- ReadGujarati.com - http://www.readgujarati.com -

મેરે મહેબૂબ કૈસે હો ? – ડૉ. મહેબૂબ દેસાઈ

[ ‘મઝહબ હમેં સિખાતા, આપસમેં પ્યાર કરના’ પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘યજ્ઞ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]જો[/dc]સેફ મેકવાન. ગુજરાતી દલિત સાહિત્યનું એક એવું નામ, જેને દલિત સાહિત્યના ‘દાદા’નું ઉપનામ સ્વાભાવિક રીતે સાંપડ્યું છે. એમની ‘આંગળિયાત’, ‘વ્યથાના વીતક’, ‘મારી ભિલ્લુ’, ‘માણસ હોવાની યંત્રણા’ અને ‘જનમજલા’ જેવી કૃતિઓને અઢળક ઈનામ-ઈકરામ મળ્યાં છે. છતાં તેમની સાલસતા અને નિરભિમાની વહેવાર સૌને સ્પર્શી જતો. આમ તો સૌ પ્રથમ અમે કોલમ પાડોશી બન્યા હતા. ‘ગુજરાત ટુડે’ના રવિવારના અંકમાં અમે બંને એક જ પાના પર નિયમિત મળતા. એ નાતે અમે ફોન પર અવારનવાર મળતા અને મુસ્લિમ-દલિત સમાજની સરખી સમસ્યાઓની કલાકો સુધી ચર્ચા કરતા.

પણ જોસેફભાઈને સદેહે મળવાનું સદભાગ્ય 16-12-99ના રોજ મને સાંપડ્યું. એ દિવસે ગુજરાત વિદ્યાપીઠના સભાખંડમાં મારા તાજા પુસ્તક ‘ગુજરાતના નવતર સત્યાગ્રહો’નો વિમોચન કાર્યક્રમ મંત્રીશ્રી મહેન્દ્ર ત્રિવેદીના હસ્તે રાખવામાં આવ્યો હતો. એ કાર્યક્રમમાં મિત્રભાવથી છલોછલ બે મિત્રો ઓચિંતા આવી ચડ્યા. એક હતા શ્રી કેશુભાઈ દેસાઈ અને બીજા હતા શ્રી જોસેફ મેકવાન. ભરાવદાર શરીર, કલગીથી ભરાયેલ ગરદન અને ચહેરો, બોલતી આંખો અને હોઠો પર છલકાતા સ્મિતધારી એ મહામાનવનો પરિચય કરાવતા કેશુભાઈ બોલ્યા :
‘આ આપણા મિત્ર જોસેફ મેકવાન છે.’
અને ત્યારે એ પડછંદ શરીર મને ભેટી પડ્યું. ભેટતાંની સાથે જ તેમના મુખમાંથી શબ્દો સરી પડ્યા,
‘મેરે મહેબૂબ કૈસે હો ?’

હોલમાં સૌ અમને તાકી રહ્યા. સૌએ એવું જ અનુભવ્યું, જાણે જિગરજાન દોસ્તો વર્ષો પછી મળતા ન હોય ! જો કે જોસેફભાઈ ઉંમરમાં મારા કરતાં ઘણા મોટા (જન્મ 1936) છતાં તેમણે જીવનભર મને એ વાતનો જરાપણ અહેસાસ થવા દીધો ન હતો. તેમની સર્જનપ્રક્રિયા કોઈ વાતાવરણની મહોતાજ ન હતી. જ્યાં બેઠા હોય ત્યાં તેઓ વાર્તા ખોળી કાઢતા. એક વાર બીલીમોરાના બસ સ્ટેન્ડ પર બેઠા બેઠા એક વાર્તા તેમણે ખોળી કાઢી અને લખી પણ નાખી.

જોસેફભાઈના સાહિત્યમાં ડોકિયાં કરતી, દલિત સમાજની વ્યથામાંથી ટપકતી તેમના ઉદ્ધાર માટેની મહેચ્છા સમગ્ર ગુજરાતને સ્પર્શી ગઈ છે. પણ માત્ર દલિત સમાજ પ્રત્યેની જ સભાનતા તેમના વ્યક્તિત્વનું પાસું ન હતું. હિંદુ, ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો તેમનો અભ્યાસ પણ ઊંડો હતો. તેની પ્રતીતિ મને મહેસાણા કાર્યક્રમમાં થઈ. જો કે અમારી સદેહે એ છેલ્લી મુલાકાત હતી. સંજય તુલાએ મહેસાણામાં 22 જુલાઈ 2009ના રોજ ‘સર્વધર્મ સમભાવ પરિસંવાદ’ યોજ્યો હતો. હિંદુ ધર્મ વિશે મા. શ્રી ભાનુ વિજયશ્રીજીએ, ખ્રિસ્તી ધર્મ વિશે જોસેફભાઈએ અને ઈસ્લામ વિશે મારે બોલવાનું હતું. એ દિવસે જ્યારે હું કાર્યક્રમના હોલ પર પહોંચ્યો, ત્યારે હોલના પગથિયા પર જ મને આવકારતાં ભેટી પડ્યા અને એ જ ઉમળકાના લહેજામાં ફરમાવ્યું,
‘મેરે મહેબૂબ કૈસે હો ?’
તેમની એ અદા એ દિવસે મારા જહેન (અંતર)માં કોતરાઈ ગઈ.

