- ReadGujarati.com - http://www.readgujarati.com -

લોંગ ડ્રાઈવ – ઈશાન ભાવસાર

[ એમ.ફિલ કરી રહેલ 25 વર્ષીય યુવાસર્જક ઈશાન ભાવસારની આ પ્રથમ કૃતિ છે. સાહિત્યક્ષેત્રે તેઓ ખૂબ ખૂબ પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ સાથે, રીડગુજરાતીને આ વાર્તા મોકલવા માટે ઈશાનભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે ishanabhavsar@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]દિ[/dc]વસ : ૨૭ જુલાઈ, ૨૦૨૦. સમય : રાત્રિના ૧૨.

રૂમમાં ગાઢ અંધકાર પથરાયેલો હતો. તેણે ઊભાં થઈને ટેબલ-લેમ્પની ચાંપ દબાવી. ટેબલ પર પડેલી ડાયરી ઉઠાવી એણે પાનાં ફેરવવા માંડ્યા. કૈક વિચારમાં પડતાં એણે પલંગમાં સૂતેલી તેની પત્ની પર નજર નાખી. કેવી નિરાંતથી બિચારી સૂતી હતી. બારી પાસે જઈને તેણે બહાર જોવા માંડ્યું. આકાશ ગાભણું થયું હતું અને થોડી ક્ષણોમાં વરસાદ તૂટી પડશે એમ એને લાગ્યું. વિચારોવમળોમાં ખોવાયેલા તેણે કપાળે વળેલ પરસેવો રૂમાલથી લૂછ્યો અને પાછો તે પોતાની ડેસ્ક પર આવ્યો. તેને થયું કે આજે તો તેણે લખવું જ રહ્યું. હોલ્ડરમાંથી તેણે પેન ઉપાડી. ક્યાંથી શરૂઆત કરું ? એને ડારતો પ્રશ્ન સામે આવીને ખડો થયો. પેન વડે એણે માથું ખંજવાળવા માંડ્યું, ‘ઓહ!’ પેનના છેડા પર ચોંટેલા સફેદવાળને જોઈને એનાથી ચોંકી પડાયું. છેવટે એણે કાગળ પર પેન માંડી.

એ દિવસે હું એની સાથે હતો. કોની સાથે ? અરે, બીજાં કોની સાથે ? વિવેક એનું નામ. હું કોલેજનાં ત્રીજા વર્ષમાં ભણું અને એણે એમ.એ.અંગ્રેજી એન્ટાયર સાથે કરેલું. સોશિયલ નેટવર્કિંગ સાઈટ એવી ‘ફેસબુક’ પર જ અમે મળ્યાં અને ટૂંકા ગાળામાં જ અમે બંને ખૂબ મજાનાં મિત્રો બની ગયેલાં. એ સાલો પુસ્તકીયો કીડો હતો. સાહિત્યનાં પુસ્તકો ખૂબ વાંચતો. આમ તો હું કોમર્સનો વિદ્યાર્થી અને કોમર્સનો વિદ્યાર્થી એટલે મારે ખાતાવહીઓનો કારોબાર, ધંધાના નિયમોની ભ્રમજાળ અને શુષ્ક આંકડાઓના આટાપાટા સિવાય અન્ય કંઈ જોવાનું ઝાઝું હોય નહિ. પણ એ સમયે મને ખબર નહિ કેમ પણ ઈતર વાંચનની લત પડી ગયેલી. શહેરનાં જાણીતા સરકારી પુસ્તકાલયમાં આખો વખત દોડ્યા કરું. હાસ્ય, નવલકથા, રહસ્યકથા, ચિંતન, ગુનાહોંની દુનિયાની અંતરંગ વાતો, ગોસિપ-વિશ્લેષ્ણ વગેરે જે કંઈ હોય એ બધું રસપૂર્વક વાંચી નાખતો. થોડુંક સાહિત્યિક અને થોડુંક છીછરું પણ ! ઉંમર ઉંમરનું કામ કરે ને ભાઈ ?

