આજના દરેક પુરુષની એક કથા-એની વ્યથા – રીકીન શાહ

[ આપણો સમાજની એક મહત્વની સમસ્યા એ છે કે તે સમતોલ નથી રહી શકતો. સ્ત્રી-પુરુષ બંનેની સંવેદનાઓ અને સમસ્યાઓ અંગે વિચાર-વિમર્શ થવો જોઈએ. એની જગ્યાએ ‘પુરુષને વળી સંવેદના ?’ એમ કહીને વાતને હસી કાઢવામાં આવે છે. સાહિત્યની નૌકા તો લાગણીના વહેણમાં જ ગતિ કરે છે એટલે સ્ત્રીને કેન્દ્રમાં રાખીને લખવામાં આવતી વાર્તાઓ અને કથાઓના પુસ્તકોની અનેક આવૃત્તિઓ થતી રહે છે. આ સમયમાં પુરુષના મનોવ્યાપારને વ્યક્ત કરતી કૃતિ દીવો લઈને શોધવા જવું પડે તેમ છે. એકવીસમી સદીમાં ઘરની બહાર નીકળીને સ્ત્રીઓમાં જો સાહસ દ્વારા પૌરુષપણું આવ્યું હોય તો ઑફિસેથી વહેલા ઘરે આવીને ચા મૂકતા પતિમાં પણ કંઈક અંશે સ્ત્રીનાં ઉત્તમગુણો જરૂર આવ્યા હોવાં જોઈએ. આ બાબતો અંગે સ્વસ્થ ચર્ચા થવી જોઈએ. ગુજરાતી સાહિત્યમાં અત્યંત દુર્લભ કહી શકાય એવા આ વિષય પર તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘પુરુષ : એક સૅન્ડવિચ’ માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ગૂર્જર પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.-તંત્રી.]

[dc]એ[/dc]ક સુખી કુટુંબ, એક સુખી દંપતી. ઘરમાં એક દીકરી, આજના જમાનામાં પણ દીકરો હોવાની ઝંખના. માતાનું ફરીથી ગર્ભવતી થવું અને બસ, પછી શું ? ભગવાનના આશીર્વાદથી પુત્રનો જન્મ થવો. બસ, અહીંથી બધું શરૂ થાય. પપ્પા ઑફિસમાં કાયમ વ્યસ્ત રહે. મમ્મીઓ દીકરીઓને ડાન્સિંગ કલાસમાં લઈ જાય. છોકરી એટલે એને એકલી મુકાય નહિ. અને ઘરકામમાં વ્યસ્ત રહેવાથી દીકરો અને દીકરી એમ બંનેના શોખ પૂરા કરાય નહિ. અને વાત આવી અટકે ક્યાં ? જ્યાં-જ્યાં દીકરીના શોખ પૂરા કરવા જવાય, દીકરાએ ત્યાં-ત્યાં મમ્મીઓ સાથે જવાનું. ક્રિકેટ કોચિંગ માટે મા-બાપ પાસે સમય જ ના હોય. અને જેમ-જેમ દીકરો મોટો થતો જાય એમ-એમ એને ગળે એક જ વાત ઉતારવાની : બહેન તો પરણીને સાસરે જતી રહેવાની એટલે એને જેટલું કરો એટલું ઓછું.

