ઈશ્વર સાક્ષાત્કાર – વિનોબા ભાવે

[ ‘ભક્તિ-દર્શન’ પુસ્તકમાંથી ‘ઈશ્વર સાક્ષાત્કાર’ પ્રકરણને ટૂંકાવીને અહીં પ્રકાશિત કરવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘યજ્ઞ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]પ[/dc]રમાત્માના દર્શન થવા, ઈશ્વરનો સાક્ષાત્કાર થવો આ ભારે ગહન પ્રશ્ન છે. જ્યાં સુધી મનને પેલે પાર શી રીતે જેવું આનો ઉત્તર ન મળે ત્યાં સુધી આ પ્રશ્નનો ઉત્તર પણ ન મળી શકે. જાગૃતિ-સ્વપ્ન બધું જ મનની અંદર છે. મનથી ઉપર ઊઠીશું તો જ ઈશ્વરસ્વરૂપનું દર્શન થશે. બાકી ઈશ્વરદર્શન માટે ક્યાંય દૂર જવાની કોઈ જરૂર નથી. એની અનુભૂતિ તો અંતરમાં જ થાય છે. તમે સૌ અહીં બેઠાં છો. આ ઝાડ છે, ત્યાં પશુ-પંખી છે. સહુમાં ઈશ્વર જ ઈશ્વર દેખાય, સર્વત્ર હરિદર્શન થાય, આ જ સાચું ઈશ્વરદર્શન છે.

તમે પોતે એક ચૈતન્યમય પુરુષ છો. તમારા પગ પર એક નાનકડી કીડી ચડી જાય છે. કીડી માણસના પગ પર આવીને બેઠી છે, તો પણ એને જ્ઞાન નથી કે એ કોઈ જીવંત ચીજના સ્પર્શમાં છે. એના માટે તો માણસનો પગ એ પણ એક પદાર્થ જ છે. આવું જ આપણું છે. કીડીને જીવંત સ્પર્શનું જ્ઞાન નથી. પગ પર બેઠી હોય તો પણ જાણે માટીના ઢેફા પર બેઠી હોય, આટલું જ તે જાણે છે. આ જ રીતે આપણે ઈશ્વરને આલિંગન દઈને બેઠા હોઈએ, તો પણ આપણને ઘર, ઘર દેખાય છે; ઝાડ, ઝાડ દેખાય છે; જમીન, જમીન દેખાય છે. આ બધાંમાં ઈશ્વર નથી દેખાતા. બાકી તો આપણે ઈશ્વરના ખોળામાં જ બેઠેલા હોઈએ છીએ. આમ, સ્પર્શ છે, પરંતુ જ્ઞાન નથી.

એકનાથનું ભજન છે, साखर दिसे परी गोडी न दिसे સાકર દેખાય છે પરંતુ એની મીઠાશ દેખાતી નથી. મીઠાશ તો ચાખવાથી જ સમજાય. આ જ રીતે અભિમાન છૂટે ત્યારે જ પ્રત્યેક ચીજમાં ઈશ્વરનું રૂપ દેખાય. પછી જે કાંઈ જોઈશું તે ઈશ્વરમય દેખાશે. બુદ્ધિને નહીં સમજાય, પરંતુ અનુભવ આવશે. સાક્ષાત્કારનો અર્થ છે – ચિત્તને જે ચિંતન દ્વારા માન્ય થયું તેનું આંખોથી દર્શન થવું. ચિંતનથી તો સમજાયું કે પ્રાણીમાત્ર એક છે ! પરંતુ આંખો વડે એવું દેખાવું પણ જોઈએ. કીડી ચાલી રહી છે તો ભગવાન ચાલી રહ્યા છે, એવું દેખાવું જોઈએ. માણસ, ગાય, ઝાડ, પથ્થર, આ બધામાં ભગવાન છે; આ જ્ઞાન પ્રાપ્ત કરવાની પહેલી જરૂરિયાત છે. જ્ઞાન પ્રાપ્ત થયું તો એક અવસ્થા પ્રાપ્ત થઈ, પરંતુ એનાથી પણ આગળ જવાનું છે. રામની મૂર્તિ સામે કોઈ ઊભું રહે છે તો એને એ મૂર્તિમાં રામનાં દર્શન થાય છે. પરંતુ માણસની મૂર્તિમાં રામનાં દર્શન નથી થતાં. એનો અર્થ છે કે સાક્ષાત્કાર નથી થયો. શ્રદ્ધાને કારણે એક સ્થળે આસ્થા બેસી ગઈ એટલે ત્યાં દર્શન થયાં. સાક્ષાત્કારનો અર્થ છે, સર્વત્ર ભગવદ-દર્શન ! આપણી આસપાસ આપણને વિવિધ પ્રકારનાં દર્શન થાય છે. ભાતભાતના સ્વભાવના લોકો હોય છે, સૃષ્ટિનાં પણ વિવિધ રૂપ હોય છે. એ સહુમાં ભગવાન ભરેલો છે, આવું દર્શન જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી આત્મસાક્ષાત્કાર નહીં થાય. પ્રત્યેક સ્થાનમાં રામને જુઓ. પર્વત જુઓ તો વિચારો કે स्थावराणां हिमालयः। નદી જોઈ, તો માનો કે स्रोतसामस्मि जाहृवी । ધીરે ધીરે બધે રામ દેખાય અને બધાં કામ રામની પૂજા બની જાય. जहँ जहँ डोलौं सो परिकरमा, जो कुछ करौ सो सेवा । આ પ્રકારે માણસને ભગવાનના દર્શન થવા જોઈએ. આસપાસની જેટલી સૃષ્ટિ દેખાય, તે બધામાં ભગવત-દર્શન થવું જોઈએ. સૃષ્ટિમાં જે પરમાત્મા ભરેલો છે, તેના ખુલ્લી આંખોએ દર્શન કરીએ.

