પ્રેરક વાંચન – સંકલિત

[‘તથાગત’ સામાયિકમાંથી સાભાર.]

[1] કંઠસ્થ….! – અમૃતલાલ વેગડ

સવારે ચાલ્યા. થોડી વારમાં કુબ્જા (નદી) આવી. કુબ્જા અને નર્મદાના સંગમ પર છે અજેરા. એકદમ ઊભી ને ઊંચી ભેખડ પર હોવાને લીધે આ ગામ હવામહેલ જેવું જણાતું હતું. લાગતું હતું કે ફૂંક મારવાથી ગામનાં ખોરડાં સીધાં નદીમાં પડશે. થોડાં કુબ્જામાં, થોડા નર્મદામાં. અમે કુબ્જા પાર કરવા ઈચ્છ્યું પણ ન કરી શક્યાં. પાણી વધુ નહોતું પણ બંને કાંઠે એટલો કાદવ હતો કે પગ રાખતાં જ ખૂંપતાં. નર્મદાને મળવાની ઉતાવળમાં કુબ્જા જાણે એનો અસબાબ અહીં ભૂલી ગઈ છે !

પાસે એક ખેડૂત હળ હાંકી રહ્યો હતો. એણે કહ્યું કે દૂર પેલું જે લીમડાનું ઝાડ દેખાય છે, ત્યાંથી લોકો કુબ્જા પાર કરે છે. એણે એ પણ કહ્યું કે ચોમાસામાં નર્મદા અને કુબ્જાના પ્રવાહ એક થઈ જાય છે અને આ ખેતરો પર પાણી હિલોળા લે છે. અજેરા ચોમાસામાં ટાપુ બની જાય છે. ખેતરોમાંથી ચાલીને, મોટો ફેરો ખાઈને કુબ્જા પાર કરી ત્યારે અજેરા આવી શક્યા. સાંજે ગજનઈ પહોંચ્યા. સામાનથી લદાયેલાં હતાં. ગામમાં જતાં જ એક ગ્રામીણે કહ્યું, ‘બહુ આડંબર રાખ્યો છે !’

બધો ‘આડંબર’ એક કિસાનને ત્યાં રાખીને નર્મદાકાંઠે ગયાં. ત્યાં સામેથી એક હોડી આવી અને એમાંથી એક ભાઈ ઊતર્યા. એમનાથી વાતો થવા લાગી તો કહે કે ગજનાઈમાં મારું સાસરું છે. ચાલો, ત્યાં તમારી વ્યવસ્થા થઈ જશે. ખેતરોની ખેડેલી જમીન પર બનેલી કેડી પર અમે જઈ રહ્યા હતા. મેં કહ્યું, ‘ખેતરો કેટલાં સારાં લાગી રહ્યાં છે !’ એમણે કહ્યું, ‘ખેતરાં સારાં લાગી રહ્યાં છે, કેમ કે એ ખેડાઈ રહ્યાં છે, વાવણી થઈ રહી છે, આળસ મરડીને ખેતરો જાગી રહ્યાં છે. હમણાં ખળાં સારાં નહીં લાગે. એ હમણાં સૂતાં છે. જ્યારે મોલ વઢાઈને ખળામાં પહોંચશે, ત્યારે એ સારાં લાગશે. ત્યારે ખેતરો ઢંગ વિનાનાં લાગશે.’ આટલું કહીને ઋતુવર્ણન સંબંધી એ કવિતા ધારાપ્રવાહ સંભળાવી. મેં કહ્યું : ‘તમે ભણેલા લાગો છો.’ તે કહે, ‘ચોથી સુધી ભણ્યો છું.’

