[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર. આપ આશાબેનનો (વલસાડ) આ નંબર પર +91 9428541137 સંપર્ક કરી શકો છો.]
[dc]અ[/dc]ચાનક જ દિલ્હીના વેપારીને મળવાનું ગોઠવાયું. મુંબઈથી દિલ્હીનો લાંબો પ્રવાસ એકલા એકલા કરવાનો કંટાળો તો આવતો હતો પણ શું થાય ? છાપાં-મેગેઝીન વાંચવામાં થોડો સમય તો કાઢ્યો, પછી આજુબાજુ નજર કર લાગ્યો. સામેની બર્થ પર બેઠેલા 80-85 વર્ષના લાગતા વડીલે મારી સામે જોઈને માયાળુ સ્મિત કર્યું અને પૂછ્યું, ‘એકલા જ છો ?’ મેં હકારમાં ડોકું ધુણાવ્યું. વળી પાછું હસીને એમણે કહ્યું, ‘હું પણ એકલો જ છું. ચાલો, એકસે દો ભલા.’
પછી તો દાદાએ ધર્મ, રાજકારણ, ક્રિકેટ, વેપાર-ધંધા એવા કેટલાય વિષયો પર વાતો કરવાનું શરૂ કર્યું. ભલે આટલી ઉંમર હોય પણ એમની વાત કરવાની ઢબ રસ પડે એવી હતી. વળી દરેક વિષયનું એમને સારું એવું જ્ઞાન હોય એવું પણ જણાઈ આવતું હતું. મુસાફરીમાં બધાને જ ટાઈમ પાસ કરવો હોય એટલે ધીમે ધીમે આજુબાજુના મુસાફરો પણ અમારી વાતમાં જોડાતા જતા હતા. થોડી વારમાં જ મને ખ્યાલ આવ્યો કે, દાદા પાસે કહેવતોનો ભંડાર હતો. જે પ્રસંગની તેઓ વાત કરતા હોય એને અનુરૂપ કહેવાત કે ઉક્તિઓ અનાયાસ જ એમની વાતોમાં આવી જતી.
‘ચાય, ચાય, ગરમ મસાલેદાર ચાય….’ કરતો ચા વાળો છોકરો નીકળ્યો. એને મેં કહ્યું, ‘દો ચાય દેના.’ મેં અને દાદાએ ચા પીધી અને હું પૈસા આપવા ગયો ત્યારે મેં જોયું કે, મારી પાસે જે એક પાંચ રૂપિયાનો સિક્કો હતો એ તદ્દન કાળો પડી ગયેલો અને વજનમાં સાવ હલકો હતો. હું બારીમાંથી એ સિક્કો ફેંકવા જતો હતો ત્યાં દાદાએ મને રોક્યો.
‘ફેંકશો નહીં. રાખી મૂકો ભાઈ, સંઘર્યો સાપ પણ કામ લાગે.’
‘શું દાદા તમે પણ ! આ ખોટો સિક્કો વળી શું કામ લાગવાનો ?’
‘જુઓ ભાઈ, એવું કહેવાય છે કે, ક્યારેક ખોટો સિક્કો અને નાલાયક બેટો પણ તમને બચાવી લેતા હોય છે.’ દાદાની વાત સાંભળીને મને રમૂજ થઈ. મેં કહ્યું :
‘આવી બધી વાતો કહેવતોમાં જ હોય દાદા. હકીકતમાં કંઈ આવું થોડું હોય ?’ થોડી પળો માટે દાદા કંઈક વિચારમાં ખોવાઈ ગયા હોય એવું લાગ્યું. પછી હસતાં હસતાં એમણે પૂછ્યું :
‘એ કહેવતને અક્ષરશઃ સાચી પાડનાર મારા અનુભવની વાત સાંભળવી છે ?’
‘હા, હા, ચોક્કસ.’ મેં ઉત્સાહથી કહ્યું. સાથી મુસાફરો પણ કાન માંડીને સાંભળવા લાગ્યા.
‘જ્યારે હું બાવીસ-પચીસ વર્ષનો હતો ત્યારની આ વાત છે. મારા વતન સિયાલકોટથી મારે લાહોર જવાનું થયેલું. છ કલાકની, થકવી દે એવી ટ્રેનની મુસાફરી કરીને લાહોર પહોંચ્યો ત્યારે કકડીને ભૂખ લાગેલી. સ્ટેશનની નજીકમાં જ એક હોટેલ શોધી કાઢી. હોટેલમાં જઈને થાળીનો ઓર્ડર આપ્યો. નિરાંતે પેટ ભરીને જમ્યા પછી પૈસા ચૂકવવા માટે જ્યાં ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે ખબર પડી કે, ખિસ્સું તો કપાઈ ગયેલું.’
‘આ તો ભારે થઈ દાદા ! પછી તમે શું કર્યું ?’ એક જુવાનિયાએ પૂછ્યું.
‘હું તો એકદમ મૂંઝાઈ ગયો. આ અજાણ્યા શહેરમાં હોટેલના પૈસા શી રીતે ચૂકવું. મેં લેંઘાનું બીજું ખીસું, કફનીનાં ખિસ્સાં બધું ફંફોસ્યું તો એક રૂપિયાનો સિક્કો મળ્યો તો ખરો પણ ખોટો.’
‘ધારો કે સિક્કો સાચો હોત તો યે એક રૂપિયામાં શું થાય ?’ મેં કહ્યું.
‘ના ભાઈ, ત્યારે તો ઘણી સસ્તાઈ હતી. ચાર આનામાં થાળી મળતી.’
