અલિખિત – સનતકુમાર ચં. દવે

[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા:2012’માં પ્રાપ્ત થયેલી આ કૃતિના સર્જક શ્રી સનતભાઈ વડોદરાના નિવાસી છે. સર્જન ક્ષેત્રે તેઓ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ સાથે તેમની આ વાર્તા માણીએ. આપ તેમનો આ નંબર પર +91 9879200636 સંપર્ક કરી શકો છો.]

[dc]હ[/dc]મણાં જાન આવશે.
વિવેચનાએ રૂમ અને તેની પેલે પાર સમગ્ર ઘરમાં આમતેમ ચોતરફ નજર ફેરવી લીધી, ઝડપથી. આલોચનાનો એ રૂમ હતો. એ રૂમની બહાર કોઈ નેઈમપ્લેટ વિના પણ તુરત જ ખ્યાલ આવી જાય. રૂમના ફલોરની ડીઝાઈન અદશ્ય હતી અને વોર્ડરોબના દરવાજાં અને ખાનાં તો ન જાણે ક્યાંય ઊંડે ઘરબાઈ ગયા હતા. એક ખૂણામાં જીન્સ, પેન્ટ, બરમૂડા, સ્પોર્ટ શૂઝનો ઢગલો હતો. તો બીજા ખૂણામાં ટેનીસ રેકેટ, વોકર અને સ્પોર્ટ્સના સાધનો હતાં. બાજુમાં જ શોકેસમાં રહેલ વિવિધ સ્પોર્ટ્સના ચંદ્રકો પણ જાણે પોતાની હાજરીની નોંધ લેવડાવતાં હતાં. બેડ ઉપર આલોચનાને લગ્ન સમયે આપવાના કપડાં, સાડીઓ, ડ્રેસીસ, કોસ્મેટીક્સ બધુ યથાસ્થાને પેક થઈ જવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ડ્રેસિંગ ટેબલ પર પણ વિવિધ સૌંદર્યપ્રસાધનો અર્ધા આયનાને ઢાંકી દેતાં હતાં. બાથરૂમના દરવાજા ઉપર બાથરોબ અને ટર્કીશટોવેલ અડ્ડો જમાવીને બેઠા હતાં. રૂમ વિવિધ પરફ્યુમ્સની સુગંધથી ખીચોખીચ ભરાયેલો હતો.

શું કરશે આ છોકરી સાસરે જઈને ? કેમ જીવશે ? કેમ રહેશે ? કેમ બધાને સાચવશે ? – આલોચના જ્યારથી કૉલેજમાં આવી ત્યારથી વિવેચનાને હંમેશા સતત આ બધાં પ્રશ્નો રાત દિવસ મૂંઝવ્યા કરતાં. એ આજે પણ પુનઃ એને ઘેરી વળ્યાં…. અને હવે તો હમણાં જ જાન આવશે.

‘મમ્મી…મમ્મી.. અમારે આ રવિવારે પિકનિક પર જવાનું છે !’ સાતમા ધોરણમાં અભ્યાસ કરતી આલોચના દોડતી ઘરમાં પ્રવેશી. એકબાજુ દફતર ફેંકી સ્કૂલ યુનિફોર્મ બેલ્ટ છોડતી સીધી ફ્રિઝ તરફ ધસી ગઈ. વિવેચના તુરત જ કિચનમાંથી બહાર આવી.
‘બેટા, આવા તાપમાંથી આવીને તરત જ ફ્રિઝનું ઠંડુ પાણી ન પીવાય. થોડીવાર શાંતિથી બેસ !’
‘પણ મમ્મી, તેં સાંભળ્યું કે નહિ ? આ રવિવારે અમારે પિકનિક પર જવાનું છે !’
‘ક્યાં ?’
‘આપણા શહેરથી 100 કિ.મી. દૂર પેલો પર્વત છે ને ત્યાં. અમારા વર્ગની એક ટ્રીપ જવાની છે. મમ્મી, હું પણ જઈશ !’
‘પણ બેટા…’
‘ના મમ્મી, હું પણ જઈશ જ….’
‘પણ બેટા, તને ખબર છે તારા પપ્પા તારી કેટલી ચિંતા કરે છે ? અને મને પણ તારી ચિંતા થાય હોં ! તારે સવારથી સાંજ આખો દિવસ બહાર રહેવાનું. તું ઘરે ના આવે ત્યાં સુધી અમને કોઈને ગમે નહિ હોં.’
‘ના મમ્મી, હું તો જઈશ જ ! હું હવે કાંઈ નાની નથી કે મારી ચિંતા કરવી પડે હં !’
‘પણ, બેટા એટલે જ, એટલે જ તારી ચિંતા કરવી પડે કારણ કે તું હવે નાની નથી !’
‘મમ્મી….’
‘ઠીક છે. સાંજે તારા પપ્પા આવે ત્યારે એમની સાથે વાત કરી લઈએ.’
******

