- ReadGujarati.com - http://www.readgujarati.com -

પંડિત ભીમસેન જોશી – રમેશ બાપાલાલ શાહ

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક માર્ચ-2011માંથી સાભાર.]

[dc]‘આ[/dc]પ એક ચમચ ઘી કે લિએ ઘર સે ભાગ ગયે થે ?’
‘અરે ભાઈ ! ભાગ તો જરૂર ગયા થા. ઘી તો એક બહાના થા ! કુછ ના કુછ કરના જરૂરી થા. જાને કા પક્કા કિયા થા. મા સે ઝગડા કરકે નિકલ ગયા થા. ગદગ મેં ગાના શિખને કા કુછ નહિ થા. વહાં એક પ્રાઈમરી ટીચર શરૂ કા સારેગમ શિખાતા થા. મેં 11 સાલ કા થા તબ ગુરુ કે ગુરુ કી રેકર્ડ સુનતા થા, જોગિયા ઔર બસંત રાગ સુનતા થા તબ તય કર લિયા કિ ગાના તો ઐસા હી આના ચાહિયે. તો મેં ઘર સે ભાગ ચલા. ગ્વાલિયર કા નામ સુના થા. જેબ મેં પૈસા ન થા, વિધાઉટ ટિકિટ ટ્રાવેલિંગ !

બિના ટિકિટ રેલવે મેં બેઠ ગયા ! મરાઠી ટિકિટ ચેકર ગાને કા શોખિન થે, પંડિતરાવ નગરકર કે ઔર નારાયણ વ્યાસ કે મરાઠી રેકર્ડ ઈમિટેટ કરતા થા ઔર બચ જાતા થા, કોઈ બેસૂરા મિલ જાતા થા તો જેલ મેં ડાલ દેતા. દો મહિને કે બાદ ગ્વાલિયર પહુંચા, વહાં સ્ટેટ કી તરફ સે ગાના શીખને વાલો કો એક ટાઈમ કા ખાના મફત મિલતા થા, ગ્વાલિયર મેં સંગીત શીખા. આગે શીખને કે લિયે મૈં કલકત્તા ચલા ગયા. ગાને કા એટમોસ્ફિઅર હૈ વહાં પહાડી સન્યાલ કે પાસ નોકર બન રહ ગયા. ઘર કા કામ કરને કા ઓર ખાના મિલ જાતા થા. ઉનકા ગાને કા રિહર્સલ સુનતા થા.’

કર્ણાટકના રોન તથા ગદગ ગામમાં અનેક મંદિરો સ્થાપત્ય અને શિલ્પકળાનાં ઉત્તમ નમૂના સરીખા ગદગ શૈલીથી ઓળખાતા ત્રિકુટેશ્વરનાં મંદિરો. એમાં વિશિષ્ટ એવું એક સરસ્વતી મંદિર આજે પણ ટૂરિસ્ટોનું આકર્ષણ છે. એક નાનો બાળ રોજ આ મંદિરમાં જઈ સરસ્વતીદેવીની મૂર્તિ સામે હાથ જોડી ઊભો રહેતો. એ જાણે દેવીના હાથમાંની વીણાનાં સૂર કાન દઈને સાંભળતો અને દેવી સંગીતની કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જતો. સરસ્વતીદેવીનું વરદાન પામેલો આ બાળક ભવિષ્યમાં પંડિત ભીમસેન જોશી નામે વિશિષ્ટ શાસ્ત્રીય ગાયન શૈલીનો પર્યાય બનવાનો હતો.

