કચરો – દુર્ગેશ ઓઝા

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ દુર્ગેશભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9898164988 અથવા આ સરનામે durgeshoza@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

[dc]‘શું[/dc] લખે છે ? હાસ્યલેખ ને ? હવે તમારી પાસે નવીનતાની આશા રાખવી જ નકામી. કાં તો છત્રી કે એવું બીજું કંઈક ભૂલી જવાની, ડૉક્ટર-દર્દીની કાં લગ્નસંબંધી એવી એની એ જ જૂની રેકર્ડ તમે વગાડ્યા કરો છો. ને એમાંય પત્ની તો કેન્દ્રસ્થાને જ હોય.’
મિત્ર પરેશે મને આમ સંભળાવ્યું એટલે મેં બચાવ કર્યો, ‘પત્નીને કેન્દ્રસ્થાને સ્થાપવી જ પડે, નહીંતર…..! પરંતુ તારી જૂની ઘરેડની વાત હવે જૂની થઈ ગઈ. હવે તો તારી કલ્પનામાં ન હોય એવા વિષયો ઉપર પણ હાસ્યલેખ રચાય ને વંચાય છે. ઝીણામાં ઝીણી બાબતને પણ વિષય બનાવી એના પર હાસ્યલેખ લખવાના શ્રીગણેશ તો ક્યારનાય થઈ ગયા છે. હવે અમે વિવિધતાનો પાલવ પકડ્યો છે. તારો મિથ્યા આરોપ પાછો ખેંચી લે.’

મારી વાત સાંભળી એ કહે, ‘બીજાની વાત મૂક. તારી વાત કર ને ! બોલ, હું જે કહું એ વિષય પર થોડુંક પણ હસવું આવે એવો લેખ લખી દે તો તું સાચો. મને ખાતરી છે કે તું બહાનાં કાઢીને ના જ પાડવાનો. એ તારી હેસિયતની બહાર છે.’
મેં જુસ્સાભેર કહ્યું : ‘તું મને ચેલેન્જ કરે છે ? આજે તો ભલે થઈ જાય . બોલ, શેના પર લેખ લખી દઉં ?’
એટલે પરેશે થોડું વિચારીને કહ્યું : ‘વિષય છે ‘કચરો’. ચોંકી ગયો ને ? મને હતું જ કે હમણાં તું મિયાંની મીંદડી થઈ જઈશ. ચાલ ત્યારે હું રજા લઉં, લેખક મહાશય !’
ને મેં એને રોકતાં કહ્યું : ‘કચરા ઉપર હાસ્યલેખ હું લખી બતાવીશ. તું એમ મારો કચરો કરી નાખીશ એમ નહીં બને.’

ને જાણીતા માણસ કે કોઈ સૌંદર્યપરી દ્વારા રસ્તે ચાલતા માણસ પર ઉપરથી કચરો ફેંકાય ને તેને જેમ મને-કમને હસતા મુખે ઝીલી લેવાય એમ મેં આ પડકાર ઝીલી લીધો. વિચારયાત્રાના વળાંકો વટાવતા લાગ્યું કે આ કચરો તો એક અનેરો વિષય છે. ઘણાએ તો સંભળાવ્યું કે, ‘આવો ‘કચરા જેવો’ લેખ માથે કાં મારો ? બીજો એકેય સારો વિષય તમને ન જડ્યો ?’ તો જવાબમાં એ જ કહેવાનું કે કચરાને અકારણ ઉતારી પાડી તમે તમારી જાતને હલકી ન કરો ! સૌથી મુઠ્ઠી ઊંચેરી વાત એ છે કે એક રીતે જોતા એના શબ્દોમાં જ ભારોભાર સૌંદર્ય સમાયેલું છે. ‘કચરો’ શબ્દને ઊલટો વાંચો એટલે થાય ‘રોચક’ ! કેવો સુંદર શબ્દ ! જે શબ્દને હજી તો ઊંધેથી વાંચતાની સાથે જ એની વિશિષ્ટતા પરખાય એનો સમગ્ર મહિમા કેવો ઊંચેરો હશે ! શબ્દ ઊલટે એટલે અર્થ પણ પલટે ! આ વાત જ ભારે રોમાંચક છે. એક જ શબ્દમાં છૂપાયેલા સમાન-વિરોધી અર્થ ! આવી ભવ્યતા દરેક શબ્દના નસીબમાં નથી હોતી.

