દિશાઓની પેલે પાર – દિનકર જોષી

[‘દિશાઓની પેલેપાર’ પુસ્તકમાંથી સાભાર.- પુનઃપ્રકાશિત]

[1]
દ્વાવિમૌ કણ્ટકૌ તીક્ષ્ણો શરીરપરિશોષિનૌ |
યશ્ચપધન: કામયેત યશ્ચ કુપ્યત્યનીશ્વર: || મહાભારત (5/32/56)

(શરીરને અત્યંત શોષી લેનારા બે તીક્ષ્ણ કાંટા છે : એક જે નિર્ધન હોવા છતાં લૌકિક સુખની ઈચ્છા રાખે છે તે અને બીજો સત્તાહીન હોવા છતાં અન્ય ઉપર કોપ કરે છે તે.)

મહાભારતમાં જે ધર્મનું આલેખન થયું છે એ ધર્મ કોઈ પોથીપંડિતોનો ધર્મ નથી, પણ સમાજના તમામ મનુષ્યોને લક્ષમાં રાખીને મનોવૈજ્ઞાનિક રીતે થયેલી શાશ્વત વિચારણા છે. ધર્મ માણસે પોતાના સુખ માટે રચેલી આચારસંહિતા છે. માણસના જન્મ પછી ધર્મ પેદા થયો છે અને એટલે મહાભારતકારે સ્પષ્ટ કહ્યું છે કે મનુષ્યથી ઉપરવટ બીજું કંઈ જ નથી. આવો આ મનુષ્ય સુખી શી રીતે થઈ શકે એ અત્યંત મહત્વની સમસ્યાની વિચારણા કરતાં મહાભારતકાર કહે છે કે માણસને અત્યંત શોષી લેનારા બે કાંટા છે. કાંટો જો શરીરમાં પેસી જાય તો એ અત્યંત દુ:ખદાયી ફળ આપતો હોય છે. માણસની તમામ પ્રવૃત્તિઓ રોકાઈ જતી હોય છે અને કાંટાની પીડા એને સતત કોરી ખાતી હોય છે. જ્યાં સુધી આ કાંટાને દેહમાંથી દૂર કરી દેવામાં આવતો નથી ત્યાં સુધી એને સુખ મળતું નથી.

મહાભારતકાર સુખપ્રાપ્તિ માટે સદૈવ વિધ્નરૂપ બનતા આવા બે કાંટાનો ઉલ્લેખ અહીં કરે છે. જીવનમાં જે કંઈ સ્થૂળ દુન્યવી પદાર્થો પ્રાપ્ત કરવા હોય છે એ ધનના અભાવે થઈ શકતા નથી. દુન્યવી પદાર્થો માટે દુન્યવી નાણું અનિવાર્ય છે. જે માણસને આવા સ્થૂળ પદાર્થોમાં જ સુખ મળતું હોય એમને માટે ધન પ્રાપ્ત કરવું અપરિહાર્ય છે. પોતાના ધનના પ્રમાણમાં માણસ આવા લૌકિક પદાર્થો મેળવવા ઈચ્છા રાખે તો કદાચ એ મેળવી પણ શકે અને સુખપ્રાપ્તિનો ઉપરછલ્લો અનુભવ પણ કરી શકે, પણ જે માણસ સાવ નિર્ધન છે અથવા જેની સંપત્તિ સાવ સીમિત છે એવો માણસ પોતાનાં સાધનોને લક્ષમાં રાખ્યા વિના લૌકિક સુખોની સતત ઝંખના કર્યા કરે, તો આવાં સુખો એને પ્રાપ્ત થતાં નથી, એટલું જ નહીં, અપ્રાપ્તિની આ પીડા પેલા કાંટાની જેમ સતત એને અસંતોષના અગ્નિમાં ભસ્મ કર્યા કરે છે.