ઘરમાં રિનોવેશન થાય, કેટલોગ્સ મંગાવવામાં આવે, આખોયે પરિવાર સાથે બેસીને ડિઝાઈન્સ નક્કી કરે. કોના રૂમમાં કયો કલર, કેવા પડદા વગેરે વગેરે. દીકરીનો રૂમ ગુલાબી થશે. પરીઓના દેશમાં હોય એવો. દીકરીને એનાં સપનાં સાકાર થતાં દેખાય. એવામાં દીકરો હરખમાં બોલી ઊઠે, મારો રૂમ બ્લ્યૂ, મારો રૂમ બ્લ્યૂ. એટલે એને એક જ વાક્ય સાંભળવાનું, હમણાં આટલા બધા ખર્ચાનું બજેટ નથી. તારા રૂમનો આવતી વખતે વિચાર કરીશું. દીકરીના, બહેનના બોલાતા દરેક વાક્યને મા-બાપ એક જ પળમાં ઝીલી લે. ભાઈ માટે તો જાણે પોતાનાં અરમાનોની કબર પર બંધાતો પોતાની જ બહેનનાં સપનાંનો મહેલ દેખાય. સાઈકલથી માંડીને રૂમ, નાનામાં નાનાથી મોટામાં મોટા ખર્ચાઓમાં દીકરાનો ક્યાંય સમાવેશ જ નહિ. દીકરો ક્યાંયે લિસ્ટમાં જ નહિ. નાની ઉંમરે એક વાર, બે વાર, વારંવાર આમ રિજેક્ટ થવાથી એને ઈન્ફિરિયારિટી કૉમ્પ્લૅક્સ આવી જાય. જ્યારે બીજી બાજુ માતા-પિતા એવું કહી ઉતારી પાડે તું તો બહુ જ જિદ્દી થઈ ગયો છે. કંઈ જ સાંભળતો નથી. પુત્રીનાં બોલેલાં વાક્યો સોનાનાં વાક્યો અને દીકરો જિદ્દી ?

આ પુસ્તક લખતાં-લખતાં ઘણા મિત્રો સાથે ચર્ચા કરી. લગભગ 98% લોકોની દશા અને વાર્તા સરખી જ હતી. વળી પુરુષની જાત એટલે રડવાનો પણ કોઈ જ હક નહિ અને જો રડે તો બાયલો, છોકરી જેવો ગણાય. અને કંઈ જ નહિ તો છેવટે મગરનાં આંસુ. પુત્રીને પાર્ટીમાં જવાનું હોય ત્યારે મા-બાપ એને મૂકવા જાય, પાર્ટી પતી જાય ત્યાં સુધી તેઓ બહાર ગાડીમાં બેસી રહે. દીકરાઓએ સાથે-સાથે જવાનું અને પાછળની સીટમાં સૂઈ જવાનું કાં તો પછી એને ઘરે એકલા સૂઈ જવાનું. અને જો ક્યારેક દીકરાએ પાર્ટીમાં જવું હોય તો…. તું જા, પણ જોજે, બહુ મોડું ના કરતો, દારૂ ના પીતો, સિગારેટ ના પીતો. અરે ! દીકરો શું બહાર જાય એટલે દારૂ-સિગારેટ પીવા જ થોડો જાય ? દીકરી માટે મા-બાપ સવારે 4 વાગ્યા સુધી પણ ગાડીમાં બેસી રહે અને જો દીકરો સવારે 4 વાગ્યે આવે તો તેને નામ મળે રખડેલનું. મા-બાપના કહ્યામાં જ નથી એવું સાંભળવું પડે.

દીકરીનાં લગ્ન થયાં એટલે જમાઈ પાસે એક જ અપેક્ષા રાખવામાં આવે, અમારી દીકરીનું ધ્યાન રાખજો, તે તેનું સર્વસ્વ છોડીને તમારું ઘર વસાવવા આવવાની છે. ક્યારેય એનો હાથ ના છોડતા. તમે તો અમારા દીકરા જ છો… અને બસ, પછી વાત ક્યાં સુધી પહોંચે ? ઘર મંડાય. શરૂ-શરૂમાં દરેક મૅરિડ લાઈફમાં કંકાસ થાય. સેટલ થતા પ્રૉબ્લેમ્સ નડે અને જો તે ઘડીએ જમાઈએ પત્નીની જગ્યાએ પોતાનાં માતા-પિતાનો સાથ આપ્યો, તો બસ પતી ગયું. જમાઈ ઢોર થઈ જાય. મા-બાપનો સાથ આપતાં માવડિયો કહેવાય. ત્યારે ભૂલી જાય કે તે જમાઈ છે અને તેને દીકરી પરણાવેલી છે. પારણાથી પાનેતર સુધીમાં પણ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે આજની તારીખમાં પણ દીકરીઓની મમ્મીઓ દીકરીના ઘરમાં માથું મારી તેનું ઘર તોડાવતી હોય છે અને આ તો થઈ જમાઈનું પાત્ર ભજવવાની વાત. બીજી બાજુ લગ્ન થયા પછી જો પુરુષ બૈરીનો સાથ આપે, તો તેનાં જ મા-બાપ તેને વહુઘેલાનું નામ દઈ દે. દીકરો પરણવાનો હોય તે પહેલાં જ ઘરમાં અમુક વાતો ફિક્સ થવા માંડે :