કચરા વિશે વિચારતા દર વખતે તેની નવી લાક્ષણિકતા સામે આવે છે. કોઈ પણ વસ્તુ બનાવવા માટે તમારે અનેક વસ્તુઓનો આશરો લેવો પડે ને ઝાઝી કડાકૂટ બાદ એ બને. જ્યારે કચરો તો એક જ ઝાટકે….! લાડુનું ઉદાહરણ લ્યો. તે માટે ગોળ, ચોખ્ખું ઘી (મળે તો), ઘઉં વગેરે જોઈએ. કાજુ, બદામ પણ યથાશક્તિ ઉમેરી શકો. આ બધું મળે ને પછી બધી મહેનત કરો ત્યારે ઘણા સમય બાદ ખાવા જેવા લાડું સદનસીબ હોય તો થાય ને મળે. જ્યારે કચરો તો આમ ચપટીમાં કોઈના પણ સહારા વિના થઈ જાય. આમ તે સ્વાવલંબી, સ્વયંભૂ છે. સ્વયંપાકી. વાનગી માટે ઘરમાં ને પેટમાં જગ્યા જોઈએ. જ્યારે કચરો તો પોતાની જગ્યા પોતે જ કરી લે. સહજ પરકાયા પ્રવેશ. વસ્તુ બને ત્યારે તે હાજર પણ ન હોય, પણ પછી તે બહાર જ નહીં, વસ્તુની અંદર પણ બેસી જાય, પેસી જાય ! સાચો અંડરવર્લ્ડ ડોન તો આ કચરો જ ગણાય. (આમ તે જાસૂસીની કળા પણ શીખવી જાય છે.) જરા પણ બેદરકારી કે ઢીલ થાય કે ઘૂસણખોર કચરો હાજર ! ફૂગ ચડી જ જાય, મેલ બાઝી જ જાય, ડાઘ લાગ્યા વગર ન રહે. આમ તે સોનેરી સંદેશ આપે છે કે કોઈના ઓશિયાળા ન બનો. જાતમહેનત ઝિંદાબાદ ! પોતાની જગ્યા પોતાની રીતે કરી પોતાના પગ પર ઊભા રહી દુનિયાને તમારી કુશળતા દેખાડી દ્યો. ને હરપળ સાવધ રહો. આક્રમણ ગ્મે ત્યારે, ગમે ત્યાંથી થઈ શકે છે. એક નાની અમથી ભૂલચૂક પણ ભારે પડી શકે છે. કચરાની ઊડીને આંખે વળગે એવી મહાનતા એ છે કે તે વફાદાર કૂતરાં કે જળોની જેમ આજીવન તમને વળગશે. બધા તમને છોડીને જતા રહેશે, પણ કચરો કદી તમારો સાથ (છાલ) નહીં છોડે. દુનિયામાં જો કોઈ એક જ વસ્તુને ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ ઍવોર્ડ’ આપવાનો હોય તો તે કચરાને જ મળે. હવે તમે જ કહો, આવા કચરાને ખરાબ કહેવાની ભૂલ કેમ કરવી ? એનામાં હસવવાનું જબરું સામર્થ્ય છે. મને તો એમાંથી હાસ્યનો સાગર પ્રાપ્ત થયો. વિશ્વાસ નથી બેસતો ? લ્યો તમેય ડૂબકી મારો !

