અગ્નિપથ – પાયલ શાહ

[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા : 2012’માં પ્રાપ્ત થયેલી આ વાર્તાના યુવાસર્જક પાયલબેન મુંબઈ નિવાસી છે અને ફેશન ડિઝાઈનિંગના વ્યવસાયમાં જોડાયેલા છે. પ્રતિવર્ષ સ્પર્ધામાં પ્રાપ્ત થતી તેમની વાર્તાઓ સાવ અનોખી, રોમાંચક અને થ્રિલિંગ હોય છે. ખૂબ જ અભ્યાસપૂર્ણ અને ઊંડાણપૂર્વક તેઓ પોતાની વાર્તાનું માળખું તૈયાર કરે છે. તેમની પ્રસ્તુત વાર્તા એ જ રીતે લખાઈ છે. લેખન ક્ષેત્રે તેઓ સતત પ્રગતિ કરતાં રહે તેવી શુભકામનાઓ. આપ તેમનો આ સરનામે payalshah1@hotmail.com અથવા આ નંબર પર +91 9324056770 સંપર્ક કરી શકો છો.]

[dc]આ[/dc]જે વિક્રમના જીવનમાં સાચે જ સોનાનો સૂરજ ઊગ્યો હતો. તેનું સપનું સાચું થઈ રહ્યું હતું. આર્મ્સ એન્ડ એમ્યુનિશન બનાવતી (Arms and Ammunition) કંપનીમાં તેને ઉચ્ચપદની નોકરી મળી ગઈ હતી. અહીં તેણે ધારેલી મુરાદ બર આવે તેવી શક્યતાઓ વધી ગઈ હતી. વિક્રમ શેઠ, ઉંમર 26 વર્ષ, હિન્દી ફિલ્મોના હીરોને પણ ટક્કર મારે તેવી પર્સનાલિટી. ઊંચાઈ 6.3 ઈંચ. અતિ પ્રબળ મહત્વાકાંક્ષા તેના મનમાં ઊછળતી રહેતી.

વિક્રમ ઑફિસના કામમાં અતિવ્યસ્ત હતો. ત્યાં જ મોબાઈલમાં SMS વાંચતાંની સાથે તેની આંખોમાં હજારો સપનાં રમવા માંડ્યા. તેનું તેજ દિમાગ કામ પર લાગી ગયું હતું પણ SMS ના સંદેશા પ્રમાણે તેની માટે બે-ચાર કલાક પૂરતાં નહોતાં. કશુંક એવું કરવું પડશે કે સાપ પણ મરે ને લાઠી પણ ન તૂટે. અચાનક તેની નજર સમાચારપત્રનાં મુખ્ય પાનાં પર આવેલી જાહેરખબર પર અટકી. તેણે જલ્દી જલ્દી તાળો મેળવી દીધો, વળતો SMS પણ કરી દીધો. હવે શાંતિથી તેણે જાહેરખબર પાછી વાંચી : ‘કશુંક અદ્દભુત અને રોમાંચક અનુભવવું છે ? જાણવું છે ? સ્વાગત છે અમારી ‘સી. પ્રિન્સેસ ક્રૂઝ’માં જે તમને માત્ર 48 કલાકમાં ખૂબ બધી યાદો આપી જશે. બુકિંગ માટે સંપર્ક, મિસ. નીતા વાલિયા. ફૉન નં : XXXXXXXXXX’

વિક્રમે તરત જ તેમનો નંબર ડાયલ કર્યો. સામેથી ખૂબસૂરત અવાજ આવ્યો :
‘યસ, નીતા વાલિયા સ્પીકિંગ….’
‘મેમ, શનિવારનું બુકિંગ જોઈએ છે. સારામાં સારી કેબિન, પ્યોર વેજ ફૂડ, સી-ફેસ રૂમ….’ વિક્રમનો ઉત્સાહ ફોન પર પણ છૂપો નહોતો રહેતો.
‘સ્યોર સર, સી. પ્રિન્સેસ પર તમારું સ્વાગત છે. તમારું એડ્રેસ લખાવી દો. બુકીંગ આઈ.ડી. તમને ઘરે જ મળી જશે. પેમેન્ટ ત્યારે જ કરી દેજો. ગેટ વે ઑફ ઈન્ડિયા પર શનિવારે સવારે 5:45 વાગ્યે સી.પ્રિન્સેસ આતુરતાથી તમારી રાહ જોશે. સી યુ. સર.’
‘જરૂર મેમ. થેંક્યું…’ વિક્રમે ખુશખુશાલ અવાજે કહ્યું. બસ, ઘરે જઈને કપડાં, લેપટોપ, થોડાંક કાગળિયાં લઈને નીકળી જઈશ. એમાં વાર કેટલી..? તેમ વિચારતો વિક્રમ ઑફિસમાં પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો. આજે છ કેમ જલ્દી નથી વાગતા ? તેવા વિચારમાં વિક્રમની નજર વારંવાર ઘડિયાળ પર જતી હતી. બેચેની દૂર કરવા તેણે ઑફિસના ફોયરમાં એકાદ-બે ચક્કર લગાવ્યાં. બે-ચાર યાર-દોસ્તોને ફોન કર્યો. ત્યાં જ મેડમ વાલિયાનો નંબર વિક્રમના મોબાઈલ સ્ક્રીન પર દેખાતાં તે ખુશ થઈ ગયો.
‘યસ….યસ… બસ પંદર મિનિટમાં જ ઘરે પહોંચું છું. થેંક યુ….’ તેનું બુકિંગ થઈ ગયું હતું. તેણે ઑફિસમાંથી લેપટોપ, બે-ત્રણ CD લઈને ઘર તરફ રીતસરની દોટ મૂકી. મા-બાપ દેશમાં રહેતાં હતાં. સાવ એકલો હતો એટલે ખાસ કાંઈ તૈયારી કરવાની નહોતી. ત્યાં જ દરવાજાની બૅલ વાગી. રોકડા 11000 રૂ. ચૂકવી વિક્રમે પોતાના જેકપોટની ટિકિટ લીધી.

