બે પ્રેરકપ્રસંગો – સંકલિત

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]

[1] સાચી શાંતિ ! – મનુભાઈ વ્યાસ

જ્યારે હું અમારી જ્ઞાતિની બોર્ડિંગમાં રહી કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતો હતો ત્યારે આ ભૂલી ભૂલાય નહીં એવી એક ઘટના મારા જીવનમાં બની હતી. મારી સાથે મારા જ વર્ગમાં મારા ગામનો જ એક ગરીબ કુટુંબનો છોકરો રમેશ ભણતો હતો. તેને પણ બી.એસ.સી.ની પરીક્ષા આ જ વર્ષમાં આપવાની હતી. મેં તો પરીક્ષાનું ફોર્મ પણ એક દિવસ વહેલા ભરી દીધું હતું. હવે ફોર્મ ભરવાનો છેલ્લો એક જ દિવસ બાકી રહ્યો હતો. પરંતુ તે ભાઈ પરીક્ષા ફોર્મની ફી ભરવાની કંઈ પણ સગવડ થઈ ન હોવાથી નિરાશ થઈને બેઠા હતા.

તેના જીવનની નૌકા ઘોર નિરાશાની વમળમાં ફસાઈ ગઈ હતી. આશાનું એક પણ કિરણ તેને દેખાતું ન હતું. આ ઘોર કળિકાળમાં લક્ષ્મી દેવી પ્રસન્ન થાય અને વરદાન રૂપે રૂપિયા મળે તો જ પરીક્ષા ફોર્મની ફી ભરી શકાય તેવી સ્થિતિ હતી. તે ભાઈની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી. જો આ વર્ષે તે ભાઈ પરીક્ષામાં બેસી ન શકે તો એના જીવનની કારકિર્દી ખતમ થાય તેમ હતી. તેને માટે કોઈ પણ સંજોગોમાં પરીક્ષામાં બેસવું અનિવાર્ય હતું. તેણે મને આ હકીકતની દિલખોલી વાત કરી અને શક્ય હોય તો ફીની રકમ ભરવા મદદ કરવા વિનંતી કરી.

હા, ખરેખર તો માનવતા માટેનો આ સાદ હતો. મારી પાસે પણ આટલી રકમ તો હતી નહીં કે જેથી તેને મદદ કરી શકું. હું પણ મારા પિતાશ્રી રૂપિયા આપે તો જ આગળ ભણી શકું તેમ હતું. તેથી હું ભારે મૂંઝવણમાં મૂકાયો. મને પણ કોઈ ઉપાય સૂઝતો ન હતો. રાતોરાત કોઈ ચમત્કાર થાય તો જ આટલી રકમ મળી શકે. તે ભાઈ મારા જ ગામનો હતો. તેથી હું તેની આર્થિક અને કૌટુંબિક પરિસ્થિતિથી સંપૂર્ણપણે વાકેફ હતો. તેના પિતા તે પાંચેક વર્ષનો હતો ત્યારે જ ગુજરી ગયા હતા. તેની માએ કારમી ગરીબીમાં પારકાં કામ કરીને આટલે સુધી ભણાવ્યો હતો. એ આશાએ કે દીકરો ભણીગણીને સારી નોકરી પર ચડીને સારા દિવસો જોવા મળે. પરીક્ષાની ફીની વ્યવસ્થા તેની મા કરી શકી ન હતી. તેથી તે આવી કફોડી સ્થિતિમાં મૂકાઈ ગયો હતો. તેણે આખું વર્ષ ખૂબ મહેનત કરી પરીક્ષાની તૈયારી કરી હતી. હવે કાંઠે આવેલ ડૂબતા વહાણને એક ભગવાન સિવાય કોઈ બચાવી શકે તેમ ન હતું.