…..જ્યાં ત્યાં ડબલાડૂબલી, જૂના વાસણો, મસોતાં, થોથાં, બાવા આદમના ફોટા વગેરેથી કંટાળેલી નવી વહુ મોંઘી એને ‘રવાના’ કરવાનું વિચારતી ઓરડામાં ઊભી હતી, બરાબર ત્યારે જ ઉપરથી ‘ધબ’ દઈને જૂનો ફોટો વહુના પગની સાવ પાસે આવીને પડ્યો. પગ જરાકમાં બચી ગયો. એક તો પહેલેથી ચીડ હતી જ, તેમાં વળી આવું થયું એટલે થ્યો ભડકો…. ‘આ કચરાથી તો તોબા. હું તો ત્રાસી ગઈ આ તમારા કચરાથી. જ્યાં જુઓ ત્યાં મને બસ કચરો જ કચરો દેખાય છે. અહીંથી કાઢું તો ત્યાં આવે, ને ત્યાંથી કાઢું તો અહીં….. બેશરમ ક્યાનો ! આ તમારા કચરાએ તો મારું લોહી પીધું….’ ‘તમારો’ શબ્દ ઉપર ખાસ ભાર મૂકીને ઉચ્ચારાયેલા આ વાક્યોથી ડઘાઈ ગયેલા સાસુમા જમનાબેન પહેલાં તો સંયમથી કામ લેતા શાંતિથી સમજાવવા મથ્યાં :
‘વહુ બેટા, તું પરણીને આ ઘરમાં આવી એને ઓછા દી’ નથી થ્યા. હવે તું આ ઘરની વહુવારૂ છે. હવે ‘તારું-મારું’ કરવું એ તને ન શોભે. ‘બધે મને કચરો જ દેખાય છે’ એમ કહી તું એના વખાણ કરે છે કે એનો વાંક કાઢે છે ! પહેલાં તે એને માયા લગાડી, ને પછી એ તારી પાસે ન આવે તો જાય ક્યાં ? કચરો જેટલો મારો છે એટલો જ તારો કહેવાય. ને મારું-તારું એ બધા ભેદ તો આપણે પાડ્યા છે, ભગવાને નહીં. આવું બોલાય જ નહીં.’

‘બા, હવે આમાં ભગવાને ભગવાનને ખાતર વચ્ચે ન લાવો. તમારા કચરાને રાખો તમારી પાસે. અહીં આ ઘરમાં એનું કોઈ કામ નથી. તમારા કોઈ બહાનાં હવે નહીં ચાલે. એ તમારો જ છે. મારો કોઈ કાળે નહીં…..’
ને સાસુમા ગર્જ્યાં, ‘એવું તે શું દુઃખ આપ્યું એણે કે તું આમ ? એવું હતું તો તારા ઘરનાની ઉપરવટ જઈ લગ્ન શું કામ કર્યા મારી બઈ ? એ મારો જ છે, તારો નહીં !?’
‘હવે આમાં લગ્ન વચ્ચે ક્યાંથી આવ્યા ? ને કાન ખોલીને સાંભળી લ્યો. એક્સો ને દસ ટકા એ માત્ર તમારો ને તમારો જ. મને તો એ દીઠેય નથી ગમતો. કાં અહીં તમારો કચરો રહેશે, કાં હું….’
‘તો તું જ રસ્તો માપ અહીંથી. નાલાયક… નથી બોલતી ત્યાં સુધી જેમ ફાવે તેમ બોલે છે ? તારા માબાપે તને આવા સંસ્કાર આપ્યા છે ? કચરો અહીં જ રહેશે.’
‘નહીં રહે….’
‘રહેશે.’
‘નહીં રહે.’
‘રહેશે.’
આ ‘હા, ના’ લાંબી ચાલી. બૂમરાણ પ્રચંડ બન્યું ને આડોશીપાડોશી બધા દોડી આવ્યા. જોતજોતામાં આખી શેરી ભેગી થઈ ગઈ. ને એ જોઈ વહુને શૂરાતન ચડ્યું.
‘આ ઘરમાં મારે કચરો-પૂંજો કાંઈ ન જોઈએ. કાઢો આ લપને ઘરની બારોબાર….’
કચરા સુધી વાત સીમિત હતી ત્યાં સુધી તો હજી ઠીક હતું, પણ ‘પૂંજો’ શબ્દ સાંભળી સાસુની કમાન છટકી. જાણે વીફરેલો આખલો ! ‘જમ’ના બેને અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું… ને દોડીને ખૂણામાં પડેલી લાકડી ઉપાડી, ને જોરથી વહુના બરડે વીંઝી :
‘કમજાત, તારી આ હિંમત ? ઈ શું કામ નીકળે ? તું નીકળ બહાર. નીકળે છે કે પછી તારો ચોટલો ઝાલીને ?’ બંને તરફથી એકએકથી ચડિયાતા એવા અપશબ્દોનો મારો ચાલ્યો. નજીકમાં જ રહેતા ગામના ઉતાર એવા જગુ ભારાડીએ પત્નીને જલદીથી ઘરમાંથી કાગળ ને પેન લઈ આવવા બૂમ મારી. ને ઉમેર્યું, ‘બે મોટા કાગળ લાવજે. એક પૂરો નહીં પડે !’ આવી નવતર પ્રકારની થોકબંધ ગાળો તેણે ન તો કદી બોલી હતી કે ન તો કદી ચાખી. તેને થયું કે આ ઠીક મેળ પડી ગયો. કોક’દી મારામારીમાં કામ લાગશે. ચોતરફ હો હા થઈ ગઈ. એક પડોશીએ એની સાસુનો પક્ષ તાણ્યો, ‘હજી એકાદ ઠોકી દ્યો. આણે તો તમારી આબરૂનો કચરો કરી નાખ્યો. ઠોકો તમતમારે…’

