મારી દીકરીઓ – જગદીશ શાહ

[ હાલમાં વડોદરા ‘વિનોબા આશ્રમ’ ખાતે નિવૃત્ત જીવન ગાળતા જગદીશભાઈ અગાઉ ‘ભૂમિપુત્ર’ સામાયિકના તંત્રી પદે રહી ચૂક્યા છે. વિનોબાજીના સમયમાં તેઓ ‘ભૂદાન યાત્રા’માં સક્રિય રીતે જોડાયેલા હતાં. તેમના જીવનપ્રસંગોની ઝાંખી કરાવતું પુસ્તક હમણાં થોડા મહિનાઓ પહેલાં ‘શ્રેયાર્થીની સંઘર્ષકથા’ નામે પ્રકાશિત થયું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘યજ્ઞ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આપ શ્રી જગદીશભાઈનો આ નંબર પર +91 9824326037 અથવા આ સરનામે jashah1934@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]મ[/dc]ને દીકરીઓ માટે અંતરના ઊંડાણથી ખૂબ જ પ્રેમ છે. અમારું પહેલું સંતાન દીકરો (કપિલ) હતો. પછી 4-5 વરસે બીજું સંતાન આવવાનું હતું ત્યારે અમે છોકરીની આશા રાખી હતી પણ આવ્યો દીકરો ભરત. અમારી મનની મનમાં જ રહી ગઈ. પછી સગી નહીં તો વહાલી દીકરીઓ મેં શોધવા માંડી. આમેય મારાથી 18-20 વરસ નાની મહિલાને હું ‘બેટા’થી જ સંબોધું છું. ક્યારેક તેથી મોટીનેય ‘બેટા’ કહી દઉં છું.

નારી જાતિ માટે મારા ચિત્તમાં ઊંડું સન્માન છે. ઓછી શારીરિક શક્તિ છતાં ઓછું ખાઈને તે વધારે કામ કરે છે. ઘરનાં કામો ઉપરાંત હવે તો બહારની નોકરીઓ પણ મહિલાઓ કરે છે, બાળકોને ઉછેરે છે ઉપરાંત ઘરના સૌની ચિંતા કરે છે અને સગાં-સ્નેહીઓને પણ જાળવી લે છે. આ બધું મૂંગે મોઢે કરવા છતાં તેનો કોઈ ભાર તે અનુભવતી નથી. ઉપરથી ધણી અને દીકરાઓ તરફથી સવારથી સાંજ સુધી અનેક મહેણાં-ટોણા અને અપમાન તથા અવહેલના તે સહન કરે છે. તેને બિચારીને આટઆટલી જવાબદારીઓ પછી ટી.વી-છાપાં જોવા-વાંચવાની, બહારની દુનિયાની હિલચાલો ને વિચારસરણીઓ અંગે જૂજ માહિતી હોય છે. તેથી ઘણીવાર મૂર્ખ અને ભોટમાં ખપે છે. આવી મારી ભાવનાને કારણે સગાં-સ્નેહીઓની દીકરીઓ, પુત્રવધૂઓ અને અન્ય કાર્યકર્તા બહેનો માટે મારા ચિત્તમાં ઊંચા માનની લાગણી રહે છે. તેનો પ્રતિભાવ આપનારી દીકરીઓ મને મળતી જ રહી છે. સમયે સમયે તેમની નિકટતા બદલાતી રહે છે. સગી ન હોવાથી તેમની પાસે અપેક્ષા રહેતી નથી. સંબંધોમાં તે તત્વ પ્રેમભાવ વધારવામાં વધુ મદદરૂપ થાય છે. એકવાર દીકરીઓની ગણતરી કરી તો આંકડો એક સોની સંખ્યાને વટાવી ગયો. પણ તદ્દન નજીકની ગણીએ તોયે અનેક દીકરીઓ આંખ સામે તરવરે છે. આ દીકરીઓ હયાત છે તેથી તેમને વિષે લખવું અઘરું છે. કોઈને તેમનાં વખાણ હું કરું તે ગમતું નથી. છતાં નામઠામ ન આપીને કે બદલીને કેટલીકનો ઉલ્લેખ કર્યા વિના રહી શકતો નથી.