રમેશને ફી ભરવાનો આવતીકાલનો એક છેલ્લો દિવસ બાકી રહ્યો હતો. મેં તુરત જ મારા વતન ઘેર જવાનો નિર્ણય કરી લીધો. વહેલામાં વહેલી જે બસ મળી તેમાં બેસી ઘેર પહોંચી ગયો. પિતાશ્રી પાસેથી પૈસા, માગવાની મારી હિંમત નહતી. સીધો મોટીબા પાસે પહોંચી તેમના પગમાં પડી ગયો. આંખમાં આંસુ લાવી કહ્યું, ‘મોટીબા, મારા પિતાશ્રીએ પરીક્ષા ફી ભરવા માટે જે રૂપિયા મોકલ્યા હતા તે મારાથી ખોવાઈ ગયા છે. જો હવે મને રૂપિયા નહીં આપો તો હું પરીક્ષામાં બેસી શકીશ નહીં અને મારા પિતાશ્રીને જાણ થશે તો તેઓ ખૂબ જ ગુસ્સે થશે અને મને આગળ ભણવા નહીં દે.’ મારી વિનંતીની અસર મોટીબા પર થઈ. તેમણે મને ઘરમાં કોઈ ન જાણે તે રીતે સો રૂપિયા આપ્યા. ત્યારે જ મારા હૃદયને શાંતિ થઈ. બીજે દિવસે રમેશે તેની પરીક્ષાનું ફોર્મ ભરી દીધું !
.

[2] જાનનું ગૌરવ એ બે યુવાનો – કલ્પના ન. બુચ

તાજેતરમાં એક જાનમાં અમે સહુ પચાસ જેટલા જાનૈયાઓ વેરાવળ સોમનાથ ગયાં હતાં. જાનનો બે દિવસ અને બે રાત મુકામ હતો. લગ્ન આટોપી જાન પરત જઈ રહી હતી. હજુ 20-25 કિ.મી. જ કાપ્યું હશે ત્યાં વેવાઈનો ફોન આવ્યો કે ઉતારો વ્યવસ્થિત કરવા મારા સહકાર્યકરોની ટુકડી સ્થળ ઉપર ગઈ તો જાણે જાન હજુ આવવાની બાકી જ હોય તેવી સ્વચ્છતા, સુઘડતા અને વ્યવસ્થા નજરે પડી !

અમારા સહુ માટે પણ આ આશ્ચર્ય હતું. અને આનંદ તો ખરો જ ખરો. આ બધું સાફસૂથરું કરનાર જાનમાં આવેલા જામનગર નિવાસી અમારા પિતરાઈ ભાઈઓ હતા. તમામ જાનૈયાઓ ઉતારામાંની જાનની બસમાં ગોઠવાઈ રહ્યા હતા ત્યારે આ બે યુવાન બંધુઓ ગાદલાં, ઓશિકાં, ચાદરની અલગ અલગ થપ્પી કરી, રૂમમાં એન પ્રાંગણમાં ઠેર ઠેર પડેલા પ્લાસ્ટિકના પ્યાલા કોથળામાં ભર્યા, જાનૈયાઓએ ઉપયોગમાં લીધેલાં બાથરૂમ-સંડાસ સાબુસોડાથી સાફ કર્યાં અને છેલ્લે અમારા માટે મૂકેલાં ટૂથપેસ્ટ, સાબુ, તેલની બોટલ તથા મીણબત્તી જેવી અધૂરી વપરાયેલી અથવા નહીં વપરાયેલી સામગ્રીને સુંદર રીતે ગોઠવી એક નોંધ વેવાઈના નામે લખી : ‘Thank you for five star Hospitality and Warmth’ (સરસ અને હૂંફાળી સરભરા માટે આભાર.)

શેરી જાહેરરસ્તા સહિત ચોમેર અસ્વચ્છતા જ નજરે પડી રહી છે ત્યારે આવી ચેષ્ટા ખરેખર અનુસરણીય અને અનુકરણીય છે.

[poll id=”15″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “બે પ્રેરકપ્રસંગો – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.