ત્યાં જ બીજા પડોશીના મગજમાં ચમકારો થ્યો.
‘એક મિનિટ… બધા શાંત થઈ જાવ.’ તે બરાડ્યો. તેણે બથ્થમબથ્થાં આવી ગયેલા સાસુ-વહુને છૂટા પાડ્યા ને પછી કહ્યું : ‘દાળમાં કાંઈક કાળું લાગે છે. મને જરા એ કહો કે તમે કયો કચરો-પૂંજો ઘરની બહાર કાઢવાની વાત કરો છો ?’
વહુ બોલી : ‘બીજો કયો ? આ ઘરમાં જૂનો ભંગાર, ડબલાડૂબલી વગેરે બાવા આદમનું સડી ગયેલું છે એ કાઢવાની વાત કરું છું, પણ મારા સાસુને એમાંથી એકેય વસ્તુ કાઢવી નથી. ઉપર બાંધીને ન લઈ જાય તો જ નવાઈ…..’
ને સાસુમાએ કપાળ કૂટ્યું, ‘અરે મારી બઈ, પહેલાં ફાટવું’તું ને ? મગનું નામ મરી પડાય ને ? કારણ વગરનો કજિયો વહોર્યો તે તો ! હું તો કાલે જ સામેથી તને એ બધું કાઢવાનું કહેવાની હતી. મને એમ કે તું મારા…??!’ જમનાબેનના દીકરાનું નામ ‘કચરો’ હતું ને તેના પતિનું નામ ‘પૂંજો’ ! કચરો એટલે મોંઘીનો પતિ. વહુના પગ પાસે ધબ દઈને પડેલો પેલો જૂનો ફોટો આ ‘કચરા’નો હતો ! ને આખી શેરીમાં પહેલાં ‘હો હા’ થઈ ગઈ’તી. હવે ‘હા હા હા’ થઈ ગઈ. સાસુ-વહુ બેયની આંખામાં આંસુ. લાકડી ફટકારનારા એ જ સાસુ હવે વહુના બરડે મલમ લગાડવા બેઠાં. ને વહુ કહે, ‘બા, હવે કચરો ક્યારે કાઢવો છે ?’ ને બેય ખુલ્લાં દિલે ખડખડાટ હસી પડ્યાં. બેયના મનનો મેલ હવે દૂર થઈ ગયો હતો, ને બેય મનથી એકબીજાની નજીક આવી ગયા હતા.

જોયું ને ? કચરામાંથીય કેવું હાસ્ય મળ્યું ? એટલે કચરાને નાહક વગોવી એનો કચરો કરવો એ મારા-તમારા જેવા બુદ્ધિશાળી સજ્જનોને ન શોભે. નહીંતર તમે જ કહો, જો આ શબ્દ ખરાબ હોત તો વડીલો એના સંતાનોના નામ જ એવા શું કામ પાડત ? મને તો આ ‘કચરો’ નામ પાછળ જીવનની અણમોલ વિચારધારા છૂપાયેલી છે એમ લાગે છે. આની પાછળ કંઈક ગુપ્ત, સુક્ષ્મ રહસ્ય છૂપાયેલું છે. જેમ ગમે ત્યાંથી કચરો શોધી કાઢી, આદુ ખાઈને એની પાછળ પડી આપણે સાફસૂફી આદરીએ છીએ તેમ આ રહસ્ય પણ શોધી કાઢો. કચરા જેવું નામ પાડનાર ફઈ કદાચ ઈશ્વરની સૌથી નજીક હોય એ બનવાજોગ છે. કેમ કે આપણી પ્રાચીન સંસ્કૃતિ સૌનો આદર કરવાનું શીખવે છે. સારા-નરસા બધાને સમાન માન આપવું એવું બહુમૂલ્ય જ્ઞાન આપી સાચા ધરમનું ભાન કરાવે છે. અહીં સૌનો સ્વીકાર છે ને એ પણ સહજ. કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગરનું સ્વાગત. સજ્જન-દુર્જનના ભેદ વિના કુદરત બધું સમાનભાવે વહેંચે છે. ભક્તકવિશ્રી નરસિંહ મહેતાએ લખ્યું ને ગાયું જ છે ને કે ‘ઘાટ ઘડીયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોયે.’ જરા યાદ કરો. શ્રીરામ જ્યારે રાવણનો વધ કરે છે ત્યારે તેના દેહત્યાગ પૂર્વે લક્ષ્મણને રાવણ પાસે જ કશુંક શીખવા નથી મોકલતા શું ? આવા તો અનેક દાખલા આપી શકાય.

