પલાશ – ધીરુબહેન પટેલ

[ ‘નવનીત સમર્પણ’ દીપોત્સવી નવે-2012 ‘સમય વિશેષાંક’માંથી સાભાર. ‘નવનીત સમર્પણ’ હવે ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે જુઓ : www.navneetsamarpan.com ]

[dc]છો[/dc]કરો કંઈક મૂંઝાયેલો લાગતો હતો. બહારથી તણખલું વીણી લાવીને માળા ભણી જતી ચકલીની જેમ વારે વારે એના જ વિચારો બન્ને જણને આવતા હતા, અને બેચેનીમાં વધારો કરતા હતા.
‘કમસે કમ તને તો ખબર હોવી જ જોઈએ.’ અવિનાશ ઘૂરક્યો. સ્વાતિ સ્થિર નજરે એની સામે જોઈ રહી અને હળવેથી બોલી,
‘શાથી ?’
‘કારણ કે તું એની મા છે.’
‘એમ તો તમેય બાપ છો જ ને !’
‘એટલે જ રાતદહાડો કમાવામાં જીવ હોય છે ને ! મને તારી માફક એની જોડે ગુસપુસ કરવાનો ને હાહાહીહી કરવાનો ટાઈમ થોડો મળે છે ? હું જાણું છું- મારા કરતાં તારી જોડે એને વધારે બને છે. તારે એને પૂછવું જોઈએ.’
‘મેં નહીં પૂછ્યું હોય ?’
‘શું કહે છે ?’
‘કંઈ નહીં. “કશું નથી, કશું નથી” એવું કહ્યા કરે છે.’
‘એ તું માની લે છે ?’
‘ના. પણ કરું શું ? કેટલી વાર પૂછું ?…. મને લાગે છે, એક વાર તમે પૂછી જુઓ તો ?’
‘તને નથી કહેતો તે મને કહેવાનો છે ?’

અવિનાશની વાત સાચી હતી. બાપદીકરા વચ્ચે દિલ ખોલીને વાત કરવાનો વ્યવહાર ખાસ રહ્યો નહોતો. ફુરસદ પણ નહોતી. થોડી વાર શાંત રહ્યા પછી એ બોલ્યો :
‘એના કોઈ ભાઈબંધને પૂછી જોઈશું ?’
‘ના, ના ! નકામો ચિડાઈ જશે…. પણ કંઈક છે તો ખરું.’
‘તે જ ને !’
પછી નિઃશબ્દ નિરાકાર આતંકની છાયામાં બેય બેસી રહ્યાં. કદાચ વધારે વખત એમ ને એમ વહી જાત પણ પલાશ પોતાના ઓરડામાંથી બહાર નીકળ્યો અને એમની સામે જોઈને બોલ્યો, ‘મોદીકાકાને ત્યાં નથી જવાનાં તમે લોકો ?’
‘અરે હા ! એ તો રહી જ ગયું.’ કહીને અવિનાશ ઊઠ્યો અને રાહત પામીને અંદર તૈયાર થવા ગયો. સ્વાતિને પણ મન તો થયું પણ એ ત્યાં ને ત્યાં જ બેસી રહી અને આસ્તેથી બોલી : ‘ચાલને, તું પણ અમારી જોડે ! એ લોકોને સારું લાગશે.’

પલાશ અચંબો પામીને એની સામે જોઈ રહ્યો. એની નજર સામે સ્વાતિથી ટકાયું નહીં. એ આસ્તેથી બબડી,
‘ન આવવું હોય તો તારી મરજી. આ તો થયું કે….’ શું થયું એ જાણવાની પલાશને પરવા નહોતી. કંઈક શોધી કાઢીને કહેવાની સ્વાતિની હિંમત પણ નહોતી. જાણે વરસાદ પડ્યો અને મેચ સંકેલાઈ ગઈ. અવિનાશના જૂના પાર્ટનર જયરામ મોદી આજના પ્રસંગનો લાભ લઈને એક નવું બિઝનેસ-પ્રપોઝલ મૂકવા માગતા હતા પણ અવિનાશનો મૂડ જોઈને એમણે વાત માંડી વાળી. છૂટા પડતી વખતે માત્ર પૂછ્યું :
‘કંઈ પ્રોબ્લેમ છે ?’
‘ના રે ના !’ કહીને અવિનાશ મોટેથી હસ્યો.

