પુષ્પ : પમરાટનું કાવ્ય – કિંજલ વૈદ્ય

[ રીડગુજરાતીને આ લઘુનિબંધ મોકલવા બદલ કિંજલભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kinjalkvaidya@yahoo.in સંપર્ક કરી શકો છો.]

[dc]પુ[/dc]ષ્પ !! આ શબ્દ સાંભળતાં જ મનમાં સંવેદનાઓનાં અંકૂર ફૂટ્યાં હોય તેવું જણાવવા લાગે, ચારે બાજુ મુલાયમ મુલાયમ વાતાવરણ છવાઈ જતું લાગે.પ્રસ્ફૂરિત થતી ઊષા અને અંકૂરિત થતી કળીની જુગલબંદી એક અવિસ્મરણીય ઘટના છે. પ્રસ્ફૂરિત થતી કળીનો પ્રથમ પમરાટ નાના છતાં નાજૂક ને વાંચ્યા પછીના સ્પંદન જેવો સુંવાળો અનુભવ કરાવે છે. પુષ્પની એક ઓળખ સૌદર્યનાં પર્યાયની છે. પરંતુ, પુષ્પની સાચી ઓળખ તેનામાં રહેલી સુગંધ ગણી શકાય. પ્રત્યેક પુષ્પને પોતાની આગવી સુવાસ છે. પુષ્પની આ સુવાસ એટલે સૌંદર્યની સાક્ષાત કવિતા.

લ્યો, વરસાદ આવ્યો અચાનક મળસ્કે
સુગંધોનું ઊઘડ્યું છે પુસ્તક મળસ્કે

ભગવતીકુમાર શર્માના આ મખમલી શેરને ફૂલો મહીંનો પમરાટ સાચ્ચે જ સાર્થક કરે છે. કલ્પના કરો !! વહેલી સવારનો કૂણો, તરોતાજા તડકો ખીલ્યો હોય અને વૃક્ષોની વનરાજીઓ વચ્ચે ફૂંકાઈને ખીલેલા કુમળા ફૂલો મહીંથી પ્રસરતી સુવાસ હોય ! આ ઘટના જ સ્વયં એક કવિતા છે, અને આ કવિતાને કોયલનો ટહૂકો સ્વર પ્રદાન કરે છે ત્યારે રચાય છે સાક્ષાત દિવ્ય કવિતા !!
કહેવાયું છે કે, કાવ્યના સર્જન માટે વેદનામાંથી પસાર થવું પડે ત્યારે કાવ્ય રચી શકાય. ફૂલોના પમરાટનું કારણ કદાચ એ જ હશે ? કંટકો વચ્ચે પીસાઈને વેદના અનુભવતા પુષ્પો પણ પમરાટ સ્વરૂપે કાવ્ય સર્જતા હશે !? ઘર આંગણે કૂંડામાં એકાદ ફૂલ ખીલ્યું હોય ત્યારે તેની મહેંક એટલે સુંદર કાવ્યની એકાદ પંક્તિ ! ફૂલો ખીલાવેલી નાની શી વાટીકા એટલે જાણે કાવ્યનું નાનું શું પુસ્તક ! આજે તો હવે સુગંધ વગરના કેકટસ ઉછેરવાનો શોખ પણ ચાલ્યો છે તેને શું કહી શું ? અછાંદસ કાવ્ય જ સ્તો !! ઘરની આસપાસ કે બગીચામાં ખીલી ઊઠેલા ફૂલોની મહેંક ને વાયરો આસપાસ કે થોડે દૂર સુધી પ્રસરાવે છે. બગીચામાં ખીલેલા અનેકવિધ પુષ્પોની વૈવિધ્યસભર ખુશ્બોને માહૌલમાં વહેતી મુકતો વાયરો કાવ્યના પુસ્તકના પ્રકાશક સમો છે. ફૂલોના ખીલવાની શ્રેષ્ઠતમ ઋતુ એટલે વસંત. વસંતે ઊપવનમાં લટાર મારતી વખતે સંધ્યા સમયે જૂદા જૂદા ફૂલો મહીંથી પ્રસરતી સુગંધને સુરાવલી જાણે પુષ્પો દ્વારા રચાયેલા કાવ્યનું કવિ સંમેલન જ જોઈ લ્યો !!

આજે પુસ્તકો વાંચવાનો મહિમા ઘટતો જાય છે, તેમાંય કાવ્યના પુસ્તકો બહુ ઓછા વંચાય છે ત્યારે સંવેદનશીલતા ને જાળવી રાખવા એક હૃદયસ્પર્શી કાવ્ય ન વાંચી શકો તો કાંઈ નહીં પણ ઘર આંગણે કે બાગ બગીચે ખિલેલા એકાદ પુષ્પની સુગંધ શ્વાસમાં ભરી લેશો તો પણ એક મખમલી અહેસાસ થઈ આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “પુષ્પ : પમરાટનું કાવ્ય – કિંજલ વૈદ્ય”

Copy Protected by Chetan's WP-Copyprotect.