રેખાંકનો – સવજી છાયા

[ સામાન્યતઃ દોરાયેલાં ચિત્રો વિશે ક્યારેક અમુક સાહિત્યકારો આસ્વાદ કરાવતાં હોય છે, એનાથી એ ચિત્રોમાં રહેલી ઊંડાઈ આપણને ખ્યાલ આવે છે. પરંતુ અહીં ચિત્રકાર સવજીભાઈએ એક સુંદર પુસ્તક તૈયાર કર્યું છે, જેનું નામ છે ‘રેખાંકનો’. આ પુસ્તકમાં તેમણે પોતે દોરેલા ચિત્રોનો પોતે જ આસ્વાદ કરાવ્યો છે. તેથી એક ચિત્રકારની દ્રષ્ટિએ વિવિધ મુખમુદ્રાઓનું શું અર્થઘટન કરી શકાય, તેની આપણને વિસ્તૃત સમજ મળે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ચિત્રકાર શ્રી સવજીભાઈનો (દ્વારકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879932103 સંપર્ક કરી શકો છો.]

[1] બચપણ

અહીંના આ ગ્રામીણ બાળકનું હાસ્ય સહજ, નિર્દોષ અને નિખાલસ છે, જેને ભણતરના ભાર વિનાનું હાસ્ય કહી શકાય. આજનું બાળક ઊંચકી ન શકે એટલાં પુસ્તકો, નોટબુકો તથા ભણતરનાં સાધનોથી લચી પડતું બાળક જાણે બાળક કરતાં લાચાર પ્રાણી વધુ લાગે છે ! આજના શિક્ષણનું આવું બેઢંગું ચિત્ર જોઈ ધોરણ સાત સુધી ફક્ત એક જ પાટી-પેનમાં સમેટાઈ જતું ત્રીસ-પાંત્રીસ વર્ષો પહેલાંનું ભણતર તથા બાળપણ યાદ આવી જાય છે. ત્યારના શિક્ષણને ભ્રષ્ટાચારનો એરુ હજી નહોતો આભડ્યો એટલે તે શિક્ષણ મીઠું લાગતું હતું. ત્યારના શિક્ષકે મારેલ સોટીના સ્વાદમાં પણ મોજ હતી. તેમાં વૈશ્વિક ઉદારીકરણની બૂ નહોતી. ‘આચારથી શીખવે તે આચાર્ય’ આવા આચારવાળા આચાર્યો આજે ક્યાં છે ! અરે ભાઈ, આ તો કમ્પ્યૂટર, મોબાઈલ, ટી.વી.ના ભણતરનો યુગ છે. થાકેલા, દુણાયેલા વિદ્યાર્થીનો આ યુગ છે. એટલે જ આ યુગનાં બાળકોમાં આવાં હાસ્યો નથી રહ્યાં.

અનાયાસ ભ્રષ્ટાચારી શિક્ષણ મેળવતી આજની વિદ્યાર્થીપેઢી આવતી કાલની પેઢીને શું આપશે ? એ યક્ષપ્રશ્ન આજે બધાંને સતાવે છે. આજના શિક્ષણે પરસ્પરની ખાઈઓ ઊંડી તથા પહોળી કરી નાખી છે.
.

[2] આભૂષણો- મોતીના પરિપ્રેક્ષ્યમાં કચ્છ-કચ્છી કન્યા

કચ્છ જેટલું તેની ભાતીગળ કલા માટે પ્રખ્યાત છે, એટલું જ તેની બળુકી ગ્રામીણ જાતિ-પ્રજાતિ માટે જાણીતું છે. અહીંનું આ રેખાંકન કચ્છી ઢેબરિયા રબારી બાળકન્યાનું છે, જે બખૂબી કચ્છની તળપદી કલાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. કચ્છની પ્રજાનો આભૂષણ તથા મોતીઓ સાથે હજારો વર્ષો જૂનો નાતો છે, જે ‘ધોળાવીરા’ના અવશેષો પારખી બતાવે છે. હાડકાંઓ તથા પથ્થરનાં કાણાંવાળાં આભૂષણો કચ્છીઓના પ્રારંભિક સુશોભનો હોઈ શકે. ત્યારબાદ માટીના પકાવેલા (ટેરાકોટા) અનેક આકારના મણકાઓનો પ્રાથમિક કાળથી અહીં વિકાસ થતો રહ્યો હશે. સમયાંતરે સામુદ્રિક શંખની બંગડીઓ તથા કાલુ માછલીની છીપનાં મોતીઓ સાથે સોના-ચાંદી તથા મીનાકારી કારીગરીનું સંયોજન દેદીપ્યમાન રહ્યું હશે. બાદ વિવિધ રંગોનાં મોતીનો જમાનો આવ્યો, જેમાં જૈકો નામનાં ચમકતાં પારદર્શક-અપારદર્શક મોતીઓ સાથે ધરતીની ગોદમાંથી મેળવેલા રંગીન પથ્થરોના મણકાઓને વિવિધ આકાર-ચમક આપી દેહ પર સજાવવાનો જમાનો અહીં આવ્યો છે. સૂફી-સંતોએ પણ તેને દેહ પર અપનાવ્યા હતા. રજવાડાંઓ તથા મોગલોએ તેનો રાચરચીલા માટે ભરપૂર ઉપયોગ કર્યો તેમજ અંગ પર સ્વીકાર્યા હતાં. કચ્છની ગ્રામીણ પ્રજા મુખ્યત્વે ચાંદી (રૂપું)નાં આભૂષણોને પ્રાધાન્ય આપે છે, છતાં હાલના જમાના પ્રમાણે વજનમાં હલકાં તથા સસ્તી ધાતુનાં મોતીઓ, જરીભરત તથા સિન્થેટિક પ્રસાધનોનો ભરપૂર ઉપયોગ કરી તન-મનને સજાવે છે. પદાર્થ કે ધાતુ ગમે તે હોય તે શરીર પર ઉઠાવ કેવો આપે છે તેનું મહત્વ આ પ્રજા ખૂબ જાણે છે. આવા ઉઠાવથી શોભિત આ બાળાનું રેખાંકન અહીં મનભાવન બન્યું છે.