ઈશ્વરની સૃષ્ટિ સર્વાંગસુંદર છે. ઈશ્વરીય રૂપ પ્રત્યેક ચીજમાં ઓતપ્રોત છે. કોઈ સીધોસાદો થાંભલો જોઈએ તો એમાં ઈશ્વરની સમતાના દર્શન થાય છે. કોઈ નકશીદાર સ્થંભ જોઈએ તો એમાં આકાશમાં ભાતીગળ ભરત ભરનારા પરમેશ્વર દેખાય. કોઈ કાપકૂપ કરેલા વ્યવસ્થિત ઉગાડેલા બાગમાં ઈશ્વરનું સંયમી રૂપ દેખાય છે, તો કોઈ વિશાળ વનમાં ઈશ્વરની ભવ્યતા અને સ્વતંત્રતાના દર્શન થાય છે. જંગલમાં પણ આનંદ મળે છે અને વ્યવસ્થિત બગીચામાં પણ. આનંદ બંનેમાં થાય છે, કારણ કે પ્રત્યેકમાં ઈશ્વરીય ગુણ પ્રગટ થયો છે. પરમેશ્વર સર્વત્ર જુદી-જુદી વસ્તુઓમાં જુદા જુદા ગુણો દ્વારા પ્રગટ થયો છે એટલે આપણને આનંદ થાય છે અને એ વસ્તુ પ્રત્યે આત્મીયતા પણ અનુભવાય છે. બાળકને જોતાં જ મા રાજીરાજી થાય છે. કારણ કે એ સંબંધને ઓળખે છે. આ રીતે દરેક વસ્તુ સાથે પરમેશ્વરનો સંબંધ જોડો. મારામાં જે પરમેશ્વર છે તે જ પેલી વસ્તુમાં પણ છે. આ રીતનો સંબંધ વધારવો એટલે જ આનંદ વધારવો. આનંદની બીજી કોઈ ઉત્પત્તિ નથી. બધા સ્થળે પ્રેમનો સંબંધ જોડો, પછી જુઓ, કેવો ચમત્કાર થાય છે ! પછી અનંત સૃષ્ટિમાં વ્યાપેલા પરમાત્મા અણુઅણુમાં દેખાશે. એક વાર આ દષ્ટિ આવી જાય, પછી શું જોઈએ ? પરંતુ આના માટે ઈન્દ્રિયોને ટેવ પાડવી જરૂરી છે. આપણી ભોગવાસના છૂટીને જ્યારે આપણને પ્રેમની પવિત્ર દષ્ટિ પ્રાપ્ત થશે, ત્યાર બાદ આપણને દરેક ચીજમાં ઈશ્વર દેખાશે. આપણી સમક્ષ ઊભેલી વ્યક્તિ, સમાજ કે સૃષ્ટિને આઘે ખસેડી ભગવાનના દર્શનની ઈચ્છા કરવી, એટલે આપણું પોતાનું જ નિરાકરણ કરવું. પછી તો આપણે આપણે જ રહેતાં નથી. એટલે ધ્યાનમાં રહે કે આપણે હરપળ સાક્ષાત ભગવદમૂર્તિ સાથે વહેવાર કરી રહ્યા છીએ. ઉપનિષદે ગાયું છે કે જ્યારે પ્રત્યેક સાક્ષાત્કાર અને પ્રત્યેક બોધ સાથે હરિબોધ થશે, ત્યારે સાચો સાક્ષાત્કાર થયો કહેવાશે.

