કેરાલા : ભગવાનનો પોતાનો પ્રદેશ – પ્રવીણ શાહ

[ અમદાવાદ સ્થિત પ્રવીણભાઈના પ્રવાસ લેખો આપણે માણતા જ રહીએ છીએ. તાજેતરમાં તેમણે કરેલા કેરાલાના પ્રવાસનો આ લેખ વાંચીને આપણે પણ વર્ચ્યુઅલી તેમની સાથે જોડાઈ જઈએ ! રીડગુજરાતીને આ સુંદર લેખ મોકલવા બદલ શ્રી પ્રવીણભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.]

[dc]કે[/dc]રાલાના લોકો, કેરાલાને ‘God’s own country’ એટલે કે ભગવાનનો પોતાનો પ્રદેશ કહે છે. તેઓ આમ શા માટે કહે છે, તે જાણો છો ? ભગવાનનો પ્રદેશ એટલે ભગવાને રચેલા જંગલો, પહાડો, નદીઓ, ઝરણાં, ધોધ, સમુદ્રો અને સૌન્દર્ય ધરાવતો પ્રદેશ. કેરાલામાં આ બધું સૌન્દર્ય અકબંધ પડેલું છે. તમે આ પ્રદેશમાં નીકળો તો અહીંની કુદરતની સુંદરતા જોઈને દિલ ખુશ થઈ જાય અને તમને પણ કહેવાનું મન થઇ જાય કે કેરાલા એટલે ભગવાનનો પ્રદેશ. કેરાલા અરબી સમુદ્રને કાંઠે દક્ષિણ ભારતમાં આવેલું એક રાજ્ય છે. આ રાજ્યમાં પશ્ચિમઘાટના પહાડો ઉત્તરથી દક્ષિણ સુધી પથરાયેલા છે. અહીનાં જોવાલાયક આકર્ષણોમાં મુન્નાર, ઠેકડી, એલેપ્પી, કુમારાકોમ, કોવાલમ બીચ, પદ્મનાભસ્વામી મંદિર, ગુરુવાયુર, શબરીમાલા, અથીરાપલ્લી ધોધ વગેરે ગણાવી શકાય.

અમે કેરાલાના સૌંદર્યને માણવા માટે એક પ્રોગ્રામ બનાવી કાઢ્યો અને એ પ્રમાણેનું એક ટુર આયોજક જોડે બુકીંગ કરાવી લીધું. પછી નક્કી કરેલા દિવસે અમે નીકળી પડ્યા. અમદાવાદથી ઉપડેલા વિમાને અમને નિર્ધારિત સમયે, બપોરે ત્રણ વાગે કોચીન એરપોર્ટ પર ઉતાર્યા.