‘પાઠ 1: ઈશ પ્રાર્થના’ કહીને એમણે પૂરી પ્રાર્થના સંભળાવી. ‘પાઠ 14 : મૂર્ખ છોકરો’ કહીને મૂરખ છોકરાની વાર્તા સંભળાવી. ‘પાઠ 44 : રામાયણના દોહા’ અને દોહા સંભળાવ્યા. એક લાંબી કવિતાના રૂપમાં શેખચલ્લીની વાત સંભળાવી. દરેક વખતે પહેલાં પાઠનો ક્રમાંક, પછી પાઠનું શીર્ષક અને પછી પૂરો પાઠ ! ચાળીસેક વરસ પહેલાં ભણેલા પાઠ એમને કેવા કડકડાટ યાદ હતા ! ‘તમને તો પાઠના ક્રમાંક સુદ્ધાં યાદ છે !’ ‘શરૂમાં મેં જે ઋતુવર્ણન સંભળાવ્યું હતું એ પાઠ 64 છે !’ હવે જો એ મને કહેત કે તમે તો ભણેલા છો, હવે તમે કંઈક સંભળાવો, તો હું એમને કવિ રવીન્દ્રનાથના આશ્રમમાં પાંચ વરસ રહ્યો હોવા છતાં એકે કવિતા સંભળાવી ન શકત. સારું થયું કે એમણે આવું કંઈ પૂછ્યું નહીં ને મારે શરમાવાની વેળા ન આવી. મારું માનસ કંઈક એવું રહ્યું છે કે ઉતાવળે વાંચો, વાંચીને આગળનું વાંચો ને જ્યારે આ બધું વાંચવાનું પૂરું થાય, ત્યારે મગજ ખાલીનું ખાલી ! હવે થાય છે કે ઘણું ઉદરસ્થ કરવા કરતાં થોડું કંઠસ્થ કરવું સારું.
.

[2] આસ્થા – સં. રાજુ દવે

તત્વપરાયણ તપસ્વી શાહશુજાને એક યુવાન પુત્રી હતી. પિતાની જેમ જ તે પણ જ્ઞાની. કેરમાનના બાદશાહે તેની સાથે પરણવાની ઈચ્છા વ્યક્ત કરી. શાહશુજાએ કહેવડાવ્યું કે ‘ત્રણ દિવસ પછી જવાબ આપીશ.’ શાહશુજાએ ત્રીજા દિવસે એક યુવાન ફકીરને જોયો. શાહશુજાએ પૂછ્યું, ‘તેં નિકાહ કર્યા ?’ પેલા યુવાન ફકીરે કહ્યું : ‘મારા જેવા દરિદ્રને કોણ કન્યા આપે ? ત્રણ પૈસાથી વધુ મૂડી મારી પાસે નથી.’ શાહશુજાએ કહ્યું, ‘હું મારી પુત્રી તને પરણાવીશ. એક પૈસાનો લોબાન, એક પૈસાની રોટી અને એક પૈસાની સાકર લઈ આવ.’ આ પ્રમાણે તે ફકીર સાથે શાહશુજાની પુત્રીનો નિકાહ થયો. અપાર ધનસંપત્તિવાન બાદશાહને પુત્રી ન પરણાવીને શાહશુજાએ પોતાની દીકરી એક ઈશ્વરપ્રેમી, સાધનપરાયણ ગરીબ ફકીરને પરણાવી.

