- ReadGujarati.com - http://www.readgujarati.com -

ઉંદરડી પર આફત – યશવન્ત મહેતા

[‘આપણો અમર વારસો : જાતકકથાઓ’ પુસ્તકમાંથી સાભાર. ‘જાતકકથાઓ’ એટલે જન્મકથાઓ. ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ. બુદ્ધના અનેક આગલા જન્મોમાં જે કોઈ નોંધપાત્ર પ્રસંગ, ઘટના વગેરે બન્યાં હોય તેને ગૂંથીને રચાયેલી કથા. ગૌતમ ‘બુદ્ધ’ થયા એટલે કે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એ પહેલાં તેઓ ‘બોધિસત્વ’ કહેવાયા. એટલે જાતકકથાઓને ‘બોધિસત્વકથાઓ’ પણ કહે છે. પ્રસ્તુત પુસ્તકના પાંચ ભાગોમાં કુલ 45 જેટલી વાર્તાઓ પ્રકાશિત કરવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]જૂ[/dc]ના જમાનામાં વારાણસીમાં રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરતો હતો. એ વેળા બોધિસત્વે સલાટોના કુળમાં જન્મ લીધો હતો. સલાટ એટલે શિલા કાપનાર અથવા પથ્થર કાપનાર. બોધિસત્વ મોટા થઈને શિલા કાપનાર જ નહિ, સારા મૂર્તિકાર પણ બન્યા.

હવે, વારાણસીના એક કસ્બામાં એક ખૂબ ધનવાન શેઠ રહેતો હતો. એની હવેલીમાં દાટેલો ખજાનો જ ચાળીસ કરોડ સોનામહોરનો હતો. પણ એ પરિવાર પર એકાએક આફત ઊતરી. પરિવારનાં સૌ મરણ પામ્યાં. બીજાં બધાંનો તો દૂર દૂર જન્મ થયો, પણ શેઠાણીનો જીવ ખજાનામાં ચોંટી રહ્યો. એ પછી તો આ કસ્બો જ નાશ પામ્યો અને એની ઉપર ધૂળ ફરી વળી. પણ શેઠાણીનો જીવ અહીં ભટકતો રહ્યો. આખરે એ એક ઉંદરડી તરીકે જન્મી. એણે તો અહીં ઊંડાં દર કર્યાં. પોતાનો ચાળીસ કરોડોનો ખજાનો હતો ત્યાં દર કરીને રહેવા લાગી. ખજાનો સાચવવાની એને ભારે લગની હતી. આથી એ ખાવાનું શોધવા પણ દૂર જતી નહિ. આથી એ દૂબળી રહેતી. એટલામાં બોધિસત્વ એ ગામે આવ્યા. એટલે જોયું કે આ ગામ પાસે તો સરસ આરસ પથ્થરોની ખાણ છે. આથી એમણે આરસની શિલાઓ કોતરી કાઢવા માંડી. કોતરીને એક બાજુ મૂકે. એમાંથી મૂર્તિ કોરી કાઢે.

એવી વેળા ઉંદરડી ઘણી વાર ખાવાનું શોધવા આવે. જતાં-આવતાં એ બોધિસત્વને જુએ. એમની મહેનત જુએ. રાજી થાય કે અહો ! કેવો મહેનતુ જીવ છે. મારા શેઠ પણ આવા જ મહેનતુ હતા. એટલે જ કરોડોનો ખજાનો જમા કરેલો ને ! આમ, સારા વિચાર કરતાં ઉંદરડીને બોધિસત્વ માટે હેત થઈ આવ્યું. એ વિચારવા લાગી : ‘અરે મારો કરોડોનો ખજાનો બેકાર પડ્યો છે. હું એ વાપરી શકતી નથી, કારણ કે વાપરવા માટે દૂર જાઉં અને અહીં કોઈ ચોર ત્રાટકે તો ! પરંતુ આ મહેનતુ જીવને સાધું તો એનુંય કામ થાય અને મારું પણ કામ થાય.’ આવો વિચાર કરીને ઉંદરડીએ ખજાનામાંથી એક સિક્કો ઉઠાવ્યો. એ લઈ જઈને પથ્થર કાપી રહેલા બોધિસત્વના ચરણોમાં મૂક્યો. બોધિસત્વ નવાઈ પામી ગયા. એમણે પૂછ્યું :
‘ઉંદરમા ! આ શું ? આ સિક્કો કેમ લાવ્યાં ?’
ઉંદરડી કહ્યું : ‘આ સિક્કો લો અને બજારે જાવ. ખાવાનું લઈ આવો. થોડુંક મને આપો અને બાકીનું તમે ખાવ. આથી તમારે બહુ મહેનત-મજૂરી કરવી નહિ પડે.’