એ જ રીતે જે માણસ પાસે સત્તાનું કોઈ સામર્થ્ય નથી અને સમાજમાં જેનું સ્થાન સાવ નિર્માલ્ય છે એવો માણસ જો સતત અન્યો ઉપર રોષ કરે કે એમના વર્તન સામે અસંતોષ વ્યક્ત કરે તો એનાથી કશું વિધાયક પરિણામ મેળવી શકાતું નથી. સત્તાશીલ માણસ જ્યારે કોઈકના વર્તન સામે રોષે ભરાય છે ત્યારે એ પોતાની સત્તાનો ઉપયોગ કરીને પોતાને જે અણગમતું છે એનું નિરાકરણ કરી શકે છે, પણ સત્તાહીન માણસ પોતે તો કશું કરી શકતો નથી અને છતાં જે અણગમતું છે એની સામે ક્રોધ કે રોષ સેવ્યા કરે છે. ક્રોધ ધાતુપાત્રમાં મુકાયેલા જલદ તેજાબ જેવો છે. તેજાબને કારણે ધાતુપાત્ર સડી જાય છે અને કાલાંતરે એ ભંગાર થઈ જાય છે. નિર્માલ્ય માણસના ચિત્તમાં જળવાઈ રહેતા ક્રોધનું પણ આવું જ થાય છે. આવા માણસનું ચિત્ત ખવાઈ જાય છે અને એના જીવનમાં સતત કાંટા જેવી પીડા જ બચી જતી હોય છે.

સાવ સામાન્ય લાગતી આ વાતમાં જે શાશ્વત ઊંડાણ રહેલું છે એ જો એક વાર સ્પષ્ટ થઈ જાય તો સમગ્ર જીવનનો રાહ કદાચ બદલાઈ જાય.

[2]
તાવજ્જિતેન્દ્રિયો ન સ્યાદ વિજિયાન્યેન્દ્રિય: પુમાન્ |
ન જયેદ્ રસનં યાવજ્જિતં સર્વ જિતે રસે || (શ્રીમદ્ ભાગવત એકાદશ સ્કંધ : 8/21)

(જ્યાં સુધી માણસ સ્વાદ ઉપર વિજય મેળવતો નથી ત્યાં સુધી બીજી તમામ ઈન્દ્રિયો ઉપર મેળવેલો વિજય અધૂરો રહે છે. એ જ રીતે જો માણસ સ્વાદને વશ કરી લે છે તો અન્ય તમામ ઈન્દ્રિયો આપોઆપ વશ થઈ જ જાય છે.)

ઈન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કરવો અને ઈન્દ્રિયગમ્ય સુખો કે દુ:ખો આ બન્નેથી પર થઈ શકે એવી મનોભૂમિકાનું નિર્માણ કરવું એને શાસ્ત્રકારોએ વિશેષ મહત્વ આપ્યું છે. આ દેહ અને ઈન્દ્રિયો આ બધું ધર્મના અનુસરણ માટે છે. જો ધર્માનુસરણને બદલે આ ઈન્દ્રિયોનો વિનિયોગ નર્યા સ્વકેન્દ્રી સુખોપભોગમાં જ થાય તો મનુષ્યજન્મ સાર્થક થયો છે એમ કહેવાય નહીં. આ સાર્થકતા સિદ્ધ કરવા માટે માણસે ઈન્દ્રિયોને અનુવર્તીને નહીં પણ ઈન્દ્રિયો ઉપર આધિપત્ય મેળવીને જીવન વ્યતીત કરવું જોઈએ.