હમણાં જાન આવશે અને આ છોકરી હજુ પાર્લરમાંથી આવી નથી !
*******
‘મમ્મી, મારે બારમા ધોરણમાં ટ્યુશનમાં જવા માટે સ્કૂટી જોઈએ છે !’
‘પણ હું તને તારાં બધાં ટ્યુશન કલાસમાં કારમાં મૂકી જઈશ, પછી શું વાંધો છે ?’
‘ના મમ્મી, મારે સ્કૂટી તો જોઈશે જ ! ટ્યુશન કલાસમાં હું જાતે જ જઈશ !’
‘પણ બેટા !’
*******

બેન્ડવાજા અને ફટાકડા ફૂટવાના અવાજના હાથ પણ જાણે કે હવે તો લગભગ ડોરબેલ સુધી પહોંચી જવામાં હતાં અને હજુ ‘પાર્લરમાંથી નીકળું છું મમ્મી !’ એવો આલોચનાનો મોબાઈલ આવ્યો જ નહિ.
‘આલોચના, હવે તો તું એમબીએ પણ થઈ ગઈ ! તો તારા માટે મૂરતિયો શોધવાનું મારે શરૂ કરી દેવું જોઈએ કે નહિ ? કે પછી તેં કોઈ પાત્ર ક્યાંય શોધી રાખ્યું હોય તો અમને કહે !’
‘ના મમ્મી, પહેલાં મારી કેરિયર પછી લગ્નનો વિચાર કરવાનો !’
‘પણ બેટા, તારે નોકરી કરવાની શી જરૂર છે ? જે ત્રણ-ચાર સારી દરખાસ્ત આપણી પાસે આવી છે એ બધાં મૂરતિયા સારી કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર નોકરી કરે છે અને એનું ખાનદાન પણ સમૃદ્ધ છે.’
‘ના મમ્મી, મારું પણ કોઈ સ્વતંત્ર અસ્તિત્વ હોય કે નહિ ?’
‘પણ, બેટા !’
*******
‘વિવેચના માસી, વિવેચના માસી…. જાન તો આપણી સોસાયટીના નાકા સુધી આવી ગઈ છે !’
********
‘મમ્મી, હું તો લગ્ન પછી પણ મારી જોબ કરવાની જ છું !’
‘હા બેટા, પણ તારી આલોક અને તેના પરિવાર સાથે આ અંગે સ્પષ્ટ વાત થઈ છે ને ?’
‘હા, હા, મમ્મી. આલોક અને તેના મમ્મી બધાં જ મારી સાથે આ બાબતમાં સંમત છે.’
*******
‘વિવેચના, આલોચના પાર્લરથી નીકળી કે નહિ, ક્યારે પહોંચશે ? તેનો ફોન આવ્યો ?’ આલોચનાના પપ્પાનો અધીરાઈ, ચિંતા, અને ગુસ્સામિશ્રિત અવાજ પણ વિવેચનાને વિચલિત ના કરી શક્યો !

