શાંતિ છે ને ? – મૃગેશ શાહ
[dc]‘શાં[/dc]તિ છે ને જીવનમાં ?’
આવો એક પ્રશ્ન હમણાં તમને સાંભળવા મળ્યો હશે. ‘કેવી રીતે જઈશ’ ફિલ્મમાં પૂછાયેલો આ પ્રશ્ન આમ તો રમૂજી દ્રશ્ય તરીકે બતાવાયો છે પરંતુ આવો પ્રશ્ન દરેકે પોતાને પૂછવા જેવો છે. સમસ્યા એ છે કે ખાડો દેખાય તો ખાડો પૂરી શકાય ને ? એમ, શાંતિ છે કે નહીં એવો જો પ્રશ્ન ઉદ્દભવે તો કંઈક એ દિશામાં એનો ઉકેલ વિચારી શકાય. પહેલાં તો રોગનું નિદાન થવું જોઈએ. સૌથી મોટી બાબત એ છે કે આપણી પાસે રોગનું નિદાન કરવા જેટલો પણ સમય નથી.
દિવસે ને દિવસે હળવાશ મોંઘેરી મૂડી બનતી જાય છે. નોકરી-ધંધાનું ક્ષેત્ર સતત તનાવમાં હોય એ તો સમજી શકાય પરંતુ એવા ક્ષેત્રોમાં આજે સ્ટ્રેસ જોવા મળે છે જ્યાં આપણે કદી કલ્પના પણ ન કરી હોય. સાહિત્યકાર મીરાબેન ભટ્ટ રિયાલિટી-શૉના સંદર્ભમાં કહે છે કે હવે તો સંગીત પણ મહાયુદ્ધ છે ! ધર્મ અને કલાનું ક્ષેત્ર સુદ્ધાં સ્પર્ધામાંથી બાકાત નથી. સ્પર્ધાથી વિકાસ થાય છે એ સારી વાત છે પરંતુ થોડુંક દોડ્યા પછી ઘડીક થોભી જવાનું જરૂરી હોય છે. આ થોભી જવાની બે ઘડીમાં પણ આગળના દોડવાની ચિંતા સતાવ્યા કરતી હોય તો થાક બરાબર ઉતરતો નથી. બાળકોને અભ્યાસમાંથી રાહત મળે એ માટે રમત રમાડવામાં આવે છે, પરંતુ થોડો સમય વીતતાં એ હળવાશની જગ્યાએ બોજની પ્રવૃત્તિ બની જાય છે કારણ કે રમતમાં પણ નંબર લાવવો પડે છે. નોકરીની એકવિધતામાંથી થોડી અલગ પ્રકારની પ્રવૃત્તિ શરૂ કરવા માટે લોકો સારી કલબ, સત્સંગ, મંડળ કે અન્ય એવા કોઈ આયામોનો સહારો લે છે પણ થોડા દિવસોમાં એ બધી જ જગ્યાએ દોડ શરૂ થઈ જતી હોય છે. સાહિત્ય-સંગીત ક્ષેત્રે ઉત્તમ રચનાઓ આપનારને પણ કંઈક નવું આપવાની સતત ચિંતા રહેતી હોય છે. જાયે ભી તો જાયે કહાં ?
