કમ્પ્યૂટરનો પરિવાર – કાન્તિ મેપાણી

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]

[dc]મા[/dc]ણસના હાથમાં કમ્પ્યૂટર આવ્યું અને એના હાથમાંથી ચોપડી ધીરે ધીરે નીચે સરકવા માંડી. 2002માં કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે કમ્યૂટર આટલું જલદી ચોપડીને વિદાય આપી દેશે અને પોતે ચોપડીની જગ્યા લઈ લેશે.

અમેરિકાના બે પ્રમુખ પુસ્તકવિક્રેતાઓ બાન્સ ઍન્ડ નૉબલના અને ઍમેઝોન – એ બંને એકબીજાની હરીફાઈમાં ઊતર્યા. ઍમેઝોને ચોપડીની જગાએ KINDLE કિન્ડલ નામનું ડિજિટલ રીડર બનાવ્યું અને ચારસો ડૉલરમાં બજારમાં વેચવા માંડ્યું. એની મર્યાદા એ હતી કે એમાં માત્ર ભૂખરો રંગ જ દેખાતો. એની સામે બાન્સ ઍન્ડ નૉબલે NOOK નૂક નામનું ડિજિટલ રીડર બનાવ્યું. એમાં ઝાઝા રંગ દેખાતા અને એની કિંમત હતી બસો ડૉલર. આટલી ઓછી કિંમતમાં તમને સંખ્યાબંધ પુસ્તકો ઘેરબેઠાં વાંચવા મળે. આ તો ‘ઘેરબેઠા ગંગા’ જેવી વાત થઈ. હવે કોણ જવાનું હતું ચોપડીઓની દુકાને ?

ડિજિટલ રીડરનું બીજું નામ e-READER ઈ-રીડર. એનાથીય વધારે સવલતવાળું આવ્યું e-Book ઈ-બુક. એમાં તમે પુસ્તકનાં પાનાં આગળ પાછળ કરી શકો, ગમે તે પાના પર વાંચવાનું બંધ કરી બુક માર્ક મૂકી શકો. આટલી બધી સગવડતા તમને પુસ્તકની ખોટ સાલવા નહિ દે એમ મનાય છે. બાન્સ ઍન્ડ નૉબલ અને ઍમેઝોન પોતાનાં ઉપકરણોમાં સુધારા વધારા કરતા રહે છે. એની કિંમત ઘટાડતા જાય છે. આ ઉપકરણની કિંમત ઘટીને વીસ ડૉલર સુધી પહોંચી જાય તો નવાઈ નહિ. આ સ્પર્ધામાં કમ્યૂટરનું જનક APPLE એપલ હાથ જોડીને બેઠું બેઠું તાલ જોયા કરે એ તો બને જ નહિ. એણે i-PAD આઈ પેડ બનાવ્યું. અત્યાર સુધી ઈ-રીડર અને ઈ-બુકમાં માત્ર ચોપડીઓ જ વાંચી શકાતી હતી, પણ એપલના આઈપૅડમાં માત્ર ચોપડીઓ જ નહિ, છાપાં અને સામાયિકો પણ વાંચી શકાય છે. મોબાઈલ ફોન તરીકે એનો ઉપયોગ થઈ શકે છે અને કૅમેરા તરીકે એ ખપ લાગે છે. આવું બહુરૂપી સાધન લોકપ્રિય થયા વગર રહે ખરું ? એપલ કહે છે કે માત્ર એંસી દિવસમાં એણે ત્રીસ લાખ આઈ પૅડ વેચ્યાં છે. આમાં ડિજિટલ રીડર બનાવનારાઓનો ગજ ક્યાં વાગવાનો હતો ?

NICHOLAS NEGROPONTE- નિકોલસ નેગ્રોપોન્તે ડિજિટલ ઉપકરણોનો આર્ષદષ્ટા. એણે એક પ્રકલ્પ શરૂ કર્યો. એનું નામ ONE LAPTOP PER CHILD વન લૅપટોપ પર ચાઈલ્ડ. 2012 સુધીમાં દુનિયાનાં ગરીબ-તવંગર બધાંય બાળકો પાસે કમ્પ્યૂટર હોવું જોઈએ. આ છે એના પ્રકલ્પનું લક્ષ. કમ્પ્યૂટર સહુને મળી રહે, સહુને પોષાય એવી કિંમતે એને વેચવા માટે એની નવી નવી આવૃત્તિઓ બહાર પડી રહી છે. લૅપટોપથી નોટબુક અને નોટબુકમાંથી NET BOOK નેટબુક – નાની સાઈઝમાં કમ્યૂટર બહાર પડવા માંડ્યા છે અને 2012માં તો કમ્પ્યૂટર એકસો ડૉલર જેવી નજીવી કિંમતે બજારમાં મળતાં થઈ જશે એવી અપેક્ષા રખાય છે. નેટબુક કદમાં નાનું અને વજનમાં હલકું છે. એને ગમે ત્યાં હેરવવા ફેરવવામાં જરાય અગવડતા પડતી નથી. નિકોલસ નેગ્રોપોન્તેની સંસ્થા સ્લેટ જેવું પાતળું કમ્પ્યૂટર તૈયાર કરી રહી છે. એ પ્લાસ્ટિક જેવું અનબ્રેકેબલ હશે અને ઓછામાં ઓછી ઊર્જા વાપરશે. આમતેમ હલાવીને એની બેટરી ચાર્જ કરી શકશે એટલે ઑટોમેટિક ઘડિયાળ જેવું, દેખાવમાં એ આઈ પેડ જેવું જ લાગશે. અને નિકોલસ નેગ્રોપોન્તે એને આવતા વર્ષે એકસો ડૉલરમાં વેચવા ધારે છે.

