ફ્લોરિડા ટાપુઓનો પ્રવાસ – ભાવેશ પટેલ

[ ‘ફલોરિડા ટાપુઓ’ના પ્રવાસનો આ લેખ રીડગુજરાતીને મોકલવા બદલ શ્રી ભાવેશભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આ તેમની પ્રથમ કૃતિ છે. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : bhavesh.mcts@gmail.com ]

[dc]આ[/dc]મ તો અમારો આ પ્રવાસ અમદાવાદના પ્રવાસની અવેજીમાં ગોઠવાયેલો એટલે શરૂઆતમાં થોડો ઉત્સાહ ઓછો હતો પરંતુ જેમ જેમ પ્રવાસ આગળ વધતો ગયો તેમ તેમ ઉત્સાહ પણ વધતો ગયો. ફ્લોરિડા રાજ્ય એ આમ તો અમેરિકાના છેક દક્ષિણમાં આવેલું છે, જેમ કે આપણું કેરળ. બીજા રાજ્યોની જેમ ફ્લોરિડામાં પણ ઘણા બધા શહેરો આવેલા છે પરંતુ મારા મત મુજબ ઓરલાન્ડો શહેર એ ફ્લોરિડાના કોઈ પણ ખૂણે ફરવાની શરૂઆત કરવા માટેનું ઉત્તમ સ્થળ ગણી શકાય.

આમા તો અમે આ પ્રવાસમાં ડિઝની, વોટર વર્લ્ડ, ક્લિયર વોટર, નાસા, માયામી એમ ઘણું બધું ફર્યા પરંતુ અમને જે સૌથી વધુ ગમ્યું તે સુંદર સ્થળનું નામ છે ફ્લોરિડા કીઈઝ – એટલે કે ફ્લોરિડા ટાપુઓનો સમૂહ. આ ફલોરિડા કીઈઝની શરૂઆત જગવિખ્યાત માયામીથી 15 માઈલ (અંદાજે 24 કિ.મી.) દક્ષિણમાં થાય. સ્થાનિક લોકોના કહેવા મુજબ આ ફ્લોરિડા કીઈઝમાં લગભગ 1700 ટાપુઓ આવેલા છે. અમે તો સવારે વહેલા જ કાર ડ્રાઈવ કરવાની શરૂઆત કરી દીધી કારણ કે અમે એવું સાંભળેલું કે આ રસ્તો બહુ જ રમણીય છે અને હકીકતમાં એમ જ જોવા મળ્યું. જેવી અમારી કાર યુ.એસ. હાઈવે નંબર-1 ઉપર પહોંચી કે તરત રસ્તાની બન્ને બાજુ રમણીય દશ્યોની શરૂઆત થવા લાગી. ક્યાંક ક્યાંક નાળિયેરીના ઝાડ તો ક્યાંક દૂર દૂર સુધી બસ વાદળી રંગનું સ્વચ્છ નિર્મળ પાણી. ક્યાંક તો એ પાણીમાં સુંદર મજાની નાની હોડીઓ. જાણે કોઈ જાણીતા ચિત્રકારે દોરેલું સરસ મજાનું ચિત્ર.

રસ્તામાં ક્યાંક નાનું શહેર આવે અને તમને પૃથ્વી પર હોવાનો અહેસાસ કરાવે. સુંદર મજાના રસ્તા પર કંઈક જાતભાતના લોકો, વસ્તુઓ અને પ્રાણીઓનો મેળાપ થાય. વળી રસ્તાની બાજુમાં કાર મૂકીને પ્રકૃતિને માણવાની વ્યવસ્થા તો ખરી જ. તમને ક્યાંક પાણીમાં સર્ફિંગ કરતાં તો વળી ક્યાંક સ્કીઈંગ કરતા સાહસવીરો કે વીરાંગનાઓ પણ જોવા મળે. આમ હરતાં-ફરતાં સાવ અચાનક જ એક અદ્દભુત માનવસર્જિત અજાયબી તમારી આંખો સમક્ષ આવી ચઢે. એ અજાયબી એટલે ‘સેવન માઈલ બ્રીજ’ (Seven Mile Bridge). આ પુલની લંબાઈ છે 6.79 માઈલ (10.93 કિ.મી.). આ પુલ એ બે ટાપુ ‘નાઈટ્સ કી’ (knight’s key) અને ‘લીટલ ડક કી’ (Little duck key) ને જોડવા બનાવેલ માનવસર્જિત નમૂનો છે. આ પૂલ દુનિયાના લાંબા પૂલોમાંનો એક ગણાય છે. આ બધું જોયા પછી એકવાર તો અહીં વસી જવાનું મન થયા વગર રહે જ નહીં.

