એટનબરોના ગાંધી – ચિંતન પટેલ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ ચિંતનભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. તેઓ યુવા એન્જિનિયર છે અને સાહિત્યક્ષેત્રે કંઈક અલગ વિષય પર લખવાની રુચિ ધરાવે છે. આપ તેમનો આ સરનામે ctpatel112@gmail.com અથવા આ નંબર પર +91 9898579635 સંપર્ક કરી શકો છો.]

[dc]1[/dc]962ની સાલ છે, ઈંગ્લેન્ડના પોશ ગણાતા રિચમંડમાં પોતાના ‘ક્વિન એન હાઉસ’ નામના આલિશાન ઘરમાં એટનબરો પરિવાર વૈભવશાળી જીવન વિતાવે છે. ફિલ્મ નિર્માતા રિચર્ડ પાસે પોતાની પર્સનાલાઈઝ્ડ નંબર પ્લેટ ધરાવતી ‘રોલ્સ રોય્સ’ અને પત્ની પાસે તેની ‘જેગુઆર’ છે. અચાનક એક દિવસ રિચર્ડ ઉપર એક ફોન કોલ આવે છે અને આખા પરિવારનું જીવન બદલાઈ જાય છે. એ ફોન હતો મોતી કોઠારી નામના અજાણ્યા ગુજરાતીનો. તેઓ રિચર્ડને મળવા માટે વોલ્ડરોફ, લંડન બોલાવે છે . લંડનમાં મોતીભાઈ તેમની ભવિષ્યની યોજના રિચર્ડને સમજાવતાં કહે છે કે, તેઓ ગાંધીજીના અનુયાયી છે અને 1948માં ગાંધીજીની હત્યા થઈ જતાં હવે ભારતમાં વધુ રહેવાનું ન પસંદ પડતાં તે ત્યારથી બ્રિટન માં જ રહે છે અને તેમના જીવનનું ધ્યેય છે ગાંધી વિચારનો બને એટલા લોકોમાં પ્રચાર ને પ્રસાર કરવો. તેમણે રિચર્ડ ને જણાવ્યું કે ફિલ્મ એ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ હોવાથી મારી એવી ઈચ્છા છે કે તમે ગાંધીજીના જીવન પર એક ફિલ્મ બનાવો.

રિચર્ડને પહેલા તો આ વિચાર થોડો વિચિત્ર લાગ્યો, પરંતુ મોતીભાઈના આગ્રહથી તેણે ગાંધીજીની આત્મકથા વાંચવાનું સ્વીકાર્યુ. પછી તો કહેવાનું જ શું બાકી રહે ? છે એવો કોઈ માણસ કે જે આ નાનકડી ચોપડી વાંચીને આ મહાન માણસના જાદુથી પોતાને બચાવે શકે ? આમ પણ ગાંધીજી થી તો રિચર્ડ બચપણથી જ પ્રભાવિત હતો. તેના પિતા (જેમને તેઓ ઘરમાં ગવર્નરના હુલામણા નામથી બોલાવતા) તેઓ ગાંધીજી થી ખૂબ જ પ્રભાવિત હતા. જ્યારે 1931 માં ગાંધીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગયા બ્રિટન ગયાં ત્યારે 8 વર્ષનાં રિચર્ડ પણ તેમના પિતા સાથે આ અહિંસાના મસીહા ને જોવા- સાંભળવા માટે ગયા હતાં. ગાંધીજી ની આત્મકથા વાંચતા-વાંચતા તેઓ આ વિભૂતીથી એટલી હદે અભિભૂત થયાં કે તેમણે તે વખતે લગભગ અશક્ય જણાતી આ ચેલેન્જ ઉપાડી લીધી. તેની પાછળના ઘણા બધા કારણોમાંથી મુખ્ય કારણ હતું તેમના પિતાજી. ગવર્નર રિચર્ડને ભણાવીને પ્રોફેસર બનાવવા માંગતા હતાં, પરંતુ જ્યારે રિચર્ડે અભિનયને કારકિર્દી બનાવ્યો ત્યારે તેમણે રિચર્ડને કાંઈ કહ્યું તો નહી પણ ઊંડે ઊંડે થોડુ દુઃખ જરૂર અનુભવ્યું. હવે રિચર્ડ પોતાના કામ તથા પોતાના ક્ષેત્ર દ્વારા તેમના પિતાજીના સમ્માનીય એવા ગાંધીજીના જીવન પર ફિલ્મ બનાવી ને આ દુઃખ ની લાગણીને પૂરી મિટાવી ન શકે તો પણ થોડીઘણી નિવારવા માંગતાં હતાં.