સોફા પરથી મોબાઈલ લઈને સૌથી પહેલાં બુકિંગ આઈ.ડી. ક્રૂઝનું નામ, કેબિન નંબર SMS કરી દીધો. હાશ….. આરામથી તેણે સોફા પર લંબાવ્યું. હવે તેણે જે ધાર્યું હતું તે થશે જ…. તેણે સૂવાનો પ્રયત્ન કર્યો કારણ કે વહેલાં ઊઠવાનું હતું. તે પડખાં ફેરવતો હતો છતાં ઊંઘ નહોતી આવતી ત્યારે તેના દોસ્તે કહેલી એક વાત યાદ આવી ગઈ, ‘મોર નાચહે હુએ ભી રોતા હૈ; હંસ મરતે હુએ ભી ગાતા હૈ; યહી જિંદગી કા ઉસૂલ હૈ દોસ્ત, દુઃખોવાલી રાત નિંદ કિસે આતી હૈ ? ઔર ખુશીવાલી રાત કૌન સોતા હૈ ?’ ત્યાં જ SMS નો ટોન સાંભળી તે સતર્ક થઈ ગયો. મેસેજ વાંચીને તેને થોડો ડર તો લાગ્યો પણ હવે તેણે પસંદ કરેલો રસ્તો વન-વે જેવો હતો. ત્યાં જઈ બધા શકે પણ ત્યાંથી પાછું કોઈ ફરી ન શકે. હવે પડશે તેવા દેવાશે એમ સમજીને આગળ વધવું પડશે.

ક્રૂઝ પર જવા અધીરા વિક્રમને થયું મમ્મી સાથે એકવાર વાત તો કરી લઉં. શનિ-રવિ ક્રૂઝ પર વાત કરવાનો સમય નહીં મળે તો તે ચિંતા કર્યા કરશે. તેને ક્યારેક મા ની અનુભવ વાણી લેકચર જેવી લાગતી પણ માનું વ્હાલ સ્પર્શી જતું. બધું છોડીને તેને મા પાસે જવાનું મન થઈ ગયું પણ હમણાં તો ફોન પર વાત કરીને જ મન મનાવવાનું હતું. ફોનની રિંગ જતી હતી. મા નો ‘હેલાવ’નો ટહુકો વિક્રમને સ્પર્શી ગયો.
‘વિક્રમ… બોલ બેટા… મજામાં ?’
‘હા…..’
‘શું કરે છે તું ?’ અઢળક હેત સાથે માએ પૂછ્યું.
‘બસ મા…. એકદમ મજામાં… બે દિવસ મિત્રો સાથે ક્રૂઝ પર રહેવાનો કાર્યક્રમ બનાવ્યો છે. શનિ-રવિ જલસા.’
માએ મીઠું હસતાં તેની ટિખળ કરી, ‘અચ્છા, મિત્રો સાથે ? લગ્ન કરી લે હવે…. એટલે શનિ-રવિ શું કરવું ? ક્યાં જવું ? બધું નક્કી કરવાવાળી આવી જશે પછી મને શાંતિ.’ વિક્રમ અને મા ખડખડાટ હસી પડ્યા.
‘શું મા તું પણ….’ વિક્રમની આંખોએ લાડી, વાડી ને ગાડી બધું હવે અફલાતૂન… એવા સપના સજવા માંડ્યા. માના અવાજમાં હળવી ભીનાશ તરી આવી,
‘મારો દીકરો મોટું માણસ બની ગયો છે. ભણતર, નોકરી, ઘર, પૈસા… બધું જ તો છે. પછી શું જોઈએ ? પણ એક વાત યાદ રાખજે બેટા, મહત્વનું થવું સારું છે પણ સારા થવું એ વધારે મહત્વનું છે.’ તે ચૂપચાપ સાંભળી રહ્યો. મા કોઈ ભવિષ્યવાણી નથી કરી રહીને….
‘હા મા, હવે લગ્ન કરી જ લેવા છે પણ સોમવારે વાત…..’ વિક્રમે વાત બદલાવતાં કહ્યું.
‘ધ્યાન રાખીને જજે…. જાળવજે….. આવજે…’ની આપ-લે પછી ફોન મુકાઈ ગયો.