‘આજે મને આલોચનાના બાળપણથી અત્યાર સુધીના જીવનના દરેક દિવસોમાં બનેલી ઘટનાઓ કેમ સિલસિલાબદ્ધ યાદ આવી રહી છે ? હા, કદાચ એટલે જ કે આ બધી જ ઘટનાઓ આ પહેલાં મારા જીવનમાં પણ બની ગઈ છે, એટલે ? પણ આલોચનાએ જ્યારે તે કશું જ સમજતી ન હતી એટલે કે નાની બાળકી હતી ત્યારે અને ત્યાર પછી, સમજણી થઈ અને આજ દિવસ સુધી જે જે માગ્યું તે અમે એટલે કે મેં માતા તરીકે અને વિરલે એના પિતા તરીકે – બંનેએ સહજતાથી અને મુશ્કેલ હતું તે સંઘર્ષ કરીને પણ તેને આપ્યું. તો આજે અત્યારે મને આ બધું કેમ યાદ આવે છે ? અને એ પણ ત્યારે કે જ્યારે હમણાં જ એની જાન બારણે આવીને ઊભી રહેશે, ત્યારે જ….! આલોચનાનું જીવન પણ…. જન્મથી તેના લગ્ન સમય સુધીનું…. મારા જીવનની ઝેરોક્ષ કોપી છે એવું તો મહાપ્રયત્ને પણ હું કેમ કહી શકું ? તો પણ, વય સહજ અવસ્થા મુજબ મારા પપ્પા પાસેથી મેં એ જ અપેક્ષા રાખી હતી જે આલોચનાએ મારી પાસે, અમારી પાસે, માતા-પિતા પાસે રાખી હતી. મારા પપ્પાએ તો મારી પ્રત્યેક માંગણી સમક્ષ એક જ પ્રત્યુત્તર આપ્યો, ‘ના બેટા, એ શક્ય નથી !’ જ્યારે કે હું જાણતી હતી કે કદાચ એ એમના માટે માત્ર શક્ય જ નહીં પરંતુ ખૂબ જ સરળ પણ હતું. તો પછી મારી સાથે જ આવું કેમ બન્યું ?’
********

હમણાં જાન આવશે… ચાલ, આલોચના આવે એટલીવારમાં હું તેની બધી સુટકેસ તો પેક કરી દઉં ! અને આ રૂમ પણ જેટલો થાય તેટલો વ્યવસ્થિત તો કરી લઉં !
‘વિવેચના ભાભી, હવે તો જાન આપણી સોસાયટીની બાજુની ગલી સુધી પહોંચી ગઈ છે અને પાછળના રસ્તેથી પણ આલોચના ઘરમાં આવી શકશે કે કેમ મને તો એ વિચાર આવે છે !’
*********