કોચીન એરપોર્ટ જંગલોની વચ્ચે આવેલું હોય એવું લાગે. બધી બાજુ ઝાડપાન, નાળિયેરી અને ઠંડકવાળું વાતાવરણ છે. કોચીન શહેર અહીંથી પંદરેક કી.મી. દૂર છે. એરપોર્ટની બહાર જ અમને લેવા આવેલી બસ રાહ જોઈને ઊભી હતી. તેમાં બેસી અમે કોચીનમાં અમારી હોટેલ પર પહોંચ્યા. તાજામાજા થઇ કોચીન શહેર જોવા નીકળી પડ્યાં. અહીં જ્યુ સિનાગોગ, ડચ પેલેસ, ફોર્ટ કોચીન, ચાઈનીઝ ફીશીંગ નેટ, સેંટ ફ્રાન્સીસ ચર્ચ વગેરે જોવાલાયક છે. આશરે ૫૦૦ વર્ષ પહેલાં, પોર્ટુગલથી વાસ્કો-ડી-ગામા ૧૭૦ માણસો સાથે ભારત તરફ આવ્યો હતો અને કેરાલાના કોઝીકોડ(કાલિકટ) બંદરે ઉતર્યો હતો. ત્યાર પછી પોર્ટુગલના આ ડચ લોકોએ, અંગ્રેજોની જેમ, કેરાલાના ઘણા વિસ્તારોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. એટલે ડચ લોકોની રહેણીકરણી તથા ધર્મની અસર અહીં જોવા મળે છે. આવા બધા બહારના લોકોએ ભારતને લૂટ્યું ના હોત તો આપણો દેશ ઘણો સમૃધ્ધ હોત. ૧૫૬૮માં બંધાયેલું જ્યુ સિનેગોગ યહુદી લોકોનું મંદિર છે. તે બહુ જૂનું હોવાથી એ જમાનાના મંદિરની ઝલક એમાંથી જોવા મળી રહે છે. ડચ પેલેસ પોર્ટુગીઝોએ ૧૫૫૫માં બંધાવેલો અને પછી ૧૬૬૩માં એનું સમારકામ કરેલું. અહીનાં ભીંતચિત્રો જોવા જેવાં છે. તેના પર રામાયણકાળના પ્રસંગો કંડારેલા છે. પેલેસ સાંજે પાંચ વાગે બંધ થઈ જાય છે. આ વિસ્તારમાં પથ્થરનાં શિલ્પો, મૂર્તિઓ, વહાણોનાં મોડેલ અને એવી બધી દુકાનો છે. આ દુકાનો મ્યુઝીયમ જેવી લાગે. આ બધાની વચ્ચે બેસીને ચા પીવાની કેવી મઝા આવે !

ફોર્ટ કોચીન પણ પોર્ટુગીઝોએ બાંધેલો કિલ્લો છે. હાલ તેના માત્ર અવશેષો જ બચ્યાં છે. કોચીનનો દરિયાકિનારો એ ફરવા જેવું સ્થળ છે. સાંજે લોકો અહીં ટહેલવા નીકળી પડે છે. અહીં માછલાં પકડવા માટેની ખાસ પ્રકારની ચાઈનીઝ ફીશીંગ નેટ જોવા મળે છે. માછીમારો એક લાંબા લાકડાને છેડે મોટી જાળ બાંધી, બીજા છેડે પથ્થરોનાં વજન બાંધી, જાળી દરિયામાં ડુબાડીને માછલાં પકડે છે. સેંટ ફ્રાન્સીસ ચર્ચ અહીં દરિયા કિનારે જ આવેલું છે. કોચીનમાં ભારતીય નેવીનું મોટું થાણું પણ આવેલું છે. કોચીનમાં ઠેકઠેકાણે મકાનોનાં છાપરાં ઢળતા પિરામીડના આકારનાં જોવા મળ્યાં. નાળિયેરીના ઝાડ પણ ઠેર ઠેર હતાં.

આ બધું જોઈ, બીજે દિવસે સવારે અમે નીકળ્યા મુન્નાર તરફ. મુન્નાર એ પશ્ચિમઘાટના પહાડો પર વસેલું હીલસ્ટેશન છે. કોચીનથી મુન્નાર ૧૪૦ કી.મી. દૂર છે. આ રસ્તો પણ જોવા જેવો છે. થોડાંક ગામ પસાર થયા પછી ચઢાણ શરુ થયું. બધી બાજુ જંગલોનું જ સામ્રાજ્ય હતું. રસ્તામાં બે જગાએ ધોધનાં દર્શન થયાં. એક ‘ચિયાપારા’ અને બીજો ‘વાલારા’ ધોધ. પહાડ પરથી ખડકો પર પડીને વહી જતુ ધોધનું પાણી જોવાની મઝા આવી ગઈ. સ્નાન કરી શકાય એવું તો હતું નહિ. ચિયાપારા ધોધ આગળ સાવ નજીક જઈ, પાણીમાં ઉભા રહીને ફોટા પાડ્યા. જલશીકરોનો થતો છંટકાવ ખૂબ ગમ્યો. ધોધ એ તો કુદરતની અદભૂત રચના છે. વાલારા ધોધમાં તો ઉતરાય એવું હતું નહિ. આગળ જતાં, આજુબાજુ એલચી, મરી, લવીંગ, તજ વગેરે તેજાનાના બગીચાઓ પણ જોવા મળ્યાં. એક જગ્યાએ જંગલમાં હાથી પર સવારી કરવાની સગવડ હતી. અમે તો હાથીસવારી માટે તૈયાર થઇ ગયા. હાથી પર બેસી જંગલની ઉંચીનીચી કેડીઓ અને ઝરણાં તથા નદીમાં ફરવાની કેવી મઝા આવે ! પણ અફસોસ ! વાદળો ઘેરાયેલાં તો હતાં જ. જોતજોતામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો. હાથી પર ફરવાની યોજના પર પાણી ફરી વળ્યું. અમારી બસ ચાલી આગળ. મુન્નાર નજીક આવતું ગયું તેમ ચાના બગીચા દેખાવા માંડ્યા. ટેકરીઓના ઢોળાવો પર ચાના છોડ ટેકરીઓને એક અનોખું સૌન્દર્ય બક્ષતા હતાં. અંધારું થતામાં તો મુન્નાર હોટેલ પહોંચી ગયા. અહીં નાની કન્યાઓએ આરતી તથા કપાળ પર કુમકુમ ચાંલ્લાથી અમારું સ્વાગત કર્યું. અમે બધા આવી લાગણીથી ભાવવિભોર થઇ ગયા.