બોધિસત્વે ઘડીક વિચાર કર્યો. પણ પછી પેલો સિક્કો ઉઠાવી લીધો. કહ્યું કે ભલે મા ! હમણાં જ તમારે માટે ખાવાનું લઈ આવું છું. એ જલદીથી નજીકને ગામ ગયા. કંદોઈની દુકાનેથી ખાવાનું લઈ આવ્યા. ઉંદરડીને જોઈએ તેટલું ખાવાનું આપ્યું. પોતે જમ્યા. વધેલું ખાવાનું સાંજ માટે એક પોટલીમાં બાંધ્યું. પછી એ કામે વળગ્યા અને શેઠાણી ઉંદરડી આરામ કરવા ગઈ. એ પછી તો આ હંમેશનો નિયમ થઈ ગયો. ઉંદરડી શેઠાણી ખજાનામાંથી એક સિક્કો લઈ આવે. સલાટને આપે. સલાટ જલદી જલદી ખાવાનું લઈ આવે. આમ ઉંદરડીને ખાવાનું શોધવાની ચિંતા ન રહી. એથી ધીરે ધીરે એની તબિયત સારી થવા લાગી. હવે એ દરરોજ સલાટ સામે બેસતી. એનું કામ જોતી. અલકમલકની વાતો કરતી. બંને વચ્ચે પાક્કી દોસ્તી થઈ ગઈ. પણ વળી એક દહાડો એક નવી આફત આવી. એક રાતે ઉંદરડીને એક બિલાડાએ પકડી. ઉંદરડીએ હાથ જોડ્યા. વિનંતી કરી,
‘મહેરબાન, મને મારી ખાશો નહિ.’
બિલાડો કહે : ‘કેમ ન ખાઉં ? મને ભૂખ લાગી છે અને તું મારો ખોરાક છે. તને ન ખાઉં તો મારી ભૂખ કેમ મટે ?’
ઉંદરડી કહે : ‘સ્વામી ! મને ખાવાથી તમારું પેટ આજે ભરાશે. પણ કાલે તો ખાલી થઈ જશે ને !’
બિલાડો કહે : ‘હાસ્તો ! એક વારનું ખાધેલું કાંઈ કાયમ થોડું જ રહે છે !’
ઉંદરડી કહે : ‘ત્યારે તમને કાયમ ખાવાનું મળે એવી જોગવાઈ કરી આપું તો ?’
બિલાડાને નવાઈ લાગી : ‘અબે, મૂઠી એકની ઉંદરડી ! તું વળી મને કાયમ ખાવાનું મળે એવી જોગવાઈ ક્યાંથી કરવાની ?’
ઉંદરડી કહે : ‘એની ચિંતા તમે ન કરો. બિલાડા મહારાજ ! કાલથી તમને પેટપૂર ખાવાનું મળશે, બસ ?’
બિલાડો કહે : ‘ઠીક છે. તું કહે છે તો કબૂલ કરું છું. પણ યાદ રાખજે- જો કદી મને ખાવાનું ન મળ્યું કે ઓછું મળ્યું તો તને ખાઈ જઈશ ! હું તારી સામે ને સામે રહીશ.’ આવું નક્કી થયું એટલે ઉંદરડીએ પોતાના ખાવાનામાંથી બે ભાગ કરવા માંડ્યા. સલાટ એને માટે જે લાવે એમાંથી ઘણું ખાવાનું એ બિલાડાને માટે રાખતી. પોતે થોડુંક જ ખાતી. રાતની વેળા બિલાડો આવતો અને પોતાનો ભાગ ખાઈ જતો.

આવી રીતે, મહેનત વગર ખાવાનું મળવાથી બિલાડો તગડો થવા લાગ્યો. એની ભૂખ પણ વધી. એણે ઉંદરડીને તકાજો કરવા માંડ્યો કે મને વધારે ખાવાનું આપ ! જો ઓછું પડશે તો તને ખાઈ જઈશ ! આથી એનું શરીર પાછું દૂબળું પડવા માંડ્યું. વળી, એને બિલાડાની કાયમની બીક રહ્યા કરતી. કોણ જાણે ક્યારે એ નાલાયકને ખાવાનું ઓછું પડે અને ઊંદરડીને ખાય ! આવી બીકને કારણે પણ એ દૂબળી પડવા લાગી. બહુ થોડા દિવસોમાં તો એ સૂકલકડી બની ગઈ.