આપણે કેવળ આપણા એક શરીરમાં જ નથી રહેતા, સૌ શરીરોમાં આપણે જ રહીએ છીએ, માણસોમાં, પ્રાણીઓમાં, વૃક્ષોમાં, બધે જ આપણે અને આપણે જ છીએ. સર્વત્ર પરમાત્મા વ્યાપેલો છે, આ અનુભવ આવ્યો તો સમજીએ કે આત્મસાક્ષાત્કાર, ઈશ્વરસાક્ષાત્કાર થઈ ગયો. ચાલતાં, ખાતાં-પીતાં, કામ કરતાં જે કોઈ સામે આવ્યું તે ઈશ્વરરૂપ જ છે, આવું થાય તો આત્મસાક્ષાત્કાર થયો. થાય છે શું ? આ અમારો મિત્ર છે ! એના પર આપણો વિશેષ પ્રેમ ! આ અમારો વેરી ! એના માટે દ્વેષ ! આ અમારો સાથી, આ અમારું કુટુંબ ! આપણા કુટુંબની ચિંતા આપણે કરીશું, બીજાના કુટુંબની ચિંતા બીજો કરશે. આ કાંઈ આત્મસાક્ષાત્કાર નથી. નાનકે થોડામાં કહી દીધું, सब महं रम रहिया प्रभु एकै – પરમાત્મા સૌના હૃદયમાં વિરાજમાન છે. ધ્યાનમાં રહે કે અંદર એક રોશની છે, એને પ્રજ્વલિત કરવાની છે. ઈશ્વરનાં ત્રણ રૂપમાં સાક્ષાત્કાર થાય છે – આમ જનતા રૂપે; વિશાળ પ્રકૃતિ રૂપે અને ત્રીજા, અંતર્યામી રૂપે. ત્રણે મળીને જ પરમાત્મ-સાક્ષાત્કાર પૂર્ણ થાય છે.

આપણે ઈશ્વરને ઓળખ્યા એવું ત્યારે જ મનાશે જ્યારે આપણામાંથી પોતીકા-પરાયાનો ભેદ મટશે. જેનામાં ઈશ્વરની ભક્તિ છે, એ કોઈને પારકા ન માની શકે. જે છે તે આપણું જ રૂપ છે. તમામ સંતોએ આ જ વાત કહી છે. નાનક કહે છે, बिसर गई सब तात पराई । जब ते साधु संगत मोहि पाई – જ્યારથી સાધુઓની સંગતમાં છું, ત્યારથી હે પિતા, હું તારો-મારો ભેદ ભૂલી ગયો છું. પ્રત્યેક ચીજની પાછળ જે મૂળતત્વ છે, એનું મહત્વ પિછાણીએ. એ જ ઈશ્વરદર્શન છે. એ સર્વવ્યાપી અને પૂર્ણ છે. સામે જે કાંઈ પણ દેખાય છે, તે ઈશ્વર જ છે. બાહ્ય આકારથી ઉપર ઊઠીને ભીતરના મૂળતત્વને ઓળખીએ. જે પરમાત્મા અંદર છે, તે જ બહાર છે. બહારનો પરમાત્મા આંખોમાં આવશે, અંદરનો પરમાત્મા ચિત્તમાં આવશે. બહાર જે પરમાત્મા છે, તેને खुले नैन पहिचानौं हंसि हंसि सुंदर रूप निहारौं । ભગવાન અંદર-બહાર સર્વત્ર છે, આંખોને દેખાઈ રહ્યો છે. પરંતુ આપણે કહીએ છીએ કે હું તો આંખો બંધ કરીને એને જોઈશ. આપણે ભગવાનને આપણી સામેથી દૂર ખસેડી દઈએ છીએ અને ક્યાંક અંદર નાંખી દઈએ છીએ. હકીકતે અંદર-બહાર એવો કોઈ ભેદ નથી. એટલે જ્યાં સુધી દ્વૈત રહેશે, ત્યાં સુધી તત્વદર્શન નહીં થાય. સર્વત્ર હરિ છે. આ વાતનો અભ્યાસ કરો. આપણને ન બહારનો ડર છે, ન અંદરનો. ડર તો આપણા ચિત્તમાં છે. એટલે પહેલાં તો ચિત્તને હઠાવો. અંદરનું ન હઠી શકે, ન બહારનું. હઠાવવાની ચીજ છે ચિત્ત. બહાર બ્રહ્મ છે, અંદર બ્રહ્મ છે, વચ્ચે ભ્રમ છે, ચિત્ત છે. ચિત્તથી મુક્ત થઈ ગયા કે વાત પૂરી થઈ.

