પ્રશ્નો – ભૂપત વડોદરિયા

[‘પંચામૃત’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]મા[/dc]ણસને કોઈ વાર એવી લાગણી થાય છે કે મારા પ્રશ્નો મારો પીછો છોડે તો હું શાંતિથી જીવી શકું ! પણ પ્રશ્નો તો દરેક માણસને હોય જ છે અને જિંદગી છે ત્યાં સુધી પ્રશ્નો તો રહેવાના જ ! એવો એક પણ માણસ જોવા નહીં મળે જેને નાના કે મોટા પ્રશ્નો પરેશાન કરતા ન હોય ! જિંદગી એટલે જ પ્રશ્નો, પ્રશ્નો અને પ્રશ્નો ! પ્રશ્નોનો સામનો કરવો જ પડે છે. પ્રશ્નોને ટાળી શકાય છે, વિલંબમાં મૂકી શકાય છે, પણ તેને સંપૂર્ણપણે અવગણી શકાતા નથી. કોઈ જીવતો માણસ સંપૂર્ણપણે પ્રશ્નોથી કાયમી છુટકારો મેળવી શકતો નથી.

પ્રશ્નોનું એવું છે કે માણસ એક પ્રશ્ન ઉકેલી નાખ્યાની રાહત ક્ષણવાર અનુભવે છે ત્યાં નવો પેચીદો પ્રશ્ન હાજર થઈ જાય છે. પ્રશ્નોનું ઊંટના કાફલા જેવું છે. બે ઊંટ બેસી જાય ત્યાં બીજા બે ઊંટ ઊભાં થઈ જાય ! એટલે માણસે સતત જાગ્રત રહીને પ્રશ્નોનો મુકાબલો કરવો જ પડે છે. કોઈને પૈસાના પ્રશ્નો પજવે છે, કોઈને તબિયતના પ્રશ્નો પરેશાન કરે છે, કોઈને ઘરકંકાસના પ્રશ્નો પીડે છે ! આ બધા નાનામોટા પ્રશ્નોનો મુકાબલો હસતા ચહેરે કરવો પડે છે. માણસે અકળાઈ ગયા વગર સહિષ્ણુતા કેળવીને ધીરજથી સામે આવેલા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. કોઈ વાર અકસ્માત બનીને પ્રશ્ન ઊભો થાય છે. તાજેતરમાં એક યુવાન મુંબઈમાં અકસ્માતમાં સપડાયો. તે જાતે મારુતિકાર હાંકતો હતો અને તેની મોટર સાથે ઝડપથી આવી રહેલી જીપ અથડાઈ. મોટરનો ભુક્કો બોલી ગયો. યુવાનના માથામાં ઈજા થઈ. ઘડીભર તો તેણે મોત નિહાળ્યું, પણ લોહી નીંગળતી હાલતમાં પણ તેણે હિંમત રાખીને બાજુની ઈસ્પિતાલ ભણી દોટ મૂકી. ત્યાં તેના સારા નસીબે તત્કાળ સારવાર મળી. માથામાં બાર ટાંકા આવ્યા, પણ બાલબાલ બચી ગયો. ઈસ્પિતાલની નજીક અકસ્માત નડ્યો તે તેણે સદભાગ્યની નિશાની લાગી ! તેણે કહ્યું, ‘તે દિવસે મને લાગ્યું કે આજે એક જ દિવસમાં હું બહુ લાંબું જીવ્યો !’ હાથમાંથી છીનવાઈ રહેલી કીમતી ચીજ જ્યારે બચી જાય છે ત્યારે કીમતી બક્ષિસ મળ્યા જેવી મીઠી લાગે છે !

એક બીજા માણસની વાત સાંભળવા જેવી છે. બધું બરાબર ચાલતું હતું ત્યાં એક દિવસ ચક્કર આવ્યાં. ‘કોમા’માં આવી ગયો. નિદાન થયું કે ડાયાબિટીસ છે. તેણે સારવાર શરૂ કરી. ડાયાબિટીસનો રોગ અંકુશમાં તો આવી ગયો. આ તો વારસાગત રોગ છે તેનું યુવાનને જ્ઞાન થયું. યુવાન શ્રીમંત છે. પિતા પાસેથી ધનનો વારસો મળ્યો છે. ડૉક્ટરે હસતાં હસતાં તેને કહ્યું કે માબાપનો વારસો પૂરેપૂરો સ્વીકારવો પડે છે. પિતાના વારસામાં એકલું ધન ન મળે – ધનની સાથે મધુપ્રમેહનો રોગ પણ મળે અને તેને પણ અપનાવ્યા વિના છૂટકો નહીં !