હવે અમે પણ કારની ઝડપ વધારી દીધી હતી કારણ કે અમારે પણ વોટર સ્પોર્ટ્સની મજા માણવાની હતી. બાકીનું અંતર કાપીને અમે અમારા મુકામ ‘કી વેસ્ટ’ પહોંચ્યા. ત્યાં આમ તો અમે ત્રણ દિવસ રોકાવાનાં હતાં પરંતુ પાછળથી તો અમને ત્રણ દિવસ પણ ઓછા લાગ્યા ! કી-વેસ્ટ એ લગભગ માનવ વસ્તી ધરાવતો છેલ્લો ટાપુ છે. અહીંથી ક્યૂબા દેશ ફક્ત 90 માઈલ (140 કિ.મી.) દૂર છે. અમારે સૌ પ્રથમ તો ‘પેરાસેઈલિંગ’ (Parasailing) કરવા જવાનું હતું. અહીં ઘણી બધી જગ્યાએ પેરાસેઈલિંગ કરવાની વ્યવસ્થા છે પણ પહેલેથી સારી જગ્યાએ બુકિંગ કરાવી લેવું હિતાવહ છે. પેરાસેઈલિંગમાં ગાઈડ બોટમાં સુંદર મજાના વાદળી રંગના પાણીમાં મધદરિયે લઈ જાય છે અને પછી નાયલોનની છત્રીમાં પટ્ટાથી બાંધીને હવાઈ સફર કરાવે છે. આ એક રોમાંચક અનુભવ છે જે ખરેખર કરવા જેવો છે. જાણે કે આપણને પક્ષીની પાંખો ફૂટી હોય એમ લાગે છે. પેરાસેઈલિંગ દરમ્યાન ઉપરથી ફ્લોરિડા કીઈઝનો અદ્દભુત નઝારો જોવા મળે છે. હવામાં ઊડવાનો રોમાંચ માણીને અમે ઉપડ્યા સુંદર મજાનો નીલા રંગનો દરિયો ખેડવા. આ માટે અમે પહેલેથી જ યૉટ (Yacht)નું બુકિંગ કરાવેલું જ હતું. અહીં કી-વેસ્ટમાં ઘણી બધી જગ્યાએ તે મળી રહે છે. યૉટમાં ખાવા-પીવાની સુંદર વ્યવસ્થા હોય છે, ખાસ કરીને આપણા જેવા ગુજરાતીઓ માટે. આ ઉપરાંત આની સાથે તે લોકો તમને સ્નોરક્લિંગ અને કાયાકિંગની પણ સુવિધા આપે છે. આ યૉટ એટલે મૂળ તો આપણી સઢવાળી હોડી જ જોઈ લો. જો તમે નસીબદાર હોવ તો આ યૉટ જ્યાંથી ઊપડે છે ત્યાં તમને એકાદ મોટું ક્રૂઝ પણ જોવા મળી જાય. જો કે અમને તો આનો લહાવો મળ્યો હતો. અમારું યૉટ દરિયાના પાણીને ચીરતું ક્યારેક સડસડાટ તો ક્યારેક મંદ ગતિએ આગળ વધવા લાગ્યું હતું.

લગભગ 15-20 મિનિટ પછી યૉટ મધદરિયે થોભ્યું. અહીં અમારે સ્નોરક્લિંગની મજા માણવાની હતી. સ્નોરક્લિંગ એટલે આમ તો પાણીમાં ડૂબકી લગાવવા જેવું જ પરંતુ ડૂબકી લગાવ્યા પછીનો નજારો ખરેખર અદ્દભુત હોય છે. સુંદર મજાની રંગબેરંગી માછલીઓ તથા વિવિધ દરિયાઈ વનસ્પતિઓને જોતાં જ રોમેરોમમાં રોમાંચ જાગી ઊઠે છે. ક્યાંક વળી દરિયાઈ કાચબાનાં દર્શન પણ થઈ જાય. જો તમને તરતાં ન આવડતું હોય તો પણ સ્નોરક્લિંગનો આનંદ લઈ શકાય કારણ કે પાણી બહુ ઊંડું નથી હોતું અને યૉટ દ્વારા તમને બધી જ જરૂરી સાધનસામગ્રી તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. એકવાર તો આ અનુભવ કરવા જેવો ખરો ! સ્નોરક્લિંગ બાદ થોડો નાસ્તો કરીને અમે કાયાકિંગ કરવા માટે આગળ વધ્યા. એમાં પણ આપણા જેવા નવોદિતો ભાગ લઈ શકે છે. શરૂઆતમાં થોડું ડર જેવું લાગે છે કારણ કે જ્યાંથી કાયાકિંગ શરૂ કરવાનું હોય છે તે પાણીનો ભાગ સારા એવા પ્રમાણમાં ઊંડો હોય છે પરંતુ જેમ જેમ આગળ વધતાં જઈએ તેમ તેમ પાણીનું ઊંડાણ અને આપણો ડર – બંને ઓછા થવા લાગે છે. મુખ્યત્વે કાયાકિંગ એવી જગ્યાએ કરવામાં આવે છે કે જ્યાં મોટી હોડીઓ ન જઈ શકે, જેમ કે નાનાં-નાનાં ટાપુઓ. સાધારણ રીતે કાયાકમાં માત્ર 1 કે 2 વ્યક્તિ જ બેસી શકે છે તેથી તેની મદદ વડે ટાપુમાં ઘણે અંદર સુધી જઈ શકાય છે. અમે પણ સુંદરીવૃક્ષોથી ઘેરાયેલા એક ટાપુની આ રીતે મુલાકાત લીધી. આ કાયાકિંગ કરવામાં ખૂબ જ શ્રમ પડે છે એટલે કાયાકિંગ પતાવતાં જ અમને સૌને કકડીને ભૂખ લાગી હતી. યૉટ પર પાછા ફરતાં જમવાનું તૈયાર હતું. ફટાફટ જમીને પરવાર્યા ત્યાં તો સાંજના 5:00 વાગી ગયા. હવે અમારું યૉટ કિનારા તરફ પાછું ફરવા લાગ્યું. અમે મનોરમ્ય સૂર્યને આથમતો જોતાં જોતાં કિનારે પહોંચ્યા.

