સુસ્વાગતમ – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]સ્ટે[/dc]શન પર ઊતરી મેં ટાંગાવાળાને કહ્યું :
‘ટેકરીની સામેના વામનકૂવા પાસે લઈ લે !’
જુવાન ટાંગાવાળો મારું મોં જોતો રહ્યો, ‘બહેનજી, વામનકૂવો ક્યારેક સાંભળ્યો છે. ટેકરીની ખબર નથી.’
‘તું ચાલ ને, હું બતાવીશ.’
ખરેખર, ત્યાં પહોંચી, તો બધું બદલાઈ ગયું હતું. ટેકરીની જગ્યાએ ત્રણ માળનું મકાન બંધાઈ ગયેલું. કૂવો હજી હતો, પણ વપરાશમાં નહોતો. મારા ઘરની રોનક ઘણી બદલાઈ ગયેલી. પરંતુ ઘર મેં જરૂર ઓળખી કાઢ્યું. એ જ ઓસરી, જ્યાં હું ધૂળમાં આળોટતી અને મા ને દાદી બહુ ચિડાતાં, ક્યારેક થપ્પડ પણ મારી દેતાં. આજેય આળોટી લેવાનું એકદમ મન થઈ આવ્યું. જો કે આજે ધરતીની ધૂળનો સ્પર્શ થાય તેમ નહોતો. ઓસરીમાંયે લાદી જડાઈ ગયેલી.

પૂરાં 28 વરસે ફરી હું આ ઘરમાં પગ મૂકતી હતી. બાળકો, વહુઓ કોઈ મને ઓળખતું નહોતું. ‘કોઈ મહેમાન આવ્યાં છે’ – સાંભળી ભાઈ બહાર આવ્યો. ઘડી ભર એ પણ જોઈ રહ્યો. પણ પછી ‘મોટી બહેન !’ કહેતાં મને ભેટી પડ્યો. અમારી બંનેની આંખો આંસુથી છલકાઈ ગઈ. અંદર લઈ જઈ એણે મને હિંચકે બેસાડી. મારો હાથ હાથમાં લઈ પંપાળતાં-પંપાળતાં એ ફરી રડી પડ્યો. એ ભાઈએ જ આટલાં વરસ મારી સાથે પત્રથી સંપર્ક રાખેલો. પત્ર તો વરસે એકાદ આવતો, પણ આ ઘરની હલચલથી મને કાંઈક વાકેફ રાખતો. છેલ્લા પત્રમાં એણે મને લખ્યું, ‘મારી દીકરી દાક્તર થઈ. એના મનપસંદ એક પારસી યુવાન સાથે પરણવાની છે. ત્યારે તારી સાથેના વહેવાર યાદ આવે છે. ઘરડેરાંઓ જીવ્યાં ત્યાં સુધી તને બોલાવવાની હું હિંમત કરી શક્યો નહોતો. હવે ફક્ત એંસી વરસનાં કાકી જ રહ્યાં છે. આવા પ્રસંગે તારે જરૂર આવવાનું છે.’ – અને હું આવી.

28 વરસ પહેલાં આ ઘર મારે છોડી જવું પડ્યું હતું. બહુ નાની ઉંમરે પરણીને આ ઘર છોડેલું. પણ એકાદ વરસમાં તો વિધવા થઈને પાછી આવી ગઈ. મા અને દાદી બહુ જ રૂઢિચુસ્ત. વિધવાથી આ ન કરાય ને તે ન કરાય. વિધવાથી આ પહેરાય ને આ ન પહેરાય. વિધવાથી આમ હરાય-ફરાય ને આમ ન હરાય-ફરાય. હું એકદમ અકળાઈ ગઈ હતી. મેં આગળ ભણવાની વાત મૂકી, ત્યારે તો મા અને દાદી તૂટી જ પડ્યાં. છતાં દાદા વચ્ચે પડ્યા ને હું ભણી શકી. અમારું સંયુક્ત કુટુંબ. તેમાં કાકી મારા ઉપર ખૂબ પ્રેમ રાખતાં. આ ભાઈ પણ મારો કાકાનો દીકરો. ભણતાં-ભણતાં ભરત સાથે મારું દિલ મળી ગયું. અને મેં પરણવાનું નક્કી કર્યું. ઘરમાં હાહાકાર મચી ગયો. મા અને દાદીએ તો કકળાટ કરી મૂક્યો, ‘અમે નહોતા કહેતા કે વિધવાને બહાર પગ ન મૂકવા દેવાય. લ્યો હવે, લાગ્યું ને કુળને કલંક !’