નોંધ : કચ્છનાં કેટલાંક આભૂષણોનાં તળપદાં નામો : ઠોળિયાં, વેઢલાં, વેલાં, ઝૂમખડું, લટકણિયું, ડોલરિયું, વાળી, કાંબી, હાંસડી તથા ગગ (કચ્છની જત જાતિનું આભૂષણ) વગેરે ચાંદીનાં આભૂષણો છે, જ્યારે કાનફૂલ, બેરખો, ગંઠો વગેરે મોતી-જરીભરતનો કસબ છે. તદુપરાંત હંસી પોંચી (બન્નીની જત કોમનું આભૂષણ), હુલડા, જે ઘૂઘરીઓ, માદળીયાં તથા ચગદાં સાથે પહેરાય છે, વાડલાઓ, જે બે પ્રકારના હોય છે. એક સાદા અન્ય ચક્કર પ્રકારના, ઘઊંલા નકશીદાર કડલી, તોડા, પગદાન, અંગૂઠિયાં, ચૂડા, પોલીમંગલી, ભોરીંડા (કંકણની જગ્યાએ પહેરાય) અકોટા, પનડા, નાગલા તંગલ, ભમરિયા, કાંબીઓ.
.

[3] વનદેવી : અજંતાનું ભીંતચિત્ર

અજંતાની ગુફા નં.17માં જે સુંદર ચિત્ર બનેલ છે, જેની પ્રતિકૃતિ અહીં આપેલ છે, તેમાં તથાગત બુદ્ધના સ્વાગત માટે જતી સન્નારીઓની ટુકડી સાથે અલગ ભાત પાડતી આ ‘વનદેવી’નું ચિત્રણ છે. આ ચિત્રના સંદર્ભે ભગવાન બુદ્ધની જાતક કથાઓમાં બે અલગ-અલગ ચિત્રણ જોવા મળે છે, જે ભગવાન બુદ્ધનું માનવ-પ્રકૃતિ પર કેટલું પ્રભુત્વ છે તે બતાવે છે. પ્રથમ ચિત્રણ પ્રમાણે રાજગૃહની શેરીમાં તથાગત પધારવાના છે, તે પહેલાં પ્રકૃતિ વીફરેલ દેખાય છે. હાથીઓ ગાંડાતુર થઈ અહીંતહીં ભટકી રહ્યા છે. તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. વીથિઓ ધૂળની ડમરીથી આચ્છાદિત છે. મહેલના ઝરૂખેથી રાજઘરાનાની સન્નારીઓ આવું ઝંઝાવાતી દશ્ય જોઈ ભયમિશ્રિત આશ્ચર્ય અનુભવે છે. આવા વિપરીત વાતાવરણમાં ભગવાન બુદ્ધનાં દર્શન કેમ થશે ? બીજા દશ્ય-ચિત્રણ પ્રમાણે રાજગૃહની શેરીઓમાં તથાગત બુદ્ધનું આગમન થઈ રહ્યું છે. પ્રકૃતિ શાંત છે. તોફાન શમી ગયું છે. હાથીઓ મદમસ્ત બની અહીંતહીં શાંત વિહરી રહ્યા છે. વીથિઓ તથાગતના આગમને ફૂલોચ્છાદિત બની મહેકી ઊઠી છે. રાજઘરાનાની સન્નારીઓ ઝરૂખેથી તથાગતનાં શાંત ચિત્તે દર્શન કરી રત્નો, આભૂષણોનો અર્ઘ્ય ધરી રહી છે.

