વીજળી પડી – સ્વામી સચ્ચિદાનંદ

[ ‘સૌરાષ્ટ્રની રસધાર’ના કેટલાક પ્રસંગો તેમજ કેટલીક અન્ય સત્યઘટનાઓ પરથી નવી રીતે લખાયેલા અને તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘સૌરાષ્ટ્રનો મધપૂડો’ માંથી આ સત્યઘટના સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]આ[/dc]પણી ઘણી વિદ્યાઓ અને ઘણી માન્યતાઓ ચુસ્ત બુદ્ધિવાદીઓ નથી સ્વીકારતા. કેટલાક એવો દાવો કરે છે કે જેટલું વિજ્ઞાનથી સિદ્ધ થાય તેટલું જ અમે સ્વીકારીએ છીએ. વિજ્ઞાનની સિદ્ધિ પ્રયોગશાળાથી થતી હોય છે. પ્રયોગશાળા ભૌતિક રસાયણોથી પ્રયોગ કરતી હોય છે. ભૌતિક રસાયણોની સીમા હોય છે. ગુરુત્વાકર્ષણ રસાયણોના પ્રયોગથી સિદ્ધ ન થાય. એટલું જ નહિ, ગામડિયા માણસને તો ગુરુત્વાકર્ષણ સાથે કશી લેવાદેવા પણ નથી હોતી. ઝાડ ઉપરથી ફળ નીચે પડ્યું અને ગુરુત્વાકર્ષણનું જ્ઞાન થયું એવું કહેવાય છે. પણ માનો કે ફળ નીચે ન પડીને ઉપર ગયું હોત તો ? શું સિદ્ધ થાત ? અને નીચે પડ્યું જ ન હોત તો ? નવાં ફળ ક્યાં આવત ? એકે કહ્યું અને બધાએ માની લીધું તે શ્રદ્ધા કહેવાય. બધા માણસો પ્રયોગ ન કરી શકે.

બૌદ્ધિકોને અસ્વીકાર્ય એવી વિદ્યાઓમાંની એક છે જ્યોતિષવિદ્યા. તેના બે ભેદ છે : ગણિતવિદ્યા અને ફલિતવિદ્યા. ગણિતવિદ્યા વિશેનો કોઈને કશો વાંધો નથી હોતો. તે તો લગભગ સર્વમાન્ય છે, પણ ફલિતવિદ્યા આશરે કહેવાતી વાર્તા હોય છે. જો ઘટ્યું તો ઘટ્યું અને ન ઘટ્યું તો કાંઈ નહીં. તેમાં માનનારો વર્ગ આંખ મીંચીને માની લેતો હોય છે, તો તેમાં ન માનનારો વર્ગ આંખ મીંચીને નકારી લેતો હોય છે. માનનારાને અંધશ્રદ્ધાળુ કહેવામાં આવે છે, પણ ન માનનારાને બુદ્ધિશાળી કહેવાય છે. કશો અનુભવ કે પ્રયોગ કર્યા વિના કોઈ વસ્તુને નકારી દેવી તે પણ નકારાત્મક અંધશ્રદ્ધા કહેવાય. અને પ્રયોગો હંમેશાં હકારના હોય છે. નકારાના પ્રયોગો ન હોય. ‘નથી’નો પ્રયોગ ન હોય, ‘છે’નો જ પ્રયોગ હોય. ‘ઈશ્વર નથી’, ‘જ્યોતિષવિદ્યા નથી’, ‘ભૂતપ્રેત નથી’ – આ બધા નકારો છે. પ્રયોગશાળાના જામમાં ‘નથી’ ન મુકાય. નથી એ નકારાત્મક ધારણા છે. તેનો પ્રયોગ ન હોય. ખરેખર તો હકારાત્મક ધારણા બનાવતાં જોર કરવું નથી પડતું, કારણ કે તે પરંપરાથી સહજપ્રાપ્ત હોય છે. પણ નકારાત્મક ધારણા બનાવવામાં જોર પડતું હોય છે. પરંપરાથી ચાલી આવતી ધારણાઓનો છેદ ઉડાડી દેવો એ કાંઈ રમતવાત નથી હોતી. જે લોકો નકાર-ઉતાવળિયા હોય છે તે પ્રયોગો કે અનુભવો કર્યા વિના જ નકાર કરી બેસતા હોય છે, જે કાળાન્તરે અનુભવો થતાં બદલાતા હોય છે. મારા ઘણા નકારો બદલાતા રહ્યા છે તેનો મારે સ્વીકાર કરવો રહ્યો.