માયા મારા હૃદયનો ટુકડો છે. તેના નાનાજી ‘ભૂમિપુત્ર’ના પહેલા અંકથી અઠંગ વાચક હતા. વાચક તે એવા કે બે નકલો મંગાવતા. એક પોતાને માટે જ વાંચવા રાખતા. તેમાં લીટીઓ કરતા ને ટિપ્પણીઓ લખતા. તેની દર વર્ષે પાકી ફાઈલ બંધાવતા. તેને પૂંઠું ચડાવી તેની ઉપર પણ લખવા જેવું લખતા. બીજી નકલ દીકરી-જમાઈ કે પૌત્રીને કે બીજાને વાંચવા માટે આપતા. માયા સમજણી થઈ ને વાંચતી થઈ ત્યારથી નાનાજી પાસેથી મેળવી ‘ભૂમિપુત્ર’ વાંચતી થઈ છે. તેને વિનોબા-ગાંધી ને સર્વોદય કાર્યકરો માટે દિલનો ભાવ છે. તે મોટી થઈ ને યોગ્ય મૂરતિયો મળતાં 19 વરસની ઉંમરે તેનાં મા-બાપે તેને પરણાવી દીધી. આઠ વર્ષના લગ્નજીવનમાં તે મા ન બની અને તેના પતિ કિડનીની બીમારીથી તેની 27 વર્ષની ઉંમરે ગુજરી ગયા. હિંદુ બ્રાહ્મણની દીકરીને વિધવાનું જીવન જીવવાનું આવ્યું. તેના ધાર્મિક સંસ્કારો નાનપણના હતા તેથી તેણે જીવનભર એકાકી જ રહેવાનું નક્કી કર્યું. પોતાનું ઘર, નોકરી હતી તેમાં રમમાણ થઈ ગઈ. વહેલી સવારે ઊઠી પરવારી વિદ્વાન સંતોનાં પ્રવચનો સાંભળવા જતી. ઘરનાં કામો, રસોઈ જાતે કરી નોકરીએ ઊપડી જતી. સાંજે ઓફિસેથી સીધી સત્સંગમાં પહોંચી જતી. આવીને ઘરકામ બાકી હોય તે કરીને થાકીને લોથ થઈ જઈ ઊંઘી જતી.