(1) એ નવી ઘરમાં આવે એટલે ઘેલા નહિ થઈ જવાનું.
(2) પોતાના સાસરે બહુ નહિ જવાનું, નહિતર કિંમત ઓછી થઈ જાય.
(3) બૈરીને કંટ્રોલમાં રાખવાની.
(4) ગમે તે હોય, એ તો બહારની જ કહેવાય. એને આપણા ઘરની બધી વાત ક્યારેય નહિ કરવાની.
(5) પોતાની કમાઈ એના પર નહિ લૂંટાવી દેવાની.
(6) ગમે તેવું હોય મા-બાપનો જ પક્ષ લેવાનો.

પુત્ર તરીકે મા-બાપનો પક્ષ લેવાનો અને જમાઈ તરીકે પત્નીનો. વ્યક્તિ એક જ. પણ પાત્ર બબ્બે. એમ કેમ ? આપણે એમ કેમ ભૂલી જઈએ છીએ કે નવી વહુ જ્યારે ઘરમાં આવે, ત્યારે સાસરિયાંએ તેને કમ્ફર્ટેબલ ફીલ કરાવવી જોઈએ. એની સાથે આપણે એડજસ્ટ થવાનું હોય, આપણે તો આપણા ઘરમાં જ છીએ પણ વહુ માટે એ જગ્યા નવી છે. જો માતા-પિતા પોતે સજોડે સુખી રહેતાં હોય તો પુત્રથી કેમ વહુની જોડે સુખેથી ન રહેવાય ? પત્ની શું બહારની કહેવાય ? જો આપણે પોતે જ જ્યાં સુધી એને નહિ અપનાવીએ ત્યાં સુધી એ કેમ કરી આપણા ઘરની થઈ શકશે ? ત્યાં બીજી બાજુ દીકરીને પણ લગ્ન પહેલાં અમુક સલાહ અપાતી હોય :

(1) સાસુની સાડાબારી ન રાખજે.
(2) કંઈ પણ થાય તો આપણું ઘર તો તારા માટે ખુલ્લું જ છે.
(3) વરને હાથમાં જ રાખજે.
(4) નણંદ તો નણંદ જ કહેવાય, એનું કંઈ કરવાનું નહિ.

અને આમ કદીયે ખતમ ના થતું લાંબુ લિસ્ટ. પણ અરે ? આ શું ? આપણું ઘર તારા માટે હંમેશાં ખુલ્લું જ છે ? જો તમે તમારું ઘર તમારી દીકરી માટે હંમેશાં ખુલ્લું જ રાખશો તો તે તેનું પોતાનું ઘર ક્યારે માંડશે ? આવી વાત કરતાં આપણે એમ કેમ સમજતાં નથી કે આ બધામાં મરો પુરુષનો જ થાય છે. એ પત્નીનું સાંભળે કે પછી મા-બાપનું ? એના કરતાં બધાં એક જ પરિવારમાં સંપીને કેમ ન રહી શકે ? આ બધામાં સૅન્ડવિચ કોણ થાય છે ? પોતાનો જ દીકરો, પોતાનો જ પતિ, પોતાનો જ જમાઈ.