ગુજરાતની છેક ઉત્તરે ઈડરનગર આવેલું છે. પર્વતની તળેટીમાં વસેલું આ નગર ‘ઈડરિયો ગઢ’ જીતવાની ઉક્તિથી પ્રસિદ્ધ છે. ગુજરાત ઉપર ઉત્તરમાંથી થતાં મોટા ભાગનાં આક્રમણો ઈડરને ઝીલવાં પડ્યાં છે, તેથી તેનો ઈતિહાસ પણ તેવો જ છે. જેણે જીવનમાં કોઈનાં આક્રમણો ઝીલ્યાં જ નથી તે જીવન ઈતિહાસ વિનાનું હોય. પરમેશ્વરે માણસને છાતી માત્ર શ્વાસ લેવા માટે જ નથી આપી, પ્રહારો ઝીલવા પણ આપી છે. જેની છાતી ઉપર કોઈના પ્રહારો પડ્યા જ નથી તે મર્દાનગીનો દાવો ન કરી શકે.

ત્યારે ઈડરની ગાદી ઉપર કલ્યાણમલજી રાજ્ય કરે. મૂળમાં આ મારવાડથી ઊતરી આવેલો વંશ. કલ્યાણમલજીને જાણવા મળ્યું કે સૌરાષ્ટ્ર-અમરેલી તરફથી કોઈ જોશ જોનારો બ્રાહ્મણ આવ્યો છે. લોકો તેના જોશનાં વખાણ કરે છે. વૈદક અને જ્યોતિષનો ધંધો કરનારો કદી ભૂખ્યો ન મરે. રોગીઓ રહેવાના જ. તેમાં પણ રોગ-રોગીઓ કરતાં નીરોગ-રોગીઓ વધારે રહેવાના. કશો રોગ ન હોય તોપણ પોતાને રોગી માની લેનારો બહુ મોટો વર્ગ છે. દિલ્હી તરફ વીર્યસ્ખલન અને કમજોરીના રોગીઓ બહુ છે. ખરેખર આ કોઈ રોગ નથી, પણ વૈદ્યોએ લોકોના મગજમાં ઠાંસી દીધેલો રોગ છે, તેથી સૌથી વધુ કમાણી આ રોગોમાં થતી હોય છે. અને સૌને પોતાનું- પોતાના બાળકોનું ભવિષ્ય જાણવાની ઉત્કંઠા હોય જ છે, તેથી આ ધંધો પણ બહુ સારો ચાલતો રહે છે.

રાજાએ જોગીને રાજદરબારમાં બોલાવ્યો અને ઘણા પ્રશ્નો પૂછ્યા. તેમાંનો એક પ્રશ્ન વારંવાર પૂછ્યો કે :
‘મારું મૃત્યુ ક્યારે થશે ?’
જોશીએ કહ્યું : ‘એ તો ભગવાનના હાથની વાત છે.’
પણ રાજાએ વારંવાર આગ્રહ કર્યો એટલે જોશીએ કહ્યું : ‘સાંભળો ત્યારે ! આજથી ઓગણત્રીસમા દિવસે તમારે માથે વીજળીની ઘાત છે.’
લોકો ખડખડાટ હસી પડ્યા : ‘અત્યારે તો ચૈત્ર મહિનો ચાલે છે, અત્યારે વળી વીજળી કેવી ?’ પણ જોશી મક્કમ હતો. અને રાજાએ પડકાર ફેંક્યો : ‘જો વીજળી ન પડે તો ?’
જોશીએ મક્કમતાથી કહ્યું : ‘તો આ જનોઈ બાળીને પી જાઉં !’ બ્રાહ્મણો જનોઈને સૌથી વધુ પવિત્ર માનતા હોય છે. જનોઈ માટે પ્રાણ આપનારા કેટલાય બલિદાની બ્રાહ્મણો થયા છે. રાજાનો પડકાર જોશીએ ઝીલી લીધો.
‘પણ વીજળી પડે તો ?’ સભામાંથી કોઈ બોલી ઊઠ્યું.
‘તો જોશીને મારે એક ગામ ઈનામમાં આપવું.’ રાજાએ કહ્યું. જોશીને નજરકેદ કરી લેવાયા. જોશીએ કહ્યું : ‘મહારાજ ! સાવધાની રાખજો ! બાકી તો કર્તાધર્તા ભગવાન છે.’

સમય નજીક આવતો ગયો. સૌને ચિંતા થવા લાગી. માનો કે વીજળી પડે તો ? એવી જગ્યાએ મહારાજને રહેવાનું રાખો કે વીજળીની કશી અસર જ ન થાય. ઈડરના કાળમીંઢ પથ્થરોમાં છેક નીચે એક ભોંયરું છે. તેને જોધપરિયા ભોંયરું કહે છે. તેમાં આશ્રય લેવાનું નક્કી થયું. વીજળી પડે તોપણ ઉપર મોટો પર્વત વીજળીને ઝીલી લે. મહારાજની સાથે તેમના 500 સાથીદારો પણ ભોંયરામાં રહેવા ગયા. સૌની રસોઈ-પાણી-જમવાનું ત્યાં જ થવા માંડ્યું. મહારાજે તાંબાના પતરા ઉપર ગામ લખીને પતરું મંત્રીના હાથમાં આપ્યું અને કહ્યું કે જો જોશીની ભવિષ્યવાણી સાચી પડે તો આ પતરા પ્રમાણે તેમને ગામ આપી દેજો. મહારાજની સાથે 500 મરણિયા સાથીદારો પણ રહેવા ગયા. એક પછી એક દિવસો વીતવા લાગ્યા. સાથેના સાથીદારો ઓછા થવા લાગ્યા. કોઈને કોઈ બહાનું કાઢીને 495 સાથીદારો જતા રહ્યા. માત્ર પાંચ જ રહી ગયા. રાજાને ખ્યાલ આવ્યો કે બધા સાથીદારો છેક સુધી ટકવાના નથી હોતા. જીવનના બધા સંબંધો જીવનપર્યંત ટકી રહે તો તેનાથી મોટી બીજી કોઈ સફળતા નથી હોતી, પણ છેક સુધી ટકી રહેનારા બહુ થોડા જ હોય છે. સંબંધોની કસોટી વિપત્તિ છે. વિપત્તિ વિના સંબંધની કસોટી થઈ જ ન શકે.

