- ReadGujarati.com - http://www.readgujarati.com -

ઈશ્વર સાથે ચેટીંગ !! – દિનેશ એન. ગજ્જર

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ દિનેશભાઈનો (સુરેન્દ્રનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે your_rahbar@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

[dc]દિ[/dc]વાળીમાં હોલસેલ રજાઓનો આનંદ હતો અને એકદમ નવરાશની પળોનો અહેસાસ હતો એટલે કોમ્પ્યુટર ઓન કરીને મારું ઈ-મેઈલ your_rahbar@yahoo.co.in પરનાં મેસેજ જોવા અને મિત્રોને શુભેચ્છા પાઠવવા બેઠો. ઈનબોક્ષમાં અગિયાર જેટલા ન્યુ મેસેજ જોયા એમાંનો એક મેસેજ હતો : ‘હું ઈચ્છું છું કે તમે હંમેશા આનંદિત રહો, હળવાશની પળોને માણો અને પ્રફુલ્લિત રહો, સુખી રહો.’ મોકલનારનું ઈ-મેઈલ ishvar@godmail.com હતું. આ ઈશ્વરભાઈ ઓનલાઈન હતા એટલે મને એમની સાથે વધુ વાત કરવાની ઈચ્છા થઈ.

Your_rahbar : શું ઈશ્વરભાઈ મજામાં ? તમારી શુભેચ્છા મળી અને આનંદ થયો. દિવાળીની રજાઓ લાગે છે ?
Ishvar : હા, હું મજામાં છું દોસ્ત, હું ચોવીસ કલાક ઓનલાઈન જ હોઉં છું. મને ખબર છે, તારા ઘરમાં દિવાળીની બધી તૈયારીઓ થઈ ગઈ છે. દિવાલોને કલર પણ થઈ ગયો, નવા સોફા-સેટ, નવા ઝુમ્મર, આખ્ખુંય પરિવાર બાકી હસતાં ચહેરાઓમાં ખુશખુશાલ દેખાય છે !

Your_rahbar : વાહ ગમ્યું ! મારી ફેસબુક આઈ.ડી.માં અપલોડ કરેલા ફોટાઓ જોઈને તમે મારા વિશે ઘણું જાણી ગયા. મારા વિશે માહિતીઓ ભેગી કરીને વાત કરો એટલે શું હું તમને ઈશ્વર માની લઉં ?
Ishwar : તારા નહી માનવાથી મને કંઈ ફરક પડતો નથી. હું તો ઈશ્વર જ છું !
Your_rahbar : તમે ખરેખર બહુ રમૂજી સ્વભાવનાં છો !!
Ishvar : હા, હું તો હંમેશા આનંદીત રહું છું. પ્રત્યેકની ખબર રાખું છું પરંતુ મારી આદત છે કે હું એકની વાત બીજાને કરતો નથી. જો કોઈ વ્યક્તિ એમનાં સપનાંને સાર્થક કરવા પ્રયત્નશીલ હોય તો હું તેને મદદ કરું છું.

Your_rahbar : શું વાત કરો છો ? દરેકની ખબર તમને છે તો પછી લોકો ખરાબ વિચારો કેમ કરે છે ?
Ishvar : એકવાર તો કહ્યું દોસ્ત, હું લોકોની સાથે રહું છું એમને સારું કરવું હોય તો પણ શક્તિ આપુ છું અને ખરાબ કરવું હોય તો પણ શક્તિ આપું છું. મારું કામ દરેકને પોતાનું ધાર્યુ કરવામાં સફળ કરવાનું !!
Your_rahbar : વાહ, દુનિયામાં ગમે તેટલું ખોટું થાય એનાથી તમને કંઈ જ ફરક નથી પડતો એમ જ ને ! તમને તો ઉપર બેઠા-બેઠા આ નિત-નવા ખેલમાં મજા આવતી હશે ને ?
Ishvar : એકવાત સમજી લે, આ એકતા કપુરની સિરીયલમાં સૌ સારા વાના થઈ જાય તો પછી સિરીયલ પુરી થઈ જાય કે નહીં ? બોલ બોલ….. અને બધા જ સારા પાત્રો હોય અને કોઈનેય કંઈ વાંધો કે દુઃખ ના હોય તો સિરીયલ લાંબી ચાલે ખરી ?