એક તો વિધવા-વિવાહ અને તેય આંતરજ્ઞાતીય. એ ઘૂંટડો ગળવા ઘર તૈયાર નહોતું. કાકીનોયે આમાં તો વિરોધ જ હતો. અને મારે ઘર છોડવું પડ્યું. માએ કહી દીધેલું, ‘અમે તને મરી ગયેલી જ માનીએ છીએ.’ અને ખરે જ એમણે એમ જ માની લીધું. મારે આ ઘરમાં પગ મૂકવાપણું નહોતું રહ્યું. ભાઈએ 28 વરસે ફરી મને આ ઘરમાં આણી, જ્યાં હું ઘૂંટણિયાં ભરીને મોટી થયેલી.

‘કલકત્તાનાં ફોઈ આવ્યાં છે’ – ની વાત ઘરમાં બધે પ્રસરી ગઈ એટલે મને દીઠે નહીં ઓળખતાં એવાં બધાં પણ મને વીંટળાઈ વળ્યાં. તેમાંની એક છોકરી આવી મને પગે પડી. ભાઈએ કહ્યું : ‘આ સુકન્યા, જેનું લગ્ન થવાનું છે.’ મેં વહાલથી એનું માથું ચૂમ્યું. એ મને વળગી પડતાં બોલી :
‘ફોઈબા, પપ્પાએ અમને તમારી ઘણી વાતો કરી છે. તમે એ જમાનામાં નવો ચીલો પાડ્યો, તેનું અમને બહુ ગૌરવ છે.’
ત્યાં ઊભેલાં ભાભી બોલ્યાં : ‘તમે આંતરજ્ઞાતીય પગલું ભર્યું તો આજે આંતરજાતીય સુધી પણ પહોંચી શકાય છે.’
તેવામાં અંદરથી કાકીનો અવાજ આવ્યો : ‘અરે, મારી દીકરીને અંદર તો આવવા દો !’ હું એકદમ ઊછળીને અંદર ગઈ. કાકી પથારીવશ હતાં. હું નાના બાળકની જેમ દોડી અને એમની બાથમાં સમાઈ ગઈ. કાકીએ મને છાતી સાથે જડી લીધી. કેટલીયે વાર સુધી અમે બંને કાંઈ બોલી શક્યાં નહીં. બંનેની આંખોથી અખંડ અશ્રુધાર વહી રહી.

પછી થોડાં સ્વસ્થ થઈ કાકીએ મને પાસે બેસાડી મારા વિશે, મારા ઘર, બાળકો વિશે પૂછી-પૂછીને બધું જાણ્યું. બોલ્યાં : ‘દીકરી, તું તો પંખીની જેમ ઊડી ગઈ. અમે તડપતાં રહ્યાં.’
‘કાકી, તમે હજી મને માફ નથી કરી ?’
‘દીકરી, માફ તો તારે અમને કરવાનાં છે. અમે તને બહુ દુઃખ દીધું.’ અને પછી વહુને કહે, ‘મીઠાઈ તો લાવો ! લગ્નનું ઘર છે. મારે હાથે મારી દીકરીનું મોં મીઠું કરું.’

(શ્રી ઊર્મિ કૃષ્ણની હિંદી વાર્તાને આધારે)

[poll id=”13″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “સુસ્વાગતમ – હરિશ્ચંદ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.