પણ પ્રોબ્લેમ તો હતો જ. પાછા વળતી વખતે તે સ્વાતિ સાથે પણ કંઈ બોલી શક્યો નહીં. પલાશ મોટો થયો છે અને એની પોતાની દુનિયામાં વસે છે. ત્યાં જવાનો કે એની સાથે સંપર્ક સાધવાનો કોઈ માર્ગ સૂઝતો નથી. એને કંઈ પણ તકલીફ હોય; અવિનાશે એનો ઉકેલ શોધવો જોઈએ. નાનો હતો ત્યારે ગમે તે મુશ્કેલી હોય, અવિનાશ પાસે જઈને એ બે હાથ ઊંચા કરતો. એના આંસુભીના ચહેરાને પોતાના ગાલ સાથે ઘસીને કોરો કરવાની એક અદમ્ય ઈચ્છાને વશ થઈને અવિનાશ એને તેડી લેતો. તે વખતે પલાશ માનતો હતો કે જિંદગીનું કોઈ પણ દુઃખ પળવારમાં ઉડાડી મૂકવાની શક્તિ પોતાના બાપમાં છે. મોહભંગ થવાની ક્ષણ આવવાની હજુ બહુ વાર હતી.

આજે પલાશ અને અવિનાશ વચ્ચે બહુ છેટું પડી ગયું છે. અનેક જોજનોનું નહીં, અનેક પ્રકાશવર્ષોનું. પલાશનું દુઃખ દૂર કરવાની તો વાત જ ક્યાં, એને સમજવાની કે એને વિશે પૂછવાનીયે એનામાં શક્તિ નથી. એ માત્ર ગુસ્સો કરી શકે છે- સ્વાતિ પર, પોતાની જાત પર, વચ્ચેનાં વેડફાઈ ગયેલાં વર્ષો પર.
‘તુંયે કંઈ કરતી નથી ને !’ એણે સ્વાતિ પર ચીડ ઉતારી.
‘પણ હું શું કરું ? તમે તપાસ કરોને, એને કંઈ કોઈનું દેવુંબેવું નથી થઈ ગયુંને ? કે પછી પરીક્ષાનું ટેન્શન હોય… અને….’
‘અને શું ?’
‘કંઈ નહીં. આ તો અમથો વિચાર આવ્યો કે કંઈ પ્રેમબેમમાં તો નથી પડ્યો ને ?’
‘જો કે એવું કરે તો નહીં, પણ આ તો ઉંમર છે….’
‘તું મહેરબાની કરીને હવે ચૂપ રહીશ ?’
સ્વાતી બારીની બહાર જોવા લાગી. પણ એને સ્નેહલતાના દીકરાએ કશુંક પી લીધેલું અને માંડ માંડ બચી ગયેલો તે યાદ આવ્યું. ના, પોતાના ઘરમાં તો ભગવાન એવું કશું જ નહીં થવા દે. અને પલાશ મોઢું ખોલીને કંઈ વાત કરે તો તે એ લોકો એનું મન જ્યાં મળ્યું હોય ત્યાં વાત કરીને બધું સમુંસૂતરું પાર પણ ઉતારી આપે અને પોતે પણ પરન્યાતની, પરપ્રાંતની, ચાલોને, પરધર્મની પણ કોઈ છોકરી જો પલાશને ગમી ગઈ હોય તો સ્વીકારવા તૈયાર હતી. પણ એના મનમાં શું છે એ જાણવું કઈ રીતે ?

હવે એ મોટો થઈ ગયો છે. મન મૂકીને કશી વાત કરવા તૈયાર જ નથી. પહેલાં તો આખા દિવસની ગમે તેવી ધૂળગજાની વાત પણ માને સંભળાવ્યા વગર એને પથારી સાંભરતી નહોતી. હવે આ શું થઈ ગયું છે ? પોતાના જ એકના એક દીકરા સાથે ખોંખારીને વાત કરવાની હિંમત કેમ નથી ચાલતી ? ઘોર જંગલમાં જાણે બન્ને વિખૂટાં પડી ગયાં છે, એ અને એનો દીકરો.

