ચાંદની રાત – કાકા કાલેલકર

[‘કાલેલકરના લલિત નિબંધો’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]મા[/dc]ણસ ખૂબ દૂર સુધી જોઈ ન શકે એટલા માટે ઈશ્વરે ચાંદની રાત પેદા કરી છે. અંધારી રાતે આપણે આકાશમાંના અસંખ્ય તારાઓ એટલે કે અસંખ્ય વિશ્વો જોઈ શકીએ છીએ. વનવગડામાં ચાલતા હોઈએ ત્યારે જો આપણે નીચે બેસીએ અને આપણી નજર સામે આકાશનો પડદો લાવીએ, તો આપણાથી બહુ દૂર અંતરે કોઈ જતું હોય તોપણ તેનું કાળું છાયાચિત્ર આકાશના પડદા પર ઊઠી આવીને દેખાય છે. ચોરો અને તેમને પકડી પાડનારા ગામના ચોકીદારો આ યુક્તિનો જ ઉપયોગ કરે છે, તેથી ઘણી વાર અઠંગ ચોરને અંધારામાં દોડવું જોખમકારક લાગે છે અને તેને સૂઈ રહેવું પડે છે.

પણ ચાંદની રાત હોય છે ત્યારે ચોર સારી પેઠે ફાવી જાય છે. ચાંદની રાતે એક દિશામાં થોડુંક દોડવું અને નજર બહાર ગયા કે તરત દિશા બદલીને પોબારા ગણવા. આ યુક્તિ અજમાવાય તો પકડનારનું કશું ચાલતું નથી. સૂર્યપ્રકાશને જો સત્ય કહીએ તો ચાંદનીને કાવ્ય કહેવું જોઈએ. પુરસ્કાર (આગળ કરવું) અને તિરસ્કાર (ઢાંકવું અને સંતાડવું) એ કલાનો આત્મા છે. કેટલીક ઈષ્ટ વસ્તુઓને નજર સામે લાવવી અને જે વસ્તુઓની જરૂર નથી એવીને નજર બહાર કરવી, એમાં જ કળાની ખૂબી છે. કળાધર ચંદ્રને આ ખૂબી બહુ સારી રીતે આવડી ગઈ છે. ‘આકાશમાં તારા કેટલા’, એમ જો આપણે અમાસને પૂછીએ તો તરત કોઈ કૅમેરાની માફક તે આકાશનો સાચો ફોટો જ આપણી આગળ પાથરી દેશે. ચાંદનીનું તેવું નથી. ચાંદનીની કલા જેમજેમ વધે છે તેમતેમ ખાસ ચુનંદા તારા જ તે આપણી આગળ ધરે છે.

પગપાળા પ્રવાસ કરતાં ચાંદનીનો એક ખાસ લાભ મારા જોવામાં આવ્યો. સવારે કે સાંજે રસ્તે ચાલતા હોઈએ ત્યારે પગ નીચેની ધૂળ ઉપર ઊડે છે અને તેથી રસ્તાની શોભા મારી જાય છે; એ જ રસ્તા પર ચાંદનીમાં ચાલતાં સુંવાળી ધૂળને પગ વતી ખૂંદવાની મજા પડે છે. રાતને વખતે ધૂળ આમેય ભેજવાળી હોય છે, તેથી ઝાઝી ઊડતી નથી અને ઊડે તોયે ચાંદરણામાં તે દેખાતી નથી. ક્યારેક-ક્યારેક ધૂળના ઊડવાથી ચાંદરણું વધારે શોભી ઊઠે છે. કપૂર કે બરફના કકડાનો ભૂકો થતાં તેનું પારદર્શકપણું જેમ જતું રહે છે અને તે દૂધ જેવો સફેદ રંગ ધારણ કરે છે, તે જ પ્રમાણે ચાંદનીમાં ધૂળ ઊડે છે ત્યારે તેની પારદર્શકતા ઓછી થાય છે અને તે તદ્દન કર્પૂર-ગૌર થાય છે ! ગરીબને ત્યાં ભાતભાતના વેલબુટ્ટાના ભરતકામવાળા ગાલીચા ક્યાંથી હોય ? પણ ચાંદની રાતે ગરીબ-તવંગરનો ભેદ કર્યા વિના કુદરત ઝાડોની નીચે એના ગાલીચા પાથરી દે છે; અને ઝાડનાં પાંદડાં જ્યારે હાલવા માંડે છે ત્યારે જમીન પર પથરાયેલા ગાલીચા જીવતા થઈને વધારે જ શોભી નીકળે છે.

