હથેળીમાં પોઢેલો ચંદ્ર….. – યોગેશ પંડ્યા

[‘જલારામદીપ’ સામાયિક દીપોત્સવીઅંક : ભાગ-1, ઑક્ટોબર-2012માંથી સાભાર.]

[dc]રા[/dc]ત્રી તો ઉનાળાની હતી પરંતુ આકાશ ચોખ્ખું નહોતું. વાતાવરણમાં ધુમ્મસ ફેલાયેલું હતું. ધૂસર હવાને લીધે આકાશમાં ખીલવા માગતો ચંદ્ર જાણે ધુમ્મસને લીધે રુંધાતો હતો. કાલિંદીનું મન પણ એમ જ રુંધાયેલું હતું. જ્યારથી રાજેશે બાદરપર જવાની વાત કરી છે; મન ત્યારનું ચકડોળે ચડ્યું છે. એ રાજેશના પ્રસ્તાવથી આંચકો ખાઈ ગઈ છે.

‘શું કહ્યું તમે ?’
‘હા….’ રાજેશે કહ્યું, ‘દીપકથી આપણે છૂટા પડ્યા એને ત્રણ ત્રણ વરસ થઈ ગયાં. લગ્ન પછી બસ આપણે માત્ર એક જ વાર બાદરપર જઈ શક્યા છીએ. છેલ્લે આપણે સૌને ત્યાં મળ્યાં એ મળ્યાં, પછી તો આપણાં મમ્મી-પપ્પાની બદલી થઈ ગઈ અને બાદરપરને આપણે ભૂલી જ ગયા, કાલિંદી ! અલબત્ત, એણે એનાં લગ્ન વખતે આપણને તેડાવ્યા હતા, પરંતુ એ જ વખતે મારે બરાબર મલેશિયા જવાનું થયું તે રહી જ ગયું. એક તો આટલે બધે દૂર, બીજું નોકરીની જળોજથા અને ત્રીજું, આપણાં હૈયાથી કપાઈ ગયેલું બાદરપર, કારણ કે આપણાં મનમાં જ એવું સ્થાપિત થઈ ગયું કે હવે શું ત્યાં જવાનું પ્રયોજન ?’
‘વતન તો નથી કંઈ આપણું. મારા ને તારા પપ્પાની બદલી થઈ ગયા પછી ત્યાં જવાનું તો ખરેખર આપણે કોઈ નિમિત્ત જ ન રહ્યું. એમ છતાં સૌ યાદ આવી જાય છે. ઘણીવાર, ખૂબ જ ! દીપકની યાદ તો હૈયાથી છૂટતી જ નથી, કાલિંદી ! શું તને એ આપણો માહોલ યાદ નથી આવતો ? કેવો સોનેરી સમય હતો. કેવા સુંદર રઢિયાળા અને રળિયામણાં દિવસો હતા !’ રાજેશ ઊંડો નિઃશ્વાસ નાખીને બોલ્યો, ‘પૈસા તો પેદા થયા. પરંતુ હૈયાના ગજવામાં સચવાયેલો એ સોનેરી સમય તો યાયાવર પંખી બનીને દૂર દૂર ઊડી ગયો. માળા વિંખાઈને છિન્નભિન્ન થઈ ગયા હોય એમ લાગે છે. બહુ યાદ આવે છે, કોઈ સમી સાંજે. કાલિંદી, બાદલપરની એ રેલ્વે કૉલોનીના કવાર્ટર્સ, એ ડુંગરોની હારમાળા, સોનપરી ઉપરનો ઝૂલતો પૂલ, જૈન મંદિરો, દહેરાં, જંગલનો વનવિહાર, ફૉરેસ્ટનો બંગલો, પૂરાણી હવેલી, ગાઢ જંગલમાં આવેલું પેલું પ્રાચીન થાપનાથ મહાદેવનું મંદિર અને આપણી રેલવે કૉલોનીનું કમ્પાઉન્ડ. એ બાળપણના દિવસો. યુવાનીનો કાળ. શું યાદ કરું, ને શું ભૂલી જાઉં ?’

