બાળપણની સરળતા – અવંતિકા ગુણવંત

[‘અભરે ભરી જિંદગી’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]સ[/dc]લિલ અને કુનાલ બે ભાઈઓ છેલ્લાં થોડાં વરસોથી એકબીજા સાથે બોલતા ન હતા. બેઉ વકીલ હતા. બેઉ એકબીજાથી સ્વતંત્ર પ્રૅક્ટિસ કરતા હતા. એક ફોજદારી કેસ લેતો હતો. બીજો દીવાની. આમ, એકબીજાને સામસામા આવી જવાના સંયોગ ઊભા થતા નહીં પણ એક વાર એક કેસનો આરોપી બેઉ પ્રકારના કેસમાં સંડોવાયેલો અને એ કેસમાં બેઉ ભાઈઓ આમનેસામને આવી ગયા.

બેઉ વચ્ચે અણબનાવ થઈ ગયો. કારણ કે એકની હાર બીજાની જીત બની. બસ, ત્યારથી બેઉ વચ્ચે અબોલા થઈ ગયા. સમય જતો ગયો એમ અબોલા દુશ્મનાવટમાં પલટાઈ ગયા. સગાંવહાલાં, સ્નેહી સર્વ જાણી ગયાં કે બેઉ એકબીજાને દુશ્મન માને છે. પછી તો કોઈ પ્રસંગ હોય ને બેઉ ભાઈઓને આમંત્રણ મળ્યાં હોય, બેઉ હાજર રહ્યા હોય તો એ બે ભાઈઓ પર લોકોની નજર હોય ! એમના હાવભાવ, વાણી, વર્તન – સૌ કુતૂહલથી જોયા કરે. લોકોના માટે એ એક તમાશો થઈ જાય !

સલિલ ને કુનાલની મમ્મી કેતકીબહેન દીકરાઓના આ અબોલાથી દુઃખી થાય પણ શું કરે ? દીકરાઓ બુદ્ધિશાળી હતા. તેઓ સ્વબળે આગળ વધ્યા હતા. બેઉએ આપકમાઈમાંથી વિશાળ બંગલા બાંધ્યા હતા. સંપત્તિ અને પ્રતિષ્ઠા એકઠી કરી હતી. એમની સ્વતંત્ર ઓળખ હતી. ક્યાંય એમને માની જરૂર ન હતી. માને પૂછવા જવું પડે એવું ન હતું. પોતાની તાકાત પર તેઓ મુસ્તાક હતા. કેતકીબહેન દીકરાઓના માનસથી વાકેફ હતાં. તેઓ જાણતાં હતાં કે આધુનિક જમાનાના સંતાનોને માબાપની ગરજ હોય ત્યાં સુધી જ માબાપનું કહ્યું માને પણ એક વાર પાંખોમાં જોમ આવ્યું ને મુક્ત ગગનમાં વિહરતા થયાં પછી તેઓ પાછું વાળીને જોતાં નથી. એમની દુનિયામાં માબાપનું સ્થાન ગૌણ બની જાય છે. માટે માબાપે પોતાનું માન જાળવવું હોય તો સંતાનોના માર્ગમાંથી એક બાજુ હટી જવું ને ચૂપ રહેવું. શાણા માવતર પોતાની મર્યાદા સમજી જાય છે.

