અધ્ધરતાલ…… – ધૃતિ

[ એમ કહેવાય છે કે ‘પારકી પંચાત કરવી સૌને ગમે’ પરંતુ અમેરિકા સ્થિત નવોદિત સર્જક ધૃતિબેને પોતાની પંચાત કરીને ‘પંચાત’ નામનું એક સરસ મજાનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ ‘પંચાત’ એટલે એમની ફેસબુકથી પબ્લિશ્ડ બુક સુધીની યાત્રા. ભાતભાતનાં લોકોને મળતાં અને જગતના અનુભવોમાંથી પસાર થતાં જે કંઈ સારું-નરસું જડ્યું તેને સરળ ભાષાશૈલીના માધ્યમથી તેમણે હળવાશથી વાચકો સમક્ષ મૂકી આપ્યું છે. પ્રસ્તુત છે તેમાંનું એક પ્રકરણ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ધૃતિબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dhrutika66@hotmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]વિ[/dc]માન પ્રવાસ કરવો એ બીજાને સમજવાનો એક લહાવો છે. એમાં પણ જો લાંબી યાત્રા હોય તો ઘણા માણસો એમનાં ઘરમાં પણ કેવી રીતે વર્તતા હશે એ ખબર પડી જાય. સરળતાથી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવી હોય તો આખા પ્રવાસને એક કૉમેડી ફિલ્મની રીતે જોતા રહીએ તો જ મજા આવે. ઘણા લોકોને પ્રવાસ દરમિયાન બેઠાં બેઠાં હાથ કે પગને સોજા આવી જાય છે તેવી જ રીતે આવા પ્રવાસ વખતે વાતે વાતે બધા પર અકળાઈને કે દરેક વાતે ખોડ-ખાંપણ કાઢીને ઘણાને મગજ પર પણ સોજા ચડી જાય છે.

અમુક લોકો ઍરપોર્ટ પર પહોંચતાની સાથે જ રાડારાડ શરૂ કરી દે છે. એકદમ રઘવાયા થઈને કુટુંબનાં સભ્યોને બૂમો પાડતા જ દેખાય. અને એમની જ ધૂનમાં ચાલીને બીજાને સામાન ભરેલી ટ્રોલી પણ ટીચતા હોય છે. અને જો એમની ભરેલી બૅગ ટ્રૉલી પરથી પડી જાય તો એ બૅગને કોઈ રીસાયેલી પાડીને ખેંચતા હોય એ રીતે ખેંચીને પાછી મૂકતા હોય છે. પછી આ બધો સહિયારો ગુસ્સો કાઉન્ટર આગળ જઈને રકઝક કરીને કાઢે ત્યારે જ એમને પરમ શાંતિ મળતી હોય છે.

ઘણાને પ્લેનમાં ચડતાની સાથે એક કેફ ચડે કે ઍરહોસ્ટેસ ફક્ત એમની સેવા માટે જ છે. ‘એય’ અને ‘છુછ….છુછ’ જેવા નવાબી અવાજ કાઢીને ઍરહોસ્ટેસને બોલાવશે અને એ અવાજ કામ ન આવે તો ચપટી વગાડીને બોલાવશે. ટિકિટ બુક કરવા આપેલા બધા જ પૈસા વસુલ કરવાની પેરવી સાથે જ આવા લોકો પ્લેનમાં ચડતા હોય છે. ચડતાની સાથે તરત જ નાના છોકરાઓની જેમ ભૂખ્યા અને તરસ્યા થઈ જતા હોય છે. પાછું જો એમની માંગણીઓની અવગણના થાય તો ધાંધલ ધમાલ કરીને પ્લેન ગજવતા રહે છે. હાથનો સામાન મૂકવા માટે ફક્ત માથા ઉપર જ જગ્યા જોઈએ એવા દુરાગ્રહથી પણ અમુક લોકો પીડાતા હોય છે, એવાં જ એક બહેનને બેઠાં હતાં ત્યાંથી થોડો પાછળ સામાન મૂકવો પડ્યો ત્યારે એમણે નિયમ બનાવ્યો કે જે પણ વ્યક્તિ એમની બૅગ મૂકી હતી એ જગ્યાએથી પસાર થઈને આગળ રેસ્ટરૂમ વાપરવા આવે એટલે તરત જ એને રોકે અને પૂછે, ‘જરાક ઉપર ખોલીને જુઓને પ્લીઝ ! બ્રાઉન બૅગ છે ને અંદર ?’ એમનો આ ‘જરાક જુઓ તો’ ખેલ ચાર કલાકથી સહન કરી રહેલાં એક બહેનની ઊંઘ બે વાર બગડતાં એકદમ મોટા સૂરે એમણે એ બૅગવતીને ઘાંટો પાડ્યો, ‘એલીએએએએ ! તું ટ્રેનમાં નથી જતી કે કોઈ તારી બૅગ લઈને ઊતરી જશે, ચુપચાપ સૂઈ જા !’ થોડીવાર માટે સોપો પડી ગયો અને જે પહેલેથી જ સૂતેલાં હતાં અને જેમનું સ્નોરિંગ સંભળાતું હતું એ પણ બંધ થઈ ગયું.