પરંતુ કાંઈ લાગણીઓથી તો ફિલ્મ થોડી બને ? એના માટે તો પૈસા જોઈએ. રિચર્ડે મોતીભાઈને ફોન લગાવ્યો. ‘તમારા પ્રોજેક્ટ માટે કોઈ પૈસાની વ્યવસ્થા છે ?’ સામેથી આવેલા સીધા નકારે રિચર્ડને નિરુત્સાહ કરી દીધો. અચાનક તેને એક રસ્તો સૂઝી આવ્યો. તેમણે એક વાર બ્રિટીશ નેવી પર એક ફિલ્મ બનાવી હતી જે ભારતનાં છેલ્લા ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટનના નૌકાદળમાં જનરલ તરીકે ગાળેલા જીવન અને એમણે લડેલા યુધ્ધો પર આધારિત હતી. તે ઓળખાણને કામે લગાડી તેમણે તે વખતે ‘અર્લ માઉન્ટ બેટન ઓફ બર્મા’ તરીકે ઓળખાતા લોર્ડ માઉન્ટ બેટનનો સંપર્ક કરીને પોતાનો વિચાર સમજાવ્યો. જનરલે રિચર્ડને તેમના પ્રોજેક્ટમાં સહાય કરવા બાબતની ચિઠ્ઠી પોતાના મિત્ર તેમજ ભારતનાં તત્કાલીન વડાપ્રધાન જવાહારલાલ નહેરુ પર લખીને આપી. આ ચિઠ્ઠી, મનમાં અઢળક અરમાનો તથા આંખોમાં એક સપનું લઈ ને રિચર્ડ દિલ્હીના એરપોર્ટ પર ઉતર્યા. વડાપ્રધાન નહેરુને મળીને તેઓ સાશ્ચર્ય આનંદ અનુભવી રહ્યાં. નહેરુ એ તેમને પોતાના અંગત આલ્બમની ઘણી તસ્વીરો બતાવી જેમાં તેઓ બાપુ સાથે હતાં. બાપુ (આ શબ્દ રિચર્ડે પ્રથમવાર નેહરૂજીના મોઢે સાંભળ્યો હતો) ની વાતો કરતાં કરતાં અતીતમાં ખોવાઈ જઈને ખૂબ જ ભાવુક થયેલા વડાપ્રધાનને જોઈ તે આશ્ચર્ય પામ્યા. નેહરૂજી એ તેમને બીજી પણ ઘણી બધી ઉપયોગી માહીતી આપી અને ઘણા અંગત કિસ્સાઓ પણ સંભળાવ્યા.નેહરૂજી એ છેલ્લે રિચર્ડ ને જે વાત કહી તેનાથી રિચર્ડ ખૂબ પ્રભાવિત થયા. તેમણે કહ્યું કે, ‘તેઓ મહાત્મા હતાં પરંતુ અંતે તો માનવ જ હતા, ધ્યાન રાખજો કે તમે તેમને ભગવાન ન બનાવી દો !!’

