હાસ્યથી રુદન સુધી (ભાગ-4) – નિર્મિશ ઠાકર

[ નિર્મિશભાઈના ‘હાસ્યથી રુદન સુધી’ પુસ્તકમાંની કેટલીક કૃતિઓ આપણે અગાઉ માણી હતી. આજે માણીએ વધુ બે કૃતિઓ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નિર્મિશભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@yahoo.com અથવા આ નંબર પર +91 9427504245 સંપર્ક કરી શકો છો. આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે તેની નોંધ લેશો. –તંત્રી.]

[1] ઉપરવાળો-નીચેવાળો

પોતાના સ્થાનને કારણે ઉપરવાળો હમેશાં સદ્ધર હોય છે, જેના પ્રતાપે નીચેવાળાના શ્વાસ અધ્ધર હોય છે ! તમે ફલેટમાં રહેતા હશો, તો જરૂર મારી સાથે સંમત થશો. મેં તો ફલેટમાં થતી ઉપરવાળાઓની કૃપા પરથી એક હાઈકુ પણ લખેલું, આ મુજબ….

ઉપરવાળાં
ખાંડે મરચાં, નીચે,
ખરતો ચૂનો !

તમારા ફલેટમાં જો ઉપલે માળે ભરતનાટ્ટયમ કે કથ્થક નૃત્ય થતું હશે, તો પણ તમારે ત્યાં ચૂનો ખરતો હશે અને અવાજની ધબાધબ તો નફામાં ! અમારા ઉપરવાળા પાડોશી પરશોતમભાઈને ત્યાંથી જે કચરો ફેંકાય છે, તે બરાબર અમારી ગેલેરીમાં જ આવી પડે છે.
‘આજે તમારે ત્યાં બટાટા-ડુંગળીનું શાક બન્યું છે ને ?’ મેં એકવાર પરશોતમભાઈને પૂછેલું.
‘હા, પણ તમને કેવી રીતે ખબર ?’ એમને નવાઈ લાગેલી.
‘ખબર તો પડી જ જાય ! તમે કચરા સાથે જે પ્રકારનાં છોતરાં અમારે ત્યાં નાંખ્યા છે, તે પરથી !’ મેં દાઝમાં કહેલું, પણ પરશોતમભાઈ તો મંદ મંદ સ્મિત વેરી રહ્યા હતા ! આવા સંજોગોમાં મને ગુરુત્વાકર્ષણના નિયમ પર પણ બહુ દાઝ ચડે છે. ના કામની વસ્તુઓ પણ નીચે જ આવી પડે છે ! આપઘાત કરવામાં પણ આ નિયમ બહુ ઉપયોગી છે, જો ફલેટના ધાબેથી કૂદો તો !

ગયે અઠવાડિયે હું ટ્રેનમાં નાઈટજર્ની (રાત્રિ-પ્રવાસ) કરી રહેલો, ત્યારે પણ મારા પર ઉપરવાળાની કૃપા થયેલી. ઉપરની બર્થ પર એક વિચિત્ર સજ્જન (?) સૂતા હતા. નીચે હું ગાઢ નિદ્રામાં હતો, ત્યારે મારા કપાળ પર એમની વોટરબોટલ અથડાયેલી અને હું લગભગ અડધો પલળી ગયેલો ! મારી ભડકીને ઉછળવાની અદા અને મારી દશા જોઈ સામેની સીટવાળા ભાઈ ખડખડાટ હસી રહ્યા હતા.
‘તમે શું જોઈને હસો છો ? આ કાંઈ હસવાની વાત છે ?’ મેં ગુસ્સે થઈ પૂછેલું.
‘આમાં તમે કશું ના કરી શકો, ટ્રેનમાં તો આવું જ હોય ! તમારે પેલું ગીત ગાવું જોઈએ….’ એ ભાઈએ કહ્યું.
‘કયું ?’
‘ઉપરવાલે તેરા જવાબ નહીં ! કબ દે, ક્યા દે, હિસાબ નહીં !’ એ ભાઈએ પછી ગાઈ બતાવેલું.

