અંગત શોધનો પ્રદેશ – વર્ષા અડાલજા

[‘વાંસનો સૂર’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]દા[/dc]દાજી મૃત્યુ પામ્યા હતા. એ ખબર મળતાં જ અચાનક જાણે મારા અસ્તિત્વનો કોઈ અંશ કપાઈ ગયો હોય એમ મેં અનુભવ્યું. દાદાજી માત્ર મારે મન એક વ્યક્તિ ન હતા- દાદાજી એટલે ગામ, દાદાજી એટલે નદી, દાદાજી એટલે ધૂળિયા રસ્તાઓ પર ઢળી જતી સાંજની લાલિમા. મારા શૈશવનું એક અવિભાજ્ય અંગ. બાપુ તો થોડાં વર્ષ પહેલાં જ ચાલી ગયા હતા. એટલે ગામથી ખબર મળતાં જ મા અને રીમાને લઈને હું ત્યાં ગયો. લોકોની આવનજાવન ઓસરી ગઈ, એટલે મૃત્યુ પછીનો સૂનકાર એટલો ઘન થઈ ગયો કે શ્વાસ લેતાં પણ છાતી ભીંસાવા લાગી.

ઘરનું પાછલું બારણું ખોલી હું ત્યાં ઊભો હતો. હજી સવાર સળવળી નહોતી. અંધકારનો પડદો ધીમે ધીમે ઊંચકાય ત્યારે નેપથ્યમાંથી પ્રગટ થતા સૂર્યનો ચમત્કાર નજરે જોવો હતો. આ જ જગ્યાએ, આમ દાદાજી ઘણી વખત ઊભા રહેતા, અને પછી ધીમે પગલે સામેની કેડીએ થઈ નદી પાસેના જંગલમાં ચાલી જતા. નાનો હતો ત્યારે એમને મોડેથી, તડકામાં હાંફતા પાછા ફરતાં જોતો. હું પૂછતો, ‘દાદાજી, ક્યાં ગયા હતા ?’ એ કશું કહેતા નહીં. મારે માથે હાથ મૂકી હસી દેતા.

કૉલેજના વેકેશનમાં મા-બાપુ સાથે ક્યારેક આવતો, તો દાદાજી, અને ક્યારેક બાપુને પણ આ કેડીએથી જતા હું ઉપરના ગોખમાંથી જોતો. હું કુતૂહલથી પૂછતો, ‘દાદાજી, મોર્નિંગ વોક લેવા જાઓ છો ?’ દાદાજીએ મારે ખભે હાથ મૂક્યો. અને ધીમેથી, કોઈ ગૂઢ રહસ્ય છતું કરતા દોસ્તની જેમ કહેલું- નદીપારના જંગલમાં જાઉં છું બેટા, જીવનનો અર્થ મને ત્યાંથી મળ્યો છે, તું ક્યારેક તીવ્ર એકલતાનો અનુભવ કરે ત્યારે ત્યાં ચાલી જજે. કદાચ, તંએ પણ પ્રાપ્ત કરી શકે. એ અંગત શોધનો પ્રદેશ છે.
મેં જરા હસીને કહેલું : ‘આમ વહેલી સવારે જંગલમાં આથડવું મૂર્ખતા નથી ?’
‘બીજા લોકો જેને મૂર્ખતા કહે છે, એવું તું ક્યારેય કરે જ નહીં, તો મૂર્ખ લોકો શું જાણતા હતા, એની તને ક્યારે ખબર પડે ?’

દાદાજીની એ વિચિત્ર વાતો, અને એને શાંતિથી સાંભળી, મરક મરક હસતા બાપુ એટલા નજર સામે તરવરી ઊઠ્યા કે તીવ્ર એકલતાના દંશથી હું વિહવળ બની ગયો. મને અચાનક થયું, નદીપારના જંગલમાં જતી આ કેડી મને વારસામાં મળી છે. અને મારે મારા જીવનના અર્થની અંગત શોધ કરવાની છે. કોઈ અદ્રશ્ય ખેંચાણે હું એ કેડી પર ચાલવા લાગ્યો. થોડી વાર પહેલાં જ વરસી ગયેલા વરસાદે ધૂળભર્યા રસ્તાની માટીને મઘમઘતી કરી મૂકી હતી. મારાં બૂટ કાદવમાં ઊંડે ખૂંપી જતા હતા, અને જોરથી પાછા ખેંચતો હતો ત્યારે પાણીના પરપોટાનો એક વિચિત્ર અવાજ આવતો હતો, જે મેં શહેરના ડામરના કર્કશ રસ્તાઓ પર ક્યારેય સાંભળ્યો ન હતો.