સૌ ભૂતોમાં સામ્યદર્શન, આ જ ઈશ્વરદર્શનનો અર્થ સમજવો. ગીતાએ પણ કહ્યું છે કે જેનું ચિત્ત સામ્યમાં સ્થિર થયું, તે બ્રહ્મમાં સ્થિર થયો. સૌ ભૂતોમાં મને સંપૂર્ણતઃ સામ્યદર્શન થયું એવું નિશ્ચિતપણે ક્યારે સમજાય ? જ્યારે સૌ ભૂતો મારા તરફથી નિઃશંક, નિર્ભય બનશે ત્યારે. ગીતાએ ભક્તલક્ષણમાં કહ્યું જ છે, यस्मान नोद्विजते लोकः। ભગવદગીતના છઠ્ઠા અધ્યાયમાં યોગીના વ્યાપક આત્મદર્શનની અને વ્યાપક ઈશ્વરદર્શનની વાત બતાવી છે. વ્યાપક આત્મદર્શનમાં યોગી સૌ ભૂતોને આત્મામાં અને આત્માને સૌ ભૂતોમાં જુએ છે. અને વ્યાપક ઈશ્વરદર્શનમાં પોતાના સમેત સૌ ભૂતોને ઈશ્વરમાં ને ઈશ્વરને સૌ ભૂતોમાં જુએ છે. ઈશ્વર, ભૂત અને આત્માના એકત્વમાં એ સ્થિર થઈ જાય છે. ઈશ્વરદર્શનની આ પરિપકવ અવસ્થા છે. સર્વાત્મક ઈશ્વરનું આ દર્શન જેના જીવનમાં ખીલી ઊઠે, એના સંપૂર્ણ જીવનને ભક્તિનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એની પ્રત્યેક કૃતિ ઈશ્વર-ભજનરૂપ બને છે. એ ક્યાંય પણ રહે, ગમે તે રીતે રહે, ઈશ્વરમાં જ રહે છે. જેમ પાણીનું મોજું પાણીમાં જ રહે છે, એ જ રીતે એ ઈશ્વરમાં જ રહે છે. આવા ભક્તનું ખાવું, પીવું, બોલવું, બેસવું, બધું ઈશ્વરમાં જ થાય છે. એ ખાય છે તો પણ ઈશ્વર, પીએ છે તો પણ ઈશ્વર. સંજોગોવશાત જે કોઈ ભોગનો સ્વીકાર કરશે તે પણ ઈશ્વવરસ્વરૂપમાં સ્થિર થઈને કરાશે. એટલે યોગીના ભોગને પણ ભક્તિનું સ્વરૂપ આવે છે. ગંગાનું મોજું આવ્યું, એ મોજું પાણી પર જ રહે છે, એ જ રીતે યોગી ક્યાંય પણ હોય, કેવો પણ હોય તો ય તે ઈશ્વરમાં જ રહે છે. કોઈના પર ગુસ્સે થાય તો પણ તે ઈશ્વરમાં જ રહે છે. એનો ગુસ્સો પણ સામેની વ્યક્તિ સાથે તેની એકતામાંથી જ ઉત્પન્ન થાય છે. એ નિરંતર ઈશ્વરમાં જ વસે છે.