‘યાદ તો મને પણ બધું આવે છે, રાજેશ !’ કાલિંદી મનોમન બબડી : ‘રાજેશ, માની લે ને કે કશું ભુલાયું જ નથી. એ રેલવે કૉલોનીનો માહોલ તો યાદ આવે જ છે. પણ દીપક સાથે વિતાવેલી મનોહર ક્ષણો, તેનાં તોફાન, તેનું તોફાની હાસ્ય, તેની બેફિકરાઈ અને તેની મજાકમસ્તી ! યૌવનને ઉંબરે પગ મૂકતાં જ જો પોતાના હૈયામાં વસી ગયેલો કોઈ પુરુષ હોય તો રાજેશ, તું નહીં પણ દીપક હતો ! વન ઍન્ડ ઓન્લી વન દીપક, પણ…..’
‘તો પછી પાક્કુંને ?’ રાજેશે તેને કહ્યું, ‘મહાબળેશ્વર તો મજા કરશું જ. પણ જતાં પહેલાં એક-બે દિવસ બાદલપર જઈ આવીએ. જીવને ટાઢક વળશે.’

આમ તો દીપકને નજરોનજર જોવાની ઈચ્છા ક્યારેક બહુ થઈ જતી તો હતી જ. પિક્ચરમાં હિરો ને હિરોઈનની મીઠી મજાક-મશ્કરી કરતો જોતી ત્યારે દીપક અવશ્ય યાદ આવી જતો. તેની દિલફેંક અદા, કાતિલ નજરો અને ખડખડાટ હાસ્ય કેમેય કરીને ભૂલી શકી નહોતી આજ સુધી. તેને થતું કે રાજેશ પણ તેની છેડછાડ કરે, હસાવે, મસ્તી કરે, રમાડે અને પછી પોતાને નિજમાં સમાવી લઈ તેની જુવાનીના જોશમાં ઊછળતા ગાંડાતૂર દરિયાના મોજાંથી ભીંજવી દે ! પરંતુ રાજેશનું વ્યક્તિત્વ દીપકથી તદ્દન ભિન્ન પ્રકારનું હતું. ખેર, એ વાતો કરતો એમાં રોમેન્સ કરતાં વ્યાવહારિકતાની વિશેષ છાંટ રહેતી. એ ગમે તેવી હળવી વાતને પણ પૂરેપૂરી ગંભીરતા આપતો. જો કે એ હતો ભલો, અને હતી એની નોકરી ભલી. અરે, ક્યારેક શાકદાળમાં મીઠું-મરચું વધારે પડી ગયાં હોય તો ય એ કશી ફરિયાદ ન કરે. એટલું કહે, ‘જરા ગળપણ નાખી દેજે, તને નહીં ફાવે.’ કાલિંદીને ઘણી વખત થતું કે ક્યારેક તો રાજેશ જમવા માટે પોતાની ફેવરીટ વાનગીની ફરમાઈશ કરે. પરંતુ અફસોસ ! રાજેશને બધું જ ફાવે. બધું જ ભાવે. બધું જ ચાલે. જાણે ઘરેડ પડી ગઈ હતી જિંદગીની. એક ઘરેલુ પ્રકારની જિંદગી. કાલિંદીને ક્યારેક અફસોસ થતો. પણ ના, રાજેશ કદિ પણ તેની ઉપર ગુસ્સે ય ન થતો. કાલિંદીને નવાઈ લાગતી કે પોતાનામાં શું કશી ખામી જ નહોતી ?