Your_rahbar : પ્રભુ ! આનો અર્થ તો એ થયો કે તમને પણ દુનિયામાં આવુ બધું થાય છે એમાં રસ પડે છે.
Ishvar : અરે દોસ્ત પાંચ-સાત પાત્રનાં એક સામાન્ય નાટકમાં પણ તમે ઈચ્છો છો કે રોમાન્સ હોવો જોઈએ, સંવેદના હોવી જોઈએ, ક્રુરતા હોવી જોઈએ તો જ મજા આવે… તો પછી મારે તો આખીય દુનિયા અબજો પાત્રોની સાથે રોજ ચલાવવાની છે અને એનો અંત લાવવાનો જ નથી. જો આ દુનિયાનો અંત આવે તો મારો અંત આવશે એ પણ નિશ્ચિત જ છે.
Your_rahbar : સાચી વાત પ્રભુ ! દુનિયાનો અંત આવે તો તમારા અસ્તિત્વનો પણ અંત આવે. પરંતુ કેટલાક લોકો બહુ ભક્તિભાવથી તમને પૂજે છે અને તેમને ફળ મળતું નથી. અને કેટલાક લોકો તમને પૂજતા નથી છતાંય મબલખ કમાણી કરે છે. જો તમે પોતે જ બધું મેનેજમેન્ટ કરતાં હોય તો પછી આવું કેમ ? કે પછી તમે પણ માણસો રાખેલા છે એટલે જેમ વસ્તી વધતી જાય છે તેમ મેનેજમેન્ટ બગડતું જાય છે ?
Ishvar : મેં તને પહેલા જ કહ્યું ને કે હું કોઈનું મેનેજમેન્ટ કરતો જ નથી. હું તો દરેક લોકોમાં એમનો આત્મા થઈને રહું છું. મારી સિસ્ટમ જ છે કે જન્મ આપતી વખતે જ મગજની સર્કીટમાં પ્રોગ્રામ ઈન્સ્ટોલ કરી નાખવાનો કે જેવા વિચારો કરે તેવું જ એનું જીવન બનતું જાય ! લોકોને હિંમત આપવા માટે ક્યારેક પ્રયત્નો કરતો હોઉં છું કે માર્ગદર્શક બનતો હોઉં છું. બાકી કોઈનુંય કામ હું ક્યારેય પોતે તો કરતો જ નથી. બધાને પોતાનું કામ જાતે જ કરવાનું છે.

Your_rahbar : તો તો એનો અર્થ એવો થયો કે લોકો ખરેખર સમજ્યા વગર જ જીવે રાખે છે. બધા એમ જ માને છે કે ઈશ્વર બધાયનો રસ્તો કરે છે આપણે કંઈક કરવાનું નથી. ઈશ્વરની ઈચ્છા વગર પાંદડુંય હલતું નથી.
Ishvar : સાચી વાત છે. મારી ઈચ્છા વગર પાંદડુંય હલતું નથી ! પરંતુ હું કોણ…. હું તમારા સૌથી જુદો ક્યારેય નથી, હું તમારામાં જ છું. તમારા હૃદયમાં બિરાજમાન છું. તમે ઈચ્છા કરશો તો જ હું કંઈક કરી શકીશ. કોઈ માણસ કોઈ ઈચ્છા નહી કરે તો આ દુનિયામાં કોઈપણ ઘટના શક્ય નથી સમજ્યો ? તું હલાવીશ તો જ પાદડું હલશે ને ? તું અને હું કાંઈ જુદા નથી દોસ્ત !
Your_rahbar : હા પ્રભુ ! પણ લોકો રોજ રોજ મંદિરમાં જઈને પોતાના સુખ-ચૈન અને સમૃદ્ધિની પ્રાર્થના કરતા હોય છે તો દરેકની ઈચ્છા કેમ ફળતી નથી ?
Ishvar : અરે દોસ્ત, રોજ તારા ઘરમાં હજારો લોકો આવે અને તારી સાથે વાતો કરે તો શું તને યાદ રહે ? દરેકની ઈચ્છાઓને યાદ રાખવી ના પડે એટલે તો કહ્યું કે એમના હૃદયમાં જ આત્મારામ બનીને બેઠો છું. જો પોતાના આત્માનું સાંભળે અને સાચી દિશામાં પ્રયત્ન કરે તો ચોક્કસ એમને સુખ-ચૈન અને સમૃદ્ધિ મળવાની જ છે ! મારા મંદિરમાં ભલે ને કલાકો બેસી રહે અને પ્રાર્થના કરે કે મારા પરિવારનું દુઃખ દૂર કરો તો કંઈ થશે નહિ, એનું દુઃખ માટે અને પોતે જ કાર્યરત થવું પડશે અને એના હૃદયમાં પડેલો હું એને હિંમત આપીશ.

