દિવાળીની સાફસૂફીમાં કંઈ મળ્યું ? – કલ્પના દેસાઈ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ કલ્પનાબેનનો (ઉચ્છલ, સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 2628 231123 સંપર્ક કરી શકો છો.]

[dc]દિ[/dc]વાળી અગાઉ ઘર સાફ કરવાનાં અનેક કારણો છે. એક તો દિવાળી તહેવારોનો રાજા ગણાય છે તેથી રાજાના આગમન અગાઉ ઘર-આંગણાની સ્વચ્છતા જરૂરી છે. બીજું, દિવાળી વર્ષમાં એક જ વાર આવતી હોવાથી દિવાળીને બહાને ઘર અને ઘરનાં લોકો ઉપરતળે થઈ જાય તો સારું એ વિચારે પણ સાફસૂફીનો ધમાકેદાર કાર્યક્રમ હોંશેહોંશે ઉજવાય છે. ત્રીજું કારણ મોટે ભાગે એ હોય છે કે, દિવાળીમાં મહેમાનોની અવરજવર વધી જતી હોવાથી ચોખ્ખા ઘરની સારી ઈમ્પ્રેશન પાડવા જ ખાસ તો આટલી બધી હાયવોય ને બૂમાબૂમ કરીને ઘરની સાફસફાઈને જ વધારે મહત્વ અપાય છે. દિવાળીના નાસ્તા તો તૈયાર મળી જશે ને વળી લાઈટ ને રંગોળી પણ તૈયાર મળશે પણ ઘરને અને ઘરનાંને ઝાટકી નાંખવાનો મોકો વર્ષમાં એક જ વાર મળશે ! એ ખ્યાલે જ ઘરની સાફસૂફીનો ફરજિયાત વિષય દિવાળીના અભ્યાસક્રમમાં દાખલ કરાયો છે.

ઘણાં તો વળી દિવાળીના દિવસો પહેલાં, ઘરમાંથી જેટલો ભંગાર કે કચરો નીકળી જાય તે સારું – નવાની જગ્યા થાય – એ વિચારે પણ નવરાત્રિ જતાં જ ઘરમાં ખાંખાખોળાં શરૂ કરી દે છે ! તેમાં આખા વર્ષ દરમિયાન ન દેખાતી ભંગારની લારીઓ ને ન સંભળાતી ભંગા…રની બૂમો ગલીઓમાં હાજરી પૂરાવવા માંડે છે. બહુ ઓછા લોકો દિવાળીની કે ઘરની સાફસૂફી દરમિયાન ‘કંઈક’ મળી આવે એ આશાએ જ ઘરની સાફસૂફીના કાર્યક્રમમાં ભાગ લે છે. ને દરેક જૂની વસ્તુને નવી નજરે- અચંબાભરી આંખે જોઈ રહે છે.

‘અરે…..! આ પિત્તળનો ગોબાવાળો લોટો હજી મૂકી રાખ્યો છે ? ભંગારમાં આપવાનું કે’તી’તી ને ?
‘હા…. તે દર વર્ષે એને ભંગારમાં આપવા જ બહાર કાઢું છું પણ મને યાદ આવે કે, રોજ કેવો તમે એને પાણી ભરીને, જમતી વખતે પાટલા પાસે કાળજીથી મૂકીને પછી જ જમવા બેસતા ! બસ, એ યાદે જ હું એ લોટાને પાછો માળિયે ચડાવી દઉં.’
‘પણ એમાં ને એમાં તો એના ગોબા પણ વધતા ચાલ્યા. હજી થોડા વર્ષ પછી તો એનું નામ પણ બદલાઈ જશે. છોડ એ બધી માયા ને મારું માનતી હો તો આપી દે લોટો ભંગારમાં.’