‘મારા લગ્ન સમયે મને પપ્પાએ આપેલી આ ત્રણ ‘ભારે’ સાડીઓ તો આલોચનાને જ આપી દઉં ! આજ કાલ આવી ટ્રેડિશનલ ડિઝાઈનની સાડીઓ કાંઈ સહેલાઈથી મળતી પણ નથી. આમ છતાં આલોચના પણ ક્યાં પહેરવાની છે ! પણ એના ઘરે કોઈ સારા પ્રસંગે એને કદાચ આવી સાડી પહેરવાનું મન થાય તો એ સમયે એને ક્યાંય શોધવા તો ન જવું પડે ! અને જો ખરેખર આ સાડીઓ એ પહેરે તો મારી દીકરી કેવી શોભશે ! અને એનો પ્રસંગ પણ કેવો દીપી ઊઠશે !….. અરે, આ ફોલ્ડર અહીં ક્યાંથી ? મારી સગાઈ પછી હું મને મળેલ નવી જોબની તાલીમ માટે મેંગ્લુર ગઈ હતી અને એ વખતે મેં અને પપ્પાએ એકમેકને લખેલાં પત્રોનું આ ફોલ્ડર પણ ક્યાંક આ સાડીઓ સાથે આલોચનાની બેગમાં જતું રહ્યું હોત તો ? લાવ, એને તો હું મારા કબાટમાં સાચવીને મૂકી દઉં ! આ પત્રો પણ મારે ફરી એકવાર વાંચવા છે. અરે, આ બધા પત્રો તો મારા વાંચેલા જ છે. પણ, આ એક કવર કેમ હજુ બંધ જ હોય તેવું લાગે છે ? કદાચ એ ખોલ્યું હશે, પત્ર પણ વાંચ્યો હશે પરંતુ બધાં પત્રોની વચ્ચે દબાઈને પુનઃ બીડાઈ ગયું હશે. અ….હં…. એવું તો નથી લાગતું ! આ કવર તો કદાચ મેં ખોલ્યું જ નથી ! આ પત્ર….. મને યાદ છે બરાબર એ દિવસ અને એ સમયે મળ્યો હતો જ્યારે હું મારી ટ્રેનિંગ પૂરી કરીને મેંગ્લુરથી મારા ઘરે પાછી ફરી રહી હતી. હું સામાન લઈને મારા રૂમને લોક કરી રહી હતી. એ વખતે મને પોસ્ટમેને આ પત્ર આપ્યો હતો અને ત્યારે મારા હેન્ડપર્સમાં મૂકી દીધેલો અને ત્યાર બાદ આ ફોલ્ડરમાં. હં…. તો ત્યારથી આટલાં વર્ષો સુધી આ પત્ર મેં વાંચ્યો જ નહીં ! કદાચ એટલે કે એ પછી હું મેંગ્લુરથી ઘરે પહોંચી અને તુરત જ 15 દિવસ બાદ મારા લગ્ન નિર્ધારેલ હોઈ એની તૈયારીમાં પપ્પા લાગી ગયા અને પત્રમાં કશી ચિંતા જેવું નહિ હોય એવું પપ્પાના એકદમ નોર્મલ વર્તનથી મને ત્યારે અનુભવાયું. તેથી જ આ પત્ર ત્યારે અને અત્યાર સુધી વંચાયા વિના જ રહ્યો !’
*********
‘વિવેચના, જાન તો હવે તોરણે આવી ! સામૈયાની તૈયારી કરો ! અને આલોચના……?’
*********

બેટા,
તારા જન્મ પછી તું જ્યારે એમ.એડ. થઈ ત્યારે છેલ્લાં છ મહિના પહેલાં સૌપ્રથમ વખત જ તને તાલીમ માટે ઘરથી આટલે દૂર જવું પડ્યું. આ છ મહિના દરમ્યાન આપણા બંને, પિતા-પુત્રી વચ્ચે ઘણો પત્રવ્યવહાર થયો અને તેમાં મેં અહીંથી આપણા ઘર, પરિવાર, સ્વજનો, વ્યવસાય, શહેર વગેરેની માહિતી તને આપી. તું અમારા સૌથી, ઘરથી એટલે દૂર છો એ સહન કરવું અમને કેટલું વસમું લાગે છે એની લાગણી પણ વ્યક્ત કરી અને તેં પણ તારા પત્રમાં અમારી લાગણીનો પ્રતિઘોષ આપી તારી તાલીમ દરમ્યાન તારી કંપની, તારા સહકાર્યકરો તથા તારે ત્યાંની સ્થિતિ-પરિસ્થિતિ, પ્રસંગો અને સમસ્યાઓની મને વાત કરી. એમ આપણે પિતા-પુત્રીએ આપણાં વચ્ચેનું એટલું સ્થૂળ અંતર ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો, બેટા.