ઘરે પહોંચ્યા પછી કોઈએ આ વાત કાઢી જ નહીં. રોજની જેમ બધું પરવારીને ટી.વી. જોતાં જોતાં સ્વાતિએ અવિનાશનો હાથ પકડી લીધો.
‘કેમ ? શું થયું ?’
‘કંઈ નહીં, આ તો મને વિચાર આવ્યો કે…’
‘શું ?’
‘આજની રાત તમે એના ઓરડામાં સૂઈ જાઓ તો ?’
‘કોના ? પલાશના ?’
‘હં…..’
‘શું કરવા ?’
‘કદાચ એ તમને કંઈ કહેવા માગતો હોય… એટલે કે તમને એકલાને !’ સ્વાતિની બાજુમાં પડેલા રિમોટ કંટ્રોલને ઊંચકીને અવિનાશે પહેલાં તો ટી.વી.નો અવાજ બંધ કર્યો અને પછી એકાદ-બે ચેનલ બદલીને સ્વાતિ સામે મીટ માંડી.
‘તું કહેવા શું માગે છે ? ઘરમાં બીજું કોઈ પારકું તો છે નહીં.’
‘પણ હું તો ખરીને ! માની લો કે એ તમને એકલાને પોતાના દિલની વાત કહેવા માગતો હોય…’ થોડો વિચાર કરીને અવિનાશ બોલ્યો :
‘મને નથી લાગતું. તેમ છતાં તું કહે છે તો….’

પછી એ ઊઠીને પલાશના ઓરડામાં ગયો. એ સિગારેટ પીતો હતો. ઝટપટ સંતાડી દઈને બોલ્યો :
‘કેમ પપ્પા ?’
‘કંઈ નહીં. કેરી ઑન ! સાદી જ છે ને ?’
‘એટલે ? તમે એમ કહેવા માગો છો કે….’
‘હું કંઈ કહેવા માગતો નથી. માત્ર સાંભળવા જ માગું છું.’
‘શું ?’
‘તારે જે કહેવું હોય તે. ધારો કે તારે કંઈ જ કહેવું ન હોય તો તું મને ‘પપ્પા ! ગેટ લોસ્ટ !’ એવું પણ કહી શકે છે.’
‘અરે !’ પલાશે સિગારેટ બૂઝવીને વેસ્ટ પેપર બાસ્કેટમાં ફેંકી દીધી, અને એક બાજુ ખસી જઈને પોતાના પલંગમાં અવિનાશને બેસવાની જગ્યા કરી આપી. અવિનાશ બેઠો પણ કંઈ બોલ્યો નહીં. પલાશ પણ મૂંગો જ રહ્યો. આમ ને આમ ત્રણચાર મિનિટ જતી રહી. પછી અવિનાશે વાત શરૂ કરી.

‘પલાશ, તને કંઈ પ્રોબ્લેમ છે ?’
‘છે પણ ખરો… અને નથી પણ ! કોઈ વાર વિચાર આવે છે કે તમને વાત કરું કે તમને બન્નેને સાથે બેસાડીને વાત કરું. પણ કંઈ સમજાતું નથી. કદાચ તમે લોકો મારી વાત સમજો જ નહીં. કેમ, એવું ન બને ?’
‘બની શકે. એવું થાય તો તારે અમને માફ કરવાં પડે.’
‘એવું ન બોલો- પ્લી-ઝ ! પણ તમને એવું નથી લાગતું પપ્પા કે આપણે એકબીજાથી બહુ દૂર થઈ ગયા છીએ ?’
‘લાગે છે. પણ સાથે સાથે એવુંયે લાગે છે કે- જો આ અંતર પડ્યું છે એટલુંયે સ્વીકારી શકીએ તો કદાચ એને ઓળંગવાનો રસ્તો પણ જડે.’
‘જડે ખરો ?’
‘સાથે મળીને શોધીએ તો કેમ ન જડે ?’ પહેલાંની માફક વળગી પડવાનું હવે શક્ય નહોતું, પણ પલાશે અવિનાશનો હાથ તો પકડી જ લીધો.

[poll id=”17″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “પલાશ – ધીરુબહેન પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.