- ReadGujarati.com - http://www.readgujarati.com -

પિયર પધારેલી પત્નીને પ્રેમપત્ર – ડૉ. વિનિત પરીખ

[‘પોરવાડ બંધુ’ સામાયિક, જુલાઈ-2012માંથી સાભાર.]

[dc]મા[/dc]રી તોફાની બાયડી,
લિ. તારા ભૂખ્યા ભરથારના જય જગદંબે.
આમ તો તને પોસ્ટકાર્ડ જ લખવાનો હતો, પણ આ કવર મફતમાં મળી ગયું એટલે થયું કે ભલેને મારી બૈરી ખુશ થતી ! જત જણાવવાનું કે હું અહીં તારા વિરહના દિવસોની મઝા માણી રહ્યો છું. તેમાં તારો પત્ર મળતાં મારી ખુશી ઓર વધી ગઈ છે. આમ તો હું હમણાંથી રોજ ભૂખ્યો જ રહું છું, પરંતુ ભૂખ્યા પેટેય આવો ને આટલો આનંદ મળ્યો તે તારા પત્રના પ્રતાપે ! ના સમજી ? જો સમજાવું. તારી ઈચ્છા વધુ બે મહિના ત્યાં રોકાઈ જવાની છે એમ વાંચીને હું ગદગદિત થઈ ગયો છું ! પ્રભુ જ્યારે આપે ત્યારે છપ્પર ફાડીને આપે તે આનું નામ ! જો પાછી કંઈ ગેરસમજ ન કરતી, હું તારા આનંદની ને તારા સુખની જ વાત કરું છું. તને હજુ ત્યાં બે માસ રોકાવાની મંજૂરી હું આપું તેનાથી તને કેટલો આનંદ થશે ? અને તારો આનંદ એ જ મારો આનંદ છે ને ? માટે હે બ્યુટીક્વીન, મારી પરવા કર્યા વગર તું જરૂર ત્યાં રોકાઈ જજે.

મારા ઘરની સર્વેસર્વા ! એવું રખે માનતી કે તારા વિનાના આ તારા સેવકને તારા વિરહની કોઈ અસર જ નથી. તારા વિરહમાં મારા ચહેરા પરની દાઢીના વાળ રોજરોજ જલ્લાદ જેવા રેઝરની સામે માથું નમાવીને શહીદ થઈ જાય છે. મારી વધેલી દાઢી પર સ્વસ્તિવચન સુણાવનાર તું અહીં નથી પછી દાઢીના વાળને જીવાડીને શું કામ ? અને મારા બૂટ પરની ધૂળ જાણે તારાથી રિસાઈને ગાયબ થઈ ગઈ છે ! તારી હાજરીમાં તો મારાં બૂટ પર ધૂળના થર હંમેશા કેવા પ્રેમપૂર્વક રહેતાં ! હવે તારા વગર એમને ક્યાંથી ગમે ? અને તું નથી છતાં મારાં ખિસ્સાં તો ખાલી જ રહે છે તારી યાદમાં. વળી માથાનો દુઃખાવો તારા પ્રતીકરૂપે રોજ મને મળવા એકાદ વાર તો આવી જ જાય છે. રાતની વાત કરું ? અરે લંબોદરાય, તારા વગરના રૂમમાં પ્રવેશવાનું અને મને સતાવવાનું તો હવે પેલા સપનાઓને પણ મન થતું નથી ! ખાટલામાં પડતાની સાથે એવી ઘસઘસાટ ઊંઘ આવે છે કે વહેલી પડે સવાર !

આજની સવાર જો કે સૂરજે દિશા બદલી જણાય છે. કારણ કે આજે આ તારા રંક ધણીને તારો પત્ર મળ્યો, એ તો ઠીક, પણ એમાં તું પાછી પૈસા ખરચવા મારી પરમીશન માંગે છે ! અરે ગાંડી, તું તો મારાં ખિસ્સાની ધણિયાણી છે. તું અહીં હોય ત્યારે કશું ખરીદતાં પહેલાં મને પૂછે છે, કે હવે વળી કાગળમાં મારી પરમીશન માંગે છે ! ને તેય તે ક્યારે ? તારા માટે ફક્ત બે સાડલા પેટીભેગા કર્યા પછી ? પણ મારા માટે કશુંય ખરીદતી નહીં. તું પોતે આખેઆખી મારા લમણે કૂટાવા પાછી આવવાની છે, તે ઓછું છે ? અને વળી હજુ તો તારે પફપાઉડર ને પાકિટો, લાલી લિપ્સ્ટીક ને લટકણિયાં, કાંસકા ને કાજળ, ચાંલ્લા ને ચીપિયા, અત્તર ને અરીસા, ચંપલ ને ચણીયા, બ્લાઉઝપીસ ને બંગડીઓ…. વગેરે વગેરે ઘણું ખરીદવાનું બાકી હશે ને ? તે બધુંય નિરાંતે લેજે, ને મહિના બે પૂરાં રે’જે; પણ એટલો ખ્યાલ રાખજે, શેઠાણી ! કે આ સેવક પાસે હવે તને મોકલવા માટે વધારાનાં ખનખનિયા બચ્યાં નથી !