પ્રસન્ન વાતાવરણ પહેલાંના તોફાની પવન સાથેનાં વનદેવીનું અહીં ચિત્રણ છે. વાતાવરણ ડામાડોળ, વનદેવીનાં વસ્ત્રો, અલંકારો તથા મોતીની શેરો હવામાં ઊડી ઝોલાં ખાય છે. કેશકલાપનાં ફૂલો ફરકી રહ્યાં છે, છતાં મુખાકૃતિ શાંત ને સૌમ્ય છે, કારણ થોડી જ ક્ષણોમાં તથાગત બુદ્ધનાં દર્શન થવાનાં છે. વનદેવીના ચહેરાની શાંત આભા, અર્ધખૂલી આંખો તથા મોઢાનો નીચલો હોઠ થોડો લબડતો એ આધ્યાત્મિકતાની ગર્ભિત નિશાનીઓ છે. અહીંના આ દશ્યમાં વનદેવી સંગીતમંડળી સાથે લય-તાલ મેળવતાં હાથમાંનાં મંજીરાં વગાડતાં વગાડતાં ભગવાન તથાગતનાં દર્શને જઈ રહ્યાં છે. આ વર્ણન સમગ્ર ભીંતચિત્રના અનુસંધાને છે ત્યારે રેખાંકનમાં ફક્ત વનદેવીના મુખમંડળનું જ ચિત્રણ છે. લાલ-ભૂખરા રંગોથી નિર્મિત આ ચિત્રના કેશકલાપો કાળા રંગે રંગાયેલા છે. હવામાં ઊડતી મોતીઓની સેરનું ચિત્રણ તથા મુખભાવો પાત્રના આંતરમન સાથે બાહ્ય સૌંદર્યના દ્યોતક જણાય છે. તે અજંતાનાં ચિત્રકારોની હથરોટી દેખાડે છે. અજંતાનાં કલાકારો સંપૂર્ણ ધર્મપ્રેરિત હોવાથી તેની કલામાં ક્યાંય ઊણપ નથી દેખાતી.

ઈસુ પહેલાં ત્રીજીથી પાંચમી સદીના ભારતકુળના ચિત્રકારોની આ કલાસાધના છે. આ ચિત્ર ફક્ત ભારતવર્ષે જ નહીં. પણ સમગ્ર સંસારનાં ફ્રેસ્કોચિત્રણમાં અદ્વિતિય છે. વેટિકન રોમનાં ભીંત-ચિત્રોમાં સુંદરતા સાથે શરીરનાં બાહ્ય સ્વરૂપોને વધારે મહત્વ અપાયું છે, ત્યારે અહીં બાહ્ય સૌંદર્ય તો ખરું જ, સાથે-સાથે આંતર-ચેતનાનાં ઝરણાંઓ પણ ખળખળ વહે છે. ‘યુરોપે ગ્રીકની પ્રાચીન કલાકૃતિઓ જોઈ પોતાનું પુનરુત્થાન કર્યું, ભારત પણ જો અજંતાને પોતાની શાળા ગણવા માંડે તો તેમાં જબરું પરિવર્તન આવે. ‘અજ્ઞાત’ના આ શબ્દોમાં જબરું વજન છે, કારણ વેદકાલીન સંસ્કૃતિનું પીઠબળ આ ચિત્રોમાં સમાયેલું છે.

[કુલ પાન : 69. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : ચિત્રકાર સવજી છાયા. ધનેશ્વરી શેરી, જગતમંદિર સામે, દ્વારકા-361335. (જિ. જામનગર). મોબાઈલ : +91 9879932103]

[poll id=”23″]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પ્રેરક વાંચન – સંકલિત
દાદાજીનો પૌત્રને પત્ર – ડૉ. વર્ગીસ કુરિયન (અનુ. હર્ષદ દવે) Next »   

3 પ્રતિભાવો : રેખાંકનો – સવજી છાયા

  1. thanki nilesh says:

    શ્રી સવજી ભાઈની પીંછી અને કલમનો જાદુ સંમોહિત કરી દે એવો છે. તેમનાં માધવપુર પાસે આવેલા મોચા હનુમાનજીની જગ્યાના શિલ્પકળાના પ્રાચીન અવશેષોનાં ચિત્રો/રેખાંકનો પણ એટલાં જ સબળાં છે. રેખાચિત્રો સાથેનાં સહજ શબ્દચિત્ર રજૂ કરવાની તેમની હથોટી પણ દાદ માગી લે છે.

  2. સવજીભાઈની તો વાત જ નિરાળી છે. કહેવું પડે હો…

  3. Kalidas V. Patel { Vagosana } says:

    સવજીભાઈને સલામ, ચિત્રોને બોલતાં કરવા બદલ.
    કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.