રાત પડતાંની સાથે જ કી-વેસ્ટ રોશનીથી ઝળહળી ઊઠે છે જાણે કે આપણા અમદાવાદનું લૉ-ગાર્ડન. ‘મેલોરી સ્ક્વેર’ અહીંનો ખૂબ જ જાણીતો વિસ્તાર છે. ત્યાં રાત્રીના ઝાંખા પ્રકાશમાં તમને જુદા જુદા ખેલ કરતા માણસો જોવા મળે. કોઈક ધારદાર તલવારના ખેલ કરતું હોય તો કોઈ એક પૈડાવાળી સાઈકલ ઉપર પોતાના કરતબ બતાવે તો કોઈક વળી કૂતરાં સાથે કોઈ ખેલ ભજવતા હોય. જાણે કે મેળો લાગ્યો ન હોય ! આ ખેલો પૂરા થતાંની સાથે જ બધો માનવમહેરામણ આવી ચઢે ‘ડ્યુવલ સ્ટ્રીટ’ પર. ડ્યુવલ-સ્ટ્રીટ એટલે લૉ-ગાર્ડનની આજુબાજુ જેમ નાની હાટડીઓ અને સંખ્યાબંધ પાથરણાવાળા હોય છે એવી જ જગ્યા. આપણને અહીં આપણા દેશની યાદ અપાવી દે છે ! અહીં સંખ્યાબંધ ખાણીપીણી અને આઈસ્ક્રીમની દુકાનો મળી રહે છે. આટલું બધું એક જ દિવસમાં આટોપીને થાકીને લોથપોથ થઈને અમે રાત્રે હોટલ પહોંચ્યા. બીજા દિવસની સુંદર શરૂઆત સાથે અમે જોવા નીકળ્યા અમેરિકાનો ‘સાઉથર્ન મોસ્ટ પોઈન્ટ’ (Southern Most Point). આ સ્થળ છેક દક્ષિણે આવેલું છે. અહીં તમને દુનિયાભરનાં સહેલાણીઓ મળી રહે છે. અહીં પણ દીવ કે ગોવાની જેમ તમને ઠંડા મીઠા નાળિયેરનો સ્વાદ માણવા મળશે.

આમ તો કી-વેસ્ટમાં આટલા જ મુખ્ય સ્થળો છે. એ પછીનો બાકીનો દોઢ દિવસ અમે દરિયા કિનારે બાળકો સાથે મોજમસ્તીમાં ગાળ્યો. આ અદ્દભુત સ્થળનો આનંદ માણતાં અને તેને મનમાં વાગોળતાં અમે બાકીનો પ્રવાસ પૂરો કરીને પરત ફર્યાં.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous હાસ્યથી રુદન સુધી (ભાગ-4) – નિર્મિશ ઠાકર
આજના દરેક પુરુષની એક કથા-એની વ્યથા – રીકીન શાહ Next »   

5 પ્રતિભાવો : ફ્લોરિડા ટાપુઓનો પ્રવાસ – ભાવેશ પટેલ

 1. Dipam says:

  સરસ ભાવેશ સર,

  દરેક વાચનાર ને ત્યા જવાનુ મન થાય એવુ સુપર આલેખન

  Keep it Up!!!

 2. Payal says:

  Very Nice. Keep it up….

 3. Nilesh Shah says:

  Very Good Article and Pictures.Thanks for sharing.

 4. nitin says:

  સુન્દર શબ્દચિત્ર .પ્રક્રુતિ ને જોવિ અને માણવિ તે અદભુત છે.આભાર્

 5. પ્રકાશ ગોસાઈ says:

  ખુબ જ સુંદર રીતે પ્રકૃતિ વર્ણન કરવા બદલ આભાર

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.