આનો દિવ્ય સંદેશ એ જ છે કે માણસ કે વસ્તુ ગમે તેટલા ખરાબ હોય, દરેકમાં એક જ મૂળતત્વ વિલસી રહ્યું છે, ને તે છે આત્મા, પરમાત્માનો અંશ… જે પરમપવિત્ર છે. એનું અપમાન ન જ હોય ભલા માણસ ! કોઈને નાનો કે નીચો ન સમજવો. એટલે સમજણના પહાડ પર ઊભા રહીને પછી કચરાને ઉતારી પાડવાની પહાડ જેવી ભૂલ ભૂલેચૂકેય ન કરતા. કચરો બીજો એક પાણીદાર સંકેત એ પણ આપે છે કે ‘તમે ગમે તેટલા પૈસા, પદ, કૂળ, સ્થાવર-જંગમ સંપત્તિ વગેરેથી પ્રતિષ્ઠિત હો, ખોટો ફાંકો મૂકી દ્યો. જમીનથી સાત વેંત અદ્ધર ન ચાલો. અંતે તો આ બધું નાશવંત ને અર્થહીન જ છે. એ કચરો જ છે.’ પણ નવાઈની વાત એ છે કે માણસ પોતાની મોટા ભાગની જિંદગી આવાં ફટકિયા મોતી મેળવવા પાછળ જ વેડફે છે. કચરાની ગાડી જેમ રોજ નિયત જગ્યાએ કચરો ઠાલવે તેમ તે તનમનમાં કચરો ઠાંસી પાછો એનો ગર્વ કરશે ! કચરાની જ્યાં ત્યાં હોળી કરીને પડોશમાં ‘હોળી’ સળગાવે છે. માર્ગરેટ કુલરે કહ્યું જ છે ને કે, ‘જીવવાનાં સાધનો મેળવવા જતાં માણસ જીવવાનું ભૂલી જાય છે.’ આમાંનું કંઈ સાથે નહીં આવે, સિવાય કે તમારા કર્મ. કચરાની જેમ એ એક જ તમને ચોંટશે. મરણ પછી પણ જે તમારી સાથે આવે તે જ તમારી પોતીકી વસ્તુ ને તે જ સાચી મૂડી. આ કચરામાં અધકચરા થઈ નાહક મોહી શું પડ્યા ?’ કચરો આપણું મિથ્યાભિમાન તોડે છે. આપણે મોટા થઈએ ત્યારે રમકડાં, શંખલા વગેરેનો ઢગલો કરીને રમતા બાળકને ઘણી વાર રમતા અટકાવી ટપારતા નથી કે ‘આ શું બધો કચરો ભેગો કર્યો છે ?’ એની બાળકબુદ્ધિની હાંસી ઉડાવી આપણે એનું બચપણ છીનવી લેતા હોઈએ છીએ. જો કે બાળકને મન તે અમૂલ્ય હોય છે. એ જ રીતે આપણે પણ લોભ, લાલચ જેવા અનિષ્ટોમાં કચરાઈને પદ, નાત-જાત, દોલત વગેરે રમકડાંથી રમતા હોઈએ છીએ, ને એને જ જીવનનું સર્વસ્વ સમજી લેતાં હોય છે ત્યારે પ્રભુ પણ આમ જ વિચારી મંદ મંદ હાસ્ય ફરકાવતા નહીં હોય શું ? બાળક તો હજીય તેમાંથી નિર્દોષ આનંદ લઈ ભેદભાવ કે ઘમંડ વિના બીજાનેય તે આનંદમાં સહભાગી બનાવે છે, જ્યારે આપણે કહેવાતા મહાનુભાવો ?