આથી કેતકીબહેને એકાદ વાર દીકરાઓને મનમેળ કરાવવા પ્રયત્ન કર્યો, કહ્યું : ‘તમારે ગમે તેટલી દુશ્મનાવટ હોય તોય એ બાહ્ય કારણોસર થઈ છે. એ કારણ આજે મોટું દેખાય છે પણ જિંદગી આખીના સંદર્ભમાં જુઓ તો એ કારણ ખંખેરી નાખવા જેવું લાગશે. ભાઈ ભાઈનો પ્રેમ ચિરકાળનો છે. એક માના પેટે જન્મેલા. એક જ ઘરમાં સાથે ઊછર્યા છો. એક પિતાની આંગળી ઝાલીને ઘરની બહાર નીકળ્યા છો. તમે બધું સમાનપણે પામ્યા છો તો આ વિસંવાદ શું કામ ? ભૂલી જાઓ મતભેદ ને એક થઈ જાઓ.’ પણ બેઉ દીકરાઓએ માની વાત માની નહીં, ‘તને કંઈ સમજ ન પડે’ કહીને માને ચૂપ કરી દીધી. કેતકીબહેન મનમાં દુભાય છે, મૂંઝાય છે, પીડાય છે પણ મનની વેદના મનમાં ભંડારી રાખે છે. એના લીધે એમનું શરીર લથડવા માંડ્યું. અવારનવાર છાતીમાં દુઃખાવો ઊપડે, દિવસો સુધી માથું દુઃખે, ચક્કર આવે પણ ખેંચે રાખે. પતિ અનિલભાઈ પાસેય આ વાત છેડે નહીં. એમની પાસે તો એ ભૂલેચૂકેય દીકરાઓનાં નામ લે નહીં. સમય પસાર થતો જાય છે, દીકરાઓ માબાપનેય ખાસ મળવા નથી આવતા, જાણે સગાઈનું સગપણ જતું રહ્યું છે. અનિલભાઈ અને કેતકીબહેનને જીવનમાંથી રસ ઊડી ગયો, પરંતુ જીવ્યા વગર ઓછું ચાલે છે ?

એક દિવસ અનિલભાઈ એમની દુકાને ગયા હતા, ને કેતકીબહેનને છાતીમાં દુઃખાવો ઊપડ્યો. બાજુમાં રહેતા સુધાબહેને તાત્કાલિક અનિલભાઈને ખબર આપી ને ડૉક્ટર બોલાવ્યા. ડૉક્ટરે દવાખાનામાં દાખલ કરવાની સલાહ આપી. કેતકીબહેનને દવાખાનામાં ખસેડ્યાં. બેઉ દીકરાઓને ખબર આપી. તેઓ દોડતા આવ્યા. એક દીકરો ડાબી બાજુ બેઠો. બીજો જમણી બાજુ. બેઉ માને પંપાળે છે. અનિલભાઈ સાથે માની તબિયત વિશે વાત કરે છે પણ બેઉ એકબીજા સાથે બોલતા નથી. કેતકીબહેન લગભગ બેભાનાવસ્થામાં હતાં. તેમને ભાન આવ્યું ને બેઉ દીકરાઓને પોતાની પાસે બેઠેલા જોઈને ખુશીની લહેર હૃદય-મનમાં પ્રસરી ગઈ. એમને થયું મારી નાદુરસ્ત તબિયતે બેઉ ભાઈઓને બોલતા કર્યા.
આશાભર્યા સૂરે એમણે પૂછ્યું : ‘બેઉને રાગ થઈ ગયો ?’
દીકરાઓ ચૂપ રહ્યા. બોલ્યા નહીં. કેતકીબહેને પ્રશ્નાર્થ દષ્ટિથી પતિ સામે જોયું. પતિ જાણતા હતા કે જો સાચી વાત કહીશ તો કેતકીને દુઃખ થશે, પણ તે પત્ની આગળ જૂઠું બોલી ન શક્યા, પત્નીને છેતરી ન શક્યા. એમણે નિરાશામાં ડોકું ધુણાવીને ‘ના’ કહી.