માણસ ગમે તેટલો ભાગ્યશાળી હોય, જિંદગી કોઈને માત્ર સુખનો વારસદાર બનાવતી નથી. એક માણસ લાંબી બીમારી ભોગવીને આત્મબળ અને યોગ્ય ઉપચાર વડે તંદુરસ્ત બન્યો. બીમારી બહુ જ લાંબી અને કંટાળાજનક હતી. આ બધું જે ધીરજ અને હિંમતથી તેણે સહન કર્યું અને પોતાની તબિયતનું સમારકામ જાતે જ કર્યું તેને માટે તેના મિત્રોએ તેને અભિનંદન આપ્યાં ત્યારે તેણે કહ્યું, ‘જાતજાતના રોગોનું નિદાન થયું ત્યારે ક્ષણ વાર તો હતાશા ઘેરી વળી. થયું કે આવી રીતે કઈ રીતે જિવાશે ! આના કરતાં મૃત્યુ સારું. પછી મેં બીમારીનો આ પડકાર ઉપાડી લીધો. કોયડો ઉકેલવા માટે આપણે આપણી બુદ્ધિની બરાબર કસોટી નથી કરતા ? મેં માન્યું કે મને માબાપે કે ઈશ્વરે એક ‘સીક યુનિટ’ જેવું શરીર આપ્યું છે. હું વેપારીનો દીકરો છું ! ખોટ કરતાં એકમને નફો કરતો એકમ કરી દઉં તો હું સાચો વેપારી ! પછી તો મેં એલોપથી, આયુર્વેદ અને હોમિયોપથીનો અભ્યાસ કરવા માંડ્યો ! અખરતા કરતાં કરતાં આરોગ્યની સાચી ચાવીઓ મળી ગઈ ! આજે હું કાંઈ પહેલવાન ગામા બની ગયો નથી, પણ આનંદથી જીવી શકું એટલી તબિયત સારી છે.’

માણસે નાનામોટા પ્રશ્નોના મુકાબલામાં આવો જ અભિગમ અપનાવવો પડે છે. મૃત્યુ સાથે તો બધી પીડાનો અને પ્રશ્નોનો અંત આવી જ જતો હોય છે, પણ માણસે તો જીવતા રહીને તેનો મુકાબલો કરવાનું જીવનબળ મેળવવું પડે છે. આના માટે સંકલ્પ કરવો પડે છે. માણસની સામે નાનો કે મોટો કોઈ પ્રશ્ન આવી પડે ત્યારે તેને દુશ્મન ગણીને નાસી છૂટવાનું મન થાય તે સ્વાભાવિક છે, પણ પ્રશ્નને દુશ્મન ગણવાને બદલે મિત્ર બની રહેવાની સંભાવનાવાળો અજાણ્યો માણસ ગણીને તેની સાથે કામ પાડવું એ વધુ સારો રસ્તો છે.

એ વાત સાચી છે કે કેટલાક પ્રશ્નો ગમે તેટલી મહેનત પછી પણ પૂરેપૂરા ઉકેલી શકાતા જ નથી. પણ એ વાત પણ એટલી જ સાચી છે કે પ્રશ્નોના આ કૂંડાળાની વચ્ચે જ માણસે જીવવાનું છે અને જીવનને માણતાં રહેવાનું છે. માણસના જન્મની સાથે જ પ્રશ્નો પણ જન્મે છે. પડછાયાની જેમ તે અંત સુધી આપણી સાથે જ રહેતા હોય છે. બધા જ પ્રશ્નો ઉકેલી શકાય તેવા હોતા નથી તે વાત જરૂર સાચી છે, પણ પ્રશ્નોને દુશ્મન ગણીને ગભરાઈ જવા કરતાં મિત્ર ગણીને આછીપાતળી ભાઈબંધી નિભાવવી પડે છે અને તેની સાથે કામ પાડવું પડે છે.

[poll id=”5″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “પ્રશ્નો – ભૂપત વડોદરિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.