પ્રાચીન કળાનું આધુનિક રૂપ – સંગીતા જોશી

[ વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કરીને, ત્યાંની સંસ્કૃતિનો અભ્યાસ કરીને, સંગીતાબેને (મુંબઈ) ગુજરાતી સાહિત્યને એક અનોખું પુસ્તક આપ્યું છે…. અને તે છે ‘ઓપેરા હાઉસ’. દેશ-વિદેશમાં ભજવાતા શૉ વિશે લખાયેલું આ સાવ અલગ પ્રકારનું પુસ્તક છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે સંગીતાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9821300508 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]પો[/dc]ર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લાલિગા ચેમ્પિયન્સ લીગની રીયલ મેડ્રિડ ટીમ વતી ફૂટબોલ રમે છે. અત્યારે એની ગણના દુનિયાના સૌથી લોકપ્રિય ફૂટબોલ ખેલાડી તરીકે થાય છે. એને ફૂટબોલ રમતો જોવો એ આપણી આંખો માટે મિજબાની સમાન છે. રોનાલ્ડો ફૂટબોલને પોતાના અંગ પર એવી રીતે ફેરવે છે કે જાણે એ ફૂટબોલ ન હોય પણ એની પાળેલી એક ખિસકોલી હોય અને એના અંગ પર એના કહ્યા મુજબ સરકતી સરકતી સ્થિર થઈ જાય અને ફરી સરકવા માંડે અને એની આંગળીના ઈશારે નાચે.

કદાચ રોનાલ્ડોને એના ફૂટબોલને આ રીતે ફેરવવાની પ્રેરણા ચીનમાં થતા આવા અંગકસરતના ખેલમાંથી મળી હશે. ઈ.સ. 220 દરમિયાનમાં રમાતા આ અંગકસરતના ખેલ આજની તારીખમાં પણ ‘એરા-ઈન્ટરસેક્શન ઓફ ટાઈમ’ના શોમાં સમાવી લેવામાં આવ્યાં છે. ફૂટબોલને ઉછાળીને પોતાની ગરદન પર ઝીલી લેવો, પગથી ઉડાડીને માથા પર લઈ લેવો અને ગોળગોળ ફેરવ્યા કરવો તથા એક હાથના પંજાથી બીજા હાથના પંજા સુધી ગોળ ગોળ ગબડાવીને પહોંચાડવો- આવી કરતબો જે રોનાલ્ડો કરે છે એવી જ કરતબો આ ખેલમાં ફૂટબોલથી નહીં પણ પોર્સલીનના બે ફૂટ જેટલા મોટા જબરજસ્ત વજનદાર વાઝ વડે કરવામાં આવે છે. આ વાઝ જ્યારે પંદર ફૂટ ઊંચેથી ગરદન પર ઝીલાતો હશે ત્યારે એ વાઝનું વજન કેટલાગણું થઈ જતું હશે એની કલ્પના કરી જોજો. તે છતાં પણ એને સહજતાથી એરાનો ખેલાડી પોતાની ગરદન પર ઝીલે છે. ક્યારેક તો વાઝ એના ટાલિયા માથા ઉપર માત્ર ધાર પર અટકીને ગોળગોળ ફરતો રહે છે. તો ક્યારેક માથા પરથી ગબડતો ગબડતો છાતી પર થઈને પગના પહોંચા પર જઈને પાછો હવામાં અધ્ધર ઉંચકાઈને ખેલાડીના હાથમાં ઝીલાઈ જાય છે.

