માનબાઈનાં માન – મનહર રવૈયા

[ ‘માટીની મહેક’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]ઝ[/dc]મરાળા ગામને પાદર જોગી શ્રી ફક્કડનાથ બાપુની જગ્યામાં ગૂગળ અને લોબાનની ધૂપની ભભક સાથે હરિભજનની રંગત જામી હતી. ભજનિક ભગતના નરવા કંઠેથી ગંગાજળના ઝરણા જેવી પાવન વાણી વહી રહી હતી. ધીર ગંભીર મહેરામણનાં મોજાંઓ સામા ઘેરા સૂરે ભજનિકો ભક્તિનો માહોલ ખડો કરી રહ્યા હતા. સાંભળનારા સૌ હરિ ભજનની આહલેકમાં તરબોળ બની ભીંજાઈ રહ્યા હતા.

જગ્યાના સમર્થ જોગી શ્રી ફક્કડનાથ બાપુ ભજનની મસ્તીમાં પોતાના આસને ધૂણા પાસે બેસીને ચલમના દમ મારી રહ્યા હતા. કળીદાર ગાંજાની મોજમાં એમને તો બંધ આંખે જગતના નાથ સંગાથે અંતરના તાર એક થઈ ગયા હતા. પણ મોડી રાત્રે બાપુએ સમાધિમાંથી જાગીને કહ્યું :
‘અરે ભાઈ, હજુ તો રાત ઘણી બાકી છે. આ ભજનિકો સારુ કોઈ ચા-પાણી તો કરો.’
‘બાપુ….! પહેલાં બે વાર ચા-પાણી થયા એમાં બધું દૂધ વપરાઈ ગયું અને હવે દૂધ નથી.’ એક સેવકે હાથ જોડીને બાપુને કહ્યું.
‘અરે આવડું મોટું ગામ છે ને ? જઈને ગમે ત્યાંથી દૂધ લઈ આવો.’
‘બાપુ…! અટાણે સરાદ (ભાદરવો) મહિનો ચાલે છે. તેથી ગામમાં ક્યાંય દૂધ નથી. બધે તપાસ કરી આવ્યા, પણ આ ભાંગતી રાતે દૂધ કેમ મળે ?’

આમ જ્યાં વાતચીત ચાલુ હતી ત્યાં જ બરોબર એ વખતે જગ્યાના દરવાજે એક રખડતી, ભટકતી, રેઢિયાળ અને નધણિયાત ભેંસ આવીને ઊભી રહી. સાવ દૂબળી કાયા, માથે નકરી ચામડી જ ચોંટેલી, અરે મરવાના વાંકે જીવતી ભેંસને જોતાં જ બાપુ બોલ્યા,
‘લ્યો, મારા નાથે આ ભેંસ મોકલી ! મારો વ્હાલો કેવો દયાળુ છે ! જાઓ એને દોહી લ્યો, પણ અટાણે જ ચા બનાવો.’
‘પણ બાપુ, આ તો રખડુ અને વરોળ ભેંસ છે. એ એટલે તો તેના ધણીએય કાઢી મૂકી છે.’ સેવકે વાતનો ફોડ પાડતાં કહ્યું.
‘અરે, કેમ ન દોહવા દે ? હાલો હું જોઉં તો ખરો.’ કહેતાંની સાથે ગાંજાની ચલમ ધૂણીમાં ઠાલવતા બાપુ ઊઠીને ભેંસ પાસે આવ્યા ત્યારે માણસો બાપુને કહી રહ્યા, ‘બાપુ, તમે ઠાલા મફતની મહેનત રેવા દિયો. આ ભેંસ વરોળ છે એટલે વિયાય જ નહીં, પછી દૂધ કેમ કરે ?’ પણ આ તો જોગી મહારાજ, એ માને ? બાપુએ અલખ ધણીની મનોમન આરાધના કરી. ભેંસના માથે હાથ ફેરવી શક્તિપાત કર્યો અને ભેંસની કાયા પલટવા લાગી. એના આંચળ દૂધ ભરાતાં ફાટફાટ થવા લાગ્યા. ભેંસમાં રહેલ આત્માનો ઉદ્ધાર થઈ ગયો.