બીજી મુલાકાત દરમ્યાન નેહરૂજીએ તેમને ગાંધીજીના રોલ માટે પસંદ કરેલા કલાકાર વિષે પૃચ્છા કરી. કોઈનું નામ નક્કી ન કરેલ હોવાથી રિચર્ડે વડાપ્રધાનને જ કોઈ નામ સૂચવવાનું કહ્યું. નહેરુજીના મોઢે એલેક ગિનીસનું નામ સાંભળીને રિચર્ડને આંચકો લાગ્યો. તેને એમ હતું કે વડાપ્રધાન કોઈ ભારતીય કલાકારનું નામ સૂચવશે ! રિચર્ડ આ બાબત પર વિચારશે તેમ કહીને ત્યાંથી ખૂબ ખુશ થઈને વિદાય થયો. પણ આ ખુશી બહુ ટૂંકી આવરદાની સાબિત થઈ. ફરીથી પૈસાની તકલીફના લીધે રિચર્ડની ગાડી ઘોંચમાં પડી. હોલીવુડમાંથી કોઈ પણ તેના આ અતિમહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ‘પૈસા નાખી દેવા’ તૈયાર ન થયું. હવે તો વર્ષો વીતી ગયાં પરંતુ તે આ પ્રોજેક્ટને ભૂલી ન શક્યો. દૂર સુદૂરના ધૂંધળા સપના માટે પોતાનું સર્વસ્વ લૂટાવાનો સમય હવે આવી ગયો હતો ! તેને કોઈ પણ રીતે આ ફિલ્મ બનાવવી જ હતી.

તેના આ સપનાને ફરીથી પાંખો મળી કે જ્યારે નેહરૂજીની દીકરી શ્રીમતી ઈંદિરા ગાંધી વડાપ્રધાનપદે ફરીથી ચૂંટાયા. તેમણે રિચર્ડને એ મતલબનો લેખિત પરવાનો આપી દીધો કે તેની ફિલ્મમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે તેને પોલીસ, લશ્કરની ત્રણે પાંખો અને ભારતીય રેલ્વેની મફતમાં મદદ મળી શકશે ! ઉપરાંત તેમણે ભારત સરકાર તરફથી આ ફિલ્મનાં નિર્માણમાં ત્રીજા ભાગનું ફંડ પણ રિચર્ડને આપવાનું વચન આપ્યું. રિચર્ડ માટે આ બધું ખૂબ જ આવકાર્ય હતું કારણ કે તેણે નેહરુજીના રાજમાં સરકારી અફ્સરોને મળવા માટે કલાકો બહાર બાંકડા પર બેસવાનો અનુભવ લઈ લીધો હતો ! (પણ બોલી પણ શું શકે કારણ કે એ અમલદારશાહી પણ આપણ ને બ્રિટિશ વારસા તરીકે જ મળેલી છે ને!) હવે રિચર્ડ ને તેનું સપનું હાથવેંતમાં લાગ્યું. જો કે હજી ઘણું બધું ખૂટતું હતું છતાં તેણે તૈયારીઓ શરૂ કરી દીધી. તેણે બધા સેટસ, લોકેશન નક્કી કરી દીધા પરંતુ હવે મુખ્ય મુદ્દો બાકી હતો ગાંધી કયાંથી લાવવા ?