રાતના ત્રણ SMS આવ્યા. શુક્રવારની રાત વિક્રમ માટે દિવાળીની રાત બની ગઈ. તેમાં લખેલો આંકડો અને શરત બંને વાંચીને તેને ચક્કર આવી ગયા પણ સિકંદર બનવાની હોડમાં તે ક્યાંય આગળ નીકળી ગયો હતો. તેના ઘરથી ગેટ-વે ઑફ ઈન્ડિયા ખાસ્સું દૂર હતું. ચાર વાગ્યે નીકળીશ તો માંડ 5:30 વાગ્યે પહોંચીશ એમ વિચારતાં અર્ધી રાત્રે તે ઝડપથી તૈયાર થઈ ગયો. આજે તેની ભૂખ-તરસ બધું સૂકાઈ ગયું હતું. તેને સી-પ્રિન્સેસ પર જવાની ઉતાવળ આવી ગઈ હતી.

સવારે 5:30 વાગ્યે ગેટ-વે ઑફ ઈન્ડિયા અને સી-પ્રિન્સેસ બન્ને તાજગીથી તરબતર હતા. બુકિંગ આઈ-ડી દેખાડીને વિક્રમ સી-પ્રિન્સેસમાં ગયો. અહીં રાત-સવાર જેવું કાંઈ લાગતું જ નહોતું. પાણી પર સરકતાં સ્વર્ગને જોઈને બે ઘડી માટે બધું જ ભૂલી ગયો. બધા પેસેન્જર બોર્ડ પર આવી ગયા હતા. ત્યાં જ કેપ્ટને હૂંફાળા અવાજે શરૂઆત કરી, ‘હેપી મોર્નિંગ ! સી-પ્રિન્સેસ પર કેપ્ટન સ્મિથ અને તેમની ક્રૂ-ટીમ તમારું સ્વાગત કરે છે. આજની સવારથી કાલ રાત એ સપનાં સાચા કરવાની ઘડી છે. તમારી જિંદગીની પળો ને પળોની જિંદગી જીવવાનો સમય આવી ગયો છે. ચિયર્સ ટુ સી-પ્રિન્સેસ….’ પેસેન્જર્સે તાળીઓના ગડગડાટથી કેપ્ટનને વધાવી લીધા. કોઈને કેબિન તરફ જવાની ઉતાવળ નહોતી. કેસિનો, ડિસ્કો, પબ, લાઉન્જ, બાર, સ્વિમિંગ પુલ, થિયેટર, રેસ્ટોરન્સ, શોપિંગ આર્કેડ, બુકશોપ, લહેરાતો દરિયો, બત્રીસ પકવાન અને અઢળક ખુશીઓની ભરમાર…… વિક્રમ સામાન લઈને કેબિનમાં પ્રવેશ્યો. કેબિન સાઉન્ડ-પ્રૂફ હોય તેવું લાગતું હતું અને સ્હેજ બારી ખૂલે તો મોજાંનો અવાજ અને દરિયાનો ઘૂઘવાટ. હરખપદુડા વિક્રમને આ બધું જોઈને થયું કે ચાલો આટલું મોટું કામ થાય છે તો પાર્ટી તો બનતી હૈ યાર….. અને કેબિનમાંથી નીકળી તે પણ બીજા પેસેન્જર્સ સાથે ખાણીપીણી મોજમસ્તી, નાચગાનમાં મશ્ગૂલ થઈ ગયો. વિક્રમે સી-પ્રિન્સેસ પરથી સૂર્યાસ્ત જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે સબ સલામતનો SMS તો કરી દઉં. સાંજના જ્યારે સી-પ્રિન્સેસના ડેક પર ગેમ રમાડવાની શરૂઆત થઈ ત્યારે ડાન્સ, મ્યુઝીક, બાળકોની ધીંગામસ્તીનો આનંદ માણતો વિક્રમ આરામખુરશી પર લંબાવીને સોનેરી સપનાં જોતો હતો ત્યાં જ એક છોકરી મોબાઈલ પર વાતો કરતાં કરતાં વિક્રમની બાજુની ચેર (ખુરશી) પર ગોઠવાઈ ગઈ. ચમકતી, ત્વચા, કમર સુધી લહેરાતા વાળ, નમણો ચહેરો, સોનેરી ઘઉંવર્ણો રંગ, માંજરી આંખો, 5’-8” જેવી અસામાન્ય ઊંચાઈ ને નરી નિર્દોષતા સાથે તેનું મિલિયન ડૉલર સ્મિત…. વિક્રમ તેને જોતો રહ્યો. પેલીના ધ્યાનમાં જાણે આ વાત આવી ગઈ હોય તેમ તેણે વિક્રમની સામે જોયું.