છેલ્લા કેટલાક સમયથી તેઓ શારીરિક વ્યાધિઓથી કંટાળી ગયા હતા. તેનો અહેસાસ મને 22 ડિસેમ્બર 2009ના રોજ થયો. એ દિવસે મોડાસા કૉલેજમાં મારું વ્યાખ્યાન હતું. વ્યાખ્યાન પૂર્વે હું અને કૉલેજના આચાર્ય ડૉ. દક્ષેશ ઠાકર વાતોએ વળગ્યા. અને જોસેફભાઈનો ઉલ્લેખ થયો. મેં કહ્યું,
‘ઘણા વખતથી જોસેફભાઈ સાથે મારે વાત નથી થઈ.’
દક્ષેશભાઈ બોલી ઊઠ્યા, ‘હમણાં જ કરાવી દઉં.’ અને તેમણે જોસેફભાઈને એ જ ક્ષણે મોબાઈલ જોડ્યો.
‘હેલ્લો, બિરાદર કેમ છો ?’
‘કોણ બોલો છો ?’
‘મહેબૂબ દેસાઈ.’ મારું નામ સાંભળી જોસેફભાઈ એ જ જાણીતા લહેકામાં બોલી ઊઠ્યા,
‘મેરે મહેબૂબ કૈસે હો ? ક્યાંથી બોલો છો ?’
‘મોડાસાથી. દક્ષેશભાઈ સાથે તમારી વાત નીકળી એટલે વાત કરવા મન લલચાયું.’ અને પછી તો અમે લગભગ વીસેક મિનિટ વાતો કરી. ત્યારે શરીરની વ્યાધિઓ અંગે તેમણે વિસ્તારપૂર્વક વાત કરી. તેમના સ્વરમાં વ્યાધિઓની વ્યથા અનુભવાતી હતી. મેં તેમને હિંમત આપતાં કહ્યું :
‘તમે તો અડીખમ છો. આવી બાબતો તમને જરા પણ ચલિત કે દુઃખી કરે તેમ નથી.’
પછી વાતને બદલતાં મેં કહ્યું :
‘તમારા ગ્રંથનું સર્જન થતું હોય અને તેમાં લખવાનું મને જ નિમંત્રણ ન મળે તે તો કેમ ચાલે ?’
‘મેરે મહેબૂબ ક્યા બાત કરતે હો ! મને તેની ખબર જ નથી. તમને કાલે જ મળી જાય તેમ કરું છું.’

અમારી વચ્ચેનો આ છેલ્લો સંવાદ હતો. તેમના અવસાનના સમાચાર વાંચી મેં સવારે જ સંજયને ફોન કર્યો. ત્યારે સંજયે કહ્યું : ‘1 થી 12 ફેબ્રુઆરી, 2010 તેઓ વિશ્વગ્રામમાં જ હતા. વિશ્વગ્રામનાં બાળકો દાદાના પગો દબાવતાં. પણ જ્યારે દાદાનાં નસકોરાં બોલવા માંડે ત્યારે બાળકો પગ દબાવવાનું બંધ કરી દેતાં. અને ત્યારે દાદા આંખો બંધ રાખીને બોલતા,
‘હજુ હું જાગું છું બેટા, હાથ કાં અટકાવી દીધો ?’

દલિત ઈતિહાસના આવા દાદા અને જિન્દા દિલ ઈન્સાન જોસેફભાઈ આંગળિયાત, વહાલનાં વલખાં, મારી પરણેતર, મારી ભિલ્લુ, જનમજલા જેવી અનેક અમર કૃતિઓ ગુજરાતી સાહિત્યને આપતા ગયા છે. એ કૃતિઓ તેમને ગુજરાતના સાહિત્ય જગતમાં અને વાચકોમાં હંમેશા જીવંત રાખશે, જ્યારે ‘મેરે મહેબૂબ કૈસે હો’ જેવું તેમનું પ્રેમાળ સંબોધન મારા હૃદયના ધબકારમાં જીવનપર્યંત ધબકતું રહેશે.’ – આમીન.

[કુલ પાન : 96. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગલાજ માતાની વાડીમાં, હુજરાતપાગા, વડોદરા-390001. ફોન : +91 265 2437957.]