મહાકાયા, તું તારા કાગળમાં પૂછાવે છે કે મારાં ભાઈબંધ દોસ્તારો મને સાચવે છે કે નહિ ! મારી હેડંબા ! આ પ્રશ્ન અસ્થાને છે. કારણ કે સાચવવા એને પડે, જે અસ્વસ્થ હોય. ને તારી ગેરહાજરીના પ્રતાપે હું તો સ્વસ્થ જ છું ! મારાં ભાઈબંધ દોસ્તારો જાણે છે કે આજકાલ મારા ચમનમાં કોઈ બલા નથી…. સોરી, બેલા નથી… ને તેથી મને મહામહેનતે મળેલી શાંતિમાં ભાગ પડાવવા તેઓ નથી આવતાં ! (પાડોશીની પેલી શાંતિની વાત નથી કરતો હોં !) સાચું કહું તો અત્યારે હું ફ્રી છું, તેથી ખરેખર તો મારે મારાં મિત્રોને સાચવવાં જવું જોઈએ; બાયડીની ઘેરહાજરીમાં (ગેરહાજરીમાં નહીં) મરદ મૂછાળા ભાયડાની હાલત કેવી હોય તે હું ક્યાં નથી જાણતો ? ઈન્કમટેક્ષવાળા કાગળના જવાબ આપવાનું તેં યાદ કરાવ્યું એ સારું કર્યું. તું ને એ બેઉ સરખા મૂર્ખ છો. બંને એવું માનો છો કે હું તમારાથી મારી આવક છુપાવું છું ! ઓ ઘુવડનયની ! તારી ચકોર નજરથી કશું છૂપું રહી શકે ખરું ? આવકવેરા ખાતાથી હું છુપાવી શકું, પણ તારાથી શી રીતે છુપાવાય ? ખરેખર તો આવકવેરા વિભાગે સાચી માહિતી મેળવવા માટે પતિનારાયણી એવી પત્નીઓની ઉલટ તપાસની ઝુંબેશ ચલાવવી જોઈએ. કારણ કે પતિની આવક કેટલી તે એક જાણે પરમેશ્વર ને બીજી જાણે પત્ની ! જો કે તારી વાત જુદી છે ! તું તો એવી ચબરાક છે કે મારી ખોટી આવક બતાવીને મને જ સપડાવે ! ને પછી બિચારો હું પેલા અધિકારીને ‘છોકરાંવ’ની મિઠાઈ માટે પૈસા આપું, એમાં તારીય મિઠાઈ આવી જાય ! એટલે આ બધી આફતોથી બચવા મેં હવે વકીલ જ રોકી લીધો છે. પછી તારી પસંગીમાં છેતરાયો તેમ વકીલ બાબતે છેતરાયો હોઉં તો નસીબ મારાં, બીજું શું ?

મારી ઊંઘણશી અર્ધાંગિની, તને હવે ઊંઘ આવતી હશે, પણ આ પ્રેમપત્ર તો હજુ અધૂરો જ છે. તને એ જાણીને જાગી જવાનું મન થશે કે તેં રોજનીશી લખવાની શરૂ કરી તેથી હું ખૂબ જ ખુશ થયો છું. સમોસું ચટણીમાં ડૂબે તેમ તેં તારી નાસિકા લેખનકળામાં ડૂબાડી છે તે આનંદની વાત છે. ધારો કે તું રોજ એક કલાક આવા લેખન પાછળ બગાડતી હોય… સોરી, ગાળતી હોય, તો હે પરમાર્થી લેખિકા, તારાં કુટુંબીજનોને એક કલાક કેવી અદ્દભુત શાંતિ મળતી હશે ! એક કલાક એટલે 60 મિનિટ ! અરે, 3,600 સેકન્ડ !! અને તે પણ પૂર્ણ શાંતિવાળી, ને તેય તે તારી હાજરીમાં ! મને તો સ્વપ્ન સમાન લાગે છે ! અહીં આવ્યા પછી પણ તું આપણા સૌના હિત ખાતર આ પ્રવૃત્તિ ચાલુ રાખજે… હું તને ડાયરી, પેન, ટેબલ, ખુરશી…. અરે ! પ્રેરણા પણ આપીશ…. આખરે મારી ય તારા પ્રત્યે કોઈ ફરજ ખરી કે નહિ ? અને જો, તારી અત્યાર સુધીની લખેલી રોજનીશી મારા જેવા તારા પ્રશંસકને વંચાવવા જરૂર લાવજે. એમાંથી અગડમબગડમ વાતો વાંચીને મને કેટલાંયે હાસ્યલેખો લખવાની પ્રેરણા મળશે…. આમ પણ મેં હમણાં જ તારા ઉપર એક કવિતા તો બનાવી જ દીધી છે ! શું કરું ? તને ભૂલવાની હું ઘણીય કોશિશ કરું છું, પણ વ્યર્થ ! જ્યારે જ્યારે કોઈ વજનદાર વ્યક્તિને જોઉં છું, કોઈ વજનદાર અવાજ સાંભળું છું; ત્યારે ત્યારે તારી વજનદાર યાદ મારા ભયથી કંપતા શરીરને આવી વળગે છે !