બીજે દિવસે મુન્નારમાં ફરવાનો કાર્યક્રમ હતો. મુન્નાર હીલસ્ટેશન છે એટલે વાતાવરણ ખુશનુમા હતું. પહેલાં ‘આર્વીકુલમ નેશનલ પાર્ક’ જોવા ગયાં. અહીં જંગલમાં એક ઊંચા પહાડ તરફ બસમાં લઇ જાય છે. બાકીનું ચડાણ આપણે જાતે ચડવાનું અને આજુબાજુની કુદરતની લીલાને નીરખતા જવાનું. ક્યાંક પક્ષી કે પ્રાણી કે પહાડ પરથી પડતો નાનો ધોધ જોવા મળી જાય. અહીનો કુદરતી નઝારો બહુ જ સુંદર છે. નેશનલ પાર્કમાંથી બહાર આવી, ચાનું મ્યુઝીયમ જોવા ગયા. અહીં ચાના છોડ પરથી ચૂંટેલાં પાનમાંથી સૂકી ચા કઈ રીતે બને છે તે આખી પધ્ધતિ જોવા મળે છે. અહીંથી આગળ જતાં, જંગલોમાં એક જગ્યાએ, ‘હાથીસવારી’નું બોર્ડ આવ્યું. અમે ખુશ થઇ ગયા. આજે તો હાથી પર બેસવું જ છે એવું નક્કી હતું. અમે હાથીસવારી કરી. હાથીએ ઊંચીનીચી કેડી પર જંગલમાં ફેરવ્યાં. શરૂઆતમાં સહેજ ડર લાગે, પણ પછી તો શું મઝા આવી ગઈ ! હાથી પર જંગલમાં રખડવાની તક ક્યાં મળવાની હતી ? અમે હાથીને અમારા હાથે ફળો વિગેરે ખવડાવ્યું પણ ખરું.

ત્યાંથી આગળ એક નદી પર બાંધેલો ‘મત્તુપટ્ટી ડેમ’ જોયો. ડેમની પાછળ નજર ના પહોંચે ત્યાં સુધી ભરાયેલું સરોવર અને બંને બાજુ ગાઢ જંગલો – એમ લાગે કે આપણે કુદરતના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. આવા સરસ માહોલમાં વરસાદ શરુ થયો. અમારી બસ ડેમના ઉપરવાસમાં જંગલમાં આગળ જઈ રહી હતી. અહીં એક ‘ઇકો પોઈન્ટ’ છે. તમે જે બોલો તેના સામેથી પડઘા પડે. વરસાદ સહેજ ધીમો થતાં, અમે ઇકો પોઈન્ટ આગળ ઉતર્યા. ડેમના સરોવરના આ કિનારે ઊભા રહી બૂમો પાડી, સરોવરની સામેની વનરાજીમાંથી તેનો જ પડઘો સાંભળી ખુશ થઈ ગયા. ચાના બગીચા તો ઠેર ઠેર હતાં જ. પાછા વળતાં એક જગાએ રોડની બાજુમાં જ ચાના બગીચામાં સહેજ ફરવા નીકળી પડ્યા. ચાના છોડને સાવ નજીકથી જોયા. ફોટા પાડ્યા. ભારતમાં ચાનું પીણું કેટલું બધું સામાન્ય થઇ પડ્યું છે ! પણ આપણે જાણીએ છીએ કે ચા શરીરને માટે નુકશાનકારક છે. આગળ જતાં, એક રંગબેરંગી ફૂલોનો બગીચો આવ્યો. ફૂલોના રંગ જોઈને ખુશ થઈ ગયા.