‘હેલો જેન્ટલમેન, લાગે છે કે વીક એન્ડ ક્રૂઝ પર પહેલીવાર પ્રવાસ કરો છો.’
તેણે થોથવાઈને જવાબ આપ્યો, ‘હા….હા, બરાબર એમ જ સમજો ને. થોડું કામ થોડો આરામ.’ પેલીને વિક્રમ સાથે બિલકુલ અજાણ્યું લાગતું જ નહોતું. રાતના 10-10:30 વાગવા આવ્યા. વિક્રમથી સહેજ બોલાઈ ગયું :
‘આવો ને મારી કેબિનમાં એક એક કૉફી થઈ જાય.’
એને જાણે એ જ જોઈતું હતું. તે તરત જ તૈયાર થઈ ગઈ. ખરી રીતે તેનો ‘ધંધો’ જ આ હતો, પૈસાદાર બકરાને ફસાવવાનો. તેની પાસે લેપટોપ, મોબાઈલ, ચેન, વીંટી, રોકડા જે પણ હોય તે ખંખેરી લેવાનું અને ગાયબ થઈ જવાનું. આટઆટલી વાતો કરવા છતાં વિક્રમને તેનું નામ નહોતું ખબર પડી. એ જાણે વર્તી ગઈ હોય તેમ તરત તેણે કહ્યું :
‘ચાંદની…… ચાંદની શાહ છે મારું નામ…’
‘નાઈસ નેઈમ. માયસેલ્ફ વિક્રમ શેઠ….’ તેણે મસ્કા કરતાં કહ્યું, ‘તમે આવો હું થોડો ફ્રેશ થઈ જાઉં. કેબિન નંબર 71. યાદ તો રહેશે ને ?….’ ચાંદની વિક્રમની વાત સાંભળીને મરક-મરક હસી પડી ને ચાંદનીની માંજરી આંખોમાં ડૂબી ગયેલા વિક્રમને મા એ કરેલી મીઠી ટિખળ યાદ આવી ગઈ.

ચાંદનીને તો બગાસું ખાતાં પતાસું મળી ગયું હતું. 15-20 મિનિટમાં તો તે વિક્રમની કેબિનમાં હતી. તેની નજર લેપટૉપ, ચેન અને વીંટી પર હતી. અડધો પોણો કલાકથી વાતો, એકબીજાનાં શોખ, કૉફી, LCD પર પિક્ચર ચાલતું હતું…… ત્યાં વિક્રમના મોબાઈલ પર મેસેજ આવ્યો, ‘સબ તૈયાર રખ્ખો. મુહૂર્ત કા સમય બદલ ગયા હૈ. દુલ્હન કો લેને ડોલી નિકલ ગઈ હૈ. બારાત 2:00 બજે આયેગી….’ આ વાંચીને વિક્રમ પસીનો પસીનો થઈ ગયો. આગલા SMS પ્રમાણે નક્કી થયું હતું કે રવિવારે રાતનાં વિક્રમ સી-પ્રિન્સેસ પરથી નીકળશે ત્યારે કામ પતાવવાનું હતું. હવે અચાનક જ આમ કેમ ? વિક્રમને ડરેલો જોઈ ચાંદનીએ પૂછ્યું, ‘શું થયું કાંઈ પ્રોબ્લેમ ?’
‘નો….નો પ્રોબ્લેમ…’ આટલો જવાબ આપતાં વિક્રમને નવનેજાં પાણી ઉતરી ગયા. તે મનમાં બોલ્યો કે જોગમાયા, તું ખુદ પ્રોબ્લેમ છો મોટો. ક્યાં મેં તને બોલાવી ? હવે આને ફૂટાવવી કઈ રીતે ? વિક્રમે ડહાપણ બતાવવાનું શરૂ કર્યું :
‘મારા બોસનો મેસેજ છે. એક મિનિટ પણ ક્યાં આરામ છે ચાંદની…. એક કામ કરો તમે… મૂવી જુઓ અને થોડી વારનું જ કામ છે.. એ પતાવી લઉં પછી ચાંદની સાથે ચાંદની રાતમાં ડેક પર જઈને બેસવાની મજા જ કાંઈક અલગ આવશે.’