વાત હરીફરીને ત્યાં આવે છે કે શાંતિ નથી. શાંતિ આપનારા સાધનો પણ શાંતિ નથી આપી શકતા ત્યારે માણસે કરવું શું ? દવા જ દર્દને વધારે તો માનવી શું કરે ? ઉપાય છે. બહુ સરળ ઉપાય છે. જીવનમાં હળવાશ કેવી રીતે આવી શકે એની માટેનો સૌથી પહેલો ઉપાય છે કે ખાલી થઈ જવું ! તમે કહેશો કે આ વળી કેવો ઉપાય ? બસ, જાણે કંઈ જ કામ બાકી નથી અને આગલા બે-ચાર દિવસ સુધી રજા જ રજા છે એમ મનથી માની લેવું તો હળવાશ જલ્દીથી આવશે. ‘આ અશક્ય છે. આટલા બધા કરવાના કામ બાકી હોય એમાં એવું કેમ માની શકાય ?’ એમ તમે બોલી ઊઠશો. પરંતુ મનને તમે ધારો એ રીતે ઘડી શકાય છે. એક ઉદાહરણ આપું. શાળાના દિવાળી વેકેશનનો પહેલો દિવસ યાદ કરો. કેટલી બધી હળવાશ આપણે અનુભવતા હતાં. આગલા દિવસથી જ મનોમન વિચાર કરતાં કે કાલે તો સ્કૂલ નથી જવાનું. આ અનુભૂતિ એ જ આનંદ છે. વેકેશનના પહેલા દિવસે મોડાં ઊઠવાનું. બ્રશ કરતાં કરતાં જૂનાં ફટાકડાની થેલી શોધવાની. ચા-નાસ્તો કરીને નાહ્યા વગર જ બેટ-બોલ લઈને સોસાયટીમાં નીકળી પડવાનું. પડોશીઓના ઓટલે બેસીને બોલ ભીંત સાથે અથાડવાનો…. અહા ! કેવી નવરાશ ! કામ તો એ વખતે પણ હતું. દિવાળીના એસાઈન્મેન્ટ કરવાના હતાં, અગાઉની પરીક્ષાઓની તૈયારીઓ કરવાની હતી, કેરિયર બનાવવાની હતી, જીવનમાં આગળ વધવાનું હતું… ઘણું બધું કરવાનું હતું… પણ એ બધું આપણે વિચારી શકીએ એવી સમજ નહોતી. તો પછી આ તો એવું થયું કે જેટલી સમજ એટલું દુઃખ ! હા, ખરેખર. વાત સાચી છે. આજે પણ તમે ઘણા સમજદાર લોકોને સતત ચિંતિત અવસ્થામાં જોશો. જેને આમ કંઈ જીવન વિશે બહુ સમજ નથી પડતી એ નિરાંતે જીવે છે. પ્લાનિંગનો અતિરેક હળવાશને ખતમ કરી નાખે છે. તમે જોશો કે સાવ નવરા પડેલા માણસો પણ હળવાશનો અનુભવ કરી શકતા નથી. કારણ કે અંદર ફેકટરી ધમધમતી હોય છે. ખાલી થઈ જઈએ તો હળવાશ ઝટ દઈને આપણને વળગી પડે ! આ ખાલી થઈ જવું અઘરી વાત છે.
જે સમજશક્તિ આયોજનો કરવામાં વપરાય છે એ સમજશક્તિ જો જીવનને સમજવામાં વપરાય તો આપણે હળવા થઈ જઈએ. છે જીવન તો આ બધું ચાલ્યા કરે… એમ ક્યારેક થોડું ઢીલું મૂકી દઈએ તો થોડી હાશ અનુભવી શકીએ. બધી જ બાબતોના બધાને ખુલાસા આપ્યા કરનાર અને આખા જગતને ખુશ રાખવાનું વ્રત લઈને નીકળનાર કદી શાંતિ અનુભવી શકતા નથી. સ્વીકાર કરવાની શક્તિ જો માણસમાં હોય તો એ ચોક્કસ શાંતિ અનુભવી શકે છે. બધું જ કંઈ આપણું ધાર્યું થતું નથી એમ વિચારીને પણ જો મનને ઘડીક આરામ આપી શકાતો હોય તો એ ખોટું નથી. ઘણા લોકો અશાંતિને હાથે કરીને નિમંત્રણ આપતાં હોય છે અને પછી એને મક્કમતાથી વળગી રહેતા હોય છે. ફેસબુક પર મેં હમણાં લખ્યું હતું કે બપોરના સમયે એક ગરીબ મજૂર છોકરો ભજીયાંનું પડીકું લઈને જતો હતો. બાજુની ગલીમાંથી કૂતરાં નીકળ્યાં અને દોડાદોડમાં એ પડીકું ધૂળમાં રોળાઈ ગયું. કેટલા દિવસે માંડ પૈસાનો મેળ પડ્યો હશે અને આજે ભજીયાં લાવવાની વ્યવસ્થા થઈ હશે. પરંતુ એ છોકરાના મોં પર કોઈ વ્યથા કે દુઃખ નહોતું. ‘ઠીક છે… જે થયું તે…’ મનોમન એમ વિચારીને એણે તો ચાલતી પકડી. જીવનમાં આ બધું ન ધારેલું બને જ છે, એવો સ્વીકાર કરવાની શક્તિ ભલભલા શિક્ષિત લોકોમાં પણ નથી હોતી. એ મજૂરના છોકરાની જગ્યાએ કોઈ ભણેલા ભદ્ર વર્ગનો યુવાન હોત તો એણે કંઈ કેટલાય વિચાર કરી નાખ્યા હોત. કદાચ એણે એમ વિચાર્યું હોત કે પપ્પા બાઈક અપાવતા નથી ત્યારે મારે આ બધું દુઃખ વેઠવું પડે છે ને ? મા-બાપ જ ખરાબ છે. એની વ્યથા એણે કૂતરાઓ પર પણ કાઢી હોત. મ્યુનિસિપાલિટી કશું કરતી નથી, સરકાર કશું કરતી નથી, દેશ ખાડે જવા બેઠો છે….એમ એણે કહી નાખ્યું હોત. આમ પણ, નાની-નાની વાતોમાં આ રીતે ડિપ્રેશ થઈ જનારો વર્ગ આજકાલ બહુ જોવા મળે છે. ચોવીસ કલાક ચાલતી ન્યુઝચેનલોથી સૌને લાગવા માંડ્યું છે કે જીવન કેટલું બધું ખરાબ છે ! બુદ્ધિ વધી પરંતુ જીવનને સમજવાની શક્તિ ઘટી. સ્વીકાર ઘટ્યો અને મુસીબતો વધી.