હવે સાંજ પડવા આવી હતી. છેલ્લે મુન્નાર બજારમાં એક લટાર મારી, હોટેલ પર પહોંચ્યા. અહીં બજારમાં જાતજાતના મસાલા અને ચાની દુકાનો ખૂબ હતી. મુન્નાર જોઈને લાગ્યું કે મુન્નાર એક વાર તો જરૂર જોવું જોઈએ. બીજે દિવસે સવારે ઠેકડી જવા નીકળ્યા. ઠેકડી પણ પહાડોમાં વસેલું ગિરિમથક જ છે. પણ તેની ઊંચાઇ મુન્નાર કરતાં થોડી ઓછી. મુન્નારથી ઠેકડીનું અંતર ૧૫૦ કી.મી. છે. રસ્તો પહાડોમાંથી જ પસાર થાય છે. આ રસ્તે ‘પાવર હાઉસ’ નામનો એક ધોધ છે, જો કે અમને તે જોવા મળ્યો નહિ. આ રસ્તે એલચીના પુષ્કળ બગીચા છે. એક જગાએ બસમાંથી ઉતરી, એલચીના બગીચામાં ફરી આવ્યા. ઠેકડી પહોંચતામાં તો વરસાદ તૂટી પડ્યો. છેલ્લા ત્રણ દિવસથી રોજ બપોર પછી વરસાદ આવતો હતો. ઠંડક રહેતી હતી અને મઝા પણ આવતી હતી.

કેરાલા તેના કથકલી નૃત્ય માટે પ્રખ્યાત છે. અહીં ઠેકડીમાં એક કલાભવનમાં કથકલી નૃત્યનો પ્રોગ્રામ થતો હોય છે, એવી માહિતી મળતાં, અમે આ પ્રોગ્રામ જોવા ઉપડી ગયા. સામાન્ય રીતે નૃત્યમાં એક પુરુષ અને એક સ્ત્રી કલાકાર હોય છે. સ્ત્રીનું પાત્ર પણ મોટે ભાગે પુરુષ જ ભજવતો હોય છે. આ કલાકારો, શોના એક કલાક પહેલાં, મેકઅપ, ડ્રેસ, ઘરેણાં વગેરેની સજાવટ શરૂ કરે છે. આપણે જો કલાક કે અડધો કલાક વહેલા જઈએ તો કલાકારોની સજાવટની આ પ્રક્રિયા પણ જોવા મળે છે. અમે વહેલા જ પહોંચી ગયા અને કથકલીના બંને પુરુષ કલાકારો ચહેરા પર કલર, ઘરેણાં, મુગટ, કેડ પરનાં કડક વસ્ત્રોએ બધું પહેરીને કઈ રીતે તૈયાર થાય છે તે જોયું. પછી કાર્યક્રમ શરૂ થયો. શરૂઆતમાં સ્ત્રી કલાકાર ચહેરા પર જાતજાતના હાવભાવ કરી બતાવે છે. પ્રેમની અનુભૂતિ, સ્ત્રીસહજ શરમ, પ્રેમીને ઈંજન, વરણાગીવેડા, રીસામણાં – આ બધું જોઈને અને તે પણ એક પુરુષ કલાકાર સ્ત્રીનો વેશ ધારણ કરીને ભજવી બતાવે ત્યારે બહુ જ નવાઈ લાગે છે. ‘વાહ, વાહ’ કહેવાનું મન થઈ જાય છે. આ સ્ત્રી, એ પુરુષ છે એવી ખબર જો પહેલેથી ના હોય તો તે પુરુષ છે એવું માન્યામાં જ ના આવે. આ ઉપરાંત ડર, ભય, ક્રોધ, આનંદ, સંતોષ, શાંતિ, ચમક – આ બધા ભાવો તે ભજવી બતાવે છે. એના પછી, પુરાણપ્રસિદ્ધ એક વાર્તાનો આખો એપિસોડ બંને કલાકારો નૃત્ય સ્વરૂપે રજૂ કરે છે એ જોવાની મઝા આવે છે. આખો શૉ જોઈ, મનમાં અનહદ આનંદ ભરી અમે બહાર આવ્યા. કથકલી નૃત્ય અમને ઘણું જ ગમ્યું. સાંજે બજારમાં થોડું ફરી આવ્યા.