Your_rahbar : તમે લોકોનાં હૃદયમાં હોવ છો તો પછી તમે મંદિરમાં કેટલો ટાઈમ હાજરી આપો છો ? હસવું તો આવે છે પણ મને પૂછવાની ઈચ્છા થઈ ગઈ એટલે…
Ishvar : તારી સાથે મને પણ વાત કરવી ગમી એટલે કહું છું કે દરેકનાં હૃદયમાં રહું છું. મંદિરોમાં તો માત્ર મારો ફોટો છે. જેમ તમારો ફોટો તમે કોઈ સંસ્થામાં દાન આપતી વખતે પણ લગાવ્યો હોય ને ? લોકો મારા ફોટાનીજ પૂજા કરીને મારી સાથે વાત કરી લીધાનું માને છે.
Your_rahbar : સવાલ થોડો અઘરો છે પણ… તમે લોકોની વાતો સાંભળો છો ખરાં ?
Ishvar : લે…. કર વાત ! અત્યારે શું હું તારી વાત સાંભળતો નથી ?

Your_rahbar : અરે પ્રભુ… એમ નહીં, લોકોની પ્રાર્થના અને દિલની વાતો તમને સંભળાય છે ?
Ishvar : જેમને મારી સાથે વાત કરવાની ફુરસદ હોય એમની વાત હું સાંભળું જ છું. જેમની વાતો સાંભળી એ તમામ લોકોના જીવન દિવ્ય બની ગયા. પરંતુ અફસોસ છે કે જેણે પોતાનામાં રહેલા મારા ઈશ્વરીય તત્વને ઓળખીને બીજાને માર્ગ બતાવ્યો ત્યારે લોકોએ એમના ફોટા લગાવીને બીજા લોકોએ અલગ-અલગ સંસ્થાઓ ખોલી નાખી અને મૂળ વિચારો ખોવાઈ ગયા છે.
Your_rahbar : હા પ્રભુ ! અહીં લોકોને વિચારોની પૂજા નથી કરતા વ્યક્તિઓની પૂજા કરે છે.
Ishvar : બહુ સાચી વાત કરી દોસ્ત, રામ અને કૃષ્ણની પૂજા કરનારા મારી મૂર્તિઓને માને છે પરંતુ મારા વિચારોને નથી માનતા, નહીંતર સગાભાઈની સાથે મિલકતનો ઝઘડો કરીને મારા રામાવતારની પૂજા શું કામ કરે ? હું તો લોકોની ઈચ્છાઓ પૂરી કરું છું. જો એમને દેખાવ કરનારો સત્સંગ જોઈએ છે તો હું શું કરું ? કેટલાકને ઈચ્છા છે કે મારી મૂર્તિમાં સોનાનો મુગટ પહેરાવવો છે તો ભલે એમ કરે ! તમારું સુખ વૈભવમાં લાગતું હોય તો એમાં વ્યસ્ત રહો, તમને સુખ પરિવારમાં લાગતું હોય તો પરિવારમાં આનંદ કરો અને તમને સુખ ત્યાગમાં લાગતું હોય તો ત્યાગ કરો. તમારું હૃદય ખુશ હશે તો હું પણ ખુશ છું. અંતે તો ખીચડીમાં જ ઘી ઢોળાવાનું છે ને !!

Your_rahbar : ખીચડીમાં જ ઘી ઢોળાવાનું છે એટલે ?
Ishvar : અરે દોસ્ત, આ દુનિયાની તમામ પ્રોપર્ટી મારી છે, તમે એનો ઉપયોગ કરી શકો છો પરંતુ સાથે કંઈ આવવાનું નથી. તમે હિટલર બનો કે નેપોલિયન, સુદામા બનો કે નરસિંહ મહેતા, કંસ બનો કે રાવણ. મારી એક જ માસ્ટર સિસ્ટમ છે કે કોઈને કંઈ આપીને મોકલતો નથી અને કોઈને કંઈ લઈને આવવા દેતો નથી. જેના કારણે લોકો ગમે તેમ કરે મને કોઈ વાંધો નથી. તમને જ્યારે પૃથ્વી પર મોકલું ત્યારે માત્ર તમને નિયત સમય આપીને મોકલું છું. જેમાં તમારે પૃથ્વી પર રહેવાનું છે. પ્રત્યેકને પોતાની ‘જિંદગી’ કહેવાતા સમયગાળાને કેવી રીતે જીવવો છે એ તમારા હાથની વાત છે. રામ બનવું કે રાવણ એ તો તારી મરજી છે દોસ્ત !
Your_rahbar : તો પછી માણસ રામ બનીને સહન કરે કે રાવણ બનીને અત્યાચાર કરે એમાં શું ફરક પડે ?
Ishvar : ચોક્કસ પડે છે, સારું કામ કરશો તો તમારી નોંધ લેવાશે અને બીજા કલાકારો તમને આદર્શ ગણશે. નહિતર તમારા ગયા પછી પણ લોકો તમને ગાળો આપશે જે તમારા બાકીનાં જન્મો પણ દુઃખદાયક જ વીતશે. કર્મનું ફળ કોઈનેય છોડવાનું નથી, મારી ભક્તિ કે મારી પૂજા કે ટીલાં-ટપકાંમાં હું પણ નથી માનતો દોસ્ત ! હું તો એટલું જ કહું છું કે તમને જ્યારે પૃથ્વી પર મોકલું છું ત્યારે બધા સાથે હળીને મળીને આનંદથી તમારો સમય વિતાવો, એકબીજાને મદદ કરો અને કુટુંબ પરિવારોમાં નાની-નાની પળોમાં ખુશ રહો.