આ પત્ર ખરેખર તને લખવાની મારે જરૂર ન હતી અને એટલે જ મેં આ કવર પર તને સરનામું કર્યું, છતાં પણ નક્કી કર્યું હતું કે, આ પત્ર તને ક્યારેય પોસ્ટ નહીં કરું. હું તને ક્યારેય દુઃખી જોઈ શકું નહિ ! જ્યારે તારો જન્મ થયો અને તારી દીદી એના હાથમાં તને એક કપડામાં વીંટાળી લાવી અને તને મારા ખોળામાં આપી ત્યારે હર્ષાશ્રુભર મારી આંખોથી હું તારો ચહેરો જોવા ઉત્સુક બની ગયો હતો. મેં જ્યારે ઝટપટ મારી આંખો લૂછી તને જોઈ તો મને સ્વર્ગીય સુખ પ્રાપ્ત થયું હતું, બેટા. બેટા, હું તારો આભારી છું ! તેં મને ‘પિતા’ હોવાની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવી છે. એ જ પળે મને મનમાં અચાનક ઝબકારો થઈ ગયો કે હવે પછીના મારા જીવનનો શો ધ્યેય હોઈ શકે ? તું જ ! માત્ર તું જ ! મારું સંતાન. એથી જ તારા બચપણના નિર્દોષ સ્મિત જોઈ જોઈને હું આજીવિકા રળવા માટે સતત સંઘર્ષ કરતો રહ્યો. મનમાં માત્ર એટલી જ ઈચ્છા કે મારા સંતાનને જે જોઈએ તે હું આપી શકું. તને યાદ છે ? તું સાતમા ધોરણમાં હતી અને એક દિવસ સ્કૂલેથી આવી તેં કહ્યું કે, ‘મમ્મી, આવતા રવિવારે મારે પિકનિકમાં જવાનું છે !’ અને તારી મમ્મીએ તને ના પાડી હતી. તેં બહુ જીદ કરી તો તારી મમ્મીએ કહ્યું, ‘સારું, સાંજે તારા પપ્પા આવે ત્યારે વાત.’ સાંજે હું ઘેર આવ્યો અને તરત જ મને પણ તેં પિકનિક પર જવાની વાત કરી ને મેં કહ્યું, ‘ના બેટા, તારા વર્ગનાં બધાં ભલે જાય પણ આપણે નથી જવું !’ તેં પૂછ્યું, ‘કેમ ?’ મેં કહ્યું, ‘બસ, આની વધુ કોઈ ચર્ચા નથી કરવી. મેં કહ્યું ને તારે પિકનિકમાં નથી જવાનું ! તને પિકનિકમાં મોકલી શકું એ શક્ય નથી.’