આજથી બરાબર 89 વર્ષ પહેલાં સન 1912ની 4થી ફેબ્રુઆરીએ ગદગ પાસેના રોન નામના નાના ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં પંડિત ભીમસેન જોશીનો જન્મ થયેલો. પિતા ગુરુરાજ સામાન્ય શિક્ષક હતા. 16 ભાઈ-બહેનોમાં સૌથી વડેરો તે ભીમ. ભીમ મોટો થઈને ખૂબ ભણીને ડૉક્ટર કે ઈન્જિનિયર બને એવી પિતા ગુરુરાજની મહેચ્છાથી વિપરિત, શાળાના અભ્યાસ પ્રત્યે દુર્લક્ષ કરનાર ભીમ નાનપણથી જ સંગીતનો ભારે રસિયો હતો. એક વાર વરઘોડાના બેન્ડવાજાની ધૂનથી આકર્ષાઈને ભીમે તેની પાછળ ચાલ્યા કર્યું અને પછી થાકીને એક ઓટલા પર ઊંઘી ગયો, જ્યારે ઘરમાં ને મહોલ્લામાં શોધખોળ ચાલી ત્યારે કોઈ એને ઊંચકીને ઘરમાં લઈ આવ્યું ! ભીમના દાદા કીર્તનકાર હતા. દાદાનો એક તાનપુરો ક્યાંક ખૂણામાં પડેલો તે શોધી તેમાં તાર સરખા કરી તેના પર હાથ અજમાવવાની શરૂઆત કરી. ભજન અને અભંગ ગાયકીનાં સંસ્કાર ત્યાંથી જ જન્મ્યા હશે. અને ગામની મસ્જિદમાંથી સંભળાતા ‘આજાન’નાં સ્વરોએ એમની બેનમૂન આલાપ ગાયકીના બીજ રોપ્યા હશે. નાની વયે ભીમ મા ગુમાવી અને અપર માનું શાસન આવ્યું. અને ‘ચમચી ઘી’ વાળો પ્રસંગ બન્યો. ઘર છોડ્યું. સંગીતની દીક્ષા મળે એવા ગુરુની શોધ હતી. વય હતી ફક્ત 11 વર્ષની. એ કાંઈ ઉંમર કહેવાય કાંઈ બનવાની ? પરંતુ મનમાં ચેન ન હતું. રટણ હતું મનથી માનેલા ગુરુએ ગાયેલ રાગ ઝિંઝોટીની ખ્યાત ચીજ ‘પિયા બિન નાહિ આવત ચૈન’નું. ગાવું તો આવું જ ગાવું ! આ તલાશ હતી. સંગીતની તલપ હતી. યોગ્ય ગુરુની શોધમાં ત્રણ વર્ષ પસાર થઈ ગયા. એક શહેરથી બીજે શહેર ભટકીને યોગ્ય સંગીત તો ન મળ્યું પણ પરિશ્રમી જીવનનું ઘડતર આ સફરમાં જ થયું. બાળક ભીમ હવે કિશોર થયો હતો. પિતા ગુરુરાજ પણ ભીમની શોધમાં રઝળપાટ કરીને છેવટે જલંધર શહેરમાં પહોંચ્યા અને ત્યાં ભીમ મળ્યો. એની અડગ લગનની હવે પ્રતીતિ થઈ હતી. પિતા તેને યોગ્ય ગુરુ પાસે લઈ ગયા.

સન 1936માં દઢ નિર્ધાર કરીને ભીમ શિષ્ય બન્યા રામભાઉ કુંદગોલકરના. જેને આપણે સવાઈ ગંધર્વનાં નામથી ઓળખીએ છીએ. સવાઈ ગંધર્વને ત્યાં રહી સંગીત શીખવાનું કામ આસાન ન હતું. ઘર વપરાશ માટે દૂર દૂરથી પાણી લાવવું પડતું. વહેલી સવારે ઊઠીને ચૌદ વર્ષનો ભીમ માથા પર ઘડો લઈને એક માઈલ દૂરથી પાણી ભરી લાવતો હતો. બે વર્ષ સુધી સંગીતની કોઈ શિક્ષા મળી નહીં અને એણે ઘરકામ કરવું પડ્યું. જોકે ભીમને આ અથાક પરિશ્રમ જરા પણ કઠિન લાગતો ન હતો. મનમાં ધૂન હતી સંગીત શીખવાની. નાનપણમાં સાંભળેલી સવાઈ ગંધર્વના ગુરુ અબ્દુલ કરીમ ખાં સાહેબની રેકર્ડ મનમાં સતત યાદ રહેતી હતી. એ દરમિયાન ‘ગંધર્વ’ સંગીત સાંભળવા તો મળતું જ.

ભીમામાંથી ભીમસેન બનીને 19 વર્ષની વયે સન 1941માં પ્રથમવાર જાહેરમાં ગાવાનો મોકો મળ્યો. એમના સંગીતની રેકર્ડ પણ બની. એક એવો અવાજ કે જે ઘેરા અને ઘૂંટાયેલા સ્વરોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતો. ગદગના સરસ્વતી મંદિરનાં કાલ્પનિક સ્વરો હવે સાકાર થતા હતા. કર્ણાટક અને મહારાષ્ટ્રના મોટાં શહેરોમાં ગાવાનું નિમંત્રણ મળવા લાગ્યું. એમની ગાયકીમાં લાગતાં વાદ્ય અને સંગીતકાર સાજીંદાઓને સાથે ફેરવવા માટે ભીમસેને એક મોટી કાર ખરીદી. હૈદરાબાદ, પુના, રાયપુર, ભિલાઈ અને મુંબઈ સુધી ભીમસેનની ગાયકીના સૂર લગાતાર રેલાવા લાગ્યા. આમ દોડાદોડીમાં ભીમસેને કાર ચલાવવાનું કુશળતાથી શીખી લીધું. ગાયનના શોખની સાથે સાથે કાર ચલાવવાનો શોખ પણ જામ્યો. અરે ! કાર રિપેર કરવાનું નાનું મોટું કામ પણ સ્વયં પોતે કરી લેતાં. સ્વરના ત્રણ સપ્તકની જેમ એમનું કાર ડ્રાઈવિંગ પણ છેક દ્રુત સ્પીડ પકડતું ત્યારે સાથીઓના જીવ ઊંચા થઈ જતાં. પછી તો એમની સંગીત ઉડાન એટલી ઝડપભરી થઈ ગઈ કે તેઓને પ્લેઈનની સફર કરવી પડતી. હવે તેઓ ‘ફ્લાઈંગ મ્યુઝિશિયન ઑફ ઈન્ડિયા’ કહેવાવા લાગ્યા ! યુવાન વયમાં ભીમસેન કુશળ તરવૈયા હતા. યોગ તથા ફૂટબૉલની રમત પ્રત્યે લગાવ હતો. સુરના આ સાધકને સુરાનો પણ બેહદ શોખ હતો. પરંતુ જ્યારે લાગ્યું કે આ શોખ લતમાં પરિણમીને પોતાની કારકિર્દીનું હનન કરે છે ત્યારે સન 1979માં એ શોખ તજી દીધો હતો.