‘કદી કો કકળાટે, કદી કો કર્કશ કડક ક્રોધવચને
કદી કો’ની વિરાટ કાયે, ચૌદિશથી ભય મને આવી વળગે !
વધતી શી કંપાશી: તુજ વિરહવર્ષા વિણ ઓ ચંડિકે,
શમે શે શે જ્વાલા ભયની હૃદય મહીં જે ચોમેર સળગે.’ (શ્રી નાથાલાલ દવેની ક્ષમાયાચના સહ.)

જોયું ને ! તારા વિયોગમાં હું કવિતા કરતો થઈ ગયો ! પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપા ઉતરે, ને આ વિયોગ જો લંબાય, તો હું જરૂર એક મહાન હાસ્યકવિ થઈ શકું ! જોઈએ હવે, ગુજરાતી સાહિત્યને તું એક હાસ્યકવિની ભેટ ધરે છે કે કેમ ! મારા સુખમાં ભાગ પડાવનાર અને દુઃખમાં મારી દાઢ દબાવનાર ઓ વક્રદષ્ટિ વિકરાળમુખી ! જેમ કોઈ ભાઈને એક ધરમની બહેન ને બીજી સગી બહેન હોય છે તેમ મારે શું એક ધરમપત્ની ને બીજી કરમપત્ની ન હોઈ શકે ? અરે, અરે, ઊભી રહે. કાગળ ફાડતી નહીં; જરા સાંભળ તો ખરી ! આ તો ગઈ કાલે આવું કોઈક બોલતું હતું તે મેં ઉતાર્યું છે. પણ ગુજરાતી કાચું એટલે પેલા ‘ઈન્વર્ટેડ કોમાઝ’ એટલે કે ‘અવતરણ ચિન્હો’ ચીતરવાના રહી ગયા છે ! બાકી તારા માટે કંઈ હું આવાં પ્રશ્નો ને સંબોધનો વાપરું ? તું તો મારા સાસુની લાડકડી ને સાળાની બહેનડી ! હું શું નથી જાણતો કે કાણાને કાણો ન કહેવાય ? માટે જો, મારી આડીઅવળી ફિકર કરીને અહીં દોડી ના આવતી. આ તો તું મારી પ્રત્યક્ષ નથી ને એટલે હું આ પત્ર નિર્ભયતાથી લખી શક્યો છું. ને એ બદલ હું દિલગીર પણ છું. મારી ભવોભવની ભાર્યા, તને જો કોઈ વાતનું આ પત્રના કારણે ખોટું લાગ્યું હોય, જો કોઈ વાતની રીસ ચડી હોય, કે કોઈ વાત પર ગુસ્સો આવ્યો હોય, તો જા ! એવી પ્રત્યેક વાત માટેનું એક એક અઠવાડિયું ગણીને એટલું તું ત્યાં વધારે રોકાઈ જજે, તને મારા સમ છે ! તું તારે રોજેરોજ માલમલીદાં ખાજે, તાજીમાજી થાજે, જાડીપાડી થાજે (પાતળી પાડી જેવી તો તું છું જ, હવે જાડીપાડી !)…. ને પછીય જો આ ધણી યાદ ન આવે તો આ દુનિયાનો જે ધણી છે એના ભજનિયાં ગાજે !

એક વાત યાદ કરાવી દઉં. આ ફેરે ગઈ ફેરની જેમ ખાટલાં ને બારણાં નવા કરાવવા મારી પાસે પૈસા નથી, માટે વધતી હોય ગોળાકારે, તો જરા સાચવીને વધજે. ને પાછાં આવતાં જો ગાડીના ડબ્બામાં જવા બારણું નાનું પડે તો ડબલડેકર ડબ્બામાં ચઢી જજે- એ તમારાં જેવા ડબલડેકર ડબ્બાઓ માટે જ સરકારે બનાવ્યા છે ! ને હવે તને તેડવા આવવાનું મારું ગજુ નથી (કારણ કે તારું વજન મારા કરતાં ચાર ગણું- શી રીતે તેડું ?) માટે સ્ટેશનથી તારી જાતે ગબડતી ગબડતી ઘરે આવી જજે.

હે મારા તન-મન-ધનની મલિકા, હવે હું રજા લઈશ. આટલો ટૂંકો પ્રેમપત્ર લખવા બદલ ક્ષમા, કારણ કે પડોશમાંથી શાંતિ મારા ભૂખ્યા પેટને ભજિયાનું ભાવભીનું ભોજન ધરવા અતિઆતુર છે !

લિ. તારો એકનો એક કહ્યાગરો કંથ.