કેતકીબહેનનું હૈયું જાણે બેસતું ગયું. ઉદ્વિગ્ન અવાજે બોલી ઊઠ્યાં, ‘શું થયું છે તમને…. મારે ક્યાં સુધી રાહ જોવાની ?’ આટલું બોલતાંય શ્રમ પડ્યો હોય એમ તેમણે આંખો મીંચી દીધી. અનિલભાઈને ધ્રાસકો પડ્યો કે પત્ની હૃદયમાં બળાપો લઈને જ મરી જશે કે શું ? દીકરાઓના હૃદય પીગળશે નહીં. એમની માની ઈચ્છા પૂરી નહીં થાય. દરેક માબાપની અંતરતમની એક ઈચ્છા હોય છે કે એમનાં સંતાનો સંપથી એક થઈને રહે. શું અમારી આ ઈચ્છા વણસંતોષાયેલી રહેશે ? એમણે વ્યાકુળ હૈયે દીકરાઓ સામે જોયું. એમની આંખમાં ઠપકો હતો. થોડી વાર થઈને કેતકીબહેને આંખો ખોલી. દીકરાઓ સામે જોયું.
સલિલ બોલ્યો : ‘તને જો એવી રીતે સુખ મળતું હોય તો હું બોલું.’
કુનાલ બોલ્યો : ‘તારા ખાતર હું બોલું.’
કેતકીબહેન ચિડાઈ ગયાં, બોલ્યાં : ‘મારા ખાતર કે મારી પર દયા કરીને બોલવાની જરૂર નથી. તમે બેઉ ભાઈઓ છો. તમારે તમારા ખાતર બોલવાનું છે. સાથે હશો તો તમારી તાકાત વધશે.’ આટલું બોલતાં બોલતાં એમને ખૂબ કષ્ટ પડ્યું. એકદમ શ્વાસ ઊપડ્યો. અનિલભાઈએ બૂમ મારી. નર્સ દોડતી આવી. પાછળ ડૉક્ટર આવ્યા. છાતીમાં બે ઈન્જેક્શન મારી દીધાં. નર્સે બધાને બહાર કાઢ્યા. એણે અનિલભાઈને કહ્યું : ‘પેશન્ટ ડિસ્ટર્બ થાય એવું ન થવું જોઈએ, નહીં તો પછી અમને દોષ ન આપશો.’ દીકરાઓને હવે જ્ઞાન થયું કે મા જઈ રહી છે, કાયમ માટે. આ ઘડી વીતી જશે ને બધું મનમાં જ રહી જશે. માને સંતોષ આપવાની તક ફરીથી નહીં મળે. મા જશે પછી અમને કોણ સુલેહ કરવાનું કહેશે ?

બેઉ જણને બાળપણ યાદ આવી ગયું. નાના હતા ત્યારેય તેઓ લડતા હતા. મારામારી કરતા હતા. એકબીજાની વસ્તુઓ લઈને તોડીફોડીને ફેંકી દેતા હતા, પણ એ બધું થોડી ક્ષણો માટે. એમની ઘાંટાઘાંટ સાંભળીને મા દોડી આવતી ને બેઉને વઢતી, સમજાવતી ને બેઉ એકબીજાને ‘સૉરી’ કહીને પાછા એક થઈને રમવા માંડતા. કોણે કોને માર્યું કે કોણે કોની વસ્તુ તોડી એ ભૂલી જતા. તો હવે કેમ તેઓ ભેગા થઈ નથી શક્તા ? ક્યાં ગઈ એ સરળતા ? ક્યાં ગયું એ કહ્યાગરાપણું ? ત્યારે તો મા જે કહેતી એ બેઉને સાચું લાગતું ને એના કહ્યા મુજબ વર્તતા, ને ખુશ રહેતા. તો અત્યારે કેમ માની વાત સાચી નથી લાગતી ? અબોલા થયા ત્યારથી મા દુઃખી છે. એ વાત બેઉ જાણે છે પણ માના દુઃખથી કેમ તેઓ દુઃખી નથી થતા ? તેઓ કેમ આવા લાગણીશૂન્ય અને ઘમંડી થઈ ગયા છે ? હવે મા પર પ્રેમ નથી ? માની એમને જરૂર નથી ? બેઉના હૃદયમાં આવા વિચારો આવે છે ને પસ્તાવાનો પાર નથી રહેતો. બેઉએ એકબીજાની સામે જોયું. આંખો આંસુથી ભરાઈ ગઈ. બેઉના મોં પર લાગણી હતી. એકે હાથ લંબાવ્યો, બીજાએ પકડી લીધો. અનિલભાઈએ આ જોયું ને એમને અપરંપાર શાંતિ થઈ. મનોમન બોલ્યા, ‘કેતકી, તું ઝટ સાજી થઈ જા. તારા દીકરાઓ હવે એક થયા છે.’

કલાકો પછી ડૉક્ટરે જ્યારે કેતકીબહેનના રૂમમાં જવાની છૂટ આપી ત્યારે બેઉ ભાઈઓ હાથ પકડીને સાથે ગયા. કેતકીએ આ જોયું ને એ જોતી જ રહી. એના હૃદયમાં આનંદ આનંદ થઈ ગયો. હાશ, દીકરાઓ વચ્ચે હવે કોઈ વૈમનસ્ય નથી. એના મનને નિરાંત થઈ. ઈશ્વરનો આભાર માન્યો.

[poll id=”14″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “બાળપણની સરળતા – અવંતિકા ગુણવંત”

Copy Protected by Chetan's WP-Copyprotect.