જીવનને એક ફ્રેમમાંથી બહાર કાઢી લેવામાં આવે તો પણ તનાવ ઘટે છે. અમુક લોકો રોજિંદા એકની એક ઘરેડમાંથી બહાર આવવા જ નથી માગતાં પરિણામે તાણ વધતી જાય છે. સાત વાગ્યે એટલે યોગા કરવાના, દશ વાગે એટલે બસસ્ટેન્ડ પહોંચી જ જવાનું, બપોર પહેલાં મોટા ભાગનું કામ ખેંચી જ લેવાનું, પાંચ વાગે શાકમાર્કેટ, છ વાગે મંદિર, સાત વાગ્યે ઘેર, આઠ વાગ્યે ટીવી સિરિયલ, નવ વાગ્યે ન્યૂઝ…. અરે ભાઈ, તમે માણસ છો કે રૉબોટ ? લોકો નવું કરતાં બહુ ગભરાય છે અને એકની એક ઘરેડમાં જીવવાનું પસંદ કરે છે. સવારે ઊઠીને વાંસળી વગાડીએ તો લોકો શું કહેશે ? આ પુસ્તક વાંચતા રાત્રે સૂતાં બાર વાગી જશે તો સવારે કેમ કરીને ઉઠાશે ? 6:15ની ટ્રેન ચૂકી જવાશે તો શું થશે ? મન તો થાય છે કે મહેંદી પાડતાં શીખીએ, કંઈક ડેકૉરેટિવ વૉલ-પીસ બનાવીએ, સ્કેટિંગ કરીએ, જૂનાં સાચવી રાખેલા પુસ્તકો-ડાયરી-ફોટોગ્રાફ્સ જોઈએ. પણ ક્યારે ? ‘સમય જ નથી મળતો’ એ સૌથી મોટું બહાનું છે. શાંતિ તો હાથવેંતમાં છે પણ અશાંતિ છોડવી ગમતી નથી. મને ઘણીવાર વિચાર આવે છે કે લોકો ડિજિટલ કેમેરામાં, મોબાઈલમાં, આઈપેડમાં જે ઢગલાબંધ ફોટા પાડે છે એને જોતાં ક્યારે હશે ? એને જોવા માટેની નવરાશ ફોટો પાડનારને રહેતી હશે ખરી ? રોજિંદી ઘટમાળ ઘંટીની જેમ સતત ફરતી રહે છે, જે નાંખો એ બધું જ દળાઈ જાય ! આ ઘંટી રિટાયમેન્ટ પછી જ્યારે બંધ થાય ત્યારે અચાનક સાવ નવરા પડી ગયેલા લોકોની હાલત જોવા જેવી હોય છે.