પ્લેનનાં રેસ્ટરૂમમાં જે રીતે આપણા લોકો વર્તે છે એમાં તો યુદ્ધનાં ધોરણે સુધારો જરૂરી છે. એક તો પર્સનલ સાઈઝની મીની-રેસ્ટરૂમ, એમાં પણ બે કલાકની અંદર જ એની હાલત રસ્તા પર હોય એવા પબ્લિક શૌચાલય જેવી કરી દેતા હોય છે. જ્યાં અને ત્યાં ટિસ્યુના લીરા ઊડતા હોય અને ફલૉર એકદમ ભીનો કરી નાખતા હોય છે. બાકી હોય તો વાડકી જેવડાં વોશ બેસિનમાં તમાકુ ખાઈને કોગળા કરે અને સાફ કરવાની તો બાધા ! નોનસ્ટૉપ ફલાઈટમાં જવાનું હોય તો એક દિવસ અગાઉથી ખાવા-પીવાનું બંધ કરવું પડે નહીંતર આવા બાદશાહી રેસ્ટરૂમની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય !

જ્યારે ખાવાની ટ્રૉલી લઈને ઍરહોસ્ટેસ આવતી હોય ત્યારે લોકોના હાવભાવ જોવાની અલગ જ મજા હોય છે. ઘણા લોકોની નોનસ્ટૉપ કચકચ ત્યારે જ ચાલુ થઈ જાય. વેજવાળાને નૉનવેજ અને નૉનવેજવાળાને ભૂલથી વેજ અપાઈ જાય ત્યારે અમુક લોકોમાં અધીરાઈ એટલી વધી જાય કે એ લોકોના હાવભાવ પણ ‘કદાચ ખાવા નહીં મળે તો !’ એવા થઈને રહી જાય. ટ્રોલી લઈને આવતી ઍરહોસ્ટેસ સામે જ જવું એ પણ અમુક લોકોનો નિયમ થઈ ગયો હોય છે. વન-વેમાં ઊંધા જતા હોય એવા દેખાય એ બધા જ ! ખાવા અપાઈ જાય પછી પણ ખૂણેખાંચરેથી અથાણું અને ઢેબરાની ખુશબો આવતી રહેતી હોય છે. ક્યારેક કોઈના મગજ પર આલ્કોહોલ સવાર થઈ જાય, ત્યારે નવા નાટકની શરૂઆત થાય. આવા નાટકનો અંત લાવતાં ઍરહોસ્ટેસનાં નાકે દમ આવી જાય. એક તો મોઢું હસતું રાખવાનું અને સામેવાળાની લવારી સાંભળવાની. આ નોકરીમાં રાખવા પડતાં હસતાં મોઢાનાં લીધે આ બધી ઍરહોસ્ટેસ રીયલ લાઈફમાં હાસ્ય કવિ-સંમેલનમાં પણ હસી શકતી નથી.

નાનાં બાળકો લઈને આટલી લાંબી મુસાફરી કરવી, એ પણ આટલી કૉમ્પેક્ટ જગ્યામાં એ એક બહાદુરીનું કામ જ ગણાય. પ્લેન ઊપડતાં અને ઊતરતાં કાનમાં આવતાં પ્રેશરના લીધે દરેક નાનું બાળક રડે જ. અને આટલા કલાક બેઠાં બેઠાં મુસાફરી દરમિયાન કંટાળે, અને આટલા બધાંની હાજરીમાં મા-બાપ ઘાંટા પણ ન પાડી શકે. સાચ્ચે જ આવા લોકોની હાલત ‘ન રહેવાય ન કહેવાય’ એવી થઈ જાય અને એમની આજુબાજુવાળાની હાલત ‘ન સહેવાય’ એવી થાય. અમુક લોકો ખૂબ જ સેવાભાવી હોય છે અને એ આવા લોકોનાં છોકરાં સાચવે ત્યારે એ મા-બાપ ખાઈ શકતા હોય છે. કેટલાક સામાન ચડાવવા કે ઉતારવામાં મદદ પણ કરે અને ઘણા લોકો પ્લેનમાં આપેલાં બધાં ફોર્મ્સ ભરવામાં પણ મદદ કરતા હોય છે.