એલેક ગિનીસ તો ક્યારનાય ના પાડી ચૂક્યા હતાં, એક અમેરિકન સ્ટુડિઓએ ફિલ્મ નિર્માણમાં સહાય કરવાની ઓફર રિચાર્ડ બર્ટનને જ ગાંધી તરીકે લેવાની શરતે આપી કારણ કે તે આ રોલ માં સેક્સી લાગશે!! રિચર્ડની પોતાની પસંદ એંથોની હોપકીન્સ હતો, પણ શારિરિક દ્રષ્ટિએ તે આ રોલ માટે થોડો વધુ જાડો હોવાથી શારીરિક રીતે ફીટ નથી એમ લાગતા તે પોતે જ હટી ગયો. આવા જ કારણોસર બીજા અનેક અદાકારો જેમ કે ડેર્ક બોગાર્ડે, પીટર ફીંચ, આલ્બર્ટ ફીની અને ટોમ કર્ટનીએ પણ આ ઓફરને નકારી કાઢી. અંતે ગાંધી બનવા માટે રિચર્ડે જહોન હર્ટ નામના અદાકારનો સંપર્ક કરાયો, જેણે રિચર્ડને તેમને ગાંધીના પુરા ગેટ અપ સાથે એક શોટ લઈને જોઈ જોવા કહ્યું. દરમ્યાન રિચર્ડના થિએટર દિગ્દર્શક એવા પુત્ર માઈકે તેમને નાટકોના એક ઉત્તમ અદાકાર બૅન કિંગ્સલે વિષે વાત કરી. તેમનું એક નાટક જોવા માટે રિચર્ડ ગયા, તેમના અભિનયથી પ્રભાવિત થઈને તેઓ બૅનને મળવા બેકસ્ટેજ ગયાં. તેમણે બૅનને ગાંધી ફિલ્મ વિષેના પોતાના પ્રોજેક્ટની વાત કરી તો બૅન તો આશ્ચર્યમાં પડી ગયા. બૅનને આની પાછળ કોઈ દૈવી શક્તિનો જ હસ્તક્ષેપ લાગ્યો, કારણ કે હજી થોડા દિવસ પહેલા તો બૅનને તેની પત્નીએ ગાંધીજીની આત્મકથા ભેટમાં આપી હતી અને બૅન હજી તો તેને વાંચી જ રહ્યાં હતાં !! આ મુલાકાત પછી જ રિચર્ડને ખબર પડી કે બૅનનું મૂળ નામ તો કૃષ્ણાપંડિતભાણજી હતું. તેઓ અંગ્રેજ માતા અને ગુજરાતી પિતાનું ફરજંદ હતા !! (એટલે રીલ અને રિયલ બન્ને ગાંધી ગુજરાતી હતા !!) તો આ મુલાકાતનું પરિણામ એ આવ્યું કે જહોન હર્ટ અને બૅન બન્નેનો સ્ક્રિન ટેસ્ટ એક જ દિવસે રાખવામાં આવ્યો. પહેલા જહોન અને પછી બૅનનો ટેસ્ટ લેવામાં આવ્યો. પણ જ્યારે બૅન પોતળીને ગોળ ચશ્મા ધારણ કરી ગાંધી બનીને આવ્યો ત્યારે રિચર્ડ પહેલાં તો જહોન બોલી ઉઠ્યો : ‘યુ ગોટ યોર મહાત્મા, રિચર્ડ !’