વાઝનો ખેલ પૂરો થતાં સુધીમાં તો પાછળ એક મોટું જાયન્ટ વ્હીલ જેવું ચકરડું ગોળ ગોળ ફરવાનું શરૂ કરે અને એની સાથે સાથે એમાં બેસાડેલા વ્હીલ પણ પાછા અંદર-અંદર ગોળ ગોળ ફરવાનું શરૂ કરે. ધીમે ધીમે આ અંદર ફરતા ત્રણ નાના વ્હીલમાં વારાફરતી માણસો દાખલ થતાં જાય અને વ્હીલની સાથે બેલેન્સ જાળવીને ગોળ ગોળ ફરતા જાય પછી વ્હીલમાં બબ્બે માણસો ફરવાનું શરૂ કરે અને એક ટાઈમે વ્હીલની અંદર એક માણસ દોડતો બેલેન્સ કરતો હોય અને બીજો એ વ્હીલની ઉપર પોતાના શરીરને બેલેન્સ કરતો હોય. આ બધા કલાકારોએ પોતાના કાન પર ઈયરફોન પહેરેલા હોય. કદાચ એ ઈયરફોનની મદદથી જ એ લોકો આપસનો તાલમેલ જાળવતા હશે.

પડદા ઉપર કાઉન્ટ ડાઉનના આંકડાઓ દેખાડવાની સાથે પડતો ઈન્ટરવલ બરાબર 10 મિનિટ પૂરી થતાની સાથે જ પૂરો થઈને નવા ખેલનો આરંભ થઈ જાય છે. મોટા પડદાની પાછળ નૃત્ય કરતી છોકરીનો મોટો પડછાયો અને એની સાથે બીજા બે કલાકારો જે લોકોના નાના પડછાયા લાઈવ મ્યુઝિકની સાથે નૃત્ય કરે છે અને એક સમયે ત્રણે પડછાયા એક થઈને અંગકસરતના ખેલ કરે છે. એ આઈડિયા સરળ છતાં ખૂબ જ આકર્ષક છે. સી-સોના લાકડાના પાટિયાના સિદ્ધાંત મુજબ એક બાજુ ઉપર એક છોકરી ઊભેલી હોય અને બીજી ઊંચી બાજુ પર જોરથી કોઈ પછડાય ત્યારે એ છોકરી સનનન કરતી હવામાં ઊંચે ઊડે અને બીજા છોકરાઓએ હાથમાં પકડેલી લાકડીઓ ઉપર પચીસ ફૂટ ઊંચે ગોઠવેલી ખુરશીમાં ગોઠવાઈ જાય અથવા થોડે દૂર ગાદલું પકડીને ઊભેલા પલંગ પર ઉતરાણ કરે. એ જોવાની મજા જ અનેરી છે.

પછી આવે બે પ્રેમીઓ જે વાદળોના સહારે ઉડતા હોય અને રોમાન્સ કરતા હોય. જેની સાથે સાથે એ બંનેના ક્લોઝ-અપ અને હાવભાવ એરિનામાં પાછળ રાખેલા ત્રીસ ફૂટ ઊંચા પડદા પર દર્શાવાતા હોય. સાથે સાથે જીવંત ગીત-સંગીત વાગતું હોય. ગાયિકા ગાતા ગાતા એરિનામાં ફરતી જાય અને પ્રેક્ષકોને પ્રેમના નશામાં મદહોશ કરતી જાય. અંગકસરતના વિવિધ પ્રકારના ખેલોની સાથે સાથે હાથમાં રાખેલી ત્રણ ત્રણ લાકડીઓ પર ત્રણ-ત્રણ ગોળ રકાબીઓને ગોળ ગોળ ફેરવતી આઠ-દસ નૃત્યાંગનાઓ એરિનામાં આવીને અંગકસરતની સાથે સુંદર નૃત્ય પણ કરતી જાય. પણ મજાલ છે કે એક પણ રકાબી એની લાકડી પરથી આઘીપાછી થાય ?