બોધિસત્વે આ જોયું. એમણે પૂછ્યું :
‘માઈ, તું દૂબળી કેમ પડી ગઈ છે ? તારી પાસે મોટો ખજાનો છે, છતાં દુઃખ શું છે ?’
એટલે ઉંદરડીએ પોતાના દુઃખની વાત કરી. પેલો ઘોઘર બિલાડો કેવી રીતે પોતાને સતાવે છે, એ કહ્યું. પોતે પૂરું ખાઈ નથી શકતી, એ પણ જણાવ્યું. બોધિસત્વ બોલી ઊઠ્યા :
‘અરે ઉંદરડી અમ્મા ! આટલા બધા દિવસોમાં તેં મને કહ્યું કેમ નહિ ? આવા બદમાશ બિલાડાઓને કેમ ટાળવા એ હું જાણું છું. હવે થોડા દિવસમાં જ બિલાડા શેઠનો ઘડો લાડવો કરી નાખીશું !’

આમ ઉંદરડીને દિલાસો દઈને બોધિસત્વે કામ શરૂ કર્યું. એમણે શુદ્ધ સ્ફટિકની એક શિલા શોધી કાઢી. સ્ફટિક પારદર્શક હોય છે. બોધિસત્વે આ શિલાને અંદરથી કોતરી નાખી. વચ્ચે વચ્ચે છેદ કર્યા, જેથી હવાની આવનજાવન ચાલે. દબાવીને બંધ કરવાથી ચુસ્ત થઈ જાય એવું એનું ઢાંકણ રાખ્યું. આવી સ્ફટિકની પેટી તૈયાર કરીને એમણે ઉંદરડીને કહ્યું : ‘ઉંદર માઈ ! આજે સાંજે તું ખાવાનું લઈને આ પેટીમાં બેસી જજે. હું એનું ઢાંકણ બંધ કરીશ. રાતે બિલાડો ખાવાનું લેવા આવે ત્યારે ખાવાનું આપીશ નહિ. પેટીમાં બેઠી બેઠી જ દુષ્ટ બિલાડાને ભાંડજે. એને ખૂબ જ કડવાં વેણ સંભળાવજે.’ એ સાંજ સુધી બંને જણાં વાતો કરતાં રહ્યાં. સાંજે બોધિસત્વે ઉંદરડીને પેટીમાં મૂકી. એનું ઢાંકણ બંધ કર્યું. પોતે વિદાય લીધી. રોજને વખતે બિલાડો આવ્યો. કહેવા લાગ્યો :
‘લાવ ઉંદરડી, મારો ભાગ લાવ !’
ઉંદરડીએ તેને ભાંડવા માંડ્યો, ‘અબે, દુષ્ટ બિલાડા ! બદમાશ ! ચોર ! શું હું તારી નોકરડી છું કે તને ખાવાનું આપું ? બહુ ભૂખ લાગી હોય તો જા તારી ઘરવાળીને ખા ! તારા છોકરાને ખા !’

બિલાડાને એ સમજ ન પડી કે ઉંદરડી પારદર્શક સ્ફટિકની પેટીમાં છે. એણે તો ગુસ્સે થઈને હુમલો કર્યો. એને એમ કે ઝપટ મારીને ઉંદરડીને પકડી પાડું ! પરંતુ એ સ્ફટિકની પેટી સાથે ધમ્મમ કરતો અથડાયો. એનું કાળજું પેટીને બરાબર ખૂણે ભટકાયું એથી ભાંગી ગયું. કાળજાના કટકા થઈ ગયા. બિલાડો ભોંય પટકાયો. થોડીક વાર તરફડતો રહ્યો પછી એના ડોળા ફાટી ગયા. હવે ઉંદરડી પાછી નિર્ભય બની ગઈ. હવે એણે બોધિસત્વને દરરોજ બે સિક્કા લાવી આપવા માંડ્યા. એથી ધીરે ધીરે બોધિસત્વની મિલકત વધી. એ ખૂબ આરામમાં રહેવા લાગ્યા.

[ કુલ ભાગ : 5. કુલ કિંમત રૂ. 225. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]