એક વખતે એક ચતુર નારી ઍરપૉર્ટ પર મોટા અવાજે એની મમ્મી અને દીકરાને નોનસ્ટૉપ સુચનાઓ આપ્યા કરતી હતી અને સફર દરમિયાન પણ એની મમ્મીને કહેતી હતી કે, ‘જો જે ! ઈન્ડિયામાં કસ્ટમવાળા આગળ બધું સાચું બોલીને બાફતી નૈ !’ પ્લેન બદલતાંની સાથે જ એણે જોયું કે અડધું પ્લેન ખાલી છે એટલે આરામથી બેસવા માટે એણે બીજાં બહેનને અંગ્રેજીમાં કહ્યું કે :
‘મારો દીકરો એનાં બા વગર નહીં સુએ, તમે સાઈડ પર જાવ છો ?’
એ બહેન ઊઠીને જેવાં સાઈડ પર ગયાં કે તરત જ એ ચતુર એની મમ્મીને કહે, ‘જા જલદી અને બન્ને સીટ પર પલાંઠી વાળીને બેસી જા, પેલી જો ખસી ગઈ તે ગુજરાતી નથી લાગતી. એને સમજ નથી પડવાની !’ પ્લેનમાં આજુબાજુવાળાની વાતો સાંભળવાની મજા ખૂબ જ આવે. ક્યારેક કોઈ સમાન વિચારધારાવાળું જણાય અને ક્યારેક બારોબાર કોઈ બીજી બે વ્યક્તિની વાતો સાંભળીને ત્રીજાનું જડબું લટકી જાય એવા વિચારવાળા પણ હોય. ‘તુલસી ઈસ સંસારમેં ભાત ભાત કે લોગ.’ – આ વાક્ય પ્લેન મુસાફરી દરમિયાન એકદમ સચોટ લાગે. વિશ્વાસ નથી આવતો તમને ? નીચે લખેલાં વાક્ય આટલાં વર્ષોની મુસાફરી દરમિયાન કાનોકાન સાંભળ્યાં છે, સાચ્ચે જ !

‘હું મીડલઈસ્ટની ઍરલાઈનમાં જ ટ્રાવેલ કરું, કેમ કે એમનાં પ્લેન હાઈજેક ક્યારેય નથી થતાં.’
‘મને તો પ્લેનમાં બેસતાંની સાથે જ ઘણા લોકો ટેરેરીસ્ટ જેવા દેખાય.’
‘હું ઍર ઈન્ડિયામાં ન જાઉં, મને એ લોકોની ઍરહોસ્ટેસ ન ગમે.’
‘હું પણ ! મને ઍર ઈન્ડિયાનું ખાવાનું નથી ભાવતું.’
‘મેં તો છેને સોનાની લગડી વિક્સની ડબ્બીમાં મૂકી છે. એમાં મૂકીએ તો પેલા મશીનમાં દેખાતું નથી.’
‘અલી જવા દે ને ! મારે તો બે જીન્સનાં પેન્ટ પહેરવાં પડ્યાં છે અને ઉપરથી આ પંજાબી પહેર્યું. બૅગમાં વજન વધી ગયું અને મારા ભાઈએ છેક છેલ્લી ઘડીએ થોડી વસ્તુઓ મંગાવી.’
‘આપડે તો 20 ડૉલરની નોટ પકડાવી દઈએ એટલે પેલો સાહેબ જાતે આવીને સામાન બહાર મૂકી આપે.’
‘ઓય ! આ બ્લેન્કેટ આપ્યા છે ને, ઓઢવા માટે, એ મસ્ત છે, ઊતરતાં હેન્ડબૅગમાં મૂકી દેજે.’ અમુક લોકો પહેલીવાર પ્રવાસ કરતા હોય એ પણ ખબર પડી જાય. એવા જ એક કપલને જ્યારે બ્રેકફાસ્ટ આપ્યો ત્યારે એ કાકી બટરનું નાનું પેક લઈને કાકાને કહે કે, ‘લો આ ખીસામાં મૂકી દો, ચૉકલેટ લાગે છે.’

અને છેલ્લે જ્યારે પ્લેન લૅન્ડ થતું હોય ત્યારે લગભગ બધા જ પોતાની ધીરજ ગુમાવી દેતા હોય છે. ઍરહોસ્ટેસના ઈશારા કે સૂચનાને અવગણીને પ્લેન ઊભું રહે એ પહેલાં જ બધા ઊભા થઈ જાય છે, જાણે રાષ્ટ્રગીત ગવાતું હોય ! પછી તો ધક્કા-મુક્કીની હરીફાઈ ચાલુ થાય ત્યારે થોડી સેકન્ડ માટે શ્રીનાથજીમાં દર્શન કરવા જતી વખતે ખાધેલો કોણીનો માર પણ યાદ આવી જાય. પણ બધાં સહીસલામત બહાર નીકળીએ એટલે પૈસા વસૂલ.

[કુલ પાન : 108. કિંમત : 5 $. પ્રાપ્તિસ્થાન : (ભારતમાં) વિવેક દેસાઈ….મો. 9825035912. (અમેરિકામાં) ધૃતિ….. dhrutika66@hotmail.com ]

[poll id=”7″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “અધ્ધરતાલ…… – ધૃતિ”

Copy Protected by Chetan's WP-Copyprotect.