આ વિવેકનાં મારાં જીવનમાં પ્રવેશ પછી જિંદગીને એક નવો જ આયામ મળ્યો. એ બધાથી અલગ. મને કાયમ કહે: ‘યાર, તારા જેવો પુસ્તકિયો કીડો અહીં કોમર્સમાં શું કરે છે ? ચલ, આ વરસ પૂરું કરીને આર્ટસમાં ભૂસકો માર. હું તારી પડખે છું. ડૂબીશું તો ભેળાં જ ડૂબીશું !’ હું એનાં જવાબમાં મીઠું સ્મિતવાળીને પ્રશ્ન ટાળી દેતો. જીવનની મથામણોમાં મૂંઝવતા, અટવાતા, ગોથા ખાતાં અને સંભલતા આ મેગાસિટીનાં અમે બે પ્રયત્નશીલ યુવાનો.

એ દિવસે અમે બંને પુસ્તકમેળામાં ગયેલાં. સાબરમતીને કિનારે. ખુશનુમા સાંજ હતી. રિવરફ્રન્ટ પર લોકોની ચહલપહલ. પાછાં ફરતાં અમે રસ્તામાં નાસ્તો કરવાં ઊભાં રહ્યાં. અમારી વચ્ચેનાં વણલખ્યા નિયમ મુજબ વાહન વિવેકનું હોય અને નાસ્તો મારાં તરફથી ‘સ્પોન્સર’ થાય. અમારે નાસ્તો કરતાં ય ઘણી ઉગ્ર ચર્ચાઓ થાય અને એય એવાં ક્ષુલ્લક સાહિત્યિક વિષયો પર જેમાં અમારાં બેમાંથી એકેય પક્ષનું અંગત હિત સંડોવાયેલું ન હોય ! ગમે તેમ તોય સમયનો પુરેપુરો લુત્ફ ઉઠાવવો અમારી પ્રાથમિકતા હતી. હું ઘણીવાર એને ફિલસૂફની અદાથી કહેતો : ‘યાર વિવેક, પાંચ વર્ષ પછી તું તો એક દિવસ કોઈ કોલેજમાં લેક્ચરર હોઈશ અને હું કોઈ સરકારી ઓફિસમાં કારકુન હોઈશ…’ અને એ મને એમ કહેતાં વારતો ને કહેતો : ‘દોસ્ત, તારામાં જુસ્સો હું જોઈ શકું છું. જરૂર છે ફક્ત એક સ્પાર્કની…’
એવું નહોતું કે અમે કેવળ કારકિર્દીલક્ષી બાબતો પર જ ચર્ચા કરતાં. અમે બંને ‘બેચલર્સ’ લગ્નવિષયક બાબત પર પણ ચર્ચા કરતાં. છોકરી ‘પટાવવાની’ બાબતમાં અમે બે ય સાવ ઠોઠ નિશાળિયા હતાં. સાહિત્ય વાંચી વાંચીને પેલાં ‘ડોન કિહોટે’ ની માફક અમારાં દિલોદિમાગમાં ય કોઈ પ્રાચીન કિલ્લામાં ફસાયેલ માશુકાને બચાવવા અધીર બનેલા જાંબાઝ મધ્યયુગીન નાઈટનું રોમેન્ટિક દ્રશ્ય તરવરી ઊઠતું ! કોઈ આલા દરજ્જાની સાહિત્યરસિક પ્રિયા મળે તો કેવો જલસો પડી જાય એવાં દિમાગી તરંગોમાં અમે કોઈક વાર સપડાઈ જતાં. એણે તો એની કલ્પનાના રંગો વડે અમારી ‘માશુકા’ઓનું સર્જન પણ કર્યું હતું. એની માશુકાને એ ‘રોઝી’ કહેતો. મારી માશુકાને એણે ‘રોમા’ નામ આપ્યું હતું. એ કહેતો : ‘ છે ને, આ બસ ક્યાંય લેકચરરની જોબ મળે અને થોડીક બચત થાય એટલે પહેલું કામ ગાડી લેવાનું. પછી આપણે ચારે- હું, તું, રોઝી અને રોમા વરસાદની કોઈક સાંજે ‘લોંગ ડ્રાઈવ’ માં જઈશું…ખાઈ-પીને ખૂબ આનંદ કરીશું…’ હું તરંગી વિચારોમાં લપટાયેલા એનાં ભોળપણ પર મનમાં હસતો….