ઝાડી જરા વધુ ગીચ બની. કપાઈ ગયેલા કોઈ વૃક્ષના થડ પર હું થોડો સમય બેઠો. સઘળું જ નીરવ હતું અને એ નીરવતાની વાચા વડે કોઈ અદ્દભુત વાતો મને કહેતું હતું. આ વૃક્ષ કેવડું વિશાળ હશે ! આવી અવદશા કોણે કરી હશે ! રે ! એની પર હજી શું યે વીતવાનું બાકી હતું. ધીમે ધીમે એને નામશેષ થઈ જવાનું હતું. મારો હાથ થડની બાજુઓ પર ફરતો હતો. એની ખરબચડી તિરાડોમાંથી નાનકડાં બે-ત્રણ છોડ ફૂટી નીકળ્યા હતા. એના સ્પર્શથી રોમાંચ થઈ ગયો. આ રહ્યું જીવન. થડ નામશેષ નહીં થાય. બીજા સ્વરૂપમાં ફરી એના મૂળિયાં નાંખશે. આ જંગલની લીલેરી સૃષ્ટિનો એક ભાગ બની જીવશે. હું ઊભો થયો અને ફરી ચાલવા લાગ્યો. હવે કેડી નહોતી. મારે જવું હોય ત્યાં વળી જઈ શકતો. મારા સ્પર્શથી હલી ગયેલી ડાળીઓમાંથી છૂપાઈ ગયેલાં ફોરાં નાના બાળકની જેમ મારી પર કૂદી પડતાં હતાં. એક આહલાદક અનુભૂતિથી મન સભર થઈ ગયું. સામેની થોડી ખુલવટમાંથી નદીને હું બરાબર જોઈ શકતો હતો. જરા ઝડપથી હું ઝાડી બહાર નીકળ્યો અને નદીકિનારે આવીને ઊભો રહ્યો. વરસાદથી ધીંગી અને મસ્ત બનેલી નદી તોફાની બની હતી. ખડકોને જોરથી થપાટો મારતી, નાની નિર્બળ વસ્તુઓને પોતાનામાં ડૂબાડી દેતી, પોતાનાં સામર્થ્યથી કિનારાઓને ગળીને વિસ્તરતી જતી પ્રબળ વેગથી દોડતી હતી.

સામેની ક્ષિતિજો પરથી ધીમે ધીમે સૂર્ય, આકાશના ખુલ્લા દરવાજામાંથી કોઈ ભારે પ્રતાપી શહેનશાહની જેમ પૃથ્વીના દરબારમાં પધારતો હતો. એના સંચારસ્પર્શે સઘળું જ સજીવ થઈ ગયું. પંખીઓનો કિલ્લોલ, લીલીછમ વનરાજિનું પવનમાં ઝુલવું… આ પ્રેમવિહવળ નાયિકા જેવી નદીનો આવેગ…. કાળા ખરબચડા અને બરછટ ખડકના પથ્થરો પર રેશમ જેવી મુલાયમ લીલીકુંજાર શેવાળ…. અને પોતાનાં વિશાળ સામ્રાજ્ય પર તેજભરી દષ્ટિથી જોતો આ ઊગતા સૂર્યનો પ્રચંડ લાલ ગોળો…. હું સ્તબ્ધ બની ગયો. આ જ…. આ જ દ્રશ્યનો તો દાદાજીએ મને વારસો આપ્યો હતો ! એમણે અહીં સંતાડી રાખેલા જીવનના અર્થનો, ગૂઢ રહસ્યનો, આ અણમોલ ખજાનો મેં શોધી કાઢ્યો હતો ! મેં અત્યંત કોમળતાથી આ ક્ષણને મારા ચિત્તમાં છૂપાવી દીધી. કારણ કે હું કાલે શહેરમાં હોઈશ, અને આ ક્ષણનું સ્મરણ ત્યાંનાં બરછટ જીવન સાથે અથડાઈ નંદવાઈ ન જાય એની મને ચિંતા હતી.

આખરે મારે પણ આ ક્ષણનો વારસો મારાં સંતાનને આપવાનો હતો અને ત્યાં સુધી એની મુગ્ધતા લગીરે ઓછી ન થાય એમ હું ઈચ્છતો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “અંગત શોધનો પ્રદેશ – વર્ષા અડાલજા”

Copy Protected by Chetan's WP-Copyprotect.