વિક્રમને ચાંદનીના ગાલોના ખાડામાં ડૂબી જવાનું મન થઈ ગયું, એટલું સરસ તે હસી પડી, ‘વાઉ વિક્રમ ! ખૂબ સરસ ગુજરાતી બોલો છો…. કાંઈ વાંધો નહીં.. તમે તમારું કામ પતાવો. હું બેઠી છું. પછી નીકળીએ.’ વિક્રમને લાગ્યું કે મેં વ્યસ્તતાનું ચાંદનીને બહાનું બનાવ્યું તો લાગ્યું કે એ કેબિનમાંથી જશે પરંતુ આ તો પિક્ચર જોવા ગોઠવાઈ ગઈ. વિક્રમ કમને લેપટોપ લઈને બેઠો. આરામખુરશી પર ઝૂલતાં ઝૂલતાં રાણી મુખર્જીનું ‘લાગા ચુનરી મેં દાગ’ પિક્ચર જોતાં જોતાં તેની આંખોમાં સહેજ ભીનાશ ઊતરી આવી. બિલકુલ આવી જ જિંદગી થઈ ગઈ હતી એની…. પૈસા, વસ્તુ, એશ-આરામ બધું જ હતું પણ જ્યારે તેણે ઈમાનદારીથી જિંદગી જીવવાની કોશિશ કરી તો તે નાકામિયાબ નીવડી. હવે તે એસ્કોર્ટ હતી. મોટા ઑફિસર કે અમીર બાપની બિગડી ઔલાદને રાતના ‘કંપની’ આપીને પૈસા પડાવવામાં હોંશિયાર હતી. રંગે-રૂપે ખૂબ ચડિયાતી ચાંદની, ભણવામાં ખૂબ હોંશિયાર મા-બાપ અને અપંગ બહેનને છોડીને નાનકડા ગામમાંથી રૂપના જોરે મુંબઈ હિરોઈન બનવા આવી હતી. પણ આ શહેરે તેને જોરદાર તમાચો માર્યો હતો. માથે છાપરું નહીં ને સવારના જમે તો સાંજના શું જમવું ? તેવા ઘરે જિંદગી વિતાવવી મંજૂર નહોતી. મજબૂરીથી તેણે આ ‘ધંધો’ સ્વીકારી લીધો હતો. આજે તેની આંટીએ તેની ડ્યૂટી આ ક્રૂઝ પર ગોઠવી હતી.

ચાંદનીને વિચારમાં ને વિચારમાં ક્યારે ઊંઘ ચડી ગઈ તે જ ખબર ન પડી. સ્હેજ કાંઈક અવાજ સંભળાયો ત્યારે તેણે ઝબકીને ઘડિયાળમાં જોયું. પોણા બે વાગ્યા હતા. આ વિક્રમ કેમ ક્યાંય દેખાતો નથી ? ગયો ક્યાં ? કેબિનમાં સાવ હળવો પ્રકાશ રેલાતો હતો. તેણે જોયું કેબિનમાં નીચેની બારી ખોલવાની વિક્રમ મથામણ કરી રહ્યો હતો. રાતના પોણા-બે વાગ્યે આ પાગલ માણસ બારી કેમ ખોલવા માગે છે ? તેને આત્મહત્યા કરવી હશે કે શું ? તેને થયું વિક્રમને આત્મહત્યા કરતાં રોકવો જોઈએ. તે વિક્રમને સમજાવવા માટે ઊભી થઈ ત્યારે તેનું ધ્યાન ટેબલ પર પડેલી CD અને નકશા પર ગયું. તેણે વિક્રમ તરફ જોયું. તે હજી પણ બારી ખોલવાની માથાકૂટમાં જ હતો. ચાંદનીએ હળવેથી એક નકશો હાથમાં લીધો ને મોબાઈલની લાઈટમાં જોયું કે ‘બોમ્બે હાઈ’ પર લાલ ચકરડું અને કાળી ચોકડી કરેલી છે ! ચાંદનીના હાથપગ પસીનો-પસીનો થઈ ગયા. તે ધીરેથી વિક્રમનું ધ્યાન ન જાય તેવી રીતે ત્યાંથી સરકીને બાથરૂમમાં ઘૂસી. તેના હૃદયના ધબકારા વધી ગયા હતા. તેજતર્રાર ચાંદનીને ખાતરી થઈ ગઈ કે વિક્રમ ચોક્કસ જ અહીં મજા કરવા નથી આવ્યો પણ કાંઈ ખતરનાક ખેલ ખેલવા આવ્યો છે. મગજ કામ કરતું બંધ થઈ જાય તે પહેલાં તેને એક જ નંબર યાદ આવ્યો…100… ધ્રુજતા હાથે તેણે નંબર ડાયલ કર્યો. સામેથી સવાલ પૂછાયો :
‘યસ…. આદિત્યરાવ સ્પીકિંગ… તમારી શું મદદ કરી શકું ?’
ચાંદનીએ અવાજમાં લગીર સ્વસ્થતા ભેળવીને કહ્યું : ‘સાહેબ, સી-પ્રિન્સેસ ક્રૂઝ પરથી બોલું છું… ચાંદની….ચાંદની શાહ….’ આગળની વાત સાંભળીને ઈન્સ્પેક્ટર આદિત્ય રાવ સડક થઈ ગયા. હવે આતંકવાદીઓ પાણીનો આશરો લઈને ઘા કરવા બેઠા છે… તેણે ચાંદનીને કહ્યું :
‘મેડમ, સી-પ્રિન્સેસ એક્ઝેટલી ક્યાં છે તે જણાવી શકો ?’
ચાંદનીએ થોડીક ચીડ સાથે જવાબ આપ્યો : ‘ના… મને કાંઈ જ ખ્યાલ નથી. હું કેબિન નં 71ના બાથરૂમમાંથી વાત કરું છું.’
‘ઠીક છે. તમે જરા પણ પેનિક થયા વગર તે માણસને વીસ મિનિટ માટે રોકી રાખજો…. પ્લીઝ.. મેમ….’ ઈન્સ્પેક્ટરનું મગજ ચાંદની સાથે વાત કરતાં કરતાં જ કામે લાગી ગયું હતું.