એમ કરતાંકરતાં ઓગણત્રીસમો દિવસ આવી પહોંચ્યો. આજે જોશીની છેલ્લી મુદત હતી. આખું રાજ્ય અને નગર ભારે ઉત્કંઠાથી આ દિવસની રાહ જોતાં હતાં. એવામાં આકાશમાં વાદળાં ઘેરાવા લાગ્યાં. લોકોને ભય લાગવા માંડ્યો : કદાચ જોશી સાચો પણ પડે ! ઓચિંતા વાદળાં ક્યાંથી આવ્યાં ? જોતજોતામાં તો વાદળાં ઘટાટોપ થઈ ગયાં. પાંચ મરણિયા સાથી સિવાય હવે કોઈ ન હતું. બધાની નજર આકાશમાં થતા ગડગડાટ અને વીજળી તરફ જવા લાગી. એવામાં ઈડરમાંથી કલ્યાણસંગ અને ઉમેદસંગ એમ બે બહારવટિયા નીકળ્યા. આ બંને ઈડરના દરબારની વિરુદ્ધ પોતાનો ગરાસ મેળવવા બહારવટે ચડેલા. તેમને ખબર પડી કે જોશીની ભવિષ્યવાણીથી બચવા માટે રાવસાહેબ ઈડરિયા ડુંગરના ભોંયરામાં સંતાઈને બેઠા છે, અત્યારે તેમની પાસે માત્ર પાંચ વૃદ્ધો જ છે, બાકી બધા ભાગી ગયા છે. બદલો લેવાનું આ સારું નિમિત્ત છે. વીજળી પડે કે ન પડે, પણ તલવાર તો રાવ કલ્યાણમલની ગરદન ઉપર જરૂર પડશે !

બંને અસવારોએ સાંઢિયો સીધો જોધપરિયા ભોંયરે લીધો. સાંઢિયા ઉપરથી ઉતરીને બંને જણા શસ્ત્ર સાથે કલ્યાણમલજીની પાસે જઈને ઊભા રહ્યા. પોતાના બહારવટિયા ભાઈ કલ્યાણસંગને જોતાં જ કલ્યાણમલ સમજી ગયા કે ભાઈ બદલો લેવા આવી પહોંચ્યો છે. વીજળી પડે કે ન પડે, પણ હવે ભાઈની તલવાર રૂપી વીજળીથી આજે વેતરાઈ જવાનું જરૂર થશે. કલ્યાણમલજી ડગ્યા નહીં, ભયભીત પણ ન થયા. તેમણે ગરદન ઝુકાવીને કહ્યું : ‘લે ભાઈ, તારું કામ પૂરું કર. મેં તારો ગરાસ ડુબાડ્યો તેનો બદલો લઈ લે.’ પણ ભાઈ એ ભાઈ. ગમે તેવાં વેરઝેર હોય તોપણ ખરા સમયે લોહીનો સંબંધ જોર પકડી લે. આકાશમાં જોરજોરથી કડાકા થવા લાગ્યા, કલ્યાણસંગે કલ્યાણમલનો હાથ પકડીને બહાર કાઢી મૂક્યો અને પોતે તેની જગ્યાએ ગોઠવાઈ ગયો. બંને એકનામા : કલ્યાણ-કલ્યાણ. જોરથી વીજળી ત્રાટકી અને કલ્યાણમલની જગ્યાએ કલ્યાણસંગને ભરખી ગઈ. માથે વીજળી પડી, પણ ઘાતમાંથી ભાઈએ ભાઈને બચાવી લીધો. પોતે ઘાતનો ભોગ બની ગયો.

બ્રાહ્મણના વંશજો પાસે હજી પણ તાંબાનું પતરું છે અને જમીન-જાગીર ભોગવે છે. બહારવટિયાના વારસદારોને ટીંટોઈ પરગણું પાછું સોંપાયું કહેવાય છે.

(શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત ‘સૌરાષ્ટ્રની રસધાર’ ઉપરથી સાભાર.)

[કુલ પાન : 266. કિંમત રૂ. 130. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

19 thoughts on “વીજળી પડી – સ્વામી સચ્ચિદાનંદ”

Copy Protected by Chetan's WP-Copyprotect.