તેની બાને તેની બહુ ચિંતા ! જુવાનજોધ છોકરી શહેરમાં એકલી રહે છે. આજે તો અમે મા-બાપ છીએ પણ અમે નહીં હોઈએ ત્યારે તેનું શું થશે ? તેમણે ભૂમિપુત્રના સંપાદક-વાચકના સંબંધે મને પત્ર લખી તેને ઘેર જઈ પુનર્લગ્ન માટે તેને સમજાવવા વિનંતી કરી. એકવાર હું ગયો. તેને ઘેર રહ્યો. માયા આવનારને આવકાર ને જનારને વિદાય પ્રેમથી આપતી. આવનારનો બોજ નહીં&& ને જનારનો વિયોગ નહીં. આવજો-આવજોની વેવલાશ નહીં. ચિત્તની સમતા તેણે હાંસલ કરી લીધી છે. સૌ સાથે પ્રેમનો વ્યવહાર. થાય તેટલાં કામ પણ કરે પણ વધારે પડતી લપ્પન છપ્પન કે વળગણ નહીં. કરે બધું, પણ જળકમળવત રહે. તેની સાથે ત્રીસેક વરસનો પરિચય છે. તેની હાજરીમાં પવિત્રતાનો સ્પર્શ થાય છે. તેનું સ્મરણ જ ચિત્તને પ્રફુલ્લિત કરી દે છે. તેને હું દીકરી માનું છું ને મને પરિવારના વડીલમિત્ર ગણે છે. તેના મા-બાપ, નાના ભાઈ-ભાભી, બહેન-બનેવીઓ ને દિયર-સાસુ સાથેય મારો પરિચય છે. મારી સાથે સર્વોદય કાર્યકરો પણ તેને ઘેર જઈ આવ્યાં છે. તે સૌને સાચવે છે. તેના પરિચયથી મારાં પત્ની-દીકરા-વહુઓ સૌ તેનું માન જાળવે છે. તેનું જીવન અને સ્વભાવ સાચા અર્થમાં ‘ગંગાસ્વરૂપ’ની યાદ આપે છે. ઈશ્વર કરે છે તે આપણા ભલા માટે જ કરે છે એવી તેની શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ છે. એકવાર મને કહેતી હતી કે, ’27 વરસે વિધવા થઈ ત્યારે જીવનમાં અંધારું લાગતું હતું ને ઈશ્વરને દોષ દેતી હતી. આજે ત્રીસ વરસે લાગે છે કે મારામાં આજે કેટકેટલી આવડતો ઈશ્વરે ખીલવી છે, કેટલી જવાબદારીઓ સંભાળી શકું છું ! બધી આવડત વિધવા ન થઈ હોત તો ન ખીલત.’ તે દીકરી છે પણ મારી માના સ્થાને છે.
****