પોતાના સંગીત શીખવનાર ગુરુ પ્રત્યેની અપાર શ્રદ્ધા વ્યક્ત કરવા તેમણે પુણેમાં ‘સવાઈ ગંધર્વ સંગીત મહોત્સવ’ની સન 1953માં, ગુરુની પ્રથમ મૃત્યુ તિથિએ, શરૂઆત કરી ત્યારથી આજ પર્યંત એ સંગીત મહોત્સવ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહ્યો છે. એ સમયનાં શ્રોતાઓએ ગાયક ભીમસેનને સામાન્ય કાર્યકર્તાની જેમ શ્રોતાઓને નિમંત્રણ પહોંચાડવાનું કામ કરતાં અને શ્રોતાઓ માટે જાજમ પાથરતાં જોયા છે.

એક દમદાર અવાજ, શ્વાસનું અજબ નિયંત્રણ, સંગીતની ઊંડી સમજ, ત્રણેય સપ્તકમાં થતી આવન-જાવન અને શબ્દની સ્પષ્ટ ધારદાર રજૂઆત ભીમસેન જોશીની ગાયકીને શાશ્વત બનાવે છે. રાગ તિલકકામોદની તેમની રચના ‘તિરથ કો સબ કરે, દેવ પૂજા કરે; વાસના નવ મરે, કૈસે કો ભવ તરે’માં ઢોંગી ભક્તોને ચાબખા જ મારે છે. તો બિહાગ રાગની મસ્તીભરી રચના ‘લટ ઉલઝી સુલઝા જા બાલમ’ સાંભળતાં શૃંગાર રસ છલોછલ છલકાય છે. રાગ જોગિયાની ઠુમરી ‘પિયા મિલન કી આસ રી’માં વિજોગની આરત સંભળાય છે. ભક્તિભાવથી ભર્યાં ભજનો કે અભંગો આ સંસારની નિરર્થકતા સમજાવતાની સાથે અંતરમાં વૈરાગ્યનાં મંડાણ કરાવે છે. રાગ કલાવતી અને રાગેશ્વરીનાં સંયોજનથી તેમણે નવો રાગ કલાશ્રી બનાવ્યો તેની ચીજ ‘ધન ધન મંગલ ગાવો’ પણ બેનમૂન છે. એમના શબ્દો ‘અસંભવ કો સંભવ બનાને કી આશા થી’ એ સાર્થક થયા. પંડિત ભીમસેન જોશીના ટીકાકારો પણ એમની ગાયકીની તારીફ કર્યા વિના રહી શકતા નથી.

સ્વાભાવિક છે, ‘લિવિંગ લિજેન્ડ’ સમા આ મહાન ગાયકને અઢળક માન-ચાંદ મળે. સન 1972માં પદ્મશ્રી, 85માં પદ્મભૂષણ, 99માં પદ્મવિભૂષણ અને 2008માં ભારતરત્ન; આમ આપનારને પણ આપ્યા પછી ઓછું અપાયાનો ક્ષોભ થાય ને વધુ આપવાનો ઉલ્લાસ આવે એવાં સન્માન તેઓ પામ્યા છે. સન 2009માં તેમને ‘લાઈફટાઈમ એચીવમૅન્ટ ઍવોર્ડ’ મળ્યો. આ ઉપરાંત અનેક સંસ્થાઓના તથા વિવિધ પ્રાંતોની ગર્વન્મેન્ટના અનેક ઍવોર્ડૉ તેમણે મેળવ્યા છે. સૌથી વિશેષ તો તેમણે રસિક શ્રોતાઓના હૃદયમાં શાશ્વત સ્થાન મેળવી સુરની સાથે સુર મેળવી લીધા છે ! શાસ્ત્રીય ગાયકીનો અખૂટ ભંડાર આપણને સૌને વારસામાં આપી પંડિત ભીમસેન જોશી આ ફાની દુનિયા છોડી અનંતની યાત્રાએ ગત વર્ષે નીકળી પડ્યા છે. જળમાં બોળેલી આંગળી કાઢી લીધી અને જળમાં કશી નિશાની પણ ન રહી એવું આ કલાકારમાં બન્યું નથી.