છઠ્ઠા ધોરણથી તે છેક કૉલેજના ત્રીજા વર્ષ સુધી કાલિંદી, દીપક અને રાજેશ સાથે જ ભણ્યા. ત્રણેયની ત્રિપુટી, પણ કાલિંદી આંખોને વાંચતા શીખી ત્યારથી દીપક તરફ વધુ ઢળતી જતી હતી. કાલિંદીના નાસ્તાનો ડબ્બો દીપકના હાથમાં ચડી ગયો તો પછી ખેલખતમ. બધું પૂરું જ હોય. સ્કૂલની સી.આર.ની ચૂંટણીમાં સ્કૂલના માથાભારે વિદ્યાર્થી રણજિત સાથે દીપક બાખડી પડેલો ! શું માર્યો હતો રણજિતને ! બધાની વચ્ચે રેવડી કરી નાખેલી. અલબત્ત, રાજેશ વચ્ચે પડેલો તો ય સમાધાન માટે દીપકે રણજિતને બહુ ટટળાવેલો. છેલ્લે બિલેશ્વરની ટૂર ગોઠવેલી. વીસ છોકરા-છોકરીઓને આવવા-જવાનો, જમવાનો અને બધી જ રાઈડ્સમાં બેસવાનો ખર્ચો રણજિતે ગોઠવેલો. પણ એ વખતે દીપકે પોતાને કહેલું, ‘કાલિંદી, જો તું આવવાની હોય તો જ હું હા કહું. બાકી આખી ટૂર કેન્સલ થશે.’ અને કાલિંદીએ નજર ઝુકાવીને…. હા કહેવી પડી. કારણ કે એનો પૂછવાનો અંદાજ જ એવો નિરાળો હતો. સૌ પ્રથમ ત્યારે જ સ્ફૂટ થયું કે દીપક પોતાને…. એટલે જ સ્તો એકવાર, એભલ નામના એક રફટફ સિનિયર સ્ટુડન્ટે કાલિંદીનો ચાળો, કાંકરી મારીને કરેલો. અને દીપકે એની જે ધુલાઈ કરી હતી….! બાપ રે, એ ઝનૂન…. એ નજર… એ સમય….. કાલિંદીને રજેરજ યાદ હતું.

વદ આઠમનો ચંદ્ર ખીલતો જતો હોય એમ જાણે-અજાણે પરવશ વિવશ બંને હૈયાં એકબીજાની નજીક ખેંચાતાં જતાં હતાં. પણ રખડવાની આદત દીપકને નડી ગઈ. એ નાપાસ થયો અને રાજેશનો ફર્સ્ટકલાસ આવ્યો. એ દરમિયાન જ ‘સિગ્મા મેડિકેર’ની જાહેરાત આવી. રાજેશે ઈન્ટરવ્યુ આપ્યો ને ગોઠવાઈ ગયું. સારામાં સારી કંપની, સારો પગાર…. રાજેશ સૅટ થઈ ગયો. ને હજી નોકરી મળ્યાને બે મહિના જેવું માંડ થયું હશે ને, રાજેશનાં મમ્મીએ પોતાની મમ્મી પાસે માગું નાખ્યું. કહ્યું કે રાજેશને કાલિંદી પસંદ છે.
‘મેં જાણ્યું છે. વળી, આટલાં વરસોથી એકબીજાની ઓળખાણ. ભલે આપણી જ્ઞાતિ જુદી રહી પણ તારી કાલિંદી મારા ઘરે વહુ બનીને નહીં, પણ દીકરી બનીને જ…..’
મમ્મી તો આશ્ચર્યચકિત થઈ ગયેલી. એને મન તો સોનામાં સુગંધ ભળી. હોંશેહોંશે એણે રાજેશની મમ્મીના હાથ પોતાના હાથમાં લઈ ગદગદ કંઠે કહેલું : ‘સાચ્ચે જ ? ખરેખર તું ?’ એ પછી મમ્મી બોલી શકી ન હતી, બોલી શકી હતી માત્ર તેની આંખો ! અને આ બાબતે તો પોતે કશું વિચાર્યું જ નહોતું. એના મનમાં તો…. પણ વિચારો ઉપર દબાણ આવ્યું. હા પડાઈ ગઈ. અને એક ઝાટકે એ સંબંધની નાળ કપાઈ ગઈ.

