અંદરની શૂન્યતા – ફાધર વાલેસ

[dc]‘બી[/dc]જી વસ્તુ ખરીદી, એટલે પગમાં બીજો પથરો બાંધ્યો. નવી માલિકી અને નવી ગુલામી. હાથમાં માલ લેવો, એટલે દિલને બેડીઓ પહેરાવવી.’ અપરિગ્રહનો એ પ્રાચીન મંત્ર હતો. પણ એ જૂના ઉપદેશમાં હવે નવો રણકો વાગે છે. કારણ કે એ ઉપદેશ આપનાર એક આધુનિક વિજ્ઞાની હતા. ઉપર ટાંકેલા શબ્દો આજના યુગમાં વિજ્ઞાનીઓના શિરોમણિ એવા આલ્બર્ટ આઈન્સ્ટાઈનના હતા.

લોકો એમને કોઈ ભેટ આપવા જાય, કોઈ સારા પ્રસંગે પ્રેમાદર બતાવવા કંઈક મોકલે કે એમના હાથમાં કોઈ વસ્તુ મૂકે, ત્યારે તે કંઈક મજાકમાં ને કંઈક ઠપકામાં ફરિયાદ કરતા : ‘મને આ શું આપો છો ? મારા હાથમાં આ કેવી બેડીઓ નાખો છો ? મારે આ બધી વસ્તુઓની ક્યાં જરૂર છે ? અને જરૂર નથી, પછી એના મોહમાં શા માટે ફસાઉં ?’ અને જેવું કહેતા, તેવું કરતા. સાદું, તપસ્વીને શોભે એવું જીવન. ઘેર મોંઘું રાચરચીલું નહીં. ભીંત પર કોઈ ચિત્રની શોભા નહીં. રોજ જેમતેમ દાઢી બનાવે – સામાન્ય સાબુ ને બ્લેડ વાપરીને. અને વાળ કપાવવા તો કોઈ દિવસ ન જાય – વર્ષમાં એકાદ વાર માથા પરનાં ડાળખાંમાં પત્નીને માલણની કામગીરી બજાવવા દે.

પ્રિન્સટન યુનિવર્સિટીએ એમને અધ્યાપક નીમ્યા ત્યાં સુધીમાં તો એ દુનિયામાં સૌથી પ્રખ્યાત વિજ્ઞાની બની ચૂક્યા હતા. વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રિન્સટન પહેલી હરોળમાં, ત્યાં એમને સંશોધન માટે પૂરી સગવડ મળી શકે. તેનું આમંત્રણ આઈન્સ્ટાઈને સ્વીકાર્યું ત્યારે યુનિવર્સિટીના પ્રમુખે એમની આગળ કાગળ ધરીને કહ્યું : ‘આપના પગાર-પુરસ્કાર માટે આપને યોગ્ય લાગે તે રકમ આમાં ખુશીથી લખી નાખો. આપ જે કાંઈ આંકડો મૂકશો, તે યુનિવર્સિટીને મંજૂર હશે.’ આઈન્સ્ટાઈને કાંઈક રકમ લખી. એ જોઈને પ્રમુખશ્રીનું મોં પડી ગયું. ‘આવું તે કાંઈ લખાતું હશે ?’ એટલે આઈન્સ્ટાઈન કાગળ પાછો લઈને ઓછી રકમ લખવા જતા હતા, ત્યાં પ્રમુખે ખુલાસો કર્યો : ‘આટલો ઓછો પગાર તો આ યુનિવર્સિટીના કારકુનને પણ અમે આપતા નથી અને આપ એટલો જ પગાર લો, તો યુનિવર્સિટીની આબરૂ જાય. માટે આપની આ માગણી અમારાથી નહીં સ્વીકારી શકાય.’ અને આઈન્સ્ટાઈને લખેલ આંકડાની પછી એક મીંડું ચડાવીને યુનિવર્સિટીના પ્રમુખે નિમણૂક પત્ર પર સહી કરી.

સાદું જીવન, સરળ વ્યવહાર. પણ સાદુ જીવન તપશ્ચર્યા માગી લે છે. સરળ સમજણની પાછળ ઊંડો અભ્યાસ હોય છે. જેનું આંતરિક જીવન સમૃદ્ધ હોય, એ જ પોતાના બાહ્ય જીવનમાં સાદાઈ રાખી શકે. જેનું દિલ ને મન ભરેલું હોય, તેને બહારના આધારની જરૂર પડતી નથી. આઈન્સ્ટાઈનના જીવનમાં વિજ્ઞાનનું અનુશીલન હતું. વાયોલિન પર શાસ્ત્રીય સંગીત વગાડવું એ એમનો મોટો શોખ હતો, અને ઘેર પ્રેમાળ પત્નીને સુખી દાંપત્ય હતાં. જ્ઞાનવિજ્ઞાનનું સેવન, વિદ્યાની ઉપાસના, કલાસંગીતનો રસ ને પ્રેમની હૂંફ, એ સંસ્કારી જીવનનાં ખરાં મૂલ્યો છે. એ હોય તો પછી બહાર ધાંધલ ને ભપકો, મનોરંજન ને એશઆરામ શોધવાની કોઈ જરૂર રહેતી નથી.

દિલ ખાલી છે, મન શૂન્ય છે, એટલે જ્યાંત્યાંથી કંઈ ને કંઈ પકડી લાવવાનાં ફાંફાં ચાલે છે. લેવાનું, માગવાનું, ખરીદવાનું, નવું નવું વસાવવાનું, આખું ઘર ભરી દેવાનું. અંદરની શૂન્યતા ન દેખાય, તે માટે બહાર ધનનું પ્રદર્શન કરવાનું. સાદાઈ અને અપરિગ્રહનો માર્ગ અને તેનો અનુરોધ કોઈ જૂનવાણી ઉપદેશક તરફથી નહીં, પણ આધુનિક વિજ્ઞાનીના મોંએથી ને જીવનમાંથી.

[poll id=”20″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “અંદરની શૂન્યતા – ફાધર વાલેસ”

Copy Protected by Chetan's WP-Copyprotect.