અને આજે આઠ વર્ષ પછી… હું, સુભાષ…. વાર્તાકાર સુભાષ આર્ય, આ આલિશાન ફ્લેટના સાતમા માળે આવેલાં મારાં હુંફાળા બેડરૂમના એક ખૂણામાં બેસીને આ લખી રહ્યો છું ત્યારે મારો મિત્ર વિવેક ક્યાં છે ખબર છે ? એ કહેતો હતો તે પ્રમાણે અમદાવાદની જાણીતી કોલેજમાં તે લેક્ચરર થયો. એણે બચત પણ કરેલી. એક દિવસ એનો મારી પર ફોન આવ્યો. હું એ સમયે ‘ન્યુએઈજ પબ્લિશિંગ’માં ‘ક્રિએટીવ રાઈટર’ તરીકે નવો નવો જોડાયો હતો અને પબ્લિશિંગ હાઉસના મેગેઝીનમાં વાર્તાઓ લખવાનું કામ કરતો હતો.
મને કહે: ‘યાર સુભલા, આજે ફ્રી છે ? બપોરે ૩:૩૦ વાગ્યે ‘અકોર્ડ’ના શો-રૂમ પર આવી શકે ? આપણે નવી કાર છોડાવી રહ્યાં છે.’
મેં ઉત્સાહથી કીધું : ‘ક્યા બાત હે ! હવે તો ‘રીયલ મરીના’માં પાર્ટી પાક્કી ! ચોક્કસ આવું છું દોસ્ત…’ બપોરે અમે ‘અકોર્ડ’ના શો-રૂમ પર જઈને ગાડી લઈ આવ્યાં. મોડી સાંજે અમે ચમચમાતી ‘ડ્રીમસેડાન’માં ‘લોંગ ડ્રાઈવ’ પર નીકળી પડ્યાં… વિવેક આજે ખૂબ ખુશ હતો. એનું એક સ્વપ્ન જે પરિપૂર્ણ થયું હતું. મને ખ્યાલ છે ત્યાં સુધી એને કોઈ ‘રોઝી’ પણ મળી ગઈ હતી. ‘રોઝી’ એની માશુકા…અમે હાઈવે પરની ‘રીયલ મરીના’ માં ડીનર લઈને પાછાં આવતાં હતાં. અંધારું ઢળી ગયું હતું. વિવેક કાર ચલાવતો હતો અને અમે બે વાતોમાં વ્યસ્ત હતાં. વિવેકનાં ચહેરા પર છવાયલો સંતોષ હું મહેસુસ કરી શકતો હતો. એને જિંદગીમાં જે પામવું હતું તે એને પ્રયત્નો થકી પ્રાપ્ત થયું હતું. અચાનક એક લાંબી ‘સ્ક્રીચ’, આંધળોભીંત કરી મૂકે તેવો તીવ્ર પીળો-સફેદ પ્રકાશ અને ભયંકર ટક્કર… પછી હું બેભાન થઇ ગયેલો. બે દિવસે હોસ્પિટલમાં આંખ ઉઘડી. જોયું તો બધું ખતમ થઇ ચૂક્યું હતું… ૨૭ જુલાઈ,૨૦૨૦. આજે તો વિવેકનો જન્મદિવસ. વિવેક આજે તેત્રીસનો હોત. પણ એ અકસ્માત એને હંમેશને માટે ‘લોંગ ડ્રાઈવ’ પર ઉપાડી ગયો.

તેણે પેન મૂકીને આંખમાં ઉભરાઈ આવેલાં આંસુને રૂમાલનાં છેડાથી લૂછ્યાં. પછી રૂમમાં બેડ પર સૂતેલી ‘રોમા’ પર નજર ફેરવી. ખુરશીને સહેજ પાછળ ખસેડીને એણે દીવાલને ટેકે ગોઠવેલી ઘોડી તરફ હાથ લંબાવ્યો… ટેબલ-લેમ્પની ચાંપ દબાઈ અને રૂમમાં ફરી અંધકાર વ્યાપી ગયો. ‘In the fond memory of Vivek, dearest friend who is no more.’ થી સમાપ્ત ડાયરીનાં અશ્રુઓનાં ડબકાથી ભીનાં થયેલ પાનાંમાંથી ડોકાઈ રહેલું બુકમાર્ક અંધકારમાં ચળકી રહ્યું. બહાર વરસાદ ધીમી ધારે વરસવો શરૂ થયો હતો.

[poll id=”3″]