ચાંદની રાતે બગીચામાં કે ઉપવનમાં આસનો પાથરીને તેના પર પલાંઠી વાળીને વાર્તાલાપ કરનારા લોકોની મને હંમેશ દયા આવ્યા કરી છે. લોટ જેવું સફેદ ચાંદરણું પડ્યું હોય ત્યારે જેમના પગમાં ગતિનો સંચાર થયો નથી તેઓ ચોક્કસ કોઈ આધિ કે વ્યાધિથી ગ્રસ્ત થયેલા હોવા જોઈએ. હીનોપમાનો દોષ સ્વીકારીને પણ કહેવાનું મન થાય છે કે – પાપ જેમ આપણને થોડુંક આગળ જવાને લલચાવે છે અને એમ કરતાં કરતાં ધીમેધીમે દૂર સુધી લઈ જાય છે, તેવી જ રીતે ચાંદનીના આમંત્રણનું પણ હોય છે.

પોતાને મોહક લાગનારી કોઈ કલ્પના કવિઓ આખા સમાજમાં ક્યા અધિકારની રૂએ ફેલાવી શકે ? કવિ એટલે તરંગી માણસ; એમાંય વળી દરેકનો માર્ગ જુદો; એવા ગાંડાઓને નાદે કોણ જાય ? તેથી આપણા આર્ય કવિઓએ ધર્મનો આશરો લીધો અને ધર્માનુભવ ને ધર્મશ્રદ્ધાના તાણા પર પોતાની કલ્પનાઓનું કાપડ પોતાની મરજી મુજબ વણી લીધું. એક કવિએ કહ્યું કે વરસાદની આખરે ચાતુર્માસ્ય પૂરું થયું એમ જોઈને દેવો ઊઠ્યા, એકબીજાને જોઈને પ્રસન્ન થયા અને તેમણે આકાશમાં દિવ્ય સંગીત શરૂ કર્યું. દેવોને થયેલો આ આનંદ માણસો પણ માણે છે કે નહીં તે જોવા માટે પૂર્ણિમાનું સુમુહૂર્ત જોઈને આકાશલક્ષ્મી પૃથ્વી પર અવતરી અને ઘેરઘેર ફરીને, કોણ જાગે છે, કોણ જાગે છે, એમ પૂછીને તપાસ કરવા લાગી. એ ‘क़ो जागर्ति’ ની તપાસ પરથી જ તે કોજાગરી (માણેકઠારી) પૂનમ થઈ.

એક રસિક સંસ્કૃત કવિએ તો ચાંદરણાનું વર્ણન કરતાં કમાલ કરી દીધી છે. બિલાડીનાં ગાલમૂછ પર પ્રકાશ પડતાં એ દૂધ જ છે એમ માની બિલાડીએ તેને ફરીફરી ચાટવાનો સપાટો ચલાવ્યો ! कपोले मार्जारः पय इति करान लेढि शशिनः । કોજાગરી પૂનમને દિવસે આકાશ ધોવાઈ-લુછાઈને સાફ થયેલું હોય છે. ચંદ્ર વિશેષ પ્રસન્ન હોય છે અને ગાંડા મનને વધારે ઘેલું બનાવી દે છે. ચાંદની રાત એટલે કાવ્યમય ગાંડપણનો જ ઉત્સવ ! ડાહ્યા માણસોએ પસંદ કરેલું ગાંડપણ !! ‘પાગલામી’નો મુશળધાર વરસાદ !!!

[poll id=”12″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “ચાંદની રાત – કાકા કાલેલકર”

Copy Protected by Chetan's WP-Copyprotect.