- ReadGujarati.com - http://www.readgujarati.com -

પાંદડે પાંદડે કિરણ (ભાગ-2) – સં.મહેશ દવે

[ ટૂંકી પ્રેરક બોધકથાઓના પાંદડે-પાંદડે શ્રેણીના પુસ્તક ‘પાંદડે પાંદડે કિરણમાંથી એકાદ-બે લેખ અગાઉ આપણે માણ્યા છે. આજે માણીએ વધુ બે પ્રેરક રચનાઓ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સમયની આગળ

રાત્રિના અંધકારની પાંખો આખા શહેરને વીંટળાઈ વળી હતી. પ્રકૃતિએ તેના પર સફેદ બરફની ચાદર ઓઢાડી દીધી હતી. શહેરની ગલીઓ છોડી હૂંફ મેળવવા માટે માણસો પોતાના ઘર તરફ વળી રહ્યા હતા. શહેરના ઉપનગરમાં છેવાડે એક જૂનું ઝૂપડું ઊભું હતું. એના ઉપર ભારે બરફ છવાયો હતો. ઘમચુલા જેવા ઝૂંપડાના ખૂણામાં ખખડી ગયેલા ખાટલામાં મૃત્યુના કિનારે ઊભેલો એક યુવાન સૂતો હતો. ઠંડા પવનથી ફડફડ થતાં બુઝાતા દીવાની સામે એ એકીટશે જોઈ રહ્યો હતો. આયુષ્યના વસંતકાળમાં જીવી રહેલો એ યુવાન સારી રીતે જાણતો હતો કે તેની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે. મૃત્યુદેવ તેને મુક્ત કરે તેની તે રાહ જોઈ રહ્યો હતો. તેના મ્લાન ચહેરા પર આશા-અપેક્ષા હતી, તેના હોઠો પર સ્મિત હતું અને આંખોમાં ક્ષમાનો ભાવ હતો.

જીવનથી ઊભરાતા ધનિકોના શહેરમાં એ ગરીબ યુવાન ભૂખ-તરસથી પીડાઈને તેમજ ટાઢથી ઠૂંઠવાઈને મૃત્યુને માર્ગે વિદાય લઈ રહ્યો હતો. એ યુવાન કવિ અને ચિંતક હતો. લોકોને આહલાદ આપવા અને તેમની જિજ્ઞાસા સંતોષવા દેવી સરસ્વતીએ તેને પૃથ્વી પર મોકલ્યો હતો. કમનસીબે પ્રજાજનો એને સમજ્યા નહીં, કારણ કે તેમણે તેને બરાબર સાંભળ્યો જ નહીં. સાંભળવા માટે તૈયાર જ ન હોય તેના જેવા બહેરા બીજા કોઈ નથી.

યુવક કવિ-ચિંતક તેના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. પોતાના હાથ આકાશ તરફ ઊંચા કરી એણે પ્રાર્થના કરી, ‘હે દેવાધિદેવ મૃત્યુ, આવ, મને તારી ગોદમાં લઈ લે. મારી આસાપાસ બંધાયેલી સંસારની સાંકળોમાંથી મને મુક્ત કર. હું અહીં કિન્નરોનાં ગાન અને સંતોની વાણી લઈને આવ્યો હતો, પણ શોષણ કરતા લોકોને તેમાં રસ નહોતો અને શોષિત લોકોને સમય વેઠ કરવામાં જતો હતો. તેમની પાસે નિરાંત નહોતી.’ મૃત્યુદેવ આવ્યા અને યુવાનને સાંત્વન આપ્યું, ‘યુવાન, હું તને મુક્ત કરવા આવ્યો છું. તેં તારા જીવનનું કાર્ય પૂર્ણ કર્યું છે. તારી કવિતાઓ અને ચિંતનને આજે કોઈએ ધ્યાન પર લીધાં નથી, પણ એ વ્યર્થ જવાનાં નથી. આવનારી પેઢી એ વાંચશે, એની કદર કરશે, આનંદ લેશે અને માર્ગદર્શન મેળવશે.’

સદીઓ પછી પ્રજા તેની અજ્ઞાનની નિંદ્રામાંથી જાગી. જ્ઞાન, કલા, સાહિત્ય અને ચિંતનનું નવપ્રભાત ખીલ્યું. શોધખોળ કરનારાઓએ યુવાન કવિ-ચિંતકનાં લખાણો શોધી કાઢ્યાં. તેના શબ્દોના અર્થ કર્યા, પુસ્તકો છાપ્યાં, નવાં અર્થઘટનો થયાં. સાચુ સાહિત્ય કદી એળે જતું નથી. એનામાં સત્વ હોય તો તે ટકે છે, જીવે છે અને વિશ્વને ઘડે છે. સમય લાગે છે, કારણ કે કવિ-ચિંતકો તેમના સમય કરતાં આગળ હોય છે.