સગાઈના દિવસે તેની બહાવરી આંખો દીપકને શોધતી હતી. પણ એ તો પરીક્ષાની તૈયારી માટે તેની દીદીને ત્યાં વાંચવા ચાલ્યો ગયો છે એવું કોઈએ કહ્યું. ચાર મહિનામાં તો લગ્ન પણ ગોઠવાઈ ગયાં. બસ, એ દરમિયાન બેચાર દિવસ માટે તેનાં મમ્મી-પપ્પાને મળવા આવેલો ત્યારે ઘરે આવેલો.
‘શું દિદાર કર્યા છે ?’ કાલિંદીએ તેને કહ્યું, ‘આવો સાવ લઘરા જેવો કેમ થઈ ગયો, દીપક ?’
ઊંડો શ્વાસ લઈ બોલ્યો : ‘હમ કો તો અપનોંને લૂંટા, ગૈરો મેં કહાં દમ થા ? કિશ્તી વહાઁ ડૂબી જહાં પાની કમ થા…. પણ જવા દે, હવે તો આવું જ. કાલિંદી….’
‘લગ્ન… છે, તું આવજે….’
‘નહીં ચાલે મારા વગર ?’ દીપકે પૂછ્યું, ‘જો કોઈના વગર આખી જિંદગી ચાલી જતી હોય તો લગ્નનો ચારપાંચ કલાકનો પ્રસંગ થોડો અટક્યો રહે ?’ કહીને તે ચાલ્યો ગયો. કાલિંદીની આંખ ભીની થઈ ગઈ. ના, તે રીતસર રડી જ પડી. પીઠ ફેરવીને જઈ રહેલા દીપકને તાકી રહી. ધીરે ધીરે એ દૂર…દૂર… થતો જતો હતો. એની પીડા, થોડામાં ઘણું કહી ચૂકી હતી. ત્યારે તેને થયું, દેવદાસ જેમ ગાડુંઘેલું બોલે છે એનાં કરતાં ભગાડીને લઈ જતા નથી આવડતું ? પુરુષ છો, શું કામનો ?… પણ તે તો પછી પાછું ફરીને જોયા વગર ચાલ્યો જ ગયો.

રાજેશ ઉપદ્રવી નહોતો કે નહોતો ઘમંડી, અકડું કે પોતાની ઉપર ‘પતિ’ નામનું આધિપત્ય જમાવનાર પુરુષ. પણ…. જે સુરખી જિંદગીમાં રોમેરોમથી પુલકિત થઈ જવું જોઈએ એવી સુંવાળી પીંછી તો કાયાના ઘડાને રંગી શકી જ નહીં. હજી ય પણ… એ રાજેશમાં હંમેશા દીપકને જ શોધતી હતી. કાલિંદીએ સૂતાં સૂતાં રાજેશ તરફ નજર કરી. શા માટે મન અધૂરું-તરસ્યું રહે છે ? શા માટે સંતૃપ્ત થતું નથી ? જીવે શા માટે ઉદાસી ઓઢી છે ? ભીતર ઘમસાણ મચાવતાં દરિયાનાં મોજાં પાંપણો વાટે નીતરી રહ્યાં. ના, રાજેશની સામે કોઈ ફરિયાદ નહોતી. હથેળીમાં રાખે છે. છાયા કરે છે. અને હવે તો બહુ સારું છે. લગ્ન કર્યાના બે મહિનામાં તો પ્રમોશન મળી ગયું. હૈદરાબાદ રહેવાનું. એકલા જ રહેવાનું. સસરા તો જયપુર રેલવેમાં છે. દિયર-નણંદ-જેઠ-જેઠાણી-સાસુ-સસરા કોઈપણની જવાબદારી નથી. ત્રણ બેડરૂમવાળા બંગલાનું હાઉસ રેન્ટ પણ કંપની ભોગવે છે. અને હમણાં તો ફોરવ્હીલર પણ લીધું છે, છતાં પણ… તે સુખને શોધતી હતી. મોડીરાત્રે ઊંઘ આવી હશે કે કેમ, કોને ખબર ? વહેલી સવારે રાજેશના હાથ તેની ઝૂલ્ફોને સંવારતા હતા : ‘ચાલો ગોરી, તૈયાર થઈ જાવ. લૅટ અસ ગો ટુ બાદલપર….’

