એક અદકેરું તર્પણ – જયદેવ માંકડ

[ મોરારિબાપુનાં સાંનિધ્યમાં કૈલાસ ગુરુકૂળ ખાતે વ્યવસ્થાપન સંભાળતાં-સંભાળતાં કે પછી સહયાત્રા દરમ્યાન જે કંઈ અનુભવો-અનુભૂતિ થાય તેને શ્રી જયદેવભાઈ જાગૃતિપૂર્વક ઝીલતાં રહે છે. તેમના એવા જ એક પ્રવાસને યાત્રામાં ફેરવતો એક પ્રસંગ તેમણે અહીં નોંધ્યો છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી જયદેવભાઈનો (મહુવા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825272501 અથવા આ સરનામે jaydevmankad@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]મો[/dc]રારીબાપુ સાથેનો પ્રવાસ હંમેશને માટે યાદગાર બની રહેતો હોય છે. યાત્રા ક્યારે જાત્રામાં ફેરવાઈ જાય તેનો ખ્યાલ પાછળથી આવે છે. ગત ફેબ્રુઆરીની એક અચાનક મળેલી સંધ્યા મારા માટે જાત્રા બની રહી. તે દિવસની યાદ માનસપટ પર જાણે કાયમ માટે અંકિત થઇ ગઈ. સવારે માતા ઉમિયાના ધામ સિદસર જવાનું હતું અને બપોરે ત્યાંથી મોડાસા. સાંજે એક એવા ગામે જઈ પહોચ્યાં, જેની મીઠી યાદ આજેય મનને ભરી દે છે.

ગુજરાત અને રાજસ્થાનની સરહદ પરનું એ ગામ જેનું નામ માંડલી. ગુજરાતી સાહિત્ય જગત જેનું સદાય ઋણ રહેશે તેવા સ્વ.પન્નાલાલ પટેલના ગામમાં કાર્યક્રમ હતો. એમનું જન્મસ્થળ જે હવે આમ તો રાજસ્થાનમાં પડે છે, તે ગામમાં મિશ્ર બોલીના લોકો વચ્ચે જવાનું બન્યું. ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ દેખાતો હતો. શ્રી રઘુવીરભાઈ, મણીભાઈ અને થોડા સાહિત્યજનોની હાજરી હતી. પન્નાલાલભાઈના પરિવારજનો પણ હતા. પન્નાલાલભાઈ સાથે જેમણે એ સમયે ‘ગામઠી ક્ષણો’ વિતાવી હતી તેવા વડીલો પણ હતા. કાર્યક્રમ પુરો થયો અને અમે રાત્રી રોકાણ માટે માંડલી ગામના પન્નાલાલના તીર્થ સ્વરૂપ મકાનમાં ગયા. લગભગ ૬૦-૬૫ વર્ષો જૂનું મકાન. પડ્યું કે પડશે તેવો ડર સતત રહેતો હતો. સ્લેબ તો સ્વાભાવિક નહોતો જ પણ તેને સ્થાને વાંસની વળીઓની છત હતી. મોટા લાકડાને આડા મૂકી તેના ટેકે પાપડીઓ ગોઠવીને એ જમાનાનો સ્લેબ બનાવેલો.

હમણાં તૂટી પડશે તેવો સીધો અને આકરો દાદરો – જેના પર બાપુને સ્નાન કરવા માટેના ગરમ પાણીની બાલદી ઊંચકીને જતો હતો ત્યારે દોરી પર ચાલતા નટને કેવી સાવધાની રાખવી પડે તેનો અહેસાસ થયો. ડર લાગતો હતો કે ક્યાંક પડી ન જવાય અને હાડકું ભાંગે નહિ. ઉપરના ઓરડામાં બાપુ રહ્યાં હતા. નાની અમથી દોઢ ફૂટની ચાલવાની જગ્યા, એમાં કાપડના પડદાની આડશ કરી સ્નાનગૃહ બનાવ્યું હતું. ઉંબરમાં યજ્ઞ માટેની વેદિકા બનાવી હતી. તેમાંય કાપડની આડશ તો ખરી જ. સંધ્યાપૂજા પછી મોરારિબાપુ નિત્યક્રમ મુજબ યજ્ઞ કરે છે. એ સંધ્યાએ જયારે યજ્ઞમાં આહુતિઓ અપાઈ ત્યારે માંડલીના એ ભવનમાંથી ઊઠેલા શુભ્ર ધુમ્ર વલયો વૈશ્વિક ચેતનાનો જે ભાગ બની ગઈ છે એવી પન્નાલાલભાઈની ચેતનાને મળવા જાણે આકાશમાં દોટ મુકતા હોય તેવું અનુભવાતું હતું. સંધ્યાના કેસરિયા રંગમાં યજ્ઞનો અગ્નિ પોતાનો રંગ ભેળવતો હતો. અગ્નિની સાક્ષીએ જાણે એક તર્પણ થતું હોય તેવી શાંતિ, પ્રસન્નતા અને આનંદ ચોમેર અનુભવાતા હતાં. કોઈક પ્રકારની પૂર્તતા થતી હોય તેવો અનુભવ થતો હતો. અસ્તિત્વ આ ક્ષણને ઝીલતું હોય તેમ દેખાતું હતું. પન્નાલાલનાં સમગ્ર જીવન અને કવનની જાણે એકલવ્યની જેમ વંદના થતી હોય તેવું લાગતું હતું.