.

[2] હળવાશ પામવાનું પ્રથમ પગથિયું

ટેકરીઓની પેલે પાર એક શાંત ઉપવન હતું. ઉપવનમાં એક સિદ્ધ મહાત્મા રહેતા હતા. એક યુવાન સાધક તેમની સાથે જ્ઞાનચર્ચા કરી રહ્યો હતો. ત્યાં એક થાકેલો માણસ આવ્યો. એના બિહામણા ચહેરા, ગંદા કપડાં, કેડે બાંધેલી કટાર, ખભે ધારણ કરેલા ધનુષ્ય-બાણથી સ્પષ્ટ હતું કે એ કોઈ લૂંટારો હતો. મહાત્માની પારખુ દષ્ટિથી અછાનું ન રહ્યું કે આ માણસ હિંસક છે અને લૂંટફાટ કરી નિર્વાહ કરે છે.

એ માણસ આવીને મહાત્માને પગે પડ્યો અને બોલ્યો :
‘હે દયાળુ મહાત્મા, મેં બહુ પાપ કર્યા છે. પાપનો એ ભારે બોજ મારા હૃદયને કચડી રહ્યો છે. મારે તેમાંથી હળવા થવું છે.’
મહાત્મા એ માણસ સામે ક્ષણવાર જોઈ રહ્યા. પછી બોલ્યા, ‘ભાઈ, મેં પણ ઘણાં પાપ કર્યાં છે. તેનો બોજો મને પણ ભારે લાગે છે.’
એ માણસે કહ્યું : ‘પણ મહાત્માજી, હું તો ચોર છું. મેં ઘણે ઠેકાણે ધાડ પાડી છે. વટેમાર્ગુઓને લૂંટ્યા છે.’
મહાત્માએ ડોકું હલાવ્યું, એ બોલ્યા : ‘ભાઈ, સિદ્ધિ તો મને પછીથી મળી. મારા પૂર્વજીવનમાં હું પણ ચોર-લૂંટારો હતો.’
લૂંટારો હવે કકળી ઊઠ્યો, ‘મહારાજ, મેં તો ઘણી હત્યાઓ પણ કરી છે. હત્યા કરેલાં કેટલાંયની આંખો મારી સામે તગતગે છે. તેમની ચીસો મારા કાનમાં સંભળાય છે.’ શાંત ચિત્તે સાંભળી રહેલા મહાત્માએ કહ્યું :
‘વાલ્મીકિ ઋષિની જેમ મેં પણ પૂર્વજીવનમાં હત્યાઓ કરી છે.’

લૂંટારો ઊભો થયો. તેણે મહાત્મા સામે તીણી નજરે જોયું. તેની આંખમાં કોઈ અજબ તેજ ચમક્યું. એ ખોડંગાતો ખોડંગાતો ચાલતો થયો. ટેકરીઓ ઊતરવા માંડ્યો. ગુરુ સામે બેઠેલો સાધક શિષ્ય આશ્ચર્યથી જોઈ રહ્યો. એ મહાત્માને નખશિખ જાણતો હતો. તેમના પૂર્વજીવનથી પણ એ માહિતગાર હતો. તેણે મહાત્માને પૂછ્યું :
‘ગુરુજી, શા માટે તમે ન કરેલાં પાપોની કબૂલાત કરી ? તમે જોયું નહીં એ માણસ તમને તુચ્છ ગણીને ચાલતો થયો.’
મહાત્માએ કહ્યું : ‘એ ખરું છે કે એની આંખમાંથી હું ઊતરી ગયો, પણ એ મારી પાસેથી રાહત પામીને ગયો. હળવો થઈને ગયો. એને એ જ જોઈતું હતું ને !’ એ જ વખતે મહાત્મા અને શિષ્યે દૂર દૂરથી સીટી બજતી સાંભળી. સીટી વગાડતો વગાડતો, ગાતો ગાતો લૂંટારો ટેકરીઓ ઊતરી રહ્યો હતો.

ઉપદેશથી કે કઠોર વેણથી કોઈ સુધરતું નથી. પહેલું પગથિયું હળવા થવાનું છે. બીજું પગથિયું નવજીવનનું છે. પાછલાં પાપ ભૂલીને નવો રાહ અપનાવવાનું છે. બીજાઓ પણ પોતા જેવા જ છે, પોતે ઊતરતી કક્ષાનો નથી એની પ્રતીતિ માણસને થાય પછી એ સુધરી શકે.

[કુલ પાન : 44. (મોટી સાઈઝ) કિંમત રૂ. 35. પ્રાપ્તિ સ્થાન : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. 1-2, અપર લેવલ, સૅન્ચુરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 26560504. ઈ-મેઈલ : info@imagepublications.com ]

[poll id=”19″]