એક દીકરી મુસલમાન છે. વીસેક વર્ષ અગાઉ એક વાર તેનો ખાવિંદ કામ શોધતો ‘ભૂમિપુત્ર’ કાર્યાલયમાં આવેલો. અમારે પ્રૂફરીડરની જરૂર હતી. તેને કંપોઝ આવડતું હતું. મેં મારી જરૂરિયાતની વાત કરી. તે કહે, ‘મારી બીબીને તે કામ આવડશે. તે એસ.એસ.સી. પાસ છે.’ મેં બોલાવી લાવવા વાત કરી તો પચીસેક વરસની તેની બીબી આવી. મેં પૂછ્યું કે, ‘એસ.એસ.સી.માં ગુજરાતી ભાષામાં કેટલા માર્ક મળેલા ?’ તેણે કહ્યું કે, ‘મેં તો ઊર્દુ વિષય સાથે પરીક્ષા પાસ કરેલી.’ ‘તો ગુજરાતી પ્રૂફ કેવી રીતે તું સુધારીશ ?’ મારા આ પ્રશ્નના જવાબમાં તેણે મને વેધક સવાલ પૂછ્યો : ‘કેમ તમે મને નહીં શીખવો ? તમે શીખવશો તો હું તરત શીખી જઈશ.’ તેના આત્મવિશ્વાસ ને મારા પ્રત્યેની શ્રદ્ધા જોઈ હું જિતાઈ ગયો. બીજા દિવસથી રોજ બે કલાક માટે કામ શીખવા આવવા મેં તેને કહ્યું. બીજા દિવસથી ઘડિયાળના કાંટે નિયમિત રીતે આવવા માંડી. પંદર દિવસમાં તેણે કામ પકડી લીધું. કોશ જોવાનું પણ શીખી ગઈ. મારે તેને પ્રૂફ રીડર તરીકે રાખવી પડી. આજે તે મારી ભૂલો પણ કાઢે છે. તેનો એક પ્રસંગ જાણવા જેવો છે. એક વાર હું કાર્યાલયમાં પહોંચ્યો ત્યાં બીજી બે બહેનો વચ્ચે એક બાબતની ચર્ચા ચાલતી હતી – એક પ્રસંગ રામાયણમાં છે કે મહાભારતમાં ? તેમને અમારી મુસ્લિમ પ્રૂફ રીડરે પોતાનો નિર્ણય આપ્યો. પણ તું મુસલમાન શું સમજે ? એમ પેલી બંને જણીઓએ કહી મને પૂછ્યું. મારે પેલી મુસ્લિમ બહેનના નિર્ણયને બિરદાવવો પડ્યો. તેને રામાયણ-મહાભારત સહિત હિંદુ ધાર્મિક પુસ્તકોનું વાચન કરવાનો શોખ છે. જ્યાં જ્યાંથી જ્ઞાન મળે તે વાંચી લેવાની જિજ્ઞાસાવૃત્તિ તેનામાં ભારોભાર છે. શરૂઆતમાં તો હું તેને સંતાન-વિહોણી સમજતો હતો. પરિચય વધતાં જાણ્યું કે નાનકડી દેખાય છે તે બે દીકરાઓની મા છે. ઘેર ચારેયની રસોઈ બનાવી જમીને દસ વાગે અમારા કાર્યાલયમાં હાજર થઈ જતી. સાંજે છ સુધીમાં કોઈ કામ બાકી ન રાખે. તેના પ્રૂફરીડિંગમાં ભાગ્યે જ ભૂલો રહી જાય. પોતાના અજ્ઞાનની કોઈ શરમ નહીં. પૂછવા જેવું લાગે કે જોડણીકોશમાં જોવા જેવું લાગે તો આળસ વગર તે પૂછી-જોઈ લેતી. આજે તો તેના બે છોકરાઓને પરણાવીને સાસુ થઈ ગઈ છે પણ બંને વહુઓને મા બનીને દીકરીની જેમ સાચવે છે. પ્રૂફરીડિંગનું કામ તે ખૂબ કરે છે છતાં ઘરકામમાં આળસ નથી કરતી. તેનું વજન માત્ર અઠ્ઠાવીસ કિલોગ્રામ છે. તેની વહુઓ ને અમે બધાં તેને આરામ કરવા ને કામ ઘટાડવા કહીએ છીએ પણ તે પોતાની ટેવો છોડતી નથી. 2002ના ગોધરાકાંડ પછીનાં હિંદુ-મુસ્લિમ રમખાણોમાં મારા શાંતિકાર્યમાં તે મારે પડખે સાબદી થઈને રહી હતી. તેને લીધે મુસ્લિમ સમાજમાં મારો પ્રવેશ સરળ થઈ ગયો હતો. તેના કામથી ખુશ થઈ એક વાર મેં લખી દીધેલું કે, ‘ઈશ્વર આવતો જન્મ મને પૂછીને આપે તો મુસ્લિમ છોકરી તરીકે જન્મ લઈશ.’
******

આજથી 30-35 વરસ પહેલાં ગુજરાત સર્વોદય મંડળ તરફથી ચાલતી યુવાપ્રવૃત્તિમાં હું તરુણ-તરુણીઓના 4-5 દિવસના શિબિર ચલાવતો. તેવા એક શિબિરમાં 10મા ધોરણમાં ભણતી એક દીકરી આવી હતી. શિબિરમાં દીકરીઓ સાથેના મારા વાત્સલ્યપૂર્ણ વ્યવહારથી આ દીકરીએ પોતાને નડતા બે-ત્રણ અંગત પ્રશ્નો પૂછ્યા હતા. તેના જવાબો તેને સમાધાનકારક લાગ્યા પછી ધીમેધીમે તે અમારા પરિવારની નિકટ આવી. ધો.12 પછી તેને વડોદરામાં ભણવાનું આવ્યું તો અમારે ઘેર રહી ભણતી હતી. અત્યંત ગંભીર છતાં હસતો ચહેરો, મીતભાષી અને સમજુ એવી આ ડાહી દીકરી ભણવામાં પણ આગળ હતી. તેણે પછી વડોદરામાં જ સારા પગારની નોકરી લીધી. દીકરી સૌને સાચવી લે તેવી. તેથી મારાં પત્નીની પણ દીકરી અને દીકરાઓની મોટી બહેન બનીને રહી. મને તે અત્યંત વહાલી હતી. મારું ને તેનું ચિત્ત એકાકાર થઈ ગયેલું.