ઠેકડીમાં પેરિયાર વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી આવેલી છે. તેમાં પ્રખ્યાત પેરિયાર સરોવર છે અને જંગલમાં પ્રાણીઓ વસે છે. લોકો અહીં બોટીંગ કરવા અને પ્રાણીઓ જોવાં આવતાં હોય છે. બીજે દિવસે વહેલી સવારે અમે આ સરોવરમાં બોટીંગ માટે નીકળી પડ્યા. લોકોની ભીડ બહુ જ હતી. સરોવર લંબાઈમાં પથરાયેલું છે. પહોળાઈ તો એક કિ.મી. કરતાં ય ઓછી છે. બંને બાજુ જંગલો જ જંગલો છે. બોટીંગ દરમ્યાન, જંગલમાંથી કોઈ પ્રાણી, સરોવરમાં પાણી પીવા આવ્યું હોય તો જોવા મળી જાય. સરોવરમાં ઝાડનાં ઠૂંઠાં પર બેઠાં હોય એવાં પક્ષીઓ જોવા મળ્યાં ખરાં. દોઢ કલાક સુધી સરોવરના શાંત ચોખ્ખા પાણીમાં ફરવાનો આનંદ આવ્યો. એ પછી હોટેલ પર જઈ અમે નીકળ્યા ‘કુમારાકોમ’ જવા તૈયાર થયા. તે અહીંથી ૧૫૦ કી.મી. દૂર છે. વચ્ચે વાલનજામકાનમ ધોધનું બોર્ડ આવ્યું. આ બોર્ડ પર ‘ God’s own country’ પણ લખેલું હતું. ધોધ જોવા નીચે ઉતર્યા. ખૂબ ઉંચાઇએથી ખડકો પર થઈને પડતું પાણી એક મનોહર દ્રશ્ય સર્જે છે. પાણીનો જથ્થો ભલે બહુ વધારે ન હોય તો પણ તે ભવ્ય લાગે છે. મુંબઈથી શરુ થઈને મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરાલા સુધી પથરાયેલા પશ્ચિમઘાટમાં કેટલાયે ધોધ આવેલા છે. ગુજરાતમાં તો ફક્ત ગણ્યાગાંઠ્યા ધોધ જ છે. ગુજરાતને આ સંપત્તિ મળી નથી. અમે આગળ ચાલ્યા. કોટ્ટાયમ ગામમાંથી પસાર થયા. અહીં કેરાલાની પ્રખ્યાત સાડીઓ મળે છે. કોટ્ટાયમથી પહોંચ્યા કુમારાકોમ.

