રીડગુજરાતીના વાચકોને પત્ર – તંત્રી

[dc]પ્રિ[/dc]ય વાચકમિત્રો,

ઘણા લાંબા સમય બાદ આપની સાથે વાતચીત કરવાની અનુકૂળતા મળી છે. બને છે એવું કે જ્યારે પણ તંત્રીલેખના બે શબ્દો લખવાની શરૂઆત કરું કે કોઈક અગત્યના લેખોનું કામ આવી ચઢે છે. પરંતુ આજે તો નક્કી કર્યું કે બધું જ બાજુએ મૂકીને બે ઘડી નિરાંતે વાચકો સાથે વાતચીત કરવી છે. તમામ વાચકો એ એક રીતે રીડગુજરાતી પરિવારના સદસ્ય છે અને પરિવારમાં તો ગોષ્ઠિ હોવી જ જોઈએ ને ? વળી, આજે આ માટેનું એક કારણ પણ છે. ચાલો, આપને માંડીને વાત કરું…

સૌથી પહેલા તો એક આનંદના સમાચાર આપી દઉં. જો કે અમુક કાયદાકીય નિયમોને કારણે આપને અહીં પૂરી વિગત નહીં જણાવી શકું પરંતુ એટલો સંકેત કરી દઉં કે રીડગુજરાતીનો ઉલ્લેખ ધોરણ-12ના આગામી વર્ષના પાઠ્યપુસ્તકમાં થવા જઈ રહ્યો છે, એટલે કે વેબના માધ્યમથી ઉત્તમ સાહિત્ય કઈ રીતે વાંચી શકાય એ અંગે આપણું શિક્ષણજગત જાગૃત થઈ રહ્યું છે. એક વેબસાઈટને જીવનઘડતર અને વિદ્યાર્થીઓના જીવનવિકાસના ભાગરૂપે જોવાય એ જ સૌથી મોટી આનંદની વાત છે. આમ પણ રીડગુજરાતીનું સ્વરૂપ પહેલેથી જ એ પ્રકારનું રહ્યું છે કે બાળકોથી લઈને વડીલો સુધી સૌને પોતાને અનુરૂપ વાચનસામગ્રી એમાંથી પ્રાપ્ત થતી રહે છે. ઉત્તમ અને જીવનપ્રેરક લેખો અહીં સતત પીરસાતા રહે છે. ઘણી બધી સંસ્થાઓ, શાળાઓ પોતાના ન્યુઝલેટરમાં રીડગુજરાતીનો ઉલ્લેખ કરીને સૌને વાંચન માટે પ્રેરિત કરતા હોય એવા સમાચાર પણ મને મળતાં હોય છે. કેટલી બધી સામાજિક સંસ્થાઓ, ટ્રસ્ટ અને અગણિત નાના-મોટા એકમો રીડગુજરાતીનો વગર કહ્યે પ્રચાર કરતાં રહે છે. હું એ સૌનો આભારી છું. મનને સ્વસ્થ કરે અને થોડી શાંતિ આપે તેવા વાચનની ભૂખ જો સતત ઉઘડતી રહેશે તો આપણા ઘણા પ્રશ્નોનું નિરાકરણ આપમેળે આવી જશે, એમ મને લાગે છે.

આ સ્તર પર ઉત્તમ સાહિત્ય આપવાની રીડગુજરાતીની જવાબદારી વધે છે. જો કે હું સમજી શકું છું કે બધા જ લેખો ‘એ-વન’ કક્ષાના હોય તેમ બનતું નથી. ગમતા-અણગમતા-ઠીક એવા લેખોનું સંમિશ્રણ થતું રહે છે. સંગીતના આરોહ-અવરોહની જેમ લેખોની પસંદગીમાં ચડ-ઉતર થતી હોય છે. પરંતુ એટલું ચોક્કસ છે કે જે કંઈ છે તે બધું આપણને કોઈક ને કોઈક રીતે ઉપયોગી થાય તેમ છે, પછી ભલે ને એ સો ટચ સોનું ન પણ હોય ! 4800થી વધુ લેખો પ્રકાશિત થયા બાદ ચયનનું કામ અઘરું બનતું જાય છે. એક મીની-લાઈબ્રેરી જેવી આ વેબસાઈટને સંભાળતાં લેખન-વાંચનની સાથે સાથે પ્રોગ્રામિંગ પણ કરવું પડતું હોય છે. હજુ ઘણા નવોદિત વાચકોને એમ છે કે રીડગુજરાતી કોઈ બહુ મોટું ઓર્ગેનાઈઝેશન છે ! એક વાચકે તો મને પૂછ્યું પણ ખરું કે તમારે ત્યાં નોકરી ખાલી હોય તો જરા જોજો ! હકીકતે રીડગુજરાતીની કોઈ ટીમ નથી. જે કંઈ સારું લાગ્યું એ ગમતાંનો ગુલાલ કરીને સૌ વાચકો સુધી પહોંચાડવાની એક વ્યવસ્થા છે. જુઓને ! એમ કરતાં કરતાં આ સાત વર્ષ વીતી ગયાં.