શાંતિ મેળવવાના બીજા પણ રસ્તાઓ છે. દિવસનો થોડો સમય સાવ એમનેમ બેસી રહેનારના જીવનમાં હળવાશ આપોઆપ પ્રગટે છે. તમામ પ્રકારના આયોજનોના વિચારોથી મુક્ત થઈને થોડી ક્ષણો પોતાની સાથે વિતાવનાર હંમેશા ફ્રેશ રહે છે. પ્રત્યેક ક્રિયાઓ શાંતિથી કરનાર વ્યક્તિ તાણમુક્ત રહી શકે છે. આ બાબતનો અનુભવ કરવો હોય તો નાના બાળકને એક વાટકીમાં મમરા ભરીને આપી જોજો. એ કેટલી શાંતિથી નવી-નવી રીતે ખાય છે એ જોયા કરજો. પ્રકૃતિને માણવાથી, પ્રક્ષીઓને ધ્યાનથી જોવાથી, ખિસકોલીને નિહાળવાથી, દૂર-દૂરનાં અવાજો સંભળાય એવી નિરાંતમાં કંઈ પણ ન સાંભળવાથી, મધ્યરાત્રિએ બારીની પાસે થોડો સમય બેસવાથી, મોટી ઉંમરે બાળવાર્તાઓના પુસ્તક વાંચવાથી, ગાવાથી, ગણગણવાથી…. એમ અનેક રીતે હળવા થઈ શકાય છે. મુસીબતોએ તો તમને ક્યારના છોડી દીધાં છે, તમે મુસીબતોને છોડી દો એટલી વાર છે. કરુણતા એટલી જ છે કે શાંતિ આપણી ચોતરફ ફેલાઈ હોવા છતાં આપણે પૂછવું પડે છે કે ‘શાંતિ છે ને ?’



શાંતિ શોધવાથી નહિ પણ માનવાથી મળતી હોય છે. જીવનની દરેક પરિસ્થિતિને હકારાત્મક દ્રષ્ટિથી જોઈએ તો શાંતિ ક્યાય શોધવાની જરૂર પડતી નથી અને અંતરમન હમેશા શાંતિનો અનુભવ કરતુ રહે છે.
Aa tamaro khud no anubhav tame varnan karta hoi tevu lagyu.karan ke vancta vancta mane pan ekad anubhav najar samaksh avi gaya.khub saras mrugeshbhai bahu gamyu. Abhar
સાવ સાચી વાત.
મારે દરરોજ હળવા થવું એટલે…સવારે હીચકે બેસી શાંતિથી ચા પીવી, ચા પીતા-પીતા આસપાસ ના વૃક્ષ પર ના પક્ષીઓને જોવા….,તેમના અવાજ સંભળવા, મંદિરનો ઘંટારવ સાંભળવો……!
અને ક્યારેક દરરોજ કરતાં અલગ રીતે હળવા થવું હોય તો….મિત્રોને લખેલા કે આવેલા પત્રો વાંચવા…વંચી લીધેલા પુસ્તકો ફરી વાંચવા….બાળભાસ્કર કે ચંપક વાંચવુ….!
બહ સારિ વાત છે!!
very good article!
ખરેખ્રર ખુબ જ સરસ લેખ્. ખુબ ખુબ આભર્ આ લેખ વા ચવથિ મન ખુબજ હલવાશ અનુભ્વે ચ્હે. ગુજરાતિ મા પ્રથમ પ્રયત્ન ચ્હે તો ભુલ બદલ ક્શ્મા . આભર્ ઉપેન્દ્ર
very nice article. I will try to follow the path you have mention..
very nice. have peace. Thanks
Peace is god’s gift and it is within us.Only some people can find it.Only god and deep faith in almighty can give you that positive thinking.God is the giver of shanti.
Aum shanti shanti shanti.
લેખ વાંચીને ઊંઘ આવી ગઈ અને શાંતિ મળી. 🙂
Wow…… very Peace story …. !!!! VERY VERY NICE …
THANKS MRUGESHBHAI.
YOU SAY REAL STORY TO US.
VERY NICE ARTICAL.
calm & cool stroy for Peacefull person..!!!!! Nice artical…
Nice Article…
Mrugesh Sir shanti 6 ? ONE OF THE BEST ARTICAL FOR NEW GENERATION SUPERB
અશાંતિ મૂળ શેમાં છે, તે શોધવાની જરૂર છે. જો આપણી અપેક્ષાઓ આપણી પોતાની લાયકાત કે આવડત કરતા વધુ હશે તો અશાંતિ જરૂરથી રહેવાની જ. જો આપણી લાયકાત કે આવડત આપણે લક્ષ્ય કરેલ જરૂરિયાત કરતા વધુ હશે તો આપણું મન મૉટે ભાગે શાંત જ રહેશે. આ મૂળ પાયા ની વાત છે. જે દરેક જણે ધ્યાન માં રાખવી. શાંતિ કે અશાંતિ બધું જ આપણી અંદર જ છે. આપણે જ આપણા મિત્ર કે પછી આપણે જ શત્રુ પણ છીએ. બને ત્યાં શુદ્ધિ પોતાની જાત ની કોઈની પણ સાથે સરખામણી કરવી નહિ. તો સુખ અને શાંતિ બંને જળવાશે.