લગ્ન પછી તે કન્યા પોતાના પતિ સાથે તેની કુટિયાએ આવી. તેણે જોયું કે કુટિયાના એક ખૂણામાં જલપાત્ર ઉપર સૂકા રોટલાનો ટુકડો પડેલો હતો. તેણે તેના પતિને પૂછ્યું, ‘આ રોટી અહીં શા માટે રાખી છે ?’ પતિએ જવાબ આપ્યો, ‘આજે રાત્રે ખાવા કામ લાગશે, તેમ ધારી તે ગઈકાલની મૂકી છે.’ આ જવાબ સાંભળતાં જ યુવતી નિરાશ થઈ ગઈ અને પિતૃગૃહે જવા તૈયાર થઈ. ફકીરે કહ્યું, ‘મને ખબર જ હતી કે શાહશુજા જેવા ધનવાનની દીકરી આ ગરીબ ફકીરની ઝૂંપડીમાં ન રહી શકે.’ આ સાંભળી મહાત્મા શાહશુજાની જ્ઞાની દીકરીએ જવાબ આપ્યો, ‘તમારી નિર્ધનતા જોઈને હું પિયર જાઉં છું તેમ ન ધારશો, પણ તમારી પ્રભુપરાયણતાની ઓછપને લીધે દિલગીર થઈને જાઉં છું. તમે કાલ માટેની ફિકરને લીધે રોટલાના ટુકડાનો સંગ્રહ કર્યો. એ તમારી અશ્રદ્ધા સૂચવે છે. મને નવાઈ લાગે છે કે મારા પિતાએ શું જોઈ તમને પસંદ કર્યા ? મારી વીસ વર્ષની ઉંમરમાં એમણે મને અનેક વખત કહ્યું હતું કે પરમાત્મા પર પરમ આસ્થાવાળી અને વૈરાગી વ્યક્તિ સાથે હું તને પરણાવીશ. પણ અફસોસની વાત છે કે એક રોટલના ટુકડા પૂરતો ય તમને ઈશ્વર ઉપર વિશ્વાસ નથી.’ આ સાંભળી યુવાન ફકીરને પસ્તાવો થયો. તેણે પૂછ્યું, ‘આનું નિવારણ શું ?’ ત્યારે જ્ઞાની પત્નીએ કહ્યું : ‘કાં રોટલાનો ટુકડો, કાં હું. તમે નક્કી કરો કોણ અહીં રહેશે.’ પેલા યુવાન ફકીરે રોટલાનો ટુકડો યાચકને આપી દીધો.
.
[3] અમીરી – અજ્ઞાત

એ દિવસોમાં ગાંધીજી ઓરિસ્સાનો પ્રવાસ કરી રહ્યા હતા. એક ઝૂંપડામાં બાપુ કાંતતા હતા. આસપાસ કાર્યકર્તાઓ અને મુલાકાતીઓ બેઠેલા હતા. તેવામાં એક વૃદ્ધ આદિવાસી આવ્યો. બાપુની સામે ઘૂંટણિયે બેઠો, મોંમાં ઘાસનું તરણું લીધું અને પગે લાગ્યો. બાપુ તેની સામે એકીટશે નીરખી રહ્યા. એ આદિવાસી ડોસાએ માત્ર લંગોટી પહેરી હતી. તેના ઉઘાડા શરીર પર પાંસળીઓ ગણી શકાતી હતી. દરિદ્રનારાયણની સાક્ષાત મૂર્તિ સમો એ બાપુની સમક્ષ બેઠો અને પછી કમ્મરેથી એક પૈસો કાઢીને તેણે બાપુના પગ આગળ મૂક્યો.