એટલે કચરાને ઉચ્ચ આસને સ્થાપો. એના પર છાણાં ન થાપો. કચરો આપણને બીજું પણ ઘણું જરૂરી શીખવી જાય છે. સદા ઉદ્યમી બની રહેવા પ્રેરે છે. તમે રોજેરોજ ચીવટ રાખી, ધ્યાન આપી કાયમ ઝાપટઝૂપટ કરતા હો, પણ એકાદ-બે દિવસ પણ જો ચૂક્યા, પ્રમાદ કર્યો કે તરત જ ધૂળ બાઝી જવાની, બાજી બગડી જવાની. ધૂળ તમારી ધૂળ કાઢી નાખશે ! પછી તે દીવાનખાનું હોય, રસોડું હોય કે તમારું મન ! વર્ષોની મહેનત પર પાણી ફરી જવાનું ! હજી બે દી’ પહેલાં જ બધો કચરો કાઢી ઓરડા કે કપડાં વગેરે ચકચકિત સાફ કર્યા હોય તોય બે દી’માં ત્યાં ફરી કચરો દેખા દેશે. જે તમને ચેતવે છે. જીવનમાં આળસ ન કરવાનો, સદા જાગ્રત રહેવાનો અનેરો ઉપદેશ આપી જાય છે. તમે કોઈના હજાર સારા કામ કર્યા હશે, તેનો એકેય વાર ઉલ્લેખ તેણે ક્યારેય કોઈને નહીં કર્યો હોય, પણ ભૂલથી પણ તેનું એકાદ કામ ન કરી શકો કે થોડું પણ બગાડો એટલે ખેલ ખલાસ. તમારા અગાઉના તમામ સારા કામ, એ બધો ગુણ ભૂલીને છડેચોક તમને વગોવશે. સંબંધ તોડી મોઢું તોડી લેશે. તમારો ‘કચરો’ કરી નાખશે. માટે જીવનની ફિલસૂફી સમજાવતા આવા કચરાને નાકનું ટીચકું ચડાવી ધુત્કારવો એ પાપ છે.

ઘણા તો પોતાનું મોઢું જાણે ‘કચરાનો ડબ્બો’ હોય એમ મોઢામાં ભેળસેળિયો ખોરાક કે ફાકી-ગુટકા-મસાલા વગેરે ઓરતા રહે છે ને પછી પાછા એ વધુ મેલા થયેલા કચરાનો બેશરમીથી જાહેર સ્થળોએ નિકાલ કરી, એને થૂંકી માનવજાત ને પર્યાવરણને વધુ પ્રદૂષિત કરે છે. માણસો અને ઝેરી વાયુ ઓકતા કારખાના પોતાનો કચરો નદી-સાગરમાં ઠાલવી એને અપવિત્ર કરે છે, વિનાશ આદરે છે ને છતાં એને ‘વિકાસ કર્યો’ કે ‘પવિત્ર થઈ ગયા’ એવું માને-મનાવે છે ! કચરાની દુર્ગંધ દ્વારા કચરો આવા લોકોને (નાક હોય તો) સાચી વાત સમજાવે છે. પગ પર હાથે કરીને કૂહાડી ચલાવી પોતાનું જ અહિત ન કરવાની સકારાત્મક શીખ આપે છે. એટલે જીવતરનો મેલ સતત કાઢતા રહેવાના પ્રયાસ મેલવા નહીં એવું સમજાવતા કચરાજીને શત શત વંદન.