મિત્રો, આ સાત વર્ષમાં રીડગુજરાતીનું તમામ કાર્ય માત્ર ને માત્ર ડોનેશન પર જ નિર્ભર રહ્યું છે. પરંતુ હવે રીડગુજરાતીનું કાર્યક્ષેત્ર વિશાળ બન્યું છે. ફક્ત ડોનેશનથી તેનો નિર્વાહ કરવો એ કપરું કામ છે. કોઈ પણ સંસ્થા માટે પાંચ-સાત વર્ષ પસાર કર્યા બાદ લાંબાગાળાનું આયોજન જરૂરી બને છે. એ આયોજનથી સ્થિરતા આવે છે અને એનાથી આ કાર્ય અવિરત ચાલતું રહે છે. વળી, અગાઉના તંત્રીલેખોમાં મેં આપને જણાવ્યું છે કે રીડગુજરાતી મારા જીવનનિર્વાહનું પણ સાધન છે. મારો જીવનવ્યવહાર પણ તેના થકી જ છે. વ્યક્તિ અને સંસ્થા બંને આમાં રોકાયેલા હોય ત્યારે કંઈક નક્કર વિચારવું પડે છે. મને એ વાતનો આનંદ છે કે આજ સુધી રીડગુજરાતીનો તમામ આર્થિક ભાર સૌ દાતાઓએ ભેગા મળીને ઊંચકી લીધો છે. ક્યારેક ને ક્યારેક સૌ કોઈ પોતાનું યોગદાન આપતાં રહે છે. અચાનક કોઈ કટોકટીના પ્રશ્નો આવે ત્યારે મારે સામેથી તેમને યોગદાન માટે કહેવું પણ પડે છે. પરંતુ મનમાં એ પ્રશ્ન પણ થાય છે કે એક દાતા હંમેશા એક જ જગ્યાએ પોતાનું દાન આપ્યા કરે એ કંઈ ઠીક છે ? વળી, અનિશ્ચિતાઓનો સામનો કરવા માટે શા માટે થોડું આયોજન ન કરવું ?

આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લેતાં એક કાયમી ઉકેલ મને જડ્યો છે. એ ઉકેલ છે ‘Voluntary Subscription’. એટલે કે સ્વૈચ્છિક લવાજમ. આ લવાજમની રકમ રૂ. 200 પ્રતિવર્ષ રહેશે પરંતુ તે સ્વૈચ્છિક છે. અહીં રીડગુજરાતીને ધંધાકીય સાધન બનાવવાનો કે Paid કરવાનો કોઈ હેતુ નથી. તેના કોઈ લખાણને પાસવર્ડના તાળાં મારવાના નથી. વાંચન સૌ માટે ફ્રી છે અને સદા માટે ફ્રી રહેશે એમ મેં પહેલા તંત્રી લેખથી જ કહેલું છે. આ આયોજનો મુખ્ય હેતુ રીડગુજરાતીને લાંબાગાળાની એક સ્થિર આવક તરીકે પગભર કરવાનો છે. વધતી જતી મોંઘવારી, જરૂરી સાધનોના ખર્ચ, સર્વરના નિભાવનો ખર્ચ, અન્ય ઉપકરણોનો ખર્ચ, પુસ્તકોની ખરીદી, ઈન્ટરનેટ સુવિધા માટે ચૂકવવા પડતા નિયમિત બિલ વગેરેને ધ્યાનમાં લેતાં એક નિશ્ચિત આવકની જરૂરિયાત રહે છે. બસ, આ જરૂરિયાત પૂરી કરવા માટે એક પત્રપુષ્પ રૂપે આ રકમ વર્ષમાં એક જ વાર કમિટેડ વાચકો પાસેથી જો પ્રાપ્ત થાય તો આ કાર્ય વધુ સરળ બની શકે એવી એક અપેક્ષા છે. આ વિચાર પાછળની કેટલીક અગત્યની બાબતો અહીં મુદ્દાસર આપની સમક્ષ રજૂ કરું છું :