ચાંદનીએ મોબાઈલ પર ઈન્સ્પેક્ટર સાથેની વાત પરથી અંદાજો બાંધી લીધો કે વિક્રમ કાંઈક તકલીફ ઊભી કરવા માંગે છે પણ હવે શું કરવું કે વિક્રમ થોડીવાર માટે ગૂંચવાયેલો રહે. તેને કાંઈક વિચાર આવતાં હળવેથી બાથરૂમનો દરવાજો ખોલ્યો. બારી ખૂલી ગઈ હતી. વિક્રમ લેપટોપ પરથી જોઈને ઝડપથી એક કાગળમાં કાંઈક ટપકાવતો હતો. તેણે CD અને નકશાને પ્લાસ્ટિકની થેલીમાં મૂક્યા અને SMS કર્યો. તે બારી પાસે જ બેચેનીથી આંટા મારતો હતો અને વારેઘડીએ મોબાઈલ તરફ જોતો હતો. ત્યાં જ અચાનક તેને જાણે કાંઈક યાદ આવ્યું હોય તેમ વળી તે લેપટોપ પર ગોઠવાઈ ગયો. હિરોઈન બનવા મુંબઈ આવેલી ચાંદનીએ હવે પોતાના અભિનયનું કૌવત દેખાડવાનું શરૂ કર્યું. બાથરૂમમાંથી ઉબકાના અવાજ શરૂ કર્યા. વિક્રમ સફાળો ચોંકી ગયો. ચાંદની જાગી ગઈ છે ? તે ગભરાટનો માર્યો બાથરૂમ તરફ દોડ્યો. તેને ઉબકા કરતી જોઈને વિક્રમ થોડો ગભરાઈ ગયો. ચાંદનીએ વિક્રમને દરવાજા પાસે જોયો ત્યારે તેણે સામેથી જ જવાબ આપ્યો, ‘મને સી-સિકનેસ જેવું લાગે છે. એકાદ ગોળી લઈશ એટલે આરામ થઈ જશે….’ વિક્રમને હાશ થઈ. તે પાછો લેપટોપ પર કાંઈક જોવામાં ને કાગળ પર ટપકાવવામાં વ્યસ્ત થઈ ગયો. આ બેવકૂફ તો પાછો લેપટોપ પર ગોઠવાઈ ગયો… હવે શું કરવું ? એમ વિચારતાં ચાંદનીએ બીજો ઉપાય પણ અજમાવ્યો. બાથરૂમની ટાઈલ્સ પર ખૂબ બધું શેમ્પુ નાખી દીધું ને ફીણ ફીણ કરી નાખ્યું. વિક્રમ ચકરાવે ચડી ગયો. ચાંદનીએ ઉબકા કરતાં કરતાં જવાબ આપ્યો, ‘હેન્ડ સેનિટાઈઝર ને બદલે હાથમાં શેમ્પુની બોટલ આવી ગઈ ને હાથમાંથી છટકી ગઈ…..’ વિક્રમને કાંઈક સૂઝતાં તેણે તરત જ SMS કર્યો Wait…… વિક્રમની કેબિન પાસે આવેલી સબમરીન SMS મળતાં જ પાણીની નીચે સરકી ગઈ. ચાંદનીએ શેમ્પુના ફીણમાં લપસી પડવાનું નાટક કર્યું, ‘ઓ મા…. મરી ગઈ રે….’ ચાંદનીને ઊભી કરવા વિક્રમે હાથ લંબાવ્યો ત્યારે જાણીબૂઝીને ચાંદનીએ તેના હાથ પર સ્હેજ વધારે દબાણ આપ્યું અને તેને બાથરૂમની ફર્શ પર પાડ્યો… ‘સોરી વિક્રમ…. સોરી વિક્રમ… મારા લીધે… તમને તકલીફ પડે છે….’ ચાંદનીએ રડતાં રડતાં તેનું નાટક ચાલુ રાખ્યું.