હવે ગાંધી મળી ગયા, સરકારી પરવાનો હતો તેથી સરકારી બિલ્ડીંગ્સ કે સ્મારકોમાં પણ શુટિંગ કરવામાં તકલીફ પડી નહી. શુટિંગ શરૂ તો થઈ ગયું પરંતુ એને ચાલતું રાખવું પણ જરૂરી હતુ ને ? આ માટે તેમણે પોતાનું સર્વસ્વ દાવ પર લગાડી દીધુ. રિચર્ડના એવા કપરા દિવસો આવી ગયા હતાં કે એક વખત રોલ્સરોય્સ વાપરનાર આ નિર્માતા સમયસર પોતાનાં બિલ્સ પણ ચૂકવી શકતા નહીં ! તેમના સપનાંની તેમની પત્નીને બાળકો પર અસર થશે તે નહોતું વિચાર્યું પરંતુ હવે તો પાછા વળવાનો કોઈ હેતુ નહતો. ઉપરાંત આ કપરા કાળમાં તેમની પત્ની શેલા તેમની પાછળ ખડકની દ્રઢતા થી ઉભી હતી. જ્યારે સૌ આ પ્રોજેક્ટને રિચર્ડનું ગાંડપણ સમજતા હતાં ત્યારે પણ શેલાએ તેને રિચર્ડનું સપનું ગણીને તેને આ માટે બધી રીતે સહાયરૂપ થવાની સાંત્વના આપી હતી. શુટિંગ શરૂ કરતાં પહેલા રિચર્ડ તેમને આ દુષ્કર કાર્ય કરવાનું સૌ પ્રથમ ઈજન આપનાર મોતીભાઈ કોઠારીને ભૂલ્યા ન હતા. તે સમયે તેમનું પાર્થિવ શરીર તો હયાત ન હતું પરંતુ તેમની યાદમાં રિચર્ડે તેની ફિલ્મનું શુટિંગ એક હિંદુ પંડિતના હાથે પૂજા કરાવીને શરૂ કર્યું હતું. આમ શુટિંગ તો ચાલતું રહ્યું, પરંતુ એક સૌથી મોટી ચેલેન્જ દિગ્દર્શક રિચર્ડની વાટ જોઈ રહી હતી. બીજુ બધું તો શાંતિથી પાર પડી ગયું પણ મહાત્માની અંતિમયાત્રા પરદા પર શી રીતે બતાવવી ? એ માટે ખૂબ જ ચીવટપૂર્વકનું અને ઝીણવટભર્યું કામકાજ યુધ્ધનાં ધોરણે હાથમાં લેવામાં આવ્યું. એ હદ સુધી કે રિચર્ડને તે અંતિમયાત્રામાં કેટલા ગણવેશધારી સૈનિકો આખા રાજપથ પર હારબંધ ઉભા રખાયા હતા તે સંખ્યા સુદ્ધાં યાદ હતી ! પરંતુ મુખ્ય તકલીફ હતી કે એટલા બધા લોકોને ક્યાંથી ભેગા કરવા ? બધા જ પેઈડ કલાકારો ભેગા કરે તો પણ એ શક્ય ન જણાયું. તો રિચર્ડે એક રસ્તો કાઢ્યો કે ગાંધીજીની 33 મી પુણ્યતીથી એ (30 જાન્યુઆરી, 1981) આ દ્રશ્ય ફિલ્માવવું જેથી બને તેટલા વધુ લોકોને ભેગા કરી શકાય.

આ શુટિંગ દિલ્હીમાં એક વપરાશ વગરનાં એક એરફિલ્ડ પર કરવાની યોજના હતી. આ માટે રિચર્ડે 25000 એક્સ્ટ્રા કલાકારો રોકડા આપીને રાખેલા હતાં. પરંતુ મોટી ચિંતા તો પેલા ટોળા પર હતી જે ‘પેઈડ’ ન હતું ! રિચર્ડે આગલી રાત્રે પોતાના 11 કેમેરાની આખી ટીમની મિટિંગ બોલાવીને બીજા દિવસની સૌની પોઝિશન્સ વિશે સમજાવ્યું. વહેલી સવારના 3 વાગ્યાથી બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ. સૂર્યોદય થતાં થતાં તો ગણવેશધારી સૈનિકો તૈયાર થઈને મેદાનમાં આવી ગયા. રિચર્ડને હાશ તો ત્યારે થઈ કે જ્યારે સામાન્ય લોકો પણ ત્યાં શુટિંગ જોવા ભેગાં થવા લાગ્યાં. રિચર્ડે એવી વ્યવસ્થા કરાવી હતી કે દરેક પ્રવેશદ્વારે પોલીસની એક એક ટુકડી તે સમયને અનુરૂપ કપડાં આપીને ખડી કરવામાં આવી હતી, જેથી કરીને કોઈ આધુનિક પહેરવેશ પહેરીને આવી ન જાય ! આ શોટમાં રિટેકનો તો કોઈ સવાલ જ નહોતો. એક માઈલ જેટલા અંતરમાં આ ટોળુ જેવી એક્ટિંગ કરે તે ખરું ! રિચર્ડે પોતાના મેગાફોન માં ‘એક્શન……’ કહેતાં જ આખુ ટોળું કૂચ કરવા લાગ્યું. આ બધા દરમ્યાન રિચર્ડને લાગ્યું કે આ અતિ મહત્વના શોટ દરમ્યાન પોતે કેમેરા પાછળ કે ક્રેન પર ન બેસતાં આ ટોળામાં જ ક્યાંક હોવું જોઈએ. પરિણામે આપણે રિચર્ડ એટનબરોને આ સીનમાં કાળા કોટ, કાળા ચશ્મા ધારી બ્રિટિશ જનરલ સ્વરૂપે બાપુના શબ પાછળ ચાલતા જોઈ શકીએ છીએ ! આ દ્રશ્ય ગાંધીજીનું ડમી શબ બનાવીને લેવાનું હોવાથી આજે બૅન ને રજા હતી.