એકવાર કંપનીના કામ માટે તેને વિમાનમાં બૅંગલોર જવાનું થયું. તે ગઈ તે રાત્રે મને જાણે દીવાસ્વપ્ન આવ્યું. તે કોઈ હોટલમાં ઊતરી છે. તેના રૂમમાં એકલી જ છે ને કોઈ અજાણ્યા માણસે રાત્રે તેનું દ્વાર ખટખટાવ્યું. તેણે ખોલ્યું કે તરત અંદર પ્રવેશ કર્યો છે ને દીકરીને રંજાડે છે. હું ઝબકીને જાગી ગયો. મને પરસેવો વળી ગયો. ત્રીજે દિવસે તે ત્યાંથી પાછી ફરી ને ઘેર આવી. તેનાં પગલાં જ તેને થયેલી રંજાડની ચાડી ખાતાં હતાં. આવીને મારા ખોળામાં માથું મૂકી ખૂબ રડી. પરમ દિવસની રાત્રે બનેલા બનાવ વિષે મેં તેને પૂછ્યું. તે આભી બની ગઈ ! તે બેંગલોરમાં હતી ને હું વડોદરા હતો પણ મેં પ્રસંગનું આબેહૂબ વર્ણન કર્યું તો તે તદ્દન સાચું હતું ! મને ને તેને બંનેને ખૂબ આશ્ચર્ય થયું. ચિત્તની સમાનતાનો તર્કની પેલે પારનો આ અનુભવ મારા પરિવારને ને તેના પરિવારનેય અચંબામાં મૂકી ગયો. પછી તો તેના લગ્નમાંયે મેં રસ લીધો. તે પરણીને વિદેશ ગઈ. અત્યારે બે સંતાનોની માતા છે. ક્યારેક દેશમાં આવે છે તો મળે છે.
******

મારો નાનો દીકરો ભરત દાક્તર થઈ ઝઘડિયામાં સેવા રૂરલના હોસ્પિટલમાં સેવા આપતો હતો. તેથી મારે ક્યારેક ત્યાં જવાનું થતું. એકવાર ત્યાંથી પાછા ફરતાં બસમાં ઘણી ભીડ હતી. હું તો ઝઘડિયાથી બેઠો બેઠો જ આવતો હતો. ભરૂરથી એક બહેન તેની બે દીકરીઓ અને એક દીકરા સાથે બસમાં ચડી. જગ્યાના અભાવે તે બધાં ઊભાં હતાં. મારી બેઠકમાં થોડા સંકડાઈને નાના દીકરાને મેં બેસાડ્યો. પાલેજમાં બાજુના પેસેન્જર ઊતરી જતાં જગ્યા થઈ તો તેની મા ને એક દીકરી બેઠાં. તેની મા પરપ્રાંતની હતી. ચહેરા ઉપર પવિત્રતા હતી. મને તેનો પરિચય કરવાની ઈચ્છા થઈ. મેં તેને પૂછ્યું ને તેનો બંધ જ ખૂલી ગયો ! તેણે વિગતે પોતાનો પરિચય આપ્યો, એટલું જ નહીં પોતાનું નામ-સરનામું, ટેલીફોન નંબર સુધ્ધાં મને લખી આપ્યાં. મારું નામ-સરનામું, ટેલિફોન નંબર પણ તેણે લઈ લીધાં. પહેલી જ મુલાકાતમાં 30-40 વરસની બહેન આટલી આત્મીયતા બતાવે તેવું ભાગ્યે જ બને. તેને મારામાં તેના પિતાનું દર્શન થયું હતું.