પતિ ઑફિસે જાય એટલે પત્નીઓ પિયર જતી રહે. ખાસ કરીને અમદાવાદમાં આ બહુ જ રેગ્યુલર પ્રૅક્ટિસ છે. અને ભૂલથીયે એ જો ઘેર હોય તો બસ, સાસુ સાથે ઝઘડા અને એ પણ એ હદ સુધી કે કોઈક વાર પતિને ઑફિસેથી ઘેર પાછા આવવું પડે. જાણે કે મા અને વહુ વચ્ચે થતી પતિની ચટણી સૅન્ડવિચ. અને પછી ત્યાંથી એની તબદિલી થાય ચટણીથી આલુમટર સૅન્ડવિચમાં. ઘરના ઝઘડા સાચવવા જાય ઑફિસેથી ઘરે, બટેટાની જેમ બફાતો-બફાતો ઘેર ભાગતો અને બીજી બાજુ મળે ઑફિસવાળાઓને પંચાતનો મામલો. પુરુષ કમાવા જાય કે આ બધું કરે ? સૂડી વચ્ચે સોપારીની જેમ પિસાતો જ જાય, પિસાતો જ જાય અને જેવો ઘરમાં કંકાસ થાય એટલે પત્ની દોડે પિયર. શા માટે ? ચેન્જ માટે. અને પુરુષ ક્યાં જાય ? એ તો પોતાના જ ઘરમાં ગોંધાતો રહે, પિસાતો રહે, અને છતાંય એને સાંભળવાનું શું આવે ? હું તો હતી નહિ, જલસા કર્યા હશે. અત્યારનો કાયદોયે સ્ત્રીને જ સાથ આપે છે. વાંક જેનો પણ હોય, ભરણ-પોષણ તો પુરુષે જ સ્ત્રીને આપવાનું રહે. પછી ભલેને પત્ની કોઈ પરપુરુષ સાથે પણ નાસી જાય. આજના યુગમાં તો ઘણાય એવા કિસ્સા છે, જ્યાં પત્ની કોઈ બીજા સાથે ભાગી જાય અને સંતાનોને પણ પતિ પાસે મૂકી જાય, તોયે પતિએ એને ભરણ-પોષણ આપવું પડે. આવો છે આપણા સમાજનો કાયદો ! ઘણી એવી બૈરીઓ છે જે દેખાદેખી કરવા પોતાના પતિ પાસે ગદ્ધાવૈતરું કરાવે છે. આ બધાં કારણોને લીધે કેટલાક પુરુષોને 30 થી 40 વરસની ઉંમરે જ હાર્ટઍટેક આવતા હોય છે કે પછી તેઓ નાની ઉંમરમાં જ બ્લડપ્રેશર કે ડાયાબિટીસનો ભોગ બને છે.

અરે, ક્યારેક પોતાને પણ કોઈક વાર એની જગ્યાએ મૂકી જુઓ તો ખબર પડશે કે એની શી હાલત હોય છે. કેટલાક પુરુષો રૂમ બંધ કરીને ધ્રુસકે ને ધ્રુસકે રડતા હોય છે અને પત્નીનાં પિયરિયાંની ટણી કેવી ? જો તમે મારી દીકરીને પોતે લેવા આવશો તો જ એ પાછી આવશે. અને એ જ્યારે એને પાછી લેવા જાય એટલે પતી ગયું. સાસરિયાં જમાઈને ધોઈ નાખે. તમારે ત્યાં મારી દીકરીએ દુઃખ જ જોયું છે, તમારી મા સાવ આવી છે, તેવી છે…. આમ આમ કરતાં માંડ-માંડ પત્ની ગાડીમાં બેસે. અને હજુ તો આ બધું પતિના ગળે પણ ન ઊતર્યું હોય અને ગાડીમાં બૈરી ધોઈ નાખે. રીતસરની દાદાગીરી કરે. હવે વળી પાછું કંઈક થશે તો હું કાયમ માટે પિયર ચાલી જઈશ, ક્યારેય પાછી નહિ આવું. તું રહેજે તારાં મા-બાપ જોડે. મને મારાં મા-બાપ આખી જિંદગી રાખવા તૈયાર છે, હજી તેઓ હયાત છે. મને કોઈની સાડાબારી નથી. અને એ તો હજુ ગળે અટક્યું હોય અને પહોંચે પોતાને ઘરે એટલે એના જ પરિવારવાળા તૂટી પડે. જઈ આવ્યો, બાયલા ? લઈ આવ્યો પેલી ને ? એ ત્યાં જ પડી રહી હોત તો ચાલત. એના આવવાથી ઘરનું સત્યનાશ વળી ગયું છે. એ નથી હોતી ત્યારે જ આ ઘરમાં શાંતિ જળવાય છે. અરે ? જો પુત્રવધૂ જ એના પિયર રહેશે તો તમારા દીકરાનું ઘર ક્યારે મંડાશે ?