હવે લોટો જો સજળ નયને વિદાય પામે તો વળી ક્રિકેટનું ફાટી ગયેલું બેટ નીકળી આવે ને ત્રણ-ચાર ટેનિસ બોલ પણ જર્જરિત હાલતમાં મળી આવે ખરા ! બરાબર એ સમયે જ ક્યાંકથી ઘરનો ચિરાગ રોશન થાય ને એક ચીસ નીકળે…..
‘મમ્મી….. મળી ગઈ મારી બેટ. લાવ, લાવ, લાવ ! થેંક યૂ મમ્મી…. થેંક યૂ ! મારા દોસ્તો માનતા નો’તા પણ હવે હું આ જ બેટથી સચીનની જેમ ફટકા મારીને બતાવી આપીશ કે હું પણ કંઈ કમ નથી.’ ચા….લો, આ બહાને બે વસ્તુ તો ઘરમાંથી ઓછી થઈ ! એટલામાં મમ્મીને અચાનક જ, અધૂરા મૂકેલા બે સ્વેટરના દડાવાળી થેલી ને તેમાંથી વાંકા વળી ગયેલા અધૂરી જોડીના સોયા દેખાઈ જતાં જે આનંદ થાય… જે આનંદ થાય.. તે લાગે કે, દિવાળી પહેલાં તો બંને સ્વેટર ગૂંથાઈને તૈયાર થઈ જશે ને શિયાળામાં કામ પણ આવશે ! પણ એવું કંઈ થાય નહીં ને વળી એકાદ નવી કોથળીમાં સરસ રીતે પેક થઈને સ્વેટરનો સરંજામ પાછો ‘તરત મળી જાય’ (એવું લાગે) એવી જગ્યાએ ગોઠવાઈ જાય. કોઈકની સાચવીને મૂકી રાખેલી નવ્વી જ અથવા તો એકાદ-બે વાર જ પહેરેલી ચંપલની દબાઈ ગયેલી અથવા કડક થઈ ગયેલી જોડ મળી આવે, કોઈકના કતરાયેલા નવા જ બૂટ મળી આવે તો કોઈકના વળી બૂટમાં જ રહી ગયેલા પણ સડી ગયેલા મોજા મળી આવે !

મને પણ હતું જ, મનમાં બૌ મોટી આશા હતી કે કંઈ નહીં તો એકાદ તો એવી વસ્તુ મને અચાનક જ મળી આવશે જેના વિશે મેં વિચાર્યું પણ નહીં હોય. જેને જોતાં જ મન આનંદના સાગર નહીં તો તળાવ નહીં તો જેટલું પાણી મળે એમાં પણ છબછબ છબછબિયાં તો કરવા જ માંડશે. હું પણ એ વસ્તુને જોયા જ કરીશ. જોતી જ રહી જઈશ ને પછી, દિવસો સુધી ખુશ થઈ થઈને બધાંને કહ્યા કરીશ, ‘અરે….! મને તો જરા ય આશા નહોતી કે આમ મને દિવાળીની સાફસૂફી ફળશે ! મારું તો કામ જ થઈ ગયું.’ પણ, એ વસ્તુ કઈ હોઈ શકે ? એવી તે કઈ વસ્તુની હું આશા રાખું છું કે, જે મને મળે તો મને આનંદ આનંદ થઈ જાય ? સરસ મજાની, સંતાડી રાખેલી પેન ? કે કોરા કાગળની થોકડી ? કોઈ ન વપરાયેલી ભેટકૂપન કે ડિસ્કાઉન્ટ કૂપન ? સાડી, ચંપલ, પર્સ કે ઘડિયાળ ? જેમ જેમ યાદ આવશે તેમ તેમ લિસ્ટ લંબાતું જશે પણ કઈ ખોવાયેલી વસ્તુ મળવાથી મને આનંદ મળશે તે હું સમજી શકતી નથી.

રહી રહીને મને યાદ આવ્યું કે, ગયે વર્ષે તો મેં મન મજબૂત કરીને, દિલ પર પથ્થર મૂકીને મારી બધી જૂની, તૂટેલી-ફૂટેલી વસ્તુઓનો નિકાલ કરી દીધેલો. મનમાં મજબૂત સંકલ્પ કરેલો કે હવેથી આખા વર્ષ દરમિયાન દર મહિને, ઘરમાંથી ન વપરાતી વસ્તુઓનો નિકાલ કરતી રહીશ જેથી દિવાળીની સાફસૂફી કરવામાં સરળતા રહે ને જૂનીપુરાણી વસ્તુઓના મોહમાં મન અટવાયા ન કરે. માયા આગળ લાચાર બની જતું મન વળી કચરાનો કે ભંગારનો ઢગલો ઘરમાં ન કરે એ આશાએ જ એ સંકલ્પ મેં કરેલો અને ભૂલમાં પાળેલો પણ ખરો ! પછી ક્યાંથી મને કંઈ ખોવાયેલી કે સંતાડેલી ચીજ અચાનક જ મળવાની હતી ? ખરે, જવા દો.

આ વર્ષે હવે એવો સંકલ્પ નથી કરવો. ભલે ઘરમાં જૂની પુરાણી- એક વર્ષ જૂની પણ જૂની જ ગણાય !- વસ્તુઓ ભેગી થતી. આવતે વર્ષે દિવાળી અગાઉ સાફસૂફી કરતી વખતે કંઈક ખોવાયેલી કે અવળે હાથે મૂકાયેલી વસ્તુ અચાનક મળ્યાનો આનંદ લેવો હોય તો આવા નકામા સંકલ્પો લઈશ નહીં. ખરું ને ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “દિવાળીની સાફસૂફીમાં કંઈ મળ્યું ? – કલ્પના દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.