કાન હંમેશાં મધુર શ્રવણ કરવા લલચાય છે. ચક્ષુ હંમેશાં સુંદર પદાર્થો પ્રત્યે આકર્ષાય છે. નાસિકા સુગંધિત દ્રવ્યોથી પ્રસન્ન થાય છે. ત્વચા સ્પર્શથી ઝંકૃત થાય છે અને જીભ સ્વાદિષ્ટ પદાર્થોથી હંમેશાં લલચાતી હોય છે. બને છે એવું કે માણસ, આંખ, કાન અને નાસિકાનાં મોહક તત્વો સામે જરૂર પૂરતો પ્રતિરોધ વધતાઓછા પ્રમાણમાં કેળવી લે છે. ઘણી વાર માણસે આ ઈન્દ્રિયો ઉપર ઠીક ઠીક પ્રમાણમાં વિજય પણ મેળવ્યો હોય છે. સુંદર હોય પણ અશિષ્ટ કે અભદ્ર દશ્ય હોય તો માણસ આંખ ફેરવી લેતો હોય છે. સુગંધિત હોય પણ એની આડઅસર સ્વાસ્થ્ય પર પડતી હોય તો માણસ એનાથી પણ દૂર જાય છે. કેટલીક વાર તો એવા સંતો કે સંન્યાસીઓ પણ હોય છે, જેઓએ આ ઈન્દ્રિયજન્ય ઉપભોગો ઉપર ઠીકઠીક પ્રમાણમાં કાબૂ મેળવી લીધો હોય છે. ભાગવતકાર અહીં કહે છે કે આ બધી ઈન્દ્રિયોમાં જીભ ઉપર કાબૂ મેળવવો સૌથી વધુ કષ્ટસાધ્ય છે.

એવું ઘણી વાર જોઈએ છીએ કે માણસ મરણોન્મુખ હોય, અમુક પદાર્થ એને માટે લગીરેય પથ્ય ન હોય અને છતાં એ પદાર્થ આરોગવા માટે એનું મન સતત લલચાતું હોય. જ્ઞાનવૈરાગ્યની વિદ્વતાપૂર્ણ વાતો સતત કરનારા કેટલાય સંતો પોતાને વિશેષ ભાવતા પદાર્થો માટે લલચાઈ જતા હોય છે. ઘણી વાર માણસ આવા સ્વાદુ પદાર્થોથી દેખીતી રીતે ભલે દૂર હોય, પણ માનસિક રીતે એ આ પદાર્થને આરોગતો હોય છે. કેટલીક વાર આવા ચોક્કસ પદાર્થોનું નામ લેતાં વેંત માણસ (મોઢામાં પાણી આવ્યું) એવો જે ભાવ અનુભવે છે એ ભાવ વાસ્તવમાં જીભ જેવી ઈન્દ્રિય પાસે માણસની લાચારીનો જ દ્યોતક છે. ભાગવતકાર સૌથી નાજૂક લાગતી આ જીભની સૌથી વધુ બળવત્તર શક્તિથી પરિચિત છે અને એટલે જ કહે છે કે જો માણસ આ જીભ ઉપર વિજય મેળવી લે છે તો અન્ય ઈન્દ્રિયો ઉપરનો વિજય સરળ થઈ જાય છે.

આ શ્લોકમાં જીભનો ઉલ્લેખ એની સ્વાદશક્તિને લક્ષમાં રાખી ભલે કરવામાં આવ્યો હોય, પણ જીભનું આવું જ એક બીજું સામર્થ્ય વાણી છે અને જે માણસ સ્વાદની જેમ જ વાણીને વશ કરીને જીભ ઉપર આધિપત્ય મેળવે છે એને માટે જિતેન્દ્રિય બનવાનો માર્ગ મોકળો થઈ જાય છે.

[3]
અર્થાતુરાણાં ન ગુરુર્ન બન્ધુ: કામાતુરાણાં ન ભયં ન લજ્જા |
વિદ્યાતુરાણાં ન સુખં ન નિદ્રા ક્ષુધાતુરાણાં ન રુચિર્ન વેલા || (ચાણક્યનીતિસુત્ર)

(ધનલોભીને કોઈ સ્વજન નથી કે કોઈ ગુરુ પણ નથી. કામાતુર વ્યક્તિને ભય કે લજ્જા હોતાં નથી. જેને વિદ્યા જ પ્રાપ્ત કરવી છે એ સુખ કે નિદ્રાની અપેક્ષા કરે નહીં તથા જે ભૂખ્યો થયો છે એ ખોરાકના સ્વાદનો કે સમયનો ખ્યાલ કરતો નથી.)

