાનો નથી. ઋષિના ગમતા ક્ષેત્રમાં હં એની સાથે બે ડગલાં ચાલવા પણ તૈયાર છું. પરંતુ અંતે તો એને પોતાની રીતે પોતાનો વિકાસ સાધવો રહ્યો. એ સ્વતંત્રતા, ખુમારી એ જેટલી ઝડપથી વિકસાવી શકે એટલી મારી જીત.

ત્રણેક વર્ષ પહેલાં એક સેમિનારમાં માનસચિકિત્સકને સાંભળેલા. એમણે જણાવેલું કે 1992-93માં મુંબઈમાં કોમી દંગલો થયાં ત્યાર પહેલાં મુંબઈ કોમી એખલાસનું સંપૂર્ણ વિશ્વમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડતું હતું. આજે હકીકત જુદી છે. તાત્પર્ય એ છે કે ક્યારે, શું, કેવી રીતે બનશે એના પર આપણો કોઈ અંકુશ નથી. એટલે મારી દીકરી આ જ બને કે તે જ બને અને આમ જ જીવે કે તેમ જ જીવે એવાં કોઈ બંધનો નથી. બંધન માત્ર એક જ કે પ્રયત્ન એ કરવો કે અત્યારની પળમાં જીવો. બાકી બધું ઈશ્વર આપણને આપણી જરૂરિયાત પ્રમાણે પૂરું પાડતો હોય છે. સામાન્ય રીતે મેં અનુભવ્યું છે કે જ્યારે મને જે વસ્તુની જરૂરિયાત હોય છે એ અચૂક ઈશ્વર પૂરી પાડે છે. તો શા માટે ભવિષ્યની માથાકૂટમાં અત્યારનો આનંદ ગુમાવવો. સમય પહેલાં અને ભાગ્ય કરતાં વધારે ક્યારેય કોઈને કશું મળ્યું નથી અને મળશે પણ નહીં. સખત પરિશ્રમ કરવાની જવાબદારી ચોક્કસ આપણી. પણ કઈ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તીશું એનો કોઈ જ્ઞાનકોશ નથી. એ તો આપણો સ્વતંત્ર સ્વભાવ હશે તો આપણી સમજ, પૂર્વાનુભવ અને ઈશ્વરના માર્ગદર્શન નીચે બધું સારું થઈ રહે છે.

(ડૉ. રાજેશ કામદાર મુંબઈના ઓર્થોડોન્ટિસ્ટ છે. પર્યાવરણ જાળવવાના આગ્રહી છે.)

[કુલ પાન : 208. કિંમત રૂ. 225 (આવૃત્તિ 2003 પ્રમાણે) પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22139253. ઈ-મેઈલ : info@navbharatonline.com ]