આ બધી રામલીલા હજુ તો એના મગજમાં ચાલતી હોય અને યાદ આવે કે હું તો ઑફિસ છોડીને આવ્યો છું, એટલે ભાગે ઑફિસે….. અને ઑફિસમાં જેવો પગ મૂકે એટલે લોકોની પંચાત શરૂ : હેં ? ઘરે બધું બરાબર છે ને ? શું કર્યું ભાભીએ ? કેમ દોડવું પડ્યું ? એ માણસનો આખોયે દિવસ કેવો પસાર થયો હશે એની કોઈનેય ચિંતા ન હોય, કોઈનેય પડી ન હોય. ઑફિસમાં તે ટાણે કંઈક આમતેમ થઈ જાય એટલે બૉસ તૂટી પડે. ઘરના ટેન્શન ઘરમાં જ મૂકીને આવો. ઘરે પાછો જાય એટલે પત્નીનું મોઢું આમેય ફૂલેલું હોય. એને જવું હોય બહાર ફ્રેશ થવા. તૈયાર જ બેઠી હોય. એટલે એને લઈને જવાનું આંટો મારવા. પતિને આખો દિવસ પછી ઘરે આવવાનું, ઘરમાં ઘૂસ્યા વગર આંટો મારવા જવાનું અને હજી તો ફ્રેશ પણ ન થયો હોય અને બેસી જવાનું જમવા. કેમ ? કારણ કે નોકરનો સમય સાચવવાનો હોય. રસોડું સમેટાઈ જાય એ વાતની ખાસ કાળજી લેવાય. પત્નીને પતિની ચિંતા જરાયે ન હોય. બસ, નોકરનું રૂટિન ડિસ્ટર્બ ન થવું જોઈએ. નોકર કે રસોઈયાને ખોટું લાગી જશે તો નહિ ચાલે. અહીં વળી પાછો મરો કોનો ? પુરુષનો, ઘરના જ પુરુષનો. જેની કમાઈએ જ નોકર અને રસોઈયા રખાતા હોય.

આ દરેક પરિસ્થિતિ એક જ બાજુ આંગળી ચીંધે છે. પુરુષનો સૅન્ડવિચ બને જ છૂટકો. ચૂપચાપ બધું જ સહન કરવાનું. અને સમાજનો કહેવાતો સ્ટ્રોન્ગર સેક્સ એટલે રડવાની પરવાનગી પણ નહિ. બધી જ ભાવનાઓ અંદર જ રાખવાની અને એની અસર પડે કોના પર ? એની તબિયત પર.

હકીકતના રૂપમાં ખ્વાબ બનતું ગયું,
જાણે એ વદન કિતાબ બનતું ગયું !
એણે કહ્યું આ પાણી ખૂબ મીઠું લાગે છે,
બસ, પછી મારાં આંસુઓનું તળાવ બનતું ગયું.

[કુલ પાન : 96. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

19 thoughts on “આજના દરેક પુરુષની એક કથા-એની વ્યથા – રીકીન શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.