‘જાવ જાવ દાદા, તમે મજાક કરો છો. ચાર આનામાં વળી થાળી મળતી હશે ?’
‘આજે તમે ભલે ન માનો પણ હું 60-62 વર્ષ પહેલાંની આ વાત કરું છું. મારી પાસે બીજો કોઈ ઉપાય નહોતો એટલે મને થયું, નસીબ અજમાવી જોવા દે. વાગ્યું તો તીર નહીં તો તુક્કો. હોટેલમાં એટલી બધી ભીડ હતી કે, કાઉન્ટર પર બેઠેલા માલિકે મારી પાસેથી જોયા વગર જ ખોટો સિક્કો લઈને ટેબલના ખાનામાં મૂકી દીધો ને ઉપરથી મને બાર આના પાછા આપ્યા તે જુદા.’ દાદાની આ વાત સાંભળીને અમે સૌ હસી પડ્યા.
‘હવે સાંભળો કહેવતનો બીજો એટલે કે, નાલાયક બેટાવાળો ભાગ. મારા બે દીકરાઓ સાવ નાના હતા ત્યારે એમની મા ગુજરી ગઈ. મેં ફરી લગ્ન ન કર્યાં અને એકલે હાથે છોકરાઓને મોટા કર્યા.’
‘તમારા બંને દીકરાઓ શું કરે છે દાદા ?’ મને જાણવાની ઈંતેજારી થઈ.
‘એ જ વાત કરું છું. મારો મોટો દીકરો પહેલેથી ભણવામાં ખૂબ હોંશિયાર. મેં ખૂબ મહેનત કરીને, ખેતર ગીરવે મૂકીને એને ડૉક્ટર બનાવ્યો પણ નાનો દીકરો સાવ મોજીલો. ભણવામાં જીવ લાગે નહીં. જેમતેમ મેટ્રીક પાસ થયો. એની ગેરહાજરીમાં હું એને માટે હંમેશા, ‘નાલાયક, બેજવાબદાર’ એવાં વિશેષણો વાપરતો. આજે દસ વર્ષ થયાં, મોટો દીકરો અમેરિકા જઈને વસી ગયો છે. અમેરિકન છોકરીને પરણ્યો છે અને મેં એને માટે જાત ઘસી નાખી એ વાત સાવ જ ભૂલી ગયો છે.’ વાત કરતાં કરતાં દાદાનું મન ભરાઈ આવ્યું. મેં એમને પાણી આપતાં પૂછ્યું :
‘અને તમારો નાનો દીકરો ? હજીય એ કંઈ કામકાજ નથી કરતો ?’
‘એની જ વાત કરું છું. ભલે એ ભણ્યો નહીં પણ મશીનો સાથે કામ કરવામાં એને બહુ રસ પડતો. સ્કૂટર અને મોટરના પાર્ટ્સ ઝીણવટથી જોતો ને બગડેલાં વાહન રીપેર કરવાની મહેનત કર્યા કરતો. એમ કરતાં કરતાં આજે એ ધમધોકાર ચાલતા ગેરેજનો માલિક બની ગયો છે. આ બધું કરવામાં એણે કોઈ દિવસ, મારી કોઈપણ પ્રકારની મદદની અપેક્ષા રાખી નથી. એણે શૂન્યમાંથી સર્જન કર્યું છે એમ કહીએ તો ચાલે. એના હાથ નીચે દસ મીકેનીક કામ કરે છે. એના ગેરેજ આગળ ગાડીઓની લાઈન લાગે છે.’
‘એ બધું બરાબર. પણ દાદા, એ તમારું ધ્યાન રાખે છે કે નહીં ?’
‘અરે, એ અને એની ગુણિયલ પત્ની મારો પડ્યો બોલ ઝીલે છે. મોટા દીકરાને ડૉક્ટર બનાવવાની ધૂનમાં મેં એની તરફ પૂરતું ધ્યાન ન આપ્યું અથવા એને અન્યાય કર્યો એવો કોઈ રંજ એના મનમાં નથી. માટે જ કહું છું કે, ખોટો સિક્કો અને નાલાયક દીકરો પણ તમને બચાવી લેતા હોય છે.’
(એ.સી. તુલીની અંગ્રેજી વાર્તાને આધારે)
6 thoughts on “ખોટો સિક્કો – આશા વીરેન્દ્ર”
Gr8 story wid gr8 examples..nice
good story……….
દાદાને શું આ વાત ની ખબર નહીં હોય કે ૬૦ વરસ પહેલા ના લોકો ભરોસા ઉપર, જોયા વગર સાચા કે ખોટા પૈસા લઈ લેતા હતા, પણ આજના વખત માં તો બહુજ ચીવટ થી પૈસા જુએ છે, એટલે પાંચ રુપીયા નો ખોટો સિક્કો સંઘરવા ની તેઓની સલાહ કેમ સાચી લાગી હશે અમારા આ પ્રવાસી ભાઈ ને ?
Author is trying to show you moon and you are looking at her finger.
Good starting point is to change yourself first. Then everything will start making sense
આજ કાલ આ વસ્તુ જોવા મળે છે કે છોકરા ને મા-બાપ બહુ ભણાવે છે અને તે ભણીને ફોરેન જઇને સ્થાયી થાય છે. ભલે તે પોતાના પેરેન્ટસ ને પૈસા મોકલાવતો હોય પણ ઘડપણ મા તો પોતાના સંતાનો યાદ આવે છે unfortunately પૈસા હોય પણ પોતાની કાળજી રાખનાર, સંભાળ લેનાર આસપાસ જો કોઇ ના હોય તો તે પૈસા ને શું કરવાનુ?
Really nice story….sir