રાત્રીએ ત્યાંના ગ્રામજનોએ પારંપરિક નૃત્ય અને રાસ રજૂ કર્યા. સવારે આસપાસના વિસ્તારમાં સચવાયેલી જગ્યાઓ કે જ્યાંથી તેમના સાહિત્યને પ્રેરણા મળી હતી તે સ્થળોની મુલાકાત લઈ બાપુ સ્વ. ઉમાશંકર ભાઈના ગામે જવા નીકળ્યા અને હું મહુવા તરફ….. આ આખીય ઘટના અને દ્રશ્ય મારાં માટે બહુ આયામી હતા. ઘટના પૂરી થઈ. વિચારો શરૂ થયા.

ગુજરાતી સાહિત્ય હોય કે કોઈ પણ કળા હોય, એના સર્જકો અને સંવાહકો માટે બાપુના હૃદયમાં અનન્ય એવો ભાવ છે, આદર છે – જે સર્વવિદિત છે….. કદાચ સર્વસ્વીકૃત ન પણ હોય. એમ તો ભગવાન બુદ્ધની કરુણાય ક્યાં સર્વસ્વીકૃત હતી ? ગાંધીની અહિંસાને ઘણા નહોતાં ઓળખી શક્યા. પણ તેથી શો ફેર પડ્યો ? બાપુને હું જેમ સમજવા કોશિશ કરું છું તે પ્રમાણે સંવેદનશીલતાથી લથબથ એવી એક ઊંચી કોટીની અનેરી સમજણ સતત તેમના દ્વારા જીવાય છે અને તે સંદર્ભમાં જોઈએ તો આ યાત્રા તેમના માટે વિશ્રામ હતી. આનંદને વધારનારી ઘટના હતી. જયારે વ્યક્તિ ચેતનાની એક જુદી જ ભૂમિકાએથી જીવવા માંડે ત્યારે કદાચ એ પૂર્ણ આચાર બની જતી હશે. મહાનદીમાં જેમ અનેક ઝરણાંઓ સમાઈ જાય તેમ સમજણની અંતિમ અવસ્થાની નિષ્પતિ રૂપ વર્તન અનાયાસ અનેક સ્વાભાવિક ઘટનાઓને પોતાનામાં સમાવી લઇ એક સભર આચારમાં પરિણમતું હશે. પરંતુ બીજા અનેક સંદર્ભોમાં પણ આ ઘટનાને જોતો હતો. વ્યક્તિગત ધોરણે પણ આ ઘટના રસ પડે તેવી હતી. સત્ય કેમ મોડું સમજાય છે ? કેમ તેનો સ્વીકાર આકરો પડે છે ? કેમ જીવનમાં અને આ નાની-શી જિંદગીને રસમય રીતે જીવવામાં ઘણુંબધું ચૂકી જવાય છે ?