બધું જ બરાબર ચાલતું હતું અને ચિરનિંદ્રામાં પોઢેલા ગાંધીનો ક્લોઝ અપ લેવાનો થયો ત્યાં જ અચાનક રિચર્ડને લાગ્યું કે આ ડમી (પૂતળું) ક્લોઝઅપમાં બરાબર નથી લાગતું (મતલબ કે પકડાઈ જાય છે !) અચાનક રજા માણતાં ‘ગાંધી’ ની રજાને લશ્કરી ધોરણે બરખાસ્ત કરીને બોલાવવામાં આવ્યાં અને પૂતળાના બદલે બૅનને સુવાડીને ક્લોઝ અપ લેવામાં આવ્યો. અંતે આ અતિ મહત્વનો અને ઐતહાસિક શોટ પૂરો થયો. ગેટ પર ઉભેલા પોલીસોના કહેવા પ્રમાણે તેમણે 4,00,000 લોકોને અંદર આવવા દીધાં હતાં તથા યોગ્ય કપડાં આપ્યા હતાં. તો આમ આ શોટ ફિલ્મ ઈતિહાસમાં સૌથી વધુ એક્સ્ટ્રા કલાકારો (25,000) તથા સૌથી વધુ લોકોને ફિલ્માવતો સીન હતો ( જે કદાચ વિશ્વ વિક્રમ છે ) !

અંતે પેશનની, એક નિર્ધારની અને પોતે કરેલા દ્રઢ સંકલ્પ ખાતર સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની ભાવનાની જીત થઈ અને આટલા બધા ચઢાવ ઉતાર પછી અંતે આ ઐતિહાસિક ફિલ્મ 1982 માં રજૂ કરવામાં આવી. પછી તો તેણે ફિલ્મજગતમાં એક ઈતિહાસ કાયમ કર્યો. આ ફિલ્મને 8 ઓસ્કાર ઍવોર્ડસથી નવાજવામાં આવી જેમાં રિચર્ડ એટનબરોને બે ( શ્રેષ્ઠ દિગ્દર્શન અને શ્રેષ્ઠ પિક્ચર માટે) , બૅન કિંગ્સલેને એક મુખ્ય રોલમાં શ્રેષ્ઠ અભિનય માટે આપવામાં આવ્યો . ઉપરાંત બીજા 26 ઍવોર્ડ્સ અને 16 નોમીનેશન્સ ઍનાયત કરવામાં આવ્યા હતા. આમ પોતાના કાર્ય પ્રત્યે સમર્પિત એવા એક પ્રોફેશનલનું સપનું 20 વર્ષે સાકાર થયુ. ‘ગાંધી’ ની પટકાથાની જેમ જ તેની અંતરકથા પણ એટલી જ રોચક અને સંઘર્ષપૂર્ણ રહી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “એટનબરોના ગાંધી – ચિંતન પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.