આમ તો ફોન કરી જ દીધો હતો. પણ બાદલપર નજીક આવતું ગયું તેમ તેમ દિલની ધડકન વધતી ગઈ. ગાડી કૉલોની તરફ વળી ત્યારે સાંજ પડી ગઈ હતી. દીપક બહાર નીકળતો જ હતો પણ રાજેશને જોઈને દોડી આવ્યો, ભેટી પડ્યો. કાલિંદી સાડીનો પાલવ સમેટીને બહાર આવી, ‘કેમ છો કાલિંદી ? ઓહ સૉરી ! ભાભી…’ કહી હસ્યો. સ્ટાઈલ એ જ રહી હતી. તેની અદા, હાવભાવ કશું જ નહોતું બદલાયું. એ સ્મિત કરીને આગળ વધી. ત્યાં જ અંદરથી તેની પત્ની નેહલ પણ આવી પહોંચી. નેહલ, પોતાની તરફ અનિમેષ તાકી રહી. એની આંખોમાં પોતાને જોવાનું કુતૂહલ હતું ? કદાચ… દીપકે વાત કરી હોય ! નેહલે તેનો હાથ પકડી લીધો હેતથી.
‘આવો, વેલકમ, ભાભી !’
બંને મિત્રો આગળ ચાલતા હતા. અચાનક દીપક અટકી ગયો : ‘કેમ છો ભાભી, આમ તો મજામાં ને ?’
‘હા.’ એણે મંદ સ્વરે કહ્યું.
દીપક હસી પડ્યો, ‘ક્યાં ગયું એ બાંકુ સ્મિત આપનું ? જેના ઉપર સદા દીવાના હતા અમે ?’ એ ક્ષોભ પામી. પણ વળતી પળે નેહલ બમણા જોરથી હસી પડતાં રાજેશને ઉદ્દેશીને ટહુકી : ‘રાજેશભાઈ, ભાભીને જમવાનું તો બરાબર મળી રહે છે ને ?’

વાતાવરણ હાસ્યના ગુંજારવથી ભરાઈ ગયું. કલાક-બે કલાકમાં તો પડદા બધા હટી ગયા. ફરી પાછી એ જ મહોલાત. મહેલો…. સ્મરણો, યાદો ! તને સાંભરે રે, મને કેમ વીસરે રે…’ વાતો ખૂટતી જ નહોતી જાણે ! દીપકે બધાને પેટ પકડીને હસાવ્યા. કાલિંદીએ વિચાર્યું, : આજે તક મળી છે. દીપકની માફી માગી લઈશ કે દીપક, દિલથી જો કોઈને ચાહ્યો હોય તો એકમાત્ર તને ! બાકી રાજેશ સાથેનાં લગ્ન એક અપરિપક્વ વૈચારિક અવસ્થામાં થઈ ગયેલી ગોઠવણમાત્ર છે.