ઉપરવાળાને ત્યાં દેર છે અને અંધેર પણ છે ! બોલો, દાખલો આપું ? અમારા પરમમિત્ર મનસુખભાઈ ક્યારેય મનથી સુખી થઈ શક્યા નથી. (એ હિસાબે એમનું નામ મનદુઃખભાઈ હોવું જોઈએ !) એ ચાળીસી વટાવી ગયા, તોયે એમને ત્યાં પારણું બંધાયું નહોતું. એક જ્યોતિષીએ એમને કહેલું કે…. ‘તમારે ત્યાં એક પુત્ર થશે.’ ત્યારે મનસુખભાઈ જરાક સુખી જણાતા હતા, પણ એમની પત્નીએ એક સાથે છ બાળકીઓને જન્મ આપી, બધાં ગણિત ખોટાં પાડી દીધાં છે ! હાલ મનસુખભાઈને ત્યાં છ બાલિકાઓ કિલ્લોલ કરે છે, પણ મનસુખભાઈ તો ખર્ચાઓમાં ખેંચાઈને મેઘધનુષ જેવા થઈ ગયા છે ! કહેવાય છે ને કે ઉપરવાળો આપે છે, ત્યારે છપ્પર ફાડીને આપે છે ! (ફરી પેલું ગીત યાદ આવે છે. ઉપરવાલે તેરા જવાબ નહીં ! કબ દે, ક્યા દે, હિસાબ નહીં !) જેના હાથ નીચે સ્ટાફ કામ કરે છે, એ ઑફિસનો બૉસ ઉપરવાળો જ ગણાય. એનાથી નીચેવાળા હંમેશાં તંગ આવી ગયા હોય છે. ત્યાં નીચેવાળો ‘ગુડમોર્નિંગ’ કહે, તો એ ઉપરવાળો ઘડિયાળમાં જુએ છે !

હું મારી પત્નીના હાથ નીચે પતિ તરીકે કામ કરું છું, આજ લગી તો મને કોઈ યશ મળ્યો નથી ! એક આખી જિંદગી ઉપરવાળાની સેવામાં ચાલી જાય છે અને છેવટે આપણે ખરેખર ઉપર જવું પડે છે. ત્યાં પાછો વધુ એક ઉપરવાળો ‘ચિત્રગુપ્ત’ આપણા હિસાબ કરવા તૈયાર બેઠો હોય છે ! બોલો, શું કરીએ ?
.

[2] કવિ અને કાર

લેખના શીર્ષકમાં જે વિરોધાભાસ છે, તે જોઈ, આખલો લાલ રંગ જોઈ ભડકે, એમતમે ભડક્યા હશો ! કવિ અને કાર ? હાજી, કવિ અને કાર. ચમત્કારો આજેય બને છે ! થોડા વખત અગાઉ હું મારું ભવિષ્ય (?) જાણવા એક જોશીને ત્યાં ગયેલો.
‘કવિ છો ?’ જોશીએ વિશાળ ઝભ્ભા પર બરછટ નજર ફેરવતાં ભડકીને પૂછેલું.
‘જી, પણ તમને કેવી રીતે ખબર પડી ?’ મને આશ્ચર્ય થયેલું.
‘એ બધું પછી. ખિસામાં દક્ષિણા આપવા જેટલા પૈસા તો છે ને ?’ જોશી મહારાજે શરમછોડી ચોખવટ કરેલી.
‘જી, મારે મારું ભવિષ્ય જાણવું છે.’
‘ઘણું ખરાબ છે….’ એમણે કુંડળીમાં જોયા વિના જ કહી દીધું.
‘મારે વાહનસુખ છે ?’ મેં હિંમત કરીને પૂછી નાંખ્યું.
‘હમ્મ્મ… એમાં એવું છે કે તમારા નસીબમાં વાહન તો લખાયું છે, પણ એનાથી તમને સુખ નહીં મળે….’ એમણે મારી કુંડળીને આઘીપાછી કરીને કહ્યું.

‘બે પૈડેથી ચાર પૈડે જવામાં જોખમ ખરું ?’ મેં પૂછ્યું.
‘એટલે હાલ તમારી પાસે બળદગાડું છે અને ઊંટલારી જોઈએ છે, એમ ?’ એમને આંખો નચાવી.
‘શું મહારાજ તમેય તે જોક કરો છો ! મારી પાસે સ્કૂટર છે અને મારે કાર ખરીદવી છે…’ મેં સંકોચ સાથે કહ્યું.
‘તમે કાર ખરીદી શકશો ? કવિ થઈને આ કેવી વાત કરો છો ? જરા વ્યાવહારિક બનો !’ જોશીજીએ ભ્રમરો ઊંચી ચડાવી.
‘પણ મહારાજ, મારી પત્નીના જન્માક્ષરમાં કારનું સુખ લખાયેલું છે ! એ ભવિષ્યને સાચું પાડવા માટે પણ મારે કાર ખરીદવી પડશે….
‘કાયમની તકલીફને ના નોંતરો ! એમાં પેટ્રોલ કેવી રીતે પુરાવશો ?’ જોશીજીએ યક્ષપ્રશ્ન કર્યો.
‘એ પ્રશ્ન તો મારે તમને પૂછવાનો છે. જોશી તમે છો કે હું ?’ મેં અકળાઈને પૂછ્યું.
‘કવિ તરીકે તમારી આવકનો અંદાજ કાઢતાં….. જોશીજીએ વેઢા પર ગ્રહોની અંધાધૂંધીનું ગણિત માંડીને કહ્યું, ‘તમે મહિને એકાદ વાર તો પેટ્રોલ પુરાવી શકશો.’
‘હા, મહિને એકાદવાર તો અમે ઉપવાસ પણ કરીએ છીએ. સ્વાસ્થ્ય ખાતર !’ મારાથી બોલાઈ ગયું.
‘તો ઉપવાસને દા’ડે તમે પેટ્રોલ ભરાવી શકશો, ચાલશે ?’
‘જી મહારાજ, મહિને એક વાર કાર ચાલી શકે તોય ઘણું. મારે તો મારા સાસરે વટ પડવો જોઈએ, બસ !’ મેં હરખાઈને કહેલું.