પરમાત્માનું દર્શન જુદી જુદી વ્યક્તિઓને જુદું-જુદું થઈ શકે છે અને એવું થવું અનિવાર્ય પણ છે. હું પરમાત્માનું એક રૂપ જોઉં છું, બીજો બીજું રૂપ જુએ છે, ત્રીજો ત્રીજું રૂપ જુએ છે. આ ત્રણેય મળીને જે છબી સામે આવે, તેમાં પરમેશ્વર-દર્શનનો એક ભાગ પ્રગટ થશે. ગુરુ નાનક, મીરાં, લલ્લેશ્વરી, કબીર જેવા ઘણા સંતો-ફકીરો થઈ ગયા. એમાંના દરેકને જે અનુભૂતિ થઈ, તે જરૂર એકબીજાથી જુદી થઈ, પરંતુ એકબીજાથી વિરુદ્ધ નહીં કહેવાય. તેઓ એકમેકનું અનુમોદન કરે છે. એમના અનુભવોનાં સરવાળો કરીશું તો પણ પરમેશ્વર-દર્શનનો એક અંશ, એક ભાગ જ મળશે અને તો ય ઈશ્વર તો બાકી જ રહેશે, કારણ કે એ બાકી રહેવાનો જ છે. પરમાત્મા કોઈ નાનકડી ચીજ તો છે નહીં કે આમતેમ જોઈને કહી શકાય કે આ જ એનું રૂપ છે. પોતે નક્કી કરેલું રૂપ જ ભગવાનનું રૂપ છે, એવું કોઈ કહી ન શકે. એટલે જે કોઈને ઈશ્વરનું દર્શન થયું એને પરમેશ્વરના એક અંશનું, તે પણ સાવ નાનકડા અંશનું દર્શન થયું, એમ કહી શકાય. પરંતુ એટલા અમથા જ્ઞાનથી જિંદગી સાવ બદલાઈ જાય છે. મતલબ કે એક જ ક્ષણમાં માણસ બદલાઈ જાય છે.

[ કુલ પાન : 264. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગલાજ માતાની વાડીમાં, હુજરાતપાગા, વડોદરા-390001. ફોન : +91 265 2437957.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous તેષાં દિક્ષુ – ભોળાભાઈ પટેલ
બેટા, તું મમ્મીને કેટલી ગમે છે ? – ડૉ. રાજેશ કામદાર Next »   

6 પ્રતિભાવો : ઈશ્વર સાક્ષાત્કાર – વિનોબા ભાવે

 1. Chintan Oza says:

  મને લાગે છે નિસ્વાર્થ પ્રેમ એક આવીજ કોઇ અવસ્થા છે જ્યાં માણસને ભગવદદર્શન ખુબ સરળતાથી થઈ શકે છે. લેખ ખુબજ સરસ છે, થોડો ગહન પણ લાગ્યો અને અમુક પોઈન્ટસ ૨-૩ વાર વાંચ્યા પછી સમજ આવ્યાં.

 2. Priti says:

  ખુબજ સરસ લેખ્,જેને શબ્દો મા વર્નન કરિ શક્ય તેમ નથેી.

 3. Manoj Parmar says:

  આ ખુબ સરસ લેખ્ છે, વાંચન ની માજા આવી.

 4. Vijay Manek says:

  Vinobajee was a saint,his Bhagvatgeeta pravachans are out of this world.As Greta says yat karosi yadsnasi…………(what ever you do,whatever you eat,drink , think of me and do it only for me)
  Jay shree Krishna.

 5. બહુ સરસ લેખ છે……
  એક વખત વિનોબા ભાવેની માતા દાન દેતા હતા તે જોઈને વિનોબા ભાવે કિધુ કે મા તુ જેને દાન દઇ રહી છે ખોટા વ્યકિત છે ત્યારે એમની માતાએ સરસ જવાબ દિધો હતો કે બેટા પરમાત્મા કયા સ્વરુપમા આવી જાય આપણે ખબર ના પડે ઈ ખોટા વ્યકિત બનીને પરમાત્મા પણ આવી જાય. આ પ્રસંગ વિનોબા ભાવે નાના હતા ત્યારનુ છે…….

 6. Arvind Patel says:

  ખુબ જ સુંદર લેખ છે. આપણે ઈશ્વર ને આપણી અંદર જ શોધવાના છે. ઈશ્વર સર્વત્વ છે. આ જગત જ ઈશ્વર નું સ્વરૂપ છે. આ જગત ખુબ જ સુંદર છે કારણ કે તે ભગવાન નું સ્વરૂપ જ છે. આપણે કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર પ્રેમ આપીએ અને પ્રેમ થી જીવીએ. એટલે ઈશ્વર ને ઓળખ્યા બરાબર જ છે. આપણે સારા તો દુનિયા સારી. આપણે સુધારી જૈયે, તો કોઈને ય સુધારવાની જરૂર નથી. કહેવાય છે ને કે સ્વર્ગ એટલે શું !! સ્વ તરફ ની ગતિ એટલે સ્વર્ગ. અંતર્મુખી થવું. આપણા માં રહેલ બુરાઈ ઓળખવી અને સુધારવી. નર માં નારાયણ બનવાની પ્રક્રિયા એજ સુંદર જીવન. સ્વર્ગ કે નર્ક કે મોક્ષ વગેરે માર્યા પછી નથી પણ આ જીવન દરમ્યાન જ છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.