રાત પડી. વૈશાખનો ચંદ્રમા બરાબર માથા પર આવ્યો હતો. કાલિંદી પાણી પીવા ઊભી થઈ. પણ દીપકના રૂમ આગળ જતાં તેનાં પગલાં અટકી ગયાં. અંદરથી નેહલ અને દીપકનો અવાજ સંભળાતો હતો. નેહલ કહેતી હતી :
‘દીપક, કાલિંદી હજી ય તને પ્રેમ કરે છે. એક સ્ત્રી હોવાને નાતે તેની આંખોમાં ઊમટતી તારા પ્રત્યેની લાગણી મારાથીય છાની ન રહી.’
‘પણ મારે માટે હવે એ પરાઈ થઈ ગઈ છે, નેહલ. સ્વપ્નમાં પણ મારે તેને યાદ ન કરવી જોઈએ પણ…’
‘પણ….’
‘પણ મારી એક ભૂલ થઈ ગઈ કે મેં તને પહેલાં આ બધી વાત કરી. વૅલ, હવે તેનો કોઈ અર્થ જ નથી. કદાચ એ ઉંમર, એ પ્રવાહ જ એવો હોય છે કે કોઈને કોઈ આપણને ગમવા લાગે છે. જે ચંદ ક્ષણો માટે હોય છે. જે એક અર્થહીન તથ્ય સિવાય કશું જ નથી. હું તો તેને કદિ યાદ પણ કરતો નથી. એ યાદ આવતી પણ નથી. નેહલ, કોઈની તરફ એવી લાગણી ઉદ્દભવે પણ એ પ્રવાહ બની વહેવા લાગે એ પહેલાં જ તેને રુંધતો કોઈ આડબંધ બંધાઈ જાય તો પછી એ પ્રવાહ હજીય વહે એની રાહ જોવાની ? એ ઠીક નથી. હું તો નેહલ નામની નદીમાં તરી રહેલો માનવી છું અને તેની લાગણીનાં જળથી તૃપ્ત છું. તો પછી શા કારણે મારે બીજા પ્રવાહની આશા કરવાની ?’

કાલિંદી ચમકી ઊઠી. કોણ- આ દીપક બોલે છે ? પણ હા, એ દીપક જ છે. ભીતરથી કોઈ બોલ્યું : જેના પ્રેમના ભ્રમમાં તું તરતી રહી, પણ એ તો તારા નામના કિનારાને છોડીને ક્યારનોય બીજા કિનારે પહોંચી ગયો છે ! પોતે આટલી સરળ વાતને કેમ ન સમજી શકી ? ત્રણ ત્રણ વરસ સુધી પોતાની લાગણીની નૈયા આ કાંઠે લાંગરીને રાખી. ન તો પોતે તરી શકી કે ન રાજેશને તરાવી શકી. દીપકને પોતે પ્રેમનો દીપ માનીને હૈયાના ઓરડામાં પ્રજ્જ્વલિત રાખ્યો, પણ દીપકના હૈયામાં તો કોઈ અન્યના નામનો દીપ જલે છે. એ તો પોતાને અર્થહીન તથ્ય માને છે. તો પોતે શા કારણે એ સમયને પકડીને બેઠી છે ? એ ભારે પગલે પાછી ફરી ગઈ.

બારી બહાર જોયું. ચંદ્ર આકાશે ચડ્યો હતો. ચંદ્ર પ્રેમનું પ્રતીક છે. આજે તેને થયું કે ચંદ્રમામાં ડાઘ કેમ છે ? આજે કાલિંદી ભ્રમના મૃગજળમાંથી બહાર આવી ગઈ. તેનું હૈયું આપમેળે રાજેશ તરફ ઢળી ગયું. એક તો આ વૈશાખી રાત, મહેકતો ચંદ્ર, ખૂશ્બોદાર હવા, સ્વચ્છ નિર્મળ અને શાંત હૈયું. અને પોતાના રાજેશનો સહવાસ…. ભીતરમાં આજ પહેલીવાર લાગણીનું મોજું ચડ્યું. એ રાજેશમાં સમાઈ. ભર ઊંઘમાં પણ રાજેશે તેને પોતાનામાં સમાવી લીધી. એક પળ તેણે આંખો ખોલી. તો ભ્રમનું નિરસન થઈ ચૂક્યું હતું. સ્વપ્ન નહોતું, પણ વાસ્તવ સ્વપ્ન કરતાં ય વધુ રળિયામણું લાગી રહ્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “હથેળીમાં પોઢેલો ચંદ્ર….. – યોગેશ પંડ્યા”

Copy Protected by Chetan's WP-Copyprotect.