કચરા ઉપર લેખ લખવાની વાત સાંભળી મારે ત્યાં કામ કરવા આવતા કચરાભાઈ હરખાયા. ‘ભગવાન તમને સો વરસના કરે. ચાલો કો’ક દી’ અમારો તો વારો આવ્યો. કોઈએ તો અમારો ભાવ પૂછ્યો. બાકી મોટેભાગે તો બધા તોરમાં એમ જ કહે છે કે, ‘એય કચરા, જલદી કચરો કાઢ.’ એમાં કંઈક સારું સારું લખજો. અમે કાંઈ નકામા ને ઊતરતા છીએ ? જોજો હોં. લોકોની વાતોમાં આવીને લખવાનું પડતું ન મૂક્તા.’ મેં કહ્યું, ‘ચિંતા ન કરો કચરાભાઈ, મેં હવે જ્યારે જીભ ‘કચરી’ જ છે ત્યારે ‘કચરો’ આવ્યે જ છૂટકો. લ્યો આ કચોરી ખાવ. કરચોરી કે દિલચોરી આપણા સ્વભાવમાં જ નહીં ને ?’ કચરો કાંઈ ખરાબ નથી. તે આપણને ચોખ્ખાઈની કિંમત સમજાવી ખાઈમાં પડતા બચાવે છે. કચરો બહાર જાય છે ને આમ તે આપણને શુદ્ધતાનું મૂલ્ય સમજાવી જાય છે. ભિખારી જ્યાં ને ત્યાં કચરો ફેંદતો હોય ત્યારે એને કચરામાંથી સોનું કે ઉપયોગી વસ્તુઓ મળે એવા અનેક કિસ્સા જોવા મળે છે. ને એક રીતે જોતાં કચરો એ સોનું જ છે ને ? કાચું સોનું. કચરાનું ખાતર બને છે (એ કાંઈ ખાતર ઉપર દીવો નથી.) એમાંથી ધનધાન્ય ઊપજે છે. એ આપણે આરોગીએ છીએ… ને ફરી કચરો ! ધન્ય છે આ ધાન્યગર્ભ કચરાને.

કચરો કાઢનારને સાચવવોય પડે. જો તમે એના વખાણ કરશો તો એ તમારા ઘર આગળથી કચરો ઉપાડી સામેના ઘર બાજુ ઢગલો કરશે. ને જો તમે એની બરાબરની ‘વાટી’ કે સામેવાળાએ એને બે વસ્તુ વધુ સારી, ખાવા કે પહેરવા-ઓઢવા આપી એટલે કચરો પાછો..! ઘણા પડોશીઓ એવા કે કોઈ જોઈ જાય એ ડરથી દિવસે કચરો નહીં નાખે, પણ રાતે છાનામાના….! ને પછી સવારે અજાણ્યા થાશે, ‘લે આ સવારમાં કોણ કચરો ફેંકી ગ્યું ? હમણાં કચરો બરાબર ઊપડતો નથી.’ (ક્યાંથી ઊપડે ? તમે જે ઉપાડો લીધો છે તે !) ‘સાંકડી શેરીમાં મને સસરાજી મળ્યા…’ એમ નહીં પણ ‘કચરાજી મળ્યા’ એમ ગાવું પડે. ઘણા તો પોતે કેવા માલદાર છે, પોતાની પાસે કેટલું બધું છે એ બતાવવા જાણીજોઈને પાડોશીની હાજરીમાં નિતનવો કચરો ઠાલવે ને પછી વટ મારે, ‘એમને જેવુંતેવું ફાવે જ નહીં. ને એક વખત વાપરી લીધું એટલે ગમે તેટલું ઊંચા માઈલું હોય, પણ સીધું ઘરની બહાર.’ ‘ગાય…ગાય… આ મોંઘી દસ કિલો કેસર કરીના છાલ-ગોટલા ખાવા આવ…’ ને પછી કહેશે, ‘આ ગાય પણ ભારે અકોણી. કાજુ-બદામ વગેરે મોંઘાદાટ મસાલા નાખીને બનાવેલો થોડા’દી પહેલાંનો હલવો ગઈકાલે સૂંઘ્યો પણ નહીં, લે બોલ !’