‘કુમારાકોમ’ તેના બેકવોટર વિસ્તાર માટે જાણીતું છે. અહીં પાણી ભરેલી ઘણી નહેરો છે. આ નહેરોમાં ફરતી બોટોમાં, કાશ્મીરના ડાલ સરોવરના શિકારાની જેમ, રહેવાની પણ સગવડ હોય છે. જાણે કે હરતુંફરતું ઘર જ જોઇ લો ! તેમાં સુંદર સજાવટવાળા બેડરૂમ, રસોડું તથા આગળ આંગણ જેવા ભાગમાં જમવા માટેનું ડાયનીંગ ટેબલ, સોફા, ખુરશીઓ અને ડેક પર બેસીને દરિયાનું અવલોકન કરી શકાય તેવી જગા – આવી બોટની સફરમાં કેવી મઝા આવે ! કુમારાકોમમાં અમે અમારી આવી બોટ પર પહોંચ્યા. જમવાનું તૈયાર હતું પણ ખાસ ભૂખ હતી નહિ. ચા બિસ્કીટ લીધાં. અમારી બોટ નહેરમાં આગળ જઈ રહી હતી. આ નહેર એક મોટા વેમાનાદ નામના સરોવરમાં ભળી જાય છે. હવે અમે સરોવરમાં હતા. બોટ આગળ ચાલી. આગળ જતાં, સરોવર અરબી સમુદ્રમાં ભળી જાય છે. આમ, નહેર, સરોવર અને સમુદ્ર બધું સળંગ જ છે. સરોવર, સમુદ્રથી કઈ જગાએ જુદું પડે છે એ ખબર જ ના પડે. સમુદ્રનાં પાણી સરોવર અને નહેરમાં આવી જતાં હોવાથી આ જ પાણીને ‘બેકવોટર’ કહેવાય છે. સરોવર અને નહેરમાં સમુદ્રનું પાણી આવ્યું હોવા છતાં, તે ખારું નથી એ એક ખૂબી છે. જો કે સમુદ્ર અને સરોવર વચ્ચે જ્યાં સાંકડો ભાગ છે ત્યાં પૂલ બાંધી, અંદર પાણીમાં જાળીઓ ઉતારી, સરોવરમાં ખારાશ પ્રવેશતી અટકાવવાના શક્ય તેટલા ઉપાયો કરાય છે.

અમારી બોટ સરોવરથી યે આગળ વધી, સમુદ્રને અડકીને પાછી વળી. સરોવર અને સમુદ્રમાં પુષ્કળ પાણી અને વચ્ચોવચ અમારી બોટ, બધી બાજુ પાણી જ પાણી, ક્યાંય કિનારો દેખાય નહિ – આ દ્રશ્ય બહુ જ ગમ્યું. જાણે કે મધદરિયે હંકારતા હોઈએ એવું લાગે. પાછા વળતાં, નહેરના કિનારે ઉગેલાં નાળિયેરીનાં વૃક્ષોની હારમાળા બહુ જ આકર્ષક લાગતી હતી. અહીં પક્ષીઓની વસાહત પણ છે. બોટમાં મન ભરીને મહાલ્યા પછી કુમારાકોમ હોટેલમાં પહોંચ્યા. આવાં જ બેકવોટર નજીકના એલેપ્પી ગામમાં પણ છે. એલેપ્પીમાં દર વર્ષે, આ બેકવોટરમાં હોડીઓની હરિફાઈ પણ યોજાય છે. એલેપ્પીને ‘પૂર્વનું વેનિસ’ કહે છે.

બીજે દિવસે સવારે કુમારાકોમથી ત્રિવેન્દ્રમ જવા નીકળ્યા. આ અંતર ૧૬૫ કી.મી. છે. ત્રિવેન્દ્રમ તેના કોવાલમ તથા અન્ય બીચો અને પદ્મનાભસ્વામીના મંદિર માટે પ્રખ્યાત છે. અમે સીધા પહોંચ્યા કોવાલમ બીચ. કોવાલમ બીચ, દુનિયાના જાણીતા સમુદ્રતટોમાંનો એક છે. અહીંની પોચી ઝીણી રેતીને લીધે ચાલવાનું સારું ફાવે છે. સમુદ્રના કિનારા આગળનાં છીછરાં પાણી અને ધીમે ધીમે વધતી ઊંડાઈને કારણે પાણીમાં ઉતરવામાં, નહાવામાં અને મસ્તી કરવામાં જોખમ નથી. આથી આ બીચની મઝા માણવા ઘણા પ્રવાસીઓ આવતા હોય છે. અમે પાણીમાં ઉતર્યા, નાહ્યાં અને દૂરથી આવતાં મસમોટાં મોજાંના પ્રવાહમાં અથડાતા રહ્યાં, ખૂબ મઝા આવી. કોવાલમ બીચ મન ભરીને માણ્યો. પછી ત્યાંથી આશરે એક કી.મી. દૂર આવેલા લાઈટહાઉસ બીચ પર ગયા. આ બીચ પણ ઘણો જ સરસ છે. અહીં પણ ખૂબ મોટાં મોજાં ઉછળે છે. દૂર એક દીવાદાંડી દેખાય છે.