ખેલની પરાકાષ્ઠા રૂપે આવે મોટર સાઈકલના ખેલ. આપણે આપણા મેળાઓમાં મોતના કૂવામાં મોટરબાઈક ચલાવાતી ઘણીવાર જોઈ છે અને ત્યારે પણ દિલધડક રોમાંચ થાય છે. જ્યારે અહીં તો મોતના કૂવા કરતાં ઘણો નાનો પરિઘ ધરાવતો આખો જાળીવાળો પૃથ્વીના ગોળા જેવો ગોળો ઊભો કરવામાં આવ્યો છે. આટલા નાના ગોળામાં એક મોટરબાઈક પણ કઈ રીતે ચલાવી શકાય એવો પ્રશ્ન આપણા મનમાં ખડો થાય. એટલામાં તો પહેલી મોટરબાઈક જાય, એ સ્પીડ પકડે પછી બીજી, એ સ્પીડ પકડે પછી ત્રીજી એમ કરતા સાત સાત મોટરબાઈક દાખલ થઈને જાણે અઠવાડિયાના સાતે સાત વારને રજૂ કરતી હોય એમ ગોળ ગોળ, ઉપર-નીચે અને આગળ-પાછળ એક ભયંકર સ્પીડમાં ફરતી જાય. આખા ઓડિટોરિયમમાં અંધારું છવાયું હોય અને માત્ર એ લોકોની મોટરબાઈકમાં જ લાઈટો લગાડેલી હોય જે નરી આંખે આપણને લાઈટ જેવી નહીં પણ માત્ર લિસોટાઓનો જ આભાસ ઊભો કરતી દેખાય. લગભગ દસ મિનિટ સુધી આ ખેલ પ્રેક્ષકો અધ્ધર શ્વાસે માણે પછી થાય કર્ટન કોલ જેમાં કલાકારો, સંગીતવૃંદ, ગાયિકા બધા જ એરિનામાં આવીને પ્રેક્ષકોની વાહ વાહ અને તાળીઓના ગડગડાટ ઝીલે. લાસ વેગાસમાં થતાં સર્ક ડ્યું સોલેલના ‘ઓ’ અને ‘મિસ્ટીર’ જેવા અદ્દ્ભુત અને વર્ષોથી ચાલતા શોની કોરિયોગ્રાફર ડેબરા બ્રાઉને આ શોની પરિકલ્પના કરી છે. માઈકલ કુશનનું લાઈવ સંગીત આ શોના શણગાર સર્જે છે. સપ્ટેમ્બર 2005થી ચાલતા આ શોએ કંઈ કેટલાય એવોર્ડ જીત્યા છે.

એંસીથી માંડી પાંચસોએંસી યુઆનની ટીકીટો ધરાવતો અને નવ સાજિંદાઓ, ચુમ્માલીસ કલાકારો સાથેનો, નેવું મિનિટનો આ શો તમારા પૈસાનું તમને પૂરેપૂરું વળતર જ માત્ર નથી આપતો પણ તમને શાંઘાઈના મિજાજનો પણ પરિચય આપે છે. અને સાથે સાથે આ શોના નામને સાર્થક કરે છે. કાલિદાસના મેઘદૂતમાં પ્રેમિકા પોતાના પ્રેમીને વાદળા દ્વારા સંદેશો મોકલાવે છે જે આજના યુગમાં મોબાઈલ કે ઈન્ટરનેટ વડે શક્ય બન્યું છે અને રામાયણની વિમાનની કલ્પના આજે હકીકત સાબિત થઈ છે. એ જ રીતે ‘એરા- ધી ઈન્ટરસેક્શન ઓફ ટાઈમ’ નામનો આ શો જૂના જમાનાની કલ્પનાને આધુનિક યુગની હકીકતમાં પલટાતી દેખાડે છે. ચીનની ગઈકાલની ભવ્ય સંસ્કૃતિ અને આવતી કાલની ટેકનોલોજી વચ્ચેનો સમન્વય જાણે વચ્ચે આવતી આજની ઘડીને ભૂંસી નાખીને પ્રેક્ષકોને ભૂતકાળ અને ભવિષ્યની વચ્ચે ઝૂલાવે છે.

જેમ એક ચિત્ર હજાર શબ્દોની ગરજ સારે છે. તેમ આ હજારો વર્ષ જૂની પરિકલ્પના હજારો લાગણીઓ, હજારો ચિત્રો અને હજારો શબ્દોને આ શો દ્વારા જીવંત કરે છે.

[કુલ પાન : 241. કિંમત રૂ. 300. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-400002. ફોન : +91 22 20017213. ઈ-મેઈલ : nsmmum@yahoo.co.in ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “પ્રાચીન કળાનું આધુનિક રૂપ – સંગીતા જોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.