આવી જ રીતે બેટા તને યાદ છે ? દસમા ધોરણમાં ટ્યુશન જવા માટે તેં સ્કૂટરની માગણી કરી હતી અને તારી મમ્મીએ કહ્યું, ‘હું તને મારા કાઈનેટીક પર ટ્યુશન કલાસમાં મૂકી જઈશ.’ તને હું સ્કૂટર ના અપાવી શક્યો ! તેં એમ.એડ પૂર્ણ કર્યા પછી તરત નોકરી સ્વીકારી લઈશ અને તારા લગ્ન પછી પણ તું નોકરી કરીશ એમ જ્યારે મને કહ્યું ત્યારે પણ મેં તને સ્પષ્ટ ના કહી હતી. બેટા, હું તારો અપરાધી છું. તારી જે જે ઉંમરે જે જે લાગણીઓ તેં અનુભવી હોય એ મુજબ તેં એક પિતા તરીકે, તારા પપ્પા પાસે જે કાંઈ માંગણીઓ કરી હોય, એ હું કદાચ ધારત, કે કદાચ થોડો વધુ સંઘર્ષ કર્યો હોત તો પૂર્ણ કરી શક્યો હોત એવું તને લાગે છે ને ? પણ બેટા, જે તે સમયે એમાંનું કંઈ પણ કે બધું જ શક્ય નહોતું જ ! અને એથી મેં તને કહ્યું હતું કે એ શક્ય નથી. શા માટે ? એનું કારણ મેં તને ત્યારે કે ક્યારેય અને અત્યારે આ પત્ર લખું છું ત્યાં સુધી કહ્યું નહોતું ! પણ મને થયું કે આજે, હવે જ્યારે તારા લગ્નને માત્ર 15 દિવસની વાર છે અને તું અમારી પાસેથી વિદાય લઈને તારા પતિગૃહે જવાની છો ત્યારે પણ જો એનું કારણ હું તને નહીં જણાવું તો તું મને સતત તારો અપરાધી જ સમજ્યા કરે અને મને દહેશત છે કે જીવનભર તું મને તારો અપરાધી જ ગણીશ ! બેટા, તારા સાતમા ધોરણની પરીક્ષા પહેલાં તું જ્યારે તારા માસીને ઘેર વાંચવા ગઈ હતી ત્યારે તારા મમ્મીની તબિયત ખૂબ જ ખરાબ હતી. એ પંદર દિવસમાં હું એને ચાર પાંચ અલગ અલગ ડૉક્ટરો પાસે લઈ ગયો હતો. પરંતુ એની તબિયત ખરાબ હોવાનું કોઈ ચોક્કસ નિદાન થતું ન હતું. અંતે એક ડૉક્ટરે કહ્યું કે તમારા પત્નીને બ્લડ કેન્સર છે ત્યાર બાદ સતત તું જ્યારે સ્કૂલે, ટ્યુશનમાં કે કોલેજમાં હોય ત્યારે તને જાણ ન થાય એ રીતે તારી મમ્મીને ડોક્ટર પાસે લઈ જતો અને આજે આટલાં વર્ષોથી હજુ એની સતત સારવાર ચાલી રહી છે અને છેલ્લા લગભગ સાતેક વર્ષથી તો એની નિયમિત સારવાર ચાલે છે. આમ બેટા, એક તરફ તારી મમ્મીની સારવારના ખર્ચનો બોજ અને બીજી બાજુ મારી સામે મારું સંતાન, એની લાગણીઓ અને એની માંગણીઓ ! બેટા, હું ખરેખર તારો અપરાધી છું ! હું એક પિતા તરીકે તને સાચવી શક્યો નહીં. તને જે રીતે જોઈએ એ રીતે જતન કરી શક્યો નહિ પણ બેટા, તું હંમેશા સુખી રહે, એવા મારા અંતરના આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે ! મને વિશ્વાસ છે કે જેટલી તું તેજસ્વી છો અને તને જે પતિ અને શ્વસુરગૃહ મળ્યાં છે તે પણ આટલાં જ સંસ્કારી, સમૃદ્ધ અને ખાનદાન છે એથી તમે બધાં હંમેશા પ્રગતિ કરશો, સુખી થશો અને સમૃદ્ધ થશો એવા મારાં આશીર્વાદ છે અને મને વિશ્વાસ પણ છે જ ! પણ આ કન્યા વિદાય નિમિત્તે હું બેટા, આર્દ્ર હૃદયે તારી પાસે કબૂલું છું કે હું તારો અપરાધી છું અને જો તું મને માફ કરી શકશે તો જ મને સદગતિ પ્રાપ્ત થશે.
*******

જાન હમણાં આવશે.
‘ચાલ…. ચાલ… મમ્મી, દોડ જલ્દી ! હું આવી ગઈ અને નીચે જાન તોરણે પણ પહોંચી ગઈ ! હવે જલદી સામૈયા વિધિ થશે. પણ તું અહીં, અત્યારે મારા રૂમમાં શું કરે છે ? અને આ શું ? મમ્મી, બસ, આ જે મને અહીં દેખાય છે એટલું જ તું મને આપવાની છે ?’
*******

[સમાપ્ત]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

17 thoughts on “અલિખિત – સનતકુમાર ચં. દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.