‘લ્યો, હવે તો કોઈ દોહવા માંડો…..’ બાપુ બોલ્યા અને સૌની આંખ્યું ચાર થઈ રહી. બાપુની કૃપાએ ભેંસના આંચળોમાંથી દૂધની શેડ્યું ફૂટી ને થોડી વારમાં ફીણ ચડેલું બોઘરણું દૂધથી છલકાઈ રહ્યું. બસ, ત્યારથી ભેંસનાં ભાગ્ય ખૂલી ગયાં. બાપુના આદેશને લઈ એને જગ્યામાં સ્થાન મળી ગયું. બાપુનું માન રાખીને ભેંસે દૂધ કર્યું જેથી બાપુએ ભેંસનું નામ લાડથી માનબાઈ પાડેલું અને એ માનબાઈએ એક અબોલ જાનવર હોવા છતાં જગ્યામાં રહીને વગર વિયાયે દૂધ આપીને સેવાનો લાભ લીધેલો, પણ આખરે તો એપણ એક જીવાત્મા તો ખરો ને ? કાળનિયતિના ક્રમ પ્રમાણે આયુષ્ય પૂર્ણ થતાં માનબાઈ (ભેંસ)એ જીવનની બાજી આટોપી લીધી. ત્યારે જગ્યાના એક સેવકે ચમારવાસમાં ખબર આપ્યા. આ બાપુએ જાણ્યું એટલે એટલું જ બોલ્યા,
‘અરે, આ જગ્યામાં રહી જે અબોલ જીવે જીવન વિતાવ્યું હોય એનાં ચામડાં કાંઈ ચૂંથાવા દેવાતાં હશે ? એ પવિત્ર આત્માને શાંતિ મળે માટે એને તો સમાધિ જ હોય.’
અને ખરેખર પછી તો ધામધૂમથી જગ્યાના આંગણામાં જ માનબાઈના દેહને સમાધિ આપી અને બાપુએ સમાધિ પર એની મૂર્તિ પણ પધરાવેલી.

આજે આ વાતને વર્ષોનાં વહાણાં વીતી ગયાં છે, પણ બોટાદ-ભાવનગર રોડ પર આવેલ ઝમરાળા ગામને પાદર જગ્યામાં શ્રી ફક્કડનાથ બાપુની સમાધિ પર શિખરબંધ મંદિર શોભી રહ્યું છે. જગ્યાની પાછળ આંગણામાં મૂક સેવક માનબાઈની સમાધિ મોજૂદ છે. ધર્મધુરંધરશ્રી ફક્કડનાથ બાપુની સમાધિનાં દર્શને અનેક ભાવિકો આવી પોતાના મનોરથ પૂર્ણ કરે છે. હાલ જગ્યામાં ગરીબ, તવંગર, સાધુ-સંતો સૌ એકીપંગતે બેસી ભોજન કરે છે. અને કહેવાય છે કે, હાલ આજના દિવસેય માનબાઈ (ભેંસ)ના પ્રતાપે જગ્યામાં દૂધ અને ઘીની તાણ ક્યારેય પડતી નથી. કેમ કે આસપાસનાં ગામમાં કોઈને ત્યાં ગાય કે ભેંસ બીમાર પડી ગયાં હોય, દોહવા ન દેતાં હોય કે પછી વિયાતાં ન હોય એ ગાય-ભેંસોના ધણી જગ્યામાં આવી માનબાઈની સમાધિએ માનતા રાખે છે કે જો મારી ગાય કે ભેંસ જે હોય તેને સારું થઈ જશે તો હું પહેલા વારાનું દૂધ કે ઘી જગ્યામાં સેવાર્થે મૂકી જઈશ.

ત્યારે જગ્યામાંથી બાપુના નામનું સ્મરણ કરી માનબાઈની સમાધિએ ધરીને રોટલાનો ટુકડો અપાય છે. હવે એ રોટલાનો ટુકડો ઢોરને ખવરાવતાં ગાય, ભેંસને નરવાઈ આવી જાય છે. દોહવા ન દેતી હોય તો દોહવા દેવા લાગે છે. વિયાતિ ન હોય તો વિયાય છે. આમ, આપણે નજરે જોઈએ એમ અત્યારે પણ, જગ્યામાં રોજ માનબાઈની સમાધિએ દૂધનાં બોઘરણાં અને ઘી આવ્યા જ કરે છે.

[poll id=”4″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “માનબાઈનાં માન – મનહર રવૈયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.