સંસારમાં ધનનું એક વિશેષ સ્થાન છે. ધન વિના સાધુ કે સંન્યાસીઓનું કૌપીન કે કમંડલુ પણ પ્રાપ્ત થતાં નથી. આમ ધન વિના ક્યાંય કશું ચાલતું નથી એ સત્ય હોવા છતાં ધન જ સર્વસ્વ છે અને ધન વિના બીજંક બધું જ વ્યર્થ છે એવું માનનારા ઘોર ભ્રમણામાં જીવતા હોય છે. આવી ભ્રમણામાં રહેનારાઓ ધનની જ સર્વોપરિતા સ્વીકારે છે અને ધન સિવાય કોઈ પણ વાતને તેઓ ગૌણ જ માને છે. આવા ધનલોભી માણસ માટે કોઈ આપ્તજન છે અથવા પૂજનીય છે એમની પાસેથી પણ યેન કેન પ્રકારેણ ધન પ્રાપ્ત કરવું એ જ આવા માણસનું લક્ષ્ય હોય છે. જેઓ સંબંધોને લક્ષમાં લીધા વિના માત્ર ધનની જ આરાધના કરે છે તેઓ માણસોને કોઈ સ્વજન, સ્નેહી કે ગુરુજન હોતા નથી. એ જ રીતે જે વ્યક્તિ કામને આધીન થઈ ચૂકી છે અને આ કામવશ અવસ્થામાં જેણે વિવેક ખોઈ નાખ્યો છે એને સમાજનો કોઈ ભય રહેતો નથી કે પછી પોતાના પ્રગટ હીન આચરણની શરમ પણ રહેતી નથી. વિવેક અને લજ્જા ઉપર કામનાં પડળ ખડકાઈ ચૂક્યાં હોય છે અને આવી વ્યક્તિ નિર્લજ્જ બનીને વર્તાવ કરતી હોય છે.

વિદ્યાપ્રાપ્તિની યાત્રા અતિશય દુષ્કર હોય છે. જેમને જ્ઞાન મેળવવું હોય છે એમણે કઠોર જિંદગીનો સામનો કરવાની માનસિક તૈયારી રાખવી જ પડે છે. સ્વાદિષ્ટ ભોજનોથી ઉદરતૃપ્તિ કરવી, સવારે મોડેથી ઊઠવું, બપોરે કલાક બે કલાક આડા પડખે થવું – આવાં સુંવાળાં લક્ષણો વિદ્યાપ્રાપ્તિના માર્ગમાં અવરોધરૂપ છે. જેમણે વિદ્યા મેળવવી છે એમણે આવાં સુખો ત્યજવાં જ પડે. એ જ રીતે ભૂખ એ એક વિકરાળ લક્ષણ છે. માણસ ગમે તેવા દુ:ખમાં હોય કે ભયથી ઘેરાયેલો હોય, પણ દેહમાં રહેલો વૈશ્વાનર એને છોડતો નથી. માણસ સમયાંતરે ભૂખની પીડાથી ઘેરાઈ જાય છે. આવા માણસને જો એ સમયે ભોજન મળે નહીં તો એની ક્ષુધા એવી વિકરાળ બની જાય છે કે જે કંઈ ખાદ્યસામગ્રી ઉપલબ્ધ થાય એ કોઈ સ્વાદ કે સ્વાસ્થ્ય અથવા ખાદ્ય માનીને એ છોડતો નથી અને એનો ઉપભોગ કરી લે છે. ભૂખ્યા માણસ માટે એ પછી સ્વાદ કે સમય ગૌણ બની જાય છે.

ચાણક્યે આપણને જીવનવ્યવહારનાં કેટલાંક ઉત્તમ સુત્રો આપ્યાં છે. આ સૂત્રોમાં માનવજીવન અને એના વ્યવહારમાં મનુષ્ય સ્વભાવનું ઊંડું ચિંતન તથા પરખ પ્રગટ થાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “દિશાઓની પેલે પાર – દિનકર જોષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.