કદાચ આપણી કમનસીબી એ છે કે આપણે ‘આપણાં’ માં જ પડ્યા પાથર્યાં રહીએ છીએ. જાતને વિસરવાને બદલે વિરાસતને વિસરી જઈએ છીએ. પછી બાકી રહેતું હોય તેમ પાછા રાડીયા રિમણ કરી મુકીએ છીએ. ક્યારેક આપણા સ્વાર્થ અને એને લઈ ઉભા કરેલા, ગોઠવેલા પ્રશ્નો અને સમસ્યાઓને વિસરવાની જરૂર છે. સ્વાર્થ અને ગણતરીઓ આપણી ઉર્જાને સીમિત કરનારાં બાધકતત્વો છે. આપણો સાહિત્ય સંગ્રહ જલ્દી બહાર પડે તેની ચિંતાની સાથોસાથ જે ઉત્તમ સંગ્રહિત છે તેની પણ ચિંતા સેવવી રહી ! બ્રિટીશ માનસિકતા હજુય આપણી અંદર ઘર કરી બેસેલી છે. તેની અસરમાંથી હજુય ક્યાં સાવ મુક્ત થવાયું છે ? ટાપટીપમાં વધુ છતી થાય છે. આ બ્રિટીશ લોકોએ પોતાના શેક્સપિયર માટે કેટલું કર્યું તે આપણને યાદ નથી આવતું. આજે પણ તેના નાટકો ભજવાય છે. તેના મકાનને વારસા તરીકે તેઓ સાચવે છે. અનેક દેશો પોતપોતાના સર્જકોના સંદર્ભમાં આવું જતન કરે છે અને આપણે ત્યાં માંડલીનું એ તીર્થસમું ઘર….. ! કેવી સ્થિતિ છે જુઓ તો ખરા ! આવી પરિસ્થિતિ તો લગભગ બધે છે. મનુભાઈ પંચોલી કહેતાં કે આપણે ગાંધીને ઈમ્પોર્ટ કરશું ત્યારે સમજાશે ! રાડો પડવાને બદલે કે જૂથોમાં વહેંચાઈ જઈ મહત્વ ઊભું કરવાને બદલે અને દોડાદોડી કરવાને બદલે આવતી પેઢીઓ ધન્યવાદ આપે તેવું કામ સામુહિક ધોરણે કરવાની જરૂર છે. ગાંધીને સમજાયું અને તેઓ નીકળી પડ્યા. સત્ય અને રામનામનું બળ હતું તો કેવું કામ થયું ! મોરારીબાપુ પાસે ભજનનું બળ છે તેમ સમજાય છે. અહીં સ્વાભાવિક ‘ભજન’ શબ્દ વિશાળ અર્થમાં લેવાનો છે. નિસ્બત છે, શુભને પોંખવાની માનસિકતા છે, ભાવ છે, આદર છે, વંદના માટેની સહજ સમજ છે અને તેથી તેમાંથી નીપજતો સહજ એક વિશ્રામ છે. તેથી આપોઆપ બધી બાબતો મંગલમાં પરિણમે છે. આપણે તો મૂડી વિના ધંધો કરવો છે. રાગ અને દ્વેષ મુક્ત ચિત્ત સાધનાથી આવે. ક્યારેક તે સ્વભાવ પણ હોય છે. સામે આપણી વિરાસત તો જુઓ કેવી તેજસ્વી છે ! તેના જતન માટેના આપણા પ્રયાસ કેવા ઝાંખા છે ! વ્યક્તિગત ધોરણે અને સામુહિક ધોરણે આવનારી પેઢીઓ માટે આ વિરાસતનું વાવેતર કરવાનો પ્રયાસ આનંદનો ઓડકાર આપી જશે.

શિક્ષણ વ્યવસ્થા આવા સ્થળોનો પ્રવાસ ન યોજી શકે ? શાળા-કૉલેજોની આસપાસ આવા સ્થળો શોધી કાઢી તેનો પરીચય થાય તેવા નાના પ્રવાસો યોજાય. આવા પ્રવાસોની જરૂરિયાત જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી એ નહિ જાળવી શકીએ. સરકારના પક્ષે આવા સ્થાનોને રક્ષિત જાહેર કરી તેના માટે વિશેષ નાણાંકીય અને કાયદાકીય જોગવાઈ ન થઇ શકે ? સર્જકો અને કલાના કસબીઓએ તેમની મૂળ જગ્યાઓ પર કરેલી સાધનાની સામાજિક અસરો પર સમાજશાસ્ત્રીઓ કામ ન કરી શકે ? સાહિત્ય જગતનાં કાર્યક્રમો આવાં સ્થાનોમાં ન થઈ શકે ? પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણમાં ‘આપણા સાંસ્કૃતિક અને કળાજગતના તીર્થો’ એવા પાઠ ન ભણાવી શકાય ? ઇતિહાસકારો અને પુરાતત્વ વિભાગ આવા સ્થાનો પર વધુ ધ્યાન ન આપે ? પ્રવાસન વિભાગમાં આના માટે વિશેષ ગ્રાન્ટ ન અપાય ? જે હતું તેની કિંમત સમજાવી જોઈએ. પહેલું પગથિયું બીજા પગથિયાંનો પાયો છે તે ન ભૂલવું જોઈએ. બાપુ તો તે ક્ષણને જીવી ગયા…આપણું શું ? સ્વને બદલે સહુને અસર કરતી બાબતો માટે સાથે મળી જીવવાનો પ્રયત્ન કરવો પડે. અરે માતા-પિતા પોતાના બાળકોને આવા સ્થળે લઈ જાય. સંવેદના અને ચિંતા સહુમાં છે. તેને વહાવે તેવી કરુણાને શોધવાની અને તેને ઝીલવાની અભિમુખતા કેળવવી રહી. આપણને આવી સમજ મળો તે જ પ્રાર્થના….

[poll id=”16″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “એક અદકેરું તર્પણ – જયદેવ માંકડ”

Copy Protected by Chetan's WP-Copyprotect.