ત્રિવેન્દ્રમમાં આ સિવાય દરિયાકાંઠે અશોક, ઇવ તથા અન્ય બીચો આવેલા છે. બીચ પરથી અમે ઉપડ્યા ત્રિવેન્દ્રમ શહેરમાં આવેલા પદ્મનાભસ્વામીના મંદિરે દર્શન કરવા. દક્ષિણ ભારતનું આ બહુ જ પ્રખ્યાત મંદિર છે. આ મંદિર વહેલી સવારે ૩-૩૦ વાગ્યાથી બપોરના ૧૨ સુધી અને સાંજે ૫ વાગ્યાથી ૭-૨૦ સુધી ખુલ્લું રહે છે. અમે ત્યાં પહોંચ્યા ત્યારે સાંજના ૭ વાગ્યા હતા. એટલે ફટાફટ દર્શન કરવાનાં હતાં. મંદિરમાં ચામડાનું પાકીટ, બેલ્ટ, મોબાઈલ કે કેમેરા લઇ જવાય નહિ. વળી, પુરૂષોએ ફક્ત ધોતી પહેરીને જ જવાનું અને સ્ત્રીઓએ પોતાનાં પહેરેલાં કપડાં પર ધોતી વીંટાળી દેવાની. અહીં મંદિરની બહાર ધોતી ભાડે કે વેચાતી મળે છે. અમે ઝટપટ ધોતી ભાડે લઇને પહેરી લીધી તથા પેન્ટ શર્ટ વગેરે ત્યાં સાચવવા માટે આપી દીધાં અને મંદિરમાં દાખલ થયા. આ જૂના જમાનાનું ભવ્ય અને વિશાળ મંદિર છે. અંદર ઉંડે ઉંડે શયનમુદ્રામાં પોઢેલાં વિષ્ણુ ભગવાનની ૧૮ ફૂટ લાંબી મૂર્તિ છે. મૂર્તિના મસ્તક, હાથ, પગ વગેરે આભૂષણો અને ફૂલોથી સુશોભિત છે. ભગવાનના મુખારવિંદ પરની સૌમ્યતા જોઈને મનમાં એક પ્રકારની શાંતિ અનુભવાય છે. સાક્ષાત દર્શન કરવાની તક મળી તેથી ખૂબ આનંદ થયો. દર્શન કરીને મંદિરનું નિરીક્ષણ કર્યું. મંદિરના વિસ્તારમાં કેટલાયે થાંભલા, પરસાળો, રૂમો વગેરે છે. પથ્થરના આ થાંભલાઓ પર દેવદેવીઓનાં શિલ્પ કંડારેલાં છે. ઘણી જગાએ આ શિલ્પો સોનાનાં પતરાંથી મઢેલાં છે. છત પણ એવાં જ ચિત્રોથી શોભે છે. મંદિરનો વિસ્તાર બહુ મોટો છે. આટલાં બધાં શિલ્પો તૈયાર કરવામાં ભક્તોએ કેટલી મહેનત, સમય અને નાણાં ફાળવ્યાં હશે એ વિચાર કરીએ તો આશ્ચર્ય થાય છે. કલાની દ્રષ્ટિએ પણ આ મંદિર એકવાર જોવા જેવું છે. તહેવારો અને પ્રસંગોએ આ મંદિરમાં માનવ મહેરામણ ઉમટતો હોય છે. અહીં રાખેલી હુંડીમાં લોકો અઢળક દાન આપે છે. મંદિરનાં નાણાં, ઘરેણાં વગેરેને લગતા સમાચારો પણ છાપામાં આવતા હોય છે.