કિન્ડલ અને નૂક બનાવનારા એમ કહે છે કે એમનું ઉપકરણ વાપરવા માટે કમ્પ્યૂટરનીય જરૂર નથી જો તમારા ઘરમાં વાયરલેસ કનેકશન હોય તો તમે કમ્યૂટર વગર પણ નૂક કે કિન્ડલ વાપરી શકો છો. કેટલીક વાતો ગાંડાં કાઢવા જેવી પણ સાંભળવા મળે છે. એક વૈજ્ઞાનિક એમ કહે છે કે તમે CHIP ચિપ બનાવીને નેત્રપટલમાં મૂકો તો તમારે ઈ-રીડર વસાવવાનીય જરૂર નહિ. એક નિષ્ણાત એવું કમ્પ્યૂટર બનાવવા માગે છે કે જેને છાપા કે મૅગેઝિનની જેમ વાળીને તમે તમારા ખિસ્સામાં કે પાકીટમાં મૂકી શકો. અમેરિકાના સંરક્ષણ ખાતાને આવા કમ્યૂટરમાં સારો રસ જાગ્યો છે. એનું કારણ એ છે કે એ અનબ્રેકેબલ અને બીજું એનો સ્ક્રીન ફલેક્ષીબલ છે. એની આ વિશિષ્ટતાને લીધે એ રણભૂમિ પર વાપરવું સહેલું છે. જો કે અત્યારે તો આ માત્ર કલ્પના છે, પણ એના આયોજકોની ધારણા છે કે આવતાં પાંચ વર્ષમાં આ કલ્પના સાકાર થઈ જશે અને ત્યારે અમેરિકાના સૈનિકો પાસે એવું ઉપકરણ હશે જે એમને લડવામાં આડકતરી રીતે મદદરૂપ થશે.

પુસ્તકોના પ્રકાશકો શાણા છે અને પુસ્તકોના વાચકો ભાગ્યશાળી છે કે પુસ્તકોના પ્રકાશકો ઈ-બુક મારફત જગતના સાહિત્યની ઉત્તમ કૃતિઓ એમના હાથમાં મૂકે છે. અત્યારની ઈ-બુકની કામગીરી જોતાં એમ લાગે છે કે ઈ-બુકનું વાંચન એક સામૂહિક અનુભૂતિ બનશે. એમાં તમે તમારા મિત્રો, સ્વજનો સાથે તમે વાંચેલી વાર્તા, કવિતા, નાટક, ઈતિહાસ, ભૂગોળ કે વિજ્ઞાનની વાતોની આપ-લે કરી શકો. એમને ગમેલું તેઓ તમને મોકલે અને તમને ગમેલું તમે એમને મોકલો. જ્ઞાન અને આનંદનો કેટલો સુંદર વિનિમય. ઑક્સફૉર્ડ યુનિવર્સિટી પ્રેસના ઉપપ્રમુખ કહે છે કે ઈ-બુક અને ઈ-રીડરનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે પ્રશ્ન એની કિંમતનો નથી. જે પ્રશ્ન છે તે એના વિતરણનો છે. આ ઉપકરણોનું વિતરણ કરતા બુકસ્ટોર્સ આ વિતરણનું સંચાલન કેવી રીતે કરશે તેનો છે. અને એ પ્રશ્નના ઉકેલ પર આધાર રાખે છે આ ઉપકરણોની સફળતા અને નિષ્ફળતા.

કમ્પ્યૂટર અને એની વિવિધ શક્તિઓ વિષે આટલું જાણ્યા પછી આપણને લાગે કે પુસ્તકો, છાપાંઓ અને સામાયિકોનો યુગ હવે આથમી રહ્યો છે, પણ એવું એકાએક બનવાનું નથી. માણસને સદીઓથી છપાયેલા અક્ષર સાથે મહોબત બંધાયેલી છે એ એટલી જલદી તૂટશે નહિ. કાગળ પર છપાયેલા અક્ષર વિના માણસની જ્ઞાનની ભૂખ કમ્પ્યૂટર અને એનાં ઉપકરણો કેટલી સંતોષી શકશે એના પર આ અખતરાની સફળતાનો આધાર છે. તાત્કાલિક તો કાગળ બનાવતાં કારખાનાં, કાગળ પર અક્ષર છાપતાં કારખાનાં અને એ છપાયેલા અક્ષરનું વેચાણ કે વિતરણ કરતી પ્રકાશનસંસ્થાઓ અને પુસ્તકાલયો બંધ થવાનાં નથી. અત્યારે તો એમ લાગે છે કે આ ધરતી પર હરીફરી રહેલા માણસને કાગળ પર છપાયેલા અક્ષર વિના ચાલશે નહિ.

જેવી રીતે પૃથ્વી પર માણસની વસ્તી વધી રહી છે એવી રીતે કમ્પ્યૂટરનો પરિવાર વધી રહ્યો છે. કિન્ડલ, બુક, ઈ-રીડર, ઈ-બુક, આઈ પૅડ એ બધાં કમ્પ્યૂટરનાં સંતાનો છે. એનાં પોતરાં, દોહિત્રાં છે. એ બધાંય કમ્પ્યૂટરની જેમ જ માણસનાં સાથી બનીને માણસની સાથે રહેવાનાં છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “કમ્પ્યૂટરનો પરિવાર – કાન્તિ મેપાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.