‘કચરા’ શબ્દ પર કહેવતો અમથી નથી લખાઈ. કોઈનું નીચાજોણું થાય તો લોકો કહે જ છે ને કે, ‘આનો કચરો કરી નાખ્યો કે થઈ ગયો.’ કોઈ બીજાનું ખરાબ બોલે તો ‘એની આંખમાં કચરો પડ્યો છે.’ એમ કહેવાય છે. નકલી કે હલકી વસ્તુ લાવો એટલે ટકોર થવાની જ કે, ‘આ શું કચરો ઉપાડી લાવ્યા ?’ આમ સાહિત્યજગતમાં પણ કચરાનું અદકું સ્થાન છે. (ઘરમાં તો છે જ.) એની અવગણના થઈ શકે એમ છે જ નહીં. કચરાનું સાવું નોંધપાત્ર પ્રદાન છતાં હજી કોઈ એને નઠારો ગણે તો તેની એક વધુ સિદ્ધિ નોંધી લ્યો. સારામાંથી તો ઘણા પ્રેરણા મેળવે, પણ નઠારામાંથી પણ સારું જોઈ રચનાત્મક પ્રેરણા મળે એવી વસ્તુઓ બહુ જૂજ છે, ને તે વિરલ યાદીમાં છે આ કચરો. હવે તો એને વખાણશો ને ? દિવાળી અને નવલા વર્ષે માણસ છૂપા બાતમીદારની જેમ શોધીશોધીને કચરો પકડી પાડે છે ને છૂપાયેલો કચરો કાઢી બધું ચોખ્ખું કરે છે એની પાછળ પણ આવા જ કંઈક કારણો છૂપાયેલા છે ને ? ટૂંકમાં આ સચરાચર (કચરાચર !) વિશ્વમાં કચરો તો વસ્તુની (ભંગારની) ક્ષણભંગૂરતાની સમજ આપી, ‘આ બધું કચરો છે’ એમ સ્પષ્ટ કરી માયામોહમાં ન લપેટાવાની તમને અમૂલ્ય તક પૂરી પાડે છે. હવે તમારે એને ઝડપવી કે નહીં એ તમારા પર છોડું છું. મારો આ લેખ લખાવા આવ્યો એટલે હું પેલા મને પડકારનારા મિત્ર પરેશને ઘેર વટ બતાવવા તેમ જ તેનો આભાર માનવા ગયો, પણ તે ક્યાંય ન દેખાયો. મેં પૂછ્યું તો એની પત્ની કહે, ‘આજે તો એનો ભેટો તમને નહીં થાય. એ ઉપર માળિયે ચડ્યા છે ને કચરો કાઢે છે….!’

[poll id=”11″]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous રીડગુજરાતીના વાચકોને પત્ર – તંત્રી
વાચકોને પત્ર (ભાગ-2) – તંત્રી Next »   

13 પ્રતિભાવો : કચરો – દુર્ગેશ ઓઝા

 1. chirag bhatt says:

  very great artical ,
  kharekhar vicharva ane samjva jevi vat 6e

 2. gita kansara says:

  મને લેખ ગમ્યો.

 3. devang says:

  excelent comedy with newest sub “kachro”

 4. dev says:

  kachro saro che

 5. narendra shah says:

  Unusual suject. Well written.

 6. nirav valera says:

  વાહ ફ્રેશ થયી જવાય એવિ બહુજ સરસ રજુઆત કરી છે.

 7. durgesh oza says:

  મારો હાસ્યલેખ ‘કચરો’ ગમ્યો ને તે ‘કચરો’ રોચક થઇ અહીં સોનાની જેમ મુકાયો એ બદલ આપ સૌનો તેમ જ શ્રી મૃગેશભાઈનો આભાર.સૌને દિવાળીની શુભકામનાઓ,-દુર્ગેશ

 8. Kalidas V. Patel { Vagosana } says:

  સરસ હાસ્યલેખ. અભિનંદન.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 9. rita kamdar says:

  અત્યુત્તમ લેખ અને ‘રોચક કચરો સફર’.સાહિત્યનો સૌથી કઠિન પ્રકાર -હાસ્ય સાહિત્ય અને તેમાંયે સૌથી અલગ અને અનોખો વિષય .

  અંતરના અભિનંદન .હાર્દિક આભાર અને ફરી આવા જ ઉમદા વિષય અને લેખની રજૂઆત કરશો તેવી અપેક્ષા .

 10. ખુબ જ સરસ લેખ લખ્યો છે.

 11. RAJESH MEHTA -SYNDICATE BANK MOTIKHAVDI says:

  પ્રથમ વખત વેબ્ સાઈત્ત્ ઉપર્ લેખ વાચ્યો . ખુબ ખુબ અભિનન્દન્

 12. તદ્દન અલગ અને અઘરા વિષય પર ઉત્તમ હાસ્ય લેખ વાંચીને આનંદ થયો.

 13. ashvin desai says:

  ભ્હૈ દુર્ગેશ્નિ નિરિક્ષન શક્તિ બારિક ચ્હે
  શૈલિ સરલ , સોસરવિ , ધારદાર અને હલવિ ચ્હતા જદબેસલાક ચ્હે
  એઓ ધારેલો વ્યન્ગ સફલતાપુર્વક કરિ શકે ચ્હે . ધન્યવાદ

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.