[1] સૌ પ્રથમ બાબત તો એ કે આ લવાજમ Rs. 200 વાર્ષિક છે. વાચકને જો રીડગુજરાતીનું કાર્ય પસંદ હોય અને આ કાર્ય માટે સહાયરૂપ થવાની ઈચ્છા હોય તો તે પ્રતિવર્ષ લવાજમ ભરી શકે છે. આ લવાજમ ફરજિયાત નથી. લવાજમ ન ભરનાર વ્યક્તિ પણ રીડગુજરાતીના તમામ વિભાગો વાંચી જ શકે છે. આ લવાજમ વર્ષમાં ગમે ત્યારે ભરી શકાશે. એક વર્ષ પૂરું થવા આવે ત્યારે રીડગુજરાતી તરફથી વાચકને રિન્યુઅલ માટે ઈ-મેઈલ મોકલવામાં આવશે.

[2] વિરાટ કાર્યમાં નાનકડું એવું ખિસકોલીકર્મ પણ ખૂબ અગત્યનું હોય છે. એ રીતે મોટું યોગદાન ન આપી શકનાર સમાજના છેવાડના વર્ગનો નાનામાં નાનો વાચક આ થકી રીડગુજરાતીને સહાયરૂપ બની શકે છે. ઘણીવાર સદભાવપૂર્વક અમુક નાની રકમ આપતાં વાચક સંકોચ અનુભવે છે. આ સુવિધા થકી તે સંકોચ દૂર થતાં વિનોબાના સર્વોદયપાત્રની જેમ દરેકના એક મૂઠી અનાજનો અહીં આદરપૂર્વક સ્વીકાર કરવામાં આવશે.

[3] લવાજમ ભરનારે સૌ પ્રથમ એક ફોર્મ ભરવાનું રહેશે જેમાં તેમણે ઈ-મેઈલ વગેરે વિગતો જણાવવાની રહેશે. ત્યારબાદ વિદેશના વાચકો PayPal દ્વારા (વિદેશમાં લવાજમનો દર USD $6 ) કરી શકશે અને ભારતના વાચકો ઓનલાઈન નેટબેન્કિંગ કે ડેબિટ કાર્ડ વગેરે દ્વારા કરી શકે તેવી સુવિધા મૂકવામાં આવશે.

આમ તો આ વિચાર ઘણા સમયથી મનમાં હતો અને નિયમિત મળતા વાચકોની ઈચ્છા પણ હતી કે મારે લાંબાગાળા માટે કંઈક આયોજન કરવું જોઈએ. પરંતુ એ વાત નિશ્ચિત હતી કે વાંચનથી કોઈ વંચિત રહેવું ન જોઈએ. આથી એક મધ્યમમાર્ગ રૂપે આપની સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો છે. થાય તો પણ ઠીક અને ન થાય તો પણ ઠીક. ગાજરની પિપૂડી, વાગી તો વાગી… નહીં તો ખાઈ જવાની ! હા, સાથે એ અપેક્ષા છે કે મોલ-મલ્ટીપેક્સમાં ખર્ચ કરતો સમાજનો સક્ષમ વર્ગ, થોડું સાહિત્ય માટે યોગદાન કરે. એ પણ રીડગુજરાતીનું કામ જોયા પછી પસંદ પડે તો.

કૃપયા હમણાં કોઈ રકમ મોકલશો નહીં. આ માત્ર એક વિચારબીજ છે જે આપની સમક્ષ મૂક્યું છે. એક પરિવારના સદસ્ય તરીકે આપના વિચારો, સૂચનો અને મંતવ્યો જાણવાની મને ઈચ્છા છે. એથી, આપના પ્રતિભાવોની પ્રતિક્ષામાં છું.

આભાર સહ,

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.

[poll id=”9″]

Leave a Reply to સમીર પંડયા Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

136 thoughts on “રીડગુજરાતીના વાચકોને પત્ર – તંત્રી”