બાપુની આંખ ચમકી. તેમણે વૃદ્ધને પૂછ્યું, ‘તમે તરણું મોંમાં શા માટે લીધું ?’ તો તેણે કહ્યું, ‘બાપજી, તમ જેવા મોટા માણસ પાસે આવીએ ત્યારે એટલી માન મરજાદ રાખવી પડે.’ એ જમાનામાં ઓરિસ્સા, બિહાર, બંગાળ બધે ગરીબ ખેડૂતો જ્યારે મોટા જમીનદારો, અમીરો કે રાજામહારાજાઓ પાસે જતા ત્યારે આ રીતે મોંમાં ઘાસનું તરણું લેતાં.
‘અને આ પૈસો શા માટે મૂક્યો ?’
‘બાપજી, દેવદર્શને જઈએ ત્યારે ખાલી હાથે ન જવાય. કંઈક ભેટસોગાદ લઈ જવી પડે.’
‘તમારો એ પૈસો મને ન ખપે.’
‘કેમ બાપજી ?’
‘તમે મને એક વચન આપો.’ બાપુએ કહ્યું.
‘શું વચન આપું ?’ – આવા મોટા મહાત્માને આપવા જેવી કોઈ વસ્તુ પોતાની પાસે છે એ વિચારે એ આદિવાસીની આંખમાં ચમક આવી ગઈ. તે એકીટશે બાપુ સામે નીરખી રહ્યો. બાપુ ફરી બોલ્યા, ‘કહો હું માગું તે આપશો ?’
‘હું ગરીબ માણસ, આપના જેવા મહાત્માને શું આપું ?’
‘જુઓ, આજથી કોઈપણ માણસને આ રીતે પગે ન લાગશો અને મોંમાં તરણું ન લેશો.’ બાપુની પાસે પ્રતિજ્ઞા લેવી એ કઠિન કામ હતું. ડોસો ઘડીભર નીચે જોઈ રહ્યો પછી અચાનક ઊંચે જોઈને બોલ્યો, ‘જાઓ બાપજી, આજથી મોંમાં તરણું નહીં લઉં, વચન આપ્યું.’ એમ કહેતાં તેનો ચહેરો ખીલી ઉઠ્યો. એની બાહ્ય સંપત્તિમાં કશો જ વધારો થયો નહોતો. એની લંગોટી અને માથે વીંટેલો લીરો એના એ જ હતા. છતાં આ સંકલ્પબળથી એક પ્રકારના અલૌકિક આનંદને એ અનુભવી રહ્યો. પછી બાપુ બોલ્યા, ‘હજી તમારે મને બીજી ત્રણ વસ્તુ આપવાની છે.’
‘હજી ?’ એમ કહેતાં તે સાનંદાશ્ચર્ય બાપુ સામે નીરખી રહ્યો.
‘જુઓ, તમારું મોં ગંધાય છે. છાંટોપાણી લીધાં છે, એ બૂરી આદત છે. એમાં પૈસા અને શરીરની ખુવારી છે. આજથી કશું જ ન પીવાની પ્રતિજ્ઞા કરો.’ વળી ડોસો ઘડીભર મૂંઝાયો. પોતાનાથી વચન પળાશે કે કેમ ? પણ સામે બાપુને બેઠેલા જોઈ તેને અદ્દભુત બળ મળ્યું. તેણે પ્રતિજ્ઞા જાહેર કરી, ‘આજથી નહિ પીઉં બાપજી…’
‘… અને, કદી ગાળ ન બોલશો.’ બાપુએ કહ્યું. ડોસો તાકી રહ્યો. પોતે ઘરમાં ગાળો ભાંડતો હતો તેની આ મોટા માણસને કઈ રીતે ખબર પડી ગઈ હશે ? તે ફરી મૂંઝાયો.
બાપુએ સમજાવ્યું, ‘જે જીભથી રામનું નામ લઈએ તે જીભથી અપશબ્દો બોલીએ તો તે જીભ અભડાય.’
‘બાપજી, હવેથી ગાળ પણ નહિ બોલું.’ એણે એમ કહ્યું એટલે રાજી થઈને બાપુએ કહ્યું :
‘હવે તમારો પૈસો લેવો. પણ પહેલાં એ કહો કે આ પૈસો આવ્યો ક્યાંથી ?’
ડોસાએ કહ્યું : ‘જંગલમાંથી ભારો કાપી લાવી શહેરમાં વેચ્યો, તેના પાંચ પૈસા મળ્યા. ચાર પૈસાના ચણા ખાધા ને એક પૈસો તમારા પગે મૂકવા સંઘરી રાખેલો.’
‘હું આ પૈસાનું શું કરું ?’ ગાંધીજીએ પૂછ્યું.
‘કોઈ ગરીબને આપજો.’

[poll id=”24″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “પ્રેરક વાંચન – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.