પ્રિય વાચકમિત્રો, ભારતે એટલી પ્રગતિ કરી છે કે અહીંના કવિઓ (જો મરણિયા બને, તો મહિને એકાદવાર…) કાર ચલાવી શકે છે ! અહીં નવી મોટરસાઈકલ પિસ્તાળીસ-પચાસ હજારમાં મળે, પણ જૂની કાર લેવા જાવ તો પંદરથી વીસ હજારમાં મળી જાય છે ! (એ ભાવમાં કાર નહીં, પણ કારના આકારનું વિશાળ ડબલું મળે છે, જે મહિને એકાદવાર રોડ પર દોડી… સોરી ચાલી શકે છે ! જો કે કવિઓ માટે એ ખોટું નહીં !) ટૂંકમાં, આંગણે વસૂકી ગયેલી ભેંશ બંધાય, એમ અમારે ત્યાં કાર આવી ખરી ! આમ તો જેવી ધારણા હતી, એવું જ થયું છે. અમારી કારથી અમે થોડા વખતમાં જ ગળે આવી ગયા છીએ. આજકાલ કારને કારણે મારા માથેથી વાળ ખરતા જાય છે અને એની અસર મારી કવિતાઓ પર પણ પડી છે. મેં હમણાં એક આવો શે’ર લખ્યો છે કે : ‘ઝાંઝવાનાં જળ ભરો તોયે કવિ માટલાં ઉપર બુઝારાં જોઈએ !’

ઘરમાં માટલા પર બુઝારું મેલવા જેટલીયે પહોંચ ના હોય, અને કવિ ઝાંઝવાં જેવાં કાલ્પનિક સુખો (વાહનસુખ ?) પાછળ દોડતા ફરે, એ કેવું ? ખેર, સાસરે જેટલો વટ પાડવાનો હતો, એટલો પડી ગયો છે ! (કાર તો પોતાનું પોત પ્રકાશે જ ને !) શ્રીમતીજીના નસીબમાં જેટલું વાહનસુખ લખાયેલું, એટલું મળી ગયું છે. હવે અમારે કાર વેચવી છે ! ક્યારેક જ ઊપડે, અને ઊપડે ત્યારે હેલિકોપ્ટર જેવો અવાજ કરતી અમારી કારે તો મને ‘કારવાળા કવિ’ તરીકે અમારા વિસ્તારમાં જાણીતો કરી દીધો છે ! હવે આ કાર કોને બઝાડવી ?
‘નિમ્મેસભૈ, કોઈ મ્યુઝિયમમાં ભટકાડી ડેહો ટો કારના પૈહા વઢારે મલહે !’ ત્રિકોણ ચહેરાના માલિક ગનપટ હુરટીએ તો ટીખળ કરતાં મને કહેલું પણ ખરું. થયું છે એવું કે સાહિત્યપ્રેમીઓ પણ મારી આ કારામાં રસ લેતા નથી.

….છતાં હું આશાવાદી છું. કદાચ મારા કરતાં મારી આ કારનું ભવિષ્ય વધારે સારું હશે, એમ મને લાગે છે. ક્યારેક હું નહીં હોઉં, ત્યારે આ કાર મારા સ્મૃતિચિહ્નરૂપે પ્રખ્યાત બનશે, એવી મને દ્રઢ શ્રદ્ધા છે ! ‘નિર્મિશ ઠાકર જેવા પ્રખત કવિ આમાં ફરતાં !’ એમ કહી કદાચ આવનારી પેઢીઓ ગૌરવ લેશે, ત્યારે હું નહીં હોઉં, પણ મારી આ કાર તો હશેને ! એ વિચારે હું હાલ ગદગદ બની ગયો છું, એટલે આગળ નહીં લખી શકું.

[ કુલ પાન : 176. કિંમત રૂ. 90. પ્રાપ્તિસ્થાન : પાર્શ્વ પબ્લિકેશન. નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-380001.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “હાસ્યથી રુદન સુધી (ભાગ-4) – નિર્મિશ ઠાકર”

Copy Protected by Chetan's WP-Copyprotect.