આ તરફ ઈન્સ્પેક્ટર આદિત્ય રાવ કામ પર લાગી ગયા હતા. આ નેવલ ઑપરેશન હતું. તેમણે નૅવી ઑફિસર શશાંક સોમપુરાને ફોન કર્યો ને બધી બાબત સમજાવી કે આંધળાના ગોળીબારની રમત જેવો ખેલ છે. ચાંદની નામની છોકરીએ ફોન કરીને કહ્યું કે સી-પ્રિન્સેસ ક્રૂઝ પર કેબિન નં 71માં વિક્રમ શેઠ નામનો માણસ કાંઈ ખેલ કરે છે. તેણે તેની પાસે બોમ્બે હાઈનો નકશો જોયો. વગર કારણે તે કેબિનની નીચેના ભાગની બારી ખોલવા મથે છે. વારેઘડીએ SMS કરે છે. હવે આપણે આમાંથી કશુંક નક્કર શોધવાનું છે. શશાંક સોમપુરાએ આ મરીન ઑપરેશન શરૂ કર્યું. તેણે રાવને કહ્યું : ‘મિશન અગ્નિપથ શરૂ થાય છે. નેવલ હેલિકોપ્ટરે સી-પ્રિન્સેસથી સુરક્ષિત અંતર રાખીને તપાસ શરૂ કરી. થોડીવાર પછી એક સાવ નાનકડી કાળી બોટ દેખાણી. શશાંક સોમપુરા ચોંકી ગયા…. અરે સબમરીન ! સી-પ્રિન્સેસની સાવ નજીક સબમરીન શું કરે છે ? ત્યાં જ હેલિકોપ્ટરના પાયલટે કહ્યું : ‘સર, સબમરીનમાં થોડી હિલચાલ દેખાય છે. લગભગ બે-ત્રણ માણસો છે. શશાંક સોમપુરાએ બાયનોક્યુલર લઈને એકદમ ધ્યાનથી જોયું અને હેડ કવાર્ટરને જરૂરી માહિતી આપી દીધી. ઈન્ડિયન નેવલ કમાન્ડની સબમરીન રાતના અંધારામાં પાણીમાં સરકી ગઈ. સાવ ચૂપચાપ ક્રૂઝ, જાહેર જનતા કે મીડિયા કોઈને ખબર ન પડે તેમ આ ઑપરેશન પૂરું કરવાનું હતું. ઈન્ડિયન નેવીના બ્લેક કેટ કમાન્ડોએ સબમરીનના માણસો પર અણધાર્યો હુમલો કર્યો ત્યારે ખબર પડી કે તેઓ એક પંથ દો કાજ જેવું કામ કરવા આવ્યા હતા.

શશાંક સોમપુરાએ પોતાના બે ઓફિસરને સી-પ્રિન્સેસના ડૅક પર હેલિકોપ્ટરમાંથી ઉતરવાનો આદેશ આપ્યો. રાતના 2:45 વાગ્યા હતા. ડૅક પર માણસોની ખાસ ભીડ નહોતી પણ જેટલાં ઊભા હતાં તેઓ ડઘાઈને આ બધું જોતાં હતાં.
‘કેબિન નં 71 કિધર હૈ ?’ ઑફિસરે વેઈટરને પૃચ્છા કરી.
‘સર આઈયે મેં આપકો લેકર ચલતા હૂં.’ વેઈટરે વિક્રમની કેબિનના દરવાજે ટકોરા માર્યા. વિક્રમને લાગ્યું ‘પેલો’ હોવો જોઈએ. સાલો…. સબમરીનમાંથી કૂદીને અહીં આવવાની શું જરૂર હતી ? ફીણવાળાં ભીનાં કપડે જ વિક્રમ દરવાજો ખોલવા દોડ્યો. દરવાજો ખૂલતાં જ ઑફિસરે તેનાં લમણાં પર રિવોલ્વર તાકી.
‘વિક્રમ શેઠ…. સરહદ પારની સબમરીનમાં રહેલાં માણસો સાથે તમે શું કરતાં હતાં ? તે સબમરીનમાંથી એક ન્યુક્લિયર મિસાઈલ મળી આવી છે.’
આ તરફ બીજા ઑફિસરે લેપટોપ, મોબાઈલ, CD વગેરેની તપાસ આદરી હતી.
‘સર…. વિક્રમ શેઠનો ઈદારો ખૂબ ખતરનાક હતો. CDમાં આર્મ્સ એન્ડ એમ્યુનિશન રાખ્યાં છે અને નેવીના ચુનંદા ઑફિસરોનાં નામ-સરનામાં છે.’ ઑફિસરની એક લપડાકથી તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. પાળેલા પોપટની જેમ તેણે વાત કબૂલવા માંડી. તેને જ્યારે આર્મ્સ એન્ડ એમ્યુનિશન કંપનીમાં નોકરી મળી ત્યારે તેનો મોબાઈલ નંબર આતંકવાદીઓ પાસે પહોંચી ગયો. દરેક CD અને દરેક નકશાની તેઓએ કિંમત આંકી હતી…. એક કરોડ ! વિક્રમના મોબાઈલમાં ઑફિસરે SMS ચેક કર્યા ત્યારે તે ચોંકી ગયો. તેણે વાંચ્યું કે દુલ્હન કો લેને ડોલી નીકલ ગઈ હૈ. બારાત 2:00 બજે આયેગી. હવે બધી ગડ તેમના મનમાં બેસી ગઈ. દુલ્હન એટલે CD અને નકશા, ડોલી એટલે સબમરીન. એક જોરદાર લપડાક પાછી વિક્રમના ગાલ પર પડી.
‘તો ન્યુક્લિયર મિસાઈલ કેમ છે સબમરીનમાં ?’ ઑફિસરનાં અવાજનાં પડઘા કેબિનમાં સંભળાયા.
‘મ….મને…ન…નથ….નથી ખબર સર…. સાચે… મારી સાથે વાત CD અને નકશાની થઈ હતી…’
ત્યાં જ ઑફિસરે બોમ્બેહાઈ પર ચોકડી મારેલ નકશો વિક્રમને હાથમાં આપ્યો :
‘તો પછી આ શું છે ?’
વિક્રમ લડખડાતાં અવાજે કાંઈક કહેવા જતો હતો પણ ઑફિસરની રાડથી ધ્રૂજી ગયો : ‘ગદ્દાર, દેશદ્રોહી… તારી જગ્યા સી-પ્રિન્સેસ પર નથી…. ચાલ…. નીકળ અહીંથી….’ વિક્રમને હજી ખ્યાલ નહોતો આવતો કે તેનો ભાંડો ફૂટ્યો કેવી રીતે ?