પછી તો તેના પતિએ વડોદરામાં નોકરી લીધી ને ભરૂચથી તેઓ વડોદરા રહેવા આવી ગયાં. પછી તો અવારનવાર અમારે એક-બીજાને ઘરે જવા-આવવાનો શિરસ્તો થઈ ગયો. તેના પતિ પણ તેની સાથે આવતા ને મને પિતાજીની જેમ જ ગણતા. એક વાર તેના દીકરાને શિક્ષકે વાંક વગર ખૂબ માર્યો. તેનો આઘાત છોકરાને એવો તો લાગ્યો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. તેને શારીરિક પીડા કરતાં માનસિક આઘાત જ વધારે હતો. હોસ્પિટલમાં I.C.U. માં તેને રાખ્યો પણ કોઈના હાથનું ખાય નહીં ને ફેંકી દે. તેની માએ ફોન કરી મને બોલાવ્યો. હું ગયો ને તેના ખાટલામાં બેસી પ્રેમથી તેને જમાડ્યો. તદ્દન શાંત થઈ તે જમ્યો ને ખૂબ રડ્યો. મેં તેને બરડે હાથ ફેરવવા માંડ્યો ને ધીમેધીમે તે સામન્ય સ્થિતિમાં આવી ગયો. પછી તો તેનાં મા-બાપ ને બહેનો બધાંએ મને દાદાજી તરીકે સ્વીકારી લીધો. તે કુટુંબના સારા-માઠા પ્રસંગોની વીતક તેની મા મને કહેતી. મારી પાસે તેના ધણીનીયે રાવ ખાતી. તેના પતિયે મને માનતા. તેની એક દીકરીના લગ્નમાં ઠે…ઠ બિહારમાં દરભંગા પણ હું જઈ આવ્યો છું. હજી તે પરિવાર તેના સુખ-દુઃખની વાતો દિલ ખોલીને મને કરે છે ને મારી સલાહ લે છે. આ દીકરીની દીકરીઓનેય હવે સંતાનો છે.

ત્રીસેક વરસ અગાઉ એક વાર મીરાબહેન ને હું વર્ધાથી સાથે આવતાં હતાં. રાતની હાવરા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં અમારું રીઝર્વેશન હતું. અમે પ્લેટફોર્મ પર બેઠાં હતાં. ત્યાં અમારાથી દસેક ફૂટનું અંતર રાખી 20-22 વર્ષની એક છોકરી બેઠી હતી. કોઈ અંગ્રેજી ચોપડી વાંચતી હતી. ટ્રેન આવવાનો સમય થતાં ડબ્બાની સ્થિતિનું લખાણ બોર્ડ ઉપર લખાતાં અમે તે જગ્યાએ પહોંચ્યાં. પેલી છોકરી અમારી પાછળ પાછળ આવી અને દસેક ફૂટનું અંતર રાખી ઊભી રહી. મેં મીરાબહેનને કહ્યું : ‘આ છોકરી ગુજરાતમાં આવવાની લાગે છે. એકલી છે ને રીઝર્વેશન નથી. રાતની મુસાફરી છે તેથી કોઈ સારો સંગાથ શોધે છે.’ મીરાબહેન કહે, ‘તને વળી બધી છોકરીઓના દિલની વાત ખબર પડી જાય છે !’ ટ્રેન આવી અને અમે અમારા રીઝર્વેશન વાળા ડબ્બામાં ચડ્યાં. અમે તો અમારી બેઠક પર જઈને બેઠા. પેલી છોકરી પાછળ પાછળ આવી ને અમારી બાજુના ખાનામાં બેઠી. ત્યાં થોડાં મિલમજૂરો જેવા લોકો હતા. તેમણે કદાચ થોડો દારૂ પીધો હશે તે મોટેમોટેથી એલફેલ વાતો કરવા લાગ્યા. પેલી છોકરી ત્યાં મૂંઝાય પણ સીધો અમારો સંપર્ક ન કરે. એટલામાં મીરાબહેન બાથરૂમ જવા નીકળ્યાં. મેં તેમને કહ્યું, ‘આવતી વખતે પેલી છોકરીને લેતાં આવજો.’ અને ખરેખર મીરાબહેને કહ્યું કે તરત જ તે આવતી રહી. મારી અડધી સીટ પર તેને જગ્યા આપી. તે તો ચોપડીમાં માથું ઘાલીને વાંચ્યા જ કરે. મારાથી ના રહેવાયું એટલે મેં વાતો શરૂ કરી. થોડીવાર પછી તેણે અંગ્રેજીમાં કહ્યું : ‘તમારી ભાષા મને આવડતી નથી. હું અંગ્રેજીમાં સમજી શકીશ.’ અને મારો પિત્તો ગયો. મેં કહ્યું કે, ‘તું જૂઠ્ઠું બોલે છે. તું છે ગુજરાતી. અમારો સાથ કરવા અમારી પાછળ-પાછળ ફરે છે છતાં તે વાત છુપાવે છે !’ તે પકડાઈ ગઈ. તેણે કબૂલ કર્યું.