Your_rahbar : તમે મને મળી ગયાં એનો આનંદ છે પ્રભુ ! તમારી સિસ્ટમ જાણીને તો બહુ જ આનંદ થયો. અને ખાસ કરીને આવી રીતે ઈન્ટરનેટ ઉપર પણ લોકોને મળવાની રીત મને બહુ જ ગમી !
Ishvar : જેમની પાસે શાંત પળો હોય છે પોતાની જાત જોડે એટલે કે મારી સાથે વાતો કરવાની…. એમને હું મળું જ છું. તું જ જોઈ લે ને ! તારા મેસેજ બોક્ષમાં ઘણાબધા મેસેજ છે જેમાં બાળપણનાં દોસ્તો પણ છે, કેટલાક સગા-સંબંધીઓ અને કેટલીક સ્ત્રીમિત્રો પણ છે, પરંતુ તને મારી જ સાથે વાત કરવાનું મન થયું એટલે વાત થઈ. જ્યારે પણ મારી સાથે વાતો કરવી હોય ત્યારે કરજે…. હું ઓનલાઈન જ હોઉં છું.
Your_rahbar : તમે ઈન્ટરનેટનો પણ ઉપયોગ કરો છો ?
Ishvar : કેમ ? મને વાંસળી વગાડતા પણ આવડે છે અને વાયોલીન પણ, સમજ્યો. જેવા લોકો તેવો મારો ઉપદેશ આપવાનો રસ્તો. ધર્મગ્રંથોમાં માનનારાઓને ગ્રંથો, સાહિત્યમાં માનનારોને કવિતાઓથી, ફિલ્મો જોનારાઓને માટે દિગ્દર્શકોનાં અંતરાત્મા દ્વારા ફિલ્મોનાં માધ્યમથી પણ લોકોને સમજાવું છું. હમણાં ‘ઓહ માય ગોડ’ તે જોયું તો છે દોસ્ત ! આ પહેલાં ‘ગોડ તુસ્સી ગ્રેટ’ બનાવ્યું હતું એ કેમ ભૂલી ગયો ?

Your_rahbar : વાહ પ્રભુ વાહ ! તમે તો દરેક જગ્યાએ અને દરેક માધ્યમથી જીવન જીવવાનો સાચો રસ્તો બતાવો છો. તમે દરેક લોકો સાથે તેમની શાંત પળોમાં તમારા વિચાર કરે ત્યારે વાત કરો છો ?
Ishvar : હા ચોક્કસ, હું દરેક વ્યક્તિમાં છું. હું મારા દરેક સંતાનો સાથે વાત કરવા ઈચ્છું છું પણ મારા સંતાનોને શાંતીથી વાત કરવાની ફુરસદ નથી મળતી એટલે હું લોકોને મળતો નથી. લોકો મને મારા ફોટાવાળા કે મૂર્તિવાળા વૈભવી મકાનોમાં જ ગોતે છે.
Your_rahbar : પણ…. પ્રભુ ! હું ક્યાં શાંતિથી તમારી સાથે વાત કરવા બેઠો હતો ? હું તો કોમ્પ્યુટર ઉપર ઈ-મેઈલ ચેક કરવા બેઠો હતો અને તમે મળી ગયાં.

મારા સવાલનો ઈશ્વર જવાબ આપે તે પહેલા જ મારા માથા ઉપર હળવેથી હાથ ફર્યો અને મને અવાજ સંભળાયો, ‘પપ્પા, હવે જાગોને સવાર થઈ ગઈ…. ચાલો જલ્દીથી તૈયાર થઈ જાઓ, મમ્મી કહે છે બહાર જવાનું છે….’ હું જાગ્યો અને બસ વિચારતો જ રહ્યો કે ખરેખર પ્રભુ… ! તમે મારી સાથે વાત કરી ?

[poll id=”6″]