- ReadGujarati.com - http://www.readgujarati.com -

રીડગુજરાતી સબસ્ક્રિપ્શન સુવિધા શરૂ – તંત્રી

[dc]પ્રિ[/dc]ય વાચકમિત્રો,

દિવાળીનો તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે. બજારો ભીડથી ઊભરાઈ રહ્યાં છે. અખબારો જાહેરાતોથી છલકાઈ રહ્યાં છે. દરેક વેપારીને કોઈને કોઈ આકર્ષક ભેટ યોજના કે સેલ યોજવા પડે છે. નાનકડા સ્ટેશનરીના ધંધાથી લઈને મોટા ટેનામેન્ટ કે ફલેટ વેચનાર પણ આમાંથી બાકાત નથી. સૌ કોઈ ગ્રાહકોને આકર્ષવા માટે કોઈને કોઈ યોજનાઓ તૈયાર કરીને મોટી જાહેરાતો કરે છે. આ જાહેરાતોમાંની પેલી નાનકડી ફુદડી (Conditions Apply) કેટલી બધી મહત્વની છે, એ તો પૂરું વાંચીએ ત્યારે જ સમજાય !

આ સ્પર્ધાત્મક માહોલમાં રીડગુજરાતીની ગંગા સાવ ઊલ્ટી દિશામાં વહે છે. થોડાક દિવસો અગાઉ આપની સમક્ષ ‘સ્વૈચ્છિક લવાજમ સુવિધા’ની વાત મૂકી હતી. દેશ-વિદેશમાંથી એટલા બધા ઈ-મેઈલ, ફોન અને પ્રતિભાવો મળ્યાં કે આ સુવિધા તૈયાર કરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવું પડ્યું. ઘણાં વાચકોએ તો એમનંએ લવાજમ એ જ દિવસે મોકલી આપ્યું ! છેવટે, અમારા એક પ્રોગ્રામર વાચકમિત્રની મદદથી આ સુવિધા હવે તૈયાર થઈ ગઈ છે અને આજે તેનો વિધિવત શુભારંભ કરીએ છીએ. અગાઉ જણાવ્યું હતું એ પ્રમાણે, આ સુવિધાનો હેતુ લાંબાગાળા માટે રીડગુજરાતીને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવાનો છે. જેઓ યોગદાન આપે છે તેઓ તો રીડગુજરાતીને સહાય કરે જ છે પરંતુ ઘણા બધા એવા વાચકો છે જેઓ નાની રકમનું યોગદાન આપતાં સંકોચ અનુભવે છે. આ સુવિધા દ્વારા સૌ કોઈ એક પરિવારની માફક રીડગુજરાતી સાથે જોડાઈ શકે છે. અહીં લવાજમ ભરનારને કોઈ વિશેષ સુવિધા પ્રાપ્ત થતી નથી. રીડગુજરાતી સૌની માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે અને રહેશે. હા, લવાજમ ભરનારને ભવિષ્યમાં પત્ર દ્વારા કોઈ ન્યુઝલેટર કે સારાં પુસ્તકોની માહિતી મોકલી શકાય એવો વિચાર છે. આ લવાજમ સ્વીકારવા માટે અનેક વાચકમિત્રોના સૂચનો પ્રાપ્ત થયા હતાં. તેમનાં સૂચનોને ધ્યાનમાં લઈને આ સુવિધા તૈયાર કરવામાં આવી છે. ઘણા વાચકમિત્રો પાંચ વર્ષ કે તેથી વધુ લાઈફટાઈમ સબસ્ક્રિપ્શન આપવા પણ ઈચ્છતાં હતાં પરંતુ રીડગુજરાતીને વાર્ષિક નિયમિત આવકની જરૂરિયાત હોઈને લાંબાગાળાનું લવાજમ સ્વીકારવાનું હાલપૂરતું મોકૂફ રાખ્યું છે. મિત્રો, કૃપયા ફરી એક વાર નોંધી લેશો કે આ લવાજમ મરજિયાત છે. રીડગુજરાતીનું કામ જોયા બાદ આપને જો મદદરૂપ થવાની ઈચ્છા હોય તો આપ લવાજમ ભરી શકો છો.

મિત્રો, ઉપર જણાવ્યું તેમ કે આ તહેવારોની મોસમમાં સૌ કોઈને ભેટ યોજનાઓ જાહેર કરવી પડે છે. (આમાં સાહિત્ય સામાયિકો પણ બાકાત નથી.) રીડગુજરાતી પર તો એવી કોઈ આકર્ષક ઑફરો છે નહીં તે છતાં અહીં લવાજમ આપવા માટે 200-250 જણની લાઈન છે ! ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં આ ઘટના નોંધાવી જોઈએ. આમાં રીડગુજરાતીનો કોઈ ચમત્કાર નથી પરંતુ સારા અને સત્વશીલ સાહિત્યની ભૂખ આજે પણ વાચકોમાં જાગૃત છે તેની આ સાબિતી છે. આપ સહુના આ પ્રેમ અને સહકાર બદલ હું ધન્યતાની લાગણી અનુભવું છું. મને આશા છે કે આ લવાજમ સુવિધાને આપનો યોગ્ય પ્રતિસાદ મળી રહેશે. આપ આપના મિત્રો અને સ્નેહીજનોને લવાજમ ભરવા માટે પ્રેરિત કરશો એવી વિનંતી છે. આપ સૌને મારા પ્રણામ.

સબસ્ક્રિપ્શન ભરવા માટેની લિન્ક આ પ્રમાણે છે : http://www.readgujarati.com/subscription/order.php [1]

લિ.
મૃગેશ શાહ.
તંત્રી, રીડગુજરાતી.
+91 9898064256