એ છોકરી લોલા હતી. સિરપુર કાગઝનગરથી ભરૂચ જતી હતી. ગ્વાલિયરમાં ફિઝીકલ એજ્યુકેશનનો ડિગ્રી કોર્સ કરતી હતી. મૂળ ગુજરાતી અને રાજપીપળાના વ્યાયામ વિદ્યાલયમાં કોઈ શિબિર ચલાવવા જતી હતી. પછી તો અમારી દોસ્તી થઈ ગઈ. તેને ઓરમાન મા હતી. એક નાનો ભાઈ હતો. તે સાવકી માનો ત્રાસ સહન કરતો હતો. લોલાથી તે સહન થતું ન હતું. તેથી વેકેશનમાં ઘેર જવાનું ટાળી બીજા કાર્યક્રમોમાં જોડાતી હતી. શિબિરમાં અઠવાડિયાની છુટ્ટી હોય ત્યારે ત્યાં નજીકના સર્વોદય કાર્યકરોને ઘેર જવાનું તેને સૂચવ્યું. મારાં પત્નીનું દિલ તેણે જીતી લીધું. તેને મા મળી ગઈ ને અમને દીકરી. અમે તેની પારિવારિક પ્રેમની ભૂખ સંતોષી શક્યા. પછી તો અવારનવાર અમારે ત્યાં આવવા માંડી. છેવટે તે પરણીને અમેરિકા ગઈ. તેનો સંપર્ક તૂટી ગયો એટલે તેના પિતાજીને અમે સિરપુર કાગળ લખ્યો. તેમનો જવાબ આવ્યો ને અમેરિકાનું સરનામું મોકલી સાથે લખ્યું : ‘તમે મારી દીકરીને પ્રેમ ને હૂંફ આપી તેની કટોકટીના દિવસોમાં જાળવી લીધી તે બદલ તમારો આભાર માનું છું. તમે તેને ન મળ્યા હોત તો તેણે કોઈ અનુચિત પગલું ભર્યું હોત તેવું હું સમજતો હતો પણ લાચાર હતો.’ એક વાર લોલા અમેરિકાથી આવી ત્યારે મળી હતી. હવે તે બે બાળકોની માતા છે.

આ દીકરીઓ વિષે લખ્યું છે પણ બીજી અનેક છે. કોઈને અમે મુરતિયો શોધી આપ્યો છે તો કોઈને ભણાવી છે. તે બધી હયાત છે. તેમને વિષે લખવાનું ટાળું છું.

[કુલ પાન : 152. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગલાજ માતાની વાડીમાં, હુજરાતપાગા, વડોદરા-390001. ફોન : +91 265 2437957.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “મારી દીકરીઓ – જગદીશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.