દર્શન કરી અમે ત્રિવેન્દ્રમની અમારી હોટેલ પર પહોંચ્યા. હોટેલ દરિયાકિનારાની નજીક જ હતી. બીજે દિવસે કન્યાકુમારી જઇને પાછા આવવાનું હતું. જો કે અમે થોડા લોકોએ કન્યાકુમારીમાં સ્વામી વિવેકાનંદવાળો ટાપુ, ત્રણ દરિયાનો સંગમ એ બધું અગાઉ જોયેલું હતું. એટલે અમે કન્યાકુમારી ગયા નહિ અને આરામ કરવાનું નક્કી કર્યું. પણ હોટેલની બહાર ઘુઘવતો દરિયો જોઈ મન ઝાલ્યું રહે ખરું ? અમે દરિયા કિનારે ફરવા નીકળી પડ્યા. એક વધુ બીચનું સૌન્દર્ય માણ્યું. અહીં એક ઊંચી ટેકરી પર ઈસુ ખ્રિસ્તનું મોટું પૂતળું મૂકેલું છે. એ જોઈને મને બ્રાઝીલનું ‘ક્રાઇસ્ટ ધી રીડીમર’ નું પૂતળું યાદ આવી ગયું. એમ લાગ્યું કે આપણા દેશમાં શું નથી ? બહારના દેશોએ જે કંઇ ઉભું કર્યું છે, એવું ઘણું બધું આપણે ત્યાં છે પણ એને દુનિયામાં જાણીતું કરવાની તસ્દી આપણે લીધી નથી. કોલોરાડોનાં ગ્રાન્ડ કેન્યન જેવાં કોતરો આપણે ત્યાં લડાખમાં છે. જોર્ડનના પેટ્રા જેવી અજતાં-ઈલોરાની ગુફાઓ ભારતમાં છે. મેડમ તુસાડના વેક્સ મ્યુઝીયમ જેવું વેક્સ મ્યુઝીયમ કોલ્હાપુરમાં છે. ઇગ્વાસુ કે નાયગરા જેવા ધોધ અથીરાપલ્લી અને ચિત્રકોટમાં છે. ટૂંકમાં, ભારતમાં બધું જ છે. જરૂર છે માત્ર તેને વિકસાવવાની. બીચ પરથી પાછા ફરી આરામ કર્યો. ત્રિવેન્દ્રમમાં પણ બેકવોટર, નહેરો, મેન્ગ્રોવનાં જંગલો અને એવું બધું છે. એના પછીના દિવસે તો ત્રિવેન્દ્રમથી વિમાનમાં ઉડીને અમદાવાદ આવી પહોંચ્યા. પ્રવાસ પૂરો થયો હતો. એકવાર તો આ ભગવાનની ભૂમિ જોવા જેવી ખરી.

કેરાલામાં આ ઉપરાંત, ગુરુવાયુર અને શબરીમાલાનાં પ્રખ્યાત મંદિરો આવેલાં છે. ગુરુવાયુર કોચીનથી નજીક છે. શબરીમાલા ઠેકડીની નજીક છે. મુન્નારથી કે થ્રીસુરથી અથીરાપલ્લી અને વાઝાચલ ધોધ જોવા જઈ શકાય છે. બંને ધોધ બહુ જ ભવ્ય અને અદભૂત છે. આ સિવાય પણ બીજા ઘણા ધોધ કેરાલામાં આવેલા છે. ત્રિવેન્દ્રમની નજીક વરકલા બીચ પણ જોવા જેવો છે. કબિની અને વૈત્રી જેવી મોંઘી અને આરામદાયક જગ્યાઓ પણ કેરાલામાં છે.

[poll id=”8″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “કેરાલા : ભગવાનનો પોતાનો પ્રદેશ – પ્રવીણ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.