ત્યારે જ ઈન્સ્પેક્ટર આદિત્યરાવ પણ આવ્યા. હવે પોલીસ-નૅવીવાળાને જોઈને ધીરેધીરે બધા પોતાની કેબિનમાંથી બહાર નીકળવા માંડ્યા હતા. ઑફિસર્સ વિક્રમની ધરપકડ કરીને ચાલ્યા ગયા. ઈન્સ્પેકટર રાવ ચાંદની સામે જોતાં હતાં. એકદમ નિર્દોષ, ગભરાયેલી, હેબતાયેલી છોકરી ખૂણામાં ઊભી હતી.
‘ચાંદની… બરાબર ને ?’ રાવ બોલ્યા.
‘હા… હા સાહેબ…’ ચાંદની ધ્રૂજતાં ધૂજતાં બોલી.
‘થેંક્સ ચાંદની, તારા ફોનથી અને તારી હિંમતને લીધે આખો દેશ, આર્મી, નેવલ ઑફિસર બધાં બચી ગયાં. આતંકવાદીઓ વિક્રમ પાસેથી નકશા લઈને બોમ્બે હાઈનું લોકેશન જાણી તેના પર હુમલો કરવા આવ્યા હતા.’
ચાંદનીએ વિનંતી કરતાં કહ્યું : ‘સાહેબ… મીડિયામાં ક્યાંય મારું નામ નહીં આવવા દેતા. પ્રસિદ્ધિનો કાંટાળો તાજ અમને ના પરવડે સાહેબ….’ રાવે હકારમાં માથું હલાવ્યું ને કહ્યું :
‘આ કેબિનમાંથી બહાર નીકળી જા. પછી હું સંભાળી લઈશ… ચાંદની, એક વાત પૂછું ?’ રાવે કહ્યું.
‘હા.. સાહેબ…’
‘તેં વિક્રમને ખંખેર્યો હોત તો તને લાખો રૂપિયા મળી શકત. પછી આમ કેમ ?’
‘સાહેબ, કરવા તો હું એ જ આવી હતી. તેના સોનાના ચેન અને લેપટૉપ પર મારી નજર હતી. પણ તેના તેવર કાંઈ અલગ જ હતા. SMS વાંચીને પસીનો-પસીનો થઈ જવું, લેપટૉપની સામે બેસીને કાગળ પર લખ્યા કરવું, બારી ખોલવાની માથાકૂટ, બે-ત્રણ નકશા…. આ બધું મને ઠીક ના લાગ્યું. કાંઈ ન સૂઝતાં મેં પોલિસને ફોન કર્યો.’ બીજા ત્રણ ઑફિસર્સ હજી વિક્રમના રૂમની તલાશી લેતાં હતાં. બધા એકીશ્વાસે ચાંદનીની વાત સાંભળતા હતા. ચાંદની આગળ બોલી :
‘સા’બ, હમ તન બેચતે હૈ, વતન નહીં…..’ કહીને આરામખુરશી પરથી પોતાનો દુપટ્ટો લઈ ગર્વીલી ચાલે કેબિનમાંથી ચાંદની બહાર નીકળી ત્યારે રાવ સહિત ત્રણે ઑફિસરે તેને સલામી આપી.